જીવનનું ખરેખર કોઈ લક્ષ્યાંક હોય તો તે ઈશ્વરપ્રાપ્તિ છે, ઈશ્વર-દર્શન છે. કેવળ, ઈશ્વર જ વિદ્યમાન છે. તે સિવાય બીજું મિથ્યા છે. આપણી બધી શક્તિઓ ઈશ્વરના સાક્ષાત્કાર માટે ખર્ચાવી જોઈએ. માત્ર તેને વિષે વાતો કરીને કે તેને વિષે તર્ક-વિતર્ક કરીને આપણને આત્મસંતોષ થાય નહિ. જેવી રીતે આપણે ઈંદ્રિયોના પદાર્થોને જોઈ કે ભોગવી શકીએ છીએ, ખરેખર તેવી જ સ્પષ્ટ રીતે આપણે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા ઈચ્છીએ છીએ. પરંતુ આ રીતે તેને સાચેસાચ સાક્ષાત્ કરવાનું કેવું મુશ્કેલ છે! જેમ જેમ આપણે તેને વધુ ઈચ્છીએ છીએ તેમ તેમ તે આપણાથી દૂર ખસતો દેખાય છે. વળી આપણું મન સ્વયં આપણું દુશ્મન છે. જો કે આપણી સભાન અવસ્થામાં આપણને કેવળ ભગવાન જ જોઈએ છે. પરંતુ આપણું મન ઘણું ખરું બીજી કેટલીયે વિષય-વાસનાઓ ખાનગી રીતે ધરાવતું હોય છે, અને તે આપણને અવળે માર્ગે લઈ જાય છે, અને આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે. એટલા માટે તે એક નિત્ય સંગ્રામ છે. વધુમાં બીજા કેટલાંય સાંસારિક કામકાજો અને વ્યવસાયોમાં આપણે રોકાયેલા હોઈએ છીએ. આપણે કેટલાંક સાંસારિક કર્તવ્યોનું પાલન કરવાનું હોય છે. આપણે જીવનનો નિર્વાહ કરવાનો હોય છે અને સામાજિક અને અન્ય કર્તવ્યો પણ બજાવવાનાં હોય છે. જીવનના કેન્દ્રલક્ષી ધ્યેયથી આ બધું આપણા મનને અવળી દિશામાં ખેંચી જાય છે.

અલબત, આપણે વિધિસર સંસાર ત્યાગ કરી શકીએ તો આપણે આમાનાં ઘણાંખરાં પ્રલોભનોથી દૂર રહી શકીએ. જગત આધ્યાત્મિકતાને એટલી બધી મૂલ્યવાન ગણે છે કે ઈશ્વરપ્રાપ્તિ માટે બધાનો ત્યાગ કરી દીધો હોય તેવા માણસોના નિવાસ અને ભોજન પૂરાં પાડવા તે આનાકાની કરશે નહિ. અને અલબત્ત, તેમને માટે કુટુંબનાં અને સમાજનાં સામાન્ય કર્તવ્યો હવે હોતાં નથી. (એનો અર્થ આમ છતાં, એવો નથી થતો કે આપણે માનવીઓની જરૂરિયાતો પ્રત્યે સ્વાર્થી અને ઉદાસીન બની જવું. આપણે સંસાર ત્યાગ કરીને અને આધ્યાત્મિક સાધનામાં તન્મય બનીને સમાજની ભિન્ન રીતે અને વધુ ગાઢ રીતે સેવા કરીએ છીએ.) પરંતુ ખરેખર કેટલા માણસો આવો ત્યાગ કરી શકે? સંસાર ત્યાગનું કર્મ સુધ્ધાં ધારવામાં આવે છે તેટલું સહેલું નથી. અનેક મુશ્કેલીઓ વચ્ચે આવે છે. કદાચ કૌટુંબિક જંજાળો હોય, જેમાંથી છૂટવું વાસ્તવિક રીતે અશક્ય છે. આપણું મન પોતે પણ પૂરતું તૈયાર ન હોય. એટલા માટે, કુદરતી રીતે તેઓને સંસારમાં રહેવું પડે છે, સંસારનાં અનેકવિધ કર્તવ્યોની વચ્ચે ઈશ્વરપ્રાપ્તિ એ જ જીવનનું ધ્યેય છે તેવી ખાતરીઓ હોવા છતાં તેઓને પોતાની અંતરેચ્છા અનુસાર તે કાર્ય સાધવાનું અત્યંત કઠણ લાગે છે.

તેમને આપણે બે વર્ગોમાં સ્વીકારવા જોઈએ: પરિણીત અને અપરિણીત, તે બન્નેના કિસ્સાઓ એક સમાન નથી. સૌ પ્રથમ અપરિણીતની ચર્ચા વિચારણા કરીએ.

હિન્દુ સમાજ અદ્યાપિ પર્યંત સમાજમાં પુરુષો અપરિણીત રહે તેના પક્ષમાં નથી. હિન્દુ સમાજ અપરિણીત પુરુષો પોતાની સમાજની હદ બહાર જાય તેમ ઈચ્છે છે. કાં તો માણસે સંન્યાસી થવું જોઈએ અથવા તો સંસારી ગૃહસ્થ. આ બે ની વચ્ચેની કોઈ સ્થિતિ ઈચ્છનીય નથી. હિન્દુ સમાજનું આવું વલણ ન્યાયની બુનિયાદ વિનાનું નથી. પુરુષમાં જાતીય વૃત્તિ પ્રબળ, અત્યંત પ્રબળ હોય છે અને સમાજની તંદુરસ્તી અને સમાજની શુદ્ધિ ઘણે ખરે અંશે આ વૃત્તિના યોગ્ય નિયમન ઉપર આધાર રાખે છે. સિવાય કે માણસ આધ્યાત્મિક આદર્શોથી પ્રેરિત હોય, જાતીય વૃત્તિને કાબૂમાં રાખવી અતિશય મુશ્કેલ છે, ના, અશક્ય છે. જેઓ આધ્યાત્મિક રીતે રંગાયા ન હોય તેમણે પોતાને ખાતર તેમ જ સમાજને ખાતર લગ્ન કરી લેવાં બહેતર છે. આધ્યાત્મિકતા વિના જાતીય વૃત્તિ એક કે બીજી રીતે તેનો રસ્તો શોધી કાઢશે. એટલા માટે લગ્ન કરીને આ જાતીય વૃત્તિને સંતોષવી તે વધુ સારું છે. કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓથી બચી જવા જે લગ્ન કરતો નથી અને તેમ છતાં વિષયભોગમાં તણાય છે તેના કરતાં વધુ સ્વાર્થી અને ઘૃણાસ્પદ જીવનની ધારણા કરી જ ન શકાય. આવી વ્યક્તિઓ સમાજને માથે શાપરૂપ છે. અને તેની પવિત્રતાને જોખમાવે છે. એટલા માટે જ હિંદુ સમાજ રેઢા-વાંઢા પુરુષોની તરફેણ કરતો નથી. તમે આધ્યાત્મિક આદર્શ ધરાવતા ન હો તો તમારે લગ્ન કરવાં જ જોઈએ. અને જો તમે આધ્યાત્મિક આદર્શવાદ ધરાવતા હો તો તમારે સમાજની બહાર ચાલ્યા જવું જોઈએ અને સંન્યાસી તરીકે રહેવું જોઈએ. તે તમારે અને સમાજને માટે શ્રેયસ્કર છે. તમે પોતે વધુ સારા અને ઓછી કસોટીભર્યા વાતાવરણ વચ્ચે રહેશો અને તમારામાં સમાજ એક પવિત્ર અને તેજસ્વી આદર્શ અને જ્વલંત દૃષ્ટાંત નિહાળશે.

પરંતુ સંયોગો બદલાઈ ગયા છે. સમાજ જે પહેલાં હતો તે હવે નથી. પહેલાં કરતાં આધ્યાત્મિક પંથે વળેલા કે વળવા માગતા અપરિણીતો માટે ઘણો વધુ અવકાશ છે. સેવા માટે ઘણો વધુ અવકાશ છે. આ પહેલાં મોટા ભાગના સામાજિક પ્રસંગો કૌટુંબિક કર્તવ્યોના અંગ રૂપ હતા. તે કર્તવ્યોનું પાલન કરવા કોઈ વિભિન્ન સંસ્થાઓ આવશ્યક ન હતી. માંદાની માવજત, ભૂખ્યાને રોટી અને ગરીબની સેવા કૌટુંબિક કર્તવ્યોના ભાગરૂપ હતી. હવે આ માટે જુદી સંસ્થાઓની જરૂર છે. સમાજ સુધ્ધાં એટલો વિકસ્યો છે કે તેનાં કાર્યક્ષેત્રો ઘણાં વધુ વિશાળ બન્યાં છે. પ્રશ્નો ઘણા વધુ ગૂંચવણભર્યા બન્યા છે. પ્રત્યેક વસ્તુ સંસ્થાકીય સંગઠનની બુનિયાદ ઉપર કરવામાં આવે છે. સંસારી ગૃહસ્થો આ સમૃદ્ધ કામના તનિક અંશને પણ પહોંચી શકે તેમ નથી. એટલા માટે અપરિણીત વ્યક્તિઓને આ સમયમાં સાધુ જીવન અને સમાજ સેવા માટે પ્રચંડ અવકાશ છે. તેઓ માનવ સમાજની ભિન્નભિન્ન રીતે સેવા કરી શકે અને આ માનવ સેવાને સહેલાઈથી આધ્યાત્મિક સાધના બનાવી શકે. હકીકતમાં માનવ સેવા ભગવદ્ ભક્તિના ભાવથી કરવી જોઈએ અને કરી શકાય. સમાજની વચ્ચે રહેતા આજીવન અપરિણીતો માટે આ નવી તકો અનુકૂળ છે.

આવા અપરિણીતો માટે વધુ સારું તો એ છે કે વિધિસર ત્યાગ કરવા માટે તેઓ કોઈ કુટુંબની જંજાળમાં પડે નહિ. તેઓ સંન્યાસ પછી પણ માનવ સેવા ચાલુ રાખી શકે છે. આ રીતે તેમનું સ્થાન વધુ સુદૃઢ બનશે. અને તેમની શક્તિમાં વૃદ્ધિ થશે. પરંતુ તેઓ ત્યાગ ન કરી શકે તો તેમણે અતિઅતિ સાવધાન રહેવું ઘટે, ખાસ કરીને જાતીય વૃત્તિ બાબતમાં.

તેઓએ ચુસ્તમાં ચુસ્ત બ્રહ્મચર્ય પાળવું જોઈએ. દરેક આધ્યાત્મિક બાબતની આ બુનિયાદ છે. તેના સિવાય, બાહ્ય બ્રહ્મચર્ય આપત્તિજનક છે. તે પછી નિયમિત આધ્યાત્મિક સાધના થવી જોઈએ. અને તે પછી માનવ સેવા. આધ્યાત્મિક સેવા એટલે સંસાર, સ્થૂળ શરીર અને મનની નિર્બળતામાંથી મુક્ત થઈને ભગવદ્ભાવમાં ચિત્તને એકાગ્ર કરવું. તે પછી તે ભલે ગમે તે રૂપે થાય- જેમકે, ભગવાનનાં નામ-જપ, ધ્યાન અથવા વિચાર અથવા માનસિક એકાગ્રતા. પરંતુ દરરોજ કોઈ નિશ્ચિત, નિયમિત સાધના કરવી જ જોઈએ. તે સિવાય જનસેવા એક ઢોંગ બની રહેશે અને આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ થશે નહિ. જેઓ ઈશ્વર પ્રાપ્તિ માટે ખરેખર ઝંખે છે તેમના વિષે જ આપણે અહીં વિચારી રહ્યા છીએ. એટલા માટે તેઓ મોટાભાગનો સમય આધ્યાત્મિક ભક્તિ સાધનામાં કુદરતી રીતે ગાળે. તેઓ જનસેવા કે જનસેવા જેવું બીજું કંઈ પણ કરે કે ન કરે તેઓ તેમના દરરોજના સાંસારિક કર્તવ્યોનું પાલન કર્યા પછી બાકીનો બધો સમય આધ્યાત્મિક સાધનામાં ગાળી શકે. પરંતુ જો તેઓ બધો સમય આ રીતે ગાળી ન શકે તો તેમણે બાકીનો સમય જન સેવાનાં કાર્યોમાં ગાળવો જોઈએ. સમાજની વર્તમાન સ્થિતિમાં સેવા કે વ્યવસાય દરેક મનુષ્યના જીવનના એક ભાગરૂપ હોય છે, પછી તે સંસારી (પરિણીત કે અપરિણીત) અથવા સંન્યાસી ભલે હોય. પરંતુ જો આપણે સાંસારિક સંસ્કારોના પ્રભાવનો છેદ ઉડાડવા માગતા હોઈએ તો આપણા જાગૃત જીવનની પ્રત્યેક પળે જે આધ્યાત્મિક સાધના કહેવાય છે તે અત્યંત ખંત અને ચીવટપૂર્વક કરવી જોઈએ. પ્રત્યેક પદાર્થ કે વ્યક્તિમાં એક જ દિવ્ય તત્ત્વને જોવાનો અભ્યાસ તે પણ આધ્યાત્મિક સાધના છે. આ ઘણી જ ઉપયુક્ત સાધના છે. તે માત્ર સાંસારિકપણું દૂર કરે છે, એટલું જ નહિ પરંતુ અત્યંત ઝડપથી આધ્યાત્મિક ચેતનાનો વિકાસ કરે છે.

જ્યારે આપણે કોઈ માણસને મળીએ છીએ ત્યારે આપણે તેને એક માણસ તરીકે જોઈએ છીએ. ત્યારે ખરી હકીકત તો એ છે કે તેને વિષે કોઈ સ્પષ્ટ કલ્પના, ચિત્ર, કે ધારણા હોતી નથી. શું આપણે તેને એક શરીર તરીકે જોઈએ છીએ? ના. આપણે શું તેને એક મન તરીકે જોઈએ છીએ? ના. શું આપણે તેને એક જીવાત્મા તરીકે જોઈએ છીએ? ના. તેના વિષેનો આપણો ખ્યાલ આ ત્રણેયનું ગૂંચવાડાભર્યું મિશ્રણ હોય છે. ખરેખર આપણે તેને એક ચેતન-આત્મા તરીકે જ જોવાની જરૂર છે. પરંતુ આ સહેલું કાર્ય નથી. આપણે જેને માણસ કહીએ છીએ તે વિષેના આપણા ચોક્કસ ખ્યાલો અને દૃષ્ટિકોણ સાથે યુગોથી આપણે આપણી જાતને ટેવી છે. આપણે તેને એક ચોક્કસ આકાર, મન, સારું કે નરસું, પસંદ પડે તેવું કે અન્યથા, અને તેની પાછળ કંઈક અપરિચિત અને અણજાણ તત્ત્વ પડેલું છે, તેમ ગણીએ છીએ. આપણે જો માણસ વિષેના ખ્યાલનું પૃથક્કરણ કરીએ તો આપણે જોઈશું કે તે અચોક્કસ કે અજાણ તત્ત્વ જ ખરેખર સત્ છે. મનની વૃત્તિઓ અને વલણો જાણે કે બાહ્ય આવરણો માત્ર છે. તેમ છતાં આ આવરણો આપણા ખ્યાલમાં પ્રમુખ સ્થાને છે. તે પછી નામ આવે છે.

ધારો કે તમને હિર નામનો મિત્ર મળે છે. આ નામની આસપાસ તમે તેના શરીર, મન અને ચેતનાના નિશ્ચિત ખ્યાલોની ગૂંથણી કરી છે. અને તેને તમે હરિ નામના માણસ તરીકે ઓળખો છો. પરંતુ પૃથક્કરણ કરો. જ્યારે તમે હરિને મળો છો ત્યારે તમે શરીરને મળો છો? તમે ચોક્કસ કહેશો: ના. જો તેમ હોય તો તમે શા માટે તમારા હરિના ખ્યાલ સાથે એક ચોક્કસ શરીરને સંબંધિત કરો છો? તમે સંપૂર્ણપણે જાણો છો કે તે બધું સ્થૂળ પદાર્થ છે. એક વાર તે નાનું હતું તે હવે સંવૃદ્ધ થયું છે. અને તે સતત રીતે બદલાયા કરે છે. તે ઉપરાંત તે અતિ મર્યાદિત છે. પરંતુ તમે ચોક્કસ હો ને એટલી મર્યાદામાં સમાઈ જતા હો તે રીતે વિચારતા નથી. ખરેખર તો તમે એમ વિચારો છો કે તે એક આત્મા છે. તેના મર્માર્થમાં તે ચેતન આત્મા છે – અનંત, શાશ્વત અને આનંદથી પૂર્ણ. તો પછી સ્થૂળ અને સૂક્ષ્મ-શરીર અને આત્મા આ બે તદ્દન વિરોધાભાસી ખ્યાલોને જોડી દેવા તે વિવેકશૂન્યતા નથી? એટલે જ તમે જ્યારે જ્યારે હરિને મળો, ત્યારે ત્યારે તમારી અંતઃચેતનાથી તેના સ્થૂળ શરીરના તત્ત્વ ને બાદ કરવા પ્રયાસ કરો. પ્રારંભમાં તમને ગમે તો તેનો એક મન તરીકે ખ્યાલ કરવા પ્રયાસ કરો. જ્યારે તમે તેની સાથે વાત કે વ્યવહાર કરો ત્યારે તમે એક મન સાથે અને નહિ કે તમે અત્યારે કરો છો તેમ શરીર સાથે વ્યવહાર કરી રહ્યા છો તેવો અનુભવ કરવા પ્રયાસ કરો.

પરંતુ આ તો કેવળ પાશેરામાં પહેલી પૂણી છે. મન સુધ્ધાં બહિર્મુખી છે. તમે જુઓ કે હરિનું મન બાહ્ય સંજોગો કેવી રીતે ફેરવી નાખે છે. બાળપણથી જ માંડીને પાકટ વય સુધી મન કેવી રીતે પરિવર્તન પામ્યું છે અને તે કેવી રીતે પ્રત્યેક ક્ષણે બદલાઈ રહ્યું છે. મનના મિજાજ અનંત હોય છે. તેમાંનો મનોમય મિજાજ ખરેખર હરિ હોય છે. અલબત્ત, તમે કહેશો કે આ બધાં, મિજાજમાં સૌથી વધુમાં વધુ સમય પર્યંત સ્થિર રહે છે અને એટલા માટે જ તેના વ્યક્તિત્વનું તે બંધારણ રચે છે. પરંતુ તમે કદી વિચાર્યું છે કે પેલાં શાશ્વત તત્ત્વો એ ખરેખર શાશ્વત નથી? આપણે હિન્દુઓ પુનર્જન્મમાં માનીએ છીએ. આપણે જાણીએ છીએ કે વ્યક્તિત્વમાં પરિવર્તન થાય છે. તો પછી હરિનું વ્યક્તિત્વ કાયમનું નથી. જો તેમ હોય તો પછી શા માટે નિશ્ચિત મનોવૃત્તિઓને ધરાવે છે તેવી વ્યક્તિ તરીકે હરિનો વિચાર કરવો? શા માટે તેને મન સાથે સંબંધિત કરવો? તેની પાર જાઓ. હવે તમે હરિને શું હોવાનું જુઓ છો? બધી મર્યાદાઓ અને ગુણોથી પર તે શું છે? તે ચિન્મય આત્મા છે. તે સ્વયં ઈશ્વર છે! તમે જેને અદ્યાપિ પર્યંત એક મનુષ્ય હોવાનું સમજતા હતા તે સ્વયં ઈશ્વર છે. શાશ્વત સત્ય સત્ ચિત્ આનંદઘન બ્રહ્મ છે. આ સાક્ષાત્કાર પ્રચંડ છે. તે ક્રાંતિકારી છે. હવે પછી આપણે જ્યારે હરિને મળીશું ત્યારે આપણે તેને શરીર રૂપે કે મનરૂપે અનુભવીશું નહિ, પરંતુ આપણે તેને શાશ્વત આત્મા અને બ્રહ્મ તરીકે અનુભવીશું.

આમ કહેવું સહેલું છે, પરંતુ તેને સાક્ષાત્ કરવું તે અતિ મુશ્કેલ છે. માનવનું નામ અને રૂપ આપણા મનમાં ચોક્કસ ભાવના- લઢણો સાથે ગુંથાઈ ગયા છે, જે આત્મા કે બ્રહ્મના ભાવથી તદ્દન વિરોધાભાસી છે. જે ક્ષણે મન કોઈ મનુષ્યનું નામ કે રૂપ યાદ કરે છે કે તુરત જ પહેલા ખ્યાલો તેની સાથે જોડાઈ જાય છે. આપણે આ સંબંધને નકા૨વાનો છે અને નિર્મૂળ કરવાનો છે અને આપણે મનુષ્યનાં નામ અને રૂપને દિવ્ય પરમાત્માના ભાવ સાથે સંબંધિત કરવાનો છે.

તે અત્યંત સખત સંઘર્ષ છે. પ્રત્યેક સમયે મન માણસના પ્રથમ દર્શન પહેલાંના સંબંધ તરફ વળે કે તુરત જ તેને ભૂલી જવાની ફરજ પાડવી જોઈએ. અને નવા સંબંધની તેને સ્થાને સ્થાપના કરવી જોઈએ. આમ સતત ટેવ પાડવી જોઈએ. દિવસની એકે એક ક્ષણે તેનું પરિણામ કેવું આવે છે? અલબત્ત, પ્રારંભમાં તે અતિશય મુશ્કેલ જણાશે. મન ઈચ્છાનુસાર કાર્ય કરવા ઈન્કાર કરશે અને મનના ખ્યાલો ગૂંચવાડાભર્યા બનશે. પરંતુ ધીમે ધીમે આનો અભ્યાસ અસર કરવા માંડશે. જો આપણે આ અભ્યાસ નિષ્ઠાપૂર્વક ચાલુ રાખી શકીએ તો આપણી ચેતનામાં મહાન પરિવર્તન આપણે જોઈશું. અત્યારે જોવા જઈશું તો તેવા માણસો દેખાશે નહિ. આ પરિવર્તન સાથે જગત અને અન્ય જીવોના આપણા દૃષ્ટિકોણમાં સાથોસાથ પરિવર્તન આવશે. જગત કંઈ નવું અંતસ્તત્ત્વ પ્રકટ કરશે. તે દિવ્ય તત્ત્વ સાથે ઓતપ્રોત દેખાશે. આપણા પોતાના આત્મા વિષેનું આપણું જ્ઞાન પરિવર્તન પામશે. આપણને હવે એક ક્ષણ માટે પણ એમ લાગશે નહિ કે આપણે શરીર અથવા મન છીએ. પણ આ બન્ને કરતાં વધુ સૂક્ષ્મ અને વધુ વિશાળ છીએ તેમ લાગશે.

આ ઘણી ફળદાયક સાધના છે. તે સબળ ચિત્ત અને મહાન ખંત માગી લે છે. પરંતુ તે અત્યંત મદદરૂપ બને છે. મનુષ્ય-પછી તે સંસારી હોય કે ત્યાગી હોય- જો આ અભ્યાસ કરે તો આધ્યાત્મિક પ્રગતિના અંતરાયો ઘણા ઓછા થઈ જશે. ખાસ કરીને જેઓ સંસારી છે તેમને માટે આ ખરું છે. સંસાર અને ઈશ્વર વચ્ચેના અર્થવિરોધનો તે છેદ ઉડાડશે અને બીજો અન્ય આધ્યાત્મિક અભ્યાસ વધુ સહેલો બનાવશે તથા સમગ્ર જીવનને વધુ આનંદ સભર અને વધુ મધુર બનાવશે.

ભાષાંતર: શ્રી યશસ્વીભાઈ ય.મહેતા

(‘Spiritual Practice’ માંથી સાભાર)

Total Views: 109

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.