પુણેની ર.ચ. મહેતા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ અને પુણેમાં ગુજરાતી સંસ્કારિતાનો દીપ પ્રજ્વલિત રાખનાર સ્વ. શ્રી લાલજી મૂળજી ગોહિલના પુસ્તક ‘ચિંતન -પુષ્પો અને પરિમલ’નો આ રમૂજી લેખ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

પાડોશીઓ ન હોય એવું વાસ્તવિક જગતમાં તો બનતું નથી. તમે એકાંતપ્રિય હો અને કોઈ આશ્રમમાં રહેતા હો, તો ત્યાં અવશ્ય બીજો કોઈ એકાંતપ્રિય રહેતો હશે. પાડોશમાં કોઈ જ રહેતું ન હોય એવી સ્થિતિ અસંભવિત છે. તમે પૂછશો કે હિમાલયમાં તપસ્વીને ક્યાં પાડોશી હોય છે? તેમનું કોઈ માનવી પાડોશી કદાચ નહિ હોય, પણ નજદીકમાં વૃક્ષો, ઝરણાં, પશુપંખી વગેરે તો હોય જ છે ને? એ જ એનાં પાડોશી. કોઈ નૈસર્ગિક પાડોશી ન હોય તો તપસ્વીઓ તપ કર્યા વિના જ પાછા ફરે. એટલે પાડોશી ન હોય એવી સ્થિતિ કલ્પાય તેમ નથી.

પાડોશી ન હોય તો શું થાય એ પ્રશ્ન ભલે વિકટ હોય, પણ અમુક એક પાડોશી ન હોય તો શું થાય એનો જવાબ તો તદ્દન સહેલો છે. ધારો કે મારા પાડોશી મગનલાલ ન હોય તો? હું તરત કહી દઉં કે બલા ટળી. બહુ બહુ તો અમારી પાનાની રમત બંધ થાય, બીજું શું? અને ધનેશભાઈ ન હોય તો? શાન્તિઃ શાન્તિઃ! એમના ફોનોગ્રાફે અને રેડિયાએ મારી બહુમૂલી શાન્તિ હરી લીધી છે તે પાછી મળે. અમારા બીજા પાડોશી છે, તેમની પાસે વગાડવાનાં વાજાં નથી, પણ તેમનાં ચારપાંચ જીવંત વાજાં એક સામટાં બૅન્ડની જેમ વાગે છે, ત્યારે થાય છે કે હવે ક્યાં જવું? સવારનાં એનાં પ્રભાતિયાંઓ અને અરધી રાતનાં મધરાતિયાંઓ સાંભળીને હું કંટાળી ગયો છું.

એક પાડોશી બાઈ બહુ ઝઘડાખોર છે. બાણાસુરની જેમ તેને પણ ‘લડ અથવા લડનારો દે’ જેવી આસુરી વૃત્તિ થઈ આવે છે. દેવદર્શન અને ભજનકીર્તન એ તેનાં નિત્ય કર્મો છે પણ તેમાં ય વેરભાવ અને વઢવાડ નહિ આવતાં હોય એવું હું માની શકતો નથી. આવાં પાડોશીઓ ન હોય તો કંઈ બગડી જતું નથી. એ તો સારું છે કે અમારાં મકાનો ભાડાનાં છે એટલે તેમનાથી મુક્ત થવાની આશા સેવી શકાય, એ કંઈ નાનું સૂનું આશ્વાસન નથી. કમનસીબે આ ઘર મારી માલિકીનું હોત અને એ લોકો રહે છે એ ઘર તેમની માલિકીનાં હોત તો ઊગરવાનો આરો જ ન રહેત.

કહેવાય છે કે કાળી વાદળીઓની કિનાર રૂપેરી હોય છે, સ્મશાનની ભૂતાવળમાં ત્રિનેત્ર શંકરના દર્શન પણ થાય છે, સાપના ડંખમાં ઝેર હોય છે તો ક્યારેક તેના માથામાં ઝેરનો ઉતારનાર મણિ પણ હોય છે.

માર્કન્ડભાઈ અને એનો ચાર વર્ષનો પુત્ર શૈલેશ પાડોશીઓમાં શીતલ છાંયડી સમાન છે. તેમનું ઘર પતિતપાવની ગંગાના ઘાટ જેવું પાવનકારી છે. તેમના ઘરે જાઉં છું ત્યારે શુદ્ધ અને સંસ્કારી વાતાવરણમાં વિહરતો હોઉં એવું લાગે છે. તેમનાં પુસ્તકો, માસિકો અને વિદ્વાન મિત્રોના વારંવાર સહવાસથી અમને તેમનું ઘર સંસ્કારપારણા જેવું પ્રફુલ્લિત અને હિમપ્રદેશ જેવું શુભ્ર અને શાંતિદાયી લાગે છે.

શૈલેશ એટલે શ્યામસુંદર બીજો! તે પોતાની કાલી અને મીઠી વાણીથી મૂંગાને વાચાળ કરતો, વાળની પીનો અને કંકુની દાબડીઓ ઉઠાવી જઈ પાડોશીઓની ગજાંગનાઓને દાદરા લંઘાવતો, એની હાસ્યધારાઓથી દીવેલિયા ચહેરાઓ પર સ્મિતની સ્નિગ્ધતા ફેલાવતો. તેનાં તોફાનોમાં ગોકુલના કૃષ્ણ જેવી જ કુમાશ અને મૌલિકતા રહેતી. પાડોશીઓમાં તે સૌનો માનીતો હતો. પાડોશી છોકરીઓનો તે ખાસ લાડકો હતો. તેઓ તેને કાનકુંવર કહીને હાક મારતી. જ્યારે તેઓ ઘરકામમાંથી નવરી થતી કે તરત કાનકુંવરની શોધ ચલાવતી. કોઈ તેના હાથે અને પગે મેંદી લગાડી આપતું. તેના આકર્ષક ગાલો પર નિરર્થક પાઉડર લગાડવામાં આવતો. તેના નાનકડા ભાલે ક્યારેક ચંદન અર્ચાતું તો ક્યારેક કંકુની આડ થતી. તહેવારને દિવસે સાડીનું પીતાંબર પહેરાવી, માથે મોરપીંછીઓ ખોસી, હાથમાં વેલણ પકડાવી પાડોશી કન્યાઓ ખરે જ તેને કાનકુંવર બનાવી પોતાનું પૂરે પૂરું મનોરંજન કરી લેતી. ઘણાં અંગ્રેજી વાક્યો અને સંસ્કૃત શ્લોકો અમે તેને કંઠે કરાવી લેતા. ક્યારેક સમજ્યા વગરની સરસ્વતી જ્ઞાનપ્રદેશ છોડી સિનેમાનાં પ્રેમગીતોની વીણા વગાડતી ત્યારે ખુદ ગણપતિ પણ સૂંઢમાં હસ્યા વગર નહિ રહેતા હોય, તો અમે કોણ માત્ર. અમારાં સૌનાં હૃદયમાં એક ભય રહેતો કે બેચાર વર્ષમાં આ કાનકુંવર મોટો થશે અને કૃષ્ણવિરહની વેદના ગોપીઓને થઈ તેવી જ કંઈ અમને થશે.

ચંપામાસી પણ અમારાં પાડોશી છે. મારી બાનાં તે ખાસ બેનપણી છે અને અમારે અને એમને ઘરવટ જેવો ઘનિષ્ટ સંબંધ છે. જમ્યા પછી જો હું તેમના હિંડોળે ઝૂલવા ન જાઉં તો ભોજન પેટમાં અદ્ધર જ પડ્યું રહે. સ્ત્રીઓનાં કામોની આવડત નહિ છતાં હું તેમની વિશિષ્ટતાનું માપ કાઢવા રોટલીઓ વણાવતો, અને સ્વેટર ગૂંથી જોતો. તેમની પ્રશંસા કરી પુરુષોની અણઘડતાનું ઉદાહરણ પૂરું પાડી હસાવવાનો મારો મુખ્ય ઉદ્દેશ રહેતો.

તેઓ ભણેલાં ન હતાં, પણ વ્યાવહારિક પ્રશ્નો પર એક મંત્રદ્રષ્ટાની અદાથી અનુભવ વાણી ઉચ્ચારતાં. તેમના વિચારો અને એમને પ્રગટ કરવાની મૌલિકતા મને મુગ્ધ કરી દેતી, ઉપમા આપવામાં તેઓ એક્કો હતાં. કુટુંબના સ્થૈર્ય માટે લગ્નનો શો ફાળો છે તેનું સ્પષ્ટીકરણ કરતાં તેમણે આપેલું એક ઉદાહરણ મને ખાસ યાદ છે. ‘લગ્ન પછીનું દંપતીનું શરૂઆતનું જીવન બાઈસિકલ જેવું હોય છે. ત્યારે બૅલૅન્સ રાખ્યા વગર ન ચાલે. એકાદ સંતાનના પ્રસવ પછી સંસાર ટ્રાઈસિકલ જેવો હોય છે; ધીમો ચાલે પણ પડવાની બીક નહિ. પછી તો ટ્રાઈસિકલની મૉટર બને એટલે એ ચાલે આપમેળે પણ સડક ઉપરથી ઊતરી ન જાય એટલું જ માત્ર જોવાનું રહે. ટ્રેનનું ઍન્જિન થાય એટલે પછી નિરાંત : એ પાટા કદી છોડે જ નહિ.’

બાઈબલમાં ઈસુ ભગવાને કહ્યું છે કે તું તારી જાતને ચાહે તેટલું તારા પાડોશીઓને ચાહ. આર્યોની પણ એવી જ ભાવના છે, કે ‘મને નહિ તો મારા પાડોશીને હજો.’ સગાંવહાલાં તો ક્યારેક જ પાડોશી બને છે, પણ પાડોશીઓ તો નિત્યનાં સગાંવહાલાં બની શકે છે. તેઓ સુખદુઃખનાં સહયાત્રીઓ છે. માર્કન્ડભાઈ અને ચંપા-માસી માટે આ બધું હું સ્વીકારી લઉં પણ અમારી સામેના ઘરમાં જે નાટક ભજવાય છે તેવું થાય તો?

નીચેનો પાડોશી નળ ઉઘાડો મૂકી દઈ બીજા માળે રહેતાં પાડોશીનો નળ નકામો કરી દે, ત્યારે પ્રત્યુતરમાં પેલું ઉપલે માળે રહેતું પાડોશી ધબાધબ કરી નીચેના ઘરને ધબધબાવી મૂકે. એક પાડોશી શોરબકોર કરી બીજાની ઊંઘ હરી લે, તો જવાબમાં બીજું બ્રાહ્મ મુહૂર્તે પતરાઓના ડબ્બાઓનું સમારકામ શરૂ કરી વેર લે. એક સગડી પેટાવવાને બહાને ઊર્ધ્વગામી ધુમાડો કરે તો બીજું ફરસીઓ ધોઈ અધોગામી જલસિંચન કરે. આવાં પાડોશીઓ હોય, પછી ઈશુ ભગવાન ગમે તે કહે તો ય ઘરઆંગણ રણાંગણ બન્યા વગર શાનું રહે?

પ્રાર્થના

હે પ્રભુ!

સંજોગો વિકટ હોય ત્યારે સુંદરતાથી કેમ જીવવું તે મને શીખવાડો,
બધી વાતો ઊંધી જ પડતી હોય ત્યારે હાસ્ય અને આનંદ હું ખોઈ ન બેસું તે મને શીખવાડો.

વાતાવરણ ક્રોધ જન્માવે તેવું હોય ત્યારે માનસિક સમતુલા જાળવી શાન્ત
કેમ રહેવું તે મને શીખવાડો.

કાર્ય જ્યારે બહુ અઘરું લાગતું હોય ત્યારે તેમાંથી જ્ઞાનરૂપી અમૃત
કેમ મેળવવું તે મને શીખવાડો.

આકરી ટીકા અને અવરોધોનો વરસાદ વરસતો હોય ત્યારે તેમાંથી નિર્ભિકપણે બહાર
કેમ નીકળવું તે મને શીખવાડો.

પ્રલોભનો પ્રશંસા અને ખુશામતની વચ્ચે તટસ્થ અને સ્વસ્થ
કેમ રહેવું તે મને શીખવાડો.

ચોતરફથી તકલીફોના પહાડો ઉમટી પડે ત્યારે મારામાં રહેલી શ્રદ્ધા
ડગી ન જાય તે મને શીખવાડો.

મન નિરાશાની ઊંડી ખાઈમાં ડૂબી જાય ત્યારે ધીરજ અને શાંતિથી
આપની કૃપાની રાહ કેવી રીતે જોવી તે મને શીખવાડો.

(સંકલન : ડૉ. દિનેશભાઈ જાની)

Total Views: 73

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.