પૂણેની ર. ચૂ. મહેતા હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી વખતે કેટકેટલાંય વિદ્યાર્થી ભાઇ-બહેનોને ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારિતાની ભેટ આપનારા સ્વ. લાલજી મૂળજી ગોહિલ ચિંતનશીલ વિદ્વાન હોવા ઉપરાંત સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના પુસ્તક ‘ચિંતન-પુષ્પો અને પરિમલ’ની સમીક્ષા સપ્ટેમ્બર ‘૯૬ના અંકમાં પ્રકાશિત થઇ હતી તેના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં

એક પ્રેમીએ કહ્યું, ‘હું બધું ભૂલું છું, પણ પ્રિયતમાને ભૂલી શકતો નથી. તેણે મારા હૃદયમાં આસન જમાવ્યું છે. એનું સાન્નિધ્ય મને આનંદથી પુલકિત કરી દે છે. એનો વિયોગ મને દગ્ધ કરે છે. તે મારી આશાવેલનો મંડપ છે. તે મારાં સ્વપ્નોની અટારી છે. એ દૂર જાય છે ત્યારે એનાં સ્મરણો મને સતાવે છે, એ ભૂલી ભુલાતી નથી!’

ઉપર્યુક્ત પ્રેમીનાં કથનમાં સ્મરણ તિજોરીની ચાવી છે. તમારે કશુંય સ્મરણમાં રાખવું હોય તો તેના પ્રેમી બનો. તમે કોઈ વસ્તુને ભૂલો છો, કારણ કે તમે તેને ચાહતા નથી. તમે જેને હૃદયમાં સ્થાન આપો છો, તેને કદી ભૂલી શકતા નથી. તમારા હૈયેથી વિદ્યા સરી જાય છે, કારણ કે તમને તેના તરફ પ્રીતિ નથી. તમે શીખી શકતા નથી, કારણ કે તમે શીખવા ચાહતા નથી. તમે ભૂલો છો કારણ કે તમે ભૂલવા માગો છો. તમે જેને યાદ રાખવા માગો છો તેને કેવળ શિષ્ટાચારથી પતાવી દો છો અને તે અતિથિની જેમ થોડો સમય રહીને ચાલ્યું જાય છે. જે વિદ્યાને, જે કલાને, જે કારીગરીને તમારે આજીવન તમારી બનાવવી હોય તેને તમારા સૌથી અંદરના ખંડમાં લઈ જાઓ અને સૌ અધિકાર સોંપી દો. એ અવશ્ય તમારી બની રહેશે.

માણસ શું યાદ રાખે છે અને શું ભૂલી જાય છે, તેના પરથી તેના સ્વભાવની ઝાંખી થાય છે. ઉપ૨ ઉપરથી માણસ ગમે તે પ્રકારનો આડંબરી વેશ પહેરવાનો પ્રયત્ન કરે પણ છેવટે તો તેને તેના શરીર પ્રમાણેનો જ પોશાક બંધબેસતો થાય છે. આપણે ગમે તેટલું વાંચીશું અને શીખીશું અને ભણીશું, પણ તે આપણા રુચિતંત્રમાં – ક્યાંય ગોઠવાશે નહિ તો કાળાંતરે તે ભુલાશે. આપણને કોઈ વાત યાદ રહે છે તે એટલા માટે જ કે આપણને તે યાદ રાખવી ગમે છે. આપણે ઘણી બાબતો ભૂલી જઈએ છીએ, કારણ કે એ ભૂલી જવી આપણને ગમતી હોય છે. આપણું અંતઃકરણ જેને સંઘરવા રાજી હોતું નથી તે આપણે સહેલાઈથી ભૂલી જઈએ છીએ. જે આપણા સ્વભાવ સાથે, રુચિતંત્ર સાથે અને અંતઃકરણના આનંદ સાથે મેળ લે છે – કહો કે તાલે તાલ મેળવે છે – તે જ સ્મરણાંકિત થાય છે. બાકીનું સમયના સૂપડાથી સોજાઈને બહાર ઊડી પડે છે.

શું આપણે જમવાનું કદી ભૂલીએ છીએ? શું ઊંઘવાનું યાદ રાખવું પડે છે? સ્વાર્થ સાધવા માટે શું યાદદાસ્ત કેળવવી પડે છે? આપણા માટે જે આવશ્યક છે તે કદી ભુલાતું નથી. આપણા સ્વભાવની અને રૂચિની ખરી આવશ્યકતા પ્રમાણે જ આપણે ગ્રહણ કરીએ છીએ. અનાવશ્યક ભાર વિસ્મરણના રૂપમાં બહાર ફેંકાઈ જાય છે. આપણે જેને ભૂલીએ છીએ તે આપણને રુચતું નથી – આપણને એમાં રસ નથી – એમ જ માનવું ઘટે. ખરાબ વસ્તુઓ આપણને યાદ રહેવા માંડે અને સારી વસ્તુઓ ભુલાવા માંડે તો એમ જ સમજવું જોઈએ કે આપણને સારાપણાનો સ્વાદ લાગ્યો નથી. એથી સારા થવાના આપણા પ્રયત્નો કેવળ દેખાદેખી હોઈ શકે, રૂઢિ હોઈ શકે, કદાચ બીકના માર્યા પણ હોઈ શકે, કદાપિ એમાં ખરી રુચિ નથી.

તમારે કંઈ પણ યાદ રાખવું હોય તો તેને ગોખો નહિ. એથી તો તમારા પર યાદ રાખવાનો ભાર લદાશે, જો તમે સમજીને શીખશો, તો એ ભાર હળવો થશે, પણ કંઈ મટશે નહિ. તમારે ભાર મટાડવો હોય તો તેમાં રહેલો આનંદ ચાખો, તેને તમારા સુખદુ:ખનું સાધન બનાવો. તમારા અંતઃકરણ સાથે મેળ લે એવી જાતનું સૌંદર્ય તેમાંથી શોધો અને મળે તો તરત પ્રેમી બની જાઓ. જ્યાં સુધી તમારો વિષય તમારી પ્રિયતમા નહીં બની જાય ત્યાં સુધી તમે તેને કદી પૂર્ણપણે અપનાવી શકશો નહિ. તમારા સામે ખડા થયેલા વિષયોને અંતઃકરણના પ્રેમળ ભાવથી આત્મસાત્ કરો અને તમે તેને કદી ભૂલશો નહિ.

આપણે ભૂલો કરીએ છીએ, તેમાં પણ એ જ તત્ત્વ કામ કરી રહેલું છે. જ્ઞાત મન (conscious-mind) જે કંઈ બાહ્ય રીતે કરવા જાય છે તેમાં અજ્ઞાત મન (Unconscious-mind) ઘણું પોતાનું ઘુસાડી દે છે. આપણે ભૂલ કરીએ છીએ કારણ કે ભૂલ કરવા આપણે તત્પર હોઈએ છીએ. અંદરની એ તત્પરતા એટલી છાની અને છૂપી હોય છે કે આપણે તેને પોતાની માની શકતા નથી. ભૂલો પણ ત્યારે જ ન થાય કે જ્યારે આપણા અંતઃકરણમાં સત્યના શુદ્ધ સંસ્કારો લાગણીપૂર્વક ચાહના વડે અને મમત્વના ભાવથી સ્થાપિત થયા હોય.

સત્યનો સૂર્ય તો તમારામાં ઊગી જ ચૂક્યો છે : અંતઃકરણનાં પ્રેમદ્વાર ખોલવાની જ વાર છે.

Total Views: 285

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.