સ્વામી શિવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. – સં.

ઈ.સ.૧૮૮૦ અથવા ૧૮૮૧માં શ્રીરામકૃષ્ણનું નામ સાંભળવા મળતાં હું કલકત્તાના કોઈ એક ભક્તના ઘરે તેમનાં દર્શન કરવા ગયો. એ વખતે સ્વામી વિવેકાનંદે અને શ્રીરામકૃષ્ણના બીજા બધા ત્યાગી શિષ્યોએ શ્રીરામકૃષ્ણ દેવનાં પાદપદ્મમાં આશ્રય ગ્રહણ કરવાની શરૂઆત કરી હતી. પ્રથમ દર્શનના દિવસે શ્રીરામકૃષ્ણને ભાવ સમાધિમાં નિહાળ્યા અને જ્યારે તેઓ સમાધિમાંથી જાગ્રત બની નિમ્ન ભૂમિકાએ પાછા ફર્યા ત્યારે તેઓ સમાધિ અને તેના સ્વરૂપ સંબંધે વિસ્તૃત વર્ણન કરતા હતા. ત્યારે મારા હૃદયના ઊંડાણમાં પ્રતીતિ થઈ કે એ વ્યક્તિએ ખરેખર ઈશ્વરની અનુભૂતિ કરી છે. અને મેં પણ તેમનાં શ્રીચરણકમળોમાં સદાસર્વદા માટે આત્મસમર્પણ કર્યું. શ્રીરામકૃષ્ણદેવ એક માનવ કે અતિમાનવ, દેવતા કે સ્વયં ભગવાન હતા એ અંગે હજુ પણ હું કોઈ ચોક્કસ નિર્ણય તારવી શક્યો નથી. પરંતુ મેં તેમને એક સંપૂર્ણપણે નિઃસ્વાર્થી, મહાન ત્યાગી, પરમ જ્ઞાની, અને પ્રેમની સઘન મૂર્તિ રૂપે માન્યા છે. મારી એ શ્રદ્ધા અચલ રહી છે. જેમ જેમ દિવસો વીતે છે, જેમ જેમ હું આધ્યાત્મિક રાજ્યના ઘનિષ્ઠ ભાવથી પરિચિત થતો જાઉં છું, અને જેમ જેમ શ્રીરામકૃષ્ણના આધ્યાત્મિકભાવની ગહનતા અને વેધકતા અનુભવું છું, તેમ તેમ મારા મનમાં દૃઢ શ્રદ્ધા જન્મે છે કે આપણે સામાન્ય રીતે ભગવાન વિશે જે જાણીએ સમજીએ છીએ, તે પ્રમાણે ભગવાન સાથે શ્રીરામકૃષ્ણની, તુલના કરીએ તો તેમના વિરાટ મહિમાને ઘટાડવા જેવું છે. શ્રીરામકૃષ્ણ સ્ત્રી-પુરુષ, પાપી-પુણ્યશાળી, બધા જ ઉપર ભેદરહિત અહેતુક પ્રેમ વર્ષાવતા, તેઓનાં દુઃખ દૂર કરવા માટે પ્રબળ અને અપાર આગ્રહ ધરાવતા. તેઓ સૌ શ્રીભગવાનનો સાક્ષાત્કાર કરીને પરમ શાંતિ પ્રાપ્ત કરી શકે તે માટે પરમ પ્રેમ અને કરુણા પ્રગટ કરતા મેં તેમને જોયા છે. હું ખૂબ ભારપૂર્વક કહું છું કે શ્રીરામકૃષ્ણના જેવી લોક કલ્યાણ અર્થે કાર્યરત બીજી કોઈ વ્યક્તિએ વર્તમાન યુગમાં પૃથ્વી પર જન્મ ગ્રહણ કર્યો નથી.

શ્રીરામકૃષ્ણે ઇ.સ. ૧૮૩૬માં હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં જન્મ ધારણ કર્યો હતો. તેઓ નામ-યશની અંતરથી ઘૃણા કરતા. તેમના આદર્શ અને ઉપદેશામૃત દ્વારા અમારા મનમાં એવી દૃઢ પ્રતીતિ થઈ કે બ્રહ્માનંદની પાસે પાર્થિવ સુખભોગ અતિ તુચ્છ છે. તેઓ દિન-રાત દિવ્યભાવમાં લીન રહેતા અને અતિ વિરલ અને દુર્લભ એવી સમાધિ પણ તેમની પાસે સંપૂર્ણ સ્વાભાવિક હતી. પરંતુ જેઓએ શ્રીરામકૃષ્ણનાં દર્શન કર્યાં નથી. તેઓને તો ઈશ્વરના પ્રેમમાં ઉન્મત્ત એક સાધકના રોજિંદા જીવનની ઝીણી ઝીણી બાબતોનું સૂક્ષ્મ જ્ઞાન અને પરિચય રાખીને તે અંગે સમીપે આવેલા સર્વ લોકોને ઉપદેશ આપતા સંસારના તાપથી તપ્ત અગણિત નરનારીનાં દુઃખ દૂર કરવાની પ્રબળ ઇચ્છા દર્શાવવી અસ્વાભાવિક લાગે તો તેમાં શું નવાઈ? પરંતુ અમે તેમના જીવનમાં આવી અસંખ્ય ઘટનાઓ નજરે નિહાળી છે; જે બધા ગૃહસ્થ ભક્તો શ્રીરામકૃષ્ણની અપાર કરુણા અને લોક કલ્યાણની ઈચ્છાનું સ્મરણ કરતા પોત-પોતાનીને ધન્ય માનીએ છીએ, તેઓમાંની કેટલીક વ્યક્તિ હજુ પણ જીવિત છે. મણિમલ્લિક નામે એક વ્યક્તિ પુત્ર શોકથી વ્યથિત અને ભગ્નહૃદયે શ્રીરામકૃષ્ણ પાસે આવેલ. શ્રીરામકૃષ્ણે તેઓના શોક પ્રત્યે કેવળ મૌખિક સહાનુભૂતિ દર્શાવી એટલું જ નહિ પરંતુ એ વ્યક્તિનો શોક એટલો ગંભીર ભાવથી પોતાના હૃદયમાં અનુભવ્યો હતો કે તે જોઈને લાગ્યું કે તેઓ પોતે શોકાતુર પિતા છે અને તેમનો શોક મલ્લિકના શોકને ઝાંખો પાડે છે. આ પ્રમાણે કેટલોક સમય વીત્યો. એકાએક શ્રીરામકૃષ્ણે તેમનો મનોભાવ બદલાવ્યો અને એક ભજન ગાવા લાગ્યા. સંગીત શ્રવણથી મલ્લિકે કઠોર જીવન સંગ્રામમાં પ્રસ્તુત થવા માટે અપૂર્વ પ્રેરણા મેળવી અને ક્ષણવારમાં તેમનો શોકાગ્નિ શાંત થયો. આ ઘટના મને યાદ છે. સંગીત સાંભળવાથી તે સજ્જને હૃદયમાં બળ અને શાંતિ મેળવ્યા અને તેમનો શોક શમી ગયો; શ્રીરામકૃષ્ણ પાસે સારું અથવા નરસું એવું કંઈ ન હતું, તેઓ નિહાળતા કે સર્વભૂતમાં જગદંબા જ બિરાજમાન છે, કેવળ પ્રકાશનો ભેદ. તેઓ સ્ત્રીજાતિમાં જગદંબાનાં પ્રત્યક્ષ દર્શન કરતા અને પોતાની મા માનીને બધાને બોલાવતા અને પૂજા કરતા.

શ્રીરામકૃષ્ણે હિંદુ, ખ્રિસ્તી, ઈસ્લામ વગેરે ધર્મની, પોતાના જીવનમાં સાધના કરીને સર્વધર્મનો સાક્ષાત્કાર કર્યો હતો; ઉપનિષદ, બાઈબલ, કુરાન વગેરે વિભિન્ન ધર્મશાસ્ત્રની લિપિબદ્ધ અનુભૂતિઓ સાથે તેમણે પોતાની તમામ ઉપલબ્ધિઓનું ઐકય નિહાળ્યું હતું. તેઓએ ઘોષણા કરી કે સત્ય એક; એ જ એક; એ જ સત્ય પૃથ્વીના વિભિન્ન દેશનાં વિભિન્ન ધર્માનુયાયીઓ દ્વારા વિભિન્ન નામે ઓળખાય અને પૂજાય અન્ય ધર્મ પાળનાર અસંખ્ય જ્ઞાન-પિપાસુ વ્યક્તિઓને શ્રીરામકૃષ્ણની સમક્ષ આવીને તેઓની તમામ આધ્યાત્મિક સમસ્યાઓનો ઉકેલ મેળવતી જોઈ છે. તેમના દર્શન કરવાથી જ અમે બુદ્ધ, ઈશુ, મહમદ વગેરે અવતાર તત્ત્વ સંબંધે વિશ્વાસ કરવાનો અને તેઓની અસીમ કરુણા અનુભવવાનો આરંભ કર્યો. તેઓ ક્યારેય કોઇના ધર્મ ભાવ અને આદર્શની વિરુદ્ધ વાત કરતા નહિ. ધનવાન-નિર્ધન, પંડિત-મૂર્ખ, ઊંચ-નીચ જે કોઈ તેમની પાસે આવતા તેઓને તેઓ વ્યક્તિગત ભાવ, રુચિ અને સંસ્કાર અનુસાર પોત-પોતાના સાધન પથ પર આગળ વધવા સહાય કરતા.

જગતનાં અપાર દુઃખ કષ્ટ પ્રત્યે તેઓ પૂરેપૂરા સજાગ હતા. તેઓ શરણે આવેલા લોક-સમુદાયના વ્યક્તિગત દુઃખ દૂર કરીને અટકતા નહિ, પરંતુ ઘણી વખત સામુહિક રીતે તેઓનાં દુઃખ દૂર કરતા હતા. તેમણે તેમના શિષ્યગણના મુખ્ય સ્વામી વિવેકાનંદને જગતના દુઃખ નિવારવા માટે ઉપદેશ આપ્યો હતો…

એક વખત શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર કાલી મંદિરના પ્રતિષ્ઠાત્રી રાણી રાસમણિના જમાઈ મથુરનાથ વિશ્વાસની સાથે તેમની નદિયા જિલ્લામાં આવેલ જમીનદારીએ ગયા હતા. તે સમયે પ્રજાગણ પાસેથી વેરો વસૂલ કરવાનો સમય હતો. પરંતુ સતત બે વર્ષથી જમીનમાં ફસલ (પાક) ન થવાથી લોકો દુર્દશાની ચરમ સીમાએ પહોંચી ગયા હતા. ઉપવાસથી ક્ષીણ બનેલા લોકોના જર્જરિત શ૨ી૨ જોઈ શ્રીરામકૃષ્ણનું હૃદય ગહન દુઃખથી આર્દ્ર બન્યું. તેમણે મથુરબાબુને બોલાવીને દુર્ભાગી લોકોની મહેસુલ માફ કરાવી. તેઓને પેટ ભરીને ખવડાવવા અને વસ્ત્રદાન કરવા અનુરોધ કર્યો. મથુરબાબુ બોલ્યા, “બાબા, આપને ખબર નથી કે પૃથ્વી પર કેટલાં બધાં દુઃખ-કષ્ટ છે! એ કારણસ૨ પ્રજાનો મહેસુલ માફ થાય નહિ.” શ્રીરામકૃષ્ણ પ્રત્યુત્તર આપતા બોલ્યા “મથુર, તારી પાસે જગદંબાની થાપણ માત્ર છે. એઓ જગદંબાનાં સંતાન છે, જગદંબાની મૂડી આ બધાંનાં દુઃખ દૂર કરવા માટે ભલે ખર્ચાય. આ બધાં અપાર દુઃખ વેઠે છે. એમને સહાય કરવી પડશે.” મથુરબાબુ શ્રીરામકૃષ્ણને ઈશ્વરના અવતાર માનીને શ્રદ્ધા-ભક્તિ કરતા તેથી તેમણે શ્રીરામકૃષ્ણના આદેશનું પાલન કર્યું. બીજી પણ એક ઘટનાનો ઉલ્લેખ કરું છું. આ ઘટના બિહાર રાજ્યના દેવઘરની પાસે ઘટી હતી. શ્રીરામકૃષ્ણ મથુરબાબુ સાથે તીર્થ ભ્રમણ કરતા હતા. તે વખતે શ્રીરામકૃષ્ણ સ્વભાવતઃ જ અર્ધ બાહ્યદશામાં વિભોર રહેતા હતા. દેવઘર પહોંચીને શ્રીરામકૃષ્ણને ત્યાંની સ્થાનિક સાંતાલ નામની જાતિ અનાહારથી પીડિત ક્ષીણકાય અને લગભગ નગ્ન જોવા મળી. તેઓની આ પ્રકારની અસ્વાભાવિક દશા જોઈને શ્રીરામકૃષ્ણ પાલખીમાંથી ઊતર્યા અને મથુરબાબુને એ બધાનો પરિચય પૂછ્યો. એ પ્રદેશમાં બે વર્ષથી દુકાળ ચાલતો હતો. શ્રીરામકૃષ્ણે ક્યારેય આવાં દુઃખ-કલેશ જોયાં ન હતાં, મથુરબાબુએ જ્યારે અભાગી સાંતાલની દશા અંગે સમજાવ્યું ત્યારે શ્રીરામકૃષ્ણે મથુરને તેઓ માટે અન્ન, વસ્ત્ર, તેલ અને સ્નાનનો બંદોબસ્ત કરવાનો આદેશ આપ્યો. મથુરે આનાકાની કરી ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું, “જ્યાં સુધી આ બધાંનાં દુઃખ દૂર નહિ થાય ત્યાં સુધી હું આ બધાં સાથે અહીં વાસ કરીશ, આ સ્થાન છોડીને જઈશ નહિ!” મથુરને આદેશ પાલન કર્યા વગર છૂટકો જ રહ્યો નહિ. અમે શ્રીરામકૃષ્ણનાં દર્શન કર્યાં તે પહેલાં આ બે ઘટના ઘટી હતી. પરંતુ મેં તેઓના શ્રીમુખેથી આ બે ઘટનાની વાત સાંભળી છે.

અમારી હાજરીમાં જે બધી ઘટનાઓ ઘટી હતી તેમાંથી બે-એકનો અહીં ઉલ્લેખ કરીશ.

એક દિવસ શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં અર્ધ બાહ્ય દશામાં બોલ્યા-‘જીવ શિવ છે. જીવ તરફ શું દયા દેખાડશો? દયા નહિ, જીવની શિવભાવે સેવા.’ સ્વામી વિવેકાનંદ ત્યારે ત્યાં ઉપસ્થિત હતા. શ્રીરામકૃષ્ણના શ્રીમુખેથી સૂત્રરૂપે આ ગૂઢ તત્ત્વ સાંભળીને સ્વામી વિવેકાનંદે અમને બધાને કહ્યું હતું, “આજે મેં એક ગૂઢ વાત સાંભળી. જો ક્યારેક સુયોગ પ્રાપ્ત થશે તો હું એ મહાસત્યનો જગતમાં પ્રચાર કરીશ.” શ્રીરામકૃષ્ણ મિશન જુદા જુદા સ્થળે જે બધાં સેવા કાર્યો ચલાવે છે, એ બધાંનું મૂળ કારણ શોધવા જતાં આજ ઘટના જોવા મળશે. બીજો પ્રસંગ ઈ.સ. ૧૮૮૬ના પૂર્વાર્ધમાં બન્યો હતો. શ્રીરામકૃષ્ણને ગળાના રોગનો હુમલો થતાં ચિકિત્સા માટે કલકત્તાની નજીકમાં આવેલા કાશીપુર બગીચામાં રહ્યા હતા. તે જ વર્ષે તે જ સ્થળે તેઓ મહા સમાધિ પામ્યા. તે કાશીપુર બગીચામાં સ્વામી વિવેકાનંદ મુખ્ય અને અમે બીજા પંદરેક શ્રીરામકૃષ્ણની સેવા કરતા, તે વખતે સ્વામી વિવેકાનંદ તેમને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરાવવા માટે શ્રીરામકૃષ્ણને વારંવાર આગ્રહ કરતા. એક દિવસ ધ્યાન કરતાં કરતાં સ્વામી વિવેકાનંદ ખરેખર નિર્વિકલ્પ સમાધિમાં લીન બન્યા. સ્વામી વિવેકાનંદને બાહ્ય જ્ઞાનરહિત અને મૃત વ્યક્તિ જેવા ઠરેલા જોઈને અમે ઝડપથી આશંકિત ચિત્તે શ્રીરામકૃષ્ણ પાસે ગયા અને તેમને ઘટના કહી. શ્રીરામકૃષ્ણ કોઈ ઉત્કંઠા ન દેખાડતાં સહાસ્ય બોલ્યા – ‘ભલે, સારું.’ ત્યાર પછી ફરી ચૂપ થઈ ગયા. થોડી વાર પછી સ્વામીજીને બાહ્યજ્ઞાન પ્રાપ્ત થતાં શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા. શ્રીરામકૃષ્ણે તેમને કહ્યું – “સારું, હવે સમજ શક્યો? આ નિર્વિકલ્પ સમાધિની ચાવી હવે મારી પાસે રહેશે. તારે માનું કામ કરવું પડશે. કામ પૂરું થતાં જ મા ચાવી ખોલી આપશે.” સ્વામી વિવેકાનંદ જવાબ આપતાં બોલ્યા-“મહાશય, હું સમાધિમાં સુખી હતો. મારી સવિનય પ્રાર્થના છે કે મને તે જ અવસ્થામાં રાખો.” શ્રીરામકૃષ્ણ વધુ જોરપૂર્વક બોલ્યા – “ધિક્કાર છે તને! આ બધુ માંગતા તને શરમ નથી આવતી? તને અતિ ઉચ્ચ આધાર માન્યો હતો. પરંતુ હવે જોઉં છું કે તું પણ સાધારણ માણસની જેમ આત્મ-સુખમાં મગ્ન રહેવા ઈચ્છા રાખે છે. તને જગદમ્બાની કૃપાથી આવી ઊંચી અનુભૂતિ એટલી સ્વાભાવિક થશે કે સાધારણ અવસ્થામાં પણ તું સર્વભૂતમાં એક જ ઈશ્વરને પામીશ. તું પૃથ્વી પર મહાન કાર્ય સાધીશ. લોકોની અંદર આધ્યાત્મિક જ્ઞાન વિતરણ કરીશ અને દીનહીનનાં દુઃખ તથા દુર્દશા દૂર કરીશ.”

અન્યની અંદર આધ્યાત્મિકતાનો સંચાર કરીને તેઓને ઉચ્ચ અનુભૂતિના રાજ્યમાં લઈ જવાની શ્રીરામકૃષ્ણની દિવ્યશક્તિ અદ્ભુત હતી. વિચાર, દૃષ્ટિ અથવા સ્પર્શ દ્વારા તેઓ આ કાર્ય કરી શકતા. સ્વામી વિવેકાનંદ મુખ્ય અને અમારામાંના બીજા ઘણા શ્રીરામકૃષ્ણની પાસે જતા-આવતા અને શક્તિ અનુસાર ઉચ્ચ અનુભૂતિના રાજ્યમાં આગળ ધપવાનું અમને સૌભાગ્ય મળ્યું હતું. શ્રીરામકૃષ્ણની હયાતીમાં તેમના સ્પર્શથી અને ઈચ્છા માત્રથી મને પોતાને પણ ત્રણવાર તેવી ઉચ્ચ આધ્યાત્મિક અનુભૂતિ (સમાધિ) થઈ હતી. તેમની ઉચ્ચ આધ્યાત્મિક શક્તિનું પ્રત્યક્ષ પ્રમાણ આપવા માટે હું હજી પણ જીવિત છું. તેને સંમોહન શક્તિ અથવા ગાઢ નિદ્રાની અવસ્થા ન કહી શકાય, કારણ કે આ રીતની અનુભૂતિ દ્વારા ચરિત્ર અને મનમાં એવું પરિવર્તન સિદ્ધ થાય છે કે એ બધું વત્તે ઓછે અંશે ચિરસ્થાયી બને છે. પ્રત્યેક ક્ષણે ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા પર રહીને શ્રીરામકૃષ્ણની જેમ કોઈ એક સાધક માટે દરિદ્રોનાં સાંસારિક દુઃખ-કલેશ નિવા૨વાનું હરપળે સ્વાભાવિક રીતે સંભવ ન હતું. પરંતુ તેમ માનીને તેઓ દરિદ્રનાં દુ:ખ-કષ્ટ માટે ઉદાસીન હતા એમ માનવું ખૂબ જ ભૂલ ભરેલું ગણાશે. તેઓએ સ્વયં જે કર્યું તે બધું પાછળથી પ્રથમ સ્વામી વિવેકાનંદ અને પછી અમે પોતે પોતાના જીવનમાં પ્રાપ્ત કરીને આચરણ કર્યું છે. શ્રીરામકૃષ્ણ જ્યારે ઉચ્ચ ભાવે રાજ્યમાં રહેતા ત્યારે તેમના પક્ષે પોતાની જરૂરિયાત વગેરે તરફ દૃષ્ટિ રાખવી પણ અસંભવ થતી તેથી કરીને જેઓ તેમનાં ગૂઢ આધ્યાત્મિક સત્યની તમામ ઉપલબ્ધિ ‘બહુજનના સુખ અને બહુજનના હિત માટે’ સમર્પિત કરવા સમર્થ હતા, શ્રીરામકૃષ્ણ તેઓને ભગવાનના યંત્ર સ્વરૂપે જોઈને પોતાનો સમસ્ત આધ્યાત્મિક ભાવ સંચારિત કરતા હતા. સ્વામી વિવેકાનંદ તેઓમાંના એક મુખ્ય હતાં એ અમે શ્રીરામકૃષ્ણના શ્રીમુખેથી સાંભળ્યું છે અને અમે પોતે પણ અનુભવ કર્યો છે. એ માટે જ સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્રની આલોચના કરતાં આપણે જોઈ શકીએ છીએ કે એક બાજુ જે રીતે તેઓએ ધર્મ સમન્વયની વાણીનો પ્રચાર કર્યો હતો, તો બીજી બાજુ કંગાળ લોકોની વચ્ચે ઐહિક-પરલૌકિક જ્ઞાન, અન્ન-વસ્ત્ર, ઔષધ વગેરે વિતરણ કરતા. તેના પરિણામે અભાવ પૂરો થતાં ક્રમશઃ આધ્યાત્મિક રાજ્યમાં પ્રવેશ કરી શકે તે માટે સાર્વજનિક સેવાધર્મનો પ્રચાર કર્યો, ખરેખર સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણ-જીવનના સર્વશ્રેષ્ઠ વ્યાખ્યાતા અને ગૂઢ આધ્યાત્મિક તત્ત્વ સંબંધે શ્રીરામકૃષ્ણના સૂત્રરૂપે કહેલાં ઉપેદેશોનાં જ્વલંત વિવેચક હતા.

ભાષાંતર : શ્રી કુસુમબહેન પરમાર (‘પ્રબુદ્ધ ભારત’, માર્ચ, ૧૯૩૦માંથી)

Total Views: 148

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.