(સ્વામી અશોકાનંદ (1893-1969) સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદક હતા. ત્યાર બાદ તેઓ અમેરિકાની ‘વેદાંત સોસાયટી ઑફ નોર્ધર્ન કેલિફોર્નિયા’ના વડા હતા. એમના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદે અમેરિકામાં વિતાવેલ દિવસો વિશેની અઢળક લુપ્ત માહિતી પુન: ઉજાગરણ થઈ છે. -સં.)

(૧) સ્વયંને મન દ્વારા ગેરમાર્ગે ન દોરાવા દો. મન તમને કેટલીયે રીતે છેતરી શકે છે—ક્યારેક પ્રત્યક્ષ રૂપે તો ક્યારેક ધર્મના જ નામે ગેરમાર્ગે દોરશે. “હું સંપૂર્ણ રૂપે આધ્યાત્મિક નથી”, એવું વિચારીને તમે ધ્યાન કરવા માટે આનાકાની કરો છો, તે મનનું જ છળ છે. તમારી માનસિક સ્થિતિ જેવી પણ હોય, ભલે તમારું મન નિમ્ન વિચારોથી ભરેલું હોય, પરંતુ ઈશ્વર-ચિંતનનો પ્રયત્ન કરો. હા, એ સંભવ છે કે તમે ઇચ્છાનુસાર ઈશ્વરનું ચિંતન કે એનુું ધ્યાન ન કરી શકો પણ તેથી શું થઈ ગયું? પ્રયત્ન કરતા રહો. બદમાશ ઘોડો ગમે તેમ કરીને પોતાના પર સવાર માણસને પછાડવાની કોશિશ કરે છે, પરંતુ જો સવાર દૃઢતાપૂર્વક જીન પર બેઠો જ રહે તો ઘોડો શાંત થઈ જાય છે અને સમજી જાય છે કે તેને સ્વામી મળી ગયો છે. મન પણ આ જ પ્રકારે વર્તાવ કરે છે. પ્રારંભમાં તો એ તમને વિચલિત કરવાનો પ્રયત્ન કરશે પણ જ્યારે તે જોશે કે તમે વિચલિત થવાના નથી તો તે તમારું ગુલામ બની જશે. આ જ મનનું રહસ્ય છે. આથી તેની સ્થિતિ વિશે ન વિચારો. તેના પર સવાર થવાનો નિશ્ચય કરી લો અને ધ્યાનનો સંકેત આપી દો તો તે સ્વયં પરનો વિજય જ છે.

(૨) ત્યાર બાદ તમે ધ્યાન માટે એક નિશ્ચિત સમય નક્કી કરી લો. મારા મતાનુસાર વ્યક્તિએ ઓછામાં ઓછું બે વખત ધ્યાન કરવું જોઈએ. જો બે વાર શક્ય ન હોય તો એક વાર તો અવશ્ય કરવું જ જોઈએ—કાં તો સવારે અથવા સંધ્યા સમયે.

ભારતમાં અમે લોકો ધ્યાન માટે ચાર મુહૂર્તને યોગ્ય ગણીએ છીએ. એક છે બ્રાહ્મ મુહૂર્ત—સૂર્યોદયથી ઓછામાં ઓછું એક કલાક પહેલાં. એ સમયે પણ અંધારું હોય છે. આ ધ્યાન માટેનો શ્રેષ્ઠ સમય છે. આના વિશે વધુ ચર્ચા પછી કરીશું. બીજું મુહૂર્ત છે મધ્યાહ્નકાળ. શહેરોમાં આ મુહૂર્તથી શું લાભ ઉઠાવી શકાય છે, એ તો હું ન કહી શકું, પણ ગામડાંમાં અને વિશેષ કરીને ઉષ્ણ કટિબંધીય દેશોમાં નિઃસંદેહ તેની ઉપયોગિતા છે. આ સમયે એક પ્રકારની નીરવતા છવાયેલી રહે છે અને પ્રકૃતિ જાણે સ્થિર થઈ જાય છે. એ સમયે ગરમીને કારણે પંખીઓ પણ નીરવ થઈ જાય છે અને પોતાને વૃક્ષનાં પાંદડાંમાં છુપાવી લે છે. મનુષ્ય પણ શાંત રહે છે; મોટે ભાગે તેઓ આ સમયે વિશ્રામ કરે છે અને નિશ્ચિત રૂપે શાંતિનો ભાવ સર્વત્ર છવાયેલો રહે છે. મને તો મારા દેશમાં આવું જ લાગતું હતું. ત્યાં અનેક લોકો આ સમયે ધ્યાન અને ઉપાસના કરતા હોય છે.

ધ્યાન માટે ત્રીજું મુહૂર્ત છે—સંધ્યાકાળ. કમનસીબે આ દેશમાં આ સમયે ધ્યાન કરવું કઠિન છે, કેમ કે તે ભોજનનો સમય છે. જો કે તે ધ્યાન માટે ઉત્કૃષ્ટ સમય છે. જો સંભવ હોય તો ભોજનના થોડા સમય પહેલાં ધ્યાનનો અભ્યાસ કરી શકો છો પણ ભોજન પછી તરત જ ધ્યાન કરવું ઠીક નથી, કેમ કે તેનાથી પાચનક્રિયા પર માઠી અસર પડી શકે છે અને સ્વાસ્થ્ય બગડે છે.

ચોથું મુહૂર્ત છે—મધ્યરાત્રિ. આ દેશમાં રાત્રે બાર વાગ્યે પણ એટલી શાંતિ નથી રહેતી, પણ તેમ છતાં એ સમયે મનુષ્ય એક પ્રકારની નિસ્તબ્ધતાનો અનુભવ કરે છે. જ્યાં પર્યાપ્ત શાંતિ રહે છે, ત્યાં મધ્યરાત્રિ ધ્યાન માટે વિશેષ ઉપયુક્ત છે. ખરેખર તો કેટલાય લોકોનો વિશ્વાસ છે કે ધ્યાન માટે મધ્યરાત્રિ જ સર્વોત્કૃષ્ટ સમય છે.

બ્રાહ્મ મુહૂર્તના ધ્યાનમાં સંધ્યાકાળના ધ્યાન કરતાં કંઈક અધિક વિશેષતા છે. રાત્રિ-વિશ્રામ બાદ મન શાંત હોય છે. મન પર પડેલા આગલા દિવસના બધા સંસ્કારો તિરોહિત થઈ ગયા હોય છે, જેમ કે શાળા છૂટી ગયા બાદ કોઈએ પાટિયું સાફ કર્યું હોય. વળી એ સમયે પ્રકૃતિ પણ નિસ્તબ્ધ રહે છે અને શહેર પણ પૂર્ણ રૂપે જાગેલું અને કોલાહલપૂર્ણ નથી રહેતું. પરિણામે મનને શાંત કરવું પ્રમાણમાં સહેલું લાગે છે. એક અન્ય લાભ એ છે કે દિવસની શરૂઆત કરતાં પહેલાં ધ્યાન કરીને તમે પોતાના મનને આધ્યાત્મિક ગતિ અને દિશા આપી શકો છો. ભલે, દિવસ ચઢતાંની સાથે તે આધ્યાત્મિક શક્તિ અને ઉત્સાહ થોડો ઓછો થતો લાગે છતાં કેટલાય કલાકો સુધી તે શાંતિ જળવાઈ જ રહે છે અને દિવસનો મોટાભાગનો સમય તે તમને ઉત્સાહિત રાખે છે.

હું અહીં જણાવી દેવા માગું છું કે કેટલાક લોકો માટે સવાર કરતાં સંધ્યા જ ધ્યાનનો વધુ અનુકૂળ સમય હોઈ શકે. કેટલાક લોકોનો સ્વભાવ જ એવો હોય છે કે તેઓ દિવસ ચઢવાની સાથે વધુ સક્રિય થતા જાય છે. સવારે તેઓ ફક્ત અર્ધજાગૃત હોય છે, પરંતુ સંધ્યા થતાં થતાં તેઓ સંપૂર્ણ રીતે જાગૃત થઈ જાય છે અને તેમની બુદ્ધિ સ્વચ્છ અને તીક્ષ્ણ થવાથી કાર્યક્ષમ થઈ જાય છે. આવા લોકો માટે સંધ્યા અથવા રાત્રિ બેશક ધ્યાન માટે અનુકૂળ સમય સાબિત થશે. ધ્યાન માટે વિશેષરૂપે અનુકૂળ આ ચાર મુહૂર્તમાંથી કોઈ પણ એકનો જો તમે લાભ ન ઉઠાવી શકો તો કોઈ પણ સમય પસંદ કરી, જે તમારે માટે અનુકૂળ હોય તેને દૃઢ નિશ્ચયપૂર્વક વળગી રહો. ધ્યાન માટે ચોક્કસ સમયનું દૃઢતાપૂર્વક પાલન કરવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કેમ કે મન ટેવ પ્રમાણે કામ કરે છે. જો મનને લાગલગાટ કેટલાય દિવસો સુધી એક ચોક્કસ સમયે, એક વિશેષ પ્રકારે વિચારવા અને અનુભવ કરવા માટે ફરજ પાડવામાં આવે તો તે નિશ્ચિત સમય થતાં આપોઆપ જ એ જ રીતે વિચારવા અને અનુભવ કરવા લાગશે. જો આપણે એક નક્કી કરેલ સમયે ઈશ્વરનું ધ્યાન કરીએ તો તે નક્કી કરેલ સમય નજીક આવતાં જ આપણું મન કોઈ પણ પ્રયત્ન વિના ઈશ્વરીય ભાવથી પ્લાવિત થવા લાગશે. અભ્યાસની નિયમિતતાથી મળતો આ કોઈ સામાન્ય લાભ નથી.

(૩) જે રીતે ધ્યાન માટે એક ચોક્કસ સમય જરૂરી છે, તે જ રીતે તેના માટે એક નિશ્ચિત સ્થાન પણ જરૂરી છેે. મંદિરો અને દેવળોનો આ જ એક સૌથી મોટો લાભ છે. લોકો આ સ્થળે ઈશ્વર-ચિંતન કરે છે તેથી ત્યાંની હવા પણ પવિત્રતા અને ઈશ્વરીયભાવથી ભરેલી હોય છે. ત્યાં જવાથી જ મન ઉપર ઊઠી જાય છે. મંદિર કે દેવળનું આ વાતાવરણ તમે તમારા ઘરના ખૂણામાં ઊભું કરી શકો છો, કેમ કે જ્યાં પણ કોઈ વિચારનો પ્રવાહ તીવ્રતાથી અવિરત રૂપે વહેતો હોય, તે સ્થળ એ વિચારનાં સ્પંદનોથી ભરપૂર થઈ જાય છે. એનું કારણ એ હોય શકે કે ભૌતિક વાતાવરણ અને પર્યાવરણ શરીર સંબંધિત હોય છે અને શરીર મનના વિચારો પ્રમાણે સ્પંદિત થાય છે. જો આપણા વિચારો શુદ્ધ હશે તો આપણું શરીર પણ તે શુદ્ધિ પ્રાપ્ત કરશે, જેને આપણે આધ્યાત્મિક સ્પંદન કહી શકીએ. સ્વાભાવિક રીતે જ શરીરના આ પરિવર્તન સાથે બહારનું વાતાવરણ પણ બદલાઈ જાય છે.

આ રીતે ધ્યાન માટે તમે નક્કી કરેલ સ્થાન આધ્યાત્મિક ઊર્જાથી ભરાઈ જશે, તે આધ્યાત્મિક સ્પંદનોથી એવું ઓતપ્રોત થઈ જશે કે જેવા તમે તે સ્થળે પહોંચો તેવું જ તમારું મન ધ્યાનના ભાવથી ભાવિત થઈ જશે. તે જાણે જાદુઈ સ્પર્શથી શાંત થઈ જશે અને તમે એક નિશ્ચિત ઈશ્વરીયભાવનો અનુભવ કરશો. કેટલો મોટો લાભ છે આ! અને આ ચમત્કારિક લાગતું કામ તમે એક સહજ સરળ ઉપાયથી સિદ્ધ કરી શકો છો. તે છે—ઈશ્વર-ચિંતન માટે એક અલાયદું સ્થાન રાખવું અને નિયમિત સમયે ત્યાં ધ્યાનનો અભ્યાસ કરવો.

(૪) જ્યારે આપણે આપણા મનની વાસનાઓ, આવેગો, લાલસા અને કામનારૂપી સૂક્ષ્મ શત્રુઓનું બળ માપીએ ત્યારે જે ઉપાયોની મેં ઉપર ચર્ચા કરી છે, તે બચાવ માટે ખૂબ જ નિર્બળ દેખાય છે. હું તેનો સ્વીકાર કરું છું. જ્યારે હું ગુપ્ત શત્રુ કહું છું તો તેનું તાત્પર્ય એ છે કે આપણામાંથી સર્વશ્રેષ્ઠ મનુષ્યો પણ તેના પ્રભાવથી સંપૂર્ણ રીતે મુક્ત નથી. એવું કહેવાય છે કે માનવી જ્યાં સુધી ઈશ્વરનાં ચરણોને પ્રત્યક્ષરૂપે સ્પર્શ ન કરી લે ત્યાં સુધી તે એના ચંુગલમાંથી પૂરી રીતે છૂટી ન શકે. જેવી રીતે ઠંડીમાં બાગ-બગીચાનાં ઘાસ-પાંદડાં અને સૂકી ડાળીઓ વગેરેને સાફ કરી દેવામાં આવે છે, પરંતુ વસંતની પહેલી વર્ષાથી જ ધરતીમાં પડેલ સૂક્ષ્મ બીજ અંકુરિત થઈ હરિયાળી લાવે દે છે, તે જ રીતે આપણા મનમાં ઘણાં બધાં સૂક્ષ્મ વિચારો, સંસ્કારો અને ઇચ્છાઓ છૂપાયેલાં હોય છે, જે ઉપર ઊઠવા માટે પ્રથમ તકની રાહમાં રહેતાં હોય છે માટે આપણે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. આપણે જાણીએ છીએ કે ખરાબ સંસ્કાર આપણા મનમાં હાજર જ છે અને જો આપણે એને નહીં રોકીએ તો આપણી ચેતના પર સરળતાથી છવાઈ જશે. આપણી સમસ્યા એ છે કે આપણા મનના એક મોટા ભાગને—અને ધીમે ધીમે તેનાથી પણ મોટા ભાગને આપણે કઈ રીતે ખરાબ આવેગો અને કામનોઓના આધિપત્યથી મુક્ત રાખીએ, પરિણામે આપણે એવા મુક્ત મનથી ઈશ્વરનું ચિંતન કરી શકીએ.

જ્યાં સુધી આવી સ્થિતિ પ્રાપ્ત ન કરી શકીએ ત્યાં સુધી આપણી વાસનાઓ અને પ્રતિકૂળ આવેગો પર વિજય મેળવવા શું કરવું જોઈએ? ક્યારેક ક્યારેક એ સીધા આક્રમણથી હારી જાય છે, પરંતુ સામાન્ય રીતે એક બાજુથી આક્રમણ કરવું સારું રહે છે. મનની કોઈ સ્થિતિને જીતવા માટે એના પર સીધો હુમલો કરવાથી લાભને બદલે હાનિકારક સાબિત થાય છે, કેમ કે એમાં મન મોટેભાગે વધુ ફસાય છે. ઉત્તમ તો એ છે કે જે મનઃસ્થિતિને દૂર કરવી છે એનું ચિંતન જ ન કરવામાં આવે. આ મનોવૈજ્ઞાનિક સત્યને યાદ રાખો—જેટલું તમે મનની કોઈ અવસ્થાનું ચિંતન કરશો, તે એટલી જ દૃઢ થતી જશે.

(૫) માનસિક સંઘર્ષ અને વિક્ષેપ થવાનું એક પ્રમુખ કારણ છે, કુસંગ. આમ જો આપણે એમના સંગથી નિર્લિપ્ત રહી શકીએ તો બધા જ પ્રકારના લોકો સાથે હળવું-મળવું ખૂબ જ સારું છે, પરંતુ આવું ક્યારેક જ થાય છે. હું એવી કોઈ વ્યક્તિને નથી ઓળખતો, જે આ પ્રકારે અલિપ્ત રહી શકે છે. આથી આધ્યાત્મિક જીવનમાં સુ-સંગ અને સારા સંબંધોનું મહત્ત્વ ખૂબ જ છે. જો તમે અપવિત્ર લોકોનો સંગ કરો અને ખરાબ આદતોના સંપર્કમાં આવતા રહો તો તમે જે વિચારોથી બચવા ઇચ્છો છો, તેને નહિ રોકી શકો; ઊલટાના તે વધુ પ્રબળ થતા જશે અને અંતમાં તમારા મનને સંપૂર્ણ રીતે દબાવી દેશે.

Total Views: 149

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.