સ્વામી મુક્તિદાનંદ શ્રીરામકૃષ્ણ વિદ્યાશાળા, મૈસુરના વહીવટી વડા છે. – સં.

પ્રકૃતિ તો બધા પ્રકારના શિક્ષણની જનની છે. બધાં જ્ઞાનનું પ્રારંભિક સ્રોત છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે ‘પ્રકૃતિની સંગાથે સતત રહેવાથી સાચી કેળવણી મળે છે.’ અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા સામાન્ય રીતે ચાર દીવાલોવાળા ખંડમાં ચાલે છે. આજનું ઊગતું ઉછરતું બાળક પોતાની વિકાસ પ્રક્રિયા અને આ શિક્ષણકાળ દરમિયાન ભાગ્યે જ પ્રકૃતિના સીધા સંપર્કમાં આવે છે. નીલાકાશ; આ ચોગમ છવાયેલી મા ધરતી; પુષ્પો, છોડ, વેલીઓ, વૃક્ષો;ખળખળ વહેતાં ઝરણાં, નિર્મળ નીરવાળાં શાંત સરોવરો; ડુંગરા, ટેકરા, પર્વત; અને પક્ષીઓની અદ્‌ભુત રોમાંચક અને આનંદદાયી સૃષ્ટિને નજરે નિહાળવી અને એનો સ્પર્શ અનુભવવો કે એનું બારીકાઈથી નિરીક્ષણ-અવલોકન કરવું, આ બધી બાબતો ઊગતા બાળકના જીવનમાં અત્યંત આવશ્યક એવો આનંદભર્યો અનુભવ બની રહે છે. પ્રકૃતિના સાંનિધ્યમાં આ અનુભવોથી મનની કેટલીક સર્જનાત્મકશક્તિ અને બુદ્ધિશક્તિ ખીલી ઊઠે છે. કેટકેટલા મહાન વૈજ્ઞાનિકો, વિચારકો, કવિઓ અને કલાકારોએ પ્રકૃતિની સંગાથે રહીને, તેનું નિરીક્ષણ કરીને અને તેના પ્રત્યે પ્રત્યાવર્તન તેમજ તેનું ચિંતનમનન કરીને પોતપોતાનાં જીવન સમૃદ્ધ અને સંવૃદ્ધ કર્યાં છે. પરંતુ, આજના મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણસમયને તો ઠીક પણ, પોતાના ફાજલસમયને પણ ચાર દિવાલોથી બંધ ખંડમાં જ વિતાવે છે. એમાં ય આજના દૂરદર્શન, કમ્પ્યુટર્સ, વિડિયોગૅમ્સ જેવાં ઈલેક્ટ્રોનિક્સ પ્રસાધનોએ તો એમને સાવ ઘરકૂકડી-ઘરઘૂસ બનાવી દીધા છે.

ગ્રામ્યવિસ્તાર કે શહેરીવિસ્તારની બધી ચીલાચાલુ શાળાઓમાં શીખવાશીખવવાની પ્રક્રિયા વર્ગખંડમાં સમાઈ જાય છે. આપણું એ સદ્‌ભાગ્ય છે કે આશરે ૫૦% જેટલી શાળાઓ ગ્રામ્યવિસ્તારમાં અને પ્રાકૃતિક સૌંદર્યવાળા વાતાવરણની વચ્ચે આવેલ છે પણ, આપણું આજનું એકરાગીલું શિક્ષણ તો વાસ્તવિક રીતે ચાર દીવાલોના બંધ ઓરડામાં જ ચાલે છે અને પ્રાકૃતિક સૌંદર્યની અજબગજબની દુનિયાથી એનો સંબંધ-છેડો કાપી નાખવામાં આવે છે. આ બધી શાળાઓના બાંધકામ પાછળ લખલૂટ ખર્ચા થાય છે પણ, પછીથી તેમનાં રંગરોગાન કે સમારકામ કરવામાં ધનના સાંસા પડે છે. આને પરિણામે ગ્રામ્યવિસ્તારની અને કસબાની શાળાઓ, વર્ગખંડો બિસ્માર ખંઢેર જેવી હાલતમાં જ હોય છે. સૌંદર્યખચિત વાતાવરણ વચ્ચે પણ આપણાં બાળકો આવા બિસ્માર, ગંદા અને ખંઢેર જેવા ઓરડામાં પોતાનો સમય વિતાવે છે અને ભણે છે! અને તેમાં વળી શિક્ષકો હોયે ખરા અને ન પણ હોય! અને હાજર હોય એ શિક્ષકો પણ કેટલા સામાન્ય કક્ષાના અને અનિયમિતતાને વરેલા!

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા અને પ્રકૃતિને સાથે જોડી શકાય ખરાં? પ્રકૃતિની વચ્ચે, પ્રકૃતિના ખોળે ચાલતી આવા ખુલ્લા વર્ગની શાળા લાભદાયી કે ઉપકારક ખરી? સૂર્યના પ્રખર તાપ, વરસાદ અને અંદર ઘૂસી જતાં સ્થળચરપ્રાણીઓથી બચી શકાય તેવાં આયોજનવાળાં, પ્રકૃતિને ખોળે બેસીને-તેની વચ્ચે રહીને શિક્ષણ મેળવી શકાય તેવાં ખુલ્લા વર્ગખંડોવાળાં બાંધકામ કરવાં શક્ય છે? આપણા ગ્રામ્યવિસ્તારમાં પ્રાપ્ય બાંધકામનાં ભૌતિક સાધનો, ચીજવસ્તુઓનો વૈજ્ઞાનિક દૃષ્ટિએ અને આયોજન બદ્ધ ઉપયોગ કરીને પ્રકૃતિ અને પર્યાવરણના સહોદર સમા અને ગ્રામ્ય વાતાાવરણને અનુરૂપ શાળાઓ બાંધી શકાય ખરી? આ બધા પ્રશ્નોના નિરાકરણ સમા ઉદાત્ત હેતુઓને ધ્યાનમાં રાખી પ્રિ.યુનિ. સુધીના અભ્યાસક્રમોવાળી, નવા ખુલ્લા વર્ગખંડવાળી, નવી શિક્ષણસંકલ્પના સાથેની પ્રકૃતિના ખોળે ચાલતી, અધ્યયનઅધ્યાપનના નવા પ્રાકૃતિક પર્યાવરણવાળી અને નવીનવાતાવરણયુક્ત મૈસુરની શ્રીરામકૃષ્ણ વિદ્યાશાળાનું નિસર્ગ નિકેતન શિક્ષણ જગતની એક નવીન તરાહ આપણા દેશ સમક્ષ ધરે છે.

આજના નિતનાવિન્યસભર વિશ્વમાં ચીલાચાલુ વર્ગખંડોને બદલે પ્રકૃતિના સાંનિધ્યમાં શીખવાશીખવવાના નવા વાતાવરણને ઊભું કરવા વિશ્વભરમાં અનેક શૈક્ષણિક પ્રયોગો થઈ રહ્યા છે. એ સિવાયની મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓએ બંધિયાર વાતાવરણવાળા મકાનમાં કે વર્ગખંડમાં સતત રહેવું પડે છે. આવી શાળાના કે વર્ગખંડની ચાર દીવાલોના બંધિયારપણામાં મહિનાઓ સુધી રહેવાને કારણે બાળકોનાં મનમાં તાણ અને એકરસીલાપણું જન્મે છે. એમાં ય દૂરદર્શન અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ દૃશ્યશ્રાવ્ય સાધનોનાં રંગ, સૂર, ઘોંઘાટિયાં મનોરંજન માટેની આજની ઉછરતી ઊગતી પેઢી પરની લાલસાભરી પકડને લીધે આ એકલસૂડાપણા અને ઘરકૂકડીની અવસ્થાને વધારે ઘેરાં બનાવી દીધાં છે. એણે વિદ્યાર્થીની ધ્યાન અને ઇચ્છાશક્તિને બદલી નાખી છે. તાસના તાસ, દિવસોના દિવસો સુધી અને મહિનાઓ સુધી સતતપણે શિક્ષક અને કાળાપાટિયા સામે બેસી રહીને શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની ગ્રહણશક્તિ અને અધ્યયનશક્તિ પણ ક્ષીણ થવા માંડી છે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અનુભવો વધુ ને વધુ રસહીન-ફિક્કાફસ અને એકરાગીલા-કંટાળાજનક બની ગયા છે. એટલે જ આ જૂની ઘરેડવાળા વર્ગખંડના નિરસ શિક્ષણ અનુભવોના વાતાવરણમાંથી વિદ્યાર્થીઓને મુક્ત કરવા શિક્ષણને વધુ રસપ્રદ અને રંગીલું બનાવવા પ્રકૃતિના સાંનિધ્યમાં રહીને શિક્ષણ આપવા લેવાની નવી પ્રક્રિયા શરૂ કરવી એ ભાવિ યુગની તાતી આવશ્યકતા બની ગઈ છે.

મૈસુરની શ્રીરામકૃષ્ણ વિદ્યાશાળાનું આ નિસર્ગ નિકેતન લીલીછમ હરિયાળી, ફલફૂલવાડીઓ, જંગલના વિસ્તારો, સુવ્યવસ્થિત રીતે બનાવેલા રંગીન ઉપવનોની વચ્ચે એક વિશાળ મેદાનમાં આવેલી છે. એમાં દૈનિક પ્રવૃત્તિઓ એવી રીતે આયોજિત કરી છે કે વિદ્યાર્થીઓ રમતના મેદાનોમાં જતી વખતે અને પાછા ફરતી વખતે દૂરથી આ બધું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી શકે. હવે પ્રશ્ન એ ઊભો થયો કે, અમારી શાળાના આ હરિયાળા અને સૌંદર્યમય પ્રાકૃતિક વાતાવરણ અને અધ્યયનઅધ્યાપનની પ્રક્રિયાને કેવી રીતે સાંકળી લેવી? આવું વાતાવરણ જ શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા અને વિદ્યાર્થીના મનને વધુ તરોતાજા રાખવા ખૂબ સહાયક નીવડે છે. આ ઉપરાંત એ ધારણા પણ બંધાઈ કે આવા વાતાવરણમાં શીખવવા માટે શિક્ષકોને પણ અંત:સ્ફૂરણાભરી ચેતનાશક્તિ આપતા શિક્ષણ અનુભવો પણ મળી રહેશે. આ આદર્શને ધ્યાનમાં રાખીને અમારી વિદ્યાશાળા નિસર્ગ નિકેતનમાં પ્રકૃતિને ખોળે વર્ગખંડની નવીસંકલ્પના સાથેનો શિક્ષણનો પ્રયોગાત્મક પ્રકલ્પ રચાયો. આપણા ગ્રામ્યવિસ્તારની શાળાઓમાં આવાં નિસર્ગનિકેતનો ઊભાં કરવાની તૈયાર સાધનસામગ્રી મળી રહે છે. એટલે ગ્રામ્યવિસ્તારની શાળાઓને એક નવી તરાહ, એક નવી વર્ગખંડ વ્યવસ્થા પણ મળી રહેશે.

શરૂઆતમાં તો ઘાસના છાપરાવાળાં જંગલની વચ્ચે ચારેબાજુએથી ખુલ્લાં રહે એવા વાંસઘરો બનાવવાનું આયોજન હતું. પણ ઊધઈની સમસ્યાને લીધે લાકડા કે વાંસને બદલે લોખંડના થાંભલા પર છાપરાં બનાવવાં પડ્યાં. ખંડના છાપરાનાં ઢાળિયાંએ તરેહતરેહની વેલીઓની કિનારીઓના સુંદર શણગાર ધારણ કર્યા છે. આવા ખાસ પ્રકારના બાંધકામમાં મજબૂત મકાનબાંધકામ, ચીલાચાલુ ચારદીવાલવાળા વર્ગખંડના બાંધકામની શૈલીને કોરાણે મૂકી દીધી છે. ઘાસ છવાયા છાપરાને બે પડાળ છે. લોખંડના થાંભલાને વેલીઓ અને બીજા જંગલી છોડોથી ઢાંકી દીધા છે. આ ખુલ્લા વર્ગખંડવાળી વ્યવસ્થા છે છતાંય, સૂર્યના પ્રખરતાપ, વરસાદ અને ખંડમાં ઘૂસી આવતાં સ્થળચર પ્રાણીઓ અને પક્ષીઓથી બચી શકાય તેવી વ્યવસ્થા તેમાં કરી છે. આ નિસર્ગ નિકેતન શાળાના ખંડ અનિયમિત પ્રકારના શંકુ આકારના છે અને તેના છેડે શિક્ષકની પીઠિકા રાખી છે. શિક્ષક પીઠિકાનું છાપરું ઘંટાકારનું છે. આ પીઠિકાની પાછળનો પડદો શિલ્પમાં ઉપસાવેલ કૃતિવાળી કલાથી શણગારવામાં આવ્યો છે. આ કલાકૃતિ છાપરાની અંદર પ્રાકૃતિક સૌંદર્યવાળાં દૃશ્યોની જાણે કે એક પ્રતિકૃતિ ખડી કરે છે. લૅન્ડસ્કેપનો પણ સ્વાંગ ધરતી હોય એવું લાગે છે અને એ દ્વારા ચિત્રાત્મક વર્ણનસૃષ્ટિ ઊભી કરે છે. શિક્ષણના સાધન તરીકે બ્લૅકબૉર્ડના રૂપેઆ લૅન્ડસ્કેપનો ઉપયોગ થાય છે. એનો રંગ પણ ઘેરો લીલો રાખ્યો છે જાણે કે, આપણે કોઈ અવૈધિક રચનાવાળા બગીચામાં હોઈએ તેવો અનુભવ કરાવતાં વિવિધ પ્રકારની છોડ-ક્યારીઓ, રંગબેરંગી ફૂલોવાળા ફૂલ-છોડ અને વેલીઓને અંદરના ભાગમાં ગોઠવી દીધી છે. વર્ગખંડની આ નવી સંરચનાને બરાબર બંધબેસતી આવે તે રીતે અંદરના રાચરચીલાની ડિઝાઈન કરવામાં આવી છે. જોડિયા ટેબલ પર પ્રાકૃતિક આકારનો કાળા પથ્થરનો ટાપ છે. નિસર્ગ શાળાની સંકલ્પનાને બરાબર અનુરૂપ ખુરશીઓ છે. વિદ્યાર્થીઓ પ્રકૃતિ સાથે સાંનિધ્ય કેળવી શકે તે રીતે અંદરના ભાગમાં સ્થળે સ્થળે વૃક્ષ-ક્યારીઓ રચી છે અને એમાં ઓછી છાયાવાળા છોડ તેમજ વેલમાળાઓ રોપવામાં આવી છે. ખુરશી-ટેબલના ભાગ જેટલું ભોંયતળિયું સિમેન્ટનું બનાવ્યું છે. બાકીનું ભોંયતળિયું ગાર માટીનું છે અને તેમાં પ્રાકૃતિક આકારના નાના પથ્થરોને જડીને એક અદ્‌ભુત સૌંદર્યદર્શન ઊભું કર્યું છે. વર્ગખંડના ખૂણે ઝાડના સૂકાયેલ થડિયાં પર રંગબેરંગી ફૂલોવાળા છોડ અને તેના પર પક્ષીઓનાં ઝૂલતા માળા વર્ગખંડમાં પ્રાકૃતિક તત્ત્વોની એક અજબની સૃષ્ટિ રચી દે છે.

શિક્ષણ, સૌંદર્ય અને કલાના દૃષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને નિસર્ગ નિકેતન શાળાની નજીકમાં એક સૌંદર્યખચિત ઉપવન-ભૂભાગની સુવિધા ઊભી કરવામાં આવી છે અને એને આનુષંગિક બૉટનિકલ પ્લાન્ટ્સનો અભ્યાસક્રમ પણ છે. અનન્ય ઔષધીય ગુણવત્તા ધરાવતા છોડનાં વિગતવાર ચિત્રવર્ણનો સાથેના વિવિધ છોડ પણ ઉગાડવામાં આવે છે. આવા બૉટનિકલ ગાર્ડનની વચ્ચે સુંદર રીતે આયોજન બદ્ધ કરેલું, ટાપુ જેવું એક વિશાળ સરોવર છે. આ સરોવર પૉન્ડ-ઈકો સિસ્ટમની લાક્ષણિકતાને અભિવ્યક્ત કરે છે અને એ વિશેનો અભ્યાસક્રમ પણ છે. કેટલાક ખૂબ ઉપયોગી ઔષધીય છોડ, રમણીય દેખાવવાળા છોડ, શાકભાજીના છોડવેલા પણ ઉગાડવામાં આવે છે. વિદ્યાર્થીઓ એમને ઉગાડવાની નવી નવી રીતોથી માહિતગાર થાય છે, એમના ઉપયોગને અને ઉત્પાદન વિશે જાણકારી મેળવે છે અને એ વિશે પ્રયોગાત્મક દૃષ્ટિબિંદુ કેળવે છે. આ નિસર્ગ નિકેતન શાળાનો એક ખંડ ૫૦ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવે છે. ધોરણ આઠ થી બાર સુધીના બધા વિષયોના વિષયશિક્ષણ માટે તેનો ઉપયોગ થાય છે. આ શાળાની ચારે બાજુએ વનસ્પતિશાસ્ત્રના અભ્યાસ માટેના છોડથી ભરપૂર સુંદર ઉપવનો આવેલાં છે એટલે વનસ્પતિશાસ્ત્રના અભ્યાસના પ્રાયોગિક કાર્ય માટે આ શાળાનો ઘણો લાભદાયી ઉપયોગ કરી શકાય છે. આ રીતે આ શાળા ઑપન બૉટનિકલ લૅબ અને ઑપન ટૅક્સ્ટબુક ઑફ બૉટની પૂરાં પાડે છે.

અધ્યયનને વધારે રસપ્રદ અને અધ્યાપનને વધારે પ્રભાવક બનાવવા નવું વાતાવરણ પૂરું પાડવાના ઉદાત્ત હેતુને ધ્યાનમાં રાખીને આ શાળાનું સર્જન થયું છે. શ્રીરામકૃષ્ણ વિદ્યાશાળા, મૈસુર ૪૭ વર્ષ પુરાણી શાળા છે. શિક્ષણની ગુણવત્તા સુધારવા, વ્યક્તિના સાર્વત્રિક વિકાસ માટેના સ્વામી વિવેકાનંદના આદર્શોને ચરિતાર્થ કરવા આ શાળાએ સમયે સમયે આવશ્યકતા અનુસાર આવા અવનવા પ્રયોગો હાથ ધર્યા છે. ભારતના ગામડાની પરિસ્થિતિને અનુરૂપ બને તે રીતે આ નિસર્ગ નિકેતનનો શૈક્ષણિક પ્રયોગ જે તે સ્થળવિશેષની અનુકૂળતા પ્રમાણે અમલમાં મૂકવો જોઈએ. એનાથી પ્રાચીન વનાંચલ-વનાશ્રમની જેવી, પર્યાવરણનું સંરક્ષણ-સંવર્ધન કરનારી, નવા શૈક્ષણિક વાતાવરણને સર્જનારી અને ઓછા ખર્ચે વધુ સુવિધાવાળી શિક્ષણ સંસ્થા ઊભી કરી શકાશે.

સંકલન-અનુવાદ : શ્રીમનસુખભાઈ મહેતા

Total Views: 72

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.