(જાણીતા કવિ, સાહિત્યકાર અને પત્રકાર શ્રી હરીન્દ્રભાઈ દવેનું તાજેતરમાં મુંબઈ ખાતે દુ:ખદ અવસાન થયું. શ્રીરામકૃષ્ણ આશ્રમના માસિક મુખપત્રશ્રીરામકૃષ્ણ જ્યોતના પ્રવેશાંકનો વિમોચન વિધિ તા.૧૩-૪-૧૯૮૯ના રોજ શ્રી હરીન્દ્રભાઈ દવેના શુભ હસ્તે સંપન્ન થયો હતો. આજે તેઓ આપણી વચ્ચે હયાત નથી ત્યારે તેમના એક લોકપ્રિય ગીતનો આસ્વાદ અત્રે પ્રસિદ્ધ કરી શ્રી હરીન્દ્રભાઈને શ્રદ્ધાંજલિનાં પુષ્પો અર્પણ કરીએ છીએ.)

સોળ સજી શણગાર,

ગયાં જ્યાં જરીક ઘરની બહાર,

અમોને નજરું લાગી!

બે પાંપણની વચ્ચેથી

એક સરકી આવી સાપણ,

ડંખી ગઈ વરણાગી.

કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,

હવે ન ઊખડ્યો જાય, થાળીને વળગી બેઠો સીધો,

આવા ન્હોય ઉતાર

નજરના આમ ન તૂટે તાર,

અમોને નજરું લાગી!

તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,

ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂકી,

જડનેયે આ સૂઝ

તો રહેવું કેમ કરી અણબૂઝ

અમોને નજરું લાગી!

સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,

આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,

જલતાં તોય ન વાસ

અમોને કેમ ન લાગે પાસ?

અમોને નજરું લાગી!

ભુવો કહે ના કામ અમારું નજર આકરી કોક,

ટુચકા તરહ તરહ અજમાવી થાક્યા સઘળા લોક,

ચિત્ત ન ચોંટે ક્યાંય

હવે તો રહ્યું સહ્યું ના જાય,

અમોને નજરું લાગી!

લ્યો, નજરું વાળી લઉં પાછી, એમ કહી કો આવ્યું,

નજરું પાછી નહીં મળે આ દરદ હવે મન ભાવ્યું,

હવે નજરનો ભાર

જીવનનો થઈ બેઠો આધાર,

અમોને નજરું લાગી!

આસ્વાદ

ગુજરાતી ભાષાના એક શિરમોર કવિ, મૂલ્યનિષ્ઠ પત્રકાર, સિદ્ધહસ્ત નવલકથાકાર, ભર્યાભર્યા આસ્વાદક, મસ્ત ગઝલકાર અને વિવેકી વિવેચક એવા હરીન્દ્રભાઈ દવએ આપણી વચ્ચેથી વિદાય લીધી. માત્ર ગુજરાતે જ નહિ પણ સમગ્ર દેશે આ મહાન સારસ્વતની વિદાયની નોંધ લીધી.

અત્યંત નમ્ર, ઋજુ અને મિતભાષી હરીન્દ્રભાઈ પ્રથમ કવિ હતા પછી બીજું બધું હતા એમ કહી શકાય. એમણે છંદોબદ્ધ રચનાઓ આપી, અછાંદસ રચનાઓ પણ આપીસોનેટ’ આપ્યાં, પણ કવિતાના ક્ષેત્રમાં પણ, તેઓગીતકવિ તરીકે વધુ ખ્યાતિ પામ્યા.

સ્મરણાંજલિસ્વરૂપે અહીં, હરીન્દ્રભાઈનું એક ગીતનજરું લાગી’ સાથે મળી આસ્વાદીએ. સમાજમાં જેમ અંધશ્રદ્ધાનું પ્રમાણ જોવા મળે છે એમ ખોટી માન્યતાઓનું પ્રમાણ પણ એટલું જ જોવા મળે છે.

નજર લાગવીએ એક રૂઢિ પ્રયોગ છે. કોઈ વ્યક્તિની નજર એટલી ભારે હોય કે એ જેના ઉ૫૨ ૫ડે એનું અહિત જ થાય. સામી વ્યક્તિનું ધનોતપનોત નીકળી જાય. કાં તો માંદગીનો ખાટલો અને કાં તો મસાણ ભેગા! જેમ રોગ દવાથી મટે એમ આ લાગેલી નજરનો ભોગ બનેલ વ્યક્તિ ઉપર અમુક ટુચકાઓ કરવામાં આવે તો એનું નિવારણ પણ થાય એવી માન્યતા છે.

અહીંનજરું લાગીકાવ્યનો ઉપાડ ખૂબ જ સુંદર છે.

સોળ શણગાર સજી, મસ્તીથી-બિંદાસ બની જ્યાં હજુ તો ઘરની બહાર પગ મૂક્યો ત્યાં તોકોઈની નજરું’ના અમે ભોગ બની ગયાં, બે પાંપણ વચ્ચેથી તીર માફક વછૂટેલી એ ઝેરી સાપણે જાણે કે અમને કાતિલ ડંખ દીધો.

બે પાંપણની વચ્ચેથી, એક સરકી આવી સાપણ,

ડંખી ગઈ વરણાગી.

શણગાર એક બાજુ રહ્યા, શરીરમાં અસહ્ય દાહ શરૂ થયો, માથું ભમવા લાગ્યું. દવાનું તો કામ જ નહિ. ભૂવા-ભારાડીને બોલાવવાના. એ લોકો મંત્ર-તંત્ર કરે, ટુચકા અજમાવે તો શારીરિક પીડા અને માનસિક વેદનાનો અંત આવે. અને નજરુંના નિવારણ માટે પહેલો ટુચકો અજમાવવામાં આવ્યો. શું કર્યું એ ટુચકા દ્વારા? એનું પરિણામ શું આવ્યું?

કાંસાના વાટકા ઉપર નજરુંનો ટુચકો કરી થાળી ઉપર ઊંધો રાખ્યો અને ત્યાં તો સીધો થાળીને ચોટી જ ગયો. પણ કશું જ પરિણામ નહિ. નજર તો વધુ ભારે થવા લાગી. શરીરમાં તકલીફ વધવા લાગી.

કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,

હવે ન ઊખડ્યો જાય, થાળીને વળગી બેઠો સીધો,

આવા ન્હોય ઉતાર, નજ૨ના આમ ન તૂટે તાર,

અમોને નજરું લાગી!

હવે, બીજો ટુચકો-વાટને તેલમાંબોળી દીવાલ ઉ૫૨ ફેંકી તો સીધી જ ખીલી જેમ દીવાલમાં ખોડાઈ ગઈ. નહીં વાંકી નહીં ચૂકી. પણ અમારી બેહાલ સ્થિતિમાં તો કોઈ ફેર ન પડ્યો. નજરુંનો ભાર તો વધતો જ ચાલ્યો. બીજા ટુચકાનું પરિણામ પણ શૂન્ય.

તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,

ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂકી,

અમોને નજરું લાગી!

હવે, ત્રીજો ટુચકો તો આકરામાં આકરો આવ્યો, જેમ દવાનો ખૂબ જ આકરો ‘ડોઝ’ દેવામાં આવે એમ.

સૂકાં મરચાંને સાત વખત શિ૨ ૫૨થી ઉતારી, અગ્નિમાં હોમ્યાં અને એનો ધુમાડો આપવામાં આવ્યો પણ શરીરની આગમાં કોઈ ફરક નહિ. તકલીફ તો ઉત્તરોત્તર વધતી જ ચાલી.

સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,

આગમહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર.

અમોને નજરું લાગી!

બધા જ ઉપાયો વિફળ થયા. ભૂવા ભારાડીએ પણ હાથ ધોઈ નાખ્યા. હવે તો જીવનમાં અંધારું, અંધારું જ રહ્યું.

ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કોક,

ટુચકા તરહ તરહ અજમાવી થાક્યા સઘળા લોક,

ચિત્ત ન ચોંટે ક્યાંય, હવે તો રહ્યું સહ્યું ના જાય,

અમોને નજરું લાગી!

અહીં સુધી આ કાવ્યમાં, શારીરિક પીડા, માનસિક વેદના, દવાદારુ, મંત્રતંત્ર, ટુચકાઓ, હતાશા, નિરાશા અને પરાભવ જ જોવા મળ્યાં. પરંતુ કવિકર્મ અહીં પૂરું નથી થતું, ઉષાના આગમન પહેલાં ગાઢ અંધકા૨ હોય છે એમ આ કાવ્યમાં પણ એકાએક પલટો આવે છે.

‘‘લ્યો નજરું વાળી લઉં પાછી’’ એમ કહી કોઈ આવી પહોંચે છે અને જ્યાંનજરુંવાળી લઉં પાછીકહેનારની સામેનજર’ મંડાય છે ત્યાં તો ભીતર અજવાળાં, અજવાળાં થઈ જાય છે, દાહ અદૃશ્ય થાય છે, પરમ શાંતિની અનુભૂતિ થાય છે, અરે, આ તો કોઈ મેલી વિદ્યા જાણનારની નજરું નહિ, કોઈ ભારે નજરુંવાળાની પણ ભારે દૃષ્ટિ નહિ. આ તો છે, મંગલકારી, પીડાહારી, પાપપુંજહારી અમારા પ્યારાપ્રભુની પ્રેમ દૃષ્ટિ. એ નજરુંનો ભાર તો જીવનનો આધાર થઈ બેઠો છે. એમનું આપ્યું દર્દ હવે દર્દ નહીં લાગતાં મનભાવતો પ્રસાદ બની ગયો છે. રોમાં રોલાંએ પરમહંસ શ્રીરામકૃષ્ણ દેવના દૃષ્ટિસ્પર્શ માટે ‘Cobra’s bite શબ્દ વાપર્યો છે, એક વખત કોબ્રા ડંખ મારે પછી મૃત્યુ નિશ્ચિત જ હોય. સ્વામી વિવેકાનંદ જેવી વ્યક્તિને એ ડંખ લાગી ગયો અને એ બોલી ઊઠ્યા, “નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું.”

ગોપીઓને નજરુંનો આ માર લાગી ગયો અને ગોપીઓ ગાઈ ઊઠી, ‘‘હવે નજરનો ભાર જીવનનો થઈ બેઠો આધાર,’’ જેટલા પ્રમાણમાં નજરુંનો ભાર વધુ એટલાં અમે હળવાં ફૂલ. એ નજરું તો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રનું અમોઘ રામબાણ, એ નજરું તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર. કોબ્રાનો એ ડંખ, રામનું એ બાણ, કૃષ્ણનું સુદર્શનચક્ર મૃત્યુનો સંદેશ આપશે તો પણ એમાં અમૃતનો જ સ્પર્શ પ્રાપ્ત થશે. એ બંધનમાં જ અમારી મુક્તિ રહેલી છે. કવિ શ્રી હરીન્દ્રભાઈને ભગવાન શ્રીકૃષ્ણનીનજરું લાગીગયેલી. કૃષ્ણની સાથે જનમ-જનમનો એમને નાતો બંધાઈ ગયેલો.

ગુજરાતના પ્રખ્યાત રામાયણીએ કહ્યું, “હરીન્દ્રભાઈ સ્વર્ગસ્થ નહીં પણ શબ્દસ્થ થયા છે.” આવા હરીન્દ્રભાઈને આપણે કેમ ભૂલી શકીએ? એમના જ શબ્દોમાં-

“મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે

કેટલાં હૈયે સ્મરણ મારાં બિછાવી જાઉં છું.”

ક્રાંતિકુમાર જોશી

Total Views: 107

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.