(સન ૧૯૫૩ના ડિસે.માં રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી વિમલાનંદજી આન્ધ્રના નેલૂર નગરમાં આવ્યા હતા, ત્યાંની સ્થાનિક કૉલેજ વેંકટગિરિ રાજા કૉલેજમાં વિદ્યાર્થીઓને તેમણે સંબોધિત કર્યા હતા. અત્યંત મનોયોગથી આ વ્યાખ્યાન વિદ્યાર્થીઓએ ગ્રહણ કર્યું. છેલ્લે એક વિદ્યાર્થીએ તેમને મળીને જીવન ઉપયોગી વિશે દિશા-નિર્દેશ આપવા વિનંતી કરી હતી. એ વખતે મહારાજે જે વાતો કહી તે અત્યંત મૂલ્યવાન સમજીને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.)

આ માનવ જીવન ઈશ્વરનું અમૂલ્ય પ્રદાન છે, તેથી વ્યર્થ વિચારો અને નિરર્થક કાર્યોમાં તમારો સમય અને શક્તિ ગુમાવશો નહીં. ઈશ્વરીય પ્રકાશ વિનાનું આ જીવન એક અંધકારમયી રાત્રી સમાન છે. પ્રાણ-પ્રાણેશ્વર જગતસ્રષ્ટા પરમાત્મા પ્રત્યે કદી અવિશ્વાસ ન કરવો. દિવસે દિવસે તેની નિકટ પહોંચવાનો પ્રયત્ન કરતા રહેવું .

એટલું યાદ રહે કે યૌવન એ જીવનની મહાનતમ પ્રાપ્તિઓની તૈયારીનો સમય છે. તેથી હંમેશા અધ્યયન, મનન અવલોકન અને વિશ્લેષણ કરવા તત્પર રહેવું. જે સર્વોત્તમ લાગે તેને જ ગ્રહણ કરતા જવું. સદાયે યોગ્ય અને ભલાઈનાં કાર્યો માટે ઉદ્યત થવું.

હમેશાં પ્રસન્ન રહો. તમારી શક્તિ અનુસાર માતા-પિતા, પરિવારજનો, પાડોશીઓ અને પ્રત્યેક જીવની સેવા-સહાયતા માટે તત્પર રહો. દિનપ્રતિદિન વધુને વધુ સારા બનવાનો પ્રયાસ કરો.

દિનચર્યા

દરરોજ પ્રાતઃ ચાર વાગે પથારી છોડી દો. થોડી વાર ઈશ્વર-ચિંતન અને દિવસભર સારાં સારાં કામ કરવાનો સંકલ્પ કરો. નિત્યકર્મ પતાવો. શીતલ જલથી સ્નાન કરો. પછી એક કલાક ઉપાસનામાં વીતાવો. આસન પર શરીરને ટટ્ટાર રાખીને બેસો. વિચાર કરો કે તમે શુદ્ધ છો- સઘળાં કલુષોથી પર છો. તમારા હૃદય-કમલ પર ઈશ્વર વિરાજમાન છે. ઉપાસનાને અંતે કોઈ ધર્મ પુસ્તકમાંથી પાઠ કરો. તત્પશ્ચાત્ પોતાની માતૃભાષામાં એકાદ ભજન ગાઓ.

દિવસનાં કર્તવ્યોનો આરંભ કરો તે પૂર્વે સંકલ્પ કરો કે “હું દરેક કાર્ય ઈશ્વર પૂજાનો ભાવ રાખીને કરીશ. એ કાર્યને યથાસંભવ ભૂલ રહિત કરવાનો પ્રયત્ન કરીશ. હું કોઈ પણ કામ અધૂરું નહીં છોડું કે જેથી એ વાત મારા સમયનો દુર્વ્યય બને અને અન્ય માટે સમસ્યા પેદા કરે. હું કેવળ એટલા પરિણામની આશા રાખીશ કે જેટલો મેં પરિશ્રમ કર્યો હોય અને જેટલી મારી પાત્રતા હોય. કોઈ વ્યક્તિ શુદ્ધ સ્નેહ ભાવથી અને કશી નૈતિક કે આર્થિક અપેક્ષા વિના કંઈક ઉપહાર આપશે તો જ તેનો સ્વીકાર કરીશ નહીં તો નહીં”

દિવસ દરમ્યાન અધ્યયન, ચિંતન, ઈશ-સ્મરણ, ઘરકામ અને બીજાની સેવા વગેરેમાં વ્યસ્ત રહો. કઠોર પરિશ્રમ કરનારને આરામની જરૂર છે. પરંતુ એવો આરામ તે આળસ કે પ્રમાદનો પર્યાય ન બની જવો જોઈએ. પ્રાયઃ કામમાં વૈવિધ્ય કે પરિવર્તન લાવવાથી જ શરીર-મનને વિશ્રાન્તિનો અનુભવ થઈ જાય છે. સમયના અપવ્યય વિના જ આરામ પણ મળી જાય છે.

શરીર આત્માનું યંત્ર છે. એને પવિત્ર, સ્વસ્થ અને વ્યાયામ, આહાર-વિહાર તેમ જ સંયમ દ્વારા સશક્ત રાખો જેથી કરીને શરીરનો સર્વાધિક ઉપયોગ થઈ શકે. વાસના અને ભૂખને છૂટો દોર દેવો એટલે લાંબે ગાળે શારીરિક અને માનસિક વિનાશ નોતરવો. સદાયે ધૈર્ય જાળવો. કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ પર ક્રોધ ન કરતાં ઉચિત અંતર્દષ્ટિ દ્વારા શાંતિથી-સમતાથી સમસ્યાઓનો ઉકેલ લાવવાની કોશિશ કરો. ફાંકોડી, અસહકારી અને અનુચિત કાર્યોમાં રસ ધરાવતા લોકોથી દૂર રહો. એવા લોકોથી કયારેક ઘેરાઈ જાઓ તો પણ એનો સાથ છોડી દો. સામે ચાલીને એવાઓની નિકટ ન જાઓ. બધા પ્રત્યે સહજ, સ્વાભિમાનયુક્ત કલ્યાણમયી દૃષ્ટિ તેમજ વ્યવહાર રાખો. કોઈના શરીરને ત્યારે જ સ્પર્શ કરવો કે જ્યારે તેમ કરવું બીમારી જેવા સંજોગોમાં બેહદ જરૂરી હોય. ક્યારેય કોઈની સાથે એક જ પથારીમાં ન સૂવું અને કોઈનું એઠું કરેલું ભોજન ન લેવું.

રાત્રિભોજનના બે કલાક પછી જ સૂવા જવું. જ્યારે જ્યારે શક્ય હોય ત્યારે કોઈ સદ્ગ્રંથનું વાચન કરીને જ સૂઈ જાઓ. ઈશ્વરનું ચિંતન કરતાં કરતાં જ નિદ્રાધીન થાઓ. ગાઢ નીંદર આવે ત્યારે જ સૂવાનું કરો નહીં તો વાંચવાનું કે બીજું કંઈ કામ કરો. ઊંઘ પૂરી થતાં જ પથારીનો ત્યાગ કરો. અર્ધનિદ્રા કે જાગતાં જાગતાં પણ પથારીમાં ન પડ્યા રહો.

ઈશ્વર એક જ છે પરંતુ તેનાં નામ અનેક છે. જ્યારે હાથમાં કોઈ જ કામ ન હોય ત્યારે એનું જે નામ તમને ગમતું હોય તે નામનો જપ કરતા રહો. એનાથી મનની શુદ્ધતા જળવાઈ રહેશે.

શક્ય હોય ત્યાં સુધી જમ્યા પછી પાંચ કલાકની અંદર ફરી ન જમો. ભૂખ ન હોય તો માત્ર સ્વાદ તૃપ્તિ ખાતર મોઢામાં કંઈને કંઈ નાખ્યે જવું તે સારું નથી. તમારી જરૂરિયાત મુજબ અને પાચન શક્તિ અનુસાર સ્વચ્છ અને પૌષ્ટિક આહાર જ ગ્રહણ કરો. એકાદશી અથવા દર પંદર દિવસે એક દિવસ માત્ર પ્રવાહી પર રહીને ઉપવાસ કરવાનું આરોગ્યપ્રદ છે.

સઘળાં કામ યોજનાનુસાર કરતાં શીખો. તો તે યથાસમય પૂરાંપ ણ કરી શકાશે. ખાતાં-પીતાં મૌન પાળો. ધ્યાનથી જમો. ભોજનમાં કંઈ નકામો કચરો આવી ગયો હશે તો તમે તેને જોઈ શકશો, ઉતાવળ અને અસાવધાનીથી કરવામાં આવેલું કામ વિફળ થઈ શકે છે, એને બીજી વાર પણ કરવું પડે છે. તેથી તમે જે કંઈ કરો તે ધૈર્ય, સાવધાની અને પૂરી લગનથી કરો. ભાવુક્તાને હમેશા વિચારોના નિયંત્રણ નીચે રાખો. સતર્ક અને સક્રિય બનો. ખૂબ ચિંતન – મનન કરો ને બોલવાનું ઓછું રાખો. કંઈ લખાયું હોય તેને બીજી વાર વાંચો – ચકાસી લો.

કોઈ પણ વખતે દાદાગીરી કરનાર વ્યક્તિને આધીન ન થાઓ. પોતાની જ વિચારશક્તિ અને વિવેકબુદ્ધિથી કામ લો. સૌને સાંભળો પરંતુ તે જ કરો કે જે તમારા વિકાસમાં ઉપયોગી બની શકે તેમ હોય. કોઈને ય મિત્ર બનાવતાં પહેલાં તેને પૂરેપૂરો પારખી લ્યો. વિવેકી અને સજ્જન લોકો સાથે જ સંપર્ક રાખવો. જો એવો સંગ પ્રાપ્ત ન થાય તો મહાપુરુષોનાં જીવન ચરિત્રો અને સદ્ગ્રંથોનું સેવન કરો.

આપણાથી નાના તરફ ઉદારતા, સમવયસ્કો પ્રત્યે ન્યાય, દુર્બળો તથા વયસ્કો પ્રત્યે સેવા અને ઈશ્વરપરાયણ લોકો પ્રત્યે સન્માનપૂર્વક આજ્ઞાકારિતાનો ભાવ રાખો. અહીં જણાવેલા ગુણોને આચરણમાં મૂકો: સમતોલપણું, પવિત્રતા, બ્રહ્મચર્ય, ધૈર્ય, સૌજન્ય, અધ્યવસાય, ઈશ્વરનિષ્ઠા, ગુરુજનો પ્રત્યે આદર, ઉન્નત અભિરુચિ, બધાની મદદ કરવાની તત્પરતા, કોઈ મહાન આદર્શને સિદ્ધ કરવાનો મનોયત્ન, અને અન્યને અસુવિધા ન લાગે તે રીતની પોતાના શરીર મનની સાર સંભાળ.

અહીં જણાવેલા ખતરાઓથી બચો: ચમત્કારો, અંધવિશ્વાસો અને કહેવાતા અદ્ભુત લોકોની તરંગી, અતિશયોક્તિપૂર્ણ દવાઓથી ભોળવાશો નહીં. એમનો વિશ્વાસ ન કરતા.

“એક સાધૈ સબ સધૈ, સબ સાધે સબ જાય.” જે અનેક વસ્તુઓ પાછળ પડે છે તેને એક પણ નથી મળતી. જે દરરોજ એક નવો કૂવો ખોદતો રહે છે તેને એક પણ કૂવામાંથી પાણી નથી મળતું. નિષ્ઠાપૂર્વક એક જ આદર્શ, એક જ કાર્યપ્રણાલી અને જીવનભર માટે એક જ યોજનાને પકડી રાખો. અન્યનું નેતૃત્વ તથા દેશ સુધારવાનો તમારો અહંકાર તમારા આગલા રસ્તાને અવરુદ્ધ ન કરે તેથી એવા નિકૃષ્ટ ભાવોને આશ્રય ન આપો.

ઉપર્યુક્ત પરિકલ્પનાઓ પ્રમાણે જીવન પદ્ધતિ બનાવવાના પ્રયાસમાં તન્મય બનો. દૃઢતાપૂર્વક પોતાના પગ પર ઊભા રહેવાનો નિર્ધાર કરી સર્વોત્કૃષ્ટ જીવન વીતાવો, જેથી બીજાઓ પણ તમારા ઉપદેશ મુજબનું નહીં, પરંતુ તમારા ઉદાહરણ અનુસાર પોતાનું જીવન સુનિશ્ચિત કરી શકે. બીજાની ભૂલો સુધારવાનો સર્વોત્તમ ઉપાય એ છે કે તમે સ્વયં એ ત્રુટિઓથી તમારી જાતને બચાવી લો.

સ્વામી વિવેકાનંદના શબ્દોમાં “શિક્ષણનો અર્થ છે એ પૂર્ણતાને અભિવ્યક્ત થવા દેવી જે પહેલેથી જ દરેક મનુષ્યમાં વિદ્યમાન છે. જે સંયમ દ્વારા ઈચ્છાશક્તિના પ્રવાહને વિકસિત અને નિયંત્રિત કરી શકાય છે – પરિણામલક્ષી બનાવી શકાય છે એને જ શિક્ષણ કહેવાય છે.”

ભાષાંતરઃ શ્રી જ્યોતિબહેન ગાંધી

(‘વિવેક-જ્યોતિ’ વર્ષઃ ૩૨, અંકઃ ૪)

Total Views: 125

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.