પરમ સમર્પિત ભક્ત : પરમહંસ શ્રીરામકૃષ્ણ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ શ્રી જયેશભાઇ દેસાઇ આ લેખમાં શ્રી રામકૃષ્ણદેવના જીવન સંદેશની પ્રાસંગિકતા રજૂ કરે છે. – સં.

રાષ્ટ્રનો ઇતિહાસ કોઇ એક દિવસમાં ઘડાતો નથી. સૈકાઓ સુધી અનેકવિધ સર્જક પરિબળો શાંત રીતે કાર્ય કર્યા જ કરે છે ત્યારે ઇતિહાસનું ઘડતર થાય છે. અનેક દેશોની ચડતી પડતીનો ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે જે રાષ્ટ્ર પોતાના સાંસ્કૃતિક વારસાને વફાદાર રહે છે તે મૃત્યુ પામતું નથી. તે કટોકટીમાંથી પાર ઊતરી ફરી નવપલ્લવિત થાય છે. ભારતમાં જ્યારે જ્યારે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કટોકટીના ગાળા આવ્યા છે, જ્યારે જ્યારે એનું તેજ ઝંખવાવામાં પડ્યું છે. જ્યારે જ્યારે એનું વહાણ ડૂબું ડૂબું થવા લાગ્યું છે ત્યારે ત્યારે ભારતના લોકમંચ પર એક તારણહાર, એક ભવ્યાતિભવ્ય સંત, પયગંબર કે અવતાર ઊતરી આવ્યો છે. એકાદ રામ, એકાદ કૃષ્ણ, એકાદ બુદ્ધ કે મહાવીર ભારતની ધરતી પર અવતરે છે, કટોકટીનો ઉકેલ લાવે છે, ડૂબતા વહાણને ફરી તરતું કરી દે છે.

ભારતમાં અંગ્રેજી રાજનો પ્રારંભ એ આવી કપરી ઘડી હતી. દેશનો ભણેલો ગણેલો વર્ગ એમ માનતો થઇ ગયો હતો કે યુરોપ ઇંગ્લેન્ડની ભૌતિક પ્રગતિ જ સાચી પ્રગતિ છે, ભારત પછાત દેશ છે અને એની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓ, વિચારો અને આદર્શો ત્યાગી દેવા જેવી બાબતો છે. પોતાનામાં, પોતાના ઇતિહાસમાં, પોતાની સાંસ્કૃતિક વિરાસતમાં આત્મવિશ્વાસ ગુમાવ્યો હતો.

ભારતીય ઇતિહાસની આવી કપરી ઘડીએ ભારતની ભૂમિ પર ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસ પ્રવેશે છે. સાંસ્કૃતિક હુમલાના ઘોડાપૂરી એ ખાળે છે, પોતાના જીવન અને કર્મ દ્વારા જ એ ભારતીય ધર્મ અને આધ્યાત્મિકતાનાં સત્યોનું પુનઃ સ્થાપન કરે છે અને પોતાનાં અનેકાનેક કાર્યો દ્વારા શ્રીરામકૃષ્ણ પરમહંસ ભારતના ઇતિહાસના પુનરુત્થાન યુગના અગ્રદૂત બની જાય છે.

પરમ સમર્પિત ભક્ત

શ્રીરામકૃષ્ણદેવ કાલી માતાના પરમ સમર્પિત ભક્ત હતા. તેઓનો જન્મ બંગાળ રાજ્યના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં પિતા ખુદીરામ અને માતા ચંદ્રાદેવીના ઘરમાં થયો હતો. પિતા ખુદીરામ ગયાની યાત્રાએ ગયા ત્યારે તેમને સ્વપ્નમાં એક તેજોજ્વલ વ્યક્તિ દેખાઇ. તેણે ખુદીરામને કહ્યું હું તારા ઘરમાં તારા પુત્ર તરીકે જન્મ લેવા માંગું છું. થોડા વખત પછી આવો જ અદ્ભુત અનુભવ માતા ચંદ્રાદેવીને થયો. શિવમંદિરમાં પૂજા કરવા માટે તેઓ ગયાં ત્યારે શિવલિંગમાંથી એક પ્રકાશ શલાકા નીકળી તેઓના શરીરમાં પેસી ગઇ. ૧૮મી ફેબ્રુઆરી ૧૮૩૬ના રોજ વહેલી સવારે તેઓને ત્યાં ગદાધર નામના પુત્રનો જન્મ થયો જેને જગત શ્રીરામકૃષ્ણ પરમહંસ તરીકે ઓળખે છે. શાળામાં ગણિત પ્રત્યે તેઓને નફરત છે. દુન્યવી શિક્ષણમાં તેમને રસ પડતો નથી છેવટે કલકત્તામાં રાણી રાસમણિદેવીના કાલિ મંદિરમાં પૂજારી તરીકે તેઓ કામ સ્વીકારે છે અને અહીંથી શરૂ થાય છે ઠાકુરની ભક્તિગાથા, કાલી પૂજામાં તેઓ તપ અને તલ્લીન થઇ જાય છે. એ કાલી માને સાડી ઘરેણાં પહેરાવે છે, શણગારો સજાવે છે, પુષ્પમાળાઓ પહેરાવે છે. એ નાચે છે, ભજન ગાય છે. કાલી મા જીવંત રીતે ન મળતાં ચોધાર આંસુએ રડે છે અને છેવટે પ્રાણ ત્યાગ કરવા કાલીમાતાના જ ખડગથી પોતાનું ડોકું ઉડાવી દેવા તૈયાર થાય છે ત્યારે ઠાકુર સામે કાલી મા જીવંત પ્રત્યક્ષ થાય છે અને તે ક્ષણથી ઠાકુર પોતાનું સર્વસ્વ કાલીમાને સમર્પિત કરી દે છે. વારંવાર તેઓ ભાવસમાધિમાં આવી જતા અને તેઓનાં વાણી, વર્તન અને કાર્યોમાં કાલી માની પ્રેરણા તથા કૃપાપ્રસાદી સ્પષ્ટ વર્તાતાં.

ગૃહસ્થાશ્રમમાં સાક્ષાત્કાર

ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસે યોગ અને તંત્રની પરમોચ્ચ અવસ્થાનો સમન્વય પોતાનામાં સંપ્રાપ્ત કર્યો હતો. વર્ષો સુધી ભૈરવી બાહ્મણી, તોતાપુરી અને જટાધારી જેવા તંત્ર અને યોગમાં પ્રતિષ્ઠિત અગ્રણીઓની સાથે રહીને તેઓ કઠિન સાધનાઓમાંથી પસાર થયા હતા. તેઓ સંન્યાસી ન હતા. મા શારદામણી સાથે તેઓનું લગ્ન થયું હતું. પોતાના જીવન દ્વારા તેઓએ જગતને દેખાડ્યું કે ગૃહસ્થાશ્રમમાં પણ સાક્ષાત્કાર થઇ શકે છે. તથા તેઓએ પુરુષ અને સ્ત્રીના સંબંધોને આધ્યાત્મિક પરિમાણ પ્રદાન કર્યું.

સ્ત્રીમુક્તિના બીજારોપક

પાંચ જૂન ૧૮૭૨ને દિવસે કાલી પૂજાના મહાપવિત્ર દિવસે શ્રીરામકૃષ્ણદેવે એક અદ્ભુત ક્રિયા પ્રયોગ કર્યો. તેમણે પૂજાખંડમાં કાલીમાના બાજોઠ પર પોતાનાં પત્નીને બેસાડ્યાં. પોતે પુજારી તરીકે સામે આસન પર બેઠા અને વિધિવત્ રીતે શ્રી શ્રીશારદામણીદેવીની ષોડશોપચાર પૂજા કરી. પત્નીને માતાના સ્થાન પર બેસાડી એમાં કાલી માનું આહ્વાહન કર્યું. આ સાંકેતિક કાર્યથી શ્રીરામકૃષ્ણદેવે સ્ત્રીઓના મુક્તિયુગના અને તેની આધ્યાત્મિક શક્તિના માનવજાતની ઉત્ક્રાંતિ માટેના પ્રયોજનનાં દ્વાર ખોલી નાખ્યાં. તેઓ એક ખૂબ જ ઊંડા રહસ્યમય અર્થમાં સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રી ઉન્નતિ અને સ્ત્રીની દૈવીશક્તિના બીજારોપક હતા.

માનવમાત્રની સમાનતા

શ્રીરામકૃષ્ણ પરમહંસે અનેક પ્રસંગો દ્વારા માનવમાત્રની એકતા અને સમાનતાની વાત સિદ્ધ કરી આપી. પ્રભુના દ્વારે સ્ત્રી-પુરુષ, આ ધર્મ કે પેલો ધર્મ, ઉચ્ચ વર્ણ અને નીચ વર્ણ જેવા કોઇ ભેદ નથી. એ રૂઢિચુસ્ત જમાનામાં યજ્ઞોપવીત સંસ્કાર પછી તેઓએ બ્રાહ્મણના ઘરની ભિક્ષા પ્રાપ્ત કરવાને બદલે લુહાર જ્ઞાતિની સ્ત્રી પાસેથી ભિક્ષા સ્વીકારી. નીચ વર્ણની સ્ત્રીએ બનાવેલી કઢી પ્રેમપૂર્વક આરોગી અને એ વર્ણનાં કાર્યો આનંદપૂર્વક તેઓએ જાતે કરવાનું સ્વીકાર્યું. ઉપદેશોથી નહીં પરંતુ સ્વંય આચરણથી તેઓએ જાતિ, જ્ઞાતિ અને ધર્મના ભેદને નકારી માનવ માત્રની સમાનતા સ્થાપિત કરી.

તમામ ધર્મોની એકતા

પરંતુ પરમહંસ શ્રીરામકૃષ્ણનું અદ્ભુત પ્રદાન તે એ હતું કે તેઓએ બધા જ ધર્મોની ઉપાસના પોતે જાતે કરી અને સાબિત કર્યું કે દરેક ધર્મ પરમ સત્યની જ એક આગવી અને અદ્ભુત અભિવ્યક્તિ છે. હિન્દુ ધર્મના યોગ અને તંત્રની પદ્ધતિઓ દ્વારા શ્રીરામકૃષ્ણે સગુણ અને નિર્ગુણ સાયુજ્યની સ્થિતિ પ્રાપ્ત કરી હતી અને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કર્યો હતો. શ્રીરામનો સાક્ષાત્કાર તથા માતાજીનાં દર્શન તેઓએ કર્યા હતાં. આ પછી તેઓ ઇસ્લામની ઊંડી સાધનામાં તલ્લીન થઇ ગયા. અલ્લાહનું નામ લેતાં લેતાં તેઓએ આ ધર્મનાં તત્ત્વોનો સાક્ષાત્કાર કર્યો. ખ્રિસ્તી ધર્મની ઊંડી ઉપાસના કરી તેઓએ ઇસુનું દર્શન પ્રાપ્ત કરી, એ પ્રેમાવતાર તથા સેવાવતારને પોતાનું હૃદય સમર્પિત કર્યું. તમામ ધર્મોની એકતા આવી વિરલ રીતે સિદ્ધ કરી દેખાડનાર શ્રીરામકૃષ્ણ પ્રથમ વ્યક્તિ હતા.

અધ્યાત્મનો વિશ્વસંદેશ

તેઓ તેમની આંતરદૃષ્ટિથી જોઇ લીધું હશે કે આવનાર સૈકાઓમાં માનવજીવનને શુદ્ધ આધ્યાત્મિકતાના સંદેશની જરૂર પડવાની જ છે. આથી આ તત્ત્વ તેઓએ પોતાનામાં સાક્ષાત્ કર્યું. પોતાની બધી સાધનાઓ અને સિદ્ધિઓનું ફળ તેઓએ શ્રીમા શારદામણીદેવી ને ત્યારબાદ સ્વામી વિવેકાનંદને અર્પણ કર્યું. સ્વામી વિવેકાનંદે શિષ્યોનું સંગઠન કર્યું. પોતે અપાર કષ્ટો સહન કરી વિશ્વપ્રવાસો કર્યા અને સનાતન ધર્મનો સંદેશ વિશ્વમાં પ્રસારિત કર્યો. એમણે સ્થાપેલા શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા આ ઉત્તમોત્તમ કાર્ય હજી પણ વિશ્વસ્તરે ચાલુ છે અને પ્રસરતું જાય છે. આ સંગઠન દ્વારા અને બીજી અનેક રીતે શ્રીરામકૃષ્ણ પરમહંસનો અમૃતમય સંદેશ વિશ્વને ખૂણે ખૂણે જીવનદાન કરી રહ્યો છે.

ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં છે. વળી લીંબડીમાં જ્યાં સ્વામી વિવેકાનંદ રહ્યા હતા તે સ્થળે પણ આશ્રમની હૉસ્પિટલ ચાલે છે. સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં નટવરસિંહજી ક્લબ પાસેના ભોજેશ્વર બંગલામાં ચાર માસ રહેલા. ગુજરાત સરકારે આ બંગલો શ્રીરામકૃષ્ણ આશ્રમને ભેટ આપ્યો છે. ત્યાં પણ અનેકાનેક પ્રવૃત્તિઓનો પ્રારંભ થઇ ચૂક્યો છે. વળી ગુજરાતનાં અનેક શહેરો તથા નગરોમાં શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ કેન્દ્રો કાર્યરત છે. શ્રીરામકૃષ્ણ પરમહંસનો અમર સંદેશ આવા આશ્રમો અને કેન્દ્રો દ્વારા સતત પ્રવાહિત થતો રહે છે.

યુગાવતાર પરમહંસ

શ્રીરામકૃષ્ણ પરમહંસ યુગાવતાર હતા. કાલી માના તેઓ સમર્પિત ભક્ત હતા. તમામ ધર્મોની સમાનતાની વાત તેમણે તેમની આગવી રીતે સિદ્ધ કરી હતી. પુરુષ સ્ત્રીના સંબંધને તેઓએ ઉચ્ચોચ્ચ સ્તરે લઇ જઇ ગૃહસ્થાશ્રમમાં પણ સાક્ષાત્કારની શક્યતા સિદ્ધ કરી દેખાડી. ઊંચ-નીચના ભેદને તેઓએ નકાર્યા અને સ્ત્રીઓની સાચી મુક્તિ અને સ્ત્રીશક્તિની માનવ સભ્યતાની પ્રગતિમાં યોગદાન માટેનાં દ્વાર તેઓએ ખોલી દીધાં. આજે તેમની તિથિ પ્રસંગે આપણે આ મહાત્મા, માનવજાતના પરમ મિત્ર અને ઉદ્ધારક તથા કાલી માના પૂર્ણ ભકતને આપણા પ્રણામ સમર્પિત કરીએ.

(આકાશવાણી, અમદાવાદના સૌજન્યથી)

Total Views: 94

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.