(ગતાંકથી આગળ)

(બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી પવિત્રાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા.)

તે પછીનો પ્રશ્ન છે, શું આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળે છે પણ ખરો? નિખાલસતાપૂર્વક કબૂલ કરવું જોઈએ કે માત્ર ઉપર ઉપરથી એ વિશે કંઈ પણ કહેવું ખૂબ મુશ્કેલ છે. કેટલીકવાર આપણે એવું જોઈએ છીએ અને અનુભવીએ પણ છીએ કે આપણે જે માટે પ્રાર્થના કરી હતી તેવું જ ખરેખર આપણી ઇચ્છા મુજબ જ બને છે. પણ આપણે એવું સાબિત કરી શકીએ ખરા કે પ્રાર્થનાને લીધે જ એમ બન્યું છે? અથવા તો સંજોગવશાત્ જ એમ બન્યું હોય એવી શક્યતા પણ ખરી ને? આપણે એ સાબિત કરી શકીએ એમ છીએ? ખરેખર એ મુશ્કેલીભર્યું કામ છે. કારણ કે જયારે હું વિચાર કરતો હોઉં છું ત્યારે જુદી જુદી જાતના વિચારો આવતા જ જાય છે. પરંતુ મારા વિચારો જ મને રાહત આપે છે કે પછી કોઈ બીજાની મને મદદ મળે છે કે આકસ્મિક રીતે મને રાહત મળે છે, એ સ્પષ્ટ રીતે પૂરવાર કરવું મારા માટે શક્ય નથી. કેટલાક લોકો જયારે પ્રાર્થના કરતા હોય છે ત્યારે બીજા કેટલાક લોકો એમને હસી કાઢતા હોય છે. ભારતના એક રાજયમાં એક વખત અતિભયંકર દુષ્કાળ પડયો, ત્યારે એ રાજયના એક રાજ્યકક્ષાના પ્રધાન કે જેઓ કેબીનેટ મંત્રી પણ હતા તેમણે લોકોને પ્રાર્થના કરવાનું કહ્યું. અસંખ્ય લોકો મંદિરમાં ગયા અને પ્રાર્થનાઓ કરી અને સદ્ભાગ્યે વરસાદ આવ્યો. આખીય ઘટના આ પ્રમાણે બની છતાં પણ વિદેશના અખબારી  પ્રતિનિધિઓએ પ્રાર્થના કરનારા લોકોની હાંસી ઉડાવી. હું જ્યારે આ દેશમાં પહેલ-વહેલો આવ્યો ત્યારે મને ખબર પડી કે અહીં જાહેરમાં કરાતી પ્રાર્થનાની પણ ભરપૂર અભિવ્યક્તિ હતી. કૅલિફોર્નિયામાં એક વખત દુકાળ પડ્યો ત્યારે ત્યાંના પાદરીએ પોતાના પ્રદેશના બધાજ લોકોને ઈશ્વરની પ્રાર્થના કરવાનું કહ્યું. મને યાદ છે ત્યાં સુધી એ કિસ્સામાં વરસાદ આવ્યો નહિ. પરંતુ બીજા એક કિસ્સામાં વરસાદ આવ્યો. આ બન્નેનો મેળ કેવી રીતે બેસાડવો? હું જ્યારે આ બાબતોનો વિચાર કરું છું ત્યારે મને એક અતિ ગરમ પ્રદેશની જગ્યા યાદ આવે છે, જ્યાં આબોહવા પુષ્કળ ગરમ હતી. ત્યાં લાંબા સમય વરસાદ થયો નહિ. એક નીચલા વર્ગના લોકોનાં બાળકો ઘેરઘેર ફરતાં-ફરતાં સુંદર ગીતો ગાતાં. મને લાગે છે એ ગીતો ગાઈને એ ગીતો મારફત એ બાળકો વાદળાં માટે પ્રાર્થના કરતાં હતાં. એક વખત એ બાળકો આ પ્રમાણે ગીત ગાતાં હતાં એવું મને યાદ આવે છે. “હે મારા કાળા રંગના ભાઈ, હે મારા સફેદ રંગના ભાઈ, અમને વરસાદ આપ, જેથી અમે પાણીમાં ખૂબ પલળી જઈએ અને અમે એ પાણી સાથે જ ઘેર જઈએ.” હવે સંભવ છે કે એક દિવસ બપોરે એ બધાં બાળકોએ આવી પ્રાર્થના કરતાં ગીતો ગાયાં અને રાત્રે વરસાદ આવ્યો પણ ખરો. આમ કેમ બન્યું એ વિશે આપણે કાંઈ જાણતા નથી. પરંતુ આપણે બુદ્ધિજીવી હોઈએ તો આપણે ઉપરચોટિયા તપાસ કરીને એમ પુરવાર કરી શકીએ નહિ કે પ્રાર્થનાને લીધે આવા બધા ફેરફારો થાય છે. આપણી હકીકતોને કોઈ પડકારે તો આપણી પાસે એનો કાંઈ જવાબ નથી, કોઈ સાબિતીઓ પણ આપી શકીએ નહિ અને આપણું માનસ જ એ પ્રકારનું છે કે આવી બાબતોમાં શંકાઓ ઊભી થાય જ. સંતોના મનમાં પણ શંકાઓ ઊભી થાય છે. સ્વામી વિવેકાનંદના પત્રોમાં મેં વાંચ્યું છે કે એવી કોઈક ઘટના બની કે જેને પરિણામે તેઓ કૃતજ્ઞતા અને આનંદની લાગણીથી પ્રભાવિત થઈ ગયા. મહાન આત્માઓમાં દિવ્યતા અને માનવતા બંનેનું મિશ્રણ હોય છે. એમણે એક મહાન આત્માના મનોભાવ વિશે ઝાંખી કરાવી છે. એમણે લખ્યું છે, “આટલા વિપુલ પ્રમાણમાં (ઈશ્વરની) કૃપાની વર્ષા થઈ રહી છે એવે સમયે પણ મારો વિશ્વાસ ડગી જાય છે, શંકાઓ મને ઘેરી વળે છે.” જે ઘટના બની હતી એ એમની ધારણા બહારની હતી અને તદ્ન સ્પષ્ટ હતી. પરંતુ એમણે લખ્યું કે આમ છતાં પણ એમનો વિશ્વાસ કેટલીકવાર ડગી જતો હતો. આથી ત્યાં બુદ્ધિવાદનો પ્રવેશ થઈ જાય છે કે આમ જે બને છે તે બધું આકસ્મિક રીતે જ બને છે કે ખરેખર આપણી પ્રાર્થનાથી જ તેમ બને છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આપણી પ્રાર્થનાને કારણે ઈશ્વર એની પોતાની યોજનાઓ બદલે છે કે કેમ? ઈશ્વર પાસે એ પ્રમાણે તમે કરાવી શકો ખરા? આ પ્રશ્નો બધા એવા છે કે જેનો આપણે ઉત્તર આપી શકતા નથી. જો આપણે બુદ્ધિવાદી થવું હશે તો શંકાઓ ઊભી થવાની જ. આપણે તો પ્રત્યુત્તર જોઈએ છીએ. આ બધું બને છે તે માત્ર સંયોગવશાત્ બને છે કે પછી આકસ્મિક રીતે જ એમ બને છે કે પછી આપણી પ્રાર્થનાને કારણે જ એમ બને છે? મારી પ્રાર્થનાને કારણે ઈશ્વરે પોતાની યોજનાઓ બદલી નાખી? કોઈ આનો ઉત્તર આપી શકે એમ નથી. પરંતુ માણસ એટલું તો જરૂર જોઈ શકે કે દરેક માણસની લાગણીનો આ સવાલ છે. એક માણસે પ્રાર્થના કરી અને એનો પ્રત્યુત્તર એને મળી ગયો. તે કારણે એ ફરીથી પ્રાર્થના કરે છે. અને બીજાઓને પણ એ પ્રાર્થના કરવાની સલાહ આપે છે. આવા અનુભવો માત્ર સંતોને જ થાય છે એવું નથી પરંતુ સાંસારિક પ્રવૃત્તિઓના ચક્કરમાં જ રચ્યાપચ્યા રહે છે એમને પણ આવા અનુભવો થાય છે. મેં કહ્યું તેમ અબ્રાહમ લિંકન પ્રાર્થનાનો માનવી હતો. પ્રાર્થના કરવાની એની પોતાની રીત હતી. પ્રાર્થના કરવા માટે જ રીતસર એ પોતાના ખાનગી ઓરડામાં જતો. એને કાંઈ લાધ્યું હશે, નહિ તો ફરીવાર એણે પ્રાર્થના કરી ના હોત. મહાત્મા ગાંધીજીના જીવનમાં પણ આપણે એ જ વસ્તુ જોઈએ છીએ. એમણે કહ્યું છે, “પ્રાર્થના તો મારા જીવનનું સંરક્ષણાત્મક પાસું છે. જો મારા જીવનમાં એનું અસ્તિત્વ ન હોત તો અત્યાર સુધીમાં હું પાગલ બની ગયો હોત. બીજા એક પ્રસંગે એમણે કહ્યું હતું. રાજકીય ક્ષિતિજે હતાશા મારી સામે આંખો ફાડીને ઊભી હોય છતાં હું મારા મનની શાંતિ કદી ગુમાવતો નથી. ખરું કહીએ તો મારા મિત્રો મારી માનસિક શાંતિની અદેખાઈ કરે છે. આ બધું મારી પ્રાર્થનાનું બળ છે. એમનાં લખાણોમાં આને એ વધારે સારી રીતે સમજાવે છે. ઈશ્વરના અસ્તિત્વમાં અને પ્રાર્થનામાં વિશ્વાસથી જ મારા જીવનની મેં શરૂઆત કરી. લાંબેગાળે મારા જીવનમાં શાંતિનો ઉદ્ગમ થયો. કોઈ શૂન્યતાની પૂર્તિ કરવાનો પ્રસંગ મારા જીવનમાં કદી ઊભો થયો નથી. જીવનમાં તમે નજર કરશો તો જણાશે કે આપણા જીવનમાં મીઠા અને કડવા, સફળતાના અને નિષ્ફળતાના એમ બંને પ્રકારના અનુભવો આપણને થાય છે. આપણી સફળતાઓને આપણે યાદ રાખતા નથી પરંતુ આપણને જે નિષ્ફળતાઓ અને નિરાશાઓ મળી તેને જ યાદ રાખીએ છીએ. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે એમના જીવનમાં શૂન્યતાએ કદી પ્રવેશ નથી કર્યો. આ હતું એમની પ્રાર્થનાનું પરિણામ, એક અંગત પ્રમાણ. આ એવી વાત નથી કે માનસશાસ્ત્રી દ્વારા ગણતરીઓ કરીને પુરવાર થઈ શકે. અથવા તો પરાપૂર્વથી ચાલી આવતી કોઈ બાલિશ મનોગ્રંથિ પણ નથી. તમારા પિતાને તમે પ્રાર્થના કરો અને એ પ્રાર્થના ઈશ્વરની પ્રાર્થનામાં બદલાઈ જાય એવું પણ નથી. જો માણસને પ્રાર્થના દ્વારા આટલી બધી ઉપલબ્ધિ થતી હોય તો આ બધા ખુલાસાઓ માટે તમે શું કહેશો? માણસ જેની ઇચ્છા કરે તે જ વસ્તુ ખરેખર તેને ભલે ન મળે પરંતુ મહાત્મા ગાંધીજીના પ્રભાવશાળી અંગત પ્રમાણોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે તમામ પ્રાર્થનાઓની અસરોનો સરવાળો એ છે કે તે માણસના જીવનમાં માનસિક શાંતિ બક્ષે છે અને તે અને હિંમત પણ આપે છે.

બીજા એક પ્રસંગે મહાત્મા ગાંધીજીએ કહેલું, “સ્વભાવથી જ હું શરમાળ અને બીકણ છું. પરંતુ જ્યારે સંજોગો ઉપસ્થિત થયા ત્યારે હું કદી પાછો પડ્યો નથી. આ મારી પ્રાર્થનાઓનું બળ છે.” દક્ષિણ આફ્રિકામાં અહિંસાની ચળવળ શરુ કર્યા પછી એઓ ભારત પાછા ફર્યા હતા. ઘણા વખત પછી એઓ જહાજ મારફત દક્ષિણ આફ્રિકા પાછા આવ્યા અને જ્યારે એમનું જહાજ લાંગરવાની તૈયારીમાં હતું ત્યારે લોકોનું એક મોટું ટોળું એકઠું થએલું અને એમને પથ્થરમારો કરી મારી નાખવા માગતું હતું. પોલીસ કમિશ્નર જહાજ પાસે આવ્યા અને ગાંધીજીને કહ્યું, “જહાજમાંથી તમે નીચે ઉતરશો નહિ, જહાજને બીજી કોઈ જગ્યાએ લઈ જાઓ. અહીં ઘણા બધા લોકો એકઠા થયા છે. એમને કાબૂમાં રાખવાનું મારે માટે અશક્ય છે. તમે જોશો કે આ એક બહુ મોટી કસોટી હતી. કારણ કે એમણે કહ્યું જ હતું કે સ્વભાવથી જ તેઓ શરમાળ અને બીકણ હતા. વળી એ વખતે એઓ મહાત્મા તરીકે પંકાયેલા પણ ન હતા અને અનુયાયીઓ પણ બહુ ન હતા. તો પણ જો તેઓ ત્યાંથી દૂર જતા રહેત અને પોતાની જાતને બચાવી લીધી હોત તો એમના અનુયાયીઓ ઉપર શી અસર પડત? આથી એમણે કહ્યું, “ના, હું જરૂર નીચે ઉતરીશ અને હંમેશની માફક જ તેઓ નીચે ઉતરવા માગતા હતા. પરંતુ પોલીસ કમિશ્નરનાં પત્ની આવ્યાં અને એમને કેટલીક સાંકડી ગલીગૂંચીઓ મારફત, એમને મારી નાખવા માગતા ટોળાથી દૂર લઈ ગયાં. આ એક આકસ્મિક ઘટના જ છે, પરંતુ હકીકત દીવા જેવી સ્પષ્ટ છે કે તેઓ બચી ગયા. તો આવી ઘટનાઓ માટે તમે શું કહેશો?

હવે પછી બીજો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પ્રાર્થનાનો પ્રત્યુત્તર કેવી રીતે મળે છે? આપણને મુશ્કેલીભર્યાં સંજોગો ઉપસ્થિત થાય ત્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ. કેટલીક વખત આપણને જે જોઈએ એ મળી જાય છે. આપણે બુદ્ધિથી કે તર્કથી પુરવાર કરી શકીએ એમ નથી કે જે થયું એ ઈશ્વરની કૃપાને કારણે જ થયું કે નહિ. પરંતુ એટલી વાત તો તદ્દન સાચી જ છે કે આપણે જે માગ્યું હોય એ પ્રમાણે આપણને મળે કે ના મળે તો પણ ઓછામાં ઓછું માનસિક શાંતિ તો આપણને મળે જ છે. અને ખરું જોતાં તો જો તમે માગો અને તમને એ મળી જાય તો થોડો વખત માટે તો તમારામાં અહંકારનો ભાવ આવશે. ઈશ્વરે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો. એટલે ઈશ્વરે તો જાણે કે એક ટપાલ પહોંચાડનાર છોકરાનું કામ કર્યું. તમે ગાંધીની દુકાને ફોન કરો અને તમે મગાવેલી ચીજ વસ્તુઓ આવી જાય એવી રીતે ઈશ્વરને તમે પ્રાર્થના કરીને કહ્યું અને તમને તમારી ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ. આથી તમને ગર્વની અને મિથ્યાભિમાનની લાગણી થશે. પરંતુ જેને માગ્યા પ્રમાણે વસ્તુ મળતી નથી એ તો પોતાનો દૃષ્ટિકોણ બદલી નાખશે અને એમ વિચારશે કે જે એમણે માગ્યું એમાં ઈશ્વરની મરજી નહોતી અને વળી કોણે જાણ્યું કે આપણી વિશિષ્ટ પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળે તો એ આપણા માટે સારો જ હોય? આપણે આવી પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ ભય તો સામે ઊભો જ હોય છે.

હિંદુઓના ધર્મપુરાણોમાં જેનો ઉલ્લેખ કલ્પવૃક્ષ તરીકે કરવામાં આવે છે, એવા એક કલ્પવૃક્ષ નીચે એક માણસ બેઠો હતો. આવા વૃક્ષની નીચે બેસીને તમે જેની ઇચ્છા કરો એ ફળીભૂત થાય જ. તડકાથી કંટાળીને એ કલ્પવૃક્ષ નીચે આવીને બેઠો. પરંતુ એને ખબર નહોતી કે એ વૃક્ષ કલ્પવૃક્ષ છે. એણે પાણીની ઇચ્છા કરી કે તરત જ ત્યાં એક પાણીનું ઝરણું વહેવા લાગ્યું અને એણે પાણી પીધું. એના પરમ આશ્ચર્ય વચ્ચે એણે જ્યારે ભોજનની ઇચ્છા કરી ત્યારે એને ભોજન પણ તરત મળી ગયું. એણે એવી ઇચ્છા કરી કે એ જગ્યાએ એક મહેલ હોય અને તરત જ ત્યાં એક મહેલ ઉભો થઈ ગયો. આ જોઈને તો એને વધારે આશ્ચર્ય થયું. એણે પ્રત્યક્ષ નિહાળ્યું કે એણે જેની-જેની ઇચ્છા કરી એ બધું તરત જ હાજર થઈ ગયું. પછી એને એક એવો વિચાર આવ્યો કે “અહીં એકાદ વાઘ આવી પડે તો? અને તરત જ એક વાઘ ત્યાં આવી ગયો અને એનો કોળિયો કરી ગયો.

(ક્રમશ:)

ભાષાંતર: શ્રી વાલ્મીકભાઈ એમ. દેસાઈ

Total Views: 194

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.