(શ્રેષ્ઠતા તથા શ્રેષ્ઠતાના સોપાન વિશે આજનો યુવાવર્ગ સજાગ બને એ હેતુથી સુપ્રસિદ્ધ લેખક ફાધર વાલેસ અહીં યુવા વર્ગની ‘ચાલશેની મનોવૃત્તિને ત્યાગવાની સલાહ આપે છે. – સં.)

‘ચાલશે’ જેવો ઘાતક શબ્દ આપણા શબ્દકોશમાં બીજો નથી. વાંચવો હતો તો આખો અભ્યાસક્રમ પણ સારો એવો ભાગ વાંચ્યા પછી લાગ્યું કે બાકીનો નહીં કરીએ તોયે ખાસ વાંધો નહીં આવે; એટલે ‘ચાલશે’ કહીને અધૂરી તૈયારીએ પરીક્ષામાં બેઠો.

કરવાનો હતો વિજ્ઞાનનો ચોક્કસ પ્રયોગ પણ છેલ્લા દશાંશમાં ખાસ્સો ફરક હોવા છતાં નવેસરથી કામ ફરીથી શરૂ કરતાં આળસ આવી, એટલે ‘ચાલશે’ બબડીને પ્રયોગપોથી ૫૨ અધ્યાપકની સહી લીધી.

રમવાનું હતું હરીફાઈની છેલ્લી રમતમાં. અઠવાડિયા સુધી રોજ સૌએ આવી મહાવરો ક૨વાનું નક્કી કરેલું. પણ એક આવે ત્યારે બીજો ન આવે. અંતે ‘ચાલશે’નો મંત્ર ભણીને સીધા મેદાનમાં ઊતર્યાં.

અને આગળ જતાં, નોકરી-ધંધે ચડતાં વેપારીને દુકાનમાં હલકો માલ આવ્યો હોય ત્યારે ‘ચાલશે’ કરીને એ ઘરાકોને ધકેલી દેવાય; ઉદ્યોગપતિના કારખાનામાં કુશળ કારીગરો ન હોય ત્યારે પણ ‘ચાલશે’ કહીને બજારમાં ખામીવાળાં નંગ મૂકાય; એંજિનિયરની ગણતરી ચોક્કસ ન હોય ત્યારે ‘ચાલશે’ને પરિણામે સડક વાંકીચૂકી દોરાય ને પુલ નદીને ભેટવા ક્યારે ઝૂકી પડે એ કહેવાય નહીં એવો બંધાય.

આમ, સાચું પણ નહીં ને સાવ ખોટું પણ નહીં, સ્વીકાર્ય પણ નહી કે એકદમ અસ્વીકાર્ય પણ નહીં. કેટલું ચાલશે એ કહેવાય નહીં પણ કંઈક ‘ચાલશે’ તો ખરું, એ રીતે ઘરનો વ્યવહાર અને ઑફિસનું કામકાજ, બેંકનો હિસાબ ને મિલની કામગીરી, બજા૨નો વેપાર ને વર્ગનો અભ્યાસ ચાલે છે અને અંગત જીવન તથા સમાજતંત્ર ખોરવાઈ જાય છે.

‘ચાલશે’નો અભિશાપ આપણને ચોંટ્યો છે.

જો આ આ એક જ શબ્દ આપણા શબ્દકોશમાંથી – અને આપણાં હાડકામાંથી – કાયમ નાબૂદ કરીએ તો એક ઝપાટે આપણું અંગત તેમ જ સામાજિક જીવન સુધરી જાય.

વિમાન ઉડાડવાની તૈયારીરૂપે જે અનેક સૂક્ષ્મ ગણતરીઓ ક૨વાની હોય છે એ કરીકરીને અધીરો વિમાની કંટાળી ગયો, એટલે રોજના અનુભવ પરથી આંકડા બેસાડીને કળ-ચાંપ ગોઠવી દીધી. એમાં બદલાતા હવામાન અનુસાર સુધારો ક૨વાનું એ ભૂલી ગયો. દિવસની વધતી ગ૨મીમાં વિમાનનું વજન વધુ લાગવાથી વિમાન ઊંચું થઈ શક્યું નહીં અને અંદર બેઠેલાં બધા જીવ સાથે તે એક મકાન સાથે અથડાયું, બેદ૨કારીનું પરિણામ મોત આવ્યું.

શુક્ર ગ્રહ તરફ પ્રથમ અમેરિકન ઉપગ્રહ છોડાયો ત્યારે એ કોણની કોજયાની ગણતરીમાં સહેજ ભૂલ પડી એટલે ઉપગ્રહ આડી કક્ષાએ ચડ્યો ને આખો પ્રયોગ નિષ્ફળ ગયો.

કેટલાક અકસ્માતો ને નિષ્ફળતાઓના મૂળમાં કોઈએ ઉચ્ચારેલો ‘ચાલશે’ ઉદ્ગાર હશે!

વ્યક્તિના બંધારણમાં એવી કચાશ નહીં પાલવે.

જીવનઘડતરમાં એવી ઢીલાશ નહીં પરવડે.

યુવાન હૃદયમાં એવી કૃપણતા નહીં શોભે.

‘ઓછામાં ઓછું કેટલું તૈયાર કરવાથી પરીક્ષામાં પાસ થવાય’ એમ નહીં, પણ ‘મારાથી વધારેમાં વધારે કેટલું તૈયાર કરી શકાય’ એ સાચી વૃત્તિ છે.

ક્યા ખૂણામાં ભરાઈને જીવન સહી સલામત ૫સા૨ કરી શકીશ એમ નહીં પણ ક્યે ક્યે મોરચે જઈને મારા આદર્શો માટે લડીશ એ ખરી આકાંક્ષા છે.

પાંખો મળી છે ઊડવા માટે, ગરુડ જો આકાશમાં ઉડ્ડયન છોડીને મરઘીની જેમ જમીન ૫૨ પાંખો ફફડાવીને આમ તેમ ફરે તો કેવું હસવું – ને કેવી દયા – આવે!

દરેક કામમાં મન મૂકીને, પ્રાણ પૂરીને અને ‘મારા કામમાં ઊણપ ન આવે.’ એવી ભાવનાથી એ કામ કરવું જોઈએ: પછી ભલે એ પ્રદર્શનમાં મૂકવાનું હોય કે ફેંકી દેવાનું હોય. મારું કામ છે એટલે મારા આત્માનો આવિર્ભાવ છે. મારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. મારા આદર્શનો પ્રતિનિધિ છે. માટે મારા હાથના કામમાં ખામી નહીં સાંખી લેવાય.

ઈટાલીના મિલોના શહેરમાં વિશ્વવિખ્યાત દેવાલય બાંધતી વખતે કેટલીક મૂર્તિઓ એવી ઊંચી ને ભિડાતી જગ્યાએ મૂકવાની હતી કે કોઈની નજર ત્યાં સુધી ન પહોંચી શકે, તો પણ શિલ્પકાર પોતાના કામમાં લીન થઈને એક એક રેખામાં ને મરોડમાં પોતાની કલા ઠાલવી મૂર્તિઓ કોતરતો હતો. એક મિત્રે એ જોઈને ટીકા કરી: ‘આ મૂર્તિ ૫૨ કોઈની નજર સ૨ખીયે પડવાની નથી, તો પછી એની પાછળ આટલી બધી મહેનત કેમ ઉઠાવો છો? જેમ તેમ કરીને ઝટ પતાવી દેશો તો ત્યાં તો ચાલશે.’ શિલ્પીએ મૂર્તિમાંથી આંખો ઊંચી કર્યા વગર જવાબ આપ્યો: ‘મારી કૃતિ છે એટલે શ્રેષ્ઠ જોઈએ, પછી ભલે કોઈ એ જુએ કે ન જુએ. હું તો જોઉં છું, અને …કોઈ નહીં તો ભગવાન તો જોશે જ ને?’

‘મારી કૃતિ છે એટલે શ્રેષ્ઠ જોઈએ’ એ કલાકારનો આદર્શલેખ છે અને જીવનઘડતરનો અગ્રસિદ્ધાંત છે. મારે હાથે કાચું કામ નહીં શોભે. મારા જીવનમાં ઢીલું કામ નહીં ચાલે. મારી મર્યાદાઓ તો છે જ પણ એમાં રહીને મારાથી જેટલું સારામાં સારું કામ થઈ શકે એટલું હંમેશ વ્યવહારમાં ઉતારવાનો મારો આગ્રહ રહેશે મારું કામ છે એટલે મારા, પ્રમાણમાં ઉત્તમ જ હોય.

યુવાન માઈકલ એંજેલોની કેટલીક શિલ્પકૃતિઓ ચોરાઈ અને બીજાના નામે વેચાઈ ત્યારે એને ખૂબ લાગી આવ્યું, અને જે મૂર્તિ પોતે ઘડી રહ્યા હતા એના ઉ૫૨ જ મોટા અક્ષરોથી પોતાનું નામ કોતરી દીધુ. પણ એ ઉપાય બેહૂદો લાગતાં એમણે મનસૂબો કર્યો કે મારી એક એક કૃતિ હવે પછી એવી થશે કે તે જોતાવેંત એ માકઈલ ઍંજેલોની જ છે એની સૌ કોઈને પ્રતીતિ થઈ જશે. સ્થૂળ અક્ષરોથી નહીં પણ મારો પ્રાણ મારી દરેક મૂર્તિમાં રેડીને હું તે મારી કૃતિ તરીકે ઓળખાવીશ. અને ખરેખર, આજના કલાનિષ્ણાતો પણ માઈકલ ઍંજેલોની એક એક મૂર્તિમાં ને એક એક ચિત્રમાં એમની છાપ પારખી શકે છે.

મારા જીવનઘડતરમાં, મારા અંતરના ચિત્રમાં પણ એવી છાપ ને એવી કારીગરી જોઈએ. ‘કોપીરાઈટ’ના કાયદાને જોરે નહીં પણ મારા આત્માના પ્રભાવથી મારું કામ ને મારું જીવન ખરેખર મારાં જ છે એ હું સિદ્ધ કરી દઈશ, મારી સહી ન હોય તોયે કાગળ મારો છે એમ વાંચનારને થાય એવી રીતે હું લખીશ ભજનની છેલ્લી કડીમાં ‘ભણે ન૨સૈંયો’ ન આવે તોયે ભજન નરસૈંયાનું જ છે એની ખાતરી સૌને આપોઆપ થાય એવી રીતે મારું જીવનકાર્ય હું રચીશ.

‘કેટલું’ કામ કરો છો એ નહીં, પણ ‘કેવી રીતે’ કામ કરો છો એ મુદ્દાની વાત છે.

કામની ‘વિપુલતા’ નહીં પણ ‘શ્રેષ્ઠતા’ સાધવાનો આદેશ છે.

દુનિયામાં શ્રેષ્ઠ જાતનાં વાયોલિન બનાવનાર સ્ત્રાદિવારી નામે સત્ત૨મી સદીના તંતુવાદ્યોના કારીગર હતા. તેમને હાથે થોડાં જ વાયોલિન સર્જાયાં હતાં. (‘સર્જાયા’ શબ્દ અહીં સહેતુક વાપર્યો છે કારણ કે એમને માટે દરેક વાયોલિન એક નવું સર્જન હતું) એનાં થોડાં વાયોલિન હજી દુનિયામાં છે, અને દરેકની કિંમત લાખો રૂપિયામાં અંકાય છે; અથવા ખરું કહીએ તો તેની કિંમત છે જ નહીં, કેમ કે તેના માલિકો એ બીજાના હાથમાં જવા દેવા તૈયાર નથી. પોતાની એ ઉત્તમ કામગીરીને પ્રતાપે વાદ્યોના કારખાનાના એ મામૂલી કારીગરનું નામ અમર બન્યું.

ફ્રાન્સના અગ્રણી તત્ત્વચિંતક સાર્ત્રની આગળ તેમના એક શિષ્યે એક દિવસ ફરિયાદ કરી કે ‘આપે પ્રમાણમાં ખૂબ ઓછાં પુસ્તકો લખ્યાં છે’, ત્યારે એમણે જવાબમાં કહ્યું: ‘મેં લખ્યું છે તો ઘણું, પરંતુ મારાં લખાણોનો ફક્ત પાંચમો ભાગ મેં છપાવીને પ્રસિદ્ધ કર્યો છે.’ અને ઉમેર્યું: ‘જો મારાં બધાં જ લખાણો મેં પ્રગટ કર્યાં હોત તો મને આટલી ખ્યાતિ મળી ન હોત, અને તમે મારા શિષ્ય ન પણ હોત! એ શ્રેષ્ઠતાએ એમને સાક્ષરોના કીર્તિમંદિરમાં સ્થાન અપાવ્યું.

શ્રેષ્ઠની ઉપાસના એ કલામાં ને વિજ્ઞાનમાં, ધર્મમાં ને જીવનમાં વિજય અપાવનાર મંત્ર છે.

લોકો મારું કામ જુએ કે ન જુએ, તેની કદર કરે કે ન કરે, મને શાબાશી આપે કે ન આપે, તોયે હું સંપૂર્ણ નિષ્ઠાથી અને મારી શક્તિના ઉચ્ચતમ ધોરણ મુજબ મારું એ કામ કરતો રહીશ; પરીક્ષા હોય કે ન હોય તો યે હું સરખી રીતે વાંચીશ; કસોટીના ગુણ છેલ્લા પરિણામ માટે ગણાય કે ન ગણાય તોયે હું તે સ૨ખી કાળજીથી લખીશ; ક્રિકેટ મૅચ ટ્રોફી માટેની હોય કે ખાલી ‘મૈત્રીરમત’ હોય તોયે હું સરખા ઉત્સાહથી રમીશ. સ્થૂળ વળતરની આશા નહીં પણ મારા લાયક કામ કર્યાનો આત્મસંતોષ એ મારું પ્રે૨ક બળ હશે. મનના આ વલણને કલાકારો ‘કલા ખાતર કલા’, દાર્શનિકો ‘કર્તવ્યબુદ્ધિ’ ને ધર્મગુરુઓ ‘નિષ્કામ કર્મ’ કહે છે; પણ છે તો જુદી જુદી પરિભાષામાં એક જ સિદ્ધાંતનાં ભાષાંતર: કામને અર્થે જ કરેલું ઉત્તમ કોટિનું કામ. પૂજામાં દેવમૂર્તિને ચોખા ચડાવે છે એ ચોખાના દાણા અખંડ, અણિશુદ્ધ, અક્ષત હોવા ઘટે. સો સારા દાણા ભેગો એક તૂટેલો હોય તો ‘ચાલશે’ (ફરી પાછો એ અપશુકનિયાળ શબ્દ!) એમ માને તે સાચો પૂજારી નથી.

આપણું જીવન પણ એક યજ્ઞ છે; દિવસે દિવસે, દાણે દાણે હૃદયમંદિરમાં બિરાજતા અંતર્યામીના ચરણની આગળ આપણું એક એક કાર્ય આપણે અર્પણ ક૨તા જઈએ છીએ. એવું એક એક કાર્ય વિશુદ્ધ, શ્રેષ્ઠ, અક્ષત રાખવાનો જેને દિલથી આગ્રહ ન હોય તે સાચો જીવનપૂજારી નથી.

(‘વ્યક્તિ ઘડતરમાંથી સાભાર)

Total Views: 115

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.