અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવા યોગીન્દ્ર મોહિની વિશ્વાસ ઠાકુરનાં મુખ્ય શિષ્યાઓમાંના એક હતાં. પૂજ્ય શ્રી શ્રીમા શારદામાનાં એ જીવનસાથી જેવાં હતાં.

મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત હતો મૂળ અંગ્રેજી ગ્રંથમાંથી અનુવાદિત ન થયેલા કેટલાક અંશ અમે ક્રમશઃ ધારાવાહિક રૂપે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં ભાવિકોના લાભાર્થે આપીએ છીએ. આ અનુવાદ કાર્ય શ્રીદુષ્યંત પંડ્યાએ કર્યું છે. અપેક્ષા છે કે ભાવિકોને શ્રી શ્રીમાની વાણી મનની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ સાધવામાં સંતર્પક નીવડશે. – સં.

શ્રીરામકૃષ્ણની સાથે મારી ઓળખાણ કરાવાઈ તે પછી થોડા દિવસ બાદ હું દક્ષિણેશ્વર ગઈ. ત્યાં પહોંચવાની ઉતાવળમાં હું જમી ન હતી એ જાણી ઠાકુર બોલ્યા, ‘અરે! તમે હજી જમ્યાં નથી. નોબતખાને જઈ કઢીભાત ખાઈ લો.’ ત્યાં જઈ પૂજ્ય માને હું પહેલી વાર મળી. રામનાં મા (બલરામ બોઝનાં પત્ની) અને બીજાં કેટલાંક બહેનો ત્યાં એક બે વાર જઈ આવ્યાં હતાં. એમણે માને કહ્યું કે હું જમી નથી, તરત જ માએ મને કઢી, ભાત, લુચી (પૂરી) અને એમની પાસે બીજું જે કંઈ હતું તે પીરસ્યું. આ મારી પહેલી મુલાકાતે જ હું એમની ઘણી નિકટ આવી ગઈ. બીજી વાર હું દક્ષિણેશ્વર ગઈ ત્યારે રામલાલદાદાના લગ્નમાં જવા માટે મા કામારપુકુર જવાની તૈયારી કરતાં હતાં. ઘણા બધા દિવસ સુધી હવે એમને નહીં મળી શકું એ વિચારે મને ખૂબ ખેદ થયો. પ્રવાસે નીકળતાં પહેલાં મા ઠાકુરને પ્રણામ કરવા માટે આવ્યાં. ઠાકુર ઉત્તરની પરસાળમાં આવ્યા તે એ માટે કે મા ત્યાં તેમની ચરણરજ લઈ શકે. ઠાકુરે કહ્યું: ‘કાળજીપૂર્વક હરજો ફરજો. નાવમાં કે રેલગાડીના ડબ્બામાં કશું ભૂલી ન જવાય તેનું ધ્યાન રાખજો.’ એ બંનેને સાથે જોવાની મારી ઇચ્છા હતી અને એ દહાડે પૂરી થઈ. મા નાવમાં બેસીને ગયાં, નાવ દેખાતી રહી ત્યાં સુધી મારી નજર તેની પર જ ખોડાઈ રહી હતી. નાવ દેખાતી બંધ થઈ એટલે હું નોબતખાને ગઈ. ત્યાં જે સ્થાને બેસી મા ધ્યાન કરતાં હતાં ત્યાં જઈ હું ખૂબ રડી. દક્ષિણ તરફ દૃષ્ટિ રાખી આથમણી બાજુની પરસાળમાં હું ધ્યાનમાં બેઠી. નોબતખાના પાસેથી પસાર થતાં ઠાકુરે મારાં ડુસકાં સાંભળ્યાં. એમના ઓરડામાં હું ગઈ ત્યારે, એમણે મને પૂછ્યું: ‘એમના જવાથી તમને ખૂબ ગ્લાનિ થઈ છે શું?’ પછી જાણે મને આશ્વાસન આપવા માટે, પોતે દક્ષિણેશ્વરમાં જે આધ્યાત્મિક સાધનાઓ કરી હતી તેની વાત કરવા લાગ્યા. અંતે એમણે કહ્યું: ‘આ બધું કોઈને કહેશો નહીં.’ ગૃહિણી તરીકે હું ખૂબ શરમાળ સ્વભાવની હતી પણ, એ પ્રસંગે ઠાકુર સાથે મેં ખૂબ વાતો કરી અને એમની નિકટ લાંબો સમય બેઠી. મા દોઢ વરસ પછી દક્ષિણેશ્વર પાછા આવ્યાં. ‘મને જમવાની તકલીફ પડે છે’ એમ ઠાકુરે એમને લખ્યું હતું. માના પાછા આવ્યા પછી ઠાકુરે એમને કહ્યું: ‘મોટી, સુંદર આંખોવાળી પેલી છોકરી તમને ખૂબ ચાહે છે. તમે ગયાં તે દહાડે નોબતખાનામાં બેસી એ ખુબ રડી હતી.’ માએ ઉત્તર આપ્યોઃ ‘હા, એનું નામ યોગિન છે.’

હું ક્યારેય પણ દક્ષિણેશ્વર જઉં ત્યારે, મા મને બધી ઘટનાઓની વાત કહેતાં. એ મારી સલાહ લેતાં. હું એમના વાળ ઓળતી. હું એમના વાળની લટ લેતી. મારી લીધેલી લટ એમને એટલી ગમતી કે નહાતી વખતે પણ મા ત્રણ ચાર દિવસ સુધી એ છોડતાં નહીં. એ કહેતાં, ‘ના, યોગિને આ લટ લીધી છે. એ આવશે તે દિવસે હું એ છોડીશ.’ ઠાકુર પાસે હું દર સાત-આઠ દહાડે જતી. ઘેર શિવપૂજન માટે દક્ષિણેશ્વરથી હું બિલીપત્ર લઈ જતી. એ પાન સુકાઈ જાય ત્યાર પછી પણ હું શિવને તે ચડાવતી. એક દિવસ માએ પૂછ્યું: ‘યોગિન, તું સૂકાં બિલીપત્ર વડે પૂજા કરે છે?’

યોગિન માઃ ‘હા, મા, પણ તમને એ ખબર કેવી રીતે પડી?’

મા: ‘આજે સવારે મારા ધ્યાનમાં સૂકાં બિલીપત્રથી તને પૂજા કરતી મેં જોઈ.’

એક દહાડો મા પાનનાં બીડાં બનાવતાં હતાં ત્યારે નોબતખાને હું બાજુમાં બેઠી હતી. મેં જોયું કે કેટલાંક બીડાંઓમાં એ એલચીના દાણા નાખતાં હતાં અને બીજાં કેટલાંક માત્ર સોપારી અને ચૂનાવાળાં જ હતાં. મેં પૂછ્યું: ‘આમાં કેમ તમે એલચી નથી નાખતાં?’ માએ જવાબ આપ્યો, ‘યોગિન, આ સુગંધી બીડાં ભક્તો માટે છે, એમને મારે પોતાના કરવા છે. આ સાદાં ઠાકુર માટે છે, એ તો મારા જ છે.’

માનો અવાજ મધુર હતો. એક રાતે એ અને લક્ષ્મીદીદી ધીમે અવાજે ગાઈ રહ્યાં હતાં. એ ગાન ઘણું લલિત હતું અને ઠાકુરને કાને તે પહોંચ્યું. બીજે દિવસે ઠાકુર કહેઃ ‘ગઈ કાલે તમે ગાતાં હતાં, એ સારું છે, ઘણું સારું છે.’

પોતે દક્ષિણેશ્વર હોય ત્યારે આરામ માટે માને જરાય સમય મળતો નહીં. ત્યાં આવતા ભક્તો માટે એમને ત્રણ સાડાત્રણ શેર જાડા લોટની રોટલી બનાવવી પડતી. પાનનાં બીડાં પણ કેટલાં બધા તૈયાર કરવાં પડતાં! પછી ઠાકુર માટે દૂધ કઢવું પડતું કારણ, એમને મલાઈ ભાવતી. પછી ઠાકુર માટે એ ઝોલ (રસવાળું શાક) બનાવતાં. પોતાનાં મા હયાત હતાં ત્યાં સુધી ઠાકુર નોબતખાને જમતા. એમના અવસાન પછી એ પોતાને ઓરડે જમવા લાગ્યા. પુરુષભક્તો હાજર ન હોય તેવે દિવસે, સ્નાન પહેલાં મા ઠાકુરને તેલમર્દન કરતાં. એક વાર ઠાકુરે ગોલાપદીદીને પોતાનું જમવાનું લાવવા કહ્યું. તે દિવસથી રોજ ગોલાપદીદી જ ઠાકુરની થાળી લઈ જવા લાગ્યાં. આમ થતાં ઠાકુરને જોવાની માની એકમાત્ર તક પણ છીનવાઈ ગઈ. ગોલાપદીદી ઠાકુર પાસે લાંબી વાર રોકાતાં અને કોઈક સાંજે તો રાતના દસ સુધીયે નોબતખાને પાછાં ન આવતાં. ગોલાપદીદીનું ભાણું માને પરસાળમાં સાચવી રાખવું પડતું ને એથી અગવડ પડતી. એક દહાડો ઠાકુરે એમને બોલતાં સાંભળ્યાં: ‘ભલે આ કૂતરાં બિલાડાં ખાઈ જાય. હું ક્યાં સુધી ચોકી કર્યા કરું?’ બીજે દિવસે ઠાકુરે ગોલાપદીદીને કહ્યું : ‘તમે અહીં વધારે પડતો સમય ગાળો છે તેથી એમને અગવડ પડે છે. તમારા ભાણાનું ધ્યાન રાખતાં એમને બેસી રહેવું પડે છે.’ ‘ના,’ ગોલાપદીદી બોલ્યાં, ‘મા મને ખૂબ વહાલ કરે છે અને દીકરીની માફક મને નામ લઈને બોલાવે છે.’ ઠાકુર પાસે પોતાનું જવાનું બંધ થવાથી માને થતી પીડા ઠાકુર સમજી શક્યા હતા પણ ગોલાપદીદી સમજી શક્યાં ન હતાં.

એક દિવસ ગોલાપદીદીએ માને કહ્યું: ‘મા, મનમોહનની મા કહેતી’તી : ઠાકુર આવા મહાન ત્યાગી તોયે, મા કાનમાં એરિંગ અને બીજાં ઘરેણાં પહેરે છે.’

બીજે દહાડે હું દક્ષિણેશ્વર ગઈ ત્યારે, મેં જોયું કે પોતાના હાથમાં બે કંકણ સિવાય એમણે બીજાં બધાં ઘરેણાં કાઢી નાખ્યાં હતાં. આથી આશ્ચર્ય પામી મેં પૂછ્યું, ‘મા, આ શું છે?’ મા બોલ્યાંઃ ‘ગોલાપ કહેતી’તી કે…’

ખૂબ આગ્રહ કર્યા પછી, એરિંગ અને બીજા બે એક અલંકારો એમને પહેરાવવામાં હું સફળ થઈ. પણ શરીરેથી અળગા કરેલા બીજા બધા અલંકારો એમણે કદી ફરી ધારણ ન કર્યા કારણ, આ પછી તરત જ ઠાકુર બીમાર પડ્યા.

મા પહેલી વાર દક્ષિણેશ્વર આવ્યાં ત્યારે, ગૃહસ્થ ઘરના પ્રશ્નોની એમને બહુ સમજ ન હતી તેમજ, તેમને ભાવસમાધિ પણ ન થતી. કારણ, એમને સ્વમુખેથી જ મેં સાંભળ્યું છે કે, પોતે દક્ષિણેશ્વર પહેલી વાર આવ્યાં તે દિવસોમાં ઠાકુર એમને પોતાની સાથે જ રાતે રાખતા અને બંને રાતે એક જ ખંડમાં સૂતાં. ઠાકુર મોટી પથારીમાં સૂતા અને મા નાની પાટ પર સૂતાં. મા કહેતાં ‘ઠાકુરને સમાધિ થતી અને હું સૂઈ ન શક્તી. બીકની મારી હું એમને એમ પડી રહેતી ને રાત ક્યારે વીતે તેની ચિંતા કરતી એક વાર એમની સમાધિ ઊતરવાનાં કોઈ ચિહ્ન જ દેખાયાં નહીં. હું ખૂબ ગભરાઈ અને કાલીની મા (એક દાસી)ને કહી હૃદયને બોલાવ્યો. હૃદય આવ્યો અને મોટેથી ભગવાનનું નામ બોલવા લાગ્યો એથી એ ભાનમાં આવ્યા. બીજે દિવસે જુદી જુદી સમાધિ વખતે બોલવાનો મંત્ર મને ઠાકુરે શીખવી દીધો.’

માના પરિચયમાં આવ્યે મને થોડા દહાડા થયા હશે ત્યારે, એક દિવસે એમણે મને કહ્યું: ‘જરા એમને કહેને કે મને પણ ભાવસમાધિનો અનુભવ ગમશે. હું એમને ક્યારેયે એકલા તો જોતી જ નથી કે એમને આ વાત હું કરી શકું.’

માની જ આ વિનંતી હોઈ, હું ઠાકુરને એ કહ્યું એ મને બરાબર લાગ્યું. બીજે દહાડે સવારે હું ઠાકુરના ઓરડામાં ગઈ ત્યારે પથારીમાં એ એકલા બેઠા હતા. એમને પ્રમાણ કરી મેં એમને માની વિનંતીની વાત કરી. કશું બોલ્યા વગર એ સાંભળી, ઠાકુર એકદમ ગંભીર થઈ ગયા. આવા ગંભીર ભાવમાં એ હોય ત્યારે એમની સમક્ષ એક શબ્દ બોલવાની કોઈની હિમ્મત ચાલતી નહીં. એટલે, થોડી વાર મૂંગા બેઠા પછી હું ત્યાંથી રવાના થઈ. નોબતખાને આવતાં જોયું કે મા નિત્યપૂજા કરી રહ્યાં હતાં. જરાક બારણું ખોલ્યું તો મા હસતાં દેખાયાં. એ ઘડીક હસતાં હતાં ને ઘડીક રડતાં હતાં. એટલે બારણું વાસી હું પાછી ચાલી આવી. ઠીક ઠીક સમય વીત્યા પછી મેં ફરી દરવાજો ખોલ્યો. માએ પૂછ્યું: ‘ઠાકુર પાસેથી શું તું હજી ચાલી જ આવે છે?’ મેં કહ્યું: ‘મા, તમે એમ કેમ કહો છો કે તમને કદી ભાવસમાધિ થતી નથી?’ શરમાઈને મા હસવા લાગ્યાં.

એ બનાવ પછી, અવારનવાર દક્ષિણેશ્વરમાં હું રાત રોકાવા લાગી. હું જુદી પથારીમાં સૂવા માગતી હતી પણ, મા મને કદી તેમ સૂવા ન દેતાં. મને એ પોતાના પડખામાં ઘસડી જતાં. એક રાતે કોઈ વાંસળી વગાડતું હતું. વાંસળીના સૂર સાંભળી મા સમાધિમાં સરી પડ્યાં અને અવારનવાર એ હસવા લાગ્યાં. ખંચકાઈને હું પથારીને ખૂણે બેઠી. લાંબો સમય વીત્યો. ઘણી વાર પછી મા સામાન્ય સ્થિતિમાં પાછાં આવ્યાં.

એક વાર બલરામ બસુના ઘરની અગાશીમાં ધ્યાન કરતાં મા સમાધિમાં સરી પડ્યાં. બાહ્ય ભાન આવ્યા પછી એ બોલ્યાં, ‘હું બહુ દૂરના દેશમાં ગઈ છું એવું મેં અનુભવ્યું ત્યાં મારી સાથે સૌ ખૂબ માદર્વથી વર્તતાં હતાં, મારું રૂપ ખૂબ સુંદર થઈ ગયું. ત્યાં ઠાકુર ઉપસ્થિત હતા. એમણે મને પોતાની બાજુમાં બેસાડી. ત્યારે મેં અનુભવેલો આનંદ હું વર્ણવી શકું તેમ નથી. મને થોડું દેહભાન થયું ત્યારે, મારો દેહ ત્યાં બાજુમાં પડેલો મને દેખાયો. પછી મને વિસ્મય થવા લાગ્યું. એ નશ્વર શબમાં હું શી રીતે પ્રવેશી શકીશ? એમાં ફરી દાખલ થવાની મને જરીય ઇચ્છા ન થઈ. કેટલીયે વાર પછી મેં મારી જાતને સમજાવી, એમાં દાખલ થઈ અને મારું દેહભાન પુનઃ જાગ્રત થયું.

એક સાંજે નીલાંબર બાબુના ઘરની અગાશીમાં બેસીને મા, ગોલાપદીદી અને હું ધ્યાન કરતાં હતાં. મારું ધ્યાન પૂરું થયા પછી મેં જોયું કે, મા હજી ઊંડા ધ્યાનમાં હતાં અને સમાધિમાં સ્થિર બેઠાં હતાં. ઘણી વેળા વીત્યા પછી એ અર્ધ જાગ્રત દશામાં આવ્યાં ત્યારે બોલવા લાગ્યાં, ‘અરે યોગિન, મારા હાથ ક્યાં છે? મારા પગ ક્યાં છે?’ એટલે, એમના હાથપગ દબાવતાં અમે કહેવા લાગ્યાં: ‘આ રહ્યા તમારા હાથ, આ રહ્યા તમારા પગ.’ પરંતુ તે છતાંય માને દેહભાન થતાં ઘણો સમય લાગ્યો હતો.

એક સવારે, વૃંદાવનમાં, કાળાબાબુની વાડીમાં ધ્યાન કરતાં મા સમાધિમાં સરી ગયાં. એમને ભૌતિક જગતની સપાટીએ પાછાં આણવાના બધા યત્નો નિષ્ફળ ગયા. એમના કાનમાં લાંબા સમય સુધી મેં હરિનામનું રટણ કર્યું. પણ એનીયે કશી અસર ન થઈ. આખરે સ્વામી યોગાનંદ આવ્યા અને એ ઠાકુરના નામનું રટણ કરવા લાગ્યા. એથી એ અર્ધજાગ્રત અવસ્થામાં આવ્યાં. પછી, આવા સંજોગોમાં ઠાકુર કરતા હતા તેમ એમણે કશુંક ખાવાની માગણી કરી. એમની પાસે થોડી મીઠાઈ, પાણી અને સોપારી રાખવામાં આવ્યાં. અને ઠાકુરની જેમ એમણે એમાંથી થોડું થોડું લીધું. એમની રીતભાત, ખાવાની એમની રીત અને એમનું સામાન્ય વર્તન બધું જ ઠાકુરની એ બધી બાબતોને મળતું આવતું જોઈ અમને નવાઈ લાગી. એમને પૂરું ભાન આવ્યું ત્યારે અંતે, એમણે કહ્યું કે, એ સમયે ઠાકુરનો આત્મા એમનામાં પ્રવેશ્યો હતો. મા એ ભાવદશામાં હતાં ત્યારે સ્વામી યોગાનંદે એમને કેટલાક સવાલો પૂછ્યા હતા જેમના જવાબ એમણે લગભગ ઠાકુરની જેમ જ આપ્યા હતા.

ઠાકુરના નિર્વાણ પછી, રામ દત્ત જેવા ગૃહસ્થ ભક્તોએ કાશીપુરના મકાનનું ભાડું ચૂક્તે કરીને એ મકાનનો કબજો છોડી દેવાનું નક્કી કર્યું. એટલે માને બલરામ બાબુના મકાનમાં લઈ ગયા. યોગાનંદ મહારાજ, કાલી મહારાજ, લાટુ મહારાજ, લક્ષ્મીદીદી અને બીજાં થોડાંક સાથીઓની સાથે, થોડા સમય પછી, મા જાત્રાએ જવા નીકળ્યાં. મંડળી વારાણસી ઊતરી અને ત્યાં, આઠદસ દિવસ રોકાઈ. અંતે વૃંદાવન પહોંચી. કાળાબાબુની વાડીમાં મા લગભગ એક વર્ષ રહ્યાં. ઠાકુરના નિધનનાં થોડાંક અઠવાડિયાં પહેલાંથી હું વૃંદાવન પહોંચી ગઈ હતી. વૃંદાવનમાં મળતાં મને પોતાની છાતીએ લગાડી, શોકથી રુદન કરતાં, ‘અરે યોગિન!’ બોલી ફરી ભાંગી પડ્યાં. ઠાકુરના પરલોકગમન પછી એમની સાથેની આ મારી પ્રથમ મુલાકાત હતી. વૃંદાવન એમના આરંભના દિવસોમાં મા વારંવાર રડી ઊઠતાં. એક દિવસ ઠાકુરે એમને દર્શન દઈ કહ્યું: ‘તમે શા માટે આટલું બધું રડો છો? હું અહીં જ છું. હું ક્યાં ગયો છું? એ તો એક ઓરડામાંથી બીજામાં જવા જેવું છે.’

ફૂલોથી શણગારાઈને અને ભક્તિ સંગીતની સંગાથે, એક શબને વૃંદાવનમાં સ્મશાને લઈ જવાતું માએ જોયું. એ સ્મશાનયાત્રા જોઈને મા કહેઃ ‘જુઓ તો! આ પવિત્ર વૃંદાવનમાં મૃત્યુ પામી એ કેવો ધન્ય બન્યો છે! હું પણ અહીં મરવા માટે આવી હતી. એ નવાઈ છે કે મને તાવ પણ નથી આવતો. અને હું કેવડી મોટી છું! મારા પિતા અને જેઠ જેવા વડીલોને મેં જોયા છે.’ આ સાંભળી અમે હસીને કહ્યું, ‘સાચે જ તમે તમારા પિતાજીને જોયા છે! પોતાના પિતાને કોણ નથી જોતું ભલા?’ એ દિવસોમાં મા આવી બાળક જેવી વાતો કરતાં. વૃંદાવનમાં આરંભમાં ઠાકુર માટે ખૂબ આંસુ સારતાં. પણ પછી ઠાકુર એમને નિત્ય આનંદમાં મગ્ન રાખતા. પછી મા નાની છોકરીની જેમ મુક્તપણે ફરતાં. એ દરરોજ મંદિરોમાં દર્શને જતાં. એક દિવસે રાધા-રમણનાં મંદિરમાં તેમને લાગ્યું કે નવગોપાલ બાબુની પત્ની એ પ્રતિમાની પડખે ઊભી રહીને એને ચામર ઢાળી રહી છે. ઘેર આવીને માએ મને કહ્યું: ‘યોગિન, નવગોપાલની પત્ની ઘણી વિશુદ્ધ છે. મેં એને આમ કરતાં જોઈ.’

વૃંદાવનમાં એક દહાડો ઠાકુર મા સમક્ષ આવ્યા અને તેમણે માને કહ્યું: ‘યોગિનને મંત્ર દીક્ષા આપો. પહેલી વાર માને લાગ્યું કે એ તો પોતાના મનનો તરંગ છે. બીજે દિવસે ફરી એ દર્શન થયું પણ, માએ એ તરફ દુર્લક્ષ સેવ્યું. ત્રીજે દહાડે એ જ દર્શન ફરી થયું ત્યારે એમણે ઠાકુરને કહ્યુંઃ ‘હું એની સાથે વાત પણ નથી કરતી, એને હું દીક્ષા કેમ આપી શકું?’ ઠાકુરે કહ્યું: ‘દીક્ષા સમયે દીકરી યોગિનને તમારી સાથે રહેવા કહો.’

પોતે મંત્રદીક્ષા લીધી છે કે નહીં તે વિશે યોગિન મહારાજ – સ્વામી યોગાનંદને માએ મારા દ્વારા પૂછ્યું. એણે ઉત્તર આપ્યોઃ ‘ના, મા, ઠાકુરે મને ઇષ્ટ મંત્ર આપ્યો નથી. મને ગમતા નામનું રટણ હું કરું છું.’ આ સાંભળી, માએ એમને એક દિવસ દીક્ષા આપી. ઠાકુરની છબી અને એમના અવશેષોના કુંભ પાસે બેસી મા એક દહાડો પૂજા કરતાં હતાં. એમણે સ્વામી યોગાનંદને બોલાવ્યા અને પોતાની નજીક બેસવા કહ્યું. પૂજા કરતાં એ સમાધિમગ્ન બની ગયાં અને એ જ દશામાં તેમણે યોગાનંદને દીક્ષામંત્ર આપ્યો. આ મંત્ર એટલે મોટેથી બોલ્યાં હતાં કે મને તે બાજુના ઓરડામાં સંભળાયો હતો.

વૃંદાવનથી મા સાથે અમે હરદ્વાર ગયાં. સ્વામી યોગાનંદ પણ જોડે હતા. ગાડીમાં પ્રવાસ કરતાં જ એમને ખૂબ તાવ ચડી આવ્યો. એમને હું દાડમનો રસ પાતી હતી ત્યારે મને લાગ્યું કે હું ઠાકુરને જ રસ પાઈ રહી છું. સનેપાતની દશામાં એને કોઈ બિભત્સ આકૃતિ દેખાઈ અને એણે સ્વામી યોગાનંદને કહ્યું, ‘હું તને બરાબરનો પાઠ શીખવી દેત પણ શું કરું? અહીંથી સત્વર ચાલી જવાની પરમહંસદેવે મને આજ્ઞા કરી છે. મારાથી એક પળ પણ અહીં રહી શકાય તેમ નથી.’ લાલ સાડી પહેરેલી એક સ્ત્રી સામે આંગળી ચીંધી એણે કહ્યું, ‘આ સ્ત્રીને થોડાં રસગુલ્લાં ખવરાવો.’ નવાઈ જેવું એ છે કે આ દર્શન પછી સ્વામી યોગાનંદનો તાવ ચાલી ગયો. પછી અમે હરદ્વારથી જયપુર ગયાં. ત્યાં અમે ગોવિંદજીની મૂર્તિ જોઈ અને બીજાં દર્શન કર્યાં. એમ ફરતાં ફરતાં, અચાનક સ્વામી યોગાનંદે એક મંદિર પાસે એક મૂર્તિ જોઈ. એ તરત બોલી ઊઠ્યા, ‘આ દેવીને રસગુલ્લા ધરવાનો આદેશ મને થયો હતો. સામે જ એક દુકાનમાં રસગુલ્લાં વેચાતાં હતાં. અમે અર્ધા રૂપિયાનાં રસગુલ્લાં લીધાં અને એ મૂર્તિને ધરાવ્યાં. તપાસ કરતાં જાણ્યું કે એ શીતળાની મૂર્તિ હતી.

ત્યાંથી મા કલકત્તા પાછાં આવ્યાં અને બલરામ બાબુના ઘરમાં થોડા દિવસ રોકાઈ એ કામારપુકુર જવા રવાના થયાં. ત્યાં આશરે એક વરસ રહ્યા પછી ભક્તોએ એમને માટે બેલુડમાં ભાડે રાખેલા નીલાંબરબાબુના મકાનમાં એ આવ્યાં. ૧૮૮૮માં, ત્યાં એ છ માસ રહ્યાં. એ ભાડાનું ઘર એમણે કારતકમાં (ઑક્ટોબર-નવેમ્બરમાં) છોડ્યું અને કલકત્તામાં, બલરામ બાબુના ઘરમાં થોડા દહાડા રોકાયાં. પછી તરત જ, એ પુરીની જાત્રાએ ગયાં. કલકત્તાથી એ ચાંદબલી સુધી ગયાં અને ત્યાંથી કટક નહેરની આગબોટમાં બેસી એ કટક ગયાં અને ત્યાંથી ગાડે બેસી એ પુરી ગયાં. શરત (સ્વામી શારદાનંદ), રાખાલ મહારાજ (સ્વામી બ્રહ્માનંદ), સ્વામી યોગાનંદ અને બીજા થોડાક માની સાથે પુરી ગયા હતા. બલરામબાબુના કુટુંબની માલિકીના ઘર ‘ક્ષેત્રવાસી’માં એમની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાં એ અગ્રહાયણ (ઑક્ટો.-નવેમ્બર)થી ફાગણ (ફેબ્રુઆરી-માર્ચ) સુધી રોકાયાં હતાં. મા રહેતાં હતાં તે ઓરડાની આગળ એક ખુલ્લી પરસાળ હતી. ઠાકુરે જગન્નાથના મંદિરમાં દર્શન કર્યાં ન હતાં એટલે ઠાકુરની છબિને ઢાંકીને મંદિરમાં લઈ ગયાં હતાં અને મંદિરમાં જઈ એ જગન્નાથની મૂર્તિ પાસે એ છબિ પરનું ઢાંકણ દૂર કર્યું હતું.

જગન્નાથનું દર્શન કર્યા પછી માએ કહ્યું કે, ‘પોતાની મોંઘામૂલી વેદી પર સિંહની માફક બેઠેલા જગન્નાથને મેં જોયા. હું દાસી તરીકે એમની સેવા કરતી હતી.’ પુરીથી કલકત્તા પાછા આવ્યા પછી ત્રણચાર અઠવાડિયાં મા માસ્ટર મહાશય (મહેન્દ્રનાથ ગુપ્ત)ને ઘેર રહ્યાં હતાં અને ત્યાંથી બાબુરામ (સ્વામી પ્રેમાનંદ)ની સાથે એમને વતન, આંટપુર ગયાં હતાં. એમની સાથે ત્યારે માસ્ટર મહાશય, નરેન (સ્વામી વિવેકાનંદ), વૈકુંઠનાથ સન્યાલ અને બીજા થોડાક હતાં. એકાદ અઠવાડિયું ત્યાં ગાળ્યા પછી, માસ્ટર મહાશય અને બીજા કેટલાકની સાથે તારકેશ્વર થઈને, ગાડામાં બેસી એ કામારપુકુર ગયાં. ત્યાં આશરે એક વરસ રહ્યાં, પછી દોલ ઉત્સવ પહેલાં એ કલકત્તા આવ્યાં અને કમ્બુલીતોલામાં આવેલા માસ્ટર મહાશયના મકાનમાં એકાદ મહિનો રહ્યાં. પછી, બલરામબાબુની અંતિમ માંદગી દરમિયાન અને એમના મૃત્યુ સુધી મા ત્યાં જ રહ્યાં. પછી ૧૮૯૦ના જેઠ (મે-જૂન)થી ભાદ્રપદ (ઑગસ્ટ-સપ્ટેમ્બર) સુધી, બેલુડના સ્મશાન પાસે ઘુસુરીમાં એક ભાડાના મકાનમાં એ રહ્યાં. ત્યાં, ઝાડામાં લોહી પડતાં એમની તબીબી સારવાર માટે વરાહનગરમાં સૌરીન્દ્રમોહન ટાગોરની માલિકીના ભાડાના ઘરમાં એમને લઈ જવામાં આવ્યાં. ટૂંક સમય ત્યાં રહ્યા પછી મા બલરામબાબુના ઘરમાં આવ્યાં અને દૂર્ગાપૂજા પછી એ જયરામવાટી ગયાં.

નીલામ્બરબાબુના બેલુડવાળા ભાડે લીધેલા મકાનમાં મા ફરીથી ૧૮૯૪ના અષાઢ (જૂન-જુલાઈ)માં આવ્યાં. પછીનો ફાગણ મહિનો એમણે (બિહારમાંના) કૈલવાડમાં પસાર કર્યો અને ત્યાંથી પોતાનાં માતા તથા ભાઈઓ સાથે, એ બીજી વાર વારાણસી અને વૃંદાવન ગયાં. પાછાં કલકત્તા આવી, માસ્ટર મહાશયના કેલુટોલાના ઘરમાં આશરે એક માસ રહ્યા અને પછી પોતાને વતનને ગામ ગયા. એ ફરી કલકત્તા આવ્યાં ત્યારે ગંગાકાંઠે બાગબજારમાં એક ભાડાના ઘરમાં એ પાંચ છ માસ રહ્યાં. નાગ મહાશય (દુર્ગાચરણ નાગ) એમને આ ઘરમાં જ મળવા ગયા હતા. પછી એ પાછાં પોતાને વતન ગયાં અને ત્યાં દોઢેક વર્ષ રહ્યાં. કલકત્તા પાછાં આવીને એ ગિરિશબાબુના ઘરની સામે રહ્યાં હતાં. ભગિની નિવેદિતા મા સાથે ત્રણ અઠવાડિયાં રહ્યાં હતાં તે આ ઘરમાં. પછી એ ગિરીશબાબુના ઘરની નજીક, ૧૬, બોઝપાડા લેય્‌નમાં રહેતાં. ભગિની નિવેદિતાએ પોતાની શાળાની યોજના અહીં કરી હતી. તે પછી બાગબજાર સ્ટ્રીટ પર આવેલી રામકૃષ્ણ લેય્‌નની એક ગલીમાં એ રહેવા ગયાં. શરત પણ ત્યાં રહેતા. ત્યાંથી મા પાછાં વતન ગયાં.

ગિરીશબાબુને ત્યાં દુર્ગાપૂજા પ્રસંગે એ ફરી કલકત્તા આવ્યાં અને, બલરામબાબુને ત્યાં રહ્યાં. મેલેરિયાના હુમલાને લઈને તે વખતે એ ખૂબ લેવાઈ ગયાં હતાં. ફરી પોતાને ગામ જઈ આવ્યા પછી ‘ઉદ્‌બોધન’નું મકાન બંધાઈ રહેતાં એ ત્યાં રહેવા આવ્યાં. તે પછી તરત જ તેમણે ઓરિસ્સામાં કોઠારની, મદ્રાસની, બેંગલોરની, રામેશ્વરની અને બીજાં સ્થળોની મુલાકાત લીધી. એ ‘ઉદ્‌બોધન’માં જ પાછાં આવ્યાં. બે દિવસ પછી મા વતનને ગામ ગયાં અને રાધુનું કન્યાદાન કર્યું. આ વેળા ત્યાં એકાદ વર્ષ રોકાયા પછી એ કલકત્તા આવ્યાં. ત્યાંથી ૧૯૧૨ના કારતક (ઑક્ટો.-નવે.)માં એ વારાણસી ગયાં. ત્યાં ત્રણેક અઠવાડિયાં ગાળીએ પાછાં ક્લકત્તે આવ્યાં.

પોતાના બાળપણના દિવસોમાં માને વારંવાર રસોઈ કરવી પડતી. એક યા બીજા કારણસર એમનાં માતા રસોઈ ન કરી શકે તો માએ જાતે રાંધવું પડતું. મા કહેતાં, ‘હું રસોઈ કરું અને ચૂલેથી ભાતનું વાસણ મારા પિતા ઉતારે.’ પાછળથી પોતાનાં કુટુંબીઓ અને ભક્તોની સેવામાં એમનો ઘણો સમય જતો.

અનુવાદક : શ્રી દુષ્યંત પડ્યા

Total Views: 91

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.