(૫ સપ્ટેમ્બર, શિક્ષકદિન નિમિત્તે નવજીવન પ્રેસ દ્વારા પ્રકાશિત ‘મધુકર’માંથી આ લેખ સાભાર પ્રસ્તુત કરીએ છીએ.- સં.)

હાલની વિચિત્ર શિક્ષણપદ્ધતિને લીધે જીવનના બે ભાગલા પડી જાય છે : જિંદગીનાં પહેલાં પંદર વીસ વરસ માણસે જીવવાની ભાંજગડમાં ન પડતાં એકલું શિક્ષણ લેવાનું, અને તે પછી શિક્ષણ સંકેલીને કોરે મૂકી દઈ મરતાં સુધી જીવવાનું.

આ રીત કુદરતી યોજનાથી ઊલટી છે. એક હાથ લંબાઈનું બાળક સાડા ત્રણ હાથનો માણસ શી રીતે બને છે એ એના પોતાના કે બીજાઓના ધ્યાનમાં આવતું નથી. શરીરનો રોજ વિકાસ થયા જ કરે છે. આ વિકાસ ધીમે ધીમે, ક્રમે ક્રમે, થોડો થોડો થયા કરે છે. તેથી કરીને તે થાય છે એનું ભાન પણ થતું નથી. આજ રાત્રે સૂતાં સુધી બે ફૂટ સુધી ઊંચાઈ હતી, અને કાલે ઊઠીને જુઓ તો અઢી ફૂટ થઈ, એમ કદી બનતું નથી. અમુક એક વરસના છેક છેલ્લા દિવસ સુધી માણસ જીવન વિશે સાવ બેજવાબદાર રહે તોય ચાલે, બલ્કે, તેણે બેજવાબદાર રહેવું જોઈએ; અને પછીના વરસનો પહેલો દિવસ ઊગે કે તરત તેણે જીવનની સંપૂર્ણ જવાબદારી ઉપાડવા તૈયાર થવું જોઈએ; એવી હાલની શિક્ષણપદ્ધતિની યોજના છે. સંપૂર્ણ બેજવાબદારીમાંથી સંપૂર્ણ જવાબદારીમાં કૂદકો મારવાનો એટલે એ એક હનુમાન-કૂદકો જ થયો કહેવાય. આવો હનુમાન-કૂદકો મારવાના પ્રયત્નમાં હાથપગ ભાંગી જાય તો તેમાં શી નવાઈ ?

ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કુરુક્ષેત્રમાં ભગવદ્‌ગીતા કહી. ભગવદ્‌ગીતાના અગાઉ વર્ગો લઈને પછી તેને કુરુક્ષેત્રમાં ધકેલ્યો નહીં. તેથી જ તે ગીતાને પચાવી શકયો. આપણે જેને જીવનની તૈયારીનું જ્ઞાન કહીએ છીએ તેને જીવનથી સાવ અસ્પૃષ્ટ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. તેથી કરીને એ જ્ઞાનથી મરણની તૈયારી જ થાય છે.

વીસ વરસનો એક ઉત્સાહી યુવક અભ્યાસમાં મગ્ન છે; અનેક જાતના ઉચ્ચ વિચારોના હવાઈ કિલ્લાઓ બાંધી રહ્યો છે. ‘હું શિવાજી મહારાજની જેમ માતૃભૂમિની સેવા કરીશ; હું વાલ્મીકિ જેવો કવિ લઈશ; હું ન્યૂટનની જેમ શોધખોળ કરીશ,’ એવી એક-બે તો શું પણ અનેક કલ્પનાઓ તે કરે છે. આવી કલ્પનાઓ કરવાનું ભાગ્ય પણ થોડાને જ પ્રાપ્ત થાય છે. પણ જેમને તે મળે છે તેમની જ વાત લેવાની. એ કલ્પનાઓનું આગળ પછી શું થાય છે ? ‘વિતી એવઢેં પોટ’ પણ ‘કોણ તયાચા બોમાટ !’ (વેંત જેટલું પેટ પણ તેને માટે શી ધમાલ !) એ પેટનો સવાલ નજર આગળ ખડો થયો કે બિચારો દીન બની જાય છે. જીવનની જવાબદારી એટલે ‘ક્યા ચીજ હૈ’ એની આજ સુધી તેને કલ્પના સરખી પણ ન હતી. અને હવે તો મોટો પહાડ આગળ ઊભો. પછી કરે છે શું ? પછી ક્યારેક પેટ માટે રખડતો ભટકતો શિવાજી, ક્યારેક દુ:ખનાં રોદણાં રડતો વાલ્મીકિ, અને ક્યારેક નોકરની તો ક્યારેક બૈરીની, ક્યારેક છોકરી માટે વરની અને છેવટે સ્મશાનની શોધ કરતો ન્યૂટન, એવી વિવિધ ભૂમિકાઓ ભજવીને પોતાની કલ્પનાઓનું સમાધાન કરે છે. આ હનુમાન-કૂદકાનું પરિણામ છે !

‘કેમ ભાઈ ! તમે પછી શું કરવાના છો ?’ એમ એક મેટ્રિક વર્ગના વિદ્યાર્થીને પૂછ્યું.

‘પછી શું, એટલે ? પછી કોલેજમાં જવાનો.’

‘હા. કોલેજમાં જવાના ખરા. પણ તે પછી શું ? એ સવાલ તો રહે જ છે.’

‘પ્રશ્ન રહે છે ખરો. પણ તેનો અત્યારે જ શું કામ વિચાર કરવો ? આગળ ઉપર જોઈ લેવાશે.’

ત્રણ વરસ પછી એ જ વિદ્યાર્થીને એ જ પ્રશ્ન પૂછ્યો.

‘હજી કશો વિચાર થયો નથી.’ એનો જવાબ મળ્યો.

‘વિચાર થયો નથી એટલે ? પણ તમે વિચાર કર્યો હતો ખરો ?’

‘ના ભાઈ, વિચાર કર્યો જ નથી. શો વિચાર કરવાનો ? કશું સૂઝતું નથી. તેમાં હજી દોઢ વરસ વાર છે. પછી જોઈ લેવાશે.’

‘પછી જોઈ લેવાશે.’ એ શબ્દો તો ત્રણ વરસ પહેલાં ઉચ્ચાર્યા હતા તે જ હતા. પણ તે વખતના અવાજમાં બેફિકર વૃત્તિ હતી; આજના અવાજમાં થોડીક ચિંતાની છાયા હતી.

દોઢ વરસ પછી ફરીથી તે જ પૃચ્છકે તે જ વિદ્યાર્થીને – અથવા હવે ‘સદ્‌ગૃહસ્થ’ને કહો – તે જ પ્રશ્ન પૂછયો. એ વખતે તેનો ચહેરો ચિંતાક્રાન્ત હતો. અવાજમાંનું બેફિકરપણું સાવ ઊડી ગયું હતું. ‘તત: કિમ્, તત: કિમ્, તત: કિમ્’ એ શંકરાચાર્યે પૂછેલો સનાતન સવાલ હવે તેના ભેજામાં સારી પેઠે ઘેરાવા માંડયો હતો. પણ તેનો જવાબ તો હજી પણ તેની પાસે ન હતો.

આજનું મરણ કાલ ઉપર ઠેલતાં ઠેલતાં છેવટે એક દિવસ એવો ઊગે છે કે જે દિવસે મરવું જ પડે છે. આ પ્રસંગ તેમના ઉપર આવતો નથી કે જેઓ ‘મરણ પહેલાં જ’ મરીને રહે છે, જેઓ પોતાનું મરણ પોતાની આંખે જોઈ લે છે. જેઓ મરણનો અગાઉ અનુભવ લે છે તેમનું મરણ ટળે છે. જે મરણનો અગાઉ  અનુભવ લેતાં અચકાય છે તેમની છાતી ઉપર મરણ આવીને અથડાય છે. સામે થાંભલો છે તેનું ભાન આંધળાને જ્યારે તે થાંભલો તેની છાતી સાથે અથડાય છે ત્યારે થાય છે. દેખતા માણસને તે થાંભલો આગળથી દેખાય છે. તેથી તેનો ધક્કો તેની છાતીને લાગતો નથી.

જીવનની જવાબદારી એટલે કંઈ ઠેઠ મરણ નથી. અને મરણ પણ એવું શું ભારે ‘મરણ’ (મહાસંકટ) છે ? અનુભવને અભાવે જ તે કોઈ મોટા હાઉ જેવું ભાસે છે. ખરું જોતાં જીવન અને મરણ બંને આનંદના વિષયો હોવા જોઈએ. કારણ આપણા પરમ પ્રિય પિતાએ – પરમેશ્વરે – તે આપણને બક્ષેલાં છે. ઈશ્વરે કંઈ જીવન દુ:ખનું બનાવેલું નથી. પણ આપણને જીવતાં માત્ર આવડવું જોઈએ. કયો બાપ પોતાના છોકરાનું જીવન હાડમારીનું હોય એમ ઇચ્છે છે? તેમાંય ઈશ્વરની કરુણાને, પ્રેમને કંઈ પાર છે ? તે પોતાનાં પ્રિય બાળકો માટે સુખનું જીવન નિર્માણ કરશે કે કષ્ટનું જીવન નિર્માણ કરશે ? કલ્પના કરવાની શી જરૂર છે ? પ્રત્યક્ષ જ જુઓને. જે વસ્તુ આપણને જેટલી વધારે જરૂરની તેટલી જ તે સહેલાઈથી મળી શકે એવી ઈશ્વરે યોજના કરેલી છે. પાણી કરતાં હવાની જરૂર વધારે; જેથી ઈશ્વરે પાણી કરતાં હવા વધારે સુલભ બનાવી છે. જ્યાં નાક હોય ત્યાં હવા હોય જ. પાણી કરતાં અન્નની જરૂર ઓછી, તેથી પાણી મેળવવા કરતાં અન્ન મેળવવા માટે વધારે મહેનત કરવી પડે છે. ‘આત્મા’ એ વસ્તુ તો સૌથી વધારે મહત્ત્વની છે; એટલે તે તેણે દરેક જણને કાયમને માટે આપી દીધેલી છે. આવી ઈશ્વરની પ્રેમાળ યોજના છે. તેનો વિચાર ન કરતાં આપણે નિરુપયોગી જડ ઝવેરાત ભેગું કરવા જેટલા ‘જડ’ બની જઈએ તો આપણી છાતી ફાટવાની જ. પણ એ આપણી જડતાનો દોષ છે. તેનો દોષ ઈશ્વર માથે ન ઢોળાય.

જીવનની જવાબદારી એ ભયાનક વસ્તુ નથી. તે આનંદથી ભરેલી છે; પણ જો ઈશ્વરે નિર્માણ કરેલી જીવનની આ સરળ યોજના ધ્યાનમાં લઈને ગમે તેવી વાહિયાત વાસનાઓને રોકી શકીએ તો જ. પણ જેમ તે આનંદથી ભરેલી વસ્તુ છે તેમ જ શિક્ષણથી પણ ભરેલી છે. જે જીવનની જવાબદારીથી વંચિત થયો તે બધા શિક્ષણથી વંચિત થયો એમ ચોક્કસ જાણવું. ઘણાઓની એવી માન્યતા છે કે, નાનપણથી જીવનની જવાબદારીનું ભાન જો છોકરાને રહે તો તેનું જીવન કરમાઈ જાય. પણ જીવનની જવાબદારીના ભાનથી જીવન કરમાઈ જતું હોય તો જીવન એ વસ્તુ જ જીવવાને લાયક નથી એમ કહેવું પડશે. પણ આજે આ માન્યતા ઘણા શિક્ષણશાસ્ત્રીઓ પણ ધરાવે છે. અને એનું મુખ્ય કારણ તેમની જીવન વિષેની દૂષિત કલ્પના છે. જીવન એટલે ‘કલહ’, એવો પૂર્વગ્રહ બંધાયો. ઈસપનીતિમાંના, ‘અરસિક’ મનાયેલા, પણ વસ્તુત: મર્મજ્ઞ એવા, કૂકડા પાસેથી બોધ લઈ જુવારના દાણા કરતાં મોતીના દાણાને માન આપવાનું છોડી દઈએ તો ‘જીવનમાંનો કલહ’ નષ્ટ થશે અને તેને ઠેકાણે જીવનમાં સહકાર દાખલ થશે. ‘માંકડાના હાથમાં મોતીની માળા’ એ કહેવત જેણે બનાવી તેણે મનુષ્યનું મનુષ્યત્વ સિદ્ધ ન કરતાં સાચે જ માણસના પૂર્વજો વિશેનો ડાર્વિનનો સિદ્ધાંત જ સિદ્ધ કર્યો. ‘મારુતિના હાથમાં મોતીની માળા’ વાળી વાત જેમણે રચી તેમણે પોતાના મનુષ્યત્વનું સાચું ભાન બતાવ્યું.

જીવન જો સાચે જ એક ભયાનક વસ્તુ હોય, ‘કલહ’ હોય, તો છોકરાઓને તેમાં દાખલ કરતા નહીં અને પોતે પણ તે જીવતા નહીં. પણ તે જો જીવવા લાયક વસ્તુ હોય તો છોકરાઓને તેમાં અવશ્ય દાખલ કરો. તે વિના તેમને શિક્ષણ નહીં મળી શકે. ભગવદ્‌ગીતા જેમ કુરુક્ષેત્રમાં કહેવાઈ તેમ શિક્ષણક્ષેત્રમાં જ અપાવું જોઈએ – આપી શકાય. ‘આપી શકાય’ એમ કહેવું પણ બરાબર નથી; બલ્કે ત્યાં જ તે મળી શકે.

અર્જુનની આગળ તે પ્રત્યક્ષ કર્તવ્ય કરતો હતો તે વખતે સવાલ ઊભો થયો. તેનો જવાબ આપવા માટે ભગવદ્‌ગીતાનો જન્મ થયો. એનું નામ તે શિક્ષણ. છોકરાઓને ખેતરમાં કામ કરવા દો. તેમાં કોઈ પ્રશ્નો ઊભા થાય તો તેનું નિરાકરણ કરવા માટે સૃષ્ટિજ્ઞાનની કે પદાર્થવિજ્ઞાનની કે બીજી જે જોઈએ તે માહિતી તેમને આપો. એ સાચું શિક્ષણ થશે. છોકરાઓને રસોઈ કરવા દો. તેમાં તેમને જરૂર રસાયણશાસ્ત્ર શીખવો. પણ કહેવાનો મુખ્ય મુદ્દો એ કે તેમને જીવન જીવવા દો. વ્યવહારમાં કામ કરનારા માણસને પણ શિક્ષણ મળ્યા જ કરે છે. તેવી રીતે નાના બાળકને પણ મળવું જોઈએ. ફરક એટલો જ હોય કે બાળકોની આસપાસ જરૂર પડે ત્યાં માર્ગદર્શન કરનારા માણસો હાજર હોય. આ માણસો ‘શીખવનારા’ માણસો તરીકે ‘નિયોજિત’ ન હોવા જોઈએ. એ માણસો પણ વ્યવહારમાં પડેલા માણસોની જેમ જ જીવન જીવતા હોવા જોઈએ. ફેર માત્ર એટલો જ કે આ શિક્ષક કહેવડાવનારાઓનું જીવન વિચારમય હોવું જોઈએ અને તે વિચારો પ્રસંગ પડ્યે છોકરાઓને સમજાવવાની પાત્રતા તેમનામાં હોવી જોઈએ. પણ શિક્ષક તરીકે જુદો ધંધો ન હોવો જોઈએ. ‘વિદ્યાર્થી’ કરીને કોઈ ‘માણસો’થી બહારનું પ્રાણી ન જોઈએ. અને શું કરો છો એમ પૂછીએ તો ભણું છું અથવા ભણાવું છું એવો જવાબ આપવાનો ન હોવો જોઈએ. ‘ખેતી કરું છું’ અથવા તો ‘વણાટનું કામ કરું છું’ એના જેવો શુદ્ધ ધંધાદારી કહો કે વ્યાવહારિક કહો, પણ જીવનદર્શક જવાબ મળવો જોઈએ. આનો દાખલો વિદ્યાર્થી રામલક્ષ્મણ અને ગુરુ વિશ્વામિત્રનો છે. વિશ્વામિત્ર યજ્ઞ કરતા હતા. તેના રક્ષણ માટે તેમણે દશરથ રાજા પાસેથી તેના પુત્રોની માગણી કરી. તે જ કામ કરવા પૂરતા દશરથે છોકરાઓ મોકલ્યા. છોકરાઓને પણ પોતે યજ્ઞરક્ષણના કામ માટે જાય છે એવી જવાબદારીનું ભાન હતું. તેમાં તેમને અપૂર્વ શિક્ષણ મળ્યું. પણ રામલક્ષ્મણે શું કર્યું એમ જો પૂછો તો તેનો જવાબ તેમણે ‘યજ્ઞરક્ષણ કર્યું’ એમ જ અપાય. ‘શિક્ષણ મેળવ્યું’ એમ ન અપાય. પણ શિક્ષણ મળ્યું ખરું. તેનો શો ઉપાય ?

શિક્ષણ એ કર્તવ્ય કર્મનું આનુષંગિક ફળ છે. જે કોઈ કર્તવ્ય કર્મ કરે છે તેને તે જાણ્યેઅજાણ્યે પણ મળે જ છે. છોકરાઓને પણ તે તેવી રીતે જ મળવું જોઈએ. બીજાઓને તે ઠેસો ખાતાં ખાતાં મળે છે. નાનાં બાળકોમાં હજી તેટલી શક્તિ આવેલી હોતી નથી, તેથી ઘણી ઠેસો ખાવી ન પડે એવું વાતાવરણ તેમની આસપાસ ઊભું કરવું જરૂરનું છે. તેથી ધીમે ધીમે તેઓ સ્વાવલંબી બને એવી અપેક્ષા અને તે મુજબ યોજના હોવી જોઈએ. શિક્ષણ એ ફળ છે, અને ‘મા ફલેષુ કદાચન’ એ મર્યાદા આ ફળને પણ લાગુ પડે છે. ‘શિક્ષણપ્રાપ્તિ’ માટે કોઈ કામ કરાય તો તે સકામ કર્મ થયું કહેવાય. એટલે તેમાં પણ ‘ઈદમદ્ય મયા લબ્ધમ્’ (આજે મેં આ મેળવ્યું), ‘ઈદં પ્રાપ્સ્યે’ (કાલે હું પેલું મેળવીશ), વગેરે વાસનાઓ આવી જ જાણવી. તેથી આ શિક્ષણ-મોહમાંથી છૂટવું જ જોઈએ. આ મોહમાંથી જે છૂટ્યો તેને જ સર્વોત્તમ શિક્ષણ મળ્યું જાણવું. બા માંદી છે, તેની સારવાર કરવાથી મને ઘણું શિક્ષણ મળશે. પણ આ શિક્ષણને લોભે મારે સેવા ન કરવી જોઈએ. પણ એ મારું પવિત્ર કર્તવ્ય છે એ ભાવનાથી મારે બાની સેવા કરવી જોઈએ. અથવા બા માંદી છે, અને તેની સેવા કરવાથી મારું બીજા કશાનું – જેને હું ‘શિક્ષણ’ માનું છું તેનું – નુકસાન થવાનું છે; તો તે શિક્ષણના નુકસાનના ડરથી હું બાની સેવા કરવાનું ટાળું તે ન ચાલે.

પ્રાથમિક મહત્ત્વના જીવનોપયોગી શરીરશ્રમને શિક્ષણમાં સ્થાન હોવું જોઈએ એ વાત માન્ય રાખનાર કેટલાક શિક્ષણશાસ્ત્રીઓ એ બાબત વધારામાં એમ કહે છે કે એ પરિશ્રમ ‘શિક્ષણની’ દૃષ્ટિથી દાખલ કરવામાં આવે, નહીં કે ‘પેટ ભરવાની’ દૃષ્ટિથી. આજે ‘પેટ ભરવાનો’ જે હીન અર્થ પ્રચલિત છે તેને વિશેની ચીડથી તેઓ આમ કહે છે અને તેટલા પૂરતું યોગ્ય છે. પણ માણસને પેટ આપવામાં ઈશ્વરનો હેતુ છે. પ્રામાણિકપણે પેટ ભરવાની કળા માણસને જો આવડી જાય તો સમાજનાં ઘણાંખરાં દુ:ખો અને પાતકોનો અંત આવે. અને તેથી જ મનુએ ‘યોઽર્થશુચિ:, સ હિ શુચિ:’ (જે આર્થિક દૃષ્ટિથી પવિત્ર તે જ પવિત્ર) એવા યથાર્થ ઉદ્ગાર કાઢેલા છે. ‘સર્વેષામવિરોધેન’ કેમ જીવવું એ શીખવામાં બધું શિક્ષણ આવી જાય છે. અવિરોધવૃત્તિથી શરીરયાત્રા ચલાવવી એ માણસનું આદ્ય કર્તવ્ય છે. આ કર્તવ્ય કરવાથી જ તેની આધ્યાત્મિક ઉન્નતિ થવાની છે. તેથી શરીરયાત્રા ચલાવવા માટે ઉપર જણાવ્યા મુજબ પરિશ્રમ કરવો એને જ શાસ્ત્રકારોએ ‘યજ્ઞ’ એ નામ આપ્યું છે. ‘ઉદરભરણ નોહે જાણિજે યજ્ઞકર્મ’ (આ કેવળ પેટ ભરવાનું કામ નથી, આ એક યજ્ઞકર્મ છે એમ જાણ.) એ વામન પંડિતનું વચન પ્રસિદ્ધ જ છે. તેથી હું શરીરયાત્રા ચલાવવા ખાતર પરિશ્રમ કરું છું એ ભાવના યોગ્ય જ છે. ‘શરીરયાત્રા’ એટલે મારા સાડા ત્રણ હાથની યાત્રા એમ સમજતાં, સમાજશરીરની યાત્રા, એવો ઉદાર અર્થ ચિત્તમાં ઠસવો જોઈએ. મારી શરીરયાત્રા એટલે સમાજની સેવા, અને એટલે જ ઈશ્વરની પૂજા, એટલું સમીકરણ દૃઢ થવું જોઈએ. અને આ ઈશ્વરસેવામાં દેહ ઘસી નાખવો એ મારું કર્તવ્ય છે અને તે મારે કરવું જોઈએ એવું ભાન દરેક જણને હોવું જોઈએ.

અર્થાત્ એ ભાન નાના છોકરાને પણ થવું જોઈએ. તે માટે તેને તેની મગદૂર પ્રમાણે જીવનમાં ભાગ લેવાને પૂરતો અવકાશ આપવો જોઈએ. અને જીવનને જ મુખ્ય કેન્દ્ર બનાવીને તેની આસપાસ જરૂર જણાય તે મુજબ બધું શિક્ષણ ગોઠવવું જોઈએ.

આથી જીવનના બે ભાગલા નહીં પડે. જીવનની જવાબદારી એકદમ ઓચિંતી આવી પડવાથી જે મુશ્કેલી ઊભી થાય છે તે ઊભી નહીં થાય, શિક્ષણ આપોઆપ જાણ્યામાં ય ન આવે એવી રીતે મળ્યા કરશે, પણ ‘શિક્ષણ-મોહ’ નહીં વળગે; અને નિષ્કામ કર્મ કરવાની ટેવ પડશે.

Total Views: 354

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.