બ્રહ્મલીન સ્વામી પવિત્રાનંદજી રામકૃષ્ણ મઠ અને મિશનના એક વરિષ્ઠ સંન્યાસી હતા. – સં.

તે દિવસે સાંજે હું પ્રૉફેસર યુંગની સાથે એક રૂમમાં એકલો જ હતો; એ જ પ્રૉફેસર, જે પોતે મનોવિજ્ઞાનના વિખ્યાત વિદ્વાન ફ્રૉયડની સાથે જ પહેલાં હતા, પણ પાછળથી તેમનાથી ભિન્ન મત ધરાવનાર સ્વયં એક વિખ્યાત મનોવૈજ્ઞાનિક હતા, તે પ્રૉ. કાર્લ યુંગ! તેમને સમગ્ર વિશ્વમાં આદર મળે છે. મને થયું કે આ સમયે એકમેક સાથે ઘનિષ્ટતાથી વાર્તાલાપ કરી લેવાની સુંદર તક મને મળી છે.

‘હું દિલગીર છું,’ મેં કહ્યું, ‘કે તમારું ભાષણ મારાથી સાંભળી શકાયું નહિ. પણ હું તે વખતે કલકત્તામાં નહોતો.’

‘તો તો તમે એ ચિત્રો પણ નહીં જ જોયાં હોય, જે મેં તે ભાષણ દરમ્યાન બતાવ્યાં હતાં. લો, હું તમને તે ચિત્રો હવે બતાવું,’ પ્રૉફેસરે સરળભાવે કહ્યું.

ત્યાર પછી થોડી સ્લાઈડ્સ પોતાની પેટીમાંથી કાઢી તેઓ મને તે એક પછી એક બતાવવા લાગ્યા. તેમાંનાં કેટલાંક (પ્રતીકાત્મક કહી શકાય તેવાં) સ્લાઈડનાં ચિત્રો તિબેટમાં લેવાયાં હતાં, કેટલાંક ભારતમાં અને કેટલાંક અચેતન માનસ સાથે સંકળાયેલાં મનસચિત્રો પણ હતાં.

‘તમે આ અચેતન માનસ સાથે સંકળાયેલાં ચિત્રો દ્વારા શું કહેવા માગો છો, પ્રૉફેસર સાહેબ?’ મેં આશ્ચર્ય સહિત પૂછ્યું. ‘અચેતન માનસમાંથી તમે કઈ રીતે આ છબીઓ લઈ શક્યા?’

‘જ્યારે કોઈ રોગી મારી પાસે આવે છે, ત્યારે તેમાંના કોઈકને હું તેમના પોતાના મન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનું કહું છું. તે વખતે તેમના માનસમાં કોઈ કોઈ વાર ઝાંખાં ભાવચિત્રો (images) આવે છે, પણ કોઈ કોઈ વાર તે સ્પષ્ટ પણ હોય તેમ બને. તેનું વર્ણન તેમની પાસેથી સાંભળ્યા પછી હું તેમને એ ચિત્રને દોરવાનું કહું છું.’ આટલું કહીને પ્રૉફેસર મને તેમાં રહેલાં પ્રતીકોના અર્થ વિષે સમજાવવા લાગ્યા.

મેં પૂછ્યું, ‘આ ચિત્રોનું તમે કઈ રીતે અર્થઘટન કરી શકો છો?’

પછી તેમણે મને સમજાવ્યું કે આ પ્રતીકોનો સાચો અર્થ કરવાની કઈ રીત તેઓ અપનાવે છે.

પરંતુ આ વિષયમાં મને કંઈ બહુ રસ નહોતો અને એ બાબતે મારે તેમની સાથે ચર્ચામાં પણ ઉતરવાની ઇચ્છા નહોતી.

‘તમને જો વાંધો ન હોય, પ્રૉફેસર,’ મેં કહ્યું, ‘તો હું તમને કેટલાક સીધેસીધા પ્રશ્નો પૂછવા ચાહું છું. તમે મારી સ્પષ્ટ બોલવાની રીતને માટે માફ કરશો જ, એમ ધારું છું. તમે મનોવૈજ્ઞાનિકો અને મનોવિશ્લેષણ કરનારા લેખકો જે પુસ્તકો લખો છો તે ઘણાં વિચિત્ર હોય છે. તે વાંચતાં એમ લાગે છે કે હું જાણે કોઈ અંધારામાં – અંધારાની અંદરના ય અંધારામાં – દાખલ થઈ રહ્યો છું. એક એવી અંધારી, રોગી દુનિયા, જે માનવના મનને ભયભીત કરી મૂકે છે, અને જે ઉચ્ચ પ્રવૃત્તિ માટે મનમાં એક પ્રકારની નિષ્ક્રિયતા લાવી મૂકે છે. તમે લોકો શા માટે માનવના મનની સૌથી નીચલી, તુચ્છ બાજુ જુઓ છો? શું તમે એમ માનો છો કે માનવ એક પશુ જેવો જ છે? શું તમે એમ કહેવા માગો છો કે માનવસ્વભાવ એક વૈચિત્ર્યપૂર્ણ ગાંડપણથી ભરેલો છે? કેટલાક મનોવૈજ્ઞાનિકો અને વિશ્લેષણકારોના મત પ્રમાણે તો માણસના જીવનનું કેન્દ્રબિંદુ કેવળ જાતીય વ્યવહાર (Sex) જ છે. કેટલાંક વર્ષો પહેલાં એક અમેરિકાના સામયિક – કદાચિત તેનું નામ Forum હતું – તેમાં મેં એક તમારો લેખ વાંચતાં ખુશી અનુભવી હતી કે માનવસ્વભાવનું મહત્તમ લક્ષણ તો આધ્યાત્મિક મહેચ્છાઓ છે. પણ મને આશ્ચર્ય એ વાતનું છે કે તમે એ બાબત જાહેરમાં કહી શક્યા.’

તેમણે પ્રત્યુત્તર વાળ્યો, ‘હા, મને તો એવું જ લાગે છે. પણ હું એમ કહું છું તે માટે મારે તેની ઘણી મોટી કિંમત ચૂકવવી પડે છે. લોકો મારી વિરુદ્ધ થઈ ગયા છે અને મારી હંમેશાં આલોચના કરતા રહે છે. મારા વિરોધમાં સદૈવ કંઈ ને કંઈ લખાતું પણ હોય છે. પણ હું આ બધા સામે લડતો રહું છું – એકલો તો એકલો.’

‘હા, પરંતુ આ રીતે લડીને તમે આખાયે વિશ્વની ઘણી મોટી સેવા પણ કરશો,’ મેં કહ્યું.

‘હકીકત એ છે,’ પ્રૉફેસર બોલ્યા, ‘કે મોટા ભાગના મનોવિશ્લેષણકારો એવા જ લોકોના સંપર્કમાં આવે છે જેની જિંદગીમાં એક જ લક્ષ્ય હોય છે – ભૌતિક સુખ અને ઈન્દ્રિય સુખ, અને વળી તેઓનો સ્વભાવ પણ તદ્દન નિરાશાવાદી હોય છે. આવાં માનસોનું વિશ્લેષણ કરવાથી તમે શું અન્ય અપેક્ષા રાખી શકો?’

‘હું પણ તેમ જ વિચારતો હતો,’ મેં પ્રૉફેસર યુંગને કહ્યું, ‘હું ધારતો હતો જ કે મનોવિશ્લેષણકારો મોટે ભાગે તો નિમ્ન કક્ષાના લોકોને જ મળતા હોય અને તેથી જ તેમના માનવસ્વભાવ અંગેના નિર્ણયો અને નિષ્કર્ષી અનાયાસે પણ તે મુજબના હોય. હું એ સ્વીકારું છું કે માનવમાં પશુતા પણ છે, પરંતુ તેનામાં કોઈ દૈવી તત્ત્વ નથી શું? ઘણા મનોવૈજ્ઞાનિકો એ જ પૂરવાર કરવામાં રચ્યા પચ્યા હોય છે કે માનવમાં રહેલી પશુતા જ જાણે માનવસ્વભાવ, માનવજીવનનો સર્વસામાન્ય નિયમ છે. જો હું ભૂલતો ન હોઉં તો એક અમેરિકન પાદરી – ફૉસ્ડીકે (Fosdick) થોડા વખત પર લખ્યું હતું કે ‘આજકાલ લોકો એ બાબતોની ઉઘાડે છોગ ચર્ચા કરે છે જેને લગભગ વીસ વર્ષ પહેલાં વેશ્યાગૃહમાં પણ છૂપી રીતે બોલતાં તેઓ અચકાતા હોત.’ જો હું એમ કહું કે આ પરિવર્તન માટે અને તેમાંના ખરાબ તત્ત્વ માટે આ મનોવિશ્લેષકો જવાબદાર છે, તો તેમાં કશું ખોટું જણાતું નથી. શ્રીરામકૃષ્ણ કહેતા હતા, ‘જો તમે આખો વખત એમ કહેતા રહો કે તમે પાપી છો, તો તમે પાપી જ બનશો. શા માટે એમ ન વિચારવું કે તમારામાં પણ ભગવાન છે? તો પછી તમારામાં રહેલી સુષુપ્ત દૈવી સંપત્તિનો આવિર્ભાવ જ થશે.’ તમારામાંથી કેટલાક કહે છે કે કેવળ જાતીય સુખ (Sex) જ માનવવ્યવહારનું કેન્દ્રબિંદુ છે અને પરિણામે લોકો વધુ ને વધુ તે માટેના વિચાર કરવા લાગે છે. ખેર, ભોજનની ભૂખ પણ હોય છે, તો શું તમે માણસને કેવળ ખાઉધરો જ કહેશો, બીજું કશું નહિ? શું તમે માણસની દરેક પ્રવૃત્તિ પાછળ આ ભૂખને જ પ્રેરણાત્મક સમજાવશો? શું તેની ભોજન-જાગરૂકતાના આધારે તેનો બધો વ્યવહાર સમજાવશો? તમે કોઈને વારંવાર, નિરંતર, પાપી કહો, તો તે પાપી જ બનશે.’

‘જુઓ,’ પ્રૉફેસરે કહ્યું, ‘પાશ્ચાત્ય ધર્મ નિષ્ફળ નીવડ્યો છે, અને લોકો આધ્યાત્મની ભાષામાં કંઈ વિચારી શકતા નથી. એક દંભ અને શઠતાનાં વસ્ત્રો તરીકે ત્યાંનો ધર્મ બન્યો છે. પરિણામે, ધર્મના નામથી જ લોકો ધ્રૂજે છે અને આધ્યાત્મિક બાબતો વિષે વિચારી જ શકતા નથી. કોઈનું કહેવું છે કે ધર્મના વિકલ્પ તરીકે બોલ્શેવિઝમ વધુ યોગ્ય છે, તો કેટલાક મનોવિજ્ઞાન પ્રત્યે વળે છે, અને માનવ મનની અંધારી ગલીઓ અને આંધળી શેરીઓમાં ખોવાઈ જાય છે.’

‘હા’, મેં કહ્યું, ‘ઘણે અંશે ધર્મ નિષ્ફળ નીવડ્યો છે, ખાસ તો તેના વ્યાવહારિક સ્વરૂપમાં, પરંતુ તેનો આદર્શ તો છે જ ને, તો પછી માણસો શા માટે તે આદર્શ માટે પરિશ્રમ ઉઠાવતા નથી? કોઈ સૈન્ય વિજય માટે આગળ ધપતું હોય ત્યારે વચ્ચે વચ્ચે કોઈ લોકો ધરાશાયી થઈ જાય, પણ છતાં બીજા તો વિજયી થઈને પાછા ફરી શકે ખરા ને?’

‘મને આદર્શની વાતો ગમતી નથી,’ પ્રૉફેસર બોલ્યા, ‘આદર્શોની આટલી બધી વાતો તમે કેમ કરો છો? એ આદર્શને વ્યવહારમાં કેવી રીતે ઉતારવો તેને અંગે કેમ કંઈ બોલતા નથી? લોકો બીજા સાથે વાત કરતી વખતે આદર્શોની વાત કરે, પણ તેમના પોતાના જીવનમાં એ માટે કંઈ કરતા તો નથી હોતા. હું મારા દર્દીઓને કદી કહેતો નથી કે ‘તમારે આમ કરવું જોઈએ કે તેમ કરવું જોઈએ.’ એ લોકોને એમ કહ્યાનો શો અર્થ છે કે આમ કે તેમ કરવું જોઈએ, જ્યારે તેઓ હું જે કહું તે કરવા અશક્તિમાન હોય? મારે તો વર્તમાન સાથે જ સંબંધ છે અને ભવિષ્ય સાથે નહિ. કેવળ આદર્શ માટે બોલવામાં હું માનતો નથી.’

‘હા, પણ એક ડૉક્ટર તરીકે તમારી સમક્ષ કોઈ એક લક્ષ્ય તો જરૂર હશે. તમે તમારા દર્દીઓને સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તેવું ઈચ્છતા જ હશો. તો શું તે પણ એક આદર્શ નથી?’ મેં સામી દલીલ કરી.

પ્રૉફેસર યુંગે કહ્યું, ‘એ જે હોય તે, પણ હું એ રીતે વિચારતો નથી. હું તો તેમને સતાવતી આજની બિમારીને કેવી રીતે દૂર કરવી તે જ વિચારું છું. દુનિયામાં બીજાને કશુંક શીખવાડવા બધા આતુર હોય છે, બીજાને બધા ઉપદેશ દેવા તૈયાર હોય છે. શા માટે તેઓ ઉપદેશ આપવાને બદલે પોતાના જીવનમાં પોતાના આદર્શોને ઉતારવા માટે જ પ્રયત્નો નથી કરતા? લોકોએ બીજાનું ભલું કરવું જોઈએ, પણ તેઓ પોતાનું ભલું કેમ કરવું તે જાણતા નથી. દુનિયાનું ભલું કરવાનો એક માત્ર રસ્તો એ છે કે પોતાનું ભલું કરવું.’

‘એ તો છે જ,’ મેં કહ્યું, ‘અને માણસની પ્રકૃતિમાં પણ સ્વાર્થ તો ભરેલો જ છે. પણ જો એમ જ હોય, તો તેણે સરસ રીતે સ્વાર્થી બનવું પડે ને! પોતાના જ જીવનની સમસ્યાઓનો અંત તેને લાવવા દો – જીવનની અને મૃત્યુની – અને એ માટે આત્મસાક્ષાત્કાર કરવા દો. લોકો કેટલીક વાર કહે પણ છે કે જે લોકો સમાજનો ત્યાગ કરીને ધ્યાનમય જીવન માટે જાય છે તેઓ તો ઘણા જ ‘સ્વાર્થી’ છે.’

‘પણ,’ પ્રૉફેસર બોલ્યા, ‘એવા લોકો તો વાતાવરણને શુદ્ધ કરી મૂકે છે, જો તેઓ ખરેખર ગંભીર અને નિષ્કપટ હોય તો.’

‘મને લાગે છે,’ મેં વાત આગળ ધપાવતાં કહ્યું, ‘કે જો કોઈ એક માણસ પણ પોતાની જાતને (Self) ઓળખી લે, તો તે દુનિયાનું ઘણું વધારે ભલું કરી શકે, અને જેઓ કહેવાતા દુનિયાના હિતેચ્છુઓ છે તેનાં કરતાં તો ઘણું જ વધારે. જ્યારે કોઈ માનવ પોતાની જાતને-સ્વયંના આત્માને – ઓળખવા માટે તદ્દન આર્જવતાથી ભરેલો હોય, ગંભીર હોય, તો ત્યારે તેણે જીવનના સાધારણ વ્યવસાયોમાંથી પોતાને ખસેડીને રહેવું જોઈએ, જેમ પરીક્ષાના સમયે એક વિદ્યાર્થી સિનેમા અને ફૂટબૉલના ખેલોથી દૂર રહે છે તેમ. ઘણી વખત સ્વામી વિવેકાનંદ આ વાત મજાકથી કરતા કે ‘શું તમને લાગે છે કે ભગવાન સૂઈ ગયો છે, જેથી તમે દુનિયાનું ભલું કરવા નીકળ્યા છો? શું તમે તેને તેના કાર્યમાં મદદ કરવાના છો? જો તમને આ દુનિયા વધુ સારી થાય તેમાં રસ હોય, તો તમારી તમામ શક્તિને તમારી જાતને જ સુધારવામાં વાપરો ને! એમ કર્યાથી જ દુનિયા આખીનું ભલું જ થશે.’

પ્રૉફેસરે કહ્યું, ‘ઉપદેશ દેવો એ આચરણ કરવા કરતાં ઘણું વધુ સહેલું હોવાથી જ લોકો ઉપદેશ કરતા હોય છે. વધુ સસ્તી ચીજો પ્રત્યે લોકો કેમ વળે છે, તેનું કારણ તમે કહી શકો છો? નીચેની દિશામાં તેઓ જલદી શા માટે જાય છે, અને ઉપરની દિશામાં નહિ?’

મેં કહ્યું, ‘હા, તમારી વાત સાચી છે, અને લગભગ બધા જ નીચી દિશામાં જવાની વધારે કામના રાખે છે. પણ મુખ્ય સમસ્યા એ છે કે, તમે આ વાતને એક સર્વસામાન્ય નિયમ બનાવો છો – કે આ રીતે નીચે જવું, અધઃપતન પ્રત્યે જવું, એ તો માનવ સ્વભાવનું લક્ષણ જ છે. જેની સંખ્યા ભલે થોડી હોય, તેવા લોકોનો તમે કેમ વિચાર નથી કરતા કે જેઓ ઉચ્ચ કક્ષાએ જવા ચાહે છે? જે વણખેડેલા શિખરે પહોંચવા બધું કરી છૂટવા તત્પર છે? જેઓ સત્યમાં શ્રદ્ધા રાખે છે – કેમ કે ‘ઈટ ઈઝ બૅટર ટુ સ્ટ્રગલ ઍન્ડ ફેઈલ, રાધર ધેન નૉટ સ્ટ્રગલ ઍટ ઑલ’!’

તેઓની વાણીમાં છૂપાયેલું એક દર્દ અત્યારે જણાયું, જ્યારે તેમણે પૂછ્યું, ‘શા માટે લોકો નીચે જવાનું, સસ્તી વસ્તુઓ પ્રત્યે વળવાનું પસંદ કરતા હશે? અધઃપતનના માર્ગે તેઓ શા માટે જતા હશે? નિકંદન તરફ શા માટે આકર્ષાતા રહેતા હશે? શા માટે…?’

એમના શબ્દોથી મને એક ઉપનિષદની વાત યાદ આવી : કે ‘સ્વયંભૂ (પ્રભુ)એ ઈન્દ્રિયોને બહિર્મુખી બનાવી છે, અને તેથી જ માનવ પણ સુખશાન્તિની શોધ બાહ્ય દિશામાં કરે છે, પણ આંતરિક અસ્તિત્વ – પોતાના આત્માને- તે જોતો નથી. કેટલાક ડાહ્યા માણસો જ, જેઓ અમરત્વ માટે તત્પર હોય છે, તેઓ પોતાનાં (જ્ઞાન) ચક્ષુઓને અંતર્મુખી બનાવી પોતાના આત્માને જોઈ શકે છે.’

ભાષાંતર : ડૉ. સુધા નિખિલ મહેતા

(‘વૉયસ ઑફ ઇન્ડિયા’, મે, ૧૯૩૮માંથી સાભાર)

Total Views: 185

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.