પરિણીત માણસને કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રીય, વ. ફરજ – કર્તવ્યો કરવાનાં છે. તેમાંથી એક પણ કર્તવ્યને તે સહેલાઇથી પડતું મૂકી શકે નહિ. તેને ધન કમાવાનું હોય છે. અને સૌ સારી રીતે જાણે છે કે સીધા સાદા અને પ્રામાણિક માર્ગને છેડે ધન મળતું નથી. આમ, તે પ્રતિકૂળ પરિસ્થિતિઓની વચ્ચે ઘેરાયેલો છે. તેમ છતાં તેને જો લાગે કે કેવળ એક ઈશ્વર જ જીવનનું લક્ષ્ય બિંદુ છે, કેવળ તે જ સત્ છે. કેવળ તે જ વિરામ છે, અને ઈશ્વરને માટે તેના હૃદયમાં સદૈવ ઝળહળતી ઝંખના છે, તો તે શું કરી શકે?

સંસારી ગૃહસ્થનો આધ્યાત્મિક માર્ગ ગુલાબોથી છવાયેલો નથી. તે સહેલાઇથી તેની કૌટુંબિક ઊર્મિઓ અને લાગણીઓના સંમોહનમાંથી ઊંચો આવી શકતો નથી. આ એક મહાન અંતરાય પુરવાર થાય છે. તે સંબંધો તેને ઈશ્વરની વિસ્મૃતિ કરાવે છે.

તે પછી આવે છે બ્રહ્મચર્યનો પ્રશ્ન. આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે બ્રહ્મચર્યની સાધના પરિપૂર્ણપણે અનિવાર્ય ને જરૂરી છે. પરંતુ એક સંસારી ગૃહસ્થ માટે બ્રહ્મચર્યનું પાલન સરળ નથી તેમ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. આનો અર્થ ગેરસમજથી કોઈ એવો ન ઘટાવે કે કોઈ પણ વ્યક્તિ માટે સંસારી ગૃહસ્થનું જીવન ઇષ્ટ નથી. અમે તેવું કહેવા માગતા નથી. એમ પણ ઘણી વાર બને કે ઘણાને માટે સંન્યસ્ત વધુ ખરાબ નિવડે. જો તેઓ સંસાર ત્યાગ કરે તો તેઓ ઘણાં વધુ હેરાન-પરેશાન થશે. તે બધું માણસની આધ્યાત્મિક સ્થિતિ ઉપર આધાર રાખે છે. સંસારમાં રહેવું અને ગૃહસ્થાશ્રમી બનવું તે વધુ સારું વધુ હિતકારી છે સિવાય કે તે સંપૂર્ણ વૈરાગ્ય – ત્યાગ માટે તૈયાર હોય. પરંતુ તે કદી ભુલાવું ન જોઈએ કે સંસારી ગૃહસ્થનું જીવન આપણી આધ્યાત્મિક નિર્બળતાને નમતું જોખવાની વાત છે અને તે જીવનની સર્વોચ્ચ પ્રણાલિ નથી. પરંતુ સર્વોચ્ચ આધ્યાત્મિક વિકાસ ઈશ્વર સિવાય બધી બાબતોનો સંપૂર્ણપણે ત્યાગ કરવામાં અને તેની વિસ્મૃતિમાં સમાયેલ છે. આપણે યાદ રાખવું જોઈએ કે આપણે આ ક્ષણે કોઈ પણ પ્રકારનું જીવન જીવતા હોઇએ, પરંતુ ધ્યેય તો એક માત્ર ઈશ્વર પ્રાપ્તિનું છે, નહિ કે સ્થૂળ સંસાર ભોગવવાનું. આપણા હૃદયનો બધો પ્રેમ કેવળ ઈશ્વરને માટે હોવો જોઈએ, બીજા કોઈ પણ પદાર્થ કે વ્યક્તિ પ્રત્યે નહિ. આપણી બધી શકિતઓ તેના શ્રીચરણોમાં નિવેદિત કરવી જોઈએ. સંન્યાસીઓ અને સંસારીઓ માટે એક જ ધ્યેય છે.

આમ હોવાથી, સંસારી ગૃહસ્થની દશા એકદમ સહેલી જણાતી નથી. આ અંગે કોઈ ભ્રમ રહેવો ન જોઈએ તે સાચું, પરંતુ તે બદલ કોઈ નિરાશાનું કારણ નથી.

સંસારી ગૃહસ્થે શક્ય હોય તેટલું વધુ બ્રહ્મચર્યનું પાલન કરવા પ્રયત્ન કરવો જોઈએ. જો તે આધ્યાત્મિક પ્રગતિ માટે ખરેખર ઉત્સુક હોય તો તેણે પ્રમાણિત પ્રયાસો કરવા જોઈએ. શ્રીરામકૃષ્ણ કહેતા કે બે સંતાનો થયા પછી પતિ અને પત્નીએ ભાઇ અને બહેનની જેમ રહેવું જોઈએ. જો દંપતિનું દૈનિક જીવન કોઈ આધ્યાત્મિક આદર્શને વરેલું હોય તો સ્થૂળ વિષયભોગોના પ્રલોભનોને પાર કરવાનું વધુ સહેલું છે. આધ્યાત્મિક આદર્શને મદદરૂપ થાય તેવો કોઈ સહાયક આદર્શ ધરાવવો ઇષ્ટ છે. જેમ કે પડોશીઓની સેવા અથવા કોઈ બૌદ્ધિક ઉદ્યમ, સ્વાધ્યાય વિગેરે. પતિ અને પત્ની બન્ને સમાન આધ્યાત્મિક વ્યાકુળતા (ઝંખના) ધરાવતા હોય તો તે ઉત્તમ છે. તે સ્થૂળ શરીર વાસનામાંથી મનને ઉપર લઇ જશે અને એકબીજાને નડતરરૂપ બનવાને બદલે સ્ત્રી અને પુરુષ એકબીજાને ખૂબ જ મદદરૂપ બની શકે છે. પરંતુ એટલું તો ચોક્કસ કે તેઓએ અલગ – અલગ ખંડમાં સુવાની અથવા ઓછામાં ઓછું અલગ-અલગ પથારીમાં સુવાની ટેવ કેળવવી જોઈએ. તે શ્રેયકર અને હિતકારી અભ્યાસ છે.

શ્રીરામકૃષ્ણ સંસારી ગૃહસ્થોને એક બીજો ઉપાય બતાવ્યા કરતા હતા. પ્રસંગોપાત એકાંત સેવન કરવું. આમ એકાંત સેવનને લઇને જે મહાન શ્રેય સિદ્ધ થાય છે તેનું વધુ પડતું મૂલ્યાંકન આંકી શકાય નહિ. આપણા જન્મથી જ આપણે સાંસારિક આબોહવાની વચ્ચે જીવીએ છીએ. આપણે ભૂલી ગયા છીએ કે જીવ-જંતુથી ભરેલા આકાશની પેલે પાર સ્વાતંત્ર્યનું વધુ ઉચ્ચ હવામાન અને આધ્યાત્મિક ઉન્નતિ વિદ્યમાન છે. આ લાંબી ક્રીડાને અંતે જો કંઇ હોય જ નહિ તો આધ્યાત્મિક વિકાસ શૂન્યવત્ છે. આપણે આપણો પંથ ફેરવીને નવી મંઝિલે પ્રયાણ કરવું પડશે. આમ છતાં પણ મન કોઈ પણ મૌલિક સાહસમાં પુરુષાર્થ કરવાનું કે જહેમત ઉઠાવવા ઇન્કાર કરે છે. તેને એકના એક કર્મના પુનરાવર્તનનો શોખ છે. તે જૂના ચીલાઓમાં ચાલવા માગે છે કેમ કે તે વધુ સહેલા છે. પરંતુ પગલાંને બીજે પંથે લઈ જવાં અને નવી ક્ષિતિજનો સાક્ષાત્કાર શક્ય અને સરળ તો જ બને, જો આપણે પ્રસંગોપાત સાંસારિક હવામાનમાંથી બહાર નીકળી જઇએ. તે પછી જ આપણે કંઇક અભિનવ અનુભૂતિ પ્રાપ્ત કરી શકીશું. આપણે મન અને તેની વિચિત્રતાઓનું નિરીક્ષણ કરી શકીશું. સંસાર સાથે શું શું આપણને બંધન કરે છે તે આપણે શીખીશું. આપણા મનનું દમન કરતી વૃત્તિઓને આપણે અનુભવી શકીશું અને તે બધા ઉપરાંત આપણા અંતરતમ હૃદયનાં – ઊંડાણ આત્માને ઉન્નત કરતો સ્પષ્ટ અનુભવી શકીશું. આવો એકાંતવાસ નમ્ર પ્રાર્થનાભર્યા ભાવમાં સેવવો જોઈએ અને નહિ કે લહેર કે મઝા માણવાની ઇચ્છાથી. એકાંતવાસનો શરૂનો સમય ભલે ટૂંકો હોય. એકાંતવાસ અને મૌન કેવી કસોટી કરે છે તે આપણામાંના બહુ ઓછા જાણે છે. આપણે જીવનની કેવળ બાહ્ય સપાટી ઉપર તેની સાથે સંકળાયેલ ઘોંઘાટ અને અનેક વિક્ષેપોથી યુક્ત વ્યવહારોથી ટેવાઈ ગયા છીએ અને તેમાં ઓતપ્રોત બન્યા છીએ. એટલે શરૂઆતમાં એકી સમયે એક કે બે દિવસના એકાંતવાસનો ટૂંકો સમય આપણે ભલે રાખીએ. તે પછી એકાંતવાસનો સમય વધારે લંબાવી શકાય.

વ્યવહારુ મુશ્કેલી તો એ છે કે એકાંતવાસ માટેનાં સાનુકૂળ સ્થળો – હંમેશાં આપણા હાથમાં સુલભ હોતાં નથી. વિશાળ લીલોતરીવાળાં મેદાનો મદદરૂપ થાય છે. અનંત નીલ આકાશનું દર્શન કે સમુદ્ર દર્શન ઉપયોગી છે. રાત્રિના અંધકારમાં તારાજિત આકાશનું દર્શન ઉપયોગી છે. અને આપણા પોતાના ઘરમાં કોઈ એકાંત ખૂણો શોધીને દ૨૨ોજ થોડો સમય ત્યાં ગાળીએ. દુનિયાથી તદ્દન અલગ થઇ જવું તેની જ ખરેખર જરૂર છે.

બીજો મુદ્દો જેની ઉપર શ્રીરામકૃષ્ણદેવ ભાર મૂકતા હતા તે સત્સંગ. આધ્યાત્મિક જીવન અને ભગવાન એ જ એક નિત્ય સત્ય છે તે મનમાં ઠસાવવા આ અત્યંત અસરકારક કામ કરે છે. ભક્તો ભગવાનના સાથીઓ છે. તેની દ્વારા સ્વંય ભગવાન સાથે સંપર્ક સાધીએ છીએ. અને તે પૂરેપૂરા અર્થમાં સાચું છે કે સાચા ભક્તની સાથે એક જ ક્ષણનો સમાગમ આજીવન પર્યંત અમોધ પરિણામો – ફળ આપે છે. કમભાગ્યે સાચા ભક્તો ગણ્યાગાંઠ્યા હોય છે. આપણે સંતોનાં જીવન-ચરિત્રો અને શાસ્ત્રો ભલે વાંચીએ. તેઓ સુદ્ધાં અદ્‌ભુત રીતે અસરકારક છે, અને આપણે મંદિરો અને તીર્થધામોના પ્રવાસ પણ ખેડીએ. આધ્યાત્મિક સાધકે આવાં સ્થાનોએ સામાજિક સુધારકના ભાવ સાથે જવું ન જોઈએ. સામાજિક સુધારો કરવા જેવો છે, પરંતુ આપણું ધ્યેય અહીં કંઇક જુદા પ્રકારનું છે. મંદિરની મુલાકાત પછી સાધક આધ્યાત્મિક ઉત્સાહ સાથે સમર બની પાછો આવે છે. સામાન્ય માનવી મંદિરની આજુબાજુ રહેલી ગંદકી જુએ છે અણગમા સાથે પાછો ફરે છે. અથવા તે સુધારવાના ખ્યાલ સાથે પાછો ફરે છે. આ બેમાંથી કોણે વધારે પ્રાપ્ત કર્યું કહેવાય?

અલબત્ત, જિજ્ઞાસુ ગૃહસ્થે નિયમિત રીતે આધ્યાત્મિક સાધના કરવી જોઈએ. તેણે ગુરુ પાસે જવું જોઈએ અને તેની પાસેથી સૂચના મેળવવી જોઈએ અને બની શકે તેટલો વધુ સમય આ સાધના તેણે કરવી જોઈએ. પરંતુ એ સ્પષ્ટ છે કે તેના સમય અને શક્તિનો વધારે ભાગ બિન-આધ્યાત્મિક વ્યવસાયની પાછળ ગાળવો પડતો હોય છે. અને તેને કોઈ વળતર મળ્યા સિવાય આ એક મોટો વ્યય છે. કર્મયોગની સાધના દ્વારા તે આ વળતર મેળવી શકે અને આધ્યાત્મિકરણની સાધના દ્વારા પણ તે આ વળતર મેળવી શકે.

સંસારી ગૃહસ્થ જે વિષે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તે સૌથી મોટો લાભ એ છે કે તેને ઈશ્વર પ્રાપ્તિ માટે ખૂબ આતુરતા છે. તેને લાગે છે કે તેણે સંપૂર્ણપણે ઈશ્વરમાં પોતાની જાતને લીન કરવી જોઈએ. પરંતુ તેનું ધ્યાન સંસારનાં પ્રલોભનોથી વિક્ષિપ્ત રહે છે. સ્વાભાવિક રીતે તેનો સતત પુરુષાર્થ તો એ જ રહેવાનો કે તેને ચલિત કરતા વિષયોમાંથી અલિપ્ત બનવું અને તે હેતુ માટે તેણે કોઈ અસરકારક ઉપાયો યોજવા જોઈએ. વ્યાકુળતાપૂર્વક સંનિષ્ઠાથી તે ભગવાનને એવી પ્રાર્થના કરે કે, હે ભગવન્, મારું સમગ્ર મન અને સમગ્ર શક્તિ આપની તરફ જ વહો કે જેથી હું કેવળ આપને અને એકલા આપને જ નીરખતો રહું. આવી વ્યાકુળતા અને સહૃદયી પ્રાર્થના તેની આગળ નવી તકોને ઊભી કરશે. પરંતુ રખેને તે સમાધાન સ્વીકારવા લલચાઇ ન જાય તે માટે તે અતિ- અતિ જાગૃત રહે.

શ્રીરામકૃષ્ણ પણ વખતો વખત બધા સંસારીઓને એવી સલાહ આપતા કે તમારા કુટુંબ પ્રત્યે નિસ્પૃહી દૃષ્ટિથી જુઓ, તેમને તમારો પ્રેમ આપો અને તેમની સેવા કરો, પરંતુ આ બધો સમય મનમાં ખ્યાલ રાખો કે તે બધા ભગવાનના છે તમારા નહિ. જેવી રીતે શ્રીમંતની હવેલીમાં કોઈ દાસી તેના શેઠના બાળકોને તેના પોતાના ગણીને પ્રેમ કરે છે અને સેવા કરે છે પરંતુ તેના અંતરના અંતરમાં જાણે છે કે તેનો પોતાનો તેમની ઉપર કોઈ હક્ક નથી અને કોઈપણ કારણે તેને તેના માલિક રજા આપી દેશે.

ભાષાંતર : શ્રી યશસ્વીભાઇ ચ. મહેતા

(‘Spiritual Practice’માંથી સાભાર)

Total Views: 195

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.