ભૂદાન યજ્ઞના ઋષિ શ્રી વિનોબા ભાવેએ શ્રીરામકૃષ્ણના જન્મસ્થાન કામારપુકુરમાં જઈને એમના પોતાના કર્મયજ્ઞના એક પર્વનું પૂર્ણાહુતિદાન કર્યું હતું, ચારુચંદ્ર ભંડારી સંપાદિત ‘ભૂદાન યજ્ઞ’ પત્રિકાના ૨૭ એપ્રિલ, ૧૯૬૩ના અંકમાં બંગાળીમાં ‘શ્રીરામકૃષ્ણ ઓ તાઁર ઉક્તિપ્રસંગ’ નામના લેખનો બ્ર.તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. – સં.

દાનયાત્રાની સમાપ્તિ અને ત્યાગયાત્રાનો પ્રારંભ ૧૮ એપ્રિલ, ૧૯૬૩ના રોજ ભૂદાનયાત્રાના યુગપૂર્તિ દિને કામારપુકુરમાં સંત વિનોબાએ ઘોષણા કરી: ૧૨ વર્ષ પહેલાં બરાબર આ જ દિવસે મને પહેલું ભૂમિદાન મળ્યું હતું. ભૂમિદાન રૂપે મને હજારો હજારો ગામડાં અને લાખો એકર જમીન મળ્યાં છે. ગ્રામવાસીઓમાં એના વિતરણ કાર્યની વ્યવસ્થા પણ કરી છે. આજથી મારી ભૂદાનયાત્રાને બદલે ત્યાગયાત્રાનો મંગલ પ્રારંભ થાય છે. ત્યાગમાં જ દાન છુપાયેલું છે. ગ્રામદાન કરીને આ ગ્રામવાસીઓ ત્યાગનું અભિયાન ચલાવશે.

પ્રાર્થનાસભામાં શ્રીરામકૃષ્ણની અમૃતવાણી વિશે બોલતાં વિનોબાજીની આંખો ભીની થઈ ગઈ હતી. શ્રીઠાકુરની વાણીને યાદ કરીને તેમણે કહ્યું: ‘ઘણા લોકોએ અનેક રીતે ગીતાનું ભાષ્ય કર્યું છે. પરંતુ શ્રીરામકૃષ્ણની જેમ આટલું સરળ અને ગંભીર ભાષ્ય કે આટલી સરળ વ્યાખ્યા બીજું કોઈ આપી શક્યું નથી. તેમણે કહ્યું છે : ગીતાનો અર્થ છે તાગી-ત્યાગી. વારંવાર ગીતા, ગીતા એમ બોલવાથી તાગી, તાગી (ત્યાગી, ત્યાગી) એવું ઉચ્ચારણ સંભળાશે. વિનોબાજીએ આશા સાથે કહ્યું : બધા લોકો શ્રીઠાકુરની વાણીને સાંભળીને ત્યાગ, ભક્તિ અને શાંતિના આદર્શમાં અનુપ્રાણિત થશે. પોતાના વક્તવ્યમાં વધુ ઉમેરતાં કહ્યું : તમને ખબર છે કે શ્રીરામકૃષ્ણ બહુ વાંચીલખી જાણતા ન હતા. શ્રીમા કાલી પ્રત્યે એમને અશેષ ભક્તિભાવ હતો. એક દિવસ તેમણે શ્રી જગન્માતાને પ્રાર્થના કરી: હે મા, તું મને વિદ્યા આપ. ત્યારે માએ એમને બતાવ્યું કે ત્યાં જો કચરાના ઢગ પડ્યા છે તેમાંથી તું જેટલી વિદ્યા લઈ શકે એટલી લઈ લે. શ્રીરામકૃષ્ણે જવાબમાં કહ્યું: ‘આ કચરાના ઢગ જેવી વિદ્યાનું એમને કશું પ્રયોજન નથી.’

વિનોબાજીએ કહ્યું: વિદ્યા બે પ્રકારની છે. એક છે કચરાના ઢગલા જેવી અને બીજી સાફસુથરી સફાઈવાળી. સફાઈવાળી વિદ્યા-પરિચ્છિન્ન વિદ્યાનો આધાર છે હૃદયની શુદ્ધિ. બીજી વિદ્યા છે દાસીવિદ્યા-એ વિદ્યા ધનની દાસી છે.

Total Views: 133

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.