‘ધાર્મિક જીવનની તૈયારી માટે જ્ઞાન, કલા, કર્મ વગેરે જરૂરી છે’-એવા મંતવ્ય પરથી કેટલાક એમ વિચારે કે તે બધાં આધ્યાત્મિક જીવનનાં અનિવાર્ય અંગો છે. પરંતુ એવું તારણ કાઢવું ખોટું છે. ઇંગ્લૅન્ડની પ્રાૅટેસ્ટન્ટ લોકોની સંસ્કૃતિથી જેઓ ખૂબ પ્રભાવિત થયા છે તેવા કેટલાકનું એવું માનવું છે કે મગજ, હૃદય અને કર્મ-એ ત્રણેયનો એકસરખો વિકાસ એ જ આધ્યાત્મિકતા છે. તેઓ માને છે કે જે ધાર્મિક આદર્શાે બુદ્ધિના વિકાસ અને કર્મની શક્તિ પર ભાર નથી મૂકતા તે અધૂરા છે, માત્ર હૃદયનો વિકાસ બહુ ઓછો લાભપ્રદ હોય છે અને તે અસ્વાભાવિક છે. શક્ય છે કે કોઈ એવો અર્થ કરે કે આપણે તેના હિમાયતી છીએ, તેમ માનવું તે ખોટું છે.

ઘણા લોકોને મગજ, હૃદય અને કર્મના સમાન્તર વિકાસની વાત રૂચે. તે તદ્દન સ્વાભાવિક વાત હોય તેવું લાગે. પરંતુ આપણે જેને સ્વાભાવિક કહીએ છીએ તે વાસ્તવમાં સ્વાભાવિક નથી. અગાઉના અનેક જન્મોના સંસ્કાર અને અનુભવોને લીધે આપણે અસ્વાભાવિકને જ સ્વાભાવિક સમજી બેઠા છીએ. ખરેખર કોઈ ધર્મે એવું નથી કહ્યું કે મનુષ્યનો આત્મા ભૌતિક છે અને સીમિત છે. અને એ વાત તર્કસંગત પણ છે કે જે (આત્મા) અભૌતિક અને અનન્ત છે, તે સર્વ પ્રકારની વ્યાખ્યા, સીમાઓ તથા ઇચ્છાઓથી પર હોવો જોઈએ, તેથી અનન્તનો માર્ગ કદી સીમિત ન જ હોય. તેમ છતાં આપણે એટલા ભ્રમ અને મોહમાં રહીએ છીએ કે આપણી પૂર્ણતા વિશેની માન્યતા બહુ અપૂર્ણ અને મર્યાદિત રૂપ લઈ લે છે. આપણે આપણી હાલની સ્થિતિનો વિરોધ કરીએ છીએ તથા આપણી અપૂર્ણતાઓને ગમે તેમ કરી મોટી બતાવી તેને પૂર્ણતામાં ખપાવીએ છીએ.

આવા ભ્રમનો એક દાખલો આ ‘મસ્તિસ્ક-હૃદય અને હાથ’નાં સંતુલનવાળી દલીલ છે. હા, આપણા આધ્યાત્મિક વિકાસમાં જરૂર એવી સ્થિતિ આવે છે કે જ્યાં ત્રણેયનો સમુચિત વિકાસ લાભકારક હોય છે, તથા તે માટે આપણે પ્રયાસ પણ કરવો પડે છે. પરંતુ તેને જ એક ધ્યેય માની લેવું એ આપણા હિતમાં નથી. હવે ‘બુદ્ધિવાદ’ વિશે જોઈએ. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘પંચાંગમાં લખ્યું હોય છે કે અમુક દિવસે બે ઈંચ વરસાદ પડશે. પરંતુ તે પંચાંગને નીચોવશો તો તમને એક ટીપું પણ પાણી તેમાંથી નહિ મળે.’ શ્રીરામકૃષ્ણની આ વાત ખરેખર પ્રસ્તુત વિષયનાં મૂળ સુધી જાય છે. એક દેશનો નક્શો જોવાથી, તે દેશનું મહત્ત્વ સમજાતું નથી. તેમ ઈશ્વરનો વિચાર કરવાથી ઈશ્વરનું વાસ્તવિક દર્શન થતું નથી. ઈશ્વર વિશેની આપણી ધારણા એ કાંઈ ઈશ્વર નથી હોતી. આ બન્ને વચ્ચેનો તફાવત આપણે બહુ સ્પષ્ટ રીતે સમજી લેવો જોઈએ. આપણે એ યાદ રાખીએ કે વિચાર અને બુદ્ધિની પહોંચ તો કોઈ વસ્તુના જ્ઞાનને સુવ્યવસ્થિત કરવા કે સમજવા સુધી જ સીમિત છે, તેને જોવા માટે નહિ. પરંતુ સૌ પ્રથમ તો વસ્તુને જોવી જોઈએ, તે જ સૌથી વધુ જરૂરનું છે. આપણે સ્થૂળ વસ્તુઓને ઇન્દ્રિયો દ્વારા જોઈએ છીએ તથા માનસિક બાબતોનું જ્ઞાન મન દ્વારા મેળવીએ છીએ. પછી તે અંગે મળેલા અનુભવોને વ્યવસ્થિત કરી લઈએ છીએ. તે જ રીતે આપણે આત્માનો સાક્ષાત્કાર આધ્યાત્મિક આંતરદૃષ્ટિથી કરવો જોઈએ. તે જ સાચો ધર્મ છે, તે જ આધ્યાત્મિકતા છે. તેથી બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા એ બે એક જ નથી, બન્ને એકબીજાથી સાવ અલગ છે. આપણે સૌએ સાંભળ્યું છે કે સર જગદીશચંદ્ર બોઝે પ્રયોગો કરીને એ બતાવ્યું કે છોડવાઓમાં જીવન અને સંવેદના હોય છે. તેમના આ પ્રયોગથી આપણને બૌદ્ધિક રીતે ખાત્રી થઈ કે આપણે જેવાં સંવેદનો અનુભવીએ છીએ, તેવાં જ છોડવાઓ પણ અનુભવે છે. તેમ છતાં છોડના આવા અનુભવને આપણે પોતે જોઈ શકતા નથી. તેમ કરવા ઇચ્છતા હોઈએ તો આપણે આપણી ચેતનાને હજુ ઘણી વધારે સૂક્ષ્મ બનાવવી પડે અને વધુ ઊંચા સ્તરે લઈ જવી પડે. આપણે અતીન્દ્રિય જ્ઞાન મેળવવું પડે. નહિ તો ‘છોડવાઓમાં જીવન હોય છે’ એ જ્ઞાન આપણા માટે તો એક બૌદ્ધિક સ્તરનો વિશ્વાસ જ બની રહે છે. આવું બૌદ્ધિક જ્ઞાન મેળવવા માટે તો ફક્ત કેટલાંક સાધનોનો ઉપયોગ જ પૂરતો થઈ રહે છે, પરંતુ તેમનાં સુખ અને દુ :ખ, આનંદ અને પીડા વગેરેની પ્રાણિક સંવેદના અનુભવવા માટે તો આપણને એક નવા જ પ્રકારના જ્ઞાનની જરૂર રહે છે. આના પરથી જ કોરા બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા વચ્ચેનો મહત્ત્વનો તફાવત સમજાશે.

આપણને આ જગત માત્ર ભૌતિક અને માનસિક જ ન દેખાય તેવી ધાર્મિકતા મેળવવા માટે એક નવા જ પ્રકારના જ્ઞાનની જરૂર રહે છે. બુદ્ધિમાં એ શક્તિ છે જ નહિ, તેથી બુદ્ધિવાદ દ્વારા આપણને આધ્યાત્મિકતા મેળવવામાં મદદ ન મળી શકે. તેથી આપણને માલૂમ પડે છે કે ઘણી વાર પ્રકાંડ પંડિતો પણ આધ્યાત્મિક બાબતમાં તો બાળક જેવા અજ્ઞાત હોય છે. બુદ્ધિની સીમા માત્ર દેખાતી વસ્તુઓ સુધી મર્યાદિત છે, જ્યારે આધ્યાત્મિકતા તો દૃશ્ય વસ્તુની પાર જઈને તેના અસલ દૈવી સ્વરૂપ સુધી આપણને પહોંચાડે છે. આમ બુદ્ધિ અને ધર્મ (એટલે કે આધ્યાત્મિકતા) વચ્ચે મૂળભૂત તફાવત એ છે કે બુદ્ધિની પહોંચ વસ્તુઓની સમજ પૂરતી હોય છે જ્યારે ધર્મનો સંબંધ તેના પ્રત્યક્ષ જ્ઞાન સાથે હોય છે. પરંતુ આ પ્રત્યક્ષ જ્ઞાન માત્ર વસ્તુઓના બહારના સ્વરૂપનું જ નથી હોતું, પરંતુ તેના મૂળ તત્ત્વનું હોય છે કે જે હંમેશાં દૈવી હોય છે. બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા વચ્ચે આ બીજો મોટો તફાવત છે.

ત્રીજો તફાવત બુદ્ધિ અને ધર્મ દ્વારા યથાર્થ તત્ત્વ પ્રતિ અપનાવેલ વ્યક્તિગત દૃષ્ટિકોણની ભીતર રહેલો છે. બુદ્ધિ એક જીવન્ત વસ્તુને વિચારના રૂપમાં ફેરવી નાખે છે, જ્યારે ધર્મ તો એક વિચારને જીવન્ત વસ્તુમાં બદલી નાખે છે. બુદ્ધિના મત પ્રમાણે તો ઈશ્વર એક માન્યતા છે, પરંતુ ધર્મને માટે તે આપણો પોતાનો અંતરાત્મા છે. ધર્મની મદદથી આપણે આ સત્ય-વસ્તુને એક અનન્ત ચેતનાયુક્ત શાશ્વત તત્ત્વના રૂપમાં અનુભવ કરવા ઇચ્છીએ છીએ કે જે તત્ત્વ આપણા અત્યારના અનુભવ પ્રમાણે તો આપણને અડધા જડ, અડધા ચેતન એવા સંસારરૂપે દેખાય છે. અને આમાં જ બુદ્ધિવાદ અને ધર્મ વચ્ચેનો સાચો તફાવત સમજાય છે.

જો આધ્યાત્મિકતા એ બુદ્ધિવાદથી આટલી બધી જુદી છે, તો પછી આપણે ધર્મની તૈયારી તરીકે જ્ઞાનપિપાસાની પ્રશંસા શા માટે કરી ? તેનું કારણ સ્પષ્ટ છે. આવા જ્ઞાનની જરૂર વધતે-ઓછે અંશે નકારાત્મક પ્રકારની હોય છે. આપણને જ્ઞાનની જરૂર કોઈ નક્કર પ્રાપ્તિ માટે નથી હોતી, પરંતુ આપણા સ્વભાવના અશુદ્ધ પાસામાંથી મુક્ત થવા માટે હોય છે, જેથી કરીને સૂક્ષ્મતાની અવસ્થા મેળવીને આપણે આધ્યાત્મિકતાને વિકસાવવાનું કામ કુશળતાપૂર્વક અને સફળતાપૂર્વક શરૂ કરી શકીએ. આપણું મન સૂક્ષ્મ થાય ત્યારે તે જ્ઞાન, કર્મ, સમાજસેવા, કલાના અને નૈતિકતાના વિકાસ દ્વારા ઇન્દ્રિયોના ભોગોમાં જ રત નહિ રહે, અને પછી જ તેનામાં આધ્યાત્મિક સત્યો માટે, અનેકતાની ઉપર ઊઠી એકતા પ્રાપ્ત કરવા માટે, લગન જાગશે. પછી એ સમય આવી પહોંચશે કે જ્યારે આપણને જીવનમાં એક નવો માર્ગ લેવા, જીવનને એક નવો જ વળાંક આપવા તથા આપણા જૂના સ્વભાવના દૃષ્ટિકોણને છોડી એક નવા આધ્યાત્મિક દૃષ્ટિકોણને વિકસાવવાની જરૂરત ઊભી થાય છે. હકીકતમાં તો ત્યાં સુધીમાં આપણું મન જ અજાણતાં જ નવા નવા માર્ગાે શોધી લે છે. પોતાની અંદર જ એક નવી દૃષ્ટિ ધીમે ધીમે ખૂલે છે. તે વખતે આપણે જૂની દૃષ્ટિનો સંપૂર્ણ ત્યાગ કરી આ નવી દૃષ્ટિનો પૂરેપૂરો વિકાસ કરીએ એ કામ કરવાનું હોય છે. આ સંસારને પૂરેપૂરો ભૂલી જઈએ. પછી પુસ્તકિયા જ્ઞાન કે બૌદ્ધિક વ્યાયામની કોઈ જરૂર રહેતી નથી. પછી તો કહેવાતી સમાજસેવા, નૈતિક આદર્શાે તથા કલાત્મકતાનો કોઈ હેતુ રહેતો નથી. પછી જરૂર રહે છે માત્ર ઈશ્વરને જાણી તેના પ્રેમરસનું તન્મય થઈ પાન કરી, હંમેશને માટે તેમાં ડૂબી જવાની. આવી સ્થિતિ મેળવવા આપણે ઈશ્વરની ચેતના સિવાયના બીજા તમામ વિચારોને આપણા મનમાંથી ઉખેડી ફેંકી દેવાના હોય છે. પછી મગજ અને હાથના ઉપયોગની પણ કોને જરૂર રહે ? બસ, હૃદય જ ભગવાનનું મંદિર બની જાય છે. બે પ્રેમીઓનાં મિલન માટે તેના કોઈ શાસ્ત્રનું જ્ઞાન જરૂરી હોય છે ? પ્રેમ કરવા માટે શું આપણે પ્રથમ જીવવિજ્ઞાન, શરીરની રચનાનું શાસ્ત્ર તથા શરીર-વિજ્ઞાન શીખવું પડે છે ?

આમ, આધ્યાત્મિકતાની પૂર્ણ અનુભૂતિ માટે હૃદયના મદદગાર તરીકે મગજ અને હાથના ઉપયોગને (કર્મોને) જરૂરી માનવાં એ એક એકપક્ષી અભિગમ ગણાય. એકત્વની અનુભૂતિ કરવા માટે શું કોઈ ખાસ જ્ઞાનની જરૂર હોય છે ખરી ? ત્યાં તો આ સમગ્ર અનેકત્વના જ્ઞાનને કોઈ સ્થાન જ નથી હોતું; દૃશ્યનું જ્ઞાન તો ત્યાં જ ઉપયોગી થાય કે જ્યાં દૃશ્ય જગત હોય. પરંતુ જ્યાં વિવિધ રૂપધારી જગત જ અદૃશ્ય થઈ જાય છે ત્યાં કહેવાતા ‘જ્ઞાન’ની શું જરૂર છે ? આધ્યાત્મિક અનુભૂતિ માટે એવું જ્ઞાન જરા પણ ઉપયોગી થતું નથી. કર્મની વાત કરીએ, તો આપણી હાલની અવસ્થા તથા જ્ઞાનના હાલના સ્વરૂપમાં જ કર્મ થઈ શકે છે. પણ એ અવસ્થા તો આપણા આધ્યાત્મિક અજ્ઞાનને લીધે જ હોય છે. આપણે તો તેની ઉપર ઊઠવાનું છે.

હા, અહીં આપણે સાધનાની ઉત્કૃષ્ટ અવસ્થાની વાત કરી રહ્યા છીએ. પરંતુ વચ્ચેની સ્થિતિમાં તો મગજ અને હાથના ઉપયોગ સિવાય કોઈ કાર્ય થઈ જ ન શકે. આપણે આગળ ઉપર જોઈશું તેમ તેમની પણ જરૂર છે જ. પરંતુ અહીં અમારો પ્રયત્ન એ બતાવવાનો છે કે આપણે જે અવસ્થાએ પહોંચવાનું છે તેનું અસલ સ્વરૂપ કેવું છે? તથા બુદ્ધિવાદ તથા તેના જેવી બાબતોનું ખરેખરું મૂલ્ય શું છે ? એક લાંબા સાધનાકાળ સુધી આપણે આ બન્ને પ્રકારનો ખેલ ખેલવો પડે છે. અંતે જતાં તો તેમનો કશો ઉપયોગ નથી તેમ જાણવા છતાં વધુ ઉચ્ચ આધ્યાત્મિક અનુભૂતિ માટે મગજ અને હાથનો ઉપયોગ કરતા રહેવું પડશે. તેથી આપણે એ સ્પષ્ટ સમજી લઈએ કે સાધનાની ઉચ્ચતમ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી અને ધર્મને ગંભીરતાપૂર્વક ગ્રહણ કરી લીધા બાદ પણ બુદ્ધિના ઉપયોગને સાવ બંધ કરી દેવાનો છે તેમ નથી. તેમ કરવું એ તો નરી મૂર્ખાઈ કહેવાય. ધર્મના નામે મૂર્ખ બનનાર લોકોની સંખ્યા મોટી હોય છે. ‘ઈશ્વરને બુદ્ધિ વડે મેળવી ન શકાય’ એ કથન પરથી, કેટલાક ઝટ દઈને એવો નિર્ણય કરી લે છે કે ધાર્મિક બાબતમાં તર્કની જરૂર નથી તથા મૂઢ બની જવું એ જ આધ્યાત્મિક પ્રગતિનું પહેલું પગથિયું છે. પરંતુ આધ્યાત્મિકતા એમ કહેતી નથી. હા, આધ્યાત્મિકતા કે ધર્મની અનુભૂતિ તો તર્ક કે બુદ્ધિવાદ દ્વારા નથી થતી પરંતુ એક ખાસ આધ્યાત્મિક જ્ઞાનનો આપણામાં વિકાસ થાય તો જ શક્ય છે. પરંતુ આપણે કાયમને માટે એ સ્પષ્ટપણે સમજી લઈએ કે ધર્મનું તાત્પર્ય કે સાર કદીય તર્કવિહીન હોતો નથી. ધર્મના નામે કોઈ અનુચિત તથા મૂર્ખાઈભરી વાત કહે, તો તેને નકામી ગણી આપણે નિર્ભયતાથી તેમનો ઇન્કાર કરવો જોઈએ. પરંતુ તેને ત્યજતાં પહેલાં ધીરજ અને સંભાળપૂર્વક તેની કસોટી કરી લેવી જોઈએ. આમ આપણે એ વાત પર પહોંચ્યા કે બુદ્ધિવાદનો તદ્દન ત્યાગ કરવા માટે હજુ યોગ્ય સમય પાક્યો નથી. તેમ કરવાનો સમય તો ત્યારે આવે છે કે જ્યારે આપણે ઈશ્વર તરફ અસીમ પ્રેમનો અનુભવ કરીએ અથવા તો જે અંતિમ લક્ષ્ય આપણે મેળવવા ઇચ્છીએ છીએ, તેના જ્ઞાનમાં, તેના અસ્તિત્વ તથા તેને મેળવવાના ઉપાયોમાં આપણે દૃઢતાપૂર્વક સ્થિર થયા હોઈએ. જ્યાં સુધી આપણા મનમાં આપણા લક્ષ્ય માટે અતૂટ શ્રદ્ધા બેસી ન જાય, ત્યાં સુધી આધારરહિત તથા ગંભીરતાથી પ્રયાસ કરવો શક્ય નથી. એકબીજાના વિરોધી વિચારો વડે આપણે વિચલિત થઈ જઈએ છીએ.

આપણે કોઈ વાર ગુહ્યવિદ્યા, તો કોઈ વાર બ્રહ્મજ્ઞાન, તો કોઈ વાર અન્ય પ્રકારની સાધનાના ચકરાવામાં પડી જઈશું, તથા બૅડમીન્ટનના કાૅર્ક પેઠે અહીંથી તહીં ફેંકાતા રહીશું. માત્ર જુદા જુદા ધર્મો તથા પંથો પૂરતી આ મુશ્કેલી નથી. સંસારની વિવિધ બાબતો પણ આપણને ચલિત કરી શકે છે. આજના યુગમાં લોકો એટલા બધા સામાજિક, આર્થિક, રાજનૈતિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય કાર્યોમાં ગળાબૂડ ડૂબેલા રહે છે કે જો તેઓ પોતાના ધાર્મિક લક્ષ્યનો તેમની સાથે સરસ મેળ ન બેસાડે તો, આ બધી આકર્ષક પ્રવૃત્તિઓ તેમના ધાર્મિક જીવનના પ્રવાહને રુંધી નાખે છે. તેથી આ બધાં વચ્ચે આપણે સ્વીકારેલા ધાર્મિક ધ્યેય પર બુદ્ધિની મક્કમ પકડ હોવી બહુ જ જરૂરી છે.

આમ બુદ્ધિવાદને આપણે ત્રણ જુદાં જુદાં સ્વરૂપોમાં વહેંચી દઈ શકીએ. ધર્મની શરૂની અવસ્થામાં બુદ્ધિનો વિકાસ બહુ જ લાભકારક છે, કેમ કે તે મનને શુદ્ધ કરે છે. ત્યાર પછીની અવસ્થામાં આપણને લાગે છે કે બુદ્ધિ આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ કરાવી શકવા સમર્થ નથી. તે તો આપણે એક જુદા જ પ્રકારની અનુભૂતિ, આધ્યાત્મિક પ્રજ્ઞા અથવા યોગશક્તિ વડે જ પ્રાપ્ત કરવાં પડે છે. છેવટે તો આપણે બુદ્ધિવાદની નિરૂપયોગિતાને સમજી જઈએ છીએ. તેમ છતાં જ્યાં સુધી આપણે ઈશ્વરના પ્રેમમાં તરબોળ થઈ તેમાં ડૂબી ન જઈએ, ત્યાં સુધી આપણે બુદ્ધિનો વિકાસ કરતા રહેવાનું છે કે જેથી આપણને આપણે પસંદ કરેલા આધ્યાત્મિક ધ્યેયનાં સત્ય અને તેની પ્રાપ્તિની બાબતમાં સંપૂર્ણપણેે દૃઢ વિશ્વાસ બેસી જાય, કે જેથી પછીથી મનમાં કોઈ દ્વિધા ન રહે.

ત્રીજી અને છેલ્લી અવસ્થા એ હોય છે કે જ્યારે આપણું મન પૂરેપૂરું એકાગ્ર થઈ જાય તથા આપણી એકમાત્ર અભિપ્સા, બધાંને ભૂલીને, ઈશ્વરની અનુભૂતિ કરવા તથા તેની સાથે પ્રેમ કરવાની જ રહે. તે વખતે સંસાર અર્થહીન લાગે છે. એવી અવસ્થામાં બુદ્ધિવાદ એક અડચણરૂપ બની જાય છે, અને દુ :ખદાયક લાગે છે.

– ‘આધ્યાત્મિક સાધના’ પુસ્તકમાંથી

Total Views: 511

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.