કોલંબસે અમેરિકા, ન્યૂટને ગુરુત્વાકર્ષણ, કોઈકે રૉકેટ, કોઈકે અણુબોંબ – પણ એક શોધ – જીવનનો મર્મ – ચડિયાતી.

જીવન વેગથી વહ્યું જાય છે. એનો ઉદ્દેશ શો? નદીનો ઉદ્દેશ છે ધરતીને ફળદ્રુપ કરતાં કરતાં વિરાટ સાગરમાં ભળી જવું. સૂર્યને પણ ઉદ્દેશ છે પ્રકાશ આપી આપીને આથમી જવું. ફૂલને પણ ધ્યેય છે સુવાસ ફેલાવીને ધરતીની ગોદમાં સમાઈ જવું.

જેને આપણે જડ પદાર્થ માનીએ છીએ તેને પણ ઉદ્દેશ છે-મર્મ છે. ત્યારે માનવજીવનનો મર્મ શો? મનુષ્ય દેહ એ પરમાત્માની મૂલ્યવાન બક્ષિસ છે. રૂપાળા મંદિર જેવો દેહ ભગવાને આપ્યો. પણ આપણાં મંદિરોની શી દશા છે? ચારેકોર ધક્કામૂક્કી, ઘોંઘાટ, ગંદવાડ, એમાં લપસણો ચોક-ને છેક ગર્ભાગારમાં અંધારામાં ભગવાન.

ભગવાને આપણને પ્રકાશ આપ્યો. આપણે એને અંધારામાં કેદ કર્યો. અને દેવનાં દર્શન કરવાં હોય તો વચમાં દલાલ જોઈએ. દક્ષિણા આપીએ તો દલાલ પાછલા બારણેથી તમને પ્રવેશ આપી દે. મંદિર બહારથી આલિશાન લાગે, એની ભીંતો રંગેલી હોય, એને સોનાનો કળશ હોય, બહાર ઝાકમઝોળ અંદર અંધારું.

આપણા જીવનમંદિરની પણ આ જ હાલત છે. બહાર ઝાકમઝોળ અને અંદર અંધારું. દેહની આપણે ખૂબ દરકાર લઈએ છીએ. કીંમતી વસ્ત્રો અને આભૂષણોથી આપણે એનો શણગાર કરીએ છીએ. અત્તર છાંટીને દેહની દીવાલોને મહેકાવીએ છીએ-બહેકાવીએ છીએ. પણ દેહની અંદર આત્મા વસેલો છે, એ તરફ તો ધ્યાન જ જતું નથી.

રવીન્દ્રનાથ ટાગોરે બહુ સરસ વાત કરી છે. જેલની દીવાલોની અંદર એક કેદી છે. જેલની દીવાલોને રંગરોગાન કરવામાં આવે છે પણ જેલની અંદર રહેતા કેદીની કેવી કપરી દશા છે તે કોઈ જોતું નથી. આપણા દેહમાં આત્મા નજરકેદ છે.

પહેલીવાર ખોટું કામ કરતાં આપણને ઝાટકો વાગે છે. એ ઝાટકો શેનો છે? આત્માનો પોકાર છે. પણ આપણે આત્માનો અવાજ દાબી દઈએ છીએ. એને મૂંગો કરી દઈએ છીએ. ભગવાને મૂકં કરોતિ વાચાલમની પદ્ધતિ અપનાવી – મૂગાને બોલતો કર્યો. આપણે બોલતાને મૂગો કરવાની પદ્ધતિ અપનાવી છે.

આ આત્મા – પરમાત્મા ભગવાન જે કહો તે. ભગવાન માણસ વિશે શું ધારતો હશે?

પણ જીવ આ જગતમાં એવો ખોવાયો છે કે ભગવાનને એ જડતો જ નથી. ભગવાન માણસને શોધે છે, એને પોતાનો બનાવવા એ આતુર છે. પણ માણસ ભગવાનથી દૂર ભાગતો જ ફરે છે! માણસને જીવવું છે. પશુ – પક્ષી, જીવ જંતુ બધાંને જીવવું છે. કોઈને મરવું નથી. બધાંને જિંદગી વહાલી છે, ખૂબ વહાલી છે.

પણ જિંદગી શેને માટે છે? જિંદગી જીવવાની અનેક રીત છે. પશુઓ ભૂખ લાગે તો પોતાનાં બચ્ચાંને મારી ખાય છે. જીવવાની આ એક રીત છે.

એક વાર મોટો દુકાળ પડેલો. મા અને એનાં બે નાનાં બચ્ચાં અનાજના એક દાણા માટે તરફડતાં હતાં. અચાનક માને કોઈ ગંધાતા ખુણામાંથી વાસી થઈ ગયેલી ખીચડી જડી ગઈ. મા એકદમ ખીચડી પર તૂટી પડવા માંડી – પણ બચ્ચાં ભૂખ્યાં જોયાં. – ખીચડી એમને કોળિયો ભરીને ખવડાવી દીધી ને ભૂખમરાથી મરણ પામી. જીવન જીવવાની આ બીજી રીત છે.

એક ત્રીજી રીત છે. આ સંસાર માયાવી છે. દેહ ક્ષણભંગૂર છે. સમાજમાં રહેવાથી કશો લાભ નથી. મોક્ષ મેળવવા માટે હિમાલયની ગુફામાં કે કોઈ આશ્રમમાં પલાંઠી લગાવી દઈએ.

જીવન શી રીતે જીવવું? જીવનનો ઉદ્દેશ શો? તેનો મર્મ શો? બહુ મૂંઝવતો સવાલ છે.

માણસ કેટલું જીવ્યો એ મહત્ત્વનો પ્રશ્ન છે કે કેવી રીતે જીવ્યો? તે પ્રશ્નનું મૂલ્ય છે.

જીવન એ તો ભગવાનની અમૂલ્ય બક્ષિસ છે.

કુદરતમાં ભગવાને બેલેન્સ સ્થાપ્યું છે. જીવજંતુ વનસ્પતિ વચ્ચે સંવાદ છે, સમતુલા છે. માણસે એની બુદ્ધિનો બેફામ ઉપયોગ કરીને કુદરતનું બેલેન્સ તોડી નાખ્યું છે.

વિજ્ઞાને મોટી પ્રગતિ એ સાધી કે માણસમાં રહેલી ઈશ્વરશ્રદ્ધાનો નાશ કરી નાખ્યો. જીવન જીવવા માટે દરેક વ્યક્તિને કોઈક ટેકો, કોઈક આલંબન જોઈએ છે. ઈશ્વરનો ઈન્કાર થઈ ગયા પછી શ્રદ્ધાનો ટેકો જતો રહ્યો. એક શ્રદ્ધા તૂટી – નવી શ્રદ્ધા માટે શું? માણસ બીજા વિશ્વયુદ્ધ પછી બાવરો બાવરો ફરે છે. એ દિશાશૂન્ય બની ગયો છે.

યંત્રો માણસે શોધ્યા. એ યંત્રોનો સ્વામી બનવા જતાં ગુલામ બની ગયો. દરેક વસ્તુ માટે મંત્ર. એક ઈશ્વર ગયો ને વિજ્ઞાને હવે નવો પરમેશ્વર સ્થાપ્યો છે – કૉમ્પ્યુટર.

એક મૂર્તિપૂજા ગઈ. નવી, મૂર્તિપૂજા આવી.

યુરોપ અમેરિકાની સંસ્કૃતિ વિકાસના શિખરે – પણ સહુથી વધારે ગાંડાઓ ત્યાં. ખૂન, આપધાતના આંકડા જોઈને અજાયબ થઈ જવાય.

અશ્વત્થામાની જેમ તેઓ નિરુદ્દેશ ભટકે છે. – ઝાંઝવાના જળની પાછળ દોડે છે. જીવન જીવવા માટે કોઈ હેતુ નથી. જીવનનો મર્મ તે પામ્યા નથી. એટલે તો ત્યાં હીપ્પી ને બીટલ્સ ને ટેડી બોઈઝની જમાતો નીકળી છે. જીવનના માર્ગની શોધ માટે યોગ અને ભક્તિમાં રસ પડવા લાગ્યો છે. અમેરિકામાં રાધાકૃષ્ણની ધૂન ચાલવા માંડી છે. સ્વામી વિવેકાનંદનો પ્રભાવ પ્રજામાનસ પર વધવા માંડ્યો છે.

પણ માણસ આજે જીવનનું નિશાન ચૂકી ગયો છે. કુદરતને ભૂલી ગયો છે. આપણા ઋષિમુનિઓએ કુદરતમાં દિવ્યતાનું દર્શન કર્યું હતું. એમને ખુલ્લું આકાશ, નદીનો કિનારો, સૂર્યોદય, સૂર્યાસ્ત જોવા મળતાં હતાં.

માણસ આંખ મીંચીને દોડ્યો જ જાય છે. ક્યાં જવું છે એની તેને ખબર નથી. એ ભવના રણમાં ભૂલો પડ્યો છે. એનું અસલ સ્વરૂપ જ એ ભૂલી ગયો છે.

આવું જીવન છે. વેગથી વહી જાય છે, એને કઈ દિશામાં વાળવું છે? કોઈ ધ્યેય છે! જીવન પામ્યા પણ શા માટે? એનો મર્મ શો?

દુનિયા પ્રેમ પર ચાલે છે. પ્રેમ એ જ પરમેશ્વર છે. માણસ કશાક તત્ત્વથી વિખૂટો પડી ગયો છે. જીવનમાં અખંડપણે એની ખોજ કરવાની છે. એ તત્ત્વ છે પ્રેમ.

પ્રેમના કાચા તાંતણે સહુ કોઈ બંધાય છે. નરસિંહ, મીરાં, બુદ્ધ, મહાવીર, ગાંધીએ – ઈસુએ પ્રેમનો જ મહિમા કર્યો છે. પ્રેમ એટલે કરુણા. માતા બાળકને પ્રેમ કરે છે. પત્ની કુટુંબને પ્રેમ કરે છે. પ્રેમનું પુષ્પ હૃદયના ઉદ્યાનમાં ઉગવું જોઈએ.

પ્રેમ ધીમેધીમે વિશાળ બનતો જાય. વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી. પ્રેમ બંધાય તો ગંધાય. કુટુંબના ખાબોચિયામાં પ્રેમને લીલ બાઝે. સમાજના સરોવરથી પણ વિશેષ – દેશપ્રેમથીય આગળ – વિશ્વપ્રેમ ને અંતે પરમ પ્રેમ એટલે પરબ્રહ.

Total Views: 247

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.