બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને વેદાંતના પ્રચાર કાર્ય માટે અમેરિકા મોકલવામાં આવ્યા હતા. બૉસ્ટન અને પ્રોવીડન્સ વેદાંત સોસાયટીની સ્થાપના કર્યા બાદ તેઓ અમેરિકાના સુવિખ્યાત વિદ્વાનોના સંપર્કમાં આવ્યા હતા. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં તેમનું પ્રદાન અનન્ય છે. તેમના અનેક સુપ્રસિદ્ધ પુસ્તકોમાંના એક – રામકૃષ્ણ વેદાંત સોસાયટી બૉસ્ટન દ્વારા પ્રકાશિત ‘Hindu Psychology : Its Meaning for the west’નો અનુવાદ ડૉ. ભાવનાબહેન ત્રિવેદીએ કર્યો છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બૉર્ડ, ગુજરાત દ્વારા પ્રકાશિત આ પુસ્તકના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

આધુનિક યુવક-યુવતીઓના માનસિક સ્વાસ્થ્યની હાલત જોઈને ઘણી વિચારશીલ વ્યકિતઓ દુ:ખ અનુભવે છે. હકીકતમાં ફ્રૉઈડ, હ્યુન્ગ, ઍડલર અને અન્ય લોકોએ એવું દર્શાવ્યું છે કે આ ચિંતકો લોકોના માનસિક સ્વાસ્થ્ય અંગે ખૂબ ચિંતિત હતા. હૉસ્પિટલોના આંકડાશાસ્ત્રીય રિપોર્ટોનો જ્યારે અભ્યાસ કરીએ છીએ, ત્યારે મોટા ભાગના કિસ્સાઓ બે જૂથોમાં વહેંચી શકાય એવું જણાય છે : (૧) હકીકતમાં વાસ્તવિક, માનસિક કિસ્સાઓ અને (૨) ક્રિયાત્મક અવ્યવસ્થાઓ. (મનની અનુકૂલનક્ષમતાના અભાવને લઈને ક્રિયાત્મક અવ્યવસ્થાઓ જન્મે છે.) મનના જુદા જુદા આવેગાત્મક વિક્ષેપો, જટિલતાઓ, અસંતોષો અને હતાશાઓની સમગ્ર મજ્જાતંત્ર પર પડતી પ્રતિક્રિયાઓમાંથી મજ્જાકીય બીમારીઓ અને મજ્જાકીય અવ્યવસ્થાઓ જન્મે છે. આધુનિક મનોચિકિત્સકો મનના સંઘર્ષો અને હતાશાઓને દૂર કરવાનો ઉપાય શોધી રહ્યા છે; તથા મનમાં સંવાદિતા સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોના માનસિક પ્રશ્નોને ઉકેલવા માટે યુરોપ અને અમેરિકાના નામાંકિત મનોચિકિત્સકો ઉમદા પ્રયાસો કરી રહ્યા છે.

ઘણી વાર એમ પૂછવામાં આવે છે કે લોકોના માનસિક સ્વાસ્થ્યને પાછું મેળવવામાં ધાર્મિક નેતાઓ કોઈ અર્થપૂર્ણ સેવાઓ આપી શકે ખરા? કેટલાક મનોચિકિત્સકોના માનવા મુજબ ધર્મનું જે રૂપ તેમના જાણવામાં આવ્યું છે, તે મુજબ તો ધર્મ માનસિક સ્વાસ્થ્યને વિધાયક રીતે નુકસાન પહોંચાડે છે. બ્રાઉન યુનિવર્સિટીના પ્રૉફે. જે. મૅકવિકર હન્ટે એક સંશોધન હાથ ધર્યું. આ સંશોધને આ દેશની એક નામાંકિત હૉસ્પિટલના માનસિક કિસ્સાઓ પૈકી કેટલાક માનસિક દર્દીઓના જીવનનાં કેટલાંક કમનસીબ પરિબળો પ્રગટ કર્યાં. આ તત્ત્વોએવાં હતાં, કે જેનું કારણ માણસના વિધાયક ગુણો નહોતા, પણ તેના નિષેધક પાસાંઓ ઉપર મૂકવામાં આવેલો ભાર હતું.’ અન્ય મનોચિફિત્સકો એમ માનતા જણાય છે કે ધર્મ પોતે જ મનમાં સંઘર્ષ પેદા કરવામાં કારણભૂત બને છે. ધર્મથી પહોંચેલા માનસિક નુકસાનને કારણે ફ્રૉઈડના ઘણા અનુયાયીઓ ધર્મની ટીકા કરે છે. તેમની દલીલ એ છે કે ધાર્મિક ડરને લઈને મન પ્રાથમિક ઇરણોને સહજભાવે વ્યક્ત કરી શકતું નથી. આથી મનમાં સંઘર્ષ જન્મે છે, જે સંઘર્ષ મન ભાંગી જવાના બિંદુ પર્યંત સતત ચાલુ જ રહે છે.

આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે ઘણા પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો જીવન વિષેના જૂના સુખવાદી સિદ્ધાંતોને અપનાવીને સંઘર્ષ અને હતાશાના પ્રશ્નને ઉકેલવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ એમ માની લેતા જણાય છે કે જીવનનો પાયાનો ઉદ્દેશ્ય છે ઇન્દ્રિયના સ્તર પર વ્યક્તિગત રીતે વધારેમાં વધારે સુખ મેળવવું. ‘બિયૉન્ડ ધ પ્લેઝર પ્રિન્સિપલ’ નામક પોતાના પુસ્તકમાં ફ્રૉઈડ સુખ અને મૃત્યુની સહજવૃત્તિઓની ચર્ચા કરતાં કહે છે કે : ‘હું પૂર્ણતા તરફના આવા આવેશયુક્ત અસ્તિત્વને જ સ્વીકારી શકતો નથી. તેથી આ સુખપ્રદ ભ્રાન્તિને ટકાવી રાખવાનો કોઈ રસ્તો હું જોતો નથી’ એ જ પ્રકરણમાં તે ગૂંચવાડાથી ભરેલા અસ્પષ્ટ વિચારો રજૂ કરતાં જણાવે છે કે માનવસ્થિરતાની કોઈ જ આશા નથી. તેઓ કહે છે : નિરંતર માનસિક તાણથી મુક્ત થવા માટે અવેજીકરણ (Substitution) અથવા પ્રતિક્રિયા ઉત્પન્ન કરવી (reaction formations) અને ઊર્ધ્વીકરણ કશું જ આપી શક્તા નથી.’ ફ્રૉઇડ અને તેના અનુયાયીઓ માનવમનમાંથી મુશ્કેલીઓ, સંઘર્ષો અને હતાશાઓનું નિવારણ કરવા માટે કોઈ જ સંતોષકારક દૃષ્ટિ કે દર્શન આપતા જણાતા નથી. માનવીય સિદ્ધાંતના કેટલાક સમર્થકો જ્યારે માણસોની વધારે સંખ્યાની વાત કરે છે, ત્યારે પણ તેનો મુખ્ય ઝોક તો જે તે વ્યક્તિના વધુમાં વધુ સુખને જ આપવામાં આવ્યો છે.

સુખવાદી દર્શનનું પ્રતિપાદન કે સમર્થન કરવાથી વ્યક્તિ સંઘર્ષો અને હતાશાઓ કેવી રીતે દૂર કરી શકે, એ હું સમજી શકતો નથી. મને એમ લાગે છે કે જ્યાં સુધી સુખ એ જીવનનું પ્રધાન લક્ષ્ય રહે ત્યાં સુધી હતાશા અનિવાર્ય છે. આખરે આ સુખ કેવળ ઇન્દ્રિયના સ્તર પર જ મર્યાદિત છે. તેનું વિશ્લેષણ કરતાં આપણને જણાય છે કે ઇન્દ્રિયો ઇન્દ્રિયજન્ય વિષયોની સાથે સંવાદી સંપર્ક સાધે, ત્યારે જ તે સૌથી વધુ માત્રામાં ઉપલબ્ધ થાય છે. જીવનનાં પરિવર્તનોની સાથે આ સંવાદી સંપર્ક પણ અનિવાર્યપણે બદલાતો રહેશે. સંવાદી સંપર્કનું સ્વરૂપ જ પરિવર્તનશીલ અને અનિત્ય છે. બાળક આનંદ મેળવવા તરફ અમુક વલણો ધરાવે છે. પરંતુ તરુણાવસ્થામાં પ્રવેશતાં જ તેના આ વલણોમાં પરિવર્તન આવે છે. ફરીથી, તરુણાવસ્થાના આનંદો તેની પુખ્ત વય થતાં યૌવન-પ્રવેશ સાથે ફરીથી બદલાઈ જાય છે. યુવાનીમાં પોતે જે શારીરિક જોમ અને શક્તિ માણ્યાં હોય એના આનંદો પ્રૌઢ વય થતાં બદલાય છે. તેમની રુચિઓ પણ બદલાય છે. આપણને ન ગમે છતાં ય જીવનની ન નિવારી શકાય તેવી અવસ્થાઓની આ અનિવાર્ય ઘટમાળ છે. બીજી તરફ, ઇન્દ્રિયગત વિષયોનું સ્વરૂપ પણ બદલાતું રહે છે. દાખલા તરીકે, આપણને અમુક મિત્રનો સહવાસ પ્રિય લાગતો હોય. પણ જ્યારે તે મિત્રની મનોવૃત્તિ કે વલણ બદલાઈ જાય ત્યારે આપણને એનો જ સહવાસ અપ્રિય પણ લાગવા માંડે છે. ઘણી વાર આપણે જોઈએ છીએ કે જે વ્યક્તિ એક સમયે આપણા સુખનું કારણ હોય, તે જ વ્યક્તિ કદાચ અન્ય સમયે આપણે માટે તિરસ્કારને પાત્ર પણ બની જાય, એ શક્ય છે. ઇન્દ્રિયજન્ય વિષયોમાંથી આનંદ લેનાર વ્યક્તિમાં અને વિષયોમાં બેયમાં પરિવર્તન કે ફેરફારો થવા અનિવાર્ય છે. જીવનની બદલાતી પરિસ્થિતિઓની સાથે સાથે વાતાવરણ પણ બદલાતું રહે છે. જે લોકો બદલાતી જતી જીવનની પરિસ્થિતિઓ મુજબ પોતાની જાતને ગોઠવી શકતા નથી કે પોતાનું અનુકૂલન સાધી શકતા નથી, તેઓ સંઘર્ષો અને હતાશાથી ભરેલા જ રહેવા ટેવાયેલા છે અને એવા લોકો નિઃસંદેહપણે દુઃખી થવાના જ. ખાસ કરીને, જ્યારે તેમની પાસે જીવનના માત્ર સુખદ કે સુખપ્રદ પાસાંનો જ એકાંગી સ્વીકાર કરતું જીવનદર્શન હોય છે, ત્યારે તો આ ખાસ સાચું ઠરે છે. જો વ્યક્તિ માત્ર સુખ પ્રાપ્તિ માટે જ સ્વઅભિવ્યક્તિઓનો ઉપયોગ કરતી હોય તો ઇન્દ્રિયજનિત આવેગો કે અભિવ્યક્તિ દ્વારા પેદા થતા સંઘર્ષો તેને ખૂબ જ વિક્ષિપ્ત કરનારા નીવડે છે.

પોતાની જાતને ‘પોતાની દીકરીઓની નાની બહેનો’ કહેડાવવા ઈચ્છતી સ્ત્રીઓની પ્રૉફે. હ્યુંગ ઉચિત રીતે જ પોતાના પુસ્તક ‘મૉડર્ન મૅન ઇન સર્ચ ઑફ એ સોલ’માં હાંસી ઉડાવે છે. આમ છતાં જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય જો ઇન્દ્રિયના સ્તર પર સૌથી વધુ સુખ પ્રાપ્ત કરવાનો હોય, તો આપણે એ જોઈ શકીએ છીએ કે શા માટે પરિપકવ લોકો પોતાની દીકરીઓનું અનુકરણ કરવા માગે છે! મને લાગે છે કે જો વ્યક્તિ જીવનના સુખવાદી દૃષ્ટિકોણને જ વળગી રહે તો તેની અભિવ્યક્તિની આવી અસ્વાભાવિક રીતો પણ અનિવાર્ય બની જાય છે. આથી જે મનોવિજ્ઞાની જીવનદર્શનમાં પરિવર્તન ના આણે એવો મનોવિજ્ઞાનનો એકેય પ્રકાર અસરકારક બની શકે નહીં. (તેમ જ સમાજ તથા રાષ્ટ્ર માટે પણ તેનું શાશ્વત મૂલ્ય હોઈ શકે નહીં.) આથી જ્યાં સુધી માણસ ઇન્દ્રિયસુખને જીવનના મુખ્ય ઉદ્દેશ્ય તરીકે શોધતો હોય, ત્યાં સુધી આધુનિક પ્રકારના માનસિક વિક્ષેપો અને મનોવ્યાધિઓ પણ રહેવાના જ. મન અસંતુષ્ટ અને દુઃખી રહેવાનું જ. પરિણામે અનેક પ્રકારની માનસિક અને શારીરિક બીમારીઓ થવાની જ. જે આપણે પશ્ચિમમાં જોઈ રહ્યા છીએ.

આધુનિક પશ્ચિમી જગતની જીવનદૃષ્ટિ અંગે મેં કરેલા મૂલ્યાંકન માટે કદાચ મને પડકારવામાં આવે એ સંભવ છે. કદાચ કોઈ એવી પણ ફરિયાદ કરે કે હું આ પશ્ચિમની સભ્યતાનું મૂલ્ય ઉતરતું આંકું છું. સંભવતઃ તેઓ કદાચ એમ પણ ધારે કે ધાર્મિક લોકો સામાન્ય રીતે બીજી દુનિયાના હોય છે. આથી જીવનની વર્તમાન શૈલી અંગેની તેમની ટીકા પણ અનુચિત છે. તો ચાલો, આ આખીય પરિસ્થિતિનું આપણે ધ્યાન દઈને, સમગ્ર દૃષ્ટિથી આકલન કરીએ.

પ્રત્યેક સભ્યતા અને પ્રત્યેક સમાજનો એક આદર્શ હોય છે, જે આદર્શ તરફ અથવા તો જેને ખાતર જે તે સમાજ કાર્યરત હોય છે. પ્રત્યેક સમાજવિશેષની વ્યક્તિઓ અને સંસ્થાઓ પેલા આદર્શને વ્યક્ત કરી શકે, તેને પરિપૂર્ણ કરી શકે, એ રીતે તેની તમામ પ્રવૃત્તિઓ નિયંત્રિત થતી હોય છે. આ ઉદ્દેશ્યની પૂર્તિ કરવા માટે સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક કાર્યપદ્ધતિઓનું આયોજન કરવામાં આવ્યું હોય છે અને સાંભળવામાં કદાચ વિચિત્ર જણાય, પણ હકીકત એ છે કે એક સમૂહના આદર્શની અભિવ્યક્તિ માટે ધર્મનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. આધુનિક સમાજનું આલોચનાત્મક અને પૂર્વગ્રહરહિત નિરીક્ષણ આ હકીકતને સાચી સિદ્ધ કરશે. આપણાં શિક્ષણતંત્રો પણ આ આદર્શથી પ્રેરિત થયેલાં જણાય છે. બલ્કે હકીકતમાં તો માણસનું આખુંય જીવન આ આદર્શના પ્રગટન માટે જ વ્યક્ત થતું હોય છે.

વ્યક્તિ પોતે પણ એક આદર્શ રચતો હોય છે, જેને ખાતર તે પોતાનું કાર્ય સમર્પિત કરી દેતો હોય છે. પોતાના જીવનલક્ષ્યનું સ્વરૂપ ગમે તે હોય, છતાં પોતાના જીવનનો મૂળભૂત ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે વ્યક્તિ પોતાની તમામ પ્રવૃત્તિઓનું નિયમન કે નિયંત્રણ કરતી રહેતી હોય છે. પોતાને કે પોતાના સમાજને સુગ્રથિત કરવા માટે અનેક આદર્શો પૈકી કોઈ એક આદર્શ વ્યક્તિ પોતે રાખે એમ બની શકે. જર્મનીના એ. સ્પ્રઁગ્લર અને એના વિચાર સંપ્રદાય સાથે સંકળાયેલા કેટલાક ચિંતકો અન્ય લોકોએ સ્વીકારેલાં મૂલ્યોની ગણત્રી કરે છે. તેમના કહેવા મુજબ મૂલ્યો છ પ્રકારનાં હોય છે : સિદ્ધાંતલક્ષી, અર્થલક્ષી, સૌંદર્યલક્ષી, સમાજલક્ષી, રાજનીતિલક્ષી અને ધર્મલક્ષી મૂલ્ય.’

() સિદ્ધાંતલક્ષી : માણસ જ્ઞાન અને સત્યનું મૂલ્ય અપનાવે છે. પોતાના જીવનના પ્રત્યેક પાસાંમાં જ્ઞાન અને સત્યની શોધ કરવી, એ તેને માટે એક (Commitment) નિષ્ઠા બની જાય છે. તત્ત્વજ્ઞાન, નીતિશાસ્ત્ર અને વિશુદ્ધ વિજ્ઞાન તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી તે એ પ્રમાણે પોતાના જીવનને ઘડવા પ્રયાસ કરતો રહે છે.

() અર્થલક્ષી : માણસનું લક્ષ્ય છે, પોતાના જીવનની ભૌતિક જરૂરિયાતો સંતોષવી. પોતાના આર્થિક અનુકૂલન, સંપત્તિનો સંગ્રહ તથા ઇન્દ્રિયના સ્તર પર સુખ પ્રાપ્તિ માટે ઠરાવાયેલા તેના ઉપયોગ અંગે તે વ્યવહારુ વલણ ધરાવે છે. સુખ તેનું પ્રધાન લક્ષ્ય છે અને પોતાના શિક્ષણ અને ધર્મનો પણ આ લક્ષ્યની પૂર્તિ કરવા માટે જ તે ઉપયોગ કરે છે (અહીં એ નોંધવું રસપ્રદ બનશે કે આપણાં વિદ્યાલયો અને મહાવિદ્યાલયોનું એક જ લક્ષ્ય છે, આર્થિક સલામતી અને સત્તાને માટે માણસને યોગ્ય બનાવવાનું એક માત્ર લક્ષ્ય).

() સૌંદર્યલક્ષી : આ મૂલ્ય માણસને સૌંદર્યપ્રાપ્તિ તરફ પ્રેરે છે. તેને મન સૌંદર્ય એ જ સત્ય અને વાસ્તવિક છે. કવિ અને કલાકાર સૌંદર્યલક્ષી મૂલ્ય દ્વારા પોતાના જીવનને વ્યક્ત કરે છે. તેઓનાં જીવન તદનુરૂપ નિયંત્રિત થયેલાં હોય છે.

() સમાજલક્ષી : આ મૂલ્ય જીવનની સામાજિક પરિસ્થિતિ કે હાલતને સુધારવા તરફ વ્યક્તિને પ્રેરે છે. મનુષ્યની સુખાકારીનો તે વિચાર કરે છે. આ આદર્શથી પ્રેરિત થયેલ વ્યક્તિ નિઃસ્વાર્થ અને સહાનુભૂતિથી ભરેલી હોય છે. આ મનોવલણોને તે પોતાના રોજિંદા જીવનમાં અને જીવન વડે વ્યક્ત કરે છે.

() રાજનૈતિક : આ મૂલ્ય ધરાવતા માણસને માટે સત્તાનું પ્રગટન એ લક્ષ્ય છે. જીવનની રાજનૈતિક કાર્યવાહી એ જ તેનો એક માત્ર ઉદ્દેશ્ય છે. પોતાના સાથીઓ તરફનો એનો રસ પણ અહં-કેન્દ્રિત વલણ પર જ આધારિત હોય છે. તેની તમામ પ્રવૃત્તિઓ સત્તાના ઇરણથી જ નિયંત્રિત થતી હોય છે.

() ધાર્મિક : આ મૂલ્ય માણસને ઇશ્વરની શોધ તરફ પ્રેરિત કરે છે. એકતા અને સંવાદિતા એ તેનાં જીવનનાં લક્ષ્યો છે. તેની તમામ પ્રવૃત્તિઓ તેના સર્વોચ્ચ અર્થમાં એકતા પ્રાપ્તિના લક્ષ્યથી પ્રેરિત થયેલી હોય છે. આ લક્ષ્યપ્રાપ્તિને માટે તે પોતાની જાતને યોગ્ય પણ બનાવે છે.

સ્પ્રઁગ્લરે દર્શાવેલા આ છ મૂલ્યોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી આપણે તેનું બે જૂથોમાં વર્ગીકરણ કરી શકીએ : ધાર્મિક અને સુખવાદી. આ બન્ને જૂથો વચ્ચે જીવનમૂલ્યોના ક્રિયાન્વયન અને ઝોક અંગે મતભેદો હોઈ શકે, એમ જરૂરથી બને. પરંતુ મને લાગે છે કે કાર્યના પ્રેરણાસ્રોતો કાં તો ધાર્મિક સમજમાં અથવા તો ઇન્દ્રિયસુખમાં રહેલા જોવા મળે છે. આર્થિક અને રાજનૈતિક મૂલ્યો સીધાં જ ઇન્દ્રિયના સ્તર સાથે સંકળાયેલાં જોવા મળે છે, જ્યારે ધાર્મિક પ્રકારના આદર્શો આધ્યાત્મિક સ્તર પર એકતાની ખોજ કરી રહેલા જોવા મળે છે. સૌંદર્યલક્ષી, સામાજિક અને સૈદ્ધાંતિક પ્રકારનાં મૂલ્યો જ ઇન્દ્રિયપ્રધાન સંસ્કૃતિમાં જન્મ્યાં હોય તો તે ઇન્દ્રિયલક્ષી હોય છે. જો તે ધાર્મિક સંસ્કૃતિના પરિવેશમાં જન્મ્યાં હોય તો તે અધ્યાત્મલક્ષી હોય છે.

આધુનિક પશ્ચિમી સમાજની પોતાની ક્રિયાઓ મુખ્યત્વે ઇન્દ્રિયના સ્તરથી પ્રેરિત થયેલી જોવા મળે છે. પુનર્જાગરણના કાળથી માંડીને સુખવાદ પર આધારિત સિદ્ધાંતલક્ષી, વિધાયક વિજ્ઞાન અને પ્રયોગલક્ષી વિજ્ઞાનનો ઉપયોગ કરીને પશ્ચિમે એક તરફ આશ્ચર્યજનક પરિણામો આપ્યાં છે, પણ સાથે સાથે વ્યક્તિના અંગત તથા સામુહિક જીવનમાં બધી જ આધુનિક તકલીફો પણ એણે ઊભી કરી દીધેલી જણાય છે. અત્રે સ્પષ્ટીકરણની કોઈ જ આવશ્યકતા નથી; કારણ વર્તમાન પુરાવાઓ સ્વયં આ વિધાનને ખૂબ જ સ્પષ્ટ કરી દે છે. વર્તમાન સામાજિક પરિસ્થિતિઓ, તેની કુટુંબ રચના અને વ્યક્તિનું જીવન એક બાળકને પણ આ વિધાનની સત્યતાની પ્રતીતિ કરાવી દે છે. ‘ધ ક્રાઈસિસ ઑફ અવર એજ’ નામક પોતાના ગ્રંથમાં પ્રૉફેસર પિટીરિમ એ. સોરોકિન વર્તમાન પશ્ચિમી સભ્યતાને પ્રાકૃત (‘Sensate’) કહે છે; જ્યારે ધાર્મિક સમાજને વિચારનિષ્ઠ (‘Ideational’) કહે છે. પ્રાકૃત અને વિચારનિષ્ઠ – બન્નેના બુદ્ધિ સાથે કરેલા સમન્વયને તેઓ ‘આદર્શલક્ષી સભ્યતા’ તરીકે સંબોધે છે.

સમાજ એ ફિલસૂફી કે દાર્શનિક વિચારસરણીને પોતાના આદર્શ તરીકે અપનાવે, તેનો પ્રભાવ તેના નાગરિકો ઉ૫૨ પડતો જ હોય છે. એ ખરું, કે મૂળભૂત રીતે સામાજિક જૂથની પ્રતિભાશાળી વ્યક્તિઓએ પસંદ કરેલા આદર્શ ઉપર જ તેનું મંડાણ થયું હોય છે. પશ્ચિમે અપનાવેલું વર્તમાન તંત્ર પ્રાકૃત છે. તેણે આવો વળાંક શાથી લીધો, એની ચર્ચા અત્રે પ્રસ્તુત નથી. છતાં એટલું નોંધવુ રસપ્રદ બનશે કે સામાજિક સિદ્ધાંતો,મનોવિજ્ઞાન તથા જ્ઞાનની અન્ય શાખાઓ અને સંસ્થાઓએ એ એક લક્ષ્યને ધ્યેય તરીકે સ્વીકાર્યું છે. મેં એ બતાવ્યું છે કે ક્રિયા મનોવિજ્ઞાન (Action Psychology) અંતર્ગત રીતે જીવન તરફ ઇન્દ્રિયલક્ષી અભિગમનું વલણ ધરાવે છે. માણસની બુદ્ધિનું મૂલ્યાંકન તેની કાર્યક્ષમતા પરથી કરવામાં આવે છે. આપણે એ જોઈએ છીએ કે મહાન શિક્ષણશાસ્ત્રીઓ યંત્રકલા વિજ્ઞાન અને પ્રયોગલક્ષી વિજ્ઞાનો પર વધુને વધુ ભાર મૂકી રહ્યા છે. કારણ કે તેઓ જાણે છે કે તેઓ પોતાના આદર્શ મુજબનું સર્વોચ્ચ શ્રેય એ રીતે પામી શકશે; અને એ રીતે તેઓ લોકોને ઈન્દ્રિયના સ્તર પર સૌથી વધારે સુખ આપી શકશે. મને એ કહેતાં સંકોચ થાય છે, કે વિશ્વવિદ્યાલયો બાળકના મન અને હૃદયને ખીલવી, કેળવી તેને સુસંસ્કૃત કરવા માટેનાં કેન્દ્રો મટી જઈને મોટી ટૅકનૉલૉજિકલ સંસ્થાઓમાં તેમને પરિણત કરી રહ્યાં છે. જ્યારે ઈન્દ્રિય સુખને જ જીવનનું લક્ષ્ય માનવામાં આવે, ત્યાં આમ થવું અનિવાર્ય છે. આનું પરિણામ પણ એટલું જ મૂલ્યલક્ષી આવે છે. સમાજના મુખ્ય વિચારપ્રવાહનું નિરીક્ષણ કર્યા પછી કોઈ પણ દીર્ઘદૃષ્ટિવાળો માણસ ભવિષ્યની પરિસ્થિતિઓ અને સમસ્યાઓ અંગે સહેલાઈથી અટકળ બાંધી શકે છે. વર્તમાન કટોકટીની આગાહી આજથી પચાસ વર્ષ પૂર્વે સ્વામી વિવેકાનંદે કરી હતી. તેઓ કહે છે કેઃ ‘પશ્ચિમમાં લોકો એ પ્રશ્ન ઉકેલવા મથી રહ્યા છે, કે માણસ કેટલો સંગ્રહ કરી શકે? જ્યારે આપણે ભારતમાં એ પ્રશ્ન ઉકેલવા મથી રહ્યા છીએ કે માણસ કેટલી ઓછી જરૂરિયાત ઉપર રહી શકે? હજુય કેટલીક સદીઓ પર્યંત આ સંઘર્ષ અને આ તફાવત ચાલશે. પરંતુ ઇતિહાસમાં પોતાની અંદર જો કાંઈ સત્યાંશ હશે, અને જો ભવિષ્ય અંગેની આગાહીઓ સાચી પડતી હોય, તો જેમણે પોતાની જાતને ઓછામાં ઓછી જરૂરિયાતોથી જીવન ટકાવી રાખવા માટે કેળવી છે, અને તે છતાં જેઓ પોતાનું સારું નિયંત્રણ કરી શકે છે, તેઓ અંતે જીતી જશે. સુખ, સમૃદ્ધિ અને વૈભવ પાછળ દોટ મૂકનારાઓ તાત્કાલિક ગમે તેટલા જોશવાળા જણાતા હોય તો પણ તેમને મરણને શરણ થવું પડશે અને તેઓ નષ્ટપ્રાય થઈ જશે.’

સુખવાદ ભલે ગમે તેટલા સુધારા-વધારા સાથે રજૂ કરવામાં આવે, પરંતુ આધુનિક જીવનની સમસ્યાઓને ઉકેલી શકવા તે સમર્થ જણાતો નથી. એ ખરું કે ઑગસ્ટ કૉમ્ટૅ અને એવા બીજા માનવતાવાદીઓ દ્વારા આ ક્ષેત્રમાં ઉમદા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મૂળ સુખવાદી ફિલસૂફી અને તેના પરિણામો દ્વારા પેદા કરવામાં આવેલા અનિષ્ટો દૂર કરવા માટે કાર્લ માર્ક્સ અને તેના અનુયાયીઓએ ભરચક પ્રયાસો કર્યા છે. એ સ્પષ્ટ જ છે કે જીવનનો સુખવાદી સિદ્ધાંત સ્વાર્થ, લોભ, સત્તા, અને મોભાના પ્રેમનું બૌદ્ધિકીકરણ કરે છે. વ્યક્તિગત અને સામુહિક દૃષ્ટિએ સુખવાદી વિચારસરણીએ ખૂબ જ હતાશા જન્માવી છે. ઐતિહાસિક બનાવાનું સર્વેક્ષણ એ સ્પષ્ટ કરે છે કે આધુનિક જીવનની આખીય તકલીફ જીવન પ્રત્યેના ખોટા દૃષ્ટિકોણ અને ખોટી ફિલસૂફી અપનાવવામાં રહેલી છે. આધુનિક અનિષ્ટો માટે કેટલાક ઉપાયો દર્શાવવામાં ફ્રેંચ વિપ્લવના મહાન સૂત્રધારો તથા માકર્સવાદી દાર્શનિકોએ એક હિતૈષીનું વલણ અપનાવ્યું છે, પરંતુ સાથે સાથે એ પણ સ્પષ્ટ જ છે કે આધુનિક બીમારી માટેના તેમણે સૂચવેલા ઉપાયો પણ રોગના લક્ષણ કેન્દ્રિત હોવાથી થીંગડા જેવા છે. જીવનનું મુખ્ય શ્રેય સુખમાં રહેલું છે. એવા સિદ્ધાંતને આધારે જીવનની સુખાકારીના સાધનોની સમાન વહેંચણી તથા આર્થિક પુનઃ અનુકૂલન સિદ્ધ થઈ શકે નહીં. વધારેમાં વધારે સંખ્યા માટે વધારેમાં વધારે સુખની ઉપયોગિતાવાદી વિચારસરણી આપાતતઃ બહુ આકર્ષક જણાય છે, પણ છતાંય માણસને અન્યના સુખને ખાતર પોતાનું સુખ જતું કરવા માટે તે કોઈ જ વાસ્તવિક આધાર પૂરો પાડતી નથી.

દેખીતી અસમાનતાને માટે અધકચરા ચિંતકો માનવતાવાદ, માર્કસવાદ અને ઉપયોગિતાવાદી વિચારસરણીમાં કદાચ અમુક જાતનો ઉકેલ જોતા હોય, એમ બની શકે. કેટલાક આર્થિક અને સામાજિક અનિષ્ટોને માટે તત્કાળ પૂરતા ઉપાયો કદાચ તેઓ કરી શકે, પરંતુ આ ઉપાયો દ્વારા તેઓ મનુષ્યના આંતરજીવનને સ્પર્શી શકતા નથી. જ્યાં સુધી માણસનું આંતરિક જીવન બદલાશે નહીં, ત્યાં સુધી સંઘર્ષો અને હતાશા હંમેશા ચાલુ જ રહેશે. આપણે સમજવું જ પડશે કે જો આપણે આપણા જીવનની માંડણી ઇન્દ્રિયના સ્તર પર જ કરીએ અને તેને જ સર્વેસર્વા ગણીએ, તો અગાઉ સમજાવ્યા મુજબ હતાશા અને નિરાશા અનિવાર્યપણે આવશે જ. આવા ચિંતકો દ્વારા સૂચવાયેલા ઉપાયો પણ ગમે તેટલા શુભ હેતુથી પ્રેરાઈને રજૂ કરવામાં આવ્યા હોય, છતાં તે ખૂબ જ છીછરા અને ટૂંકી દૃષ્ટિવાળા જણાય છે. ટૂંકી દૃષ્ટિવાળા તબીબોની જેમ આ ચિંતકો વર્તન કરતા જણાય છે. તેઓ લાંબા ગાળાના વાના દર્દીને તેની ઘૂંટીમાંથી ઢીંચણ લગી તથા ઢીંચણથી ખભા લગીનું દુઃખ દૂર કરીને સાજો કરવાની કોશિશમાં છે. જ્યાં સુધી વાનુ કારણ રક્તસ્રાવમાંથી દૂર કરવામાં ન આવે ત્યાં સુધી લાંબા ગાળાનો વા પૂરેપૂરો અને સર્વાંશે નિર્મૂળ થઈ શકે નહીં. ઘૂંટી કે ઘૂંટણના દુઃખને દૂર કરવાનો પ્રયાસ ગમે તેટલો ઉદાત્ત જણાતો હોવા છતાં જ્યાં સુધી મૂળ કારણને શરીરતંત્રમાંથી પૂરેપુરું નિર્મૂળ કરીને દૂર કરવામાં ના આવે ત્યાં સુધી તે ચાલુ જ રહેશે. આ જ પ્રમાણે જ્યાં સુધી ઇન્દ્રિયસુખ અને વિષમય જીવનદર્શન જો જીવનનું અંતિમ લક્ષ્ય હશે, ત્યાં સુધી માનસિક સંઘર્ષો, હતાશા અને દુઃખનો લાંબા ગાળાનો વા નિર્મૂળ થઈ શકશે નહીં. આ જ કારણસર સ્વામી વિવેકાનંદે મૂળ અને શાખાની સુધારણાની હિમાયત કરી. અર્થાત્ છીછરા ચિંતકોની ઉપરછલ્લી, લક્ષણકેન્દ્રી સારવાર તેમણે મંજૂર કરી નહીં. તેઓ તો જીવનદર્શનમાં એક આમૂલ પરિવર્તનની રજૂઆત કરવા ઇચ્છતા હતા. સુખવાદી જીવનદર્શનને સ્થાને જીવનના સર્વોચ્ચ લક્ષ્ય તરીકે પરમાર્થ કે માનવીમાં અંતર્ગત રહેલી દિવ્યતાનું પ્રગટીકરણ કરવા તેઓ ઇચ્છતા હતા. પ્રૉફેસર સોરોકિનને ટાંકીને કહું તો : ‘આપણે જોયું, કે સાચી સત્તા અને સાચું મૂલ્ય સંપૂર્ણપણે અથવા તો મૂળભૂત રીતે ભૌતિક છે, આ મુખ્ય માન્યતાની સાથે આધુનિક ભૌતિક સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી. જે ઇન્દ્રિયાતીત હોય, તે મૂલ્ય તરીકે કાં તો કાલ્પનિક ગણાય અથવા તો સત્તા તરીકે શંકાસ્પદ, કાલ્પનિક હોવાથી કાં તો તેનું અસ્તિત્વ નહોતું. અથવા તો ઇન્દ્રિયગમ્ય નહીં હોવાથી પણ તેનું અસ્તિત્વ નહોતું’ આથી માનવબુદ્ધિની ગૌણ મદદથી ઇન્દ્રિયકરણોને સાચું અને ખોટું સત્ય અને અસત્ય, તેમજ મૂલ્યવાન અને મૂલ્યહીનતાનું મુખ્ય નિશાન બનાવવામાં આવ્યું છે. એક પ્રમાણભૂત અનુભવ તરીકે, પ્રમાણભૂત સત્ય તરીકે અને એક પ્રમાણિત, નક્કર મૂલ્ય તરીકે કોઈ પણ આકર્ષક, ઇન્દ્રિયાતીત અને બુદ્ધિથી પર જણાતી અનુભૂતિને, કોઈ પણ રહંસ્યાનુભૂતિને કે શ્રદ્ધાના કોઈ પણ સત્યને નકારવામાં આવ્યું.

‘સાચી સત્તા અને મૂલ્યના ભૌતિક સ્વરૂપનું આધારવિધાન એ ભવ્ય અને વિષમય ફળ ધરાવતી આપણી ભૌતિક સંસ્કૃતિના ફૂલી ફાલીને વિસ્તરેલા વૃક્ષનું મૂળ છે. પ્રાકૃતિક વિજ્ઞાનો અને યંત્રકલાવિજ્ઞાનના અન્વેષણોનો અભૂતપૂર્વ વિકાસ-એ તેનું પ્રથમ વિધાયક રૂપ છે. પ્રથમ વિષમય ફળ છે સાચી સત્તા અને સાચા મૂલ્યના ક્ષેત્રની વિધાતક સંકીર્ણતા.’

વિદ્વાન પ્રૉફેસર આનો ઉકેલ દર્શાવતાં કહે છે :

‘…પરિવર્તનની સઘન તૈયારીનો ફલિતાર્થ છે ભૌતિક સંસ્કૃતિના મુખ્ય આધારવિધાનો તથા મૂલ્યોનું ઊંડું પુનર્પરીક્ષણ. તેના આરોપિત મૂલ્યોના દંભનો અસ્વીકાર અને તેણે ફગાવી દીધેલાં સાચાં મૂલ્યોની પુનર્પ્રતિષ્ઠા’ આ પ્રકારના પુનર્પરીક્ષણ અને પુનર્મૂલ્યાંકનની સાધારણ રૂપરેખા સમન્વયવાદીની સત્યની તથા સત્તાની વિભાવનાઓની દિશામાં રહેલી છે… સમન્વયવાદી દૃષ્ટિથી વિજ્ઞાન, ધર્મ, તત્ત્વજ્ઞાન, નીતિશાસ્ત્ર અને કલા વચ્ચેનો વર્તમાન વિરોધાભાસ વિનાશક નહીં, તો બિનજરૂરી તો છે જ.

સાચી સત્તા અને સાચા મૂલ્ય અંગેના ઉચિત સિદ્ધાંતના પરિપેક્ષ્યમાં આ તમામ વિષયો એક સમાન હેતુને સિદ્ધ કરે છે. સાપેક્ષ, અનુભવગમ્ય જગતમાં માણસના વધારે ઉદાત્તપણા તરફ અને ઈશ્વરના વધારે ઐશ્ચર્ય તરફ તે નિરપેક્ષને નિરાવૃત્ત કરે છે. સાધારણ રીતે આ મહાન કાર્યની પરિપૂર્તિ અર્થે તેમણે જોડાઈ અને તેના ભાગીદાર બનવું જોઈએ.

***

મેં દર્શાવેલ ઉપાય આધુનિક મનોવૃત્તિનું સંપૂર્ણ પરિવર્તન, આપણા મૂલ્યતંત્રનું મૂળભૂત અને આમૂલાગ્ર રૂપાંતર, અન્ય માનવીઓ તરફના તેમજ સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યેના તથા સમગ્ર જગત તરફના આપણા વ્યવહારમાં એક મૂળભૂત અને આમૂલ પરિવર્તન સૂચવે છે.

તેથી સમાજ અને માનવવ્યક્તિઓએ તેમની દૃષ્ટિ બદલવી જ જોઈશે. માણસ ખરેખર જે સુખની ઝંખના કરી રહ્યો છે, તે સુખ પણ તેના સુખવાદી અભિગમથી છીનવાઈ જશે. આપણે જોઈ રહ્યા છીએ તે મુજબ સુખવાદથી માણસના પોતાના જીવનનો આ પ્રાથમિક હેતુ જ માર્યો જાય છે. ઇતિહાસની ફિલસૂફી આપણને એ પ્રતીતિ કરાવે છે કે આપણો એક માત્ર ઉપાય છે જીવન પ્રત્યેના વર્તમાન મનોવલણને બદલી નાખવું, તથા ધાર્મિક આદર્શની પ્રતિષ્ઠા કરવી. પ્રાચીન અને અર્વાચીન તમામ ધાર્મિક નેતાઓ જેવા કે ઈશુ, બુદ્ધ, કૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ જેવા ધર્મના મહાન સંસ્થાપકો તથા એમના અનુયાયીઓએ દિવ્ય સ્તર પર શાંતિ અને સુખની ઉપલબ્ધિ પર જ ભાર મૂક્યો. ઉપનિષદોમાં આપણે વાંચીએ છીએ : ‘यो वै भूमा तत् सुखं नाऽल्पे सुखमस्ति’ અખંડ પરમાનંદ સ્વરૂપ છે, ખંડમાં આનંદ નથી’. ‘ઇશુ કહે છે : ‘જો માણસ પોતાને આત્માને ભોગે આખી દુનિયા મેળવે, તો તેને શું લાભ થાય?’ અથવા તો, પોતાના આત્માના બદલામાં માણસ શું આપશે?’૧૦ સંત પૉલ કહે છે : ‘કામાસક્તિથી ભરેલા મનવાળા હોવું, એ મૃત્યુ તુલ્ય છે, પરંતુ આધ્યાત્મિક મનવાળા હોવું એમાં જીવન અને શાંતિ રહેલાં છે.’૧૧ બુદ્ધના મંતવ્ય અનુસાર : ‘ધર્મની ભેટ તમામ ભેટો કરતાં ચડિયાતી છે. ધર્મની મીઠાશ બધી મીઠાશોને આંબી જાય છે. ધર્મનો આનંદ તમામ આનંદોને વટાવી જાય છે. ઇચ્છારહિતતા કે કામશૂન્યતા તમામ વસ્તુઓને ઓળંગી જાય છે.’૧૨ ગીતામાં શ્રીકૃષ્ણ વારંવાર ભાર પૂર્વક કહે છે, કે શાશ્વત સુખની પ્રાપ્તિ માત્ર આત્મા કે ઇશ્વરને જાણવાથી જ થઈ શકે છે. ઇશ્વરની સત્તાના શાશ્વત જ્ઞાનને ખાતર આપણા જીવનની તમામ પ્રવૃત્તિઓને ગૌણ બનાવી દેવાથી જ તે થઈ શકે છે. શ્રીકૃષ્ણ કહે છે: ‘જે માણસ અંતરની ઝંખના અને સર્વ ઇચ્છાઓ છોડી દઈને ‘હું’ અને ‘મારું’ – એવો ભાવ પણ છોડી દે છે, તે જ શાંતિ મેળવે છે.’૧૩ આ જ પ્રમાણે શ્રીરામકૃષ્ણ પણ જીવનના આધુનિક દૃષ્ટિકોણ સમા સુખવાદી સિદ્ધાંતને પડકારે છે, તથા જણાવે છે કે જે આત્માએ દિવ્ય આનંદની મીઠાશ માણી છે, તેને જગતનાં સામાન્ય સુખો આનંદ આપી શકતાં નથી.’૧૪ ભારતીય જનતાને સ્વામી વિવેકાનંદે આપેલો સંદેશ આજે સમગ્ર જગતને લાગુ પડે છે. હકીકતમાં આખું વિશ્વ એક છે. આજે પ્રત્યેક દેશ અને દરેક વ્યક્તિ સુખવાદી દૃષ્ટિકોણથી ઓછા – વત્તા પ્રમાણમાં રંગાયેલી જ છે. સ્વામી વિવેકાનંદ કહે છે :

‘તેથી તમારો ધર્મ ફગાવી દઈ રાજકારણ કે સમાજ કે બીજી કોઈ પણ વસ્તુને તમારા રાષ્ટ્રીય જીવનના પ્રમાણ તરીકે કે તમારા કેન્દ્ર તરીકે સ્વીકારવામાં જો તમે સફળ થાઓ, તો પરિણામ એ આવશે કે તમે જ અદૃશ્ય થઈ જશો. આમ થતું અટકાવવા માટે તમારે બધું જ કામ ધર્મની ઓજસ્વિતાથી જ કરવું જોઈએ. તમારા તમામ મજ્જાતંતુઓને તમારા ધર્મના પીઠબળથી આંદોલિત થવા દો.’૧૫

જીવન અંગે ધાર્મિક દૃષ્ટિકોણ કોને કહેવાય, તેને હવે સ્પષ્ટ કરીએ. હિંદુ દૃષ્ટિકોણ મુજબ ધાર્મિક દૃષ્ટિ એટલે આધ્યાત્મિક લક્ષ્યને માવનજીવનનું લક્ષ્ય ગણવાની દૃષ્ટિ. એનો અર્થ એ કે પોતાના દિવ્ય અંશને પામવું, તેની અનુભૂતિ કરવી એ માણસનું સર્વોચ્ચ લક્ષ્ય છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં : ‘ધર્મ એટલે માનવીની અંતર્નિહિત દિવ્યતાનું પ્રગટન.’ આપણે આપણી જાતને આ લક્ષ્યનું ફરીથી પુનઃસ્મરણ કરાવીએ. આ સર્વોચ્ચ લક્ષ્યની આગળ જીવનના ન બીજા તમામ ગૌણ બનાવી દેવા જોઈએ. કોઈ એમ વિચારે કે આપણે માણસની અન્ય ઝંખનાઓ કે ઈચ્છાઓની અવગણના કે ઉપેક્ષા કરીને એક કાલ્પનિક આદર્શ જગતનું નિર્માણ કરવા અને વાસ્તવિક જગતની માનવીય ઇચ્છાઓનો નિષેધ કરવા પ્રયાસ કરીએ છીએ. લોકો ઘણી વાર આક્ષેપ કરે છે તેવા અમે ‘સ્વપ્નદૃષ્ટાઓ’ પણ નથી, અને ‘દૃષ્ટાઓ’ પણ નથી અને પરલોકવાસી પણ નથી. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ધનનો સંગ્રહ, બીજા ઉપર મેળવેલી સરસાઇ અને વધારેમાં વધારે સુખને અંતિમ લક્ષ્યાંકો ગણવાને બદલે આ સાપેક્ષ સ્તર પરની તમામ પ્રવૃત્તિઓ જીવનના સર્વોચ્ચ લક્ષ્યની દૃષ્ટિએ ગૌણ ગણવી જોઈએ.

આપણે બધા એ સર્વાનુમતે સ્વીકારીએ છીએ કે આ ઇન્દ્રિયજગતમાં અનેક પ્રકારે સુખી થવાની ઈચ્છા માણસ ધરાવે છે. પ્રકૃતિના ભંડકિયામાં જવા માટે તે મુક્ત છે, અને સ્વાભાવિક રીતે જ શક્ય એવી બધી જ રીતે તે એનો ઉપયોગ તથા ઉપભોગ કરવા ઇચ્છે છે. તેની પોતાની સગવડ ખાતર પ્રકૃતિનાં તમામ પરિબળોનો તે ઉપયોગ કરવા માગે છે. તેનો કલાપ્રેમી અને સૌંદર્યપ્રેમી સ્વભાવ સંતોષાવો જ જોઈએ. અને તેની કાવ્યમય અને બૌદ્ધિક શક્તિઓ સંતોષાવી જ જોઈએ. તેનું આવેગાત્મક જીવન સંવાદિત થઈને સંતોષાવું જ જોઈએ. આમ ન થાય, તો હતાશા અને સંઘર્ષ પેદા થશે. પરિણામે મન માત્ર ખલેલ પહોંચાડતાં ઇરણોનું ક્ષેત્ર જ રહી જશે. પોતાની તમામ અભિલાષાઓ અને આશાઓ, ઇચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ સંતોષવા માણસને ઉચિત તાલીમ અને સાધનોની પણ જરૂર હોય છે. હું એમ કહેવા નથી માગતો કે ધાર્મિક દૃષ્ટિકોણ અનુસરવા માટે આ બધાયને કચડી નાખવા અને દબાવી દેવા જોઈએ. અસ્તિત્વની જે હકીકતો છે, તેની હિંદુ, ખ્રિસ્તી કે બીજો કોઈ પણ ધાર્મિક નેતા ઉપેક્ષા કરશે નહીં. હું એ સૂચવવા માગું છું કે આપણે એ યાદ રાખવું જોઈએ કે ધાર્મિક આદર્શની સાથે સુસંગત રહીને આ મહેચ્છાઓ અને ઇરણોની અભિવ્યક્તિ થવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ, તો લક્ષ્યપ્રાપ્તિ માટે તેનો ઉપયોગ થઈ શકે, એ પ્રમાણે તેમની અભિવ્યક્તિ થવા દેવી જોઈએ. જીવનની પરિપૂર્ણતાના માર્ગમાં તેની અભિવ્યક્તિઓ બાધક બનવી જોઈએ નહીં. ધાર્મિક વિકાસને પ્રગટ થવા માટે આ ઇચ્છાઓ અને ઇરણોએ ઘાવની કામગીરી બજાવવી જોઈએ. પરમ લક્ષ્યની પ્રાપ્તિના ધાર્મિક વિકાસમાં તે મદદરૂપ નીવડવા જોઈએ.

શારીરિક, બૌદ્ધિક અને સૌંદર્યલક્ષી અભિવ્યક્તિઓનો આનંદ લેવા માટે આપણને ઉચિત સાધનો અને પ્રયોગલક્ષી તાલીમની જરૂર છે, જેથી કરીને આપણી શારીરિક, બૌદ્ધિક અને સૌંદર્યલક્ષી અભિવ્યક્તિઓ આપણા સર્વોચ્ચ લક્ષ્યની વિરુદ્ધ ન જાય તેનું ધ્યાન રાખે, એ પ્રકારની તાલીમ મળવી જરૂરી છે. આ માટે નીતિના સિદ્ધાંતોનું આપણે આચરણ કરવું જોઈએ. આપણ શિક્ષણ, આપણા અન્ય માનવસંપર્કો તથા સામાજિક સંબંધો અને સંસ્થાઓ પણ એ આદર્શને અનુરૂપ જ હોવા જોઈએ. રાજકીય અને આર્થિક તંત્રો પણ આ સર્વોચ્ચ લક્ષ્યને અનુરૂપ હોવા જોઈએ. બલ્કે માનસિક સંઘર્ષો અને વિક્ષેપોથી મુક્ત રહેવા ઈચ્છતી વ્યક્તિનું સમગ્ર જીવન વાસ્તવમાં આ સર્વોચ્ચ લક્ષ્ય મુજબ જ નિયંત્રિત થયેલું હોવું જોઈએ.

જો જીવન વિષેની આવી સમજ હોય અને આપણી આશાઓ તથા મહેચ્છાઓને નીતિશાસ્ત્રના સિદ્ધાંતો વડે નિયંત્રિત કરીને લક્ષ્ય પ્રાપ્ત કરવાનું જો પૂરતું જોમ હોય, તો જ ગીતાના અવતરણમાંથી અગાઉ ટાંક્યા પ્રમાણે સર્વોચ્ચ આદર્શ જરૂર પ્રાપ્ત કરી શકાય. શ્રીરામકૃષ્ણ પણ આજવિચાર દર્શાવતાં કહ્યું કે વ્યક્તિ જગતની વચ્ચે રહીને પણ સર્વોચ્ચ સત્ને અનુરૂપ જીવન જીવી શકે. તેઓ કહે છે :

‘જેમ થાંભલાને બન્ને હાથથી પકડીને ઊભેલો છોકરો પડી જવાના ભય વગર થાંભલાની આસપાસ જોરથી ગોળ ગોળ ફરે છે; તેમ ઇશ્વર ઉપરની પકડને મજબૂત કરીને જો તમારી દુન્યવી ફરજો અદા કરશો, તો ભયમુક્ત થઈ જશો… આમ જગતમાં, જગતની વચ્ચે રહો પણ હંમેશાં ઇશ્વરનું સ્મરણ કરો…..૧૬

આમ બૌદ્ધિક, આવેગાત્મક અને સૌંદર્યલક્ષી અભિવ્યક્તિઓ આપણાં ગૌણ પ્રયોજનો હોઈ શકે અને છતાં આપણે તેનાથી નિર્લેપ રહી શકીએ. અને ત્યારે જ આપણે મનના સંઘર્ષો અને હતાશાઓનાં કારણો દૂર કરી શકીએ. જ્યારે આપણું વર્તન સ્થિર અને સંવાદી બને છે, મજ્જાતંતુઓ શક્તિશાળી બને છે; ત્યારે મન આનંદ અને શાંતિથી ભરાઈ જાય છે. માનવજીવનના ચરમલક્ષ્યની પ્રાપ્તિ થાય છે. ચાલો, સ્વામી વિવેકાનંદનું કથન યાદ કરીએ :

‘પ્રત્યેક જીવાત્મા તેના અપ્રગટ, મૂળ અંતર્ગત રૂપમાં દિવ્ય છે. બહિર્ગત અને આંતરિક પ્રકૃતિને નિયંત્રિત કરીને આ અપ્રગટ દિવ્યતાને પ્રગટ કરવી એ લક્ષ્ય છે. કર્મથી, ભક્તિથી, મનોસંયમથી કે તત્ત્વજ્ઞાનથી – આમાંના કોઈ એક વડે કે આ બધા દ્વારા લક્ષ્ય પ્રાપ્ત કરો, અને મુક્ત બનો. ધર્મનો આ સાર છે. સિદ્ધાંતો, વિધિઓિ, પુસ્તકો, મંદિરો કે મૂર્તિઓ કેવળ ગૌણ વિગતો જ છે.’૧૭

પાદ ટીપ

૧. જે. એમ. સી. વી. હન્ટ : ‘સોશિયલ કૉન્ફલીક્ટ ઇન સાઇકોસિસ’ – ધ અમેરિકન જર્નલ ઑફ ઑર્થોસાઈકિયાટ્રી ૮ જાન્યુ. ૧૯૩૮

૨. સીગમન્ડ ફ્રૉઈડ બિયૉન્ડ ધ પ્લેઝર પ્રિન્સિપલ (લંડનઃ ઈન્ટરનૅશનલ સાકોએનાલિટિક પ્રેસ, ૧૯૨૨). પૃ.પર

૩. એજન્ઃ પૃ. ૫૩

૪. ભગવદ્ ગીતા ૨:૧૪

૫. એ. સ્પ્રઁગ્લરઃ ટાઈપ્સ ઑફ મેન (ન્યૂયૉર્ક : જી. ઈ. સ્ટેચર્ટ ઍન્ડ કું., ૧૯૨૮)

૬. ધ કમ્પલીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદ ૩, ૧૮૧

૭. પિટીરિમ એ. સોરોકિન : ધ ક્રાઈસિસ ઑફ અવર એજ (ન્યૂયૉર્ક ઈ. પી. ડટ્ટન ઍન્ડ કું, Inc., ૧૯૪૧) પૃ. ૩૧૧

૮. એજન્, પૃ. ૩૧૬-૨૧

૯. છાંદોગ્ય ઉપનિષદ, પ્રકરણ ૭ ખંડ ૨૩

૧૦. Matt ૧૬ : ૨૬

૧૧. Rom ૮ : ૬

૧૨. ધમ્મપદ (સેઈંગ્સ ઑફ બુદ્ધ), પ્રકરણ ૧૪

૧૩. શ્રીમદ્ ભગવદ્ ગીતા ૨ : ૭૧

૧૪. સેઇંગ્સ ઑફ શ્રીરામકૃષ્ણ ૩૧ : ૬૦૩

૧૫. ધ કમ્પલીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદ ૩.૨૨૦

૧૬. સેઇંગ્સ ઑફ શ્રીરામકૃષ્ણ ૩૪ : ૬૩૧

૧૭. ધ કમ્પલીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદ ૧: ૨૫૭

Total Views: 120

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.