(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં લખાયેલા કંપ્લીટ વકર્સના લેખનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે.- સં.)

કેટલાક લોકો માને છે કે વેદાંત તો પૂર્ણ રીતે તાર્કિક અને સૈદ્ધાંતિક છે, તેને આચારમાં મૂકી શકાય નહિ. આવા વિચારો હકકીતથી ઊલટા છે. દુનિયામાં પ્રવર્તમાન તમામ ફિલસૂફીઓમાં વેદાંત સૌથી વધુ વ્યવહારુ છે. પ્રો. મેક્સમૂલરે કહ્યું છે : ‘‘તમામ ફિલસૂફીઓમાં વેદાંત સૌથી ઉન્નત છે, અને બધા ધર્મો કરતાં તે વધારે કલ્યાણકારક છે.’’

ભારતમાં તો તત્ત્વજ્ઞાન એ હંમેશાં ધર્મની સૈદ્ધાંતિક બાજુ ગણાય છે, અને ધર્મ હંમેશાં આ તત્ત્વજ્ઞાનની વ્યવહારુ બાજુ ગણાય છે. જ્ઞાનના વૃક્ષનું જો તત્ત્વજ્ઞાન એ પુષ્પ ગણીએ તો ધર્મ એ તેનું ફળ છે. આ બાબત ધ્યાનમાં રાખીએ તો આપણે સમજી શકીશું કે વેદાંત વ્યવહારુ છે કે નહિ.

પ્રથમ આપણે ‘વેદાંત’ શબ્દનો અર્થ સમજી લઈએ. જો આપણે ‘વેદાંત’ શબ્દના અર્થનું વિશ્લેષણ કરીએ તો આપણને જણાશે કે તે બે શબ્દોને ભેગા કરીને બન્યો છે. તે છે ‘વેદ’ અને ‘અન્ત’. ‘વેદ’ શબ્દ સંસ્કૃત શબ્દ ‘વિદ્’માંથી બન્યો છે. તેનો અર્થ છે ‘જાણવું’. તેથી વેદ એટલે જ્ઞાન. ‘અંત’ શબ્દોનો અર્થ સ્વયંસ્પષ્ટ છે. તેથી ‘વેદાંત’ એટલે ‘વેદનો અંત’, એટલે કે ‘જ્ઞાનનો છેડો’.

પરંતુ આપણને પ્રશ્ન થાય કે આ ‘અંત’ ક્યાં છે અને તે કેવી રીતે ‘અંત’ છે ? આપણને ‘જ્ઞાનનો અંત’ ક્યાં મળે? દુનિયાનાં બધાં વિજ્ઞાનો અને તત્ત્વજ્ઞાનો પ્રકૃતિનાં રહસ્યને શોધવા પ્રયત્ન કરે છે, અને વાસ્તવિક રીતે તેમાં સત્ય શું છે તે જાણવા પ્રયાસ કરે છે. જ્ઞાનનો અંત ત્યાં જ હોય જ્યાં સાપેક્ષતા ન હોય, જ્યાં સ્થળ, કાળ અને કારણ વચ્ચે કોઈ સંબંધ ન હોય. જ્ઞાનનો અંત મર્યાદિત જ્ઞાનમાં ન હોય, તેમ આ વિલક્ષણ જગતના અમુક ખાસ ભાગનાં જ્ઞાનમાં પણ ન હોય, પરંતુ વૈશ્વિક પુરુષના જ્ઞાનમાં જ હોવો જોઈએ. આ વૈશ્વિક પુરુષ જ જ્ઞાનનો અનંત સાગર છે. તમામ વિલક્ષણતાઓનું તે મૂળ છે. આપણા જીવનનો પાયો તે જ છે, અને આપણાં પૃથ્વી પરનાં અસ્તિત્વનો સાચો આધાર છે. વિલક્ષણ જગતનું મૂળ એવો તે તમામ જ્ઞાનનો પણ અંત છે.

દિવ્યતા એ તમામ જ્ઞાનનો અંત છે. ઈશ્વરનાં જ્ઞાન કરતાં વધારે મહાન, વધારે ઉચ્ચ, વધારે ઉમદા અને વધારે સાચું બીજું શું હોઈ શકે ? આ દિવ્યજ્ઞાન એ જ અંત છે. વહેલા કે મોડા આપણે આ ‘અંત’ સુધી પહોંચવાનું છે. બધા ફિલસૂફો આ ‘અંત’ને શોધી કાઢવા પ્રયત્ન કરે છે, ભલે તેને તેઓ જુદા જુદા નામ આપે. પ્લેટો તેને ‘The Good’ – શુભ કહે છે, સ્પીનોઝા તેને Substantia એટલે ‘સર્વના સારરૂપ’ કહે છે, કાન્ટ તેને વિશ્વાતીત ‘Thing-in-itself’ ‘સ્વયંપૂર્ણ’ કહે છે, ઈમરસન તેને ‘Over-Soul’ કે વિશ્વાત્મા કહે છે. કેટલાક તેને ‘Noumenon’ કહે છે, તો બીજા તેને બ્રહ્મ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સ્વર્ગમાંનો પિતા, અલ્લાહ, અહરમઝદા વિગેરે નામ આપે છે. પરંતુ આ જ્ઞાનનો સાગર તો એક જ છે, ભલે તેને જુદા જુદા નામે ઓળખો. આપણે તેને જોઈ શકતા નથી કે તેનો પૂરો સાક્ષાત્કાર કરી શકતા નથી. પરંતુ જીવનની કેટલીક ધન્યપળોએ તેની – ત્રૂટક ત્રૂટક ઝાંખી તો મેળવીએ જ છીએ. અપાણા પોતાનાં અસ્તિત્વને સમજવાનો પ્રયત્ન કરીએ, આપણે વાસ્તવિક રીતે શું છીએ તેનો સાક્ષાત્કાર કરવા ઇચ્છીએ તો આપણા અંતરનાં ઊંડાણોમાં આપણે એક તણખાને શોધી શકીશું. તે દિવ્ય બનાવવાની ક્ષમતા ધરાવે છે. જ્ઞાન અને બુદ્ધિમત્તાના શાશ્વત સૂર્યમાંથી તેનો આવિર્ભાવ થયો છે : તે સત્યના અનંત મહાસાગર પર તરતો પરપોટો છે. ઇન્દ્રિયો વડે આપણે જે તમામ બાહ્ય પદાર્થોને જોઈએ છીએ તે તો, પ્રકૃતિમાં રહેલાં તમામ બળોની જનની એવી દિવ્યશક્તિ અથવા દિવ્ય ઇચ્છાશક્તિની માત્ર અભિવ્યક્તિ છે. ઇન્દ્રિયો વડે આપણે જે કંઈ જોઈએ છીએ અથવા મન કે બુદ્ધિ વડે જેનો વિચાર કરીએ છીએ તે તો આ અનંત પુરુષની એક અસાધારણ શક્તિ કે ઇચ્છાનું પરિણામ માત્ર છે. વેદાંત તેને ‘માયા’ કહે છે. તમામ દૃશ્યજગતનું મૂળ ‘માયા’ છે. આધુનિક વિજ્ઞાને પણ એ સાબિત કર્યું છે કે પ્રકૃતિનાં બધાં ભૌતિક બળો આપસમાં બદલી શકાય છે. ઉષ્ણતા, પ્રકાશ અને ગતિ એ અન્યોન્યમાં બદલી શકાય છે. એક વૈશ્વિક શક્તિની તે વિવિધ અભિવ્યક્તિઓ છે.

આ અખિલ જગત એ અનંતપુરુષની ઇચ્છાશક્તિના આંદોલનનું જ પરિણામ છે. ઉપનિષદો આ ઇચ્છાશક્તિને ‘પ્રાણ’ પણ કહે છે. આ ‘પ્રાણ’ હિરણ્યગર્ભ બ્રહ્મ તરીકે ઓળખાય છે. આ વિશ્વમાં આપણે જે કાંઈ જોઈએ છીએ, તે પૃથ્વીને તેની ધરી આસપાસ ફેરવનાર બળનું પરિણામ છે અને તે જ આપણે જે રીતે જીવીએ છીએ, ગતિ કરીએ છીએ અને આપણાં કર્તવ્યો કરીએ છીએ તે સૌને ગતિમાન અને પ્રવૃત્ત કરે છે. આ બળ કે શક્તિ એક જ છે, પરંતુ તેના આવિર્ભાવો અનેક છે. આ ‘પ્રાણ’ અથવા અનંત પુરુષની ઇચ્છાશક્તિને વેદાંતમાં ‘માયા’ કહી છે, આધુનિક વિજ્ઞાન તેને ‘કુદરત’ કહે છે.

કુદરત એ શું છે ? એ પ્રકૃતિ જ છે. અને પ્રકૃતિ એટલે ‘માયા’. ‘પ્રકૃતિ’ તંત્રમાં ‘મહામાયા’ અને વેદાંતમાં ‘અવ્યક્ત’ તરીકે ઓળખાય છે. પરંતુ જ્ઞાનના આ અનંત સ્રોત કે સાગરથી ‘માયા’ અથવા ‘પ્રકૃતિ’ શું જુદી છે ? ના. તે જુદી નથી, અભિન્ન છે. જેવી રીતે અગ્નિની બાળવાની શક્તિ અગ્નિથી જુદી પાડી શકાય નહિ, તેવી રીતે ‘માયા’, કે જે પરમ પ્રભુની ઇચ્છાશક્તિ છે, તે જ્ઞાનના મહાસાગર, જેને આપણે બ્રહ્મ કહીએ છીએ, તેનાથી જુદી નથી. પરંતુ કેટલીક વખત આ શક્તિ ગુપ્ત રહે છે, તો અન્ય સમયે તે દૃશ્યમાન જગત રૂપે આવિર્ભાવ પામે છે. હવે આપણને સમજાય છે કે જ્ઞાનનો અનંત મહાસાગર એક તરફ છે, તો ‘માયા’, ‘ઇચ્છાશક્તિ’, ‘પ્રકૃતિ’ કે ‘કુદરત’ બીજી બાજુ છે. આ બન્નેને આપણે ભેગાં કરીએ, અને બંનેને એક જ તરીકે વિચારીએ ત્યારે આપણને આ વિશ્વના સૃષ્ટા, સંરક્ષક અને વિનાશક એવા ઈશ્વર (સગુણ બ્રહ્મ) પ્રાપ્ત થાય છે. તેમને અલગ પાડીએ એટલે કે સંરક્ષક શક્તિથી સર્જક શક્તિને જુદી પાડીએ અને વિનાશક શક્તિથી સંરક્ષક શક્તિને જુદી પાડીએ, તો આપણને ત્રણ દેવો મળે છે – બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. હકીકતમાં તો આ ત્રણે અનંત બ્રહ્મથી અલગ ન થઈ શકે તેવા છે.

વેદાંતની ત્રણ શાખાઓ છે. તેનો આપણે વિચાર  કરીશું. પહેલાં આપણે એક એક વિશે વિચારી, પછી ત્રણેયનો સમન્વય કરીશું. પ્રથમ વેદાંતના દ્વૈતવાદને જોઈએ. જ્યાં સુધી આપણી જાતને આપણે શરીર માનીએ, જ્યાં સુધી આપણે આ ઇન્દ્રિયગમ્ય જગત કે બાહ્ય જગતથી સભાન હોઈએ, ત્યાં સુધી આપણને લાગે છે કે આ બધાંનો નિયંતા, સર્જન એન નિયમન કરનાર કોઈ છે. તે ઈશ્વર છે. શરૂઆતમાં આપણે માનતા હોઈએ છીએ કે ઈશ્વર આ વિશ્વથી પર છે, જાણે તે દૂર વાદળો ઉપર ઓવલાં કોઈ સ્વર્ગમાં બિરાજમાન છે. અને આપણે તેની પાસે જઈ શકીએ નહિ. તે આપણા મનથી પણ પહોંચી શકાય તેમ નથી. યહૂદીઓ અને ખ્રીસ્તીઓમાં આ માન્યતા છે. દ્વૈતવાદીઓ માને છે કે ઈશ્વરને જોઈ શકાય નહિ, તેનો સાક્ષાત્કાર કરી શકાય નહિ. તે આપણાથી ક્યાંય દૂર દૂરનો છે. તેની નજીક જવા માટે તે અતિ ભવ્ય છે. ઈસ્લામે પણ આ વિચારને વિકસાવ્યો છે. અનંત સ્વરૂપ પ્રભુના સાક્ષાત્કાર માટે આ દૃશ્ય વિશ્વનો જે આધાર છે, એવા જ્ઞાનનો આ અનંત મહાસાગર છે, તેના સાક્ષાત્કાર માટે આ સૌથી પહેલું પગથિયું છે. આ સ્તરે આપણને ઈશ્વર વિશ્વાતીત દીસે છે, એટલે કે પ્રકૃતિથી બહાર રહેલો. પછી ધીમે ધીમે આપણે પ્રભુના સાચા સ્વભાવને જાણીએ, અને તેની સાથેના આપણા સંબંધને જાણીએ, ત્યારે આપણને શું લાગે છે ? આપણને લાગે છે કે તે આપણાથી બહુ દૂર નથી, તે અત્ર, તત્ર અને સર્વત્ર છે. તે આપણી અંદર છે. તે આ વિશ્વમાં વ્યાપી ગયો છે. તે સર્વવ્યાપક છે અને પ્રકૃતિમાં નિવાસ કરે છે, તે વિશ્વમાં વસેલો છે. તે બહારથી નહિ પરંતુ અંદરથી શાસન ચલાવે છે. જેમ આત્મા એ શરીરનો શાસક છે, અને તે સાથે જ તે શરીર પર શાસન ચલાવે છે, તેવી જ રીતે વિશ્વનો આ સ્વામી આ દૃશ્ય જગતમાં પ્રવેશ્યો છે. આ જગતના એકેએક કણ પર તે શાસન કરે છે, તે બહારથી નહિ, પણ અંદરથી. તમામ વ્યક્તિગત આત્માઓ તે ઈશ્વરના અંશ છે – ચિત્, અચિત્ અને ઈશ્વર. એક બાજુ ચિત્ત-અચિતનો સંબંધ અને બીજી બાજુ ઈશ્વર, એ શરીરના આત્મા સાથેના સંબંધ જેવું છે.

વેદાંતની એક વિચારધારા છે, તે છે અદ્વૈતવાદ. અદ્વૈત દર્શનના મહાન પ્રણેતા શંકરાચાર્યનો ઉપદેશ એ છે કે માણસે બધી ગુણારોપક વૃત્તિઓ અથવા ત્રિગુણથી ઉપર ઊઠવું જોઈએ પછી જ તેમને ખાત્રી થાય છે કે તેઓ ખરેખર  આત્મસ્વરૂપ છે, પોતાનાં આંતરસ્વરૂપનું, જીવાત્માનું અને ઇન્દ્રિયગમ્ય વિશ્વનું સારતત્ત્વ છે. ત્યાર પછી તેમને તમામ અનેકાત્મકતા અને વિસંવાદની વચ્ચે પૂર્ણ એકતા અને સંવાદિતા મળી આવશે. ત્યારે તેઓ પરમાત્મા સાથે આત્માની પૂર્ણ એકતા પ્રાપ્ત કરશે. અને તમામ બાહ્ય બાબતો ખરી જશે –  બાહ્ય જગતનું બધું દિવ્યતાથી ભરપૂર થઈ જશે. ‘સોઽહમ્’નો એ અર્થ છે. ઈસુ જ્યારે કહે છે કે ‘હું અને મારા પિતા એક છીએ.’ ત્યારે તેનો અર્થ પણ એ જ છે. દ્વૈતવાદીઓ અને અદ્વૈતવાદીઓ વચ્ચેના એકત્વનું સારામાં સારું ઉદાહરણ હનુમાનજીના આ શબ્દોમાં છે, ‘‘હે નાથ, હું જ્યારે ‘શરીર છું’ એમ વિચારું છું, ત્યારે તમારો દાસ હોઉં છું, હું જ્યારે ‘જીવ છું’ એમ વિચારું છું ત્યારે હું તમારો અંશ હોઉં છું, પરંતુ જ્યારે ‘હું આત્મા છું’ એમ વિચારું છું ત્યારે હું તમારે સાથે એક હોઉં છું.’’ ભક્ત પ્રહલાદની પ્રાર્થના છે : ‘હું મારી જાતને નમન કરું છું.’ શંકરાચાર્ય શું કહે છે ? તેઓ પણ આ જ આદર્શ, આ જ સત્ય ઉચ્ચારે છે : ‘‘હું જ્યારે ‘શરીર છું’ એમ વિચારું છું, ત્યારે તમારો દાસ હોઉં છું, હું જ્યારે ‘જીવ છું’ એમ વિચારું છું ત્યારે હું તમારો અંશ હોઉં છું, પરંતુ જ્યારે હું ‘આત્મા છું’ એમ વિચારું છું ત્યારે હું તમારે સાથે એકરૂપ હોઉં છું.’

આમ વિવિધ સાંપ્રદાયિક સિદ્ધાંતો, મતો, શ્રદ્ધા, કર્મકાંડો, વિધિઓ અને માન્યતાઓની અંદર, એક પૂર્ણ સંવાદિતા આવી રહેલી છે તે આપણે જાણી શકીએ છીએ.

મિત્રો હવે અહીં વેદાંતની તદ્દન વ્યવહારુ બાજુની વાત કરીએ. તમામ ધર્મો અને સંપ્રદાયોની અંદર એક જ ઈશ્વરની સત્તા પ્રવર્તે છે, તેનો સાક્ષાત્કાર કરો. આ સૌથી અગત્યની વાત છે. આપણે હિંદુઓ તો આવા દિવ્ય ઉપદેશોના વાતાવરણમાં જ ઉછર્યા હોવાથી આપણે આનો અમલ શ્રેષ્ઠ રીતે કરી શકીએ. પરંતુ ધર્મસહિષ્ણુતાના આદર્શને સમજવો બીજા દેશો માટે બહુ મુશ્કેલ છે. પરંતુ અંતે તો આ આદર્શ દ્વારા જ અદ્ભુત પરિણામો આવશે. આપણે ધર્મસહિષ્ણુતાના આદર્શને અનુસરશું તો આપણને લાગશે કે આપણે સૌ માનવો, માત્ર એક દેશવાસી તરીકે નહિ, પરંતુ સમગ્ર માનવજાત તરીકે એક જ છીએ. જુદાં જુદાં નામ અને સ્વરૂપે આપણે સૌ એક જ ઈશ્વરની ઉપાસના કરતા હોઈએ છીએ. ગૌતમ બુદ્ધે આ ઉન્નત આદર્શ દુનિયાને આપ્યો છે. આપણે વેદનો અભ્યાસ કરીશું તો તેમાં તમામ જીવંત પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખવાની વાત છે. ઈસુએ પણ સૌ માનવો પ્રત્યે પ્રેમ રાખવાનો ઉપદેશ આપ્યો, પરંતુ તેમણે તમામ જીવંત પ્રાણીઓ પ્રતિ પ્રેમની વાત કરી નથી. ભગવાન બુદ્ધે આનો ઉપદેશ આપ્યો છે. પરંતુ ભારતમાં ઘણીવાર આપણે જોઈએ છીએ કે કેટલાક લોકો એવા છે જેઓ પ્રાણીઓને તો ચાહે છે, પરંતુ માનવો પ્રત્યે પશુ કરતાં પણ વધારે ખરાબ વર્તન રાખે છે. તેઓ પશુ-પંખીઓને ખવડાવશે, પરંતુ તેમની સામે જ માણસોને ભૂખે મરવા દેશે. આવી વિચારસરણીને આપણે કદિ ઉત્તેજન આપવું ન જોઈએ. આપણો ધર્મ આવો ન હોય, આપણો ધર્મ તો સૌને ચાહવાનું કહે છે. આપણે જે બાબતમાં માનતા હોઈએ તે પ્રમાણે જીવવું જોઈએ. આપણે જે શીખ્યા હોઈએ તેને આચારમાં મુકવું જોઈએ. ધર્મમાત્ર સિદ્ધાંત પુરતો મર્યાદિત ન રહેવો જોઈએ, તે આચરણમાં ઉતરવો જોઈએ. ઉપનિષદો આપણને આ ભવ્ય વિચાર શીખવે છે. આ જગતમાં બધું જ ઈશ્વરથી વ્યાપ્ત છે.

આપણે આ આદર્શનો અમલ ન કરી શકીએ તો આપણે પૂર્ણતાએ પહોંચવાની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ અને આ વિશ્વના પાયારૂપ જ્ઞાનના અનંત અને શાશ્વત મહાસાગરનો સાક્ષાત્કાર કેવી રીતે કરી શકીએ ? આપણે સર્વત્ર ઈશ્વરનાં દર્શન કરવાનાં છે, આપણા સાથી ભાઈ બહેનોને ધિક્કારવાનાં નથી, પ્રત્યેકમાં ઈશ્વરનો નિવાસ છે તેમ સમજીને, તેમને ચાહવાનાં છે અને, જ્યાં જરૂર હોય ત્યાં તેમને મદદ કરવાની છે. દક્ષિણભારતમાં કેટલાક બ્રાહ્મણો છે, તેઓ રસ્તે ચાલતા હોય અને નીચવર્ણની વ્યક્તિનો પડછાયો પણ જુએ તો તેઓ ફરીથી સ્નાન કરે છે. આવી શૂદ્ર વ્યક્તિને કાંઈ ખરીદી કરવી હોય, દાખલા તરીકે દુકાનદાર પાસેથી તેલ ખરીદવું હોય તો, તેણે તેલનું વાસણ અને પૈસા દુકાનથી દશ વાર દૂર રાખવા પડે છે અને પોતે બીજા દસ વાર દૂર ઊભો રહે છે. દુકાનદાર, આજુ બાજુ નજર નાખી, તેલ લાવી, વાસણમાં નાખી, પૈસા લઈ અને તુરત જતો રહે છે. પછી પેલો શુદ્ર આવીને તેલનું વાસણ લઈ જાય છે. આ બધું શું છે ? આ કોઈ ધર્મ છે ?

આપણાં શાસ્ત્રો શું કહે છે અને આપણે આજે ક્યાં ઉભા છીએ તે તપાસીએ. આપણે કેવો આચાર કરીએ છીએ ? ગીતા કહે છે તેમ વિશ્વપ્રેમનું આચરણ કરી, આપણે પંડિત – બ્રાહ્મણ, ગાય, હાથી અને ચાંડાલ કે શૂદ્રમાં શું દિવ્યતાનાં દર્શન ન કરી શકીએ ?

હા, આ જ આપણું કર્તવ્ય છે. આપણે આને આચરણમાં મુકવાનું છે. અને તેને આચરણમાં મુકીશું ત્યારે જ ભારત ઉન્નત બનશે. સામાન્ય પ્રજા અંધકારમાં અટવાઈ રહી છે, અજ્ઞાનના ખાડામાં ધકેલાઈ રહી છે. તમે તેમને કેવી રીતે મદદ કરશો ? તેઓ જ ભારતની માનવસંપદા છે. તેઓમાંથી જ પેદા થશે મહાન સેનાપતિઓ, મહાન દાનેશ્વરીઓ, મહાન કર્મઠો અને મહાન નિષ્ણાતો. તેઓને તક આપો. વર્ગ વર્ગ વચ્ચે એકતા લાવવામાં, ગરીબ લોકોનાં મુખ પર તેજ લાવવામાં અને તેમના જે હક્ક છે, જે અધિકાર છે, તે અપાવવામાં વેદાંત તમને સહાય કરશે. વેદાંત સિવાય બીજો કયો ધર્મ તમારા અધિકારો અપાવશે ? વેદાંતનો આદર્શ જ વૈશ્વિક એકતા છે. એ ધર્મને જ અનુસરો. પરંતુ આજે આપણું પતન થયું છે. તેનું કારણ એ છે કે આપણે વેદાંતનો અભ્યાસ કરતા નથી, તથા વેદાંતનાં વૈશ્વિક નિયમો પ્રમાણે જીવન જીવતા નથી.

વેદાંત દુનિયાનો પહેલો મૂળને પરિવર્તિત કરનારો ધર્મ છે, ત્યાર પછી બૌદ્ધધર્મ અને યહૂદીઓનો ધર્મ આવ્યો, પછી ખ્રીસ્તીધર્મ અને ઇસ્લામ. વેદાંતના સત્યમાં જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે કોઈ ભેદ નથી, કેમ કે આત્મામાં કોઈ ભેદ નથી. વેદ, ઉપનિષદો કે પુરાણોમાંથી તમે એવું કોઈ લખાણ મને બતાવશો જે કહેતું હોય કે આત્માને જ્ઞાતિ હોય છે ? આત્માને કોઈ નાત-જાત નથી. જાતિભેદ એ તો સમાજે બનાવેલ કક્ષાઓ છે, તે આત્માના સાચા સ્વભાવને સ્પર્શી શકતી નથી, કેમ કે આત્મા તો હંમેશાં પ્રભુનો અંશ છે. તમે પારસી હો, હિંદુ હો, મુસલમાન હો, ખ્રીસ્તી હો, બૌદ્ધ હો કે જૈન હો, તમારો આત્મા તો તદ્દન ડાઘ વિનાનું પ્રભુનું દિવ્ય બાળક છે. અહીં આપણને આત્માની અદ્ભુત ભવ્યતા જાણવા મળે છે, અને એ ભવ્યતા આપણને તમામ ધર્મોના ઉચ્ચતમ આદર્શ તરફ લઈ જાય છે. બધા ધર્મોમાં વેદાંત જ સૌથી વધુ વ્યવહારગમ્ય ધર્મ છે. કેમ કે તે આપણને શીખવે છે કે ઘણા ઘણા માર્ગો દ્વારા એકતાના આ ભવ્ય આદર્શ તરફ જવાય છે, જ્ઞાનના અનંત મહાસાગર સુધી પહોંચાય છે. દાખલા તરીકે જેને સંસ્કૃતમાં ‘યોગ’ કહે છે તે તેના પ્રતિ જવાનો એક માર્ગ છે. તેને અનુસરવાથી આપણે શાશ્વત સત્યનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ. આપણું સાચું જીવન શું છે તે જાણી શકીએ છીએ અને તે અનંત દિવ્યતા સાથે એક થઈ શકીએ છીએ. કર્મયોગની જ વાત લો. તેનાથી વધુ વ્યવહારૂ બીજું શું હોઈ શકે ? તે સૌથી અગત્યનો છે. આપણાં સમગ્ર જીવન દરમ્યાન અપણે કર્મો તો કરવાં જ પડે છે, એક ક્ષણ પણ આપણે કર્મ કર્યા વિના રહી શકતા નથી. કર્મનો આદર્શ ભગવાન શ્રીકૃષ્ણે આપણને ભગવદ્‌ગીતા દ્વારા આપ્યો છે. પરંતુ આપણાં રોજીંદા સેંકડો કર્મો કરતાં કરતાં, આપણે એનો માર્ગ શોધી કાઢવાનો છે કે જેનાથી આપણે કર્મના બંધનથી ઉપર ઊઠીએ. આપણે જે કંઈ કર્મ કરીએ છીએ  તેનું પરિણામ ઉત્પન્ન થતું હોય છે, અને તે પરિણામ કર્મ કરનાર પ્રતિ પાછું આવે છે. આપણે સતત, દિવસ-રાત કર્મ કરવાનું જ છે. આપણી તમામ શક્તિ રેડીને કર્મ કરવાનું છે. પરંતુ તેના પરિણામને ઈશ્વરના હાથમાં છોડી દેવાનું છે. રોજીંદા જીવનનાં તમારાં કર્મને જગતને મુક્તપણે અર્પણ કરી દો. આપણે સૌ અન્ય માટે કર્મો કરીએ અને અન્ય માટે મરીએ. તમે જો આમ કરી શકો તો આજના સમયમાં પણ તમારી દેહધારી ઈશ્વર તરીકે પૂજા થશે. તેથી ઊઠો, અને કર્મને ખાતર કર્મ કરો, અને નહિ કે બદલાની કોઈ આશાથી.

કર્મયોગની પદ્ધતિ તેમને માટે છે કે જેઓ અત્યંત કર્મઠ છે, અને જેઓ સતત વેપાર, કામધંધા અને અન્ય ઉદ્યોગોમાં વ્યસ્ત હોય છે. પરંતુ જેઓ ઉદ્યોગધંધાની પરવા નથી કરતા અને સ્વભાવથી અંતર્મુખ છે. જેમને એકાંતમાં બેસવું ગમે છે. અને મન દ્વારા સાધના કરે છે જેમ કે એકાગ્રતા, ધ્યાન, સમાધિ, વગેરે, તેમને માટે બીજો માર્ગ છે. આ પદ્ધતિને રાજયોગ કહે છે. આપણે આનું આચરણ કરીશું તો તેનાં વધારે અદ્ભુત પરિણામ આવશે. દાખલા તરીકે ‘એકાગ્રતા’ ની વાત લો. તેનાથી વધુ વ્યવહારુ બીજું કંઈ છે ખરું ? એકાગ્રતા વિના તો તમે ન થઈ શકો કલાકાર કે અવકાશયાત્રી, સંગીતકાર, ચિત્રકાર કે મોટરડ્રાઈવર પણ ન થઈ શકો. રાજયોગ આવી એકાગ્રતા પૂરેપૂરી સુંદરરીતે શીખવે છે.

પછી આવે છે પ્રાણાયામની પદ્ધતિ. તે બહુ જરૂરી છે. તેનાથી પૂર્ણ સ્વાસ્થ્ય મળે છે. મારા કેટલાક શિષ્યો ડોક્ટરો છે. તેઓ પોતાનાં દર્દીઓને શ્વાસની કસરતો બતાવે છે. તેનાથી પૂરી સફળતાપૂર્વક તેઓ ઘણાં દરદો મટાડે છે.

આ ઉપરાંત એક ત્રીજી પદ્ધતિ છે. તે એટલી જ વ્યવહારુ અને આપણને ઉપયોગી છે. તે છે ભક્તિયોગ. તેનાથી આપણને સમજાય છે કે આપણે આ દુનિયાના નથી. તે માટે ભગવાન તરફ અને અન્ય સૌ પ્રત્યે અત્યંત પ્રેમ હોવો જરૂરી છે. આવી પ્રેમ અને ભક્તિની લાગણીથી વધારે કોમળ અને વધારે મધુર ભાવ કયો હોઈ શકે ? ભગવાનના સાચા ભક્તમાં આવો ભાવ પ્રગટ થાય છે. સાચો ભક્ત દુનિયાની પરવા કરતો નથી. તે તો સર્વત્ર ઈશ્વરની ઇચ્છાની લીલાને જ જુએ છે. કોઈ રોગ થાય તો તે માને છે કે પ્રભુએ જ તેને આ ‘મહેમાન’ મોકલી આપ્યા છે. અને પ્રભુ જ તેની સંભાળ લેશે. મૃત્યુ આવે તો તેને પણ તે પોતાની બહેન પેઠે સત્કારશે. આનાથી વધુ વ્યવહારુ શું હોઈ શકે ? વેદાંત જ તમને સાચા પ્રકારનું જીવન જીવવા શક્તિમાન બનાવશે. તે તમારા આત્માને મુક્તિ આપે છે. અને અંતે અનંતકાળ સુધી તમને સુખી રાખશે. અન્ય જે જે બાબતોને તમે વ્યવહારુ ગણો તે ક્ષણિક પરિણામો લાવે છે, પરંતુ વેદાંતના ધર્મ અને વેદાંતની ફિલસૂફી સિવાય અન્ય ક્યાંય તમને કાયમી પરિણામો નહિ મળે.

૧. યદિદં કિં ચ જગત્ સર્વં પ્રાણ એજતિ નિ:સૃતમ્ ।
(કઠોપનિષદ, ૨ : ૩.૨)

૨. માયાં તુ પ્રકૃતિં વિદ્યાન્માયિનં ચ મહેશ્વરમ્ ।
(શ્વેતાશ્વતર ઉપનિષદ, ૪.૧૦)

૧. દાસસ્તેઽહં દેહદૃષ્ટ્યાઽસ્મિ શમ્ભો જાતસ્તેહંશો જીવદૃષ્ટ્યા ત્રિદૃષ્ટે ।

સર્વસ્યાદત્મન્નાત્મ દૃષ્ટ્યા ત્વમેવે તેય્યં મે ધીનિશ્ચિતા સર્વશાસ્ત્રૈ: ॥

૨. ‘ઈશાવાસ્યમિદં સર્વં યત્કિં ચ જગત્યાં જગત્’   (ઈશોપનિષદ – ૧)

૧. વિદ્યાવિનયસંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિનિ ।
શુનિ ચૈવ શ્વપાકે ચ પંડિતા: સમદર્શિન: ॥
(ગીતા : ૫.૧૮)

Total Views: 124

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.