કૈલાસ પર્વત દરિયાની સપાટીથી ૨૨,૦૨૮ ફૂટ ઊંચે અવસ્થિત છે અને તેનો ઘેરાવો ૫૪ કિલોમીટરનો છે. માનસરોવર દરિયાની સપાટીથી ૧૪,૯૫૦ ફૂટ ઊંચે અવસ્થિત છે અને તેનો ઘેરાવો ૮૮ કિલોમીટર છે. આ સુપ્રસિદ્ધ સ્થળોની યાત્રા અત્યંત દુર્ગમ છે. તન, મન અને ધનના જોરની સાથે નસીબનું જોર પણ આ યાત્રા માટે આવશ્યક છે કારણ કે પાસપોર્ટ મેળવવા માટે લૉટરીની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. શ્રી આર.પી. સાગલાની રાજકોટના ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ છે. ૨૦ વર્ષની તેમની પુત્રી કુમારી સાગલાની પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો અભ્યાસ કરે છે. તેને જ્યારે સમાચાર મળ્યા કે તેની પસંદગી આ યાત્રા માટે થઈ છે, ત્યારે તે ઉત્સાહમાં આવી ગઈ. કેટલાય શુભચિંતકો તેના પિતાને આટલી નાની ઉંમરની પુત્રીને આવી ભયજનક યાત્રામાં એકલી ન મોકલવાની સલાહ આપવા લાગ્યા. આ બધી ચર્ચા વિચારણા ચાલતી હતી ત્યાં તો કું. પૂર્વી પગપાળે આ દુર્ગમ યાત્રા કરી, હેમખેમ પાછી પણ ફરી આવી! એક અસાધારણ સિદ્ધિ તેણે સરળતાથી હાંસલ કરી. તેની આ રોમાંચક યાત્રાનું વર્ણન વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

હર એક હિન્દુ હૃદયમાં જન્મારામાં એક વાર તો જરૂર હિમાલયદર્શનની ઝંખના ઢબુરાયેલી હોય જ છે. ઠેઠ પુરાણપૂર્વકાળ અને પુરાણોત્તરકાળના ભારતીય સાહિત્યનિધિમાં હિમાલયનો ભારોભાર મહિમા ગવાયો છે, એની કેટકેટલી કથાઓ કલ્પવામાં આવી છે! કૈલાસ પર્વત અને માનસ-સરોવરનો મહિમા તો અનેરો છે. એમ કહેવાય છે કે કૈલાસ પર્વત પર સાક્ષાત્ શિવજીનો વાસ છે. આજે પણ આ પવિત્ર જગ્યા લાખો યાત્રીઓનું આસ્થાનું સ્થાન છે. કૈલાસ-માનસરોવર ભારતીય તેમ જ તિબેટીઓ માટે પાવન તીર્થસ્થળ છે.

ખેદની વાત તો એ છે કે આ મહાન તીર્થસ્થાન પર ૧૯૬૫થી ચીનનો કબજો છે. ૧૯૮૧ના ભારત-ચીન કરારના ભાગરૂપે પ્રતિવર્ષ લૉટરી દ્વારા અમુક સંખ્યામાં યાત્રાળુઓની પસંદગી થાય છે. સદ્ભાગ્યે મારી અરજી મંજૂર થઈ, ભારત સરકારના વિદેશ ખાતાના તારની લૉટરી લાગી ગઈ! આ યાત્રા ફક્ત ચાર મહિના જ કરી શકાય છે – જૂનથી સપ્ટેમ્બર. આ ચાર મહિના દરમિયાન જુદા જુદા સમયના અંતરે સરકાર દ્વારા ચૂંટાયેલ કુલ ૪૦૦ વ્યક્તિઓને ૧૪ થી ૧૫ બેચોમાં વિભાજિત કરવામાં આવે છે. મારો વારો ઑગસ્ટ ૧૯૯૫ની નવમી બેચમાં આવ્યો. મારી અરજી મંજૂર થવાનો તાર મળતાં મન આનંદમાં વિભોર થઈ ગયું. મનમાં કૈલાસ માનસરોવરના વિચારો જ ઘોળાવા લાગ્યા. આહ, બાર જ્યોતિર્લિંગોના અધિષ્ઠાતા, ભગવાન ભોળાનાથનું શાશ્વત નિવાસસ્થાન આ કૈલાસ! આ હેમકૂટ! દર્શન કરી કૃતકૃત્ય થવા મન તલસતું રહ્યું. જ્યારથી જવાનું નક્કી થયું ત્યારથી દિનરાત બસ આવા જ વિચારો મનમાં ચાલ્યા.

દિલ્હીના ત્રણ દિવસોના રોકાણ દરમિયાન બધા સહયાત્રીઓને હળવા-મળવાનું, વિઝા, મની એંકસચેઈન્જ, લશ્કરી હૉસ્પિટલમાં મૅડિકલ ચૅકઅપ વગેરે વિધિ પતાવ્યા બાદ ચોથો દિવસ આવ્યો એક સપનાની જગ્યાએ જવાનો. પરોઢિયે અમે બધાં – એટલે કે ગ્રુપની ૩૩ વ્યક્તિઓ ‘જય કૈલાસપતિ’ અને ‘ૐ નમઃ શિવાય’ના જયકાર કરી રવાના થયા. થોડીવાર તો ૩૬ દિવસોમાં શું થશે એ વિચારોથી હૃદયના ધબકારા વધી ગયા હતા.

અમે દિલ્હીથી લકઝરી બસ દ્વારા ઊપડ્યા. કૈલાસ પર્વત સુધી પહોંચતાં બાર સ્થળોએ રાતવાસો કર્યો હશે. ભારતની સરહદમાં જેટલા દિવસો ગાળવાના હતા તે દરમિયાન કુમાઉ વિકાસ નિગમે ખાવા – પીવા –રહેવાની, દવાદારુ, ગાઈડ, વાયરલૅસમૅન વગેરેની સારી વ્યવસ્થા કરી હતી. પ્રવાસ દરમિયાન વિવિધ પ્રદેશના વિવિધ યાત્રિકો સાથે કશા અવરોધ વગર આત્મીયતા બંધાઈ હતી. દિલ્હીથી બે દિવસ દૂર તવાઘાટ સુધી બસમાં મજા માણી, પણ હવે પછીના દિવસોમાં પ્રવાસ લાકડીને ટેકે, પગદંડી પર પગપાળા જ કરવાનો હતો. હાથમાં લાકડી અને હૈયામાં હામ! જેઓ ન ચાલી શકે અથવા જેઓની ચાલવાની ઈચ્છા ન હોય, તેઓને માટે ઘોડાની વ્યવસ્થા હોય છે અને હૅન્ડ લગેજ ઉપાડવા માટે કુલીની પણ વ્યવસ્થા હોય છે. પણ મેં ચાલવાનો – ટ્રેકીંગનો નિર્ધાર કર્યો હતો.

વણચિંતવ્યા વરસાદથી બચવા પૂરતા કપડાં લીધાં હતાં. અને ખરેખર ફાંટાબાજ કુદરતે પોત પ્રકાશ્યું! એકાએક વરસાદ તૂટી પડ્યો. ઘોડેસ્વાર યાત્રીઓ અને સરસામાન ઉપાડનારા કુલીઓનું પણ કશું ન ચાલ્યું, ચઢાણ બે કલાક મોડું શરૂ થયું. ત્યાર બાદ નવ કિલોમીટર ચાલીને પાંગુમાં પડાવ નાખ્યો. આટલા પરિશ્રમ બાદ પણ ત્યાંની પહાડી હરિયાળી આંખો ઠારતી હતી. નદીઓના શૈશવ સમા ઝરણાંઓનો ખળખળ અવાજ કાનોને આનંદથી ભરી દેતો હતો. સાગર સપાટીથી ૭૪૦૦ ફૂટની ઊંચાઈ પર ગિરિશિખરો, ખીણોમાંની વૃક્ષરાજિ, શીતલ સમીરલહેરો, ઝરણાનું સંગીત – આ બધું જ અદ્ભુત મનોરમ હતું. જાણે કે આનંદવિભોર કરી દેતી નવી જ દુનિયામાં પ્રવેશ કર્યો!

પાંગુથી ઉપર ચઢવા સવારે પાંચ વાગ્યે પડાવનું આરોહણ શરૂ થયું. વચ્ચે અતિ સુંદર નારાયણ આશ્રમમાં એકાદ કલાકનો આરામ લઈ સીરખા જવા રવાના થયા. અમે બપોરના એક વાગ્યે ત્યાં પહોંચ્યા. સાગર સપાટીથી ૮૫૦૦ ફૂટ ઊંચું આ સ્થળ છે. અહીં તો બસ જોતાં ન ધરાઈએ એવું પ્રાકૃતિક સૌન્દર્ય છે. કૃત્રિમતાનો અંશ પણ આ સ્થાનને અને ત્યાંના પહાડી રહેવાસીઓને સ્પર્શયો નથી. અહોભાવના ઉદ્ગારો સિવાય બીજી કોઈ ભાષા અહીં શોધવી મુશ્કેલ છે. આ તો આંખોનો ઉત્સવ છે. અન્ય ઇન્દ્રિયો અહીં ઠપ્પ થઈ જાય છે, નયનમય બની જાય છે.

અમે સીરખાથી ૧૭ કિ.મી.ને અંતરે આવેલ ગાલા તરફ ઊપડ્યા. વાંકીચૂંકી પહાડી કેડીઓ પર લાકડીને ટેકે દસ હજાર ફૂટ ઉપર જઈ પછી નીચે ઊતરવાનું આવ્યું, પણ એ તો વળી વધારે કપરી તપસ્યા! ગાઢ જંગલની યાત્રા! જીવન જોખમી બને તેવું બધું! રીંગલીંગ ટૉપથી ગાલા જતાં સાંકડા પટવાળી ધસમસતી કાલીગંગા નદી પાર કરવા માટે ઝાડના જાડા થડના બનાવેલા પૂલ સિવાય કશી સગવડ ન હતી. જરાક ચૂક્યા તો સો વરસ પૂરાં થઈ જાય! ત્યાંથી કાલીગંગાના કિનારા પરનો રસ્તો પણ ભારે જોખમી છે. ગાલાથી માલપાનો રસ્તો પણ એવો જ જોખમી છે. વેગીલાં ઝરણાં પાર કરતી વખતે ભગવત્સ્મરણનું ભાથું જ કામ લાગે છે. માલપાથી બીજે દિવસે બપોરે બુધી પહોંચ્યો. અહીં થોડી રાહત મળી. ગામમાં હર્યાફર્યા અને આગળ જવાની તૈયારી કરી. વીજળી અહીં પહોંચી ન હોવાથી જનરેટર દ્વારા રાતે ૭ થી ૯ વીજ સુવિધા હતી. બપોરે બે વાગ્યે ચડાવ ઉતારવાળા માર્ગે બુધીથી ૧૮ કિ.મી.ને અંતરે આવેલ ગુંજી પહોંચ્યા. નિયમાનુસાર કરવો પડતો મૅડિકલ ચૅકઅપનો વિધિ પતાવ્યો. સીમા સુરક્ષા દળ દ્વારા મૅડિકલ ચૅકઅપમાં પાસ થયા બાદ જ આગળ જવાની પરવાનગી મળે છે. ઘેરથી નીકળ્યે આઠ દિવસો વહી ગયા હતા. નવમે દિવસે ગુંજીથી કાલીગંગાના ઊગમ સ્થાન કાલાપાની જતાં કુદરતની વળી બીજી કરામત અનુભવી. કારમી બરફીલી ઠંડીમાંય કાલીગંગાની અડોઅડ ગરમ પાણીના ધોધ વહે છે! વાહ રે કુદરત તારી કરામત, વાહ!

હવે અમે ચીની તિબેટ સીમાની નજીક હતા. બીજે દિવસે કાલાપાનીથી હિન્દની હદના છેલ્લા કૅમ્પ નવી દાંગ જવા ઊપડ્યા. ત્યાંના સ્વચ્છ પારદર્શક બરફથી કોતરાયેલ ઓમ પર્વતમાં લોકવાયકાનુસાર ઓમનાં દર્શન કરવાની મથામણ કરી, પણ દુર્ભાગ્યે વાદળના કારણે ન જોઈ શક્યા. પાછા વળતાં પણ એમ જ થયું, નવી દાંગથી નીકળી ચીનીભૂમિમાં પ્રવેશ્યા. પૂર્વમાં આવેલ આ તિબેટનો સમય ભારતીય સમય કરતાં અઢી કલાક આગળ છે એટલે અમે ભારતથી રાત્રે ૨:૩૦ વાગ્યે નીકળ્યા હતા. હવે અમારે લીંપુપાસ પાર કરવાનો હતો. અહીંથી કુમાઉ મંડળના કાર્યકરો, કુલીઓ, ઘોડાવાળાઓ, સીમા સુરક્ષા દળના જવાનો વગેરે પાછા ફર્યા અને અમે તિબેટી ભોમિયા સાથે આગળ વધ્યા. તકલાકોટમાં પ્રવેશપત્ર, સામાન વગેરેનો ચેકીંગનો વિધિ પતાવી અમે ત્રીજે દિવસે કૈલાસ પરિક્રમા આરંભી. નિયમાનુસાર વીસ-વીસની બે ટુકડીઓ કરવામાં આવી હતી. એક ટુકડી કૈલાસદર્શન તરફ અને બીજી ટુકડી માનસરોવર તરફ ઊપડી. અમારું જૂથ કૈલાસ પરિક્રમા કરનાર હતું. રાક્ષસતાલ સરોવરથી બન્ને ટુકડીઓ પોતપોતાને રસ્તે પડી. અમે બપોરે દારચેન પહોંચ્યા. કૈલાસની તળેટીમાં આવેલા દારચેનથી વાદળાનો અવરોધ ન નડે તો શિવના નિવાસસ્થાનનું સ્પષ્ટ દર્શન થઈ શકે છે. બપોરે વાદળાંએ શિખર ઘેરી લીધું હતું એટલે અમે નાસીપાસ થયા. પણ સાંજે શિવ નિવાસનાં સ્પષ્ટ દર્શન કરી અને ભાવવિભોર બની ગયા.

અમારી કૈલાસપરિક્રમા ત્યાનાં યાક પ્રાણી પર બેસીને અથવા ચાલીને શરૂ થઈ. પચીસ કિ.મી.નું આ કપરું પરિક્રમણ પગપાળા જ કરવાની હિંમત તો અમારામાંના ત્રણ જણે જ દાખવી. આસપાસના ઊંચાનીંચા નાનામોટા ભૂખરા પર્વતોની વચ્ચે શ્યામવર્ણો કૈલાસ જાણે કે ગણોની વચ્ચે બિરાજતા શિવજીની ઝાંખી કરાવતો હતો. સાંજે ૭ વાગ્યે વરસાદમાં ચાલીને કૈલાસ શિખરના પાછળના ભાગમાં દીરેબુ પહોંચ્યા. શિવજીના ભવ્યાતિભવ્ય વિરાટ સ્વરૂપની સ્મૃતિ થાય તેવું દૃશ્ય છે. દીરેબુથી ઝોંગ ઝીરેબુને માર્ગે શિવનિવાસનું અનેરું દર્શન થાય છે. હિમથી બનેલી અષ્ટ આકૃતિઓનો કોઈને આભાસ થાય છે. આઠેય આકૃતિની ઝાંખી તો વિરલ છે, શંખ, ત્રિનેત્ર, જનોઈ, ગણેશ, શેષનાગ, ત્રિપુંડ, વગેરે છે.

ચોથે દિવસે ૧૯,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલ દોલમા પાસમાંથી પરિક્રમા કરવાનો માર્ગ છે. અમારી યાત્રાના સૌથી ઊંચા સ્થળ પર અમે પહોંચ્યા હતા. ચડાવ – ઉતાર સીધી હોવાથી વિકટ છે. ઊતરતી વખતે ગૌરીકુંડ માર્ગમાં આવે છે. અહીં પાર્વતીજી સ્નાન માટે આવતાં હોવાનું મનાય છે. ગૌરીકુંડનું પાણી સ્વચ્છ છે અને નીલ ગગનનું પ્રતિબિંબ ઝીલે છે. ઝોંગઝીરેબુ જતા માર્ગમાં અચાનક હિમવર્ષા થતાં પરેશાની થઈ, છતાં અમે બે જણાએ ચાલીને ધીરે ધીરે છેવટે પરિક્રમા પૂરી કરી, ત્યારે કૃતકૃત્યતાનો અનુભવ થયો. રોમાંચ થયો, ‘આહ, માનસરોવર-કૈલાસ!’ ઉદ્ગાર નીકળી પડ્યા.

કૈલાસ પર્વતની નજીકનું આ માનસ-સરોવર બ્રહ્માજીનું માનસ સર્જન મનાય છે. ૧૫૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલું આ માનસરોવર ૩૦૦ ફૂટ ઊંડું છે. એનાં નીર એટલાં સ્વચ્છ છે કે આકાશના તારાઓ અને સરોવર કિનારેના પહાડોનું પ્રતિબિંબ સ્પષ્ટ એમાં ઝિલાય છે. આટલી ઊંચાઈએ પણ અહીં ગરમી વરતાય છે. બરફ પરથી પરાવર્તિત થતાં સૂર્યકિરણો અને સરોવરની આસપાસનો રેતાળ પ્રદેશ વાતાવરણને ખુબજ ગરમ રાખે છે.

રણ જેવી રેતીમાં ચાલવું ખૂબ કઠિન છે. ગરમી અને રેતીને કારણે પહેલે દિવસે જ પગમાં ફોલ્લા પડી ગયા. પહેલે દિવસે ૪૨ કિ.મી. અને બીજે દિવસે ૨૮ કિ.મી. (કુલ ૭૦ કિ.મી.)ની પ્રદક્ષિણા કરી. માર્ગમાં કિનારા પરથી મળતા પથ્થરોમાં ઓમ કે ત્રિશુલની નૈસર્ગિક આકૃતિ રચાયેલ હોય છે, પણ બધાને આ દૃષ્ટિગોચર થતી નથી. બે દિવસોની પરિક્રમા પૂર્ણ કરી ત્રીજા દિવસે માનસરોવરને કિનારે રોકાવાનું હતું. તે દરમિયાન અમે સ્નાન કર્યું, પોતપોતાના માટે નીર ભર્યાં અને આખો દિવસ માનસ સરોવર અને તેના કિનારે અવસ્થિત બરફીલા સૌંદર્યથી તરબતર ગુર્લા માંધાતા પહાડોને માણ્યા. આ પછી નિયત સ્થાને અમારી બીજી ટુકડી સાથે અમે ભળ્યા.

કુલ ૩૨ દિવસની યાત્રામાં કૈલાસ-માનસરોવરનું રોકાણ તો માત્ર છ દિવસનું હોય છે. તેમાં પાંચેક દિવસ કૈલાસ – માનસરોવરની પરિક્રમામાં અને બાકીના પૂજા ધ્યાન, હરવા-ફરવામાં અને વિશ્રામમાં જાય છે. ઊંચાઈને લીધે પાતળી હવાને લીધે હાંફ તો ચડે પણ હૈયામાં હામ અને હોંશ હતી એટલે પેટ ભરીને પ્રકૃતિનું સૌંદર્ય માણ્યું, હૈયું ભરીને અધ્યાત્મની અનુભૂતિ કરી, ધૈર્યથી મુસીબતો માણી, સાહસનો સંદેશ સાંભળ્યો. અમે સૌ હેમખેમ હતાં. આવી મુક્તિસમી અનુભૂતિને હૈયામાં સંઘરીને હવે ઘેર પાછા ફરવાનો સમય આવ્યો. અમે પાછા દિલ્હી તરફ રવાના થયાં. મનમાં સાકાર થયેલ સ્વપ્નના વિચારો વાગોળતાં જ રહ્યાં. અમારા ૩૩ વ્યક્તિઓના ગ્રુપમાં ત્રણ વ્યક્તિઓ ત્રીજી વાર આવી હતી અને એમાંના શ્રી નાગરાજને તો ૬૫ વર્ષની ઉંમરે આખી યાત્રા ખુલ્લા પગે ચાલીને બીજીવાર કરી હતી, તેમને મારા અનેક વંદન.

આખા ગ્રુપમાં હું સૌથી નાની હતી અને આખી યાત્રા ચાલીને કરી તેનું બધાને આશ્ચર્ય થયું. પણ આ બધું શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી, મારા માતા-પિતાના અને સંતોના આશીર્વાદથી પાર પડ્યું. જય ઠાકુર! જય કૈલાસપતિ!

 

ૐ નમઃ શિવાય

Total Views: 93

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.