હંમેશાં મરણનું સ્મરણ રાખી જીવનનો વ્યવહાર કરો. મરણનું સ્મરણ રાખીને જીવવાની વધારે જરૂર એટલા માટે છે કે મરણની ભયાનકતાનો સામનો કરી શકાય.

સંત એકનાથના જીવનનો એક પ્રસંગ છે. એક ગૃહસ્થે એકનાથને પૂછ્યું, “મહારાજ! તમારું જીવન કેટલું સાદું ને નિષ્પાપ છે! અમારું એવું કેમ નથી? તમે કદી કોઈના પર ગુસ્સે થતા નથી, તમારે કોઈ સાથે ટંટો નહીં; તકરાર નહીં. તમે કેવા શાંત, પવિત્ર અને પ્રેમાળ છો!” એકનાથે કહ્યું: “મારી વાત હમણાં રહેવા દે. તારી બાબત મને એક વાતની ખબર પડી છે. તારું આજથી સાત દિવસ રહીને મરણ છે.” એકનાથે કહેલી વાત ખોટી કોણ માને? સાત દિવસ રહીને મરવાનું! ફક્ત એકસો ને અડસઠ કલાક બાકી! અરેરે! હવે શું થાય? તે માણસ ઝટપટ ઘેર ગયો. તેને કંઈ સૂઝે નહીં. બધી મેલમૂકની વાત, સોંપણ-નોંધણ પણ કરવા માંડી. પછી તે માંદો પડ્યો, પથારીએ પડ્યો. છ દહાડા એમ ને એમ જતા રહ્યા. સાતમે દહાડે એકનાથ તેની પાસે આવ્યા. તેણે નમસ્કાર કર્યા. એકનાથે પૂછ્યું : “કેમ છે?” તેણે કહ્યું : “જાઉં છું. હવે” એકનાથે પૂછ્યું, “આ છ દિવસ કેટલું પાપ થયું? પાપના કેટલા વિચાર મનમાં ઊઠ્યા?” તે મરણાસન્ન માણસે જવાબ આપ્યો, “એકનાથજી, પાપનો વિચાર કરવાનો વખત જ ક્યાં હતો? નજર સામે મરણ એકસરખું ઘૂમ્યા કરતું હતું.” એકનાથે કહ્યું, “અમારું જીવન નિષ્પાપ કેમ હોય છે તેનો જવાબ તને હવે મળી ગયો?” મરણનો વાઘ હંમેશાં સામે ઘૂરકતો ઊભો હોય ત્યારે પાપ કરવાનું સૂઝે ક્યાંથી? પાપ કરવું હોય તો તેને માટે પણ એક જાતની નિરાંત જોઈએ. મરણનું હંમેશ સ્મરણ રાખવું એ પાપમાંથી મુક્ત રહેવાનો ઈલાજ છે. મરણ સામે દેખાતું હોય ત્યારે કઈ હિંમતે માણસ પાપ કરશે?

પણ મરણનું સ્મરણ માણસ હંમેશ ટાળતો ફરે છે. ફ્રેંચ ફિલસૂફ પાસ્કલ એક ઠેકાણે લખે છે, “મૃત્યુ સતત પીઠ પાછળ ઊભું છે પણ મૃત્યુને ભૂલવું કેવી રીતે તેના પ્રયાસમાં માણસ કાયમ મંડ્યો રહે છે. મૃત્યુને યાદ રાખીને કેમ વર્તવું એ વાત તે નજર સામે રાખતો નથી. માણસથી “મરણ” શબ્દ સુધ્ધાં સહેવાતો નથી. કોઈ “મરણ” શબ્દનો ઉચ્ચાર કરે તો કહે છે, ‘અરે! કેવું અભદ્ર બોલે છે!’ પણ તેમ છતાં મરણ તરફની મજલ હરેક પગલે અચૂક કપાતી જાય છે. મુંબઈની ટિકિટ કપાવીને એક વાર રેલગાડીમાં બેઠા પછી તમે બેઠા રહેશો તો પણ ગાડી તમને મુંબઈમાં લઈ જઈને નાખશે. આપણે જન્મ્યાં ત્યારથી જ મરણની ટિકિટ કપાવેલી છે. તમારે જોઈએ તો બેસો કે દોડો, બેઠાં રહેશો તો પણ મૃત્યુ છે; દોડશો તો પણ મૃત્યુ છે. તમે મરણના વિચારને પકડી રાખો કે છોડી દો. પણ તે ટાળ્યો ટળતો નથી. બીજું બધું કદાચ અનિશ્ચિત હોય પણ મરણ નિશ્ચિત છે. સૂર્ય અસ્ત પામે છે તેની સાથે માણસની આવરદાનો એક કકડો ખાતો જાય છે. જીવના ટુકડા એક પછી એક કરડાતા જાય છે. આવરદા ઘસાતી જાય છે, ઘટતી જાય છે, તો પણ માણસને તેનો વિચાર આવતો નથી. જ્ઞાનદેવ કહે છે કે કૌતુક દેખાય છે. માણસને આટલી નિરાંત ક્યાંથી રહે છે એ વાતનું જ્ઞાનદેવને આશ્ચર્ય થાય છે. મરણનો વિચાર સુધ્ધાં સહન ન થાય એટલી હદ સુધી માણસને મરણનો ડર લાગે છે. એ વિચારને એ ટાળતો ફરે છે. જાણીબૂઝીને તે આંખ મીંચી જાય છે.

ચહેરો ગોળ હસતો રાખવાના, સૂકો હોય તો તેલ પોમેડો લગાડવાના, વાળ પાકીને ધોળા થઈ ગયા હોય તો કલપ લગાડવાના પ્રયાસોમાં માણસ મંડ્યો રહે છે. છાતી પર સાક્ષાત્ મૃત્યુ નાચતું હોવા છતાં તેને વિસારે પાડવાની કોશિશમાં આપણે બધાં જરા યે થાક્યા વગર મંડ્યાં રહીએ છીએ. બીજી ગમે તે વાત કરશે પણ કહેશે મરણનો વિષય છેડશો મા. પણ એ એમ ટાળી શકાતું નથી. તે બોચી પર આવીને બેઠા વગર રહેતું નથી. કૉલેજમાં પ્રૉફેસર તર્કશાસ્ત્ર શીખવે છે, “માણસ મર્ત્ય છે. સૉક્રેટિસ માણસ છે એટલે અચૂક મરવાનો” આવું અનુમાન પ્રૉફેસર શીખવે છે. સૉક્રેટિસનો દાખલો આપે છે. પોતાનો કેમ નથી આપતો? પ્રૉફેસર પોતે પણ મર્ત્ય છે. બધા માણસ મર્ત્ય છે. માટે હું પ્રૉફેસર પણ મર્ત્ય છું અને હે શિષ્ય, તું પણ મર્ત્ય છે.’ એવું તે પ્રૉફેસર શીખવશે નહીં. શિષ્ય ને ગુરુ બંને સૉક્રેટિસને મરણ અર્પણ કરી પોતાની બાબતનાં તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ જેવા રહે છે. તેમને જાણે એવું લાગે છે કે આપણે અત્યંત સલામત છીએ!

મૃત્યુને વીસરી જવાનો આવો આ પ્રયાસ સર્વત્ર રાત ને દિવસ જાણીબૂઝીને ચલાવાય છે, પણ મૃત્યુ ટળે છે ખરું કે? નિર્ભયપણે મરણનો વિચાર કરી તેનો તોડ કાઢવાની હિંમત માણસ કરતો જ નથી. આપણે મરણની સામે જોઈ શકતાં નથી. તેને ચૂકવવાની ગમે તેટલી તરકીબો કરો તો પણ મરણનું જોર એટલું બધું હોય છે કે છેવટે તે આપણને પકડી પાડ્યા વગર રહેતું નથી. જીવનનો બીજો છેડો મરણને અડે છે એ વાત ખ્યાલમાં રાખી તે છેવટની ઘડી પુણ્યમય, અત્યંત પાવન, રૂડી કેવી રીતે થાય તેનો અભ્યાસ આયુષ્યભર રાખવો જોઈએ. ઉત્તમમાં ઉત્તમ સંસ્કાર મન પર હસે એનો વિચાર આજથી જ થવો જોઈએ. પણ સારા સંસ્કારનો અભ્યાસ કોને કરવો છે? બૂરી રીતે વાતોનો મહાવરો માત્ર ડગલે ને પગલે થયા કરે છે. જીભ, આંખ, કાનને આપણે સ્વાદ લગાડી લગાડી બહેકાવી મૂકીએ છીએ. પણ ચિત્તને જુદો મહાવરો પાડવો જોઈએ. સારી વાતો તરફ ચિત્તને દોરવું જોઈએ. તેનો રંગ લગાડવો જોઈએ. પવિત્ર સંસ્કાર ઊઠે તેટલા સારૂ ઉદાત્ત વિચારો મનમાં વાગોળવા, હાથને પવિત્ર કામમાં રોકવા, અંદર ઇશ્વરનું સ્મરણ અને બહાર સ્વધર્માચરણ, હાથથી સેવાનું કર્મ અને મનમાં વિકર્મ (દિલ પૂર્વકનું કર્મ) એમ રોજ કરતાં રહેવું જોઈએ તો જ મરણ આનંદની વાત લાગશે. એકધારું કર્તવ્ય કરતાં આવનારું મરણ ધન્ય છે.

છેવટ શ્વાસોચ્છ્‌વાસ સુધી હાથપગ વડે સેવા ચાલુ છે, ભાવનાની પૂર્ણિમા સોળે કળાએ ખીલી છે, હૃદયાકાશમાં જરા જેટલીય આસક્તિ નથી, બુદ્ધિ પૂરેપૂરી સતેજ છે એવી રીતે જેને મરણ આવી મળે તે પરમાત્મામાં ભળી ગયો જાણવો. આવો પરમ મંગળ અંત આવે તે સારુ જાગતા રહીને રાત ને દિવસ ઝૂઝતાં રહેવું જોઈએ. ક્ષણભર પણ અશુદ્ધ સંસ્કારની છાપ મન પર પડવા ન દેવી જોઈએ અને એવું બળ મળે તે માટે પરમેશ્વરની પ્રાર્થના કરતાં રહેવું જોઈએ; નામસ્મરણ, તત્ત્વનું રટણ ફરી ફરીને કરવું જોઈએ.

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.