શું બાહ્ય ત્યાગ સુધ્ધાં ક૨વો જરૂરી છે? માત્ર માનસિક ત્યાગ બસ નથી? અમારો અભિપ્રાય એવો છે કે આંતરિક ત્યાગ બસ નથી. તેનું એક કારણ દેખીતું છે. આપણો બાહ્ય વ્યવહાર અને વર્તન આપણા વિચારો અને હેતુઓનું પ્રગટરૂપ છે. જો આપણે પ્રામાણિક હોઈએ તો, જ્યારે આપણે આંતરિક ત્યાગ કરીએ ત્યારે તે બાહ્યરૂપે પણ વ્યક્ત થવો જોઈએ.

જેના મનમાં કોઈ સંસા૨ નથી, કુટુંબ નથી, તેમને માટે તેમનું બાહ્ય અસ્તિત્વ નથી. તે ઈશ્વરની ઈચ્છાના પવન સાથે ઉડતા એક સૂકા પાંદડા જેવો બને છે. તે નિશ્ચિત વ્યક્તિઓ કે સ્થળોના ઝૂમખાની વળગણ સિવાય અનાસક્ત બનીને જગતમાં વિહાર કરે છે. તેને કોઈ ઘર હોઈ શકે નહિ. જો આપણે આંતરિક અને બાહ્ય વચ્ચે કોઈ ભેદ જોઈએ, વિચાર અને વર્તન વચ્ચે અંતર જોઈએ તો આપણે જાણીએ કે ક્યાંક આંતરિક ત્યાગમાં કચાશ છે, તે હજુ સંપૂર્ણ અને પ્રામાણિક નથી.

પરંતુ આ આદર્શ ત્યાગ છે. આપણે સ્વીકારવું જોઈએ કે દુનિયામાં એવી વ્યક્તિઓ છે કે જે મનમાં અનાસક્ત છે, જો કે તેઓ હજુ સંસારમાં છે. તેમની સંખ્યા અત્યંત અલ્પ છે, અને એક સામાન્ય નિયમને બદલે તેમને વધુ તો અપવાદ ગણવા જોઈએ. રાજા જનકની સંખ્યા વધુ હોય નહીં. આપણે તેને આપણા આદર્શ તરીકે રાખવા ન જોઈએ કેમકે તેને અનુસ૨વા અને તેમાં આરૂઢ થવાનું અત્યંત મુશ્કેલ છે. આપણે સફળતા કરતાં અવાર-નવાર વધુ નિષ્ફળ જઈશું. જો બની શકે તો આપણે સામાન્ય અને કુદરતી એટલે કે આંતરિક અને બાહ્ય ત્યાગ બન્ને સ્વીકારવા જોઈએ. પરંતુ જો આપણે એવા સંયોગોમાં હોઈએ કે આપણે વિધિસર ત્યાગ કરી શકતા નથી તો આપણે જનકનો આદર્શ સિદ્ધ કરવા પ્રયત્ન કરવો જોઈએ, પછી ભલે તે ગમે તેટલો મુશ્કેલ કેમ ન હોય, કેમકે આપણી પાસે બીજી કોઈ પસંદગી નથી.

આપણે અહીં માત્ર તેમની જ વિચારણા કરીશું કે જેઓ ત્યાગ કરી શકે છે. શું તેમને માટે બાહ્ય રીતે ત્યાગ કરવો જરૂરી છે?

જો આપણને ખાતરી થઈ હોય કે આપણું એક માત્ર લક્ષ મનને પૂરેપૂરું વિષયભોગની ઈચ્છામાંથી મુક્ત કરવાનું છે તો આવી મનોદશા હોય ત્યારે આપણે એ ઈચ્છિત વિષય પદાર્થો કે વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ. આપણે શારીરિક રીતે સમાજ, કુટુંબ અને સ્ત્રીઓ તથા બાળકોના સંગથી દૂર થઈ જવું જોઈએ. આખરે, ગામડાંઓ અને શહેરો, નગરો વિષય ઉપભોગ દ્વારા મનોરંજન મેળવવાનાં સૌથી વધુ અધમ સ્થાનો છે. – અમે આ શબ્દનો વિશાળ મર્માર્થની દૃષ્ટિથી પ્રયોજીએ છીએ. આ સ્થાનોમાં લગભગ બધાં નર-નારીઓ જાણતાં કે અજાણતાં, સ્થૂળ રીતે કે સૂક્ષ્મ રીતે વિષયાનંદ શોધતાં હોય છે. તેમની સાથેનો કે વિષયભોગના વ્યક્તિ કે વિષયો સાથેનો સતત સંગ અજાણતા પણ મનને વિષયાનંદ કે વિષયભોગની નીચલી સપાટીએ ખેંચી જાય છે. આત્મ-સાક્ષાત્કાર કરવા ઈચ્છતા સાધક માટે સારામાં સારો માર્ગ એ છે કે સંસારીઓના વસવાટોથી અલગ થઈ જવું અને તેમનાથી અલગ વસવાટમાં રહેવું. જેમણે ક્યારનોય સંસાર ત્યાગ કર્યો હોય તેમના સત્સંગમાં રહેવું જોઈએ. અને મુખ્યત્વે આધ્યાત્મિક હોય તેવી પ્રવૃત્તિઓ અને પદાર્થો સાથે જ સંબંધ રાખવો જોઈએ.

સંસારમાં રહેવું અને તેમ છતાં ત્યાગની ભાવના કેળવવી એ શક્તિનો પ્રચંડ વ્યય છે અને મોટેભાગે નિષ્ફળતામાં પરિણમે છે. એક સતત સંગ્રામ ચાલે છે. જો મન હંમેશાં તેના ઈચ્છિત ભોગ પદાર્થો કે ભોગી વ્યક્તિઓ સાથે સંસર્ગમાં આવ્યા કરે તો મન તેને ભોગવવાની હલકી ઈચ્છાઓથી ડગી જશે અને મનને એક સલામત સપાટી સુધી સતત પાછું ખેંચ્યા કરવું પડશે. આ અનંતલીલા ચાલ્યા કરશે – મનનું નીચે લપસી પડવું અને તેને ઉપર ખેંચ્યા કરવું. જે શક્તિ ઈશ્વરના સાક્ષાત્કાર પાછળ ખર્ચવી જોઈએ તે મનની ચોકી કર્યા કરવા પાછળ ખર્ચાઈ જશે. પરિણામે આઘ્યાત્મિક પ્રગતિ બહુ અલ્પ થશે. મન સાથેનો સંઘર્ષ એ ભયંકર મગજમારીનું કામ છે. મન સાથેનો સતત સંગ્રામ માનસિક અસ્થિરતા પેદા કરે છે, અને આ ખતરનાક છે. જો આપણે સહૃદયી અને ગંભીર હોઈએ તો આપણે સંસારમાંથી બાહ્ય રીતે તેમજ આંતરિક રીતે નિવૃત્ત થઈ જવું જોઈએ.

આપણે ઘણી વાર ધીર-ગંભી૨ સંસારીઓને મળીએ છીએ, જેઓ વિષય-વાસનાથી ચલિત થતા નથી, અને સ્વસ્થ દેખાય છે. કોઈ કોઈ ખરેખર ઉચ્ચ રીતે વિકસિત બન્યા હોય છે. પરંતુ અમે કહ્યું તેમ તેઓ અપવાદરૂપ હોય છે. ઘણાખરા, જેઓ શાંત દેખાય છે તેઓ ખરેખર તેવા શાંત હોતા નથી. સર્વ પ્રથમ બાહ્ય દેખાવો ઘણું ખરું ભ્રામક હોય છે અને બીજું તેઓ બાહ્ય રીતે શાંત દેખાય છે તેનું એક મનોવૈજ્ઞાનિક કારણ છે. તે એ છે કે તેમને સતત અંતઃચેતના હોય છે કે વિષય ઉપભોગના પદાર્થો કે વ્યક્તિઓ તેમના હાથમાં છે. આ કબજા – હક્કની લાગણી સ્વાભાવિક રીતે જ મનને શાંત રાખે છે. દિવસના ૨૪ કલાકની એકેએક પળે તેમનો ઉપભોગ કરવા તેઓ માગતા નથી, પરંતુ દરેક પળે તેઓ હાથવગા રહે તેવું તેઓ ઈચ્છે છે. દેખીતી રીતે શાંત દેખાતા મનુષ્યની પાસેથી તેમના વિષયઉપભોગના પદાર્થો કે વ્યક્તિઓને ખસેડી લ્યો અને તમે જોશો કે તેણે તેના મનની શાંતિ ગુમાવી છે, તેનો સ્વભાવ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.

જ્યારે તમે ત્યાગ કરો ત્યારે તમારું મન અસામાન્ય રીતે વિષયઉપભોગની બાબતમાં લાગણી પ્રધાન બની જાય છે. તમે સંસારમાં હતા તે કરતાં વિષય ઉપભોગની ઈચ્છાઓ ઘણી વધુ બળવાન અને વધુ વિકરાળ જણાય છે. તેઓ તેમની સમગ્ર ગુપ્ત શક્તિ અને વિકૃતિ સાથે હાજર થાય છે. તે પછી જ ખરી લડાઈ શરૂ થાય છે. અને તમારે તે જીતવાની હોય છે. સંસારમાં આ સૂક્ષ્મ આકારોને દેખાદેવાનો કોઈ પ્રસંગ કે તક ભાગ્યે જ હોય છે કેમકે તે તેનાં સ્થૂળરૂપોમાં ક્યારનાય વ્યાપેલા હોય છે. આપણે ઘણું-ખરું આપણી જાતને, આ સ્થૂળ ઈચ્છાઓને કેવળ ઓછી કરીને ઈચ્છાઓ ઉપર વિજય મેળવવા બદલ આપણી જાતને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે આપણે જાણતા નથી કે મનના અચેત વિસ્તારોમાં સુક્ષ્મ ઈચ્છાઓ જંગલી જનાવરોની જેમ છુપાયેલી હોય છે. બાહ્ય ત્યાગ તેમને જાગૃત સપાટી ઉપર લાવી મૂકે છે. અને તે પછી જ તેમની સાથે લડી શકાય છે તેમને જીતી શકાય છે.

આપણે બાહ્ય ત્યાગ કરવો જોઈએ તેનું આ એક માત્ર કારણ નથી. ઈશ્વર-સાક્ષાત્કારની ઈચ્છા રાખતા દરેક મનુષ્યને કેટલાંક આદર્શો અનુસ૨વા અને તે આદર્શોને વ્યવહારમાં ઉતારવા પુરુષાર્થ ક૨વો પડે છે કેમકે તેઓ સ્વયં ઈશ્વરના દર્શકો છે. આપણે સંપૂર્ણપણે નિઃસ્વાર્થી બનવું પડે છે. આપણે વિશ્વપ્રેમ સાક્ષાત્ કરવો જોઈએ અને તેનો અમલ કરવો જોઈએ. આપણે નિડર અને સત્યનિષ્ઠ બનવું જોઈએ. દિવ્ય સાક્ષાત્કાર માટે આ બધી અનિવાર્યતાઓ છે. આ બધું બન્યા સિવાય આપણે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની આશા રાખી શકીએ નહીં. પરંતુ સંસારમાં રહીને શું આપણે સાચોસાચ નિઃસ્વાર્થી બની શકીએ? એક ગૃહસ્થ-સંસારી દાન-ધર્મ કરે. પરંતુ તેની સર્વશ્રેષ્ઠ શક્તિઓ અને સાધનો તેને નિશ્ચિત રીતે પોતાનાં માતા-પિતા, પત્ની, સંતાનો, સ્વજનો અને મિત્રોની સેવામાં વાપરવા પડે છે. સંસારીના દૃષ્ટિકોણથી આવી પસંદગીનો ક્રમ એક કર્તવ્ય છે અને ઠપકાપાત્ર નથી. તો પણ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા જે ઝંખે છે તેના વધુ ઉચ્ચ દૃષ્ટિબિંદુથી જોતાં માનવીનાં સમગ્ર કર્તવ્ય તેમાં સમાઈ જતાં નથી. સ્વજનો અને પરજનો વચ્ચેનો કોઈ પણ ભેદભાવ અજ્ઞાન અને સ્થૂળ આસક્તિમાંથી જન્મે છે અને દિવ્યજ્ઞાનનો વિરોધાભાસ કરે છે.

આ ભેદભાવ દૂર કરવા આપણાંમાં હંમેશાં ઉત્કંઠા રહેતી હોય છે. જે આ અંતઃપ્રેરણાને પોતાનું સમર્પણ કરે છે તે આખરે સંસારને છોડી દે છે. – સંસાર ત્યાગ કરે છે. પરંતુ મોટાભાગના માણસો પોતાના અંતઃકરણનો અવાજ તેમના પોતાના સ્વાર્થમાં ડૂબાડી દે છે. તેઓ તેમનો મોટાભાગનો સમય તેમનાં સ્ત્રી, સંતાન અને કુટુંબીજનોમાં ગાળે છે. અને તેમનાં કુટુંબીજનો સિવાય દુ:ખમાં પડેલા લાખો માણસોની સહેજે ચિંતા કરતાં નથી. આવા જીવનમાં ઈશ્વર-સાક્ષાત્કારની વાત તો એક બાજુએ રહી પરંતુ આંતરિક ત્યાગ સુધ્ધાં કેવી રીતે શક્ય બને? સંસારી – ગૃહસ્થ કદી વિશ્વપ્રેમ આચરી શકે નહીં. તેની જીવન પદ્ધતિ જ એક વિરોધાભાસ છે. બધાંને પ્રેમ કરવો હોય તો બધાંની સેવા એક સમાન રીતે કરવી જોઈએ. એક ગૃહસ્થ ગમે તેટલો આધ્યાત્મિક હોય તો પણ આમ કરી શકે નહીં.

આધ્યાત્મિકતા વસ્તુના સાચા મૂલ્યાંકન સિવાય આવી શકે નહિ. આપણે મૂલ્યોને ગૂંચવી નાખીએ છીએ. એક ઋષિ કે દ્રષ્ટા જાણે છે કે આ સંસાર અસાર છે, તે નિરર્થક છે, મિથ્યા છે અને ક્ષુલ્લક છે. તેના ભપકા, વૈભવ, તેના લોક સમૂહો, તેની સ૨કારો, તેની સત્તાઓ, શૂન્યવત્ છે. આપણે આ જાગૃતિ, ચૈતન્યની સપાટી સુધી વિકાસ ક૨વો જોઈએ. જો આપણે આધ્યાત્મિક બનવા ઈચ્છતા હોઈએ તો, મુક્તિની આપણને તીવ્ર ઝંખના હોવી જોઈએ. આપણને કદી એમ થવું ન જોઈએ કે આપણે કોઈ પદાર્થ કે વ્યક્તિ સાથે બદ્ધ છીએ – આસક્ત છીએ. સંપૂર્ણ મુક્તિ તે આદર્શ છે. શું કોઈ સંસારી કદી આ લાગણી રાખી શકે અને તેને સાક્ષાત્ કરી શકે? ના, તે થઈ શકે નહીં. જે ક્ષણે મનુષ્ય પદાર્થો કે વ્યક્તિઓમાં કોઈ મૂલ્યનું આરોપણ કરે, જે ક્ષણે તેમની ઉપર પ્રભુત્વ ધરાવવા તેને ઈચ્છા થાય તે જ ક્ષણે તે સમાજ, સરકાર, પ્રણાલિકાઓ, રીતરિવાજો અને ગંદી નિંદાની સત્તા નીચે આવે છે.

પોતાને જે સાચું લાગે તેમ કરવા તે હવે સહેજ પણ સમય માટે મુક્ત નથી. પોતાના અંતઃકરણને બદલે બીજી સત્તાઓનું શરણ તેણે લેવું પડે છે. તેનાં વિચારો, વાણી અને કર્મોમાં તેણે સંપૂર્ણ સાવચેત રહેવું પડે છે કે જેથી તેના કુટુંબનાં તેનાં સગા-સંબંધીનાં, તેનાં મિત્રોનાં અને સમાજનાં હિતોને સહેજ પણ જફા પહોંચે નહિ. કેવળ એક માત્ર સત્યનું પાલન કરવું તેને માટે અશક્ય બને છે. તે સમાજની દુશ્મનાવટ ત્યારે જ કરી શકે કે જ્યારે તેવા બીજા સમાજના સંરક્ષણની તેને ખાતરી હોય. સાચી મુક્તિ, સાચી નિર્ભયતા અને સાચી સત્ય-નિષ્ઠા, કુટુંબ કે ભૌતિક મિલ્કતોમાં બંધાયેલા હોય તેવા કોઈને પ્રાપ્ત થઈ શકે નહિ. એક માત્ર સંન્યાસી જ તે ધરાવી શકે. આમ કહેવાનો ભાવાર્થ એ નથી કે બધા સંન્યાસીઓ આમાં સફળ જ થાય છે. પરંતુ તે પ્રાપ્ત કરવાની તેમને તક હોય છે. જ્યારે આવી તક સંસારીઓ તે સાક્ષાત્ કરવા ઈચ્છતા હોય તો પણ મળતી નથી. આ સદ્ગુણો સતત સાધના દ્વારા સંન્યાસી હોય કે સંસારી હોય તે પણ મેળવી શકે છે.

અને આ બધા ઉપરાંત ચંચળ અને તોફાની મનના વિજય માટે અને દુષ્કર માયાના પરાજય માટે પ્રચંડ શક્તિ જરૂરી છે. ત્યાગ સિવાય આ શક્તિ કદી પ્રાપ્ત થઈ શકે નહિ. કેવળ મુક્તિ જ આ શક્તિ આપે છે. મન સંપૂર્ણપણે મુક્ત થવું જોઈએ. તો જ શક્તિમાન બનાય છે. આ મુક્તિ આઘ્યાત્મિક સાધક માટે એટલી બધી મૂલ્યવાન છે કે તેમનો એક ભક્ત નોકરીમાં જોડાયો ત્યારે શ્રીરામકૃષ્ણ તેમના હૃદયની ભીષણ વેદનાને લઈને મોટેથી રડી પડ્યા હતા અને કહ્યું હતું કે તેના મૃત્યુના સમાચાર સાંભળ્યા હોત તો પણ પોતાને આટલું દુઃખ ન થાત. ખરેખર આધ્યાત્મિક જીવનનો પૂર્ણ વિકાસ, બાહ્ય ત્યાગ સિવાય અશક્ય છે.

આખરે મારે એક ઉલ્લેખ કરવો જોઈએ કે જ્યાં સુધી ખરેખર ત્યાગ કર્યો ન હોય ત્યાં સુધી ત્યાગનું ખરું હાર્દ કદી અનુભવી શકાતું નથી. પરિણિત હોય કે અપરિણિત હોય પરંતુ જે હજુ સંસારમાં છે (કામ-કાંચનમાં આસક્ત છે) તેવી વ્યક્તિને ત્યાગનું મહત્ત્વ કલ્પનાનાં કોઈ પણ ઉડ્ડયનો બતાવી શકતાં નથી. જ્યારે ગંગા નદીને બીજે કિનારે જઈએ ત્યારે જ આ નવા સ્વર્ગાશ્રમનું દર્શન થાય છે. ત્યાગ કર્યો હોય તે મનુષ્યને જ આ સ્વર્ગ ભૂમિનાં દર્શન મળે છે.

ભાષાંતર: શ્રી યશસ્વીભાઈ મહેતા

Total Views: 113

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.