આધ્યાત્મિક જીવનનો મર્મ : એક માર્મિક પુસ્તક

(લે. સ્વામી ભૂતેશાનંદજી : પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ – રાજકોટ (૧૯૯૫); મૂલ્ય : રૂ. ૧૬-)

પૂ. ભૂતેશાનંદજી મહારાજ રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમની આધારશિલા સમા છે. પૂરાં એકવીસ વર્ષ એમણે અહીં સેવા આપી છે ને અનેક સૌરાષ્ટ્રવાસીઓનાં દિલ તેમણે જીતી લીધેલાં છે. એમની માતૃભાષા બંગાળી હોવા છતાં પૂજ્ય ભૂતેશાનંદજી મહારાજ ગુજરાતીમાં સુંદર વ્યાખ્યાન આપતા. શ્રીરામકૃષ્ણ પરમહંસે અને સ્વામી વિવેકાનંદે ચીંધેલો, શિવજ્ઞાને જીવસેવાનો આધ્યાત્મિક માર્ગ તે તેમનાં વ્યાખ્યાનોનો વિષય રહેતો. ૧૫૬ પૃષ્ઠોના આ નાના પુસ્તકમાં ભૂતેશાનંદજી મહારાજે વિવિધ સ્થળે અને વિવિધ પ્રસંગોએ આપેલા અગિયાર વ્યાખ્યાનો અને એક પ્રશ્નોત્તરીનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

પ્રત્યેક લેખના કેન્દ્રમાં અધ્યાત્મ રહેલું છે. પછી એ ‘યુગાવતાર શ્રીરામકૃષ્ણ’ વિશે હોય કે ‘શ્રીરામકૃષ્ણના સંદેશ’ વિશે હોય, ‘સ્વામી વિવેકાનંદ અને વેદાંત’ વિશે હોય કે ‘શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલનમાં ગૃહસ્થ ભક્તોનો ફાળો’, એ વિશે હોય. ભૂતેશાનંદજી સમક્ષ એક જ લક્ષ્ય છે – મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિનું.

જેમણે જેમણે સ્વામી ભૂતેશાનંદજીનાં પ્રવચનો સાંભળ્યાં છે તે સર્વને બરાબર યાદ હશે કે સ્વામીજીની પ્રવચનશૈલી ધીર, ગંભીર છે, જરાયે ઉતાવળી નથી. ખોટા જુસ્સા વિના પોતાની વાતની માંડણી સરળ ભાષામાં માંડવાની તેમને સરસ આવડત છે. એમના આ લેખોમાં એમની એ કુશળતા સર્વત્ર દૃષ્ટિગોચર થાય છે. વત્સલ વડીલ બાળકને મસ્તકે ધીમેથી હાથ મૂકી તેને ગળે ઘૂંટડો ઊતરી જાય તે રીતે વાત કરતા હોય તેમ સ્વામીજી એમનાં આ પ્રવચનોમાં કહે છે.

પુસ્તકનાં પ્રથમ બે પ્રવચનો સીધા ઠાકુર સંબંધી છે. પણ બીજાં બધાં પ્રવચનોમાં ઠાકુરનાં બોધવચનો કે ઠાકુરે આપેલાં કોઇ ચોટદાર દૃષ્ટાંત રજૂ કરી ભૂતેશાનંદજી પોતાની વાતને વિશદ કરે છે. ઠાકુરના મુખ્ય શિષ્યોમાંના એક સ્વામી શિવાનંદજી પાસે કોઇ માણસ ‘સાધુ સંગ’ની ઇચ્છાથી ગયો તો તેને શિવાનંદજીએ કેવો વેધક ઉત્તર આપ્યો? ‘દક્ષિણેશ્વરના કાલી-મંદિરમાં કેટલાય પૂજારીઓ અને કર્મચારીઓ ઠાકુર પાસે રહેતા હતા પણ એમાંથી ઠાકુરની અસર કેટલાએ ઝીલી હતી?’ આમ સાધુ સંગ એટલે સાધુની પાસે જઇને બેસવું તે નહીં. આવી માર્મિક વાતો દ્વારા ભૂતેશાનંદજી પોતાના વકતવ્યને સબળ રીતે પુષ્ટ કરે છે.

સ્વામી શિવાનંદજી, સ્વામી શારદાનંદજી વગેરે સ્વામી વિવેકાનંદના ગુરુભાઇઓને જોવા-સાંભળવાનું, તેમની નિકટ રહેવાનું તથા તેમની સેવા કરવાનું સદ્ભાગ્ય મેળવનાર પેઢીના પૂજ્ય ભૂતેશાનંદજી મહારાજ પ્રતિનિધિ છે. ઠાકુર અને શ્રીમા પાસેથી તથા સ્વામી વિવેકાનંદ પાસેથી જ્ઞાનની જ્યોત જેમણે ઝીલેલી તેમની પાસેથી ભૂતેશાનંદજીએ જ્ઞાનની જ્યોત ઝીલી છે. એમના આ નાનકડા પુસ્તકમાં એ જ્યોતનો શાંત, સ્થિર પ્રકાશ આપણાં અંતરને અજવાળવા માટે એમણે રેલ્યો છે.

સ્વામીજીની દૃષ્ટિ સમક્ષ સામાન્ય સંસારી પણ મુમુક્ષુ જન છે. એવા સામાન્ય જનને જ્ઞાનબોધ થાય તેવા વિષયો આમાં છે : ‘ભગવદ્ પ્રાપ્તિનું તાત્પર્ય’, ‘ભગવદ્ પ્રાપ્તિના ઉપાયો’, ‘સર્વાંગીણ વ્યક્તિત્વનો વિકાસ’, ‘સાધનામાં વ્યાકુળતાનું મહત્ત્વ’, ‘વિશ્વશાંતિમાં ધર્મનું સ્થાન’, વગેરે.

તદ્દન નિરાડંબરી શૈલીમાં અપાયેલાં ભૂતેશાનંદજી મહારાજનાં આ પ્રવચનો સ્વસ્થ ચિત્તની પ્રસાદી છે. એમની આવી પ્રસાદી વધારે મેળવવા ગુજરાતી વાચકો ધન્યભાગી બને તેવી આશા છે.

સ્વામી જિતાત્માનંદજી-એ આ પુસ્તક પ્રકાશિત કરી ગુજરાતની યુવા પેઢી ઉપર ઉપકાર કર્યો છે એટલું જ નહીં પણ, જૂની પેઢીના જે લોકોને સ્વામી ભૂતેશાનંદજીને જોવા સાંભળવાનો લહાવો મળ્યો હતો તે સર્વને દિવ્ય પ્રસાદી આપી છે ને ભૂતેશાનંદજીની યાદ તાજી કરાવી છે.

– દુષ્યંત પંડ્યા

હિંદુ મનોવિજ્ઞાન : પશ્ચિમને માટે તેનો અર્થ

લેખક : સ્વામી અખિલાનંદ, ભારત, રામકૃષ્ણ મિશન. અનુવાદક : ડૉ. ભાવનાબહેન ત્રિવેદી, તત્ત્વજ્ઞાન વિભાગ, મનોવિજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિવર્સિટી – અમદાવાદ. પ્રસ્તાવના : ગૉર્ડન ડબલ્યૂ ઍલપૉર્ટ, મનોવિજ્ઞાન વિભાગ, હાર્વર્ડ યુનિવર્સિટી. આમુખ : ઍડગર શેફિલ્ડ બ્રાઇટમૅન, તત્ત્વજ્ઞાન વિભાગ, બૉસ્ટન યુનિવર્સિટી, પ્રકાશક : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બૉર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬. પ્રથમ આવૃત્તિઃ ૧૯૯૫, મૂલ્ય : રૂ. ૫૦/

પ્રસ્તુત પુસ્તકનું શીર્ષક ‘હિંદુ મનોવિજ્ઞાન’ વિરોધનો વંટોળ ઊભો કરે એ પહેલાં સજાગ અનુવાદક ડૉ. ભાવનાબહેન ત્રિવેદી ‘હિંદુ’ શબ્દનો સંદર્ભ સ્પષ્ટ કરે છે. ‘અહીં વપરાયેલ શબ્દ ‘હિંદુ’ સાંપ્રદાયિક અર્થમાં કે ધાર્મિક સંદર્ભમાં લેવાનો નથી. બલ્કે પ્રસ્તુત ગ્રંથમાં નિર્દેશિત મનોચિકિત્સા પદ્ધતિઓના ઉલ્લેખમાં હિંદુ તથા બૌદ્ધ બન્નેએ વિકસાવેલી યોગ પરંપરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં ‘હિંદુ’ શબ્દ ભારતીયતાના પર્યાય તરીકે વપરાયો છે; સાંપ્રદાયિક અર્થમાં નહિ.’

યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બૉર્ડ, ગુજ. રાજ્યના અધ્યક્ષ શ્રી વસુબહેન ત્રિવેદી જણાવે છે, ‘ગુજ. રાજ્યની યુનિવર્સિટીઓમાં વિનયન વિદ્યાશાખાના મનોવિજ્ઞાન તથા તત્ત્વજ્ઞાન વિષયના અધ્યયન-અધ્યાપનમાં ઉપયોગી પ્રમાણભૂત ગ્રંથો પ્રાપ્ય બની રહે તેવી બૉર્ડની યોજનાના અનુસરણમાં આ વિષયના તજજ્ઞ સ્વામી અખિલાનંદ દ્વારા તૈયાર થયેલ લઘુગ્રંથ ‘Hindu Psychology’ : Its meaning for the west’ નો ડૉ. ભાવનાબહેન ત્રિવેદી દ્વારા તૈયાર થયેલ અનુવાદિત ગ્રંથ ‘હિંદુ મનોવિજ્ઞાન : પશ્ચિમને માટે તેનો અર્થ’ નું પ્રકાશન કરતાં હું આનંદ અનુભવું છું.’

કુલ ચૌદ પ્રકરણો, પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ તથા સંદર્ભસૂચિ, એ રીતે કુલ એકસો એંશી પાનામાં લખાયેલ આ પુસ્તક હિંદુ મનોવિજ્ઞાન, તેનું કાર્યક્ષેત્ર, એનો વ્યાપ તેમ જ ઊંડાણ વિશે વિસ્તૃત છણાવટ કરે છે. પશ્ચિમનું મનોવિજ્ઞાન, તેની મર્યાદા તેમ જ હિંદુ મનોવિજ્ઞાન પાસેથી મેળવવા જેવી માહિતી વગેરે બાબતો ઉપર પ્રકાશ પણ ફેંકે છે.

પુસ્તક પરિચય આપતાં, ગૉર્ડન ડબલ્યૂ ઑલપૉર્ટ, મનોવિજ્ઞાન વિભાગ, હાર્વર્ડ યુનિવર્સિટી, જણાવે છે, ‘મને ખાતરી છે, કે ધ્યાન અને યોગ્ય જીવનદૃષ્ટિના સમાવેશથી અમેરિકન મનોવિજ્ઞાન વધુ સમૃદ્ધ અને પ્રજ્ઞાશીલ બની શકે એમ છે.’ હિંદુ મનોવિજ્ઞાનની આ સિદ્ધિ છે તો પશ્ચિમના મનોવિજ્ઞાને મનના અભ્યાસનું એક બીજું પાસું વિકસાવ્યું છે જે પાસું પશ્ચિમના જગતે ચિકિત્સાશાસ્ત્રને આપેલી એક વિશિષ્ટ દેણગી જ ગણાય.

મોટા ભાગના આપણા રોગો ક્રિયાત્મક હોય છે. જેની ઉત્પત્તિનું કારણ કુસમાયોજન, સંઘર્ષ, હતાશા કે માનસિક અસંતુલન હોય છે. (પા. ૪)

મજ્જાતંત્રમાં પેદા થયેલી અવ્યવસ્થા આ બધા રોગનું મૂળ હોય છે.

એટલા માટે તો હવે ભારપૂર્વક માનવામાં આવે છે કે, તબીબીશાસ્ત્રના વિદ્યાર્થીઓએ મનોચિકિત્સાનો અભ્યાસ કરવો જ જોઇએ.

બૉસ્ટન યુનિવર્સિટીના, તત્ત્વજ્ઞાન વિભાગના વડા જણાવે છે, ‘પૂર્વ તથા પશ્ચિમ બેયને એકબીજાની જરૂર છે, અમુક બાબતોમાં પૂર્વ પશ્ચિમ કરતાં વધુ સમૃદ્ધ છે. જ્યારે બીજી કેટલીક બાબતોમાં તે પશ્ચિમ કરતાં વધુ નબળું છે. બીજી બાજુ પૂર્વના પ્રાજ્ઞપુરુષની દેણગીની ઉપેક્ષા કર્યે પશ્ચિમને ચાલે તેમ નથી.’

મનનીય તો બધાં જ પ્રકરણો છે પરંતુ ‘ઇચ્છા શક્તિ અને વ્યક્તિત્વ’, ‘ધ્યાન’, ‘ધ્યાનની અસર’, ‘અતીન્દ્રિય અનુભવો’ જેવાં પ્રકરણોમાં તો સ્વામી અખિલાનંદજી ખીલી ઊઠ્યા છે. એ પ્રકરણોમાંથી થોડી જ્ઞાનપ્રસાદીનો સ્વાદ માણીએ.

♦ સક્રિય બની ગયેલા સંપૂર્ણ મનને ‘ઇચ્છાશક્તિ’ કહેવાય છે. આ ઇચ્છાશક્તિ વિના આપણા વિચારો કે આવેગોને આપણે કાર્યાન્વિત કરી શકીએ નહિ. (પા.૬૨)

♦ એકીકૃત સંકલ્પ વડે અનેક પ્રકારના અતીન્દ્રિય – પ્રત્યક્ષીકરણનો અનુભવ કરી શકાય છે. બલ્કે સંકલ્પ એકીકૃત હોય તો જ રહસ્યાનુભૂતિ અને પરચેતન અનુભૂતિઓ પણ શક્ય બને છે. (પા. ૬૯)

♦ સુગ્રથિત સંકલ્પના સીધા પરિણામરૂપ ઘણા પ્રસંગો સંત ફ્રાન્સિસ કે અન્ય આધ્યાત્મિક સાધુ-સાધ્વીઓમાં જોવા મળે છે. જેમ જેમ રામકૃષ્ણ પરમહંસના મનની અવસ્થા બદલતી ગઇ તેમ તેમ તેમનામાં શારીરિક પરિવર્તનો પણ ઉત્તરોત્તર આવતાં ગયાં. (પા.૭૦)

♦ વ્યક્તિત્વનું નિર્માણ બૌદ્ધિક અભિવ્યક્તિમાં નહીં, પણ મનના સુગ્રથનમાં રહેલું છે. સુગ્રથિત વ્યક્તિત્વ જ બીજા, ૫૨ પ્રભાવ પાડે છે. ઘણા લોકો ધર્મ અને રહસ્યવાદનું સરસ વર્ણન કરે છે. છતાં લોકોને પ્રભાવિત કરી શક્યા નથી. કારણ કે વકતા એ આદર્શોને જીવ્યો નથી. (પા. ૮૦)

♦ એકાગ્રતાનો અભ્યાસ નિઃશંકપણે ધાર્મિક-વિકાસનું સત્ત્વ કે હાર્દ ગણી શકાય. એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસ વિના કદી કોઈ પણ માણસ આધ્યાત્મિક વિકાસની સર્વોચ્ચ સ્થિતિ પામવાનું કલ્પી પણ ન શકે. (પા. ૮૩)

‘અતીન્દ્રિય અનુભવો’માં આવાં અનેક દૃષ્ટાંતો પણ આપ્યાં છે જે વાંચવાં ગમે છે અને આપણી શ્રદ્ધામાં બળ પૂરે છે.

સમગ્ર રીતે જોતાં આ પુસ્તક માત્ર વાંચી નાખવા જેવું નહિ પણ સમજીને, વિચારીને વાંચવા જેવું અને જીવનમાં ઉતારવા જેવું, થોડું ભારે પણ વહી શકાય એવું પુસ્તક છે. મનોવિજ્ઞાનના પારિભાષિક શબ્દોના ગુજરાતી અર્થો પરિશિષ્ટ-૨માં સમાવી, વાચક માટે થોડું સરળ પણ બનાવ્યું છે.

અનુવાદક, ડૉ. ભાવનાબહેન ત્રિવેદીએ આ પુસ્તક ગુજરાતની પ્રજા પાસે મૂક્યું એ બદલ શિક્ષણ જગત તેમ જ સમાજ એમને અભિનંદન પાઠવે છે.

-ક્રાંતિકુમાર જોશી

Total Views: 115

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.