(ગતાંકથી ચાલુ)

ઈ.સ. ૧૯૦૩ના એપ્રિલ મહિનામાં, કલકત્તાના એક મહાનુભાવની પૈસાની અનુકૂળતાથી કનખલના ગામનાં લગભગ કેન્દ્ર સ્થળમાં ૧૫ વીઘા જમીન દોઢ હજાર રૂપિયામાં ખરીદ કરી. જમીન મળી, પણ ગૃહનિર્માણની સગવડ બિલકુલ નહોતી. તેથી ત્યારે ત્રણ પર્ણકુટિર બાંધી સેવાશ્રમનું કાર્ય ત્યાં સ્થાનાંતરિત કર્યું. સ્વામી કલ્યાણાનંદની ખ્યાતિ ચિકિત્સક રૂપે પણ ફેલાઈ ચૂકી હતી. દીન-દુઃખી, અસ્પૃશ્ય, ચમાર વગે૨ે વસ્તીમાં ફરી ફરીને તેઓ રોગીઓને તપાસતા, અને સેવા ચાકરી કરતા. સાધુઓની કુટિરોથી શરૂ કરી ચંડાલ વસ્તીના ઝૂંપડા સુધી સર્વત્ર સમાન હૃદય લઈને બંને સંન્યાસી- ભ્રાતા ભ્રમણ કરતા – પીડિત વ્યક્તિઓનાં મળ-મૂત્ર પણ પોતે સાફ કરી દેતા, પથ્ય તૈયાર કરી ખવડાવતા, અને દવા દઈ આવતા. ચૂસ્ત પ્રાચીન પંથી સંન્યાસીનાં મંડળ સ્વામીજીના આ બંને શિષ્યોની – સેવા-ચાકરીથી વિસ્મિત થયાં હતાં ખરાં, પણ તેમને ‘ભંગી-સાધુ’ કહીને જરા હીન નજરે જોતા. તેમના મત પ્રમાણે બીજાનાં મળમૂત્ર સાફ કરવા એ ભંગી-મેહતરનું કામ છે, સર્વકર્મ-ત્યાગીસંન્યાસીનું એ કર્તવ્ય નથી. વેદાંતના ઉચ્ચત્તમ આદર્શની વાત એ લોકો મુખેથી જ બોલતા, એનો કોઈ વાસ્તવપ્રયોગ અર્થાત સર્વભૂતે બ્રહ્મદૃષ્ટિની વાત તો તેઓ માટે મશ્કરીનો વિષય હતો. પોતે બીમાર થતા તો બીજાની સેવા એ લોકો પ્રેમથી ગ્રહણ કરતા. પણ બીજાની સેવા કરવાની વાત આવતી તો એ સર્વે નિષ્ક્રિય ‘આત્મારામ’ બની રહેતા! તેથી ચુસ્ત પ્રાચીનપંથી અંધવિશ્વાસુ સંન્યાસીની ગોષ્ઠિઓ કલ્યાણાનંદના કાર્યને મુખેથી સાધુવાદ જણાવતા, પણ કોઈ આંતરિક સહાનુભૂતિ તેઓ દેખાડતા નહિ.

ત્યારે દશનામી સાધુઓમાં, હૃષીકેશના કૈલાસ મઠના મંડલેશ્વર શ્રીમત્ સ્વામી ધનરાજગિરિજી મહારાજનું સાધુઓમાં ખૂબ જ સન્માન હતું. વિધાતાની વ્યવસ્થાથી, એક અલૌકિક ઉપાયથી આ સંન્યાસી પ્રવરના માધ્યમે ચુસ્ત- અંધવિશ્વાસુ પ્રાચીનપંથી દશનામીઓની અગાઉ ઉલ્લેખ કરાયેલી એ ભ્રાંતિ ચિરકાળ માટે દૂર થઈ ગઈ હતી. ધનરાજગિરિજી ત્યારે કનખલમાં સુરથગિરિના ભવનમાં રહેતા હતા. ભજનલાલ લોહિયા અને હરસહાયમલ શુકદેવદાસ નામના બે શેઠ-મિત્રોએ એક દિવસ ધનરાજિગિર મહારાજને પ્રણામ કરી, હાથ જોડી નિવેદન કર્યું : તેઓ અનુમતિ આપે તો એ લોકો એક મઠ અથવા ધર્મશાળા બંધાવી એમના જ સન્માન માટે એમને સમર્પિત કરે. ધનરાજગિરિજી આ સાંભળીને કહે સાચે જ જો જનહિત માટે તેઓ કંઈ કરવા ઇચ્છતા હોય તો સ્વામી વિવેકાનંદના બે સંન્યાસી શિષ્યો કનખલમાં શું કરે છે તે એકવાર પોતાની સગી આંખે જઈને જોઈ આવે. અને વિવેકાનંદના શિષ્યોનાં કાર્યમાં જો એ બે શેઠ મદદ કરશે, તો એ જ એમનું મહત્તમ દાન બનશે, તેનાથી જ તેઓ સુખી થશે અને દાતાઓનું પણ એથી મંગળ થશે. ગિરિજી મહારાજના નિર્દેશ પ્રમાણે ધર્મપ્રાણ ભજનલાલ અને તેમના મિત્ર કનખલમાં સ્વામી કલ્યાણાનંદ અને સ્વામી નિશ્ચયાનંદના કાર્યને જોઈ સાચે જ આશ્ચર્ય પામ્યા હતા. ભગવત્-પ્રેમને માનવ સેવામાં ઉતારીને અને માનવ પ્રેમને ભગવત્-ભક્તિમાં ઉન્નત કરી, વૈદિક ભારતના અધ્યાત્મિક આદર્શને શી રીતે વ્યવહારુ બનાવી શકાય એ પ્રત્યક્ષ જોઈ બંને શેઠ-બંધુઓએ આનંદ અને વિસ્મય અનુભવ્યા હતા. ધનરાજગિરિજીએ એમને કેમ એ પ્રમાણે કહ્યું હતું તે એમને સમજાયું. અંતે તેઓની દાનશીલતાથી જ કનખલ સેવાશ્રમનાં સ્થાયી ગૃહોનું નિર્માણ સંભવિત થયું હતું. સ્વામી વિજ્ઞાનાનંદજીના પ્રકલ્પિત નકશા (Plan) પ્રમાણે, સ્વામી કલ્યાણાનંદ અને સ્વામી નિશ્ચયાનંદની વ્યક્તિગત દેખરેખ નીચે સેવાશ્રમનાં બે પ્રશસ્ત ભવનનું નિર્માણ કાર્ય ઈ.સ. ૧૯૦૪નાં અંતમાં પૂર્ણ થયું. ઈ.સ. ૧૯૦૫ની શરૂઆતમાં એક શુભ દિવસે નૂતનગૃહમાં સેવાશ્રમમાં કાર્ય શરૂ થયું.

વસ્તુતઃ ધનરાજગિરિજી મહારાજની સ્વીકૃતિના ફળે જ ઉત્તરાખંડના પ્રાચીનપંથી દશ-નામી સાધુઓની પ્રશંસાભરી નજર સ્વામી કલ્યાણાનંદનાં કાર્યો જાણી આકર્ષાઈ હતી. દશનામી સાધુઓના ભંડારામાં સર્વપ્રથમ આ ધનરાજગિરિજીએ સ્વામી કલ્યાણાનંદ અને સ્વામી નિશ્ચયાનંદને સન્માન સહિત આહ્વાન કરી પોતાની પાસે જ આસન પ્રદાન કર્યું હતું. એ પછી સહુની આંખો ખૂલી ગઈ – નીરવ સાધક એવા આ બે સંન્યાસી ભ્રાતાઓના માન-સન્માન હૃદયથી કરતાં શીખી ગયા.

સ્વામી કલ્યાણાનંદને સ્વામીજીએ આદેશ દીધો હતો આ સેવાશ્રમના કર્મીઓની જીવનધારામાં ધ્યાન અને સેવા એકી સાથે, એક જ તાલથી ચાલશે. કનખલ સેવાશ્રમના નિર્માણના નકશામાં આ ખૂબ જ ધ્યાન દેવા જેવો વિષય હતો, કે સ્વામી કલ્યાણાનંદે એમના શ્રીગુરુના આદેશને કેવી રીતે યાદ રાખ્યો હતો. સામે સેવા વિભાગ, એની પાછળ શ્રીરામકૃષ્ણ મંદિર, અને તેને સંલગ્ન ધ્યાન-ખંડ, વાંચનાલય અને સાધુઓને રહેવા માટે અલગ વાસ વગેરે વાસ્તવિક સાક્ષી દે છે, કે સ્વામીજીએ એકવાર સ્વામી કલ્યાણાનંદને બોલાવી. તેમના કર્મપરિણત- વેદાંત સાધનાના કેન્દ્રની સ્થાપના માટે જે આદર્શ ચિત્ર એમની સામે રજૂ કર્યું હતું, એણે જ ત્યાં વાસ્તવ રૂપ લીધું હતું. સ્વામી કલ્યાણાનંદની દૂરદર્શિતા અને દક્ષતાના પરિણામે કર્મ અને ઉપાસના માટે સાચે જ એક આદર્શ સ્થાન કનખલમાં સજાર્યુ હતું. તેઓ હંમેશા કહેતા : ‘ભલે આ કનખલ સેવાશ્રમ મિશનનું શાખા કેન્દ્ર કહેવાય છે, તો પણ અહીં મઠ અને મિશન બંને વિભાગનું કામ ચાલે છે.’ કર્મ સાથે જ્ઞાન ભક્તિ અને યોગનું સમન્વયસાધન કરીને, સ્વામીજીએ દર્શાવેલા યુગધર્મને કાર્યમાં પરિણત કરવા માટે એમના પ્રયત્નોનો અંત નહોતો. અને આ ભાવને સેવાશ્રમના પવનમાં નિત્ય પ્રવાહિત રાખવા તેઓ શ્રીરામકૃષ્ણના પાર્ષદોમાંના ઘણાને કનખલ સેવાશ્રમમાં આમંત્રીને તેમના અધ્યાત્મના પ્રભાવનો સુયોગ પોતે ગ્રહણ કરતા અને બીજા કર્મીઓને પણ આપતા. સ્વામીજીનાં વિશિષ્ટ સંતાનોને પણ ખાસ કનખલ બોલાવી લાવતા. આ પ્રસંગમાં યાદ રાખવા જેવી બાબત એ છે કે ઈ.સ. ૧૯૦૧ના અંતમાં, સ્વામી શિવાનંદજી જ્યારે ઉત્તરાખંડના આ સર્વ વિસ્તારમાં ભ્રમણ કરતા હતા, ત્યારે સ્વામી કલ્યાણાનંદની વિનંતીથી તેઓ આવીને ત્યાં થોડા દિવસ વસ્યા હતા, તે વખતે સેવાશ્રમ તો હજુ અંકુર અવસ્થામાં હતો, એમણે સ્વામી કલ્યાણાનંદને કાર્યમાં ખૂબ જ ઉત્સાહ પ્રેરીને સહાયતા કરી હતી.

ઈ.સ. ૧૯૦૩ની સાલ કનખલ સેવાશ્રમના ઈતિહાસમાં ઘણા કારણોસર સ્મરણીય બની છે. આ વર્ષના અંતિમ ભાગમાં શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી કાશીધામથી કનખલ આવી સેવાશ્રમની એક પર્ણકુટિરમાં લગભગ એક મહિનો રહ્યા હતા. મહારાજજીની હાજરીથી સેવાશ્રમના સાધુકર્મી અને સેવકોના પ્રાણમાં એક અભૂતપૂર્વ પ્રેરણા સંચારિત થઈ હતી. મહારાજ હંમેશા જ કહેતા કે વૃંદાવન અને કનખલ, આ બે સ્થાન એમને ખૂબ પ્રિય છે. ઈ.સ. ૧૯૧૨ના માર્ચ મહિનામાં, સ્વામી બ્રહ્માનંદજી બીજીવાર કનખલ પધાર્યા હતા. ત્યારે તેમની સાથે સ્વામી તુરીયાનંદજી, સ્વામી શિવાનંદજી, કેદારબાબા, રામલાલદાદા અને બીજા પણ કેટલાક સાધુ ભક્તો આવ્યા હતા. સ્વામી બ્રહ્માનંદજીએ આ સહુની સાથે, આ સમયે લગભગ સાત મહિના સેવાશ્રમમાં રહીને, ત્યાં એક અનિર્વચનીય આનંદનો સ્રોત વહાવ્યો હતો. કનખલ સેવાશ્રમ માટે આ એક અવિસ્મરણીય અધ્યાય હતો. શ્રીરામકૃષ્ણ સંઘના અધિનાયક અને તેમની સાથેના સાધુ મહાત્મા અને ભક્તોની ઉપસ્થિતિથી હરિદ્વાર-હૃષીકેશ વિસ્તારના સાધુ સમાજમાં તો એક જાતની ચેતના વ્યાપી ગઈ. સૌ સ્થાનિક આશ્રમોના મહંતો અને સાધુઓ ત્યારથી જ સેવાશ્રમના વધુ ગાઢ સંપર્કમાં આવ્યા હતા. એ વર્ષે સ્વામી બ્રહ્માનંદજી મહારાજની ઇચ્છા મુજબ કલકત્તાથી પ્રતિમા લાવીને, સેવાશ્રમમાં મહાસમારોહ સાથે દુર્ગોત્સવ ઉજવ્યો હતો. આના ઉપલક્ષમાં બધા સંપ્રદાયના સાધુઓને સેવાશ્રમમાં આમંત્ર્યા હતા, અને સ્વામી બ્રહ્માનંદજીનાં જ આગ્રહથી સ્વામી કલ્યાણાનંદે સાધુઓ માટે સેવાશ્રમમાં વિરાટ ભંડારાનું આયોજન કર્યું હતું. આ સાત મહિના કલ્યાણાનંદ અને તેમના સહયોગી સ્વામી નિશ્ચયાનંદે અદ્‌ભુત નિષ્ઠા સાથે ઉપસ્થિત સાધુસજ્જનોની સેવા કરી હતી. સેવાશ્રમ પ્રતિ સ્વામી બ્રહ્માનંદજીના સર્વદા હૃદયના આશીર્વાદ વરસતા હતા. ઈ.સ. ૧૯૧૭નો સેવાશ્રમનો વાર્ષિક અહેવાલ પ્રકટ થયો હતો, તેમાં છપાયેલ મહારાજજીની સારગર્ભ પ્રસ્તાવનાએ સેવાશ્રમને અશેષ ગૌરવનો અધિકારી કર્યો હતો. સેવાશ્રમની તેમણે વ્યાખ્યા કરી હતી : ‘… a great temple of the worship of the ‘Virat’ in the upraising of which, the helper, the worker and the helped will all be blessed’ અર્થાત્ વિરાટનું ઉપાસના મંદિર જેના ઉદ્‌બોધનથી સેવક, કર્મી અને સેવ્ય સહુ જ ધન્ય બનશે.

સ્વામી શિવાનંદજી અને સ્વામી તુરીયાનંદજી આ પછી પણ ઘણીવાર કનખલમાં આવીને રહ્યા હતા. વિશેષતઃ સ્વામી તુરીયાનંદજીને કનખલને માટે એક વિશેષ આકર્ષણ હતું – ‘કલ્યાણ અને નિશ્ચય’ તેમને ખૂબ જ પ્યારા હતા. સ્વામી તુરીયાનંદજી જ્યારે પણ સેવાશ્રમમાં રહેતા, ત્યારે કનખલ સેવાશ્રમ જાણે વેદાંતચર્ચાનું પીઠ-સ્થાન બની જતું. આ બ્રહ્મવિદ્ પુરુષનાં સાન્નિધ્યમાં આવી આશ્રમના સાધુઓ અને સ્થાનિક અધ્યાત્મ-પિપાસુઓના પ્રાણમાં અશેષ અવિરત શાંતિનાં પૂર ઉમટતાં. સ્વામી તુરીયાનંદજી કદિ કદિ નિર્જન ગંગા તટે એકલવાસ કરી તપ વગેરે કરતા. પણ તેઓ ગમે ત્યાં કેમ ન રહે, તેઓ જ્યાં પણ રહેતા, સ્વામી કલ્યાણાનંદનું સેવાપરાયણ મન સ્વામી તુરીયાનંદજીની પાછળ પાછળ ફરતું રહેતું. યાદ કરવા જેવી વાત એ છે કે ઈ.સ. ૧૯૧૦ના માર્ચમાં નાંગોલ તપસ્યાની પ્રચંડ કઠોરતાને લીધે જ્યારે સ્વામી તુરીયાનંદજીનું શરીર ભગ્નપ્રાય થઈ ગયું હતું, ત્યારે સ્વામી કલ્યાણાનંદ નજિમાબાદ દોડી ગયા અને એમને કનખલ લાવ્યા અને તેમની યથાયોગ્ય સેવા-ચાકરીનો પૂરતો બંદોબસ્ત કર્યો. અને આ સમયે જ બીજી એક ઉલ્લેખ યોગ્ય સ્મૃતિ, એ હતી : સ્વામી પ્રેમાનંદજી પણ કાશીધામથી બીમાર ગુરુભ્રાતા હિર મહારાજને જોવા માટે કનખલ આવ્યા હતા. શ્રીરામકૃષ્ણનાં બંને વરિષ્ઠ સંતાનો એકી સાથે મળતાં, સ્વામી કલ્યાણાનંદે તો પ્રાણ પૂરીને બંનેની સેવા કરી હતી. બંને મહાપુરુષોના દિવ્ય સંપર્કથી કેટકેટલા નૂતન પ્રકાશની પ્રાપ્તિ પણ તેમણે આ સમયે કરી હતી. ગુરુ વિવેકાનંદના આ બે પ્રિયસહચરને એક સાથે એકાંતમાં મળતાં, સ્વામી કલ્યાણાનંદને થયું કે તેઓ જાણે શ્રીગુરુના જ સાક્ષાત્ સંગમાં રહ્યા છે.

એક દિવસ સ્વામી તુરીયાનંદજી સ્વામીજીની વાત કરતા હતા ત્યારે ખૂબ જ ઉત્તેજિત થઈ બોલ્યા હતા. ‘તેઓ નિર્ભિક હતા. તેઓ દિ બાંધછોડ ન કરતા, ફક્ત સર્વોચ્ચ સત્યનો જ પ્રચાર કરતા. તેઓ કેવળ દેતા, બદલામાં કશું જ ન ચાહતા. બીજા તો એક ટીપું આપે ને બદલામાં એક બાલદી માગે.’ બાબુરામ મહારાજ આ વાત સાંભળી આવેગ ભર્યા સ્વરે બોલ્યા હતા, ‘આપણે બે મહાપુરુષ જોયા છે – આપણા ઠાકુર અને સ્વામીજી. તેમની સાથે બીજા કોઈની યે સરખામણી ન થાય.’ સ્વામી કલ્યાણાનંદ તે દિવસે એમની વાતચીત સાંભળી અતિશય વિહ્વળ થઈ ગયા હતા. એવી કેટલી ય ઘટનાઓ, કેટકેટલી યાદો સ્વામી કલ્યાણાનંદના સમસ્ત જીવનની પ્રેરણા બની હૃદયમાં સયત્ને રક્ષાયેલી હતી, સંઘરાયેલી હતી. સ્વામી -તુરીયાનંદજીના અંતરંગ સાહચર્યના ફળસ્વરૂપ, સ્વામી કલ્યાણાનંદની સમગ્ર જીવન-સાધનામાં સંન્યાસના ભાસ્વરનું એક ચિત્ર અખંડ ઝળહળતું પ્રચંડ કર્મમુખરતામાં પણ તેથી તેમના મોંએથી સાંભળવા મળતું ‘જુઓ, મારે છે શું બીજું? આ કમંડળ, દંડ અને ભિક્ષા ઝોળી!’ સંન્યાસી કલ્યાણાનંદની સામે સ્વામી તુરીયાનંદજીની વાત નીકળતાં તો ગર્વિત મગરૂર સિંહની જેમ તેઓ ઉત્તેજિત થઈ જતા અને કેટલીયે વાતો એમના વિષે કરતા.

ફેબ્રુઆરી ૧૯૨૩માં મહાપુરુષ સ્વામી શિવાનંદજી જ્યારે ફરી કનખલ આવ્યા, ત્યારે તેઓ સંઘાધ્યક્ષ હતા. આ વર્ષે તેમણે કેટલાક પ્રાર્થીઓને આ સેવાશ્રમમાં જ સંન્યાસ અને બ્રહ્મચર્ય-દીક્ષા દીધી હતી. સ્વામી કલ્યાણાનંદની ઇચ્છાથી મહાપુરુષજીએ આ વખતે પણ કનખલ અને તેની આસપાસનાં તીર્થસ્થાનોનાં ફરીને દર્શન કર્યાં. તેમની માત્ર પાંચ-છ દિવસની હાજરીથી સેવાશ્રમની રોજની કર્મધારામાં એક નવીન ઉદ્યમ – પ્રેરણા જોવા મળ્યાં. કથામૃતકાર માસ્ટર મહાશયે પણ થોડો સમય કનખલમાં રહી સાધન-ભજન-તપસ્યા વગેરે કર્યાં હતાં લગભગ એ ઈ.સ. ૧૯૧૨ કે ૧૯૧૩ની સાલ હતી.

સ્વામી કલ્યાણાનંદના ગુરુભાઈઓમાંથી ઘણાંએ તેમને પ્રત્યક્ષ કે પરોક્ષભાવે આ સેવાશ્રમના કાર્યમાં સહાયતા કરી હતી, આ વાત તો પૂર્વે થઈ જ ગઈ છે. સ્વામી વિરજાનંદ જ્યારે ‘પ્રબુદ્ધ ભારત’ના પ્રચારને માટે ઈ.સ. ૧૯૦૧ અને ૧૯૦૨માં ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પ્રવાસ કરતા હતા ત્યારે કનખલ આવી ગુરુભ્રાતા સ્વામી કલ્યાણાનંદનો વિસ્મયકર સેવા-ભાવ જોઈને મુગ્ધ બની ગયા હતા. સ્વામી પ્રકાશાનંદ પણ ત્યારે ત્યાં જ હતા. ત્રણ ગુરુભ્રાતાનાં મિલનની પાર્શ્વભૂમિકામાં, તે વખતે સેવાશ્રમમાં જે આનંદભર્યું વાતાવ૨ણ સર્જાયું હતું, એ તો સહેજે જ કલ્પી શકાય એમ છે. સ્વામી વિરજાનંદે પણ સેવાશ્રમના કાર્યમાં ખૂબ ઉત્સાહ પૂર્યો હતો, અને એને માટે અર્થ-સંગ્રહનું થોડું દાયિત્વ પોતે લીધું પણ હતું. ફરી એકવાર, ઈ.સ. ૧૯૦૬ની વાત છે : સ્વામી તુરીયાનંદજી ત્યારે કનખલમાં રહેતા હતા. સ્વામી વિરજાનંદે માયાવતીથી નીચે આવી, થોડા દિવસ કનખલમાં રહીને તપસ્યા વગેરે કર્યાં હતાં. સેવાશ્રમનાં ઠાકુર મંદિરમાં બેસી ધ્યાન-જપ વગેરેમાં તેઓ ત્યારે લગભગ આખો દિવસ જ ડૂબેલા રહેતા. માધુકરી કરી જેમતેમ આહાર પતાવી, ધ્યાન-ધારણા અને સ્વામી તુરીયાનંદજીના પુણ્ય સંગમાં તેમના દિવસનો અધિકાંશ કાળ વીતતો. સ્વામી વિરજાનંદની કઠોર તપાશ્ચર્યા જોઈ સ્વામી કલ્યાણાનંદ તેમને શી રીતે થોડી સગવડ કરી દેવી એ માટે ખૂબ જ કોશિશ કરતા કે ગમે તેમ, તે પછી, સ્વામી કલ્યાણાનંદે બહુ અનુનય વિનય કરી અંતે સેવાશ્રમના રસોડામાંથી થોડા શાકની ભિક્ષા લેવા માટે સ્વામી વિરજાનંદને રાજી કર્યા હતા. પછી ફરીથી પણ એક બે વાર તેઓ કનખલ આવી, ગુરુગતપ્રાણ પ્રિય ગુરુ ભાઈને સંગસુખ-સાહચર્ય દીધું હતું. ગુરુ ભાઈઓને બોલાવી, સેવા ક૨વી અને તેમને તપસ્યા માટે અનુકૂળતા કરી દેવી એ સ્વામી કલ્યાણાનંદનું એક પ્રિય કાર્ય હતું. એ સિવાય સંઘના બીજા ઘણા ભજનશીલ સાધુઓનો સેવાભાર માથે ઉપાડી લેવા તેઓ સદા પ્રસન્ન ચિત્તે સામે ચાલીને તૈયા૨ થતા.

સ્વામી કલ્યાણાનંદ અને સ્વામી નિશ્ચયાનંદના અંતરના ઉત્સાહ-ઉદ્યમથી, સેવાશ્રમનું કાર્ય ઉત્તરોત્તર વિસ્તૃત થતાં થતાં વિવિધ વિભાગ અને ઉપવિભાગમાં પૂર્ણાંગ થઈ ટૂંક સમયમાં એક મહાન-વિશાળ સેવા- પ્રતિષ્ઠાન બની ગયું. ઈસ્પિતાલના અંતર્વિભાગ અને બહિર્વિભાગમાં દર વર્ષે હજારો પીડિત સાધુ, તીર્થયાત્રી અને દરિદ્ર વ્યક્તિઓ વિનામૂલ્યે સારવાર મેળવતા. સમગ્ર ઉત્તર પ્રદેશમાં રામકૃષ્ણ મિશન દ્વારા સંચાલિત આ કનખલ સેવાશ્રમ એક ઉલ્લેખનીય પ્રતિષ્ઠાન બન્યું. પણ સ્વામી કલ્યાણાનંદની પરિધિ કેવળ પીડિતોની સેવા પૂરતી સીમિત નહોતી, હરિદ્વારમાં કુંભમેળા માટે તીર્થયાત્રીઓની રહેવાની સગવડ અને બીજી સેવા કરવા લાયક વિવિધ કાર્યો તેમની કોશિશથી સંપન્ન થતાં. તેમના જીવનકાળ ઈ.સ. ૧૯૦૩, ૧૯૧૫ અને ૧૯૨૭માં એમ ત્રણવા૨ હરિદ્વારમાં કુંભમેળા ભરાયા હતા. સ્વામી કલ્યાણાનંદે ચાલુ કરેલા આ કુંભમેળાનું સેવા કાર્ય, આજે પણ કનખલ સેવાશ્રમની કાર્ય-સૂચિમાં સામેલ છે. સેવાશ્રમનાં રોગીઓ માટે વાંચનાલય, સામાન્ય જનતા માટે પણ વાંચનાલયની પ્રતિષ્ઠા, એ સ્વામી કલ્યાણાનંદની જનસેવાની બીજી એક દિશા હતી. ઈ.સ. ૧૯૦૫માં વાંચનાલયનું કાર્ય શરૂ થયું હતું. કનખલ ગામના દરિદ્ર શ્રમજીવીઓ અને તેમનાં બાળકોનાં શિક્ષણ માટે ઈ.સ. ૧૯૧૩માં સેવાશ્રમમાં જ એક રાત્રી-શાળાની એમણે સ્થાપના કરી હતી. પછી એ શાળાને વધુ સારી રીતે તૈયાર કરી, ભંગી-મહેતરની વસ્તીમાં એનું સ્થળાંતર કર્યું હતું . તે જમાનામાં સ૨કા૨ કે બીજી કોઈ સંસ્થા ભંગી-મહેતર જેવી નિમ્ન જાતિઓનાં શિક્ષણ વગેરે વિષે ખાસ કાળજી કરતી નહિ. એ દિશાનો વિચાર કરીએ તો લાગે કે સ્વામી કલ્યાણાનંદનો આ પ્રયાસ, સ્વામીજીના શિષ્યનું યોગ્ય કાર્ય હતું એમ કહી શકાય. આ રાત્રીશાળાની છાત્ર સંખ્યા, શિશુ-વૃદ્ધ સમેત લગભગ ૧૪૦ની થઈ હતી. તે સમયની દૃષ્ટિએ જોતાં આ સાચે જ વિસ્મયજનક કહેવાય. અહીં યાદ રાખવું જરૂરી છે કે ગાંધીજીનું હરિજન આંદોલન શરૂ થયું એની બહુ પહેલાંની આ વાત છે. અવગણિત, ઉપેક્ષિત, મોચી મહેતર-ડોમ-ભંગી અને પતિત-ચાંડાલો માટે સ્વામી કલ્યાણાનંદ અને સ્વામી નિશ્ચયાનંદનું હૃદય સર્વદા વ્યથિત થતું. સ્વામીજીની અનંત-પ્રેમ ભાવનાએ જાણે આ એમના આ બે શિષ્યમાં અનુપ્રવેશ કર્યો હતો. સેવાશ્રમની પાસે વસતા મોચી-ડોમ વગેરે માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી, કૂવા ખોદાવી દેવા, તેમની તકલીફમાં- સુખ દુઃખમાં પૈસાની મદદ કરવી, ઘર બાંધી દેવાં, વગેરે બહુ વિધ સેવામાં બંને ગુરુભ્રાતાના ઉદ્યમને આરામ-વિરામ નહોતા.

સ્વામી કલ્યાણાનંદનું સેવામય જીવન જાણે સદૈવ જલતી રહેતી એક દીપ-શીખા સમું હતું, સેવાશ્રમનાં પ્રારંભમાં કોડીહીન અવસ્થામાં પણ એ જેવું દીપ્તિમાન હતું, તે પછી ઉત્તરકાળની સહજ સારી સ્થિતિમાં પણ તે તેવું જ પ્રખર તેજોમય રહ્યું હતું. જીવનની સર્વપ્રકા૨ની પરિધિમાં સંન્યાસી-સુલભ કઠોર નીતિપરાયણતા અને આદર્શ બોધ એ એમના ચરિત્રની વિશિષ્ટતા હતી અને એણે જ એમને એટલા મહાન કરી દીધા હતા. સેવાશ્રમના કોઈ કોઈ કાર્યકરોએ એક વાર બીજી બધી ઈસ્પિતાલની દેખાદેખીથી એનું અનુકરણ કરવા માટે કાર્ય માટે નિર્દિષ્ટ સમય બાંધી દેવા માટે એમને અનુરોધ કર્યો, સ્વામી કલ્યાણાનંદે તેના જવાબમાં કહ્યું હતું, ‘જુઓ, આપણી કંઈ આ ઈસ્પિતાલ નથી. સ્વામીજીએ અહીં સેવા કરવા મોકલ્યા છે. આ તો સેવાશ્રમ છે. બાપુ, અહીં તો એ બધું ઘડિયાળનાં કાંટે કામ નહિ ચાલે. આપણો તો આ સેવાભાવ છે.’ સેવાશ્રમને તેઓ સાધન ક્ષેત્ર – ભગવત્ ઉપાસનાનું સ્થાન માનતા. તેથી જ એની સ્વચ્છતા અને પવિત્રતા તરફ ખૂબ ધ્યાન રાખતા. ફૂલના બાગ બનાવી સેવાશ્રમને સુસજ્જ કરવા માટે તેમણે કેટલી બધી કોશિશ કરી હતી! ઘણાં બધાં ફૂલઝાડછોડ થયાં તેથી મચ્છરોનો ઉત્પાત વધી ગયો. કોઈએ એમને એ વાત કરી તો તેઓ કહે, ‘એમાં શું? મચ્છરના દિવસોમાં જરાક મચ્છરો તો થાય જ ને? તેથી શું સ્વામીજીના આશ્રમમાં ફૂલ ન ઉગાડવાં!’

સ્વામીજીના આદર્શોને લઈને એમની સકળ સાધના, સેવા, કર્મ, ઉપાસના વગેરે સર્વ હતાં. અસંખ્ય કાર્યમાં પણ, કર્મયોગી સ્વામી કલ્યાણાનંદ નિષ્કામની સૌમ્ય પ્રતિમૂર્તિ હતા. ધ્યાન-જપ અને સેવા-સાધનાનાં સર્વ સ્રોત તેમની માત્ર એક ધારામાં વહેતા – અને એ ધારાનું ગંતવ્ય હતું એમના જીવન આદર્શના પ્રતીક-વિગ્રહ સ્વામીજી. સ્વામીજીની વાત તેઓ કદિ જાહેરમાં કે મોટેથી બોલવા જતા તો એમનો કંઠ રુંધાઈ જતો. એકવાર બોલ્યા હતા, ‘જુઓ, સ્વામીજીની વાત શું કરું? તેમની વાત મુખેથી પ્રકટ કરી નથી શકાતી. હું કદિ એમના મુખ સામે તાકીને જોઈ નહોતો શકતો. એવી dazzling (જ્યોતિર્મય) એમની આંખો હતી – જાણે એમાંથી આંખો આંજી નાખે એવો પ્રકાશ ઝરતો હતો. કદિ જો એક નજર થતી – મળતી -તો મારું માથું આપો આપ જ નમી જતું. જમીન ભણી નજર ઢાળી દેતો. તેઓ જ્યારે ધ્યાન કરતા, એ તો એક જોવા લાયક દૃશ્ય! જાણે એક પથ્થરની મૂર્તિ – statue ન હોય! અમે પણ મંદિરમાં ધ્યાન કરતી વખતે અમે તો ડરતાં ડરતાં ઉચ્છ્વાસ મૂકતા, અમારા ઉચ્છ્વાસના અવાજથી વળી એમના ધ્યાનમાં ખલેલ પડશે તો! અહા! કેવી એ મૂર્તિ! જેમ તમે એમની તસ્વીરમાં જુઓ છો ને! એક હાથ પર બીજો હાથ મૂકીને બેઠા છે! કલાકો સુધી, લગભગ ત્રણ ચાર કલાક તેઓ રોજ સવારે ઠાકુર – ખંડમાં એકાસને બેસતા.

સંન્યાસીનું કષ્ટકર જીવન વીતાવવું, એ સ્વામી કલ્યાણાનંદની સ્વાભાવિક જીવનચર્યા હતી. કોઈ કદી સારો કામળો-ધાબળો, પહેરણ-કુર્તા કે ધોતિયું વગેરે એમને આપતા તો, તે જ પળે તેઓ કોઈ ગરીબ રોગીને માટે મોકલી દેતા. એકવાર નવા આવેલા બ્રહ્મચારી કનખલની પ્રચંડ ઠંડીમાં જરા વ્યાકુળ બની ગયા. નવા બ્રહ્મચારીએ આવતાની સાથે જ પગમાં પહેરવાને જોડી મોજાં માગ્યાં, સ્વામી કલ્યાણાનંદે બ્રહ્મચારીને હસીને કહ્યું . ‘બાબા, સંન્યાસી થવા આવ્યા છો અને તમને મોજાં જોઈએ છે!’ દસ આનાના જોડા તેઓ હંમેશા વાપરતા. પ્રચંડ ઠંડીમાં પણ તેઓ રૂ ભરેલો અંગરખો પહેરતા. આહાર-વિહાર અને પોશાકમાં તેઓ સીધા સાદા અને ઓછાંમાં ઓછાં સાધનોથી ચલાવી લેનારા હતા. બીજાને પણ તેઓ એવો જ ઉપદેશ દેતા.

દીર્ઘકાળ કઠોર પરિશ્રમ અને કષ્ટ કરવાથી જીવનનાં છેલ્લા પંદર વર્ષ તેઓ લગભગ લથડેલી હાલતમાં હતા. અંતે તકલીફ દેનારા મીઠી પેશાબના રોગના આક્રમણથી તેઓ દુર્બળ અને રોગી બીમાર બની ગયા. ઘણી વિનંતી કરવા છતાં કલકત્તા કે કાશી જઈ યોગ્ય ચિકિત્સા વગેરે કરાવવાની વ્યવસ્થાની કોઈપણ વાત તેમણે ન માની. ગરમીના દિવસોમાં કેટલીકવાર હવાફેર માટે મસુરી, અલમોડા કે કાશ્મીરમાંથી કોઈ એક જગ્યાએ માત્ર થોડા દિવસ માટે તેઓ ગયા હતા. ઈ.સ. ૧૯૩૨માં માયાવતી જઈ થોડો સમય વિશ્રામ લીધો હતો. ઈ.સ. ૧૯૩૪ના ઑક્ટોબરમાં પ્રાણ – સમાન – ગુરુભ્રાતા અને અંતરંગ સહચર સ્વામી નિશ્ચયાનંદ કનખલમાં જ મહાસમાધિ પામ્યા. સ્વામી કલ્યાણાનંદનો જમણો હાથ જાણે ખસી ગયો. પ્રચંડ આઘાતથી એમનો ભગ્ન દેહ વધુ ક્ષતવિક્ષત થયો.

૧૯૩ ઈ.સ. ૧૯૩૭ના જુન મહિનામાં ચિકિત્સકોની સલાહથી તેઓ મસુરી ગયા. નાનકડું એક મકાન ભાડે લઈ, ત્યાં જ ચિકિત્સા-પથ્યનો બધો બંદોબસ્ત ક૨વામાં આવ્યો. કનખલના સાધુઓ આશા રાખતા હતા કે તેઓ જલદી જ સાજા થઈને ફરી એમની વચ્ચે પાછા આવશે, અને આગામી કુંભમેળાના સેવાકાર્યમાં નેતૃત્વ લેશે. થોડા દિવસ ત્યાંના હવાપાણી અને ચિકિત્સાથી તબિયતમાં સામાન્ય-સુધારો દેખાયો પણ કોઈ સ્થાઈ ભાવે સુધારો નહોતો થતો.

મહાપ્રાણ સ્વામી કલ્યાણાનંદની અગાધ પ્રેમભરી ઉદારતાની એક નાનકડી ઘટના અહીં યાદ કરવા જેવી છે. ચિકિત્સકોએ તેમને આ સમયે આમિષ આહાર લેવાનું સૂચન કર્યું હતું – તે વખતે, એ તેમના જીવનના રક્ષણ માટે અતિશય આવશ્યક હતું. ચિકિત્સકોની સૂચના પ્રમાણે રોજ સેવક માંસાહારી પથ્ય માછલીનો રસો (સૂપ) તૈયાર કરીને પોતાને હાથે પીરસતા. એક દિવસે વાતમાંથી વાત નીકળતાં બીજાને મુખેથી એમણે જાણ્યું કે તેમના સેવક પોતે નાનપણથી બિલકુલ ચૂસ્ત શાકાહારી છે. અકસ્માત્ આ વાત સાંભળીને જાણે અજાણતાં જ કોઈ એક અન્યાય કરી બેઠા હોય તેમ તેઓ તો ખૂબ જ ગંભીર બની ગયા. તે દિવસથી તેમણે ચિકિત્સકોને જણાવી દીધું કે આમિષ પથ્ય તેમને સદતું નથી – હવે તેઓ એ નહિ ખાય. અચાનક આ રીતે એમના પથ્ય પરિવર્તનનો હેતુ શું હતો તે સેવક ત્યારે જાણતા નહોતા. પછી જો કે એ વાત છાની ન રહી. ભક્તિમાન સેવકના મનને આ ઘટનાથી દારુણ આઘાત લાગ્યો. વેદનાની સાથે સાથે, યુગપથ સ્વામી કલ્યાણાનંદના આ દેવ- સુલભ ચરિત્રના મહિમાથી તેઓ વિહ્વળ પણ થઈ ગયા. અંતે પ્રેમની જ જીત થઈ. સેવકે મનોમન વિચાર્યું : ‘જેમણે મારા સામાન્ય લૌકિક સંસ્કારને માન આપી, પોતાના મહામૂલ્ય જીવનની પણ પરવા કર્યા વિના મુશ્કેલીમાં મૂકી દીધું! અને હું કોણ એવો મોટો છું! એક સામાન્ય માણસ છું. મારા એક શાકાહારી સંસ્કારમાત્રને કાયમ રાખવા માટે આવા પ્રેમમય મહાત્માની સેવામાં ત્રુટિ કરું છું. આજથી હું પણ આ તુચ્છ સંસ્કારની ગ્રંથિને તિલાંજલિ કેમ ન દઈ શકું? છોડી કેમ ન શકું?’ સેવક જીદ લઈને બેઠા, મહારાજ આ રીતે આપ શરીર ત્યાગ કરશો તે હું સહી નહિ શકું. દાક્તરોએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે હું પથ્ય તૈયાર કરીશ અને આજથી હું પણ આપની પ્રસાદીરૂપે તે જ ખાઈશ.’ શ્રદ્ધાની શક્તિ અસીમ છે – પ્રેમ સર્વાવગ્રાહી છે, આ જ વાત ફરી એકવાર પ્રમાણિત થઈ. સમસ્યાનું સમાધાન સહજે જ થઈ ગયું – સ્વામી કલ્યાણાનંદ સેવકની શ્રદ્ધા સહિતની પ્રાણભરી સેવાને નકારી ન શક્યા.

૨૦મી ઑક્ટોબરની સવારથી સ્વામી કલ્યાણાનંદ ખૂબ અસ્વસ્થતા અનુભવતા હતા. તેથી આખો દિવસ ખાધા પીધા વિના પથારીમાં જ પૂર્ણ આરામ કર્યો. બપોરનાં ત્રણ વાગે એકવાર ઊઠીને આરામ ખુરશી પર ફક્ત બેઠા અને જરાક દૂધ પણ પીધું. પણ પછી એમનું આખું અંગ ધ્રૂજવા માંડ્યું. તેથી ફરીવાર પથારીમાં લંબાવવું પડ્યું. થોડીવાર પછી અંગમાં અસહ્ય બળતરા શરૂ થઈ, ચિકિત્સકોએ શક્ય એટલી કોશિશ કરી, પ્રસ્થાનોન્મુખ સંન્યાસી સ્મિત કરી બોલ્યા : ‘દાક્તર હવે શું! I am dying, I am dying. – ‘હું મૃત્યુ ભણી આગળ વધી રહ્યો છું.’ સેવક અને દાક્તરોની સર્વ કોશિશ નકામી બની ગઈ. સ્વામી કલ્યાણાનંદ મુખેથી વચ્ચે ‘મા’ ‘મા’ એમ અસ્ફુટ શબ્દ બોલ્યા, બાકી બધું જ શાંત નીરવ થઈ ગયું હતું. રાતના સાડા દસ વાગે અચાનક પથારીમાંથી ઊઠી આરામખુરશી પર બેસી બે ઘૂંટડા પાણી પીધું. રાતના ૧૧ ને ૧૦ મિનિટે (૨૦મી ઑક્ટોબર ૧૯૩૭) અતિશય સ્પષ્ટરૂપે ત્રણવાર ‘મા’નું નામ ઉચ્ચારી સ્વામી કલ્યાણાનંદ મહાસમાધિમાં મગ્ન થયા. બીજે દિવસે લોકાંતરિત સંન્યાસીનો પવિત્ર-દેહ કનખલ લઈ આવ્યા અને યથોચિત મર્યાદા સહકારે જાહ્નવી ગર્ભ સમાહિત કર્યો.

સ્વામી કલ્યાણાનંદે મૃત્યુલોકનો ત્યાગ કર્યો, પણ એમની મહાકીર્તિ સમા કનખલ સેવાશ્રમ આગામી બહુ કાળ સુધી સેવાવ્રતી માણસો પાસે એમની મહાન કીર્તિ, સાધના અને સિદ્ધિની કથા કહેવા માટે ઊભો છે. શ્રીરામકૃષ્ણ સંઘની સેવા-સાધનાના ઈતિહાસમાં સ્વામી કલ્યાણાનંદ ચિર-અમર રહેશે. સ્વામીજીના સેવાદર્શના તત્ત્વનું અનુસંધાન ક૨ના૨ા જેઓ છે, તેઓ સ્વામીજીના આ પ્રિય શિષ્યના જીવનની પર્યાલોચના કરશે. તેમના મહાપ્રયાણ વિષે ‘ઉદ્‌બોધન’ના સંપાદકે લખ્યું છે : ‘સ્વામી કલ્યાણાનંદના જીવનમાં ગુરુભક્તિ અને સેવાએ જાણે મૂર્તિમંતરૂપ ધારણ કર્યું હતું . તેઓ યથાર્થ કર્મયોગી અને આચાર્ય વિવેકાનંદના યોગ્ય શિષ્ય હતા. તેમના જેવા મહાપ્રાણ સાધકના તિરોધાનથી કેવળ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનને જ ખાસ્સી ખોટ પડી છે એવું નથી, દેશને પણ મોટી ખોટ પડી છે એમાં સંદેહ નથી.’ અશેષ ક્ષતિમાં પણ અમને એ જ સાંત્વના છે કે સ્વામી કલ્યાણાનંદના દેહત્યાગની સાથે એમના આદર્શનો વિલય નથી થયો – એ અનંતકાળ સુધી મનુષ્યને સેવાધર્મથી ઉદ્‌બોધિત કરશે.

સંદર્ભ :

૧. સ્વામીજી સ્વયં હૃષિકેશમાં રહેતા હતા ત્યારે તેમણે કૈલાસ મઠના શ્રીમત્ ધનરાજગિરિજી સાથે શાસ્ત્રાલોચના કરી હતી. સ્વામી અભેદાનંદજીએ પણ પોતે સ્વામીજીના ગુરુભ્રાતા છે એમ કહીને ઓળખાણ આપી એમની પાસે ગયા હતા. અને થોડો સમય એ વિદગ્ધ સંન્યાસી પાસે વેદાંતનું અધ્યયન પણ કર્યું હતું.

૨. ત્યારે સાધુઓના રહેવાના ગૃહનો એક નાનકડો ઓરડો ઠાકુર-ઘર-દેવમંદિર માટે વપરાતો.

Total Views: 162

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.