સતત સતત પ્રાર્થના કરતાં રહો. તમારું જીવન પ્રેમ અને આભારની અવિરત પ્રાર્થના બનવા દો. જીવન બહુ જ શુભ છે, પણ સદાય યાદ રાખો કે જીવન તમે જેવું બનાવો તેવું બને છે. એટલે તમે જો નકારાત્મક હશો તો નકારાત્મકતાને તમારા ભણી ખેંચી લાવશો અને ઉચ્ચતમ શુભથી તમને વિખૂટું પાડી દેતું એક કાળું વાદળ તમારા જીવન ૫૨ છવાઈ જશે. તમે જો સતત હકારાત્મક હશો, દરેક વસ્તુમાં, દરેક વ્યક્તિમાં શુભ જોતાં હશો તો પછી તમારી અંદર અને તમારી આસપાસ નીલ આકાશ હશે, સૂર્યનો પ્રકાશ હશે. તમારા જીવનને પ્રેમ, શ્રદ્ધા, આશા અને સાર્થકતાની લાગણીથી ભરી દો. જીવનને ચાહતાં શીખો, કારણ કે તમે એમ કરો છો ત્યારે તમારું જીવન સાતત્યભરી એક પ્રાર્થના હોય છે અને ખરેખર જ અવિરતપણે તમે પ્રાર્થના કરતાં હો છો. પ્રાર્થના તમારું મારી સાથેનું આંતરિક સંયોજન છે – પ્રારંભમાં આપણે કરતાં તેમ, એમાં આપણે સાથે બોલીએ છીએ ને સાથે ચાલીએ છીએ. પ્રાર્થના આત્માનો આહાર છે, જીવનું પોષણ છે. દરેક જણની એ ઊંડી અંદરની જરૂરિયાત છે. એ આંતરિક જરૂરિયાતનો અનુભવ કરો અને એનો જવાબ આપો.

– એઈલીન કેડી

(ઈશા કુન્દનિકા દ્વારા અનૂદિત ‘ઊઘડતાં દ્વાર અંતરનાં’ પુસ્તકમાંથી)

Total Views: 227

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.