શ્રીશ્રીગુરુદેવ શ્રી શરણ ભરોસા

અલ્મોડા,

૨૫ જુલાઈ, ૧૮૮૯

પ્રિય બલરામબાબુ,

આપના ૧૦ શ્રાવણના પત્ર દ્વારા અમારા મઠ અને આપના ઘરના સર્વેના વિસ્તૃત સમાચાર મેળવીને ખૂબ જ આનંદિત થયો.

… નરેન બાબાજી પેલી જૂની બીમારી ભોગવે છે, જાણીને ખૂબ ચિંતા થાય છે. તે શું કાશીમાં તબિયત સુધારવા માટે જવા તૈયાર છે ? મને લાગે છે કે એ સ્થળ એટલું ગરમ છે કે તે સહન કરી શકશે નહીં. પરંતુ મારો વિશ્વાસ છે કે જો ચિકિત્સાદિની કોઈ પ્રકારે અવગણના ન થાય, તો તેઓ પહેલાં કરતાં વધારે સારા થઈ જશે.

તેઓ શું દિવસે દિવસે વધુ દુર્બળ થયા છે ? આ બાબતમાં હું શું કહું ? આપ જ યથાયોગ્ય કરી શકો. મારી દૃઢ ધારણા છે કે અમારા સહુની સારી વ્યવસ્થાની બાબતમાં યથાશક્તિ પ્રયત્ન કરવા આપ ક્યારેય પાછી પાની કરશો નહીં. રાખાલને થોડા સંભાળજો. નિરંજન અત્યારે ક્યાં છે ? તેમનો ચર્મરોગ મટ્યો છે ?

… નલુના અકાળ મૃત્યુથી નિતાઈ બાબુનું મન અચાનક વૈરાગ્યપૂર્ણ થયું છે, જાણીને ખૂબ ખુશી થઈ, પરંતુ સ્મશાન વૈરાગ્યની માફક તે ક્ષણભંગુર ન થાય તો વધારે આશાસ્પદ. આપના શ્રદ્ધેય પિતાજીના અનુગામીની માફક વ્યક્તિ માટે આ પ્રકારની જીવનશૈલી અવલંબન કરવી ખૂબ જ યોગ્ય અને એ જ કર્તવ્ય ગણાય. આ ભાવ સ્થાયી થયો છે, એવું સાંભળીશ તો વધુ ખુશ થઈશ. અને આપના માટે પણ તે મંગલકારી.

…આપની સાથે જે રીતે વર્તન કરે તેનાથી હું બહુ દુ :ખી થાઉં છું. ..જે થઈ ગયું છે તેને અન્યથા ફરી કરવાનું ચાલે નહીં. પ્રાચીન હિન્દુઓની આવી બધી બુદ્ધિહીનતાથી મને ખૂબ અણગમો થાય, એ ખૂબ જ ઘૃણાસ્પદ અને અસહનીય. આપ ઝડપથી આ બધી બાબતથી મુક્તિ પામ્યા છો, જાણીને હું વિશેષપણે આનંદિત થઈશ. રામ અભ્યાસ બરાબર કરે છે તો? ફકીરે પરીક્ષા પાસ કરી છે? આપની પત્ની અને તેમનાં પૂજનીય માતાજીને મારી આંતરિક શ્રદ્ધા જણાવજો.

શારીરિક વૃથા કષ્ટ આપીને ભમતારામ થઈને આમતેમ ફરવાનું એકદમ ઇચ્છતો નથી. માનવજીવન એટલું નિરર્થક નથી. હું જ્યાં છું તે સ્થળ અતિમનોહર અને પ્રાકૃતિક શોભામય. જળ-વાયુ બંગાળી શરીર માટે વિશેષ અનુકૂળ. નૈનિતાલ અથવા સિમલામાં ઠંડી-ગરમીનો તફાવત જેટલો વધારે તેટલો અહીં નથી. આ સ્થળ હિમાલયનું એક પ્રાચીન શહેર છે; સ્થાનિક લોકો બધા જ હિન્દુ, માત્ર થોડા પ્રમાણમાં યુરોપીયનો રહે છે. એક સૈન્ય વિભાગ છે. તેમાં એક સંપૂર્ણ રેજીમેન્ટ ગુરખા સેના રહે છે. વિશેષ કરીને મારું નિવાસસ્થાન આરામદાયક છે. સામાન્ય રસોઈ કરીને જમવાનું હંમેશાં મળે; અલબત્ત, વચ્ચે મારી મનાઈ હોવા છતાંય સારુંનરસું ભોજન આવી પડે. કોલકાતાના લોકોની સરખામણીમાં અહીંના લોકોનું ભણતર-ગણતર બહુ ઓછા પ્રમાણમાં છે. કમિશનર જનરલ રાસેરની સ્થાપેલ એક કાૅલેજ છે, તેમાં છોકરાઓ એફ.એે. સુધી અભ્યાસ કરી રહ્યા છે. બદરીશા અહીંની એક સન્માનીય વ્યક્તિ છે. તેઓ મને પિતાની માફક સન્માન આપે છે. ઇતિ.

આપનો,

તારક

Total Views: 274

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.