‘સેવાનું ઉગમસ્થાન’ એ આપણી ચર્ચાનો વિષય નથી પરંતુ ‘સેવાના સિદ્ધાંતનું ઉગમસ્થાન’ એ વિશેની આપણી ચર્ચા છે. બંને બાબત તદ્દન ભિન્ન છે. સેવાનો ભાવ વિશાળ હૃદયમાંથી તથા પ્રેમ, સહાનુભૂતિ અને કરુણાની પ્રચૂર માત્રામાંથી જન્મે છે. આ બધાં એનાં ઉગમ સ્થાનો છે. એ વાત નિર્વિવાદ છે કે સ્વામી વિવેકાનંદે વિશ્વની સેવા કરી એ ભાવના લોકોનાં દુઃખ દર્દ પ્રત્યેની એમની તીવ્ર લાગણીમાંથી ઉત્પન્ન થઈ હતી. અને એ બાબતમાં તેઓ ખરેખર શ્રીરામકૃષ્ણદેવના સાથે સહેજ પણ અસંમત નહોતા. કારણ એ કે એમના કરતાં વધારે નહિ તો એમના જેટલી જ તીવ્ર લાગણી એમને માનવસમાજનાં દુઃખો પ્રત્યે હતી. શ્રીરામકૃષ્ણદેવની લાગણી નિષ્ક્રિય નહોતી. તે તો પ્રબળપણે સક્રિય હતી. એવા ઘણા દાખલાઓ છે કે જ્યારે એ પોતે સક્રિય રીતે ‘દુષ્કાળ – રાહત’ના કાર્યમાં જોડાયા હતા. ભૂખ્યા લોકોને અન્નવસ્ત્ર આપવા માટે તથા એક પ્રસંગે લોકોનાં ચડી ગયેલાં ભાડાંની ચુકવણી કરવા માટે, રાણી રાસમણિના જમાઈ અને પોતાના પરમભક્ત શ્રીમથુરાદાસ બિશ્વાસને દલીલો કરીને સમજાવી લીધા હતા. અને એક ખૂબ વધારે મહત્ત્વની વાત તો એ છે કે માનવજાતના કલ્યાણ માટે જ જાણે કે, આ દુનિયામાં આવા દૈવી પુરુષનો અવતાર થયો હતો. શ્રીરામકૃષ્ણદેવના ભક્તો પૈકી એવા અસંખ્ય લોકો હતા અને છે કે જેઓ એમને ૫૨માત્માનો અવતાર જ માનતા હોય. આ બાબત સંભવિત છે કે કેમ એ વાતને બાજુ ઉ૫૨ રાખીએ તો પણ લોકોનો આ પ્રકારનો દાવો, ઓછાંમાં ઓછું, એટલું તો સૂચિત કરે જ છે કે માનવસમાજની મુક્તિ માટે શ્રીરામકૃષ્ણદેવે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. એ વાતનો ઇન્કાર એમના કોઈ પણ ભક્ત કરતા નથી; કારણ કે પરંપરાઓથી એવી માન્યતા પ્રવર્તે છે કે ઈશ્વરી અવતારનો પ્રેરક હેતુ સેવાનો જ હોય છે. આથી, સ્વામી વિવેકાનંદના સેવાના ઉગમ સ્થાન વિષે ચર્ચા કરવી અનાવશ્યક છે.

પરંતુ, જેવા આપણે સેવાના સિદ્ધાંત ઉપર આવીએ છીએ તુરત જ મુશ્કેલી ઊભી થાય છે. સેવાનો સિદ્ધાંત સૂચવે છે કે સાક્ષાત્કારને પંથે જાણીતી પદ્ધતિઓ છે એવી જ પદ્ધતિ સેવાની પણ છે. અલબત્ત, એટલું બરાબર છે કે સેવાનો સિદ્ધાંત વર્તમાન યુગની નવીનતા નથી; કેટલાયે યુગોથી ‘કર્મયોગ’ તરીકે જાણીતો છે. પરંતુ, એ હકીકત છે કે સ્વામી વિવેકાનંદે એમના ઉપદેશોમાં આ બાબત ઉપર વિશેષ ભાર મૂક્યો છે. એમના સંન્યાસી સંઘને, ભારતને તથા સમસ્ત વિશ્વને પોતાનાં કાર્યોની જે યોજના તેઓ વારસામાં આપી ગયા તેમાં એમના અનુયાયીઓની તાલીમ માટે જે આધ્યાત્મિક શિસ્તની ભાવના દૃઢીભૂત કરી હતી તેમાં સેવાનો સિદ્ધાંત સર્વોપરી સ્થાન ધરાવે છે. વર્તમાનયુગ માટે આ અનિવાર્ય અને વિશેષરૂપે ઉપયુક્ત છે, એમ તેઓ માનતા હતા. એમ કહેવાય છે કે સ્વામી વિવેકાનંદ પશ્ચિમમાંથી પાછા આવ્યા અને ઘણા બધા યુવાનો મઠમાં જોડાયા. તે સમયે એટલે કે સંન્યાસીસંઘના પ્રારંભના દિવસોમાં, કર્મયોગ એ સ્વામી વિવેકાનંદનો વિશિષ્ટ સંદેશ છે એમ એમના શિષ્યો પૈકી કોઈ એક, હિમાયત કરતા હતા. પરંતુ, જે ભક્તો એવું વિચારતા હતા કે સ્વામીજીને તો જ્ઞાન, ભક્તિ વગેરે વધારે અભિપ્રેત હતાં. તેઓ કર્મયોગના આ પ્રાધાન્યને ભૂલભરેલું ગણતા હતા, આ મુદ્દાનું સ્પષ્ટીકરણ કરવા માટે છેવટે સ્વામીજીનો સંપર્ક સાધવામાં આવ્યો. સ્વામીજીએ કબૂલ કર્યું કે કર્મયોગ આ યુગની વિશિષ્ટ આવશ્યક્તા છે એમ તેઓ માનતા હતા.

આપણે જે પ્રશ્નની ચર્ચા કરવા માગીએ છીએ તે એ છે કે શ્રીરામકૃષ્ણદેવે કર્મયોગ અથવા સેવાના સિદ્ધાંતનું સમર્થન કર્યું હતું કે કેમ. સ્વામી વિવેકાનંદે આ સિદ્ધાંતને પોતાના ગુરુદેવ પાસેથી મેળવ્યો હતો કે બીજા કોઈ સ્રોતમાંથી પ્રાપ્ત કર્યો હતો અથવા તો પછી એ એમના પોતાના મગજમાંનું સ્ફૂરણ હતું. શ્રીરામકૃષ્ણદેવે આ સિદ્ધાંતનું સમર્થન કર્યું હતું કે કેમ એ બાબતમાં ઊભી થયેલી શંકાને કારણ આ પ્રશ્ન વાસ્તવિક બને છે. એમ કહે છે કે એમની પાસે જે લોકો આવતા હતા. એમને આત્મ સાક્ષાત્કાર માટે સેવાનો માર્ગ ગ્રહણ કરવાનું જણાવતા ન હતા. બલકે બીજી તરફ એવા પણ પ્રસંગો બન્યા છે, જેમાં એમણે આ બાબતનો ભારપૂર્વક ઇન્કાર કર્યો હતો. શ્રીરામકૃષ્ણદેવનાં પોતાનાં સેવા કાર્યો તથા માનવજાતને સહાય કરવા એમણે એમના શિષ્યોને કરેલી આશા એ જ સેવાના સિદ્ધાંતને એમણે આપેલું સમર્થન છે એવી દલીલ કરવી એ જ માત્ર પૂરતું નથી. આપણે એ બાબત યાદ રાખવી જોઈએ કે શ્રીરામકૃષ્ણદેવ અને એમના શિષ્યો આત્મસાક્ષાત્કાર પામેલા માનવીઓ હતા, અને એ આત્મસાક્ષાત્કાર એમણે કર્મયોગ સિવાયના માર્ગો દ્વારા એટલે કે ખરેખરી આધ્યાત્મિક સાધના દ્વારા પ્રાપ્ત કર્યો હતો. જેમને આત્મસાક્ષાત્કાર થયેલો છે તેવા માનવીઓ પોતાને જે ગમે તે કરવા માટે મુક્ત છે. એમનાં દૃષ્ટાન્તોને નવ દીક્ષિતોએ અનુસરવાની જરૂર નથી. જ્ઞાનીજનો માટે જે સત્ય છે એ અજ્ઞાની જનો માટે સત્ય ન પણ હોય. એટલે શ્રીરામકૃષ્ણદેવ કે એમના શિષ્યોનાં દૃષ્ટાંતો ઉપરથી એ અનુમાનને સમર્થન મળતું નથી કે, શ્રીરામકૃષ્ણદેવે એમના સિદ્ધાંતનો ઉપદેશ કર્યો હતો; આપણે બીજા પુરાવાઓ શોધવા પડશે. એ વાત બિલકુલ સાચી છે કે એક સામાન્ય માણસને પણ કરુણાનો ભાવ જાગી શકે અને એટલે અંશે સેવાનો ભાવ પણ ઉદ્ભવી શકે. આથી એ બાબતમાં શ્રીરામકૃષ્ણદેવે અને એક નવદીક્ષિત વ્યક્તિ વચ્ચે કોઈ સ્વરૂપભેદ નથી. પરંતુ, માત્રાનો ભેદ છે. જો, કરુણા શ્રીરામકૃષ્ણદેવ માટે સેવાનો પર્યાય બની શકે તો એક નવદીક્ષિત માટે પણ જરૂર એમ બની શકે. તો શું શ્રીરામકૃષ્ણદેવની કરુણા અને આપણી કરુણા વચ્ચે શું પરિમાણાત્મક ભેદ જ છે? શ્રીરામકૃષ્ણદેવ દયા, કરુણા અને કૃપાના વિચારનો જોરદાર વિરોધ કરતા હતા. એમનાં પોતાનાં કાર્યો પ્રત્યક્ષરૂપે દયાથી પ્રેરાઈને કરાતાં હોય, એમ દેખાતું હોય છતાં તે દયાની ભાવનાથી નહિ પરંતુ પ્રેમની ભાવનાથી પ્રેરાયાં હતાં એ હકીકત છે. માનવીમાં રહેલી દિવ્યતાની અનુભૂતિ આપણને જ્યાં સુધી થાય નહિ ત્યાં સુધી શ્રીરામકૃષ્ણદેવ જેવા મહાપુરુષના જેવી ભાવના કેળવવી એ આપણે માટે શક્ય જ નથી. દુઃખી લોકોને આપણે એક સામાન્ય માનવી તરીકે જોઈએ છીએ જ્યારે એમના જેવા લોકો એમને ઈશ્વર તરીકે જ જોતા હોય છે. આમ એમની અને આપણી જોવાની દૃષ્ટિ એક બીજાથી ઊલટી દિશામાં હોય છે. માનવ પ્રત્યેની આપણી કરુણા અને એમના જેવાની કરુણા દેખીતી રીતે એક સરખી જ દેખાય છે. સ્વામી વિવેકાનંદે આવા વિશ્વ ગુરુઓની ઉચ્ચ પ્રકારની અવસ્થા વિશે નીચે જણાવેલ શબ્દોમાં સુંદર વર્ણન કર્યું છેઃ ‘કોઈ વાર માણસ અથવા બધા જ માણસો આચાર્ય (એટલે કે માનવજાતના ગુરુ) બની શકે નહિ; પરંતુ ઘણા લોકો મુક્ત (એટલે કે મોક્ષની કક્ષાએ પહોંચેલા) બની શકે.’ જે લોકો મુક્ત થયેલા છે પરંતુ જે આચાર્ય છે એમણે તો આ બંને અવસ્થાઓની વચ્ચેની ભાવના કેળવવાની છે. એમને એ જ્ઞાન તો રહેવું જ જોઈએ કે આ વિશ્વ સત્ય છે, જો એમ ન હોય તો એમણે શા માટે ઉપદેશ આપવો જોઈએ? વળી, જો આ જગત એક સ્વપ્ન સમું છે એ પ્રકારની અનુભૂતિ એમને થઈ ન હોય તો પછી એમનામાં અને એક સાધારણ માનવીમાં, કોઈ જ તફાવત રહેતો નથી; અને તો પછી એમણે શા માટે ઉપદેશ આપવો જોઈએ? આથી સેવાનો સિદ્ધાંત શ્રીરામકૃષ્ણદેવ પાસેથી પ્રાપ્ત થયો છે એમ કહેવા માટે શ્રીરામકૃષ્ણદેવનું દૃષ્ટાંત એ પૂરતી સાબિતી નથી. આપણે બીજાં સમર્થનો શોધવાં પડશે.

બીજું એ કે સ્વામીજીનો સેવાનો સિદ્ધાંત શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશો સાથે અસંગત છે એ માન્યતા સેવાઓના પ્રકારો વચ્ચે ભેદ રહેલો છે, એવી ધારણા ઉપર રચાયેલી છે. સામાન્ય રીતે સેવાના ચાર પ્રકારો હોઈ શકે : (૧) ભૌતિક પદાર્થોની મદદ કરવી, જેવી કે અનાજ, આશ્રય, દવાદારૂ, સારવાર, પૈસા વગેરેની મદદ કરવી; (૨) જીવન બચાવવું; (૩) બૌદ્ધિક (પરંતુ સાંસારિક) જ્ઞાન આપવું, અને (૪) આધ્યાત્મિક જ્ઞાન આપવું. રૂઢિવાદી હિંદુધર્મ એમ માને છે કે પ્રથમ ગણાવી એ ત્રણ પ્રકારની સેવા કરવી એ તો ગૃહસ્થીઓની વિશિષ્ટ ફરજોમાં આવી જાય છે, ભલે પછી તે ધાર્મિક હોય કે ન હોય; જ્યારે છેલ્લી ગણાવી એ સેવા સંન્યાસીઓનું વિશિષ્ટ કર્તવ્ય છે; સંન્યાસીઓએ પહેલા ત્રણ પ્રકારની સેવામાં પોતાને સાંકળવા જોઈએ નહિ. હકીકતમાં રામકૃષ્ણ મિશનનું સાંસારિક સેવાનાં કાર્યોમાં ગૂંથાવું એને રૂઢિવાદી સંન્યાસીઓ, સાધુઓ માટે નિયત થયેલા નિયમોના ભંગ સમાન ગણે છે. અહીં એવી ગેરસમજણ કરવાની નથી કે રૂઢિવાદી હોય એવા સંન્યાસીઓએ કઠોર હૃદયના થવું અથવા અસહ્ય વેદનાઓના ચિત્કારો સંભળાતા હોય તે સમયે પણ પોતે અલિપ્ત રહેવું એવો એનો અર્થ કરવાનો નથી. જો એક સાધુને કોઈ ભૂખ્યો માણસ ભેટી જાય અને જો એની પોતાની પાસે સાધન હોય તો એણે પેલા ભૂખ્યા માણસને મદદ કરવી જ જોઈએ; અથવા તો જો એને એમ લાગે કે કોઈનું જીવન ભયમાં છે તો એણે એને બચાવી પણ લેવો જોઈએ. આવાં આકસ્મિક અને પ્રસંગોપાત થતાં સેવાનાં કાર્યો એ યથાર્થ છે અને ઇચ્છનીય પણ છે. જેની મનાઈ કરવામાં આવી છે તે તો એમ છે કે સાધુએ આવાં કાર્યોને મુખ્ય સ્વરૂપ આપી દેવું જોઈએ નહિ અથવા તો એને વ્યવસાય બનાવી દેવો જોઈએ નહિ; એનું પ્રધાન કાર્ય તો વિશુદ્ધ ચિંતન અને ધ્યાન, એ જ હોવું જોઈએ. નિયમિત રીતનું સાંસારિક સેવાઓનું કાર્ય તો જે ગૃહસ્થીઓ છે તેમને જ સોંપી દેવું જોઈએ. બીજી વાત એ પણ છે કે પરમાત્માના સાક્ષાત્કાર માટેની તીવ્ર ઝંખનાની જ્યારે પણ લાગણી ઉદ્ભવે ત્યારે, પોતે ગૃહસ્થી હોય તો પણ, બાહ્ય પ્રવૃત્તિઓમાંથી માણસે નિવૃત્ત થઈ જવું જોઈએ અને પૂજા, પ્રભુનામ સ્મરણ, ચિંતન અને ધ્યાન વગેરેમાં પોતે સમર્પિત થઈ જવું જોઈએ. સેવાના સિદ્ધાંતની સામે એ વાંધો પણ લેવામાં આવે છે કે ધ્યાનમાં નિવૃત્તિ માણતા ધાર્મિક લોકોના એક વર્ગને એ આકર્ષી લે છે. એ લોકો ધર્મનો ઉપદેશ આપે એની સામે વાંધો નથી પરંતુ સાંપ્રદાયિક સેવાઓમાં એમનું પ્રવૃત્ત થવું એ એમની એકાગ્રચિત્ત થયેલી આધ્યાત્મિકતાને હાનિ પહોંચાડનારું છે.

આથી, સ્વામી વિવેકાનંદના સેવાના સિદ્ધાંતની સામે બેવડો વાંધો ઊભો થાય છે. (૧) શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશો સાથે એ સંગત નથી, અને (૨) સાંસારિક સેવાનાં કાર્યો સાધુઓ અને ધાર્મિક લોકો માટે અનધિકૃત છે. જે બીજો વાંધો છે તેનું કારણ, જ્ઞાન અને કર્મ વચ્ચેનો જે પ્રાચીન ઝઘડો છે તે છે; અને જેનું ખંડન ભગવાન શ્રીકૃષ્ણે સદાને માટે શ્રીમદ્ ભગવદ્‌ગીતામાં કહી પણ દીધું છે. જો કે એમણે દર્શાવેલા સમાધાનનો જે રીતે સાર્વલૌકિક સ્વીકાર થવો જોઈએ એ રીતે થયો નથી. ગમે તેમ હોય, પરંતુ આ લેખમાં આપણે એનું ખંડન કરવાની જરૂર નથી. આપણું મુખ્ય લક્ષ્ય તો પ્રથમ આ હોય તો યોગ્ય પ્રત્યુત્તર આપવા તરફ જ હોવું ઘટે.

આપણે ફરી એક વાર આખી પરિસ્થિતિનું સિંહાવલોકન કરી લઈએ, સેવાના સિદ્ધાંત પ્રત્યે શ્રીરામકૃષ્ણદેવનું વલણ કેવું હતું? આ માટે એક બીજાથી તદ્દન ભિન્ન હોય એવા બે અભિપ્રાયો આપણને મળ્યા છે. ગુરુદેવના ઘણા બધા એવા શિષ્યો છે જે એમ માને છે કે સેવાના સિદ્ધાંતનો ઉપદેશ એમણે કદી પણ આપ્યો નથી. ઊલટું આ પ્રકારની સેવાઓ સામે એમણે નાપસંદગી દર્શાવી હોય એવાં દૃષ્ટાંતો છે. કિસ્તોદાસ પાલ અને, શંભુ મલ્લિકના કિસ્સા સારી પેઠે જાણીતા છે. રાષ્ટ્રનું કલ્યાણ કરવું એ તો માનવીની પ્રધાન ફરજ છે એમ જ્યારે બાબુ કિસ્તોદાસે કહ્યું ત્યારે એમણે સામેથી શીઘ્ર પ્રત્યુત્તર વાળ્યો કે, ‘માત્ર ઈશ્વર જ જગતની સાર-સંભાળ રાખી શકે છે. માનવીએ પ્રથમ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો જોઈએ. (ઈશ્વર તરફથી) એને દિવ્ય સત્તા મળી જવી જોઈએ અને પરમાત્માની શક્તિથી એ સંપન્ન બનવો જોઈએ; ત્યારે, અને માત્ર ત્યારે જ એ બીજાઓનું ભલું કરવાનો વિચાર કરી શકે.’ ગરીબો માટે હૉસ્પિટલો બનાવવાની ઇચ્છા ધરાવતા હતા એવા શંભુ મલ્લિકને એમણે કહ્યું હતું: ‘જો તમને પરમાત્માનો સાક્ષાત્કાર થાય તો શું તમે એમની પાસે શાળાઓ અને હૉસ્પિટલો માગશો કે ભક્તિ, જ્ઞાન વગેરેની માગણી કરશો? માટે શાળાઓ અને હૉસ્પિટલોના આ ખ્યાલોને તિલાંજલિ આપી દો અને માત્ર એકલા ઈશ્વરનો જ વિચાર કરો.’ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો કિસ્સો પણ છે. શ્રીરામકૃષ્ણદેવ એક વખત એમને મળવા માટે ગયા હતા ત્યારે વાતચીત દરમ્યાન એમણે એવી ટીકા કરી હતી કે ‘સુવર્ણ’ તો તમારા હૃદયમાં જ પડેલું છે પરંતુ તેની તમને હજુ સુધી જાણ થઈ નથી; ધૂળથી સહેજ ઢંકાઈને એ પડેલું છે. પરંતુ જ્યારે તમને એની ખબર પડી જશે ત્યારે તમારાં આ બધાં પરોપકારનાં કાર્યો ક્રમે ક્રમે ઓછાં થઈ જશે. આના ઉપરથી આપણને એમ જાણવા મળે છે કે લોકોનાં કલ્યાણ સંદર્ભે હોય તો પણ શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વર સિવાયની કોઈ બાબતનો વિચાર પણ કરવાની અથવા તો એની વાચચીત કરવાનું પસંદ કરતા નહિ. એક વાર માસ્ટર મહાશય ‘મ’ અને સ્વામી વિવેકાનંદ વિદ્યાર્થીઓના નૈતિક અધઃપતન વિશે દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા. શ્રીરામકૃષ્ણદેવે જ્યારે એમની પાસેથી એ વાત સાંભળી ત્યારે એમણે એમને સખત ભાષામાં ઠપકો આપ્યો, અને એમને એવી આજ્ઞા કરી કે માત્ર ઈશ્વર સિવાય બીજા કશાનો વિચાર પણ એમણે ક૨વો નહિ. વિદ્યાસાગરનાં નિઃસ્વાર્થ કાર્યો પ્રત્યે બોલતાં શ્રીરામકૃષ્ણદેવે સ્વીકાર્યું કે આવાં કાર્યો આત્મશુદ્ધિ માટે છે, પરંતુ સાથોસાથ એમણે એમ પણ કહ્યું કે, ‘જ્યારે એ ઈશ્વરની ભક્તિની નજીક પહોંચી જશે ત્યારે એ બીજાં બધાં કાર્યો બંધ કરી દેશે.’ આ જ પ્રકારનો અભિપ્રાય એમણે સ્વામી વિવેકાનંદની બાબતમાં પણ ઉચ્ચાર્યો હતોઃ જો કે એ કોઈ અન્ય પાસાં બાબતે હતો. જ્યારે કાશીપુરમાં સ્વામી વિવેકાનંદને નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ થઈ ત્યારે શ્રીરામકૃષ્ણદેવને લાગ્યું કે એ પોતે ખરેખર કોણ છે એનું એને જો જ્ઞાન થઈ જશે તો તરત જ એ પોતાના દેહનો ત્યાગ કરી દેશે અને આખરે તો એ જ પ્રમાણે થયું.

બેલૂર મઠ ખાતેના એમના આખરી દિવસોમાં સ્વામીજીના એક ગુરુભાઈએ એમને પૂછ્યું કે એ પોતે કોણ છે એનું એમને જ્ઞાન થયું છે? અનપેક્ષિત અને સત્યનિષ્ઠ પ્રત્યુત્તર આવ્યો કે એમને જ્ઞાન થઈ ગયું છે, અને આ એકરાર બાદ સ્વામીજી લાંબો વખત જીવ્યા નહિ. એમના છેલ્લા દિવસોમાં એમને આ દુનિયાની કોઈ પણ વસ્તુમાં રસ જ ન હોતો, એમને હૃદયને પ્રિય એવાં કોઈ પણ કાર્યોમાં પણ નહિ. છેલ્લે, શ્રીરામકૃષ્ણદેવના વ્યક્તિત્વ અને એમણે આપેલા ઉપદેશોએ એમના શિષ્યો ઉપર જે છાપ પાડી, તે પ્રારંભમાં, સેવાના સિદ્ધાંતના પક્ષમાં હોય એમ દેખાતું નહોતું. એ હકીકત છે કે સ્વામી વિવેકાનંદ જે સેવાનાં કાર્યોની પદ્ધતિ અને વિચાર જાહેર કર્યો હતો તે પ્રત્યે ગુરુદેવના ઘણા ગૃહસ્થભક્તો તથા સંન્યાસી શિષ્યો શંકાની નજરે જોતા હતા. ગુરુદેવના ઉપદેશોનું મહત્ત્વ એ વખતે તેઓ સમજ્યા હતા તે મુજબ, સ્વામીજીના આ બધા વિચારો એમને ક્રાન્તિકારી જણાતા હતા અને ગુરુદેવના ઉપદેશો સાથે જરાપણ મેળ ખાતા નથી એમ એમને જણાતું હતું. આ તમામ વિચારણા એમ દર્શાવે છે કે શ્રીરામકૃષ્ણદેવે સેવાના સિદ્ધાંતનો સીધો ઉપદેશ આપ્યો નહોતો. અથવા તો એના પક્ષમાં પણ ન હતા.

જ્યારે બીજો અભિપ્રાય છે તે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી તથા તેમના વ્યવહારમાંથી આ સિદ્ધાંતને શોધી કાઢે છે. પહેલું તો એ કે શ્રીરામકૃષ્ણદેવનાં સેવાનાં કાર્યો સારી પેઠે જાણીતાં છે, આપણે એ બધાંનો ઉપર ઉલ્લેખ કરી ગયા છીએ. એમના શિષ્યો માટે અને એમની પાસે જેઓ આવતા હતા એ બધા માટે એમની ઉત્સુક્તા માત્ર એમને આધ્યાત્મિક સહાય પહોંચાડવા પૂરતી જ મર્યાદિત ન હતી. ઘણીવાર એઓ તેમની ભૌતિક પદાર્થોની જરૂરિયાતો વખતે પણ મદદ કરતા હતા. એમના ભક્તો જ એમની સર્વતોમુખી સેવાના પૂરતા સમર્થન રૂપ છે. આ બધાં દૃષ્ટાંતો એમણે પોતે સેવાના સિદ્ધાંતનું આચરણ કર્યું એ પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે. પરંતુ એમણે અન્ય લોકોને પણ એ પ્રકારે કરવાનું કહ્યું હતું. એક પ્રસંગ ટાંકીએ. બ્રાહ્મસમાજના શ્રીમણિલાલ મલ્લિક કે જેઓ શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યે ખૂબ શ્રદ્ધાભક્તિ ધરાવતા હતા અને એમને મળવા માટે વારંવાર આવતા હતા તેમને, એમણે, કોઈ એક ગામમાં, કે જ્યાં લોકો પીવાના પાણી માટે હાડમારી ભોગવતા હતા, ત્યાં તળાવ ખોદાવી આપવા માટે કહ્યું હતું. આ બધાંની સરખામણીમાં શ્રીરામકૃષ્ણદેવનાં બે ઉચ્ચારણો એવાં છે જે આ બધાં કરતાં ખૂબ મહત્ત્વ ધરાવે છે. એક એ હતું, કે જેનો તેઓ વારંવાર ઉલ્લેખ કરતા હતા, તે એ કે ભૂખ્યા પેટે ધર્મની વાતો થઈ શકે નહિ. જો આ જગતમાં શ્રીરામકૃષ્ણદેવનું ધ્યેય વધારેને વધારે સંખ્યામાં લોકોને ધર્મ તરફ અભિમુખ કરવાનું હોય, તો પછી એમના ધ્યેયને જેઓ આગળ ધપાવે છે તેઓની એ અનિવાર્ય ફરજ થઈ જાય છે કે લોકો ધર્મને સમજે અને તેનું આચરણ કરે તે પહેલાં ભૂખ્યા લોકોને અન્ન, નવસ્ત્રાને વસ્ત્ર, તથા માંદાને માવજત આપવી જોઈએ, એટલે કે તેઓની ભૌતિક પદાર્થોની તથા બૌદ્ધિક જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. આ હકીકત સ્વામીજી માટે એટલી બધી મહત્ત્વની હતી અને એ બાબત એના ઉપરથી સિદ્ધ થાય છે. કે જ્યારે તેઓ એમના ગુરુબંધુઓને આ સંઘના સ્વરૂપમાં સંગઠિત કરતા હતા ત્યારે શ્રીરામકૃષ્ણદેવના આ સંદેશનો સંદર્ભનો તેઓ એમના ગુરુબંધુઓના પત્રોમાં સતત ઉલ્લેખ કરતા હતા. બીજો સંદર્ભ તો સીધે સીધો છે. આપણે એ પ્રસંગનું વિગતવાર વર્ણન કરીશું. આ બનાવ સને ૧૮૮૪માં બન્યો. એક વાર શ્રીરામકૃષ્ણદેવ વૈષ્ણવ ધર્મનાં ત્રણ મૂળભૂત તત્ત્વો સમજાવી રહ્યા હતા. એ હતાં (૧) પ્રભુના નામઃ સ્મરણમાં આનંદ માણવો; (૨) જીવ માત્ર પ્રત્યે કરુણાની ભાવના રાખવી; અને (૩) ભક્તોની સેવા કરવી. પ્રથમ તત્ત્વ તો એમણે સમજાવી દીધું. પરંતુ જ્યારે બીજું ‘જીવ માત્ર પ્રત્યે કરુણા’ એમ બોલ્યા કે તરત જ તેઓ ઊંડી સમાધિમાં લીન થઈ ગયા. બાહ્ય ચેતના થોડીવાર પછી પાછી આવી ત્યારે તેઓ બોલ્યા, ‘જીવો પ્રત્યે દયા! મૂર્ખ! તું તુચ્છ જંતુ! જીવો પ્રત્યે દયા કરનાર તું કોણ? ના, ના, દયા નહિ, તેમની સેવા, તેઓને પ્રત્યક્ષ પરમેશ્વર સ્વરૂપ માનીને, તેમની સેવા.’ શ્રોતાઓમાં સ્વામી વિવેકાનંદ પણ ઉપસ્થિત હતા. ઓરડાની બહાર આવીને તેમણે સૌ ભક્તોને કહ્યું: ‘આજે મને નવો પ્રકાશ લાધ્યો છે, સમાધિ અવસ્થામાંથી આવતા ગુરુદેવના આ શબ્દોએ મને દર્શાવ્યું છે કે વેદાન્તનો અદ્વૈતવાદ અન્ય દુન્યવી બાબતો જેવો શુષ્ક હોય એ જરૂરી નથી. જો મનુષ્યો જગતને અને જગત ઉપરના તમામ જીવોને પરમાત્માના દિવ્ય અંશ તરીકે ઓળખે અને દૈનંદિન જીવનમાં એમની સાથે એ પ્રમાણે વર્તન રાખે, તો એમની રોજબરોજની પ્રવૃત્તિઓ સાથે પણ, તેમનાં હૃદય વિશુદ્ધ બની શકશે અને છેવટે, પોતે પણ ઈશ્વરનો અંશ છે એવી પ્રતીતિ થઈ જશે. આ પ્રકારનો દૃષ્ટિકોણ એમની ભક્તિની પ્રક્રિયાને સરળ બનાવશે અને વધારે પૂર્ણતા તરફ લઈ જશે. કારણ કે તમામ જીવોમાં દિવ્યતા જોવાથી લોકો ભક્તિ, એટલે કે વૈશ્વિક પરમાત્માના દર્શનના ઉત્તમોત્તમ આદર્શની વધારે ને વધારે નિકટ પહોંચી શકશે. કર્મયોગ અને રાજયોગ વિશે પણ એમ જ છે. મને કદી જો તક મળશે તો હું આ સત્યની સારાયે વિશ્વમાં ઘોષણા કરીશ.’ આપણે એ જરૂર કબૂલ કરવું જોઈએ કે આ પ્રસંગ ખૂબ મહત્ત્વનો છે અને સેવાના સિદ્ધાંતના કેન્દ્રીય સત્યનું પ્રતિપાદન કરે છે. પરંતુ, આપણે એ વાતની પણ નોંધ કરવી જોઈએ કે ધર્મોના સમન્વયના મૂળ સિદ્ધાંત તરફ પણ એ અંગુલીનિર્દેશ કરે છે; કારણ કે સ્વામીજીએ જે પ્રમાણે સમજાવ્યું. હતું એ મુજબ, મનુષ્યમાં ઈશ્વરીય દિવ્ય તત્ત્વને નિરખવું એ તમામ યોગના આચરણ માટે તદન અનિવાર્ય છે એટલું જ નહિ પરંતુ એનો પાયો છે. આ બાબત શું એટલું નથી દર્શાવતી કે સેવાના સિદ્ધાંતને ધર્મોના સમન્વય સાથે આંતરિક સંબંધ છે?

જો આ બંને વિરોધી અભિપ્રાયોને નિષ્પક્ષતાથી સરખાવવામાં આવે, તો આપણે એટલું સ્વીકારવું જોઈએ કે ચુકાદો પ્રથમ પક્ષની તરફેણમાં જાય છે. કારણ કે, જ્યાં સુધી સ્પષ્ટ ઉચ્ચારણોને સબંધ છે ત્યાં સુધી શ્રીરામકૃષ્ણદેવે સેવા સિદ્ધાંતનો પ્રત્યક્ષ ઉપદેશ આપ્યો નથી, એ વાતને નકારી શકાય એમ નથી. જેનો ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ મુજબની પરોક્ષ સાબિતી આ સિદ્ધાંતની તરફેણમાં આપવામાં આવી છે, તે, તેના વિરોધમાં રજૂ થયેલા જબરદસ્ત પુરાવા સામે, પોતાનું મહત્ત્વ ગુમાવી દે છે. દેખીતી રીતે જ, એ આપણને એ નિષ્કર્ષ તરફ દોરી જાય છે કે સેવાનો સિદ્ધાંત એ સ્વામી વિવેકાનંદની પોતાની આગવી શોધ છે. હકીકતમાં ઘણાં લોકોએ એ વાતને એ રીતે જ સ્વીકારેલી છે. આ આંદોલનના જે અનુયાયીઓ છે તે પૈકી ઘણાં બધાં એવાં છે કે જેઓ એમ માને છે કે શ્રીરામકૃષ્ણદેવે આપેલા સંદેશામાં સ્વામી વિવેકાનંદે પોતાનું મૌલિક યોગદાન આપ્યું છે. આથી તેઓ બધા શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ મિશન આંદોલનના સંયુક્ત પ્રણેતા ગણે છે. તેમની દૃષ્ટિમાં શ્રીરામકૃષ્ણદેવ સત્ય છે અને સ્વામી વિવેકાનંદ તેમાં ખૂટતું પૂરક તત્ત્વ છે અને પૂર્ણાંક છે ‘રામકૃષ્ણ-વિવેકાનંદ’.

પરંતુ આપણા અભિપ્રાય મુજબ, આ નિષ્કર્ષ હૃદયસ્પર્શી અને પૂરતો પ્રકાશ પાડનારો નથી, કારણ કે એ સ્વામી વિવેકાનંદ માટે અલગતાનો ભાવ પેદા કરે છે જે ખરેખર સાચી હકીકત નથી. અને, કેટલીક હકીકતો એવી છે જે આપણને એમ વિચાર કરવા પ્રેરે છે કે, શ્રીરામકૃષ્ણદેવે ભલે સેવાના સિદ્ધાંતનો પ્રત્યક્ષ ઉપદેશ આપ્યો ન હોય પરંતુ, એમના ઉપદેશોમાં જ એ સિદ્ધાંત સૂક્ષ્મ અને અપ્રગટ પણે રહેલો છે અને સ્વામી વિવેકાનંદે તો માત્ર તેને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું. આપણે કબૂલ કરીએ છીએ કે હકીકતો એટલી પર્યાપ્ત માત્રામાં સ્પષ્ટ નથી. પરંતુ, તે બધી હકીકતો ચોક્કસ સંકેતોથી ભરપૂર છે. જેઓ શ્રીરામકૃષ્ણદેવને ઈશ્વરનો અવતાર માને છે તેઓને નીચે જણાવેલી કેટલીક રહસ્યમય હકીકતોથી તરત જ ખાતરી થશે કે સ્વામી વિવેકાનંદનો સેવાનો સિદ્ધાંત, અને બેશક એમનાં કાર્યોની યોજના, ગુરુદેવના ઉદ્દેશોથી વિરુદ્ધ ન હતાં, પરંતુ બીજી બાજુ શ્રીરામકૃષ્ણદેવનો પૂરેપૂરો ટેકો હતો. જો આપણે શરૂ કરીએ તો એમણે જે કાંઈ કર્યું એ બધું કાલીમાતા એમની પાસે કરાવતાં હતાં એ મુજબની સ્વામી વિવેકાનંદે કરેલી એમના પોતાના શિષ્ય શરત્‌ચંદ્ર પાસે કબૂલાતનો ઉલ્લેખ કરીએ. આપણે એ વાતને પણ યાદ કરીએ કે શ્રીરામકૃષ્ણદેવે પોતાની લીલા સંકેલી લીધી તેના ટૂંક સમય પહેલાં જ એમણે પોતાની શક્તિઓ સ્વામી વિવેકાનંદમાં સંક્રમિત કરી દીધી હતી. તો પછી ગુરુદેવનો પોતાનો આત્મા જ સેવાના સિદ્ધાંતની વ્યવસ્થિત યોજના તૈયાર કરીને તેનો ઉપદેશ આપવાનું કાર્ય કરતો હતો એવી ધારણા શું આપણે સ્વાભાવિકપણે જ કરી ન શકીએ? આપણે જાણીએ છીએ કે સ્વામીજીનું અમેરિકા જવાનું પણ શ્રીરામકૃષ્ણદેવની મંજૂરીથી થયું હતું. એમ કહેવાય છે કે જ્યારે હજી સુધી સ્વામીજી પોતાના કર્તવ્ય બાબત અનિર્ણિત અવસ્થામાં હતા, ત્યારે એક રાત્રિએ એમને એક સ્વપનું આવ્યું હતું જેમાં એમણે ગુરુદેવની આકૃતિને દરિયાના કિનારા ઉપરથી દરિયાના પાણીમાં ચાલતી જોઈ હતી અને એમને જાણે કે એમની પાછળ પાછળ આવવા આજ્ઞા કરતી હતી. આપણી પાસે એ પૂરાવો પણ છે કે જ્યારે સ્વામીજી અમેરિકામાં હતા ત્યારે તેમની પોતાની કાર્ય યોજના સંબંધી ઓછામાં ઓછી કેટલીક વિગતોનું દિશાસૂચન એમને શ્રીરામકૃષ્ણદેવ પાસેથી પ્રાપ્ત થયું હતું. એમણે બેલુર મઠ ખાતેના એમના ગુરુબંધુઓને અમેરિકાથી ૧૮૯૫માં એક પત્ર લખેલો તેમાંનું એક વાક્ય આ પ્રમાણે છેઃ ‘ઠાકુર બોલ્યા. ગુરુદેવે મને કહ્યું છે – વગેરે.’ એ પત્રમાં મઠના સંગઠનની વિગતો હતી અને એમના ગુરુભાઈઓ પૈકી એક ગુરુભાઈમાં જે સંગઠનશક્તિ ગુપ્ત રૂપે પડેલી હતી. તેનો ઉલ્લેખ છે. ત્યાર પછી, સ્વામી વિવેકાનંદના જન્મના ગૂઢ રહસ્યને પણ આપણે ભૂલવું ન જોઈએ. શ્રીરામકૃષ્ણદેવે પોતે જ પોતાના શિષ્યો સમક્ષ વર્ણન કરતાં કહ્યું હતું કે જે જાણીતા સાત ઋષિઓ અદ્વૈતની સમાધિમાં હતા તેમાંના એક હતા સ્વામી વિવેકાનંદ, અને ગુરુદેવ તેમની પાસે ગયા હતા, અને તેમને અદ્વૈત સમાધિમાંથી જગાડ્યા હતા, તથા જગતનાં દુઃખદર્દોનું તેમની સમક્ષ વર્ણન કર્યું હતું તથા તેમની મદદ માટે અવતરિત થવા પ્રાર્થનાપૂર્વક વિનવણી કરી હતી. આ વાત ન માનવા માટે આપણી પાસે કોઈ કારણ નથી. પરંતુ આમાં જે ખાસ નોંધપાત્ર બાબત તો એ છે કે દુનિયાનાં દુઃખદર્દોમાં રાહત આપવાના કાર્યમાં સ્વામી વિવેકાનંદ એક શક્તિશાળી સાધન બને એમ તેઓની ઇચ્છા હતી. અને જો એ સેવાના સિદ્ધાંતનું પ્રતિપાદન ન કરે તો એ વાત કેવી રીતે શક્ય બને? કારણ કે ઈશ્વર સાક્ષાત્કારનો કોઈપણ અન્ય માર્ગ, ભલે તે વ્યક્તિ કિસ્સામાં સમર્થ હોય છતાં, એના લાભદાયક પ્રભાવમાંથી વિશાળ માનવજાતના મોટા ભાગને વંચિત રાખે છે. ગુરુદેવની એક શિષ્યાની વાર્તા કહેવામાં આવે છે જેમાં એ શિષ્યાને કેટલાંક વર્ષો અગાઉ એક દર્શન થયું. જેમાં એણે ગુરુદેવને બીજા અનેક ભગવાંધારી સાધુઓ સાથે જોયા. એણે ગુરુદેવને પૂછ્યું: ‘એ બધા કોણ હતા?’ ત્યારે ગુરુદેવે એને જણાવ્યું કે એ બધા એમના અધિકારીઓ હતા. ખૂબ જ અર્થગર્ભિત ઉચ્ચારણ. અને એ હકીકત છે કે એમના દ્રાક્ષના બગીચામાં રોકાયેલા કાર્યકરો, જે આમ તો પ્રત્યક્ષ સ્વરૂપે સાંસારિક સેવાનું કાર્ય જ કરતા હતા, તેમને એમના ગુરુના માર્ગદર્શનનો અનુભવ થતો હતો તથા કટોકટીની ક્ષણોમાં એમની દરમ્યાનગીરી અનુભવાતી હતી. શ્રીરામકૃષ્ણદેવના જીવન અને ઉપદેશોનો વિવિધ પ્રકારે પ્રચાર પ્રસાર થયો એણે જનસાધારણના મન ઉપર જે અસરો કરી એના ઉપરથી આપણે એમની મરજીનું અનુમાન કરી શકીએ એમ છીએ. એ વાત તો ખૂબ જાણીતી છે કે શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યોએ એમના ઉપદેશોનો પ્રચાર પ્રસાર કરવાનો પ્રારંભ કર્યો તે પહેલાં ગુરુદેવના એક ગૃહસ્થ ભક્ત શ્રીરામચંદ્ર દત્તે એમનો પ્રચાર પ્રસાર કલકત્તામાં અને અન્ય સ્થળોએ કર્યો. એ દિવસોમાં એમનો મહાન પ્રભાવ હતો. એમનું પોતાનું એક માસિક હતું. એમણે શ્રીરામકૃષ્ણદેવ અને એમના ઉપદેશો વિશે પુસ્તકો લખ્યાં અને વિશાળ સંખ્યાના શ્રોતાઓ સમક્ષ પ્રવચનો પણ કર્યાં. એમનો મુખ્ય વિષય હતો – શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશો – ભક્તિ, પૂજા, જપ વગેરે. એમણે કોઈ દિવસ એવું વિચાર્યું જ નહોતું કે સેવાનો સિદ્ધાંત એ ગુરુદેવના ઉપદેશોમાંનો એક હતો. એનું પરિણામ આજે આપણે જે જોઈ રહ્યા છીએ. જો કે એમનાં શ્રીરામકૃષ્ણદેવ વિશેનાં અર્થઘટનોએ કેટલાક લોકોને આકર્ષિત કર્યા હતા અને સંતોષ આપ્યો હતો પરંતુ એ બધાં કોઈ સ્થાયી અસર ઊભી કરી શક્યા નહિ અથવા લોકોના દિલોદિમાગ ઉપર મૂળગામી અસરો ઊભી કરી શક્યાં નહિ અને આખરે શક્તિહીન થઈને કાળની ગર્તમાં વિલીન થઈ ગયાં. જ્યારે બીજી બાજુ આપણે જોઈએ છીએ કે શ્રીરામકૃષ્ણ સંઘે જે અર્થઘટનો આપ્યાં એની ઊંડી અસર પડી. અર્થઘટનો વધારે વ્યાપક વિશ્વસનીય હતાં તે એની અસરો ઉપરથી પ્રદર્શિત નથી થતું? રામકૃષ્ણ સંઘની અત્યારની પ્રવૃત્તિઓ, એણે આચરણમાં મૂકેલો સેવાનો સિદ્ધાંત શ્રીરામકૃષ્ણદેવની ઈચ્છાની વિરુદ્ધ નથી, પરંતુ સાચું કહીએ તો એમની વિચારધારા અને એમના સંકલ્પો સાથે સુસંગત છે, એ સર્વ સામાન્ય હકીકતને પૂરવાર કરવાના હેતુથી જ આપણે આ બધી વાતોનો ઉલ્લેખ કરીએ છીએ. એમના ક્યા સુસ્પષ્ટ ઉપદેશમાંથી સેવાના સિદ્ધાંતનો ઉદ્ભવ થાય છે એ આપણે શોધવાનું રહ્યું. આપણે એ મનોવૈજ્ઞાનિક સંબંધ શોધી કાઢવાનો છે. આપણે એમ પૂછીએ કે જો સેવાનો સિદ્ધાંત એ શ્રીરામકૃષ્ણદેવનું લક્ષ્ય હતું તો પછી તેઓ જ્યારે જીવિત હતા ત્યારે જ એમણે એમના શિષ્યોને એ મુજબનો સીધેસીધો ઉપદેશ આપીને એમને એ પ્રમાણે કરવાની આજ્ઞા કેમ ન આપી? એમનો જવાબ સરળ છે જેનો ઉલ્લેખ સંઘના અધ્યક્ષશ્રી સ્વામી શિવાનંદે એમના એક પત્રમાં કર્યો છે કે, ‘શ્રીરામકૃષ્ણદેવ કે જેઓ અધ્યાત્મની ખૂબ જ ઊંચી અવસ્થાએ બિરાજતા હતા તેવા લોકો માટે સ્વાભાવિક રીતે જ લોકોનાં સાંસારિક દુઃખદર્દોને દૂર કરવાનું શક્ય જ નહોતું; પરંતુ એમ ધારી લેવું કે એ બધાંની એમને ચિંતા જ નહોતી એ બિલકુલ બરાબર નથી, પરંતુ એમણે જેનું આચરણ કર્યું અને સૂત્રાત્મક ભાષામાં ઉદ્‌ગારો રૂપે જણાવ્યું એની જ પાછળથી સ્વામી વિવેકાનંદ અને બીજાઓને અનુભૂતિ થઈ અને એમણે પણ એને આચરણમાં મૂક્યું અને આજે પણ મૂકે છે. આધ્યાત્મિક્તાની જે ઊંચામાં ઊંચી અવસ્થાએ તેઓ બિરાજતા હતા એ કક્ષાએ સ્વયં એમની પોતાની સારસંભાળ લેવાનું પણ એમને માટે શક્ય નહોતું, આથી એમણે પોતાના આધ્યાત્મિક વિચારોને, ખરી રીતે ઈશ્વરના આદેશથી, એવી યોગ્ય વ્યક્તિઓમાં સંક્રમિત કર્યા જેઓ એ વિચારોને તરત જ આત્મસાત્ કરે અને એ વિચારોમાં રહેલાં સત્યોને આત્મસાત્ કરે અને સમસ્ત માનવજાતના કલ્યાણ માટે એને અમલમાં મૂકે. આ બધામાં મહાનમાં મહાન હતા. સ્વામી વિવેકાનંદ… વસ્તુતઃ સ્વામીજી પોતે જ ગુરુદેવના જીવનના તથા ગુરુદેવના ઊંડા અને આધ્યાત્મિક વિચારોનાં સૂત્રાત્મક ઉદ્‌ગારોના મહાન ભાષ્યકાર હતા, શ્રીરામકૃષ્ણદેવ એક મહાન, પ્રભાવશાળી સામર્થ્ય ધરાવનાર પુરુષ હતા, અને એ સામર્થ્યને વધારે શક્તિશાળી બનાવવામાં તથા એનું વિશ્લેષણ કરવામાં આવે તો, જેવી રીતે ધર્મોના સમન્વયનો સિદ્ધાંત ઉદ્ઘૃત થયો છે એવો જ સેવાનો સિદ્ધાંત પણ એમાંથી નિશ્ચિતરૂપે અને નિર્ણાયક સ્વરૂપે ઉદ્ઘૃત થાય, એ એવી બાબતોના પ્રાણસમાન અને સારભૂત તત્ત્વ હતા કે જેનો માનવજાત માટે અમલ કરવામાં આવે તો તમામ ઉત્તમ, ભૌતિક, આધ્યાત્મિક અને માનસિક બાબતો માટે પ્રાણશક્તિ બની શકે એમણે આ પ્રાણશક્તિ પોતાના શિષ્યોમાં રેડી, અને આ પ્રમાણે કરતાં કરતાં, જગતના ઉદ્ધાર માટે જે કાંઈ આવશ્યક હતું તે બધું એમણે કર્યું. વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં એ પ્રાણશક્તિને કેવી રીતે વાસ્તવિક્તામાં પરિણત કરવી એ બાબતમાં એમણે બહુ સ્પષ્ટ ઉપદેશ આપ્યો નહિ. અને એની આવશ્યક્તા પણ નહોતી. કારણ કે એ પ્રાણશક્તિ એનાં યોગ્ય સ્વરૂપોમાં પ્રગટ થવાની જ હતી. એમાંનું એક સ્વરૂપ છે ‘સેવાનો સિદ્ધાંત’, હવે આપણું કામ છે શ્રીરામકૃષ્ણદેવની એ પ્રાણશક્તિ સાથે સેવાના સિદ્ધાંતનો સંબંધ શોધી કાઢવો.

ઈશ્વર માનવજાતનું કલ્યાણ કેવી રીતે કરે છે? શું ઈશ્વર લોકહિતના કાર્ય કરનારાઓને, લોકોની સેવા કેવી રીતે કરવી એ કાર્યોની વિગતવાર સૂચના આપે છે? ભલા અને સારા માણસોનાં હૃદયમાં એ એક પ્રાણશક્તિ તરીકે કાર્ય કરે છે, એ તો એમનાંમાં એક અપરિચિત પ્રેરણાસ્રોત તરીકે નિવાસ કરે છે અને એમને સેવાનાં કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કરે છે; વિગતો તો તેઓ પોતે જ વિચારી કાઢે છે અને આયોજન ઘડી કાઢે છે. આવી જ રીતે શ્રીરામકૃષ્ણદેવ એમના શિષ્યોનાં હૃદયમાં પ્રેરણાસ્રોત તરીકે બિરાજે છે – કારણ કે માનવીઓ જેમ જેમ ઈશ્વરની સન્મુખ જતા જાય છે તેમ તેમ સ્વભાવમાં કાર્યરીતિમાં અને અસરકારકતામાં વધારે ને વધારે એમના (ઈશ્વરના) જેવા જ થતા જાય છે. એમણે (ઈશ્વરે) પોતાને વ્યક્ત કરવાની જરૂર નથી. આથી જેમ સ્વામી શિવાનંદે કહ્યું છે તેમ એમણે (ગુરુદેવે) એવા યોગ્ય શિષ્યોને શોધી કાઢ્યા, જેઓ એમની આધ્યાત્મિક શક્તિને ઝીલી શકે. એમના જીવનના છેલ્લા દિવસોમાં એમનું મુખ્ય કાર્ય હતું શિષ્યોને યોગ્ય તાલીમ આપવાનું. એ વાત તો સારી પેઠે જાણીતી છે કે એમણે જીવનલીલા સંકેલી લીધી તે પહેલાં એમની પોતાની તમામ શક્તિઓને કેવી સ્વામી વિવેકાનંદમાં સંક્રમિત કરી દીધી. એમની પાસે જેઓ આવતા અને એમાંથી એમને જે યોગ્ય જણાતા તેમને તેઓશ્રી ઈશ્વર સાક્ષાત્કારને પંથે મંડ્યા રહેવાનું શા માટે કહેતા હતા એનું આ પણ એક કારણ છે. કારણ કે માનવી જ્યારે પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે ત્યારે જ એ માનવજાતના ભલા માટે કાર્ય કરવા માટે યોગ્ય અને સમર્થ વ્યક્તિ બને છે. તેઓ કહેતા કે ઈશ્વરી શક્તિથી જેઓ સંપન્ન બને તેઓ અદ્ભુત કાર્યો કરી શકે. પરંતુ એ શક્તિ ન હોય તો આખા જીવનનો પરિશ્રમ નિરર્થક બની જાય. આ બાબત એવું નથી સૂચવતી કે તેઓ ભલું કરવાની વિરુદ્ધમાં હતા. કેવળ આધ્યાત્મિક માનસ ધરાવતાં હોય એવા લોકોએ યોગ્ય આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જ પોતાની જાતને સમર્પિત કરી દેવી. જોઈએ. એવું તેઓ ઇચ્છતા હતા એનાં ઘણાં કારણો છે. આપણે જોઈએ છીએ કે સેવાનાં કાર્યોની વિરુદ્ધમાં એમણે જે સલાહ આપી. એવા પ્રસંગોને ચાર વિભાગમાં વહેંચી શકાયઃ

(૧) એવા ઘણા લોકો હતા જેઓ અહંકારી દૃષ્ટિકોણ ધરાવતા હતા જેવી રીતે બીજો કોઈ વ્યવસાય હાથમાં લે એવી જ રીતે લોકોનું ભલું કરવાનો વ્યવસાય પણ હાથમાં લે એવાં આ લોકો હતા. મનનું આ પ્રકારોનું વલણ સેવા કરનારનું પોતાનું નહિવત્ત ભલું કરે છે. અને સમાજને આંકડામાં ન મૂકી શકાય એટલું બધું નુકશાન પહોંચાડે છેઃ કારણ કે સામાજિક પ્રવાહો ચલાવવામાં સ્વયં પોતે જ કારણભૂત અથવા અંગભૂત છે એવું એ માનતા હોવાથી તેઓ વારંવાર વસ્તુઓનો વિનાશ વેરે છે અને છેવટે જે હાનિકારક નીવડે એવી વસ્તુઓને દાખલ કરી દે છે. આવા વર્ગો પ્રત્યેનો શ્રીરામકૃષ્ણદેવનો પ્રતિકાર કટાક્ષયુક્ત અને તીવ્ર હતો; આવા લોકોને એ યાદ અપાવતા કે આ જગતની સંભાળ રાખનાર ઈશ્વર હજી બેઠો છે.

(૨) વિદ્યાસાગર, શંભુ મલ્લિક, ઇશાન મુખર્જી વગેરે જે વર્ગના પ્રતિનિધિઓ હતા, તેમને સાચેસાચ માનવજાતનાં દુઃખ દર્દ પ્રત્યે હમદર્દી હતી અને એ બધાં એવું વિચારતા કે સેવાનું ધ્યેય એ જ એક આખરી ધ્યેય છે. શ્રીરામકૃષ્ણદેવે જોયું કે આ પ્રકારનો વિચાર એ લોકોની ઉચ્ચપ્રકારની અનુભૂતિની આડે આવતો હતો. અને આથી જ તેમણે વિદ્યાસાગરની બાબતમાં ટીકા કરી હતી, ઇશાનને તમામ કાર્યો બંધ કરી દેવાની ભારપૂર્વક સલાહ આપી હતી અને શંભુ મલ્લિકને કટાક્ષભર્યો પ્રશ્ન કર્યો હતો કે જો એ ઈશ્વરની પ્રાપ્તિ કરે તો શું એમની પાસેથી શાળાઓ અને હૉસ્પિટલોની માગણી કરશે! તેઓ એમને માત્ર એ જ વસ્તુની એમને યાદ દેવડાવવા માગતા હતા કે ભલું કરવું એ તો ઉચ્ચ પ્રકારની અનુભૂતિ – ઈશ્વરની અનુભૂતિ – માટેનું સાધન માત્ર છે અને લોકોનાં ભલાં કાર્યો કરવાં એ આખરી ધ્યેય નથી. અહીં એક આદર્શ હિંદુની નિર્ભ્રાન્ત આંતરિક વૃત્તિ શ્રીરામકૃષ્ણદેવ મારફત બોલતી હતી. હિંદુ ધર્મ એ બાબત ક્યારેક ભૂલતો નથી કે પરમોચ્ચ સત્ય આગળ ઊંચામાં ઊંચી પરોપકારની ભાવના પણ અપર્યાપ્ત છે : એમાં પણ અજ્ઞાન અને અહંકારની ભાવના સમાયેલ છે. આને આપણે ઓળંગી જવી જોઈએ. દયાનું તત્ત્વ અને સેવાના હેતુની સભાનતા માનવીય છીએ, માટે એને દૂર કરી દેવાં જોઈએ.

(૩) એક ત્રીજો વર્ગ છે એમના અંતરંગ શિષ્યોનો, જેઓ માટે તેમની એવી ઇચ્છા હતી કે તેઓ કેવળ ઈશ્વર સાક્ષાત્કારનો માર્ગ જ ગ્રહણ કરે, કારણ કે એમની એવી ઇચ્છા હતી કે તેઓ ઊંચામાં ઊંચા જ્ઞાનમાં કુશળતા કેળવે અને એમની (ગુરુદેવની) શક્તિશાળી અનુભૂતિને ઝીલી શકે અને ત્યારબાદ મનુષ્યની સેવામાં – તેમની અસરકારક સેવામાં સમર્પિત થઈ શકે. આ બધાં કારણોને લીધે જ એમણે સેવાના સિદ્ધાંતને પ્રત્યક્ષ રીતે ઉપદેશ આપ્યો નહોતો. એઓ પોતે અખંડ આધ્યાત્મિક યોજનાના સાર તત્ત્વ સાથે પૂરેપૂરા રોકાયેલા હતા. એમણે જાણ્યું કે જમીન ફળદ્રૂપ છે અને વૃક્ષ એની મેળે જ ઊગી આવશે એટલે એમણે બીજ વાવ્યું. સેવાના સિદ્ધાંત એમના જીવનમાં અને ઉપદેશોમાં અંતર્નિહિત હતા.

આપણે જણાવ્યું કે શ્રીરામકૃષ્ણદેવ પોતાને ચોક્કસ સિદ્ધાંતોની સીમામાં બાંધવા ઇચ્છતા નહોતા. પરંતુ એમની અનુભૂતિનાં મહત્ત્વપૂર્ણ તત્ત્વો, સામાન્ય રીતે, અભિવ્યક્ત થએલાં દેખાય છેઃ (૧) મનુષ્યનું એક માત્ર કર્તવ્ય છે ઈશ્વર અથવા સત્યનો સાક્ષાત્કાર કરવાનું; અને (૨) જે વિવિધ ધાર્મિક મતો સારી પેઠે જાણીતાં છે તે બધા ઈશ્વર અને સત્ય તરફ જવાના જ માર્ગો છે. એમણે આપેલા બોધમાં આ બે ઉપદેશો ઉપર વારંવાર ભારપૂર્વક કહેવામાં આવ્યું છે એમ આપણને જોવા મળે છે. પહેલો બોધ મૂળભૂત છે. કારણ કે એનો અભિગમ આધ્યાત્મિક જીવન તરફ છે. જે દર્શાવે છે કે માનવી જે કાંઈ કરે તે બધું માત્ર ઈશ્વર તરફ જવાના માર્ગે જ થવું જોઈએ. આ ઉપરથી એ બાબત ફલિત થાય છે કે પૂજા કરવી એ દરેક મનુષ્યની ફરજ છે. જો કે કેટલેક અંશે એ સેવાનો સિદ્ધાંત ગણી શકાય, પરંતુ પૂર્ણરૂપે ગણી શકાય નહિ. કર્તવ્યનો સામાન્ય અર્થ, ઘરગથ્થુ ફરજો, એમ થાય. સામાન્ય માનવીનું કાર્યક્ષેત્ર સાધારણ રીતે પારિવારિક સંબંધો પૂરતું મર્યાદિત હોય, જેમાં સામાજિક કર્તવ્યો માટે બહુ ઓછો અવકાશ હોય. સેવાનો સિદ્ધાંત આના કરતાં ઘણું વધારે સૂચવે છે; સમગ્ર માનવજાતની પછી તે પડોશમાં હોય, દેશમાં હોય કે વિશ્વમાં હોય, તેમની સેવાને એ સિદ્ધાંત મનુષ્યનું કર્તવ્ય બનાવે છે. ક્ષિતિજને એ ખૂબ વધારે પ્રમાણમાં વિશાળ બનાવી દે છે. આથી માણસની જે કોઈ ફરજો હોય એનું આધ્યાત્મીકરણ કરવું એ જ માત્ર કાંઈ સેવાનો સિદ્ધાંત નથી, પરંતુ નવી વધારાની ફરજોનું તત્ત્વ ઉમેરાયેલું છે. ગુરુદેવના પ્રથમ બોધમાંથી આ ઉમેરો તરી આવતો દેખાતો નથી. અમારા અભિપ્રાય મુજબ એ તો એમના બીજા બોધમાંથી ફલિત થાય છે, જેમ કે બધા ધર્મોનો સમન્વય. એ એમનો અનુપમ ઉપદેશ હતો. તેમ છતાં આપણે એમ કહેવું જોઈએ કે એ કેવળ આધ્યાત્મિક ઉપદેશ ન હતો. સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત એ દર્શાવે છે કે માણસ પોતે જે ધાર્મિક માન્યતા ધરાવતો હોય તેટલી જ બીજી ધાર્મિક માન્યતાઓ પણ પોતાની ધાર્મિક માન્યતાની જેમ જ ઈશ્વર સાક્ષાત્કારનાં સારાં સબળ સાધનો છે અને આથી કોઈએ પણ એ બધા તરફ ધર્માંધતાનું વલણ રાખવું જોઈએ નહિ, બલકે એમનો આદર કરવો જોઈએ. એમ ધારો કે કોઈ આ ઉપદેશને અનુસરતા નથી. વ્યક્તિગત આત્મ-સાક્ષાત્કારના માર્ગમાં શું તે અવરોધરૂપ નીવડશે? ના; કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે ભ્રમિત થઈ ગયેલા મ્લેચ્છો તરીકે જોતા હતા તેવા – ઘણા ખ્રિસ્તીઓએ પણ ઈશ્વર-સાક્ષાત્કાર કરેલો છે. પોતાની આધ્યાત્મિક પ્રગતિ માટે, ધર્માંધતા કાયમ માટે નુકસાનકારક નીવડતી નથી, પરંતુ તે બુદ્ધિને ઢાંકી દે છે અને એને લીધે સામાજિક પ્રત્યાઘાતો આવે છે અને એનાથી સામાજિક કુસંપ અને ગેરસમજણ પેદા થાય છે. તેથી જ સર્વધર્મ સમન્વયનો ઉપદેશ આપવામાં આવ્યો છે, એની પાછળ ગણતરી પણ એ જ છે કે એ સામાજિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એકતા અને સંપ લાવે છે. અમે કહીએ છીએ કે (સર્વધર્મ સમભાવ) એ આંતરિક રીતે આધ્યાત્મિક નથી. એ ધર્મમાં પછી અહીં આપણી પાસે ગુરુદેવનો એક ઉપદેશ છે જે આધ્યાત્મિક કરતાં વધારે સામાજિક સેવાના પક્ષમાં છે. સેવાના સિદ્ધાંતની સાથે શું એને કાંઈ લેવા દેવા છે?

પરંતુ આપણે એ પણ ન સમજવું જોઈએ કે સર્વધર્મ સમન્વયના સિદ્ધાંતને કોઈ પણ આધ્યાત્મિક આધાર જ નથી. એ એક નવો આધ્યાત્મિક આદર્શ પ્રસ્તુત કરે છે એમાં જ એનું આધ્યાત્મિક પાસું છે. સામાન્ય ખ્યાલ એવો છે કે દરેક મનુષ્ય ઈશ્વરના કોઈ એકાદ પાસાનો સાક્ષાત્કાર કરવો જોઈએ. આ ઉપદેશ આપણને એમ શીખવે છે કે દરેક મનુષ્ય ઈશ્વરનાં શક્ય એટલા બધાં પાસાંઓનો સાક્ષાત્કાર કરવો જોઈએ. જેમાં એક રંગરેજ રંગના એક જ કુંડાંમાંથી જુદા જુદા રંગો ઉત્પન્ન કરે છે એ શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંત કથા ખૂબ સાંકેતિક છે. આપણે સૌએ એ રંગરેજ જેવા બનવું જોઈએ અને ઈશ્વરનો સાક્ષાત્કાર એમના તમામ પાસાંઓમાં કરવો જોઈએ. આ નવો યુગ એવા પ્રકારનો મનુષ્ય ઇચ્છે છે કે જે વૈશ્વિક અનુકંપા ધરાવી શકે, અને માત્ર અનુકંપા કરે એટલું જ નહિ પરંતુ શ્રીરામકૃષ્ણદેવે કર્યું એવી રીતે બધાજ ધર્મોની સાથે પોતે અભિન્નપણે જોડાઈ શકે. પરંતુ સમન્વયનો અર્થ માત્ર ધર્મો પ્રત્યે કરુણાભાવ રાખવો એટલો જ થાય તો એની બહુ ઓછી ઉપયોગિતા રહે. કારણ કે માનવી માનવી વચ્ચેના સામાજિક વ્યવહારમાં ધર્મ એ તો સોમો ભાગ પણ નથી. શું એને માનવજાતના સામાન્ય વ્યવહાર સાથે પણ કોઈ સંબંધ નથી તો પછી જ્યારે આપણા દૈનંદિન જીવનમાં લોકોને મળીએ છીએ ત્યારે આપણે જે તે સમયે શું સમન્વય સાધવાનો નથી? ઓછામાં ઓછું શ્રીરામકૃષ્ણદેવ આવો સમન્વય સાધતા. દરેકેદરેક માનવીના દૃષ્ટિબિંદુ સાથે, પછી તે આધ્યાત્મિક હોય કે સાંસારિક, પરંતુ શ્રીરામકૃષ્ણદેવ એની સાથે કેવી રીતે અભિન્નપણે જોડાઈ જવું એ જાણતા હતા. આની પાછળનું રહસ્ય શું છે? એ હતું એમનું દરેક માનવીમાં રહેલી દિવ્યતાના પ્રગટ કરવાનું દર્શન, એમને મન દરેક જીવન એ ધાર્મિક હતું. સ્વામી વિવેકાનંદે આ જ અનુભૂતિને આ શબ્દોમાં અદ્ભુત રીતે વ્યક્ત કરીઃ ‘શું દરેક માણસ માટે અલગ ધર્મ હોય એવું બનશે?’ એટલે જ એમણે એમના એક પ્રવચનમાં જણાવ્યું હતું કે દરેક જીવન ધાર્મિક છે. આ રીતે દરેક માણસને જુઓ, એ જ ધાર્મિક સમન્વય સાચી રીતે ઓળખવા અને સમજવા બરાબર છે. અને ત્યારે જ વૈશ્વિક શાંતિની સ્થાપના, જે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોનો સાચો હેતુ હતો એ પરિપૂર્ણ થયો ગણાશે. પ્રત્યેક માનવી તરફનું આ નવું વલણ અને માનવીની ઈશ્વર તરીકે પૂજા કરવી એ બન્ને સમાન છે. કારણ કે જ્યાં સુધી આપણે દરેક જીવનને એ ઈશ્વરની અભિવ્યક્તિ છે એ રીતે વિચારીશું નહિ ત્યાં સુધી આપણે સાચી રીતે સમન્વયકારી થઈ શકીશું નહિ. અહીં જ મનોવૈજ્ઞાનિક સંબંધ છેઃ કારણ કે સમન્વયનું અને સેવાનું એમ બંને વલણો માનવીની અંતરનિહિત દિવ્યતાની ચેતનામાંથી સ્ફૂરે છે. હકીકતમાં, અમારી એ દૃઢ માન્યતા છે કે જ્યાં સુધી સેવાની ભાવના નહિ હોય ત્યાં ધાર્મિક સમન્વય એ તો માત્ર શાબ્દિક અને પોલી અભિવ્યક્તિ જ બની રહેવાની. કારણ કે એ અનુભૂતિ માત્ર વિચારોમાં જ નહિ પરંતુ કાર્યમાં ઓતપ્રોત થઈ જવી જોઈએઃ અને જ્યારે એ મુજબ થશે ત્યારે આ પ્રમાણે બેવડો આવિષ્કાર સધાશે. એક જ સત્ય માત્ર એ બે પાસાં જ છે. આપણા આદરણીય અધ્યક્ષ શ્રી શિવાનંદજી મહારાજે કહ્યું છે એ મુજબ સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણદેવના જીવનનું અર્થઘટન કરનારા તથા ગુરુદેવના સૂત્રાત્મક ઉપદેશોના ભાષ્યકાર હતા. ગુરુદેવે એમની અનુભૂતિને એમના શિષ્યોમાં રેડી દીધી હતીઃ એ અનુભૂતિ બીજું કશું જ નહિ પરંતુ એમને થયેલ સત્ય અને વિશ્વનું અદ્વૈત દર્શન હતું. આ દર્શન જ્યારે માનવીમાં સાચી રીતે અને સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ જાય છે ત્યારે એની અભિવ્યક્તિ તાત્ત્વિક અને પ્રાસંગિક ભૂમિકાએ થાય છે. ઇંદ્રિયાતીત ભૂમિકાએ અનુભવાતી દિવ્યતાની સાથેનું ઐક્ય સધાય છેઃ પ્રાસંગિક ભૂમિકા એ ઈશ્વર સાથેનો ખેલ છે. જ્યાં ઈશ્વર પોતાને ઈશ્વરનાં રંગબેરંગી સ્વરૂપોમાં વિવિધ પ્રકારે અભિવ્યક્ત કરે છે. આ પ્રાસંગિક પાસું પણ ફરીથી સમન્વય અને સેવા એમ બે સ્વરૂપોમાં આકાર લે છે. પૃષ્ઠભૂમિ એ તો અદ્વૈત ચેતના જ છે. આ બધી મૂળભૂત મનોવૈજ્ઞાનિક હકીકતો છે અને આપણે આ બધી હકીકતોમાં સ્વામી વિવેકાનંદના સેવાના સિદ્ધાંતનું ઉગમ સ્થાન શોધી શકીએ છીએ. સામાન્ય ભૂમિકાએ પ્રેમ અને કરુણામાંથી જ સેવાનો ભાવ ઉત્પન્ન થાય છે પરંતુ સતત અભ્યાસને કારણે આપણી કરુણામાંથી સાંસારિક દોષોનું શુદ્ધીકરણ થાય છે, અને જ્યારે આપણે દુઃખ દર્દથી પીડાતી માનવજાતને ઈશ્વર સ્વરૂપો (સ્વામી વિવેકાનંદ કહે છે તે મુજબ, આપણને સેવાની તક આપવા માટે જ એમણે લીધેલાં છે.) તરીકે ઓળખતા થઈશું ત્યારે આપણને જણાશે કે આપણને માનવીઓમાં દેખાતી ઈશ્વરી ચેતના એ જ સેવાનો હેતુ છે, અને આ સેવા ઈશ્વર સાક્ષાત્કારનું અસરકારક સાધન બને છે. આ જ સેવાનો સિદ્ધાંત છે. જ્યાં સુધી શ્રીરામકૃષ્ણ સંઘને લાગેવળગે છે ત્યાં સુધી એનો સ્રોત એ મનોવિજ્ઞાનમાંથી પ્રાપ્ત થાય છે જે શ્રીરામકૃષ્ણદેવના સમગ્ર ઉપદેશોના મૂળમાં છે અને ખાસ કરીને એમના સર્વધર્મ સમન્વયના ઉપદેશમાં છે. સાચી હકીકત એ છે કે શ્રીરામકૃષ્ણદેવ તથા સ્વામી વિવેકાનંદ બન્નેએ જીવન પ્રત્યેની અને સત્ય પ્રત્યેની એક દૃષ્ટિ આપણને શીખવી છે. અને એને દૃષ્ટાંતો દ્વારા પ્રમાણિત કરી છે. સર્વધર્મ સમન્વય અને સેવા એ બંને એ જ દૃષ્ટિમાંથી પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે સ્વામી વિવેકાનંદનો બીજો સિદ્ધાંત કે પાપ જેવી વસ્તુ છે જ નહીં એ પણ એ જ દૃષ્ટિમાંથી પ્રાપ્ત થાય છે. આ બધાંની ઉત્પત્તિ અદ્વૈત ચેતનામાંથી થાય છે.

આ પ્રશ્નની સમજ એ પ્રકારે છે. શ્રીરામકૃષ્ણદેવે સ્વામી વિવેકાનંદને તથા અન્ય શિષ્યોને જેનાથી વૈશ્વિક સેવાની ભાવના જાગૃત થાય અને અંતે એક તરફ રાષ્ટ્રીય પુનર્નિર્માણનાં વિવિધ પાસાંઓમાં સહાયભૂત થાય અને બીજી તરફ કાર્યકરોનાં હૃદયોને વિશુદ્ધ બનાવે અને આત્મસાક્ષાત્કાર કે જે માનવ જીવનનું એક માત્ર લક્ષ્ય છે તેના પંથે દોડી જાય, એવા સાંસારિક કાર્યો કરવાં તથા મનુષ્ય માત્રની સેવા કરવા માટે તથા સેવાના સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા માટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નહિ હોય, પરંતુ શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાં એવી વસ્તુ છે જે આપણને એ બધા તરફ સીધી રીતે અને અનિવાર્યપણે દોરી જાય છે. જો શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશો સ્વામી વિવેકાનંદ અને અન્ય શિષ્યો રૂપી ફળદ્રુપ જમીનમાં બીજ રૂપે હતા તો એક વિશાળ વૃક્ષના સ્વરૂપમાં આકાર પામ્યા અને સેવાનો સિદ્ધાંત એ વૃક્ષની એક ડાળી છે.

અનુવાદક : શ્રી વાલ્મીકભાઈ દેસાઈ
(પ્રબુદ્ધ ભારત : ફેબ્રુ. ૧૯૨૮ માંથી સાભાર)

Total Views: 85

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.