આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે. આ મલ્ટિમીડિયાના લાભો તેમ જ હાનિકારક તત્ત્વો તેમાં રહેલાં વરદાનો અને શાપોનો પણ સમાવેશ કરે છે. જો કે આમાંના થયેલા સંશોધનપૂર્ણ અભ્યાસો યુ.ઍસ.એ.માં પ્રવર્તતી સ્થિતિને અનુલક્ષીને કરવામાં આવ્યા છે, પરંતુ અન્ય દેશો માટે પણ હવે તે એટલા જ અર્થપૂર્ણ છે તે માન્ય રાખવું જ રહ્યું. કેમ કે, માનવપ્રકૃતિ સર્વત્ર એક જ પ્રકારની હોય છે; અને આ મલ્ટિમીડિયાનું આક્રમણ પણ હવે લગભગ સાર્વત્રિક જ ગણી શકાય તેમ છે. સ્વામી વિવેકાનંદજીએ નિર્દેશેલાં ગૂઢ તત્ત્વો, તેમના શિક્ષણમાં આવરી લેવાતાં સૂઝસમજણનાં તત્ત્વો, એકાગ્રતા, જ્ઞાન અને શીલ પ્રત્યે વારંવાર સમાંતર રીતે ધ્યાન દોરીને લેખિકાએ આપણને એક અત્યંત સુંદર, ખૂબ જ મૂલ્યવાન લેખ આપેલો છે જેમાંથી આપણે પોતે તથા આપણાં બાળકો આ મલ્ટિમીડિયાની સગવડોનો લાભ કઈ રીતે લઈ શકીએ તેમ જ તેની હાનિકારક અસરોથી કઈ રીતે બચી-બચાવી શકીએ તે માટે માર્ગદર્શન મળે છે. લેખિકા અમેરિકામાં સાન્તા બાર્બરા સ્થિત રામકૃષ્ણ મઠ અને મિશનના કૅલિફૉર્નિયા કેન્દ્ર દ્વારા સંચાલિત સારા કૉન્વૅન્ટનાં સંન્યાસિની છે. – સં.

(ગતાંકથી આગળ)

કમ્પ્યુટર ટૅકનૉલૉજીમાં લાભ છે તો ગેરલાભો પણ છે. કમ્પ્યુટરને લીધે મળતા લાભોમાં કામદારોને માટે ફાળવવાના પગારો અને તેમનો સમય બન્નેની બચતને ગણી શકાય. પરંતુ કમ્પ્યુટર સાથે કામ લેવાના અનુભવને તે કામદારો ગઈ સદીના ૯૦ના દાયકામાં કોલસાની ખાણમાં કામ કરવાના અનુભવ સાથે સરખાવે છે.’૭૪ સૅક્રૅટરીના કામને કમ્પ્યુટરે અવશ્ય જેમ ઓછું તેમ જ ઝડપી તથા દક્ષતાવાળું બનાવ્યું છે, તેમ છતાં કેટલીક વાર એનું કામ કંટાળાજનક અને માનસિક થકાવટ ઉત્પન્ન કરનાર પણ લાગે છે. સૅક્રૅટરીઓની ઘણી વખત એ બાબતની ફરિયાદ રહે છે કે હવે તેઓની કુશળતાને વ્યક્તિગત ઉત્સાહ અને વિચારોને લક્ષ્યમાં લીધા વિના જ એક વ્યક્તિહીનતાના ધોરણે સુપ્રત કરેલા અહેવાલની વિગતોને આધારે જ આંકવામાં આવે છે.

ઘરમાં તેમ જ ઑફિસમાં પણ કમ્પ્યુટરને લીધે જીવનની ઝડપમાં વધારો થવા પામ્યો છે. ઈલૅક્ટ્રૉનિક યુગમાં માહિતીનો પ્રસાર એટલા વિપુલ પ્રમાણમાં અને ઝડપથી થાય છે કે આપણે તેની સાથે કદમ મિલાવી શકતાં નથી. શારીરિક તેમ જ લાગણીની દૃષ્ટિએ આને લીધે માનસિક દબાણ (stress) અને માનસિક ઉચાટ (anxiety) સાથે સંકળાયેલી બિમારીઓનું પ્રમાણ વધવા લાગ્યું છે. ન્યૂઝવીક મેગેઝિનના લેખકોએ તેમના માર્ચ ૬, ૧૯૯૫ના અંકમાં પ્રકાશિત ‘બ્રૅકિંગ પૉઈન્ટ’ નામના લેખમાં નોંધ્યું છે કે ‘ટૅકનૉલૉજીના આ ઉછાળે ’૯૦ના દાયકાના માનસિક દબાણો અને ઉચાટને એક વિશિષ્ટ ઝુકાવ આપ્યો છે.’

આજે કોઈને નવરાશનો સમય નથી હોતો, કોઈ એવો ઉપાય નથી, જેથી તમે કામ અથવા લોકોથી દૂર થઈ શકો. મોટરકારોમાં આપણી પાસે સેલ ફોનો છે, ખીસામાં બીપર્સ છે, અને આપણે તેને ડીઝનીલૅન્ડ જોવા વખતે પણ સાથે લઈ જઈએ છીએ, સમુદ્રતટની સહેલ કરતાં સાથે રાખીએ છીએ, અને બાથરૂમમાં પણ સાથે જ રાખીએ છીએ. બૉસ્ટન યુનિવર્સિટી મૅડિકલ સૅન્ટરના ડૉ. માર્ક મૉકૉવિટ્ઝના અભિપ્રાયમાં આ બધાનો અર્થ એ જ થાય છે કે ‘ઘણા બધા લોકો લગભગ ચોવીસે કલાક કામ કરતા જ રહે છે, અઠવાડિયાના સાત દિવસ તેઓ કામ કરે છે, અને ચોપડા પર તેઓ કામ ન કરતા હોવાં છતાં તેવા સમય દરમિયાન પણ તેઓ કામ કરતા જ રહે છે.’ તેઓ કહે છે કે આ રીતે કામ કરવું એટલે માનસિક રીતે સંપૂર્ણ થકાવટને નિમંત્રણ આપવું.૭૫

જૅરી મૅન્ડરે આ સતત આગળ વધતી બિમારીને માટે ટૂંકાણમાં આમ લખ્યું છે :

જ્યારે ઔદ્યોગિક ક્રાન્તિ આવી ત્યારે બધી ચીજો યાંત્રિક ઝડપે ચાલવા લાગી. કુદરતી વાતાવરણનો મનગમતો ઘાટ ઘડાવા લાગ્યો અને માનવજીવન પણ માનવ રચિત વાતાવરણમાં વીતવા લાગ્યું, અને તેથી આપણા પ્રતિભાવો પણ કુદરતી ન રહેતાં ઔદ્યોગિક પ્રતિભાવો બનવા લાગ્યા (દા.ત. ઍસૅમ્બ્લી લાઈનમાં કામ કરનારાના યાંત્રિક પ્રતિભાવો)… અને હવે જ્યારે યંત્રો ઈલૅક્ટ્રૉનિક ગતિએ ઝડપી બન્યાં છે ત્યારે પ્રવૃત્તિનું ચક્ર ત્વરિત ગતિએ ફરવા લાગ્યું છે, અને એ ચક્ર ઉ૫૨ આપણે ચઢ્યા રહેવાનું છે.’૭૬

સ્વામી વિવેકાનંદના સમયમાં – એક શતાબ્દી પહેલાં – આ ઔદ્યોગિક – જગતમાં આજની પાગલપણાની હદની ઈલેક્ટ્રૉનિક ગતિ – ૧૯૯૦ના દાયકાની ઝડપની કોઈ આશા કે ધારણા હતી નહિ, તેમ છતાં સ્વામીજીએ તેવે સમયે પણ એક માનવીય સંવેદનને વિષે સચોટ ટીકા અવશ્ય કરી હતી જે આપણને માનસિક થકાવટ પ્રત્યે ઘસડી જાય છે. ‘આપણે (યંત્રને) પકડવાના હેતુથી આવ્યા હતા, પરંતુ આપણે જ (યંત્રજાળમાં) પકડાઈ ગયા છીએ,’ એવું તેમણે ૧૯૯૦ની સાલમાં લૉસ ઍન્જેલિસમાંની એક સભામાં ભાષણ કરતાં તેમણે કહ્યું હતું – ‘આપણે આનંદની રચના કરવા (જગતમાં) આવ્યા હતા, પરંતુ હવે (જગત-દ્વારા) આપણો આનંદ લેવાઈ રહ્યો છે; આપણે (જગત ૫૨) શાસન કરવા આવ્યા હતા, પણ હવે આપણા પર શાસન થઈ રહ્યું છે. આપણે તો કામ કરવા આવ્યા હતા, પણ આપણા ઉપર કામ થઈ રહ્યું છે. આપણા ઉપર બીજાં મગજો કામ કરે છે અને આપણે પણ બીજાં મગજો પર કામ કરવાની લડત લડી રહ્યા છીએ. આપણને જીવનના ઉપભોગો મેળવવા છે, પણ તે ઉપભોગો જ આપણા જીવનને કોરી ખાય છે. આપણે કુદરત પાસેથી બધી જ ચીજો મેળવવાની મહેચ્છા રાખીએ છીએ, પણ છેવટે તો આપણે એ જ જોઈએ છીએ કે આપણી પાસેથી કુદરત જ બધી ચીજો મેળવી લે છે, આપણને તદ્દન ખાલીખમ કરી નાખે છે અને પછી આપણને (ચૂસેલી કેરીની જેમ) બાજુ પર નાખી દે છે.’

દરેક નવા દાયકા સાથે આપણે વધુ ને વધુ કૃત્રિમ (sophisticated) ટૅકનૉલૉજી પ્રત્યે આગળ વધીએ છીએ, જેથી બાહ્ય જગત ઉપર સર્વોત્તમતા અને સંપૂર્ણતા મેળવી શકીએ, આપણે એ બાબત મૂર્ખતાપૂર્ણ રીતે વિચારીએ છીએ કે આપણાથી બાહ્ય જગતમાં આપણને આપણી દિવ્યતા પ્રાપ્ત થઈ શકે છે.

કમ્પ્યુટરો હવે ઘરમાં તથા ધંધાનાં સ્થળોએ પહોંચી ગયાં છે, એટલું જ નહિ, શિક્ષણના વર્ગોમાં પણ તેઓ દાખલ થઈ ગયાં છે. શિક્ષણનું આખું માળખું હવે કમ્પ્યુટર નેટવર્ક બદલે છે, તેમાં શિક્ષણ કેવી રીતે મેળવવું જોઈએ એ બાબત પણ તે જ નક્કી કરે છે. કમ્પ્યુટરને વિષે જાણવું – ‘કમ્પ્યુટર લિટરસી’ – જાહેર શિક્ષણમાં જેમ જેમ અનિવાર્ય બનતું જાય છે, તેમ તેમ મીડિયા વિવેચકો કમ્પ્યુટરાઈઝ્ડ શિક્ષણનો વિદ્યાર્થીઓ ૫ર શો પ્રભાવ પડે છે, તે વિષે વિચારતા થયા છે.

કેટલાક વિવેચકો કહે છે કે કમ્પ્યુટરને લીધે વર્ગમાં અપાતું શિક્ષણ વિદ્યાર્થીઓને ઓછું ભયજનક લાગે છે. તેમાં ભણવાના પાઠો કમ્પ્યુટર આપે છે, તેના ઉપર વિદ્યાર્થી પોતાનો પ્રતિભાવ આપે છે અને જ્યારે પાઠ પૂરો થાય છે ત્યારે કમ્પ્યુટર તેની પ્રશંસા કરતા વાક્યથી તેની જાણે પીઠ થાબડે છે. આથી વિદ્યાર્થી કોઈ શિક્ષક, અથવા સત્તાશાળી વ્યક્તિ પાસેથી કોઈ પ્રકારની બહાલી કે સંમતિની અપેક્ષા રાખતો નથી. તદુપરાંત બીજા કેટલાક વિવેચકોની દલીલ છે કે કમ્પ્યુટરથી શિક્ષણ લેવામાં વિદ્યાર્થી સ્વ-પ્રેરણાથી શિક્ષણ લે છે, નહિ કે વર્ગ સ્પર્ધાના ધક્કાથી.

આ ‘દૂર હટો’ પદ્ધતિના શિક્ષણને સ્વામી વિવેકાનંદે અંશતઃ આવકાર્યું હોત, કેમ કે છેવટે તો વેદાંત પણ એમ જ કહે છે કે જ્ઞાન તો માનવની ભીતરમાંથી જ પ્રાપ્ત થઈ શકે છે. ‘ચકમક પથ્થરમાં છૂપાયેલા અગ્નિની જેમ, માનવમનમાં જ્ઞાન છૂપાયેલું છે;’ સ્વામી વિવેકાનંદ ભારપૂર્વક કહેતા, અને સૂચન કરવું એ એવું ઘર્ષણ છે જે તેને પ્રગટ કરે છે.૭૮ તેથી જ તેમણે એ ચેતવણી પણ આપી કે જે વ્યક્તિ, રીત અથવા ચીજ બાળકની જ્ઞાન મેળવવાની કુદરતી જિજ્ઞાસાને ગૂંગળાવે તેનો ત્યાગ કરવો. ‘ઘણી વખત એમ બને છે કે માતાપિતાના દબાણને લીધે શિક્ષણ મેળવવાની વૃત્તિ ભાંગી જાય છે;’ એવું પણ સ્વામીજીએ કહ્યું હતું. બીજે એક સ્થાને તેમણે એમ પણ કહ્યું કે ‘જુઓ, કોઈ કોઈને શીખવી શકતું જ નથી. શિક્ષક એ વિચારીને જ બધું બગાડી મૂકે છે કે તે કંઈક શીખવી રહ્યો છે. આથી વેદાન્ત કહે છે કે માનવની ભીતરમાં જ બધું જ્ઞાન ભર્યું છે – અને બાળકમાં પણ એ જ ભર્યું છે – જેને ફક્ત જાગૃત કરવાની, ટકોર કરવાની જ આવશ્યકતા છે; અને આટલું જ કરવાની શિક્ષકે જરૂર છે.’૮૦

અત્રે એ નોંધવું જોઈએ કે સ્વામીજીએ એ વાત પર ભાર મૂક્યો છે કે વ્યક્તિગત વિકાસ થાય, નહિ કે શિક્ષક વિનાનો એકલવાયો વિકાસ.

તો પછી, કોર્નેગી મૅલૉન યુનિવર્સિટીના પ્રયોગશીલ ‘જસ્ટ ઈન ટાઈમ’ વ્યાખ્યાનો વિષે સ્વામીજીનો શો મત હોઈ શકે? આ પ્રયોગોમાં પોતાના કામની જગ્યાએ ગોઠવેલા કમ્પ્યુટરો પર વિદ્યાર્થીઓને એક વીડિયો ચિત્ર બતાવવામાં આવે છે, અને તેના પર તેમનો પોતાનો પ્રતિભાવ તેમણે ઈ મેઈલ (E-Mail) દ્વારા પોતાના પ્રૉફેસરને કમ્પ્યુટરથી જ મોકલવાનો હોય છે. પછી તે પ્રૉફેસર બીજાં ચિત્રો તેમને મોક્લે છે. આમ કમ્પ્યુટર નેટવર્ક ઉપર પ્રશ્નો અને ઉત્તરોના સંગ્રહ ઊભો થાય છે જેનો ઉપયોગ પછીથી આવનાર વિદ્યાર્થીઓ પણ કરી શકે છે. ‘આ પ્રકારની રીત તો વર્ગશિક્ષણ પદ્ધતિ જેમાં વ્યાખ્યાતાઓની સામે બધા વિદ્યાર્થી એક જ વર્ગમાં સાથે બેસે છે, તેને તદ્દન તોડીને હટાવી દે છે,’ એમ કાર્નેગી મૅલોન યુનિવર્સિટીના કૉલેજ ઑફ ઍન્જિનિયરીંગના ડીન સ્ટીફન ડાયરેક્ટરનું કહેવું છે.

‘શિક્ષકવિહીન’ વર્ગોની વિરુદ્ધ કેટલાક જૂનવાણી સિદ્ધાંતલક્ષી શિક્ષણવિદો દલીલ કરે છે કે ‘માહિતી’ અને ‘જ્ઞાન’ વચ્ચે ઘણો તફાવત છે, અને તેમનો એ બાબત પર ખાસ ભાર છે કે ‘જ્ઞાન’ માટે ‘શિક્ષક’ની અત્યંત આવશ્યકતા રહે છે. અને એમની સાથે આ બાબતમાં સ્વામી વિવેકાનંદ સહમત થયા જ હોત એ નિઃશંક છે. તેમણે પણ કહ્યું છે કે ‘સહુથી વધુ ઉત્તમ ભેટ છે. આધ્યાત્મિક જ્ઞાન આપવાની; ત્યાર બાદની કક્ષા છે લૌકિક (secular) જ્ઞાન આપવાની…’૮૧ અત્રે મુખ્ય નોંધવા લાયક શબ્દ છે ‘આપવાની’ giving. ભારતીય પ્રણાલીમાં જ્ઞાન, આધ્યાત્મિક કે લૌકિક હંમેશાં ગુરુ પાસેથી શિષ્યને પ્રાપ્ત થાય છે; (એટલે કે ગુરુ જ્ઞાન ‘આપે’ છે.)

એક વાર સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘એ ખૂબ જ વિચિત્ર વાત છે કે લગભગ દરેક સારા વિચારને છેવટે એક ખૂબ ઘૃણાસ્પદ અંતિમ છેડા પર ખેંચી જવામાં આવે છે’૮૨ અને હવેના આવનારા કમ્પ્યુટરાઈઝ્ડ શિક્ષણમાં પ્રણાલિગત ગ્રંથાલયો નિષ્ક્રિય બની રહેશે. સ્વામી વિવેકાનંદના આ વિચારો સાથે પ્રણાલિગત વિચારધારા ધરાવનારા શિક્ષણવિદો સહમત થાય એમ છે. ‘ન્યૂઝવીક’ સામયિકમાંના ‘વાયરિંગ ધી આઈવરી ટાવર’ નામના શીર્ષકવાળા લેખમાં આવા શિક્ષણવિદોએ પોતાની ચિંતા જાહેર કરતાં કહ્યું છે, ‘એમ જણાવા માંડ્યું છે કે આપણે હવે આપણાં જ સાધનોના સાધનો બની રહ્યા છીએ અને આપણાં આ સાધનો દિન-બ-દિન વધુ ને વધુ કાર્યકુશળ બની રહ્યાં છે.’

આજનું કમ્પ્યુટરાઈઝ્ડ શિક્ષણ કઈ જાતના માનવી બનાવી રહ્યું છે? આપણે કઈ રીતે ‘સાધનોના સાધન’ બની રહ્યા છીએ? ‘ટૉરૉન્ટો ગ્લોબ’ માંના મારિઆન કૅસ્ટરના અહેવાલ મુજબ આજની પરિસ્થિતિ નીચે મુજબ વર્ણવી શકાય : ‘જો ટી.વી. જોવાના સમયમાં બાળકો પોતાના માતા પિતાથી દૂર રહેવાનાં હોય, વીડિયો ગેમ્સ રમતી વેળા પોતાનાં બાળમિત્રોથી દૂર રહેવાનાં હોય, અને ટી.વી. શિક્ષણનાં માધ્યમથી શિક્ષણ પામતી વેળા પોતાના શિક્ષકોથી દૂર રહેવાનાં હોય તો તેઓ ‘માનવ’ બનવાનું કઈ જગ્યાએથી શીખી શકવાનાં છે!’૮૫

જાગૃત બનેલી કમ્પ્યુટર કંપનીઓ પોતાના જાહેરાતોની ઝુંબેશમાં આ બાબતની ચિંતાનો વિચાર કરવા લાગી છે. કમ્પ્યુટર શિક્ષણ ઘેર આપવા ઈચ્છતા માબાપોને હવે જાહેરાતો જ સલાહો આપવા લાગી છે, ‘તમારાં બાળકોની સાથે રહો અને તેમને સહારો તથા પ્રોત્સાહન આપો, અથવા બાળકોની ઉત્તેજનામાં પણ ભાગ લ્યો,’ અથવા માબાપોને જાહેરાતમાં જ સૂચન થાય છે, ‘કમ્પ્યુટરના શિક્ષણની સાથે જ કમ્પ્યુટરથી દૂર થતી પ્રવૃત્તિ પણ જોડી રાખો.’૮૬

પરંતુ, એ તો સ્પષ્ટ જ છે કે આવી જાતનાં સલાહ-સૂચનો જેવાં પગલાં કમ્પ્યુટર શિક્ષણમાંથી ઉદ્ભવતા વ્યક્તિહીનતાના લક્ષણને દૂર કરવામાં માત્ર કામચલાઉ જ નીવડે તેવાં છે. વધુ સમયના પરિવર્તનની ક્ષમતા ધરાવનાર પગલાંનું સૂચન સ્વામી વિવેકાનંદના શબ્દોમાં મળે છે કે ‘માનવસર્જન કરતું શિક્ષણ આધ્યાત્મિક માર્ગે મળે છે.’ અને તેને ધ્યેય બનાવવાથી જ કમ્પ્યુટર, ટી.વી. અથવા અન્ય મલ્ટિમીડિયાના સાધનોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોઈ શકાશે. સ્વામીજી આપણને એ બાબતની યાદ તાજી કરાવે છે કે, ‘આપણને એવું શિક્ષણ જોઈએ છે જેને લીધે ચારિત્ર્યનું ઘડતર થાય છે, મનની શક્તિનો વિકાસ થાય છે, બુદ્ધિ ખીલી ઉઠે છે અને જેને કારણે વ્યક્તિ પોતાના જ પગ પર ઊભો રહી શકે છે.’

શિક્ષકોને સ્થાને હવે જ્યારે કમ્પ્યુટરો આવી ગયાં છે ત્યારે જૅરી મૅન્ડર લખે છે,‘હવે તેઓ સ્કૂલોમાં શીખવાતી માહિતીને બદલવા લાગ્યા છે, જેમાં પ્રણાલિગત શિક્ષક વિદ્યાર્થીના રહસ્યમય અને બુદ્ધિને કુશાગ્ર કરનાર સંબંધોને સ્થાને વધુ સ્પષ્ટીકૃત (hard-edged) માહિતીપૂર્ણ વિગતો, અને હેતુલક્ષી (objective) વિષયવસ્તુ (content)નો સમાવેશ થવા લાગ્યો છે, જે મશીનોના વાપરનારને મદદરૂપ થાય તે પ્રકારના સંબંધની દૃષ્ટિએ બનાવવામાં આવે છે.’૮૮

આને લીધે બીજો પણ એક પ્રશ્ન ઊભો થાય છે : ‘કમ્પ્યુટરાઈઝ્ડ શિક્ષણ દ્વારા કઈ જાતનું શીખવાનું (learning) મળે છે? કેવી વિદ્વત્તા પ્રાપ્ત થાય છે?’ જૅરી મૅન્ડર જેવા કેટલાક મીડિયા વિવેચકોનો દાવો છે કે આ સાધનથી મળતું શિક્ષણ રેખામય (linear) જ હોય છે, અને તેનાથી સૂક્ષ્મ વિચારક્ષમતા અને વિચારપ્રક્રિયાઓ કુંઠિત થઈ જશે એટલું જ નહિ પણ તેનો ઉપયોગ ઓછો થતો જવાને લીધે અંતે તેઓ અદૃશ્ય બની જશે.

અન્ય વિવેચકો આનાથી વિરુદ્ધનો અભિપ્રાય ધરાવે છે. તેમનો મત છે કે ટી.વી.ની સામે સ્પર્ધામાં ઉતારવા માટે જ શિક્ષણમાં મલ્ટિમીડિયા વપરાય છે, જેમાં ચમકભમકવાળી વીડિયો ક્લીપ્સ, સંગીતમય પાર્શ્વભૂમિકા, અને રંગબેરંગી હાલતાંચાલતાં ચિત્રો (animations) મદદરૂપ થાય છે. એમ.ટી.વી. દ્વારા ઉત્તેજનાપૂર્ણ તાલ અને ગાનથી પોષાયેલી પેઢીને મલ્ટિમીડિયાનું આકર્ષણ રહે તેમ બને, પરંતુ કેટલાક વિવેચકો દૃઢતાથી એમ માને જ છે કે આ પ્રકારના ‘હૉટ વાયરિંગ’ થી અપાતું શિક્ષણ બાળકની અવનતિને જ નોતરે છે. સાક્ષરતાની વિપરીત સ્થિતિ જોતાં પણ વર્ણનાત્મક શૈલીનો તેમ જ તર્કપૂર્ણ દલીલો સાથે સમજાવવાની રીતનો કે જેના દ્વારા ‘અ’માંથી ‘બ’ની સમજ આવી શકે તેમ છે, તેનો ત્યાગ કરવો આ સમયે ઉચિત નથી.૯૦

‘ન્યૂઝવીક’ સામયિકના સ્ટીવન લૅવી કહે છે કે ‘મલ્ટિમીડિયાનું મુખ્ય તત્ત્વ તર્કશીલતા નહી પરંતુ ઊંડી ભાવનાશીલ અસર પાડવાનું છે,’૯૧

મલ્ટિમીડિયાના વિશ્લેષણ કરનારા વિદ્વાનો પણ કબૂલે છે કે આજના ઈલૅક્ટ્રૉનિક યુગમાં માહિતીબાહુલ્ય તો થયું છે પણ તે સાથે જ એ જોખમ પણ રહે છે કે કમ્પ્યુટર મારફત શીખનારા વિદ્યાર્થીઓ પૂરી સમજ વિના જ પરિણામો બતાવશે. જ્ઞાન વિનાની જ માહિતી રાખતા થઈ જશે. ‘સાયન્સ’ નામના સામયિકમાં જૉસૅફ મૅનૉસ્કીએ સમજાવ્યું છે કે કમ્પ્યુટરાઈઝ્ડ શિક્ષણમાં ઘણી વખત પ્રોગ્રામોમાં રહેલા સિદ્ધાંતો સમજાવવામાં નિષ્ફળતા મળી છે.

માહિતીક્ષેત્રમાં આવેલી આ ક્રાન્તિનો કદાચ એક ગૂઢ પ્રભાવ એ છે કે તે આપણી માનવ અંતરચેતનાને ‘ઍટમ’ અથવા ‘અણુ’થી બનેલી અનુભવજન્ય (Empirical) દુનિયા અને ‘બીટ’ (અથવા કમ્પ્યુટરમાં નાખવામાં આવતી ઓછામાં ઓછી માહિતી કે માહિતીનો ટુકડો)ના માધ્યમથી ઊભી થતી પ્રત્યક્ષ છતાં હકીકતમાં ન હોય (virtuality) તેવી દુનિયા વચ્ચેના સંબંધને સેળભેળ કરી મૂકશે, ડામાડોળ કરી મૂકશે.૯૩ આ ‘બીટ’ દ્વારા આજના માહિતીયુગમાં ઈલૅકટ્રૉનિક સાધનોનાં પ્રદાન થયાં છે : જેવાં કે કમ્પ્યુટર દસ્તાવેજો, સ્પ્રેડશીટો, ઑડિયો સી.ડી.ઓ, મલ્ટિમીડિયા, સી.ડી.રોમ્સ મૂવી સ્પેશ્યલ ઈફૅક્ટસ, અને લગભગ હકીકત હોય તેવી વાસ્તવિકતાની ભ્રમણાનું વાતાવરણ. (અથવા કમ્પ્યુટરના માધ્યમથી ઊભી કરેલી વાસ્તવિકતા જેને પોતાની ઈન્દ્રિયો અને અનુભવ મેળવનારાં કેન્દ્રો દ્વારા માનવ સમજી શકે છે.)૯૪

અમેરિકાના એક અતિ લોકમાન્ય સામયિક ‘ન્યૂઝવીક’માં સ્ટીવન લૅવી લખે છે : ‘બીટના માધ્યમથી જેમ જેમ આપણો અનુભવ વધતો જાય છે, તેમ તેમ વાસ્તવિકતા જ જાણે ક્રમશઃ બદલાતી જાય છે. તદ્દન શુન્યમાંથી એક નવું પરિમાણ ઊભું થાય છે : સાયબર-સ્પેસ, જે એક એવું સ્થાન છે જેની અગોચર – ઈન્દ્રિયાતીત પ્રકૃતિ હોવા છતાં માનવમનનું નિજનાં ઘર જેવું સ્થાન બનવામાં જેને કોઈ વિઘ્ન ઊભું થતું નથી અને જારી કાર્યલક્ષી સ્થાન માટે મોટી સંખ્યામાં માહિતી તજ્જ્ઞો (infonauts) જ્યાં રહી શકે છે.’૯૫

આ રીતે અણુઓ અને બીટમાં થતી હાથચાલાકી અને જાદુગરીથી અને એક દુનિયામાં બીજી દુનિયાના ઊભા થતા ‘હાઈ-ટૅક’ આભાસથી વેદાન્તી છેતરાઈ જતો નથી, જે ‘સત્ય’નો શોધક છે, તેને માટે સામાન્ય ચેતનને ‘શુદ્ધ’ કરવાનું કાર્ય ‘માયાવી’ દુનિયાથી ઉપર ચડવા માટે આમ પણ જરૂરી છે જ અને ‘સાયબર-સ્પેસ’ કંઈ વાસ્તવિકતાનું અંતિમ સ્વરૂપ છે જ નહિ, એ તો ‘માયા’ જ છે – એક એવું દર્પણઘર – જેમાંથી જ્યારે આપણે પાછા હઠીએ ત્યારે જ આપણને એ સત્યનો અનુભવ થાય કે એક જ હતું અને બીજા તો પ્રતિબિંબો જ હતાં. સ્વામીજી આપણને યાદ કરાવે છે કે, ‘આખા ય વિશ્વમાં તે ‘એક’ જ છે, જે વિવિધ સ્વરૂપો ધારણ કરે છે. જ્યારે તેનો અંશ પણ આપણને મળે છે ત્યારે જાણે આ સમય, સ્થળ અને કાર્યકારણના જાળાંઓમાં વિવિધરૂપે જણાય છે; એ જાળાં હઠાવી લો ત્યારે તે પુનઃ એક જ જણાય છે.’૯૬

આજના ઈલૅક્ટ્રૉનિક મીડિયાનાં સાધનો ખરેખર ચિંતાકારક બન્યાં છે. પણ આપણે એ ન ભૂલી શકીએ કે તેને લીધે પૃથ્વીના વિવિધ સમાજોને તે એક સૂત્રે બાંધી શકે છે, એવો એક સમગ્ર સમાજ વિશ્વમાં ઊભો કરે છે જે એક પ્રમુખની હત્યાનો શોક એક સાથે કરે છે, દુનિયાના દૂરસુદૂરના ખૂણાઓમાંથી નજરે ચડતી હિંસાને કારણે સ્તબ્ધ બને છે, અને ખેલકૂદના બનાવો વખતે મેળવાતા વિજયો માટે એક સાથે આનંદ અનુભવે છે.

દરેક યુગમાં આપણને સ્વ-જ્ઞાન માટેનાં સાધનો મળતાં રહ્યાં છે. એ જ પ્રમાણે આજના ઈલૅક્ટ્રૉનિક યુગનું પણ છે. પરંતુ જેમ જેમ કમ્પ્યુટર ઉદ્યોગ ટી.વી. તથા ફિલ્મોની સાથે ભળતો જાય છે, તેમ તેમ તે માધ્યમોનું ચરિત્ર બદલાતું જાય છે, અને તે પણ ‘ડિજિટલ’ માધ્યમો બની જવા લાગ્યાં છે.૯૭ પાશ્ચાત્ય સંસ્કૃતિએ એ લાલચનો ભરપૂર સામનો કરવાનો છે કે એવાં ઈલૅક્ટ્રૉનિક સાધનોનો મારો સહન કરે જે આપણી માનવીય તેમ જ આધ્યાત્મિક ઉત્ક્રાન્તિને નિયંત્રિત કરે અને અમુક રીતે અંકુશમાં રાખીને તેની ગતિ તેમ જ લક્ષણોને નિશ્ચિત કરે, જ્યાં સુધી આપણે આ સાધનોમાં રહેલાં જોખમો વિશે સજાગ હોઈએ, જ્યાં સુધી તે આપણાં સાધન જ બની રહે, ત્યાં સુધી આપણે તેના ‘સાધન’ બનતા અટકી શકીશું.

આજે ચારિત્ર્ય-ઘડતરને અનુલક્ષીને શિક્ષણ મેળવવાના સ્વામી વિવેકાનંદના ધ્યેયને મોટામાં મોટું વિઘ્ન શિક્ષક સાથેના વ્યક્તિગત સંપર્ક વગરના શિક્ષણનું છે. તેમની ફિલસૂફી તો વ્યક્તિત્વના જ વિકાસ અને વ્યક્તિના આંતરિક જ્ઞાન ઉપર ભાર દે છે. સ્વામીજી કહેતા, ‘દરેક વ્યક્તિ વિકાસ સાધી શકે છે અને પોતાના વ્યક્તિત્વને મજબૂત પણ બનાવી શકે છે. આ જ એક વ્યાવહારિક અને મહાન ધ્યેય છે, અને આ જ શિક્ષણનું સૌથી મોટું રહસ્ય છે. આ વૈશ્વિક રીતે વ્યવહારમાં લાવી શકાય તેવું ધ્યેય છે. ગૃહસ્થ હોય, ગરીબ હોય કે અમીર હોય, વ્યાપારી હોય કે આધ્યાત્મિક પુરુષ હોય, દરેકના જીવનમાં વ્યક્તિત્વને પુષ્ટ કરવાનું, મજબૂત બનાવવાનું કાર્ય મહત્ત્વ ધરાવે જ છે.’૯૮

આ પ્રકારના શિક્ષણમાંથી મોટા વીરો અને વીરાંગનાઓ, મહાનતાના ગુણવાળાં અને માનસિક ઉચ્ચતાવાળાં વ્યક્તિત્વો ઉદ્ભવે છે.

ખોટો સ્વાંગ ધરનાર આભાસી દુનિયામાં જેમ જેમ આપણે આગળ વધીએ છીએ, આપણાં ચક્ષુ, કાન અને સ્પર્શની ઈન્દ્રિયોના ઉપયોગથી આપણે ‘ઈન્ટરનૅટ’માં પ્રવેશીએ છીએ – એક સાયબર-સ્પેસની અદ્ભુત દુનિયામાં આવીએ છીએ જેમાં પત્રવ્યવહાર, જાહેર વ્યાખ્યાનો, શૈક્ષણિક સંમેલનો, પરિષદો, છાપેલાં સામયિકો વગેરે૯૯ રહેલા છે ત્યારે આપણે નવી નવી મોજમજાઓ અને વિસ્મયથી અભિભૂત થઈ જઈએ તેવી શક્યતા છે. આવા સમયે સ્વામી વિવેકાનંદે ઉચ્ચારેલી ચેતવણીના શબ્દો – જાદુઈ શબ્દો જે આપણી આ આશ્ચર્યચકિત થઈ ગયેલી બુદ્ધિની સ્તબ્ધતાને તોડી શકે છે તેને ફરીથી યાદ કરવા જ જોઈએ.

એક કલાકાર યુવતી મોડ સ્ટમે એકસો વર્ષ પહેલાંની ઘટનાનું સ્મરણ કરતાં લખ્યું છે –

‘રિજલે (ભવન)માં એક ઘણા જ મોટા પાયા પર રાત્રિભોજન ગોઠવાયું હતું, ટેબલ પરનાં ફૂલો અને વીજળીના દીવાઓ ખૂબ જ અદ્ભુત જણાતાં હતાં, અને સુંદર મહિલાઓએ તેમના સૌથી ઉત્તમ પોષાક અને આભૂષણો ધારણ કર્યાં હતાં.’

સંધ્યાની સુંદરતા અને બાહ્ય ચળકાટથી મોહિત થયેલ યુવતી મોડ તરફ જોતાં સ્વામીજીએ તેને કહ્યું, ‘આ બધું તને મૂર્ખ ન બનાવે તે જોજે, દીકરી.’૧૦૦ આ શબ્દો સમયને પણ પાર કરી જાય તેવા પ્રભાવશાળી છે. આપણે માહિતીના હાઈ-વે પર નવા શતકમાં ભલે ગમે તેટલા આગળ ધપતાં રહીએ, પણ આ શબ્દો આપણે સચેત રહીએ તે માટે અચૂક યાદ રાખવા જેવા છે.

પાદ ટીપ

૭૪. જૅરી મૅન્ડર, ‘ઈન ધી ઍબસન્સ ઑફ સૅક્રૅડ’ પા. ૫૭

૭૫. જયૉફ્રી કાઉલી, મૅરી હેગર અને ઍડમ સેજર્સ, લેખ ‘બ્રેકીંગ પોઈન્ટ’, ન્યૂઝવીકમાં (૬ માર્ચ, ૧૯૯૫) પા. ૫૯

૭૬. જૅરી મૅન્ડર, ‘ઈન ધી ઍબસન્સ ઑફ ધી સૅક્રૅડ’, પા. ૬૫

૭૭. ધી કમ્પ્લીટ વર્કસ, વૉલ્યુમ ૨, પા. ૨.

૭૮. ઉપર મુજબ વૉલ્યુમ ૧, પા. ૨૮

૭૯. ઉપર મુજબ, વૉલ્યુમ ૭, પા. ૨૬૯

૮૦. ઉપર મુજબ વૉલ્યુમ ૫, પા. ૩૬૬

૮૧. ઉપર મુજબ વૉલ્યુમ ૩, પા. ૧૩૩

૮૨. ઉપર મુજબ વૉલ્યુમ ૩, પા. ૬૭.

૮૩. જેનિફર ટનાકા, ‘વાયરિંગ ધી આઈવરી ટાવર’, લેખ ‘ન્યૂઝવીક’, (૩૦ જાન્યુઆરી ૧૯૯૫), પા. ૬૨

૮૪. ઉ૫૨ મુજબ, પા. ૬૬

૮૫. ઉપર મુજબ પા. ૬૨

૮૬. એઈટ ટીપ્સ ફૉર નર્ચરીંગ કમ્પ્યુટર લિટરસી ઍટ હોમ’ એન.ઈ.સી. સ્પેશ્યલ ઍડવર્ટાઈઝિંગ સૅકશન, ૧૯૯૪.

૮૭. ધી કમ્પ્લીટ વર્કસ, વૉલ્યુમ ૫, પા. ૩૪૨

૮૮. જૅરી મૅન્ડર, ‘ઈન ધી એબસન્સ ઑફ ધી સૅક્રૅડ’, પા. ૬૧

૮૯. જૅરી મૅન્ડરના માનવા પ્રમાણે વિડિયો ગેમ્સ અને કમ્પ્યુટર દ્વારા એ પ્રક્રિયા વધુ ઝડપી બને છે જેનો ટી.વી. જોનારી પેઢીએ અનુભવ લઈ લીધો છે. પડદા પરના ઈલૅક્ટ્રૉનિક ચિન્હો (પ્રતીકો) આપણા મગજમાં પ્રવેશે છે, આપણાં જ્ઞાનતંતુની અંદરથી પસાર થાય છે અને તેથી લડવાની અથવા ભાગવાની પ્રતિક્રિયા ઊભી થાય છે. આ પ્રતિક્રિયા આપણામાં જીવંત રહે છે. અને આપણા હાથમાં તે ક્રિયા રૂપે પરિવર્તન પામતી હોય છે. આ આખીયે પ્રક્રિયામાં કોઈ જ પ્રકારનું ચિંતન જરૂરી પણ નથી અને વપરાતું પણ નથી. એક લક્ષ્ય હોય છે કે દૃશ્યનો પ્રતિભાવ ઊભો થાય, વિચારવિહીન હોય અને તાત્કાલિક હોય તેવો પ્રતિભાવ મળે.’ (‘ઈન ધી ઍબસન્સ ઑફ ધી સૅક્રૅડ’, પા. ૬૫) પરંતુ પેટ્રિશિયા ગ્રીનફીલ્ડે, મનોવૈજ્ઞાનિક વિશ્લેષણથી કરેલા અભ્યાસ મુજબ, વીડિયો ગેમ્સને રમવું ‘બહુ સંખ્યક અને પરિવર્તનશીલ તત્ત્વોના ઝડપથી બદલાતા સંયોજનોનો સામનો કરવાનું શિક્ષણ’ ધરાવતી યોજનાની દુનિયામાં એક મહત્ત્વપૂર્ણ શિક્ષણ છે. તેઓનું એમ પણ કહેવું છે કે કૃત્રિમ બુદ્ધિ સાથે માનવોની પારસ્પરિક અસર પહોંચાડવાની ક્રિયાનો પ્રારંભ આ વીડિયો ગેમ્સ છે. (માઈન્ડ ઍન્ડ મીડિયા : ધી ઈફૅટ્સ ઑફ ટૅલિવિઝન, વિડિયો ગેમ્સ ઍન્ડ કમ્પ્યુટર્સ, પા. ૧૧૪, ૧૧૦)

૯૦. સ્ટીવન લૅવી, ‘ટૅકનો મૅનિયા’, ન્યઝવીક, ૨૭ ફેબ્રુ. ૧૯૯૫ પા. ૨૯

૯૧. ઉપર મુજબ પા. ૨૯

૯૨. જૅરી મૅન્ડર, ‘ઈન ધી ઍબસન્સ ઑફ ધી સૅક્રેડ’, પા. ૬૨

૯૩. ‘બીટ’ એટલે કમ્પ્યુટરની ‘સ્મરણશક્તિ’ અથવા ‘મૅમરી’નું એક એકમ, અથવા તેની માહિતી એકત્ર કરી રાખવાનું એક એકમ, અથવા તેની માહિતી એકત્ર કરી રાખવાની શક્તિ.

૯૪. માઈકલ આન્ટાનો, ‘લીવીંગ ઈન અ વર્ચ્યુઅલ વર્લ્ડ’, પૉપ્યુલર સાયન્સ, (જૂન, ૧૯૯૩), પા. ૮૩

૯૫. સ્ટીવન લૅવી, ‘ટૅકનૉ મેનિયા’ ‘ન્યુઝવીક’ (૨૭ ફેબ્રુઆરી ૧૯૯૫) પૃ. ૨૯

૯૬. ‘ધી કમ્પ્લીટ વર્કસ, વૉ. ૨, પા. ૪૬૧

૯૭. ન્યૂયૉર્કની એક માર્કેટ રિસર્ચ ફર્મ (નામે લિંક ટીસોર્સીસ) ના વિશ્લેષણકાર સ્ટીવ રૅનૉલ્ડ કહે છે, ‘ટી.વી. એક સંદેશવાહક માધ્યમ બનશે. ખરીદી માટે અને અન્ય કેટલીક લેવડદેવડ માટે તે એક વાહન બનશે, અને અમને તો એમ પણ લાગે છે કે તે કેટલાક મનોરંજનની એક કોટિ પણ બનશે.’ (ધી ક્રિશ્ચિયન સાયંસ મૉનિટર, મંગળવાર, ૧૭ જાન્યુ. ૧૯૯૫, પા. ૮) જ્યુરાસિક પાર્ક, ફૉરેસ્ટ ગેમ્સ અને જે.ઍફ.કે. જેવાં દસ્તાવેજી ચલચિત્રો કે નાટકો આ મનોરંજનની કોટિના પૂર્વજ છે એમ જણાય છે, જેમાં પડદા ઉપર ચિત્રોનાં હલનચલન વાસ્તવિક જીવનમાંના નાટકીય બનાવો, કલ્પનાની ઉડાન, અને હકીકતો આ બધાં તત્ત્વો એક બીજા સાથે ભળે છે, છૂટા પડે છે અને તેમની વચ્ચે રહેલી સીમાઓ પણ સેળભેળ થઈને ગૂંચવાઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. જુઓ, રીચાર્ડ કૉરલિસ, ‘હે, લેટસ પુટ ઑન એ શો’ ટાઈમ (૨૭ માર્ચ, ૧૯૯૫), પા. ૫૪-૬૦

૯૮. ધી કમ્પ્લીટ વર્કસ, વૉલ્યુમ ૨, પા.૧૬

૯૯. સ્ટીવન લૅવી ‘ઈનડિસન્ટ પ્રપોઝલ : સૅન્સર ધી નેટ’, ન્યૂઝવીક (૩ ઍપ્રિલ, ૧૯૯૫) પા. ૩૫૩

૧૦૦. મૅરી લૂઈ બર્ક, ‘સ્વામી વિવેકાનંદ : હિઝ સૅકન્ડ વિઝિટ ટુ ધી વેસ્ટ, ન્યૂ ડિસ્કવરીઝ,’ (કલકતા અદ્વૈત આશ્રમ, ૧૯૭૩), પા. ૧૦૯

Total Views: 213

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.