(રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૧૪ અને ૧૫ નવેમ્બર ૯૪, બેલુ૨મઠ ખાતે યોજાયેલ વિશ્વધર્મ સંસદમાં જૈન ધર્મના પ્રખ્યાત ચિંતક અને પ્રવક્તા અને ઉદ્યોગપતિ શ્રી શશિકાંતભાઈ મહેતાએ જે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું, તે મહાવીર જયંતી પ્રસંગે વાચકોના લાભાર્થે ૨જૂ કરીએ છીએ.)

આ વિશ્વ ધર્મ – સંસદની સફળતા માટે જૈનધર્મ અને જૈન સમાજ વતી હું આપ સૌને ધન્યવાદ અને શુભેચ્છા પાઠવું છું.

‘શ્રીરામકૃષ્ણ પરમહંસની આ પવિત્ર જગ્યામાંથી વિશ્વમાં આધ્યાત્મિક શક્તિનો ફેલાવો થશે’ એવા સ્વામી વિવેકાનંદજીના વિધાનનો આજે અહીં અનુભવ થઈ રહ્યો છે. આ સંસદ “સ્વામી વિવેકાનંદ પુનરાગમન” સમાન બની રહેશે એવી મને પૂરી શ્રદ્ધા છે.

શ્રીરામકૃષ્ણે બધા ધર્મો વચ્ચે સંવાદ પ્રબોધ્યો છે. સ્વામી શ્રી વિવેકાનંદે સમગ્ર માનવજીવનમાં રહેલા એકત્વનો ઉપદેશ આપ્યો છે. સ્વામીજીએ વિશ્વને વેદાંતનો આધ્યાત્મિક સંદેશો પાઠવ્યો છે. આ ઉપગ્રહમાં જીવતા કરોડો માનવીની આધ્યાત્મિક ખોજનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભૌતિક સભ્યતા સામે એક અદ્ભુત પ્રતિક્રાંતિ ડોકાઈ રહી છે. માનવી પોતાની જિંદગી માટે કેવળ સાધનોના બદલે સાધ્યની શોધ કરવામાં પણ સક્રિય બન્યો છે. માનવીના પોતાના ધર્મની, અધ્યાત્મ્ય સાથેના કોઈક જોડાણની આ શોધ છે. એવી આશા છે કે આ શોધથી દરેક મનુષ્યમાં પડેલી ઈશ્વરી શક્તિ અવશ્ય પ્રગટ થશે.

ધર્મના ઈતિહાસમાં આ એક વળાંક બિંદુ છે. ધર્મથી અધ્યાત્મ તરફ આપણા ધર્મો જાય એવી અપેક્ષા છે. જરૂર છે ક્રિયાકાંડ અને સંસ્થાઓના એક અલિપ્ત સાંપ્રદાયિક અસ્તિત્વથી ઉપર ઊઠવાની. આધુનિક સમાજના વૈજ્ઞાનિક મિજાજ સાથે આવી અપેક્ષા જ સુસંગત છે. વિજ્ઞાન અને યંત્ર વિદ્યાએ વિશ્વને એક વૈશ્વિક સમાજનું રૂપ આપી દેવાની સિદ્ધિ હાંસલ કરી છે. હવે ધર્મોનું કર્તવ્ય એ છે કે આવા વૈશ્વિક સમાજને વૈશ્વિક માનવીની ભેટ આપે.

અધ્યાત્મની, વિજ્ઞાનની માફક, એક સર્વ વ્યાપી ભાષા વિકસવી જોઈએ. ઉપદેશ મુજબનું આપણી જિંદગીમાં આચરણ થવું જોઈએ. આચરણહીન ઉપદેશ સાંભળવાની કોઈ જ જરૂરત નથી.

વેદાન્ત એ અધ્યાત્મ વિજ્ઞાન છે. જૈન દર્શન પણ એક અધ્યાત્મ વિજ્ઞાન જ છે. માનવીમાં રહેલી દિવ્યતા અને સર્વ જીવો વચ્ચે રહેલી અતૂટ સંબંધોની સાંકળ – આ દર્શન જે વેદાન્તમાં છે તેની સાથે જૈનધર્મ સંમત છે. જૈનવિચારધારા જીવનને સમગ્રતાથી જુએ છે (હૉલિસ્ટિક લાઈફ). સમાજમાં રહેતા માનવી માટે જૈનદર્શને એક આચારસંહિતા બતાવી છે.

પંચ પર્યાવરણ સાથે સંવાદ યોજવાની તેમાં શિખામણ છે. તેનાથી જ જિંદગીમાં સમ્યક્ ન્યાય અને અંતર્પ્રકાશ સર્જાય છે. આ પર્યાવરણો નીચે મુજબ છેઃ

(અ) પ્રકૃતિ અને સમગ્ર જીવનસૃષ્ટિ સાથે અહિંસા આચરવી અને અનુકંપા ધરાવવી.

(બ) ભૌતિક ઉપલબ્ધિઓથી નિર્મોહી થવું.

(ક) આર્થિક જિંદગીમાં નૈતિકતા કેળવવી.

(ડ) સામાજિક સંબંધોમાં મૈત્રીભાવ સર્જવો.

(ઈ) આપણી સભ્યતા તરફ વફાદાર રહેવું.

જૈન વિચારધારામાં પલાયનવાદ પ્રબોધાતો નથી. સમગ્ર જીવો તરફ આપણું સામાજિક ઉત્તરદાયિત્વ છે. બધા જ જીવોના ભલા માટે આપણે તેથી સતત ચીવટ રાખવાની છે. આ સંદેશ પરહિતચિંતાનો છે. આપણે બધા જ જીવોની સેવા પણ કરવાની છે. આ સંદેશ પરોપકારનો છે. પોતાના સામાજિક જીવનમાં મનુષ્યની આ બેવડી પ્રધાન ભૂમિકા છે.

ઈશ્વરને એકલાને સ્મરી શકાય નહીં. જીવમૈત્રી અને જિનભક્તિ આપણી આધ્યાત્મિક જિંદગીના અવિભાજ્ય અંગ છે. જનસેવા વગરની જિનસેવા માત્ર ક્રિયાકાંડરૂપ ભક્તિ છે. ભગવાન મહાવી૨ વધુમાં કહે છેઃ તમામ જીવો વચ્ચે સંબંધ અને સંલગ્નતા છે. આથી જ આપણે આટલું કરવું જોઈએ:

પ્રકૃતિ તરફ મૈત્રી (પ્રકૃતિ મિત્ર)

સંસ્કૃતિ તરફ મૈત્રી (સંસ્કૃતિ મિત્ર)

સમાજ તરફ મૈત્રી (સમાજ મિત્ર)

રાષ્ટ્ર તરફ મૈત્રી (રાષ્ટ્ર મિત્ર)

વિશ્વ તરફ મૈત્રી (વિશ્વ મિત્ર)

સાચા જૈનની આ જ એક છબી છે: મનુષ્ય, દિવ્ય ચેતના અને પ્રકૃતિ વચ્ચેનુ એક સંયોજન. જૈન વિચારધારાની અસલ તાકાત અહિંસાની ફિલસૂફી અને તેના આચરણના ચુસ્ત લગાવમાં રહેલી છે. જૈન વિચારધારાનું પ્રમુખ વિષય વસ્તુ છે:

અહિંસા – કાર્યમાં અહિંસા

અનેકાંત વિચારમાં અહિંસા

અપરિગ્રહ – સંપત્તિનો અપરિગ્રહ

આ ત્રણ પાયાના ગુણોથી મનુષ્ય દૈવી શિખરને આંબી શકે છે. સમાજ તે ત્રણ ગુણોથી શાંતિ અને સંવાદપૂર્વક જીવી શકે છે.

અહિંસાની જરૂરિયાતમાં બધી જ બાબતો સમાવિષ્ટ છે. સજીવ તેમ જ નિર્જીવરૂપ તમામ જિંદગીની સુરક્ષા ક૨વાની છે. મૂંગી જીવસૃષ્ટિની તે વાચા બને છે. બધી જ જિંદગીઓને હત્યામુક્તિ બક્ષવી. પ્રકૃતિને, તેના વિવેકપૂર્ણ ઉપયોગ દ્વારા, પ્રદૂષણમુક્ત કરવી. સંપૂર્ણતયા શાકાહાર અપનાવવો. ઉચ્ચ આધ્યાત્મિક આચરણ સાથે સાદગીપૂર્ણ જીવન જીવવું. આ છે જૈન ધર્મના પાયાના ઉપદેશ.

માનવ સંસ્કૃતિના અંતિમ બચાવના પાયામાં અહિંસા છે. આપણે ઈતિહાસ તરફ એક બીજી વખત નજર કરીએ. ઈતિહાસમાંથી આપણે જોઈએ કે અહિંસા શું હાંસલ કરી શકે છે. અહિંસાપ્રધાન ચળવળ દ્વારા મહાત્મા ગાંધી ભારત માટે સ્વાતંત્ર્ય લાવી શક્યા. નૅલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકામાંથી રંગભેદને વિદાય આપી શક્યા. યુ.એસ.એ.માં કાળા-ધોળા લોકોમાં સમાનતા માર્ટિન લ્યુથર કિંગ લાવી શક્યા. પોલાંડમાં શક્તિશાળી સામ્યવાદી શાસન સામે અહિંસા દ્વારા લિચ વાલેસાએ સંઘર્ષ કર્યો.

માત્ર એક જ અગ્રેસર વ્યક્તિગત બળ દ્વારા આચરાતી અહિંસાની આ શક્તિ અને તાકાત હોય તો બધા ધર્મો પોતાની શ્રદ્ધા જો અહિંસામાં કેન્દ્રિત કરે અને ભૌતિકવાદ અને ભોગપ્રધાન સભ્યતાને વરેલી આપણી સંસ્કૃતિની સુધારણા માટે કામ કરે તો શું સિદ્ધ ન થઈ શકે?

અનેકાંતવાદ વિચારોની અહિંસા છે. અનેકાંતવાદ આધ્યાત્મિક કે અન્ય કોઈ પણ સ્વરૂપના જ્ઞાનમાં રહેલા વિવિધ દૃષ્ટિબિંદુઓને માન્ય ગણે છે. સત્યના કોઈ પણ અંશ ધરાવતાં બધાં જ દૃષ્ટિબિંદુઓ તેથી અનેકાંતવાદને પણ સ્વીકારે તે યોગ્ય છે. આથી જ અન્ય વિચારધારાઓ પ્રતિ કોઈ પણ અંતિમવાદી અભિગમમાં જૈનધર્મ માનતો નથી.

આધુનિક પરિભાષા મુજબ અનેકાંતવાદ જિંદગીની વિભિન્ન વ્યવસ્થાના દર્શન તરીકે જાણીતો છે. આપણા ઘણા સંઘર્ષો અને અવરોધો માત્ર અયોગ્ય સમજણની જ નીપજ છે. આ સમસ્યાઓનું નિરાકરણ અનેકાંતવાદ છે.

ધનનો અપરિગ્રહ અહિંસાનું વૈયક્તિકરણ છેઃ

જિંદગીની આ સમજણ પાછળ સર્વોચ્ચ ફિલસૂફીનું બળ છે. તમારી પાસે રહેલી સંપત્તિ ખરેખર તમારી નથી. ખરેખર તે ઈશ્વરનું સર્જન છે. તમારી સંપત્તિના ટ્રસ્ટી તરીકે જ તમારી જાતને તમારે સમજવાની છે. યથાશક્ય તેમાંથી દાન કરવું જોઈએ. દાનધર્મમાં જૈન સમાજ હંમેશાં આગળની હરોળમાં હોય છે. કેવળ પરોપકારમાંથી જ સમૃદ્ધિનું સર્જન થાય છે એવી અમારી દૃઢ લાગણી છે.

અપરિગ્રહની ફિલસૂફી માટે આથી જ સાદગીપૂર્ણ જિંદગી આવશ્યક છે. સાધુ જેવા જીવનમાં સરળતાથી આખરે પ્રવેશી શકો તે માટે આવો વર્તમાન ત્યાગપૂર્ણ જીવનનો રસ્તો જ જરૂરી છે. સાધુઓની જીવનવ્યવસ્થા જુઓ – બધી જ ભૌતિક ઉપલબ્ધિઓનો ત્યાગ કરવાનો, જિંદગીની યાત્રા પગપાળે જ કરવાની, ભિક્ષાની ઉ૫૨ દેહ ટકાવવાનો. આ જ છે જિંદગીમાં સંપૂર્ણ અહિંસાનો પૂર્ણ અભિગમ.

આ તબક્કે સ્વામી વિવેકાનંદના એક વિધાનને યાદ કરતાં હું નર્યો આનંદ અનુભવું છું. સ્વામીજીએ કહેલું: “વેદાન્તમાં પ્રબોધેલી અહિંસા અને ત્યાગની ફિલસૂફીને જૈન વિચારધારાએ સંપૂર્ણતા બક્ષી છે.” વર્તમાન સમાજમાં અહિંસા અને ત્યાગવૃત્તિની સખત જરૂર છે.

૧૮૯૪માં સ્વામી વિવેકાનંદે વિવિધલક્ષી કાર્યોનું દર્શન પ્રબોધેલ. અધ્યાત્મના આ દિશામાર્ગોને ઘડવામાં આપણે સહયોગ કરીએ. અતિ નમ્રતાપૂર્ણ ભાવ સાથે કેટલાક દિશામાર્ગોની રૂપરેખા આપ સૌની વિચારણા માટે આ સંસદ સમક્ષ હું મૂકું છું.

૧. ધાર્મિક વિચારધારાઓનું વિશ્વ સંગઠનઃ

બધા જ ધર્મોના પ્રતિનિધિઓની બનેલી એક વિશ્વધર્મસંસદની આપણે સ્થાપના કરીએ. આ ધર્મ સંસદ સામાજિક, આર્થિક તથા રાજકીય સ્તર ઉ૫૨ની વર્તમાન વ્યવસ્થાઓ/સંસ્થાઓ સાથે સંવાદ કરીને, માનવ સમુદાય માટે ઘણી સમસ્યાઓમાં તેનાં રચનાત્મક સૂચનો – સહયોગ આપશે. ધર્મોમાં ડહાપણ, સૂઝબૂઝ તથા શાશ્વત તત્ત્વો આધારિત એક સમાજ વ્યવસ્થા આપવાની શક્તિ છે. વર્તમાન ભૌતિકવાદ, ઉપભોગ પ્રધાન – વિલાસ કેન્દ્રિત જીવન શૈલીનો વિકલ્પ આ સંસદ જગત સમક્ષ આપે. આ સંસ્થા લોકો માટે લોકોથી જ ચાલશે. તેને કોઈ રાજકીય સ્વીકૃતિની જરૂરત નથી.

૨. આધ્યાત્મિક બિરાદરીઃ

આધ્યાત્મિક બિરાદરી બધા ધર્મની વિચારધારાઓના પ્રતિનિધિરૂપ હશે. વિશ્વભરમાં શક્ય તેટલી સંખ્યાનાં ગામો તેમ જ શહેરોમાં આવી બિરાદરીઓ રચાવી જોઈએ. સાધકોની બનેલી આ બિરાદરી અનેક રચનાત્મક કાર્યોમાં યોગદાન આપી શકે. આ બિરાદરીના સાધકો ધર્મની સરહદો ઓળંગી જવા તૈયાર હશે અને બધી જ જિંદગીઓમાં રહેલા એકત્વનું નિદર્શન કરશે, બધી જ વિચારધારાઓ વચ્ચે સંવાદ અને મૈત્રીભાવનું કવચ વિકસાવશે. આ સાધકો સામાજિક ચેતનાને દિવ્ય ચેતનાના સ્તર સુધી ઊંચી ઊઠાવવાનું કામ કરશે. સ્વામી વિવેકાનંદે ખૂબ સાચું કહ્યું છે. “તમે ગમે તે ધર્મમાં જન્મ લીધો હશે પણ તેમાં મરવાનું તમે પસંદ કરશો નહીં.” હું એટલું જ ઉમેરીશ કે આપણે ધર્મોથી ઉપર ઊઠવું પડશે. જિંદગીને અધ્યાત્મના આયામ પૂરા પાડવા પડશે – એક વ્યક્તિ તરીકે અને એક સમાજ તરીકે પણ, અને પછી આપણે એક વિશ્વમાનવ તરીકે તેમાં જ જિંદગીની સમાપ્તિ સ્વીકારીશું. વૈશ્વિક વિચારણા સાથે સ્થાનિક આચરણ આધ્યાત્મિક બંધુત્વ બિરાદરીનો જીવનમંત્ર હશે.

૩. શાંતિના દેવાલયો:

સ્વામી વિવેકાનંદની વાણી સો વરસ પહેલાંની છે. તે વખતે તેમણે ‘ઓમ્’નાં દેવાલયોની વાત કરી હતી; તે દેવાલયોમાં દરેક વ્યક્તિ શાંતિપૂર્વક પ્રાર્થના કરી શકશે. શાંતિ, પ્રેમ, અને સંવાદને ઉછેરવા માટે શાંતિનાં દેવાલયો બને તેટલાં રાષ્ટ્રનાં, બને તેટલાં શહેરો તેમ જ ગામોમાં બાંધીએ.

એક જ શહેર કે ગામમાં રહેતા ઘણા વંશીય સમૂહો માટે માનવ-એકતાનું બળ આ દેવાલયો દ્વારા સર્જાશે. શાંત પ્રાર્થના માનવીની સામાન્ય ચેતનાને દિવ્ય સપાટી સુધી ઊંચી ઊઠાવશે.

૧૮૯૪માં સ્વામી વિવેકાનંદને વિશ્વધર્મ સંસદમાં એકલા જ પગ મૂકવો પડેલો. ૧૯૯૪માં ઠાકુ૨ રામકૃષ્ણદેવના પવિત્ર ધામ તરફ સમગ્ર વિશ્વ મીટ માંડીને બેઠું છે – એ આશાથી કે વિશ્વભરમાં એક આધ્યાત્મિક સભ્યતાનો આવિષ્કાર થાય. રામકૃષ્ણ મઠ આ કાર્યધર્મ હાથ ધરશે એવી અત્રે ઉપસ્થિત વિશાળ પ્રતિનિધિઓની સભાની માગણી છે.

૪. પર્યાવરણ – મૈત્રીયુક્ત સમાજ:

(Eco – Friendly Society)

પૃથ્વી ઉપરના પર્યાવરણની સુરક્ષાને વરેલા બધાં જ બળોને આપણે મજબૂત સમર્થન આપીએ. પ્રકૃતિની સુરક્ષા વિના મનુષ્યની સુરક્ષાનો સંભવ નથી.

પૂર્વ અને પશ્ચિમ બંનેમાં વસતા સમૃદ્ધ સમાજો અને સમૃદ્ધ વર્ગોમાં રહેલા માણસો માટે સાદા જીવનધોરણ ઉપર આપણે ભાર મૂકવો પડશે. બગાડયુક્ત વિલાસી જીવનમાંથી મનુષ્યને મુક્ત કરવાનું બધી જ વિચારધારાઓનું એક સ્પષ્ટ કર્તવ્ય છે. તો જ આપણે સાચી રીતે ગરીબોની સંભાળ લઈ શકીશું. સાદગીપૂર્ણ જીવન જ વિશ્વમાં જેને વધુ જરૂર છે તેવા વંચિતો માટે પૂરતાં સંસાધનો ફાજલ કરી શકશે.

૫. વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે એક સહયોગઃ

વિજ્ઞાન હવે અધ્યાત્મની ભાષા બોલે છે… અને અધ્યાત્મ વિજ્ઞાનની ભાષા બોલે છે તો પછી બંનેએ એક બીજાની નજીક આવવું જોઈએ… સાથે વાત કરવી જોઈએ… સહયોગથી કામ પણ કરવું જોઈએ… એક સાથે ચાલવું જોઈએ… એક સાથે જ પ્રાર્થનામાં જોડાવું જોઈએ.

વિશ્વ ધર્મની વિચારધારાના સંગઠન પાસે એક ખાસ કામ છે વિજ્ઞાનની દુનિયાને જીતી લેવાનું. વિજ્ઞાન અને અધ્યાત્મના સંયુક્ત પુરુષાર્થની જરૂર છે. વિજ્ઞાન અને અધ્યાત્મ બંને ભેગા મળીને આ પૃથ્વી ઉપર દિવ્યતાનું અવતરણ કરાવી શકે.

આપણે સ્પષ્ટ થવું પડશે:

માનવીના અસ્તિત્વ માટે આવશ્યક એવા સનાતન સત્ય અને સનાતન ડહાપણને બળ આપવા માટે જ આપણે અહીં છીએ. અત્યંત બુલંદીથી શ્રી વિવેકાનંદે કહ્યું છે “સત્ય કોઈ સમાજને – પ્રાચીન કે અર્વાચીન સમાજને શ્રદ્ધાંજલિ આપતું નથી. સમાજે જ સનાતન સત્યને શ્રદ્ધાંજલિ આપવી પડે છે. તેનો એક માત્ર વિકલ્પ છે – વિનાશ (મોત)”

પસંદગી આપણે કરવાની છે. જૈન વિચારધારાના પ્રતિનિધિ તરીકે જિંદગીના આ ઉમદા ઉદ્દેશ માટે અમારા સંપૂર્ણ સહયોગનો હાથ અહીં લંબાવું છું.

Total Views: 188

One Comment

  1. Piyush Sadhu August 8, 2023 at 11:32 am - Reply

    Very good concept

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.