રામકૃષ્ણ મિશન, સિસ્ટર નિવેદિતા વિદ્યાલય, કલકત્તાના તત્કાલીન સૅક્રેટરી બ્રહ્મચારિણી આશાજીના Vedanta Kesari : The Holy Mother Birth Centenary Number – July 1954માં ‘Women and Hindu Monasticism’ એ નામે પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં

લાખો વર્ષોથી ભારત આધ્યાત્મિક્તાની ભૂમિ રહ્યું છે. આપણે ત્યાં માનવ જીવનનો એકમાત્ર ધર્મ પૂર્ણત્વ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ રહ્યો છે. ભારતના પ્રાચીન ઈતિહાસમાં એવા સેંકડો પ્રસંગો નોંધાયા છે જેમાં દુન્યવી સમૃદ્ધિ અને ભોગોથી અંતર્મુખી હિંદુઓએ સંતોષ માન્યો નથી, તેમણે પોતાની શોધ અંતરમાં કરી અને સત્યની શોધમાં સમગ્ર જીવન ખર્ચી નાખ્યું. દુનિયાનાં ક્ષણિક અને અશાશ્વત સુખો વિશે ઊંડું ચિંતન કરતાં તેમને તે બધાંની સંપૂર્ણ અવાસ્તવિકતાનું જ્ઞાન થયું હતું. વારંવારના જન્મ-મરણના ફેરાનાં ભોગવવાં પડતાં દુઃખો જોઈ તેઓ આ ક્ષણિક જીવનથી ઉપર ઉઠવા આતુર રહેતા. તેમને એ જ્ઞાન થયું કે મુક્તિનો એક જ માર્ગ છે અને તે છે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું તે. ‘જે બ્રહ્મને જાણે છે તે જ ખરેખર મૃત્યુને તરી જાય છે; આ સિવાય બીજે કોઈ માર્ગ છે જ નહિ.’

આ અમૃતત્વને પ્રાપ્ત કરીને વ્યક્તિ મૃત્યુની પાર ચાલી જાય છે અને શાશ્વત સુખનો આનંદ માણે છે. તે કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? વેદો કહે છે : ‘ત્યાગ કરીને’. તે એક જ માર્ગ છે. દુનિયાનો ત્યાગ કરીને જ અમૃતત્વ પ્રાપ્ત થઈ શકે. ‘ન તો કર્મોથી, ન ધનથી, ન તો સંતાનપ્રાપ્તિથી અમૃતત્વ પ્રાપ્ત કરી શકાય. માત્ર ત્યાગથી જ અમૃતત્વ પ્રાપ્ત થાય છે.

ત્યાગથી હૃદય પવિત્ર બને છે, આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા બુદ્ધિ સક્ષમ બને છે અને અંતે સર્વોચ્ચ કે જેમાં શાશ્વત સુખ છે તેને પ્રાપ્ત કરવા માનવ શક્તિમાન બને છે.

‘અહીંનું બધું જ ભયથી યુક્ત છે, માત્ર ત્યાગથી જ માણસ અભય બને છે.’

પ્રત્યેક હિંદુના જીવનમાં માનવના ચાર પુરુષાર્થો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. તેમાંથી મોક્ષને જ પરમોચ્ચ ગણ્યો છે. તેથી જીવનના ચાર તબક્કાઓમાં ચોથા, મુમુક્ષુ, એટલે કે શાસ્ત્રોએ ચીંધેલા સંન્યાસના માર્ગે મોક્ષ મેળવવા ઇચ્છનારને, માટે સંન્યાસ છે. આમ સંન્યાસનો સિદ્ધાંત હંમેશાં હિંદુ ધર્મ અને દર્શનનો ચાવીરૂપ સિદ્ધાંત રહ્યો છે.

વેદના સમયથી શરૂ કરી આજ સુધીમાં અનેક હિંદુ સ્ત્રી-પુરુષોએ સંન્યાસને માર્ગે જીવનનું શ્રેય પ્રાપ્ત કર્યું છે. તે વખતે હિંદુ નારીનું ધાર્મિક જીવન પણ પુરુષ જેવા જ માર્ગે ગતિ કરતું હતું. અંતિમ આદર્શની પ્રાપ્તિમાં સ્ત્રી- પુરુષના ભેદને કદિ મહત્ત્વ અપાયું ન હતું.

‘તૈત્તિરીય આરણ્યક’માં આપણને ‘વિરજા’ મંત્રનો ઉલ્લેખ જોવા મળે છે. જે કોઈ મોક્ષ ઇચ્છતું તેને માટે આ ‘વિરજા’ મંત્રની ભલામણ કરવામાં આવી છે. તે તમામ ‘રજસ્’ એટલે કે અશુદ્ધિઓને દૂર કરે છે. તેમાં મુમુક્ષુએ તમામ ઈન્દ્રિયસુખોનો ત્યાગ કરવાનો હોય છે, પોતાનાં ઘર અને પરિવાર સાથેના તમામ સંબંધ કાપી નાખવાના હોય છે, પોતા પ્રત્યેની તમામ આસક્તિ જતી કરવાની હોય છે, અને તમામ દુન્યવી વસ્તુઓ પ્રત્યે ઉદાસીન બની રહેવાનું હોય છે. તેણે ‘વિરજા-હોમ’માં આ બધાંની આહૂતિ આપી દઈ, સંપૂર્ણપણે વિમલ થવાનું હોય છે.

આ મંત્ર વિશેનાં ભાષ્યમાં સાચણાચાર્ય, જણાવે છે કે સંન્યાસીનું જીવન વીતાવવા ઇચ્છનાર કોઈપણ વ્યક્તિ આ મંત્રનું અનુષ્ઠાન કરી શકે છે. તેમણે તે અંગે સ્ત્રી- પુરુષ વચ્ચે ભેદ પાડ્યા નથી. ખુદ વેદોમાં પણ ક્યાંય એવો ઉલ્લેખ મળતો નથી કે સ્ત્રીઓને આધ્યાત્મિક જીવન જીવવાનો અધિકાર નથી અથવા તો સંન્યાસી બનવામાંથી તેમને બાકાત રાખવામાં આવી નથી.

વેદોમાં ઘણા ઋષિઓ છે, તેમને ‘મંત્રદૃષ્ટાઃ’ કહ્યા છે. ઘણી નારીઓ આવાં ઋષિત્વને પામેલી જણાય છે. આપણો સૌથી જૂનો વેદ ઋગ્વેદ છે. તેમાં ૨૭ એવી સ્ત્રીઓનાં નામ આપેલાં છે અને તેમને ‘બ્રહ્મવાદિની’ કહી છે. ‘બૃહદ્-દેવતા’ નામના ગ્રંથમાં શૌનકાચાર્યે ત્રણ ‘બ્રહ્મવાદિની’ઓનાં નામ સ્પષ્ટ આપ્યાં છે. વિશ્વવરા ઋષિ ન હતી, પરંતુ એક યજ્ઞમાં તેણે પુરોહિતનું કામ કરેલું. ઋષિ અંભ્રિનની પુત્રી વાકે ૧૦મા મંડળના ૧૨૫મા સૂક્તના આઠ મંત્રો રચ્યા છે. આ મંત્રો ‘દેવીસૂક્ત’ના નામથી ઓળખાય છે. વાકે વિશ્વ સાથે પોતાનું એકત્વ પ્રાપ્ત કર્યું હતું અને કહ્યું, ‘હું રાષ્ટ્રી છું, હું વિશ્વની દેવી છું.’

ઉપનિષદ કાળમાં જોતાં આપણને ગાર્ગી અને મૈત્રેયીના યશસ્વી નામોનો પરિચય થાય છે. તેમણે પોતાની પ્રતિભાથી સમગ્ર વેદકાળને તેજસ્વી બનાવ્યો અને ભારતની તેજસ્વી પુત્રીઓ તરીકે આદર પામી છે. ઋષિ યાજ્ઞવલ્ક્ય સંસાર છોડી સંન્યાસ ગ્રહણ કરવાના હતા ત્યારે તેમણે પોતાનાં બેમાંથી એક પત્નિ મૈત્રેયીને પોતાની સંપત્તિમાંથી એક ભાગ આપવાનો પ્રસ્તાવ મુક્યો. પરંતુ તેણીએ તેનો અસ્વીકાર કર્યો, કેમકે તેને જ્ઞાન હતું કે સંપત્તિ કાંઈ અમૃતત્વ લઈ જશે નહિ. પછી તેણીની વિનંતીથી યાજ્ઞવલ્ક્ય અમૃતત્વ મેળવવા જરૂરી એવા બ્રહ્મજ્ઞાનનો બોધ આપ્યો. ગાર્ગી ઋષિ વચકનુની પુત્રી હતી. તે તમામ શાસ્ત્રોમાં પંડિત હતી. રાજા જનકના દરબારમાં વિદ્વાન બ્રાહ્મણોની સભામાં યાજ્ઞવલ્ક્યના શાસ્ત્રાર્થના પડકારનો ઉત્તર તેણે આપ્યો હતો.

ધર્મશાસ્ત્રોમાં આપણે જોઈએ છીએ કે નારીને તમામ ક્ષેત્રમાં પુરુષના સમાન હક્ક હતા. ‘અર્થવેદ’માં કહ્યું છે. ‘બ્રહ્મચર્યથી અથવા વેદોના અભ્યાસથી કન્યા પતિને પ્રાપ્ત કરે છે.

ઉપનયન સંસ્કાર ન કરેલ હોય તેને વિદ્યાર્થી તરીકે સ્વીકારવામાં આવતો નહિ. આનાથી ફલિત થાય છે પ્રાચીન ભારતમાં સ્ત્રીઓને ઉપનયન (જનોઈના) સંસ્કારનો હક્ક હતો. આના પરથી બીજું તારણ એ પણ નીકળે છે કે સ્ત્રીઓને જીવનના ચારેય તબક્કામાં પ્રવેશની છૂટ હતી.

હરિત ધર્મ સૂત્રમાં નીચેનો ફકરો છે :

‘સ્ત્રીઓના બે વિભાગ છે : એક બ્રહ્મવાદિનીઓ અને બીજો સદ્યોવધૂ. બ્રહ્મવાદીનીઓ ઉપનયન સંસ્કાર મેળવતી, અગ્નિને પ્રજ્વલિત રાખતી, વેદોનો અભ્યાસ કરતી અને પોતાના ઘરમાંથી ભિક્ષા લેતી. બીજા પ્રકારની સ્ત્રીઓ ઉપનયન સંસ્કારપ્રાપ્તિ પછી લગ્નજીવનમાં પ્રવેશતી.’

‘ભિક્ષાચર્યા’ એટલે ભિક્ષા મેળવી તેના પર જીવવું’ એ એક અર્થમાં દુનિયાનો ત્યાગ જ ગણાય. બહુ પ્રાચીન એવાં બૃહદારણ્યક ઉપનિષદમાં સંન્યાસના આદર્શની, અને દુન્યવી જીવનના ત્યાગની વાત વર્ણવાઈ છે. આમાં પછી સ્ત્રી-પુરુષનો કે વચનો પણ કોઈ ભેદ નથી કરાયો.

‘જ્યારે વ્યક્તિને દુનિયાનો ત્યાગ કરવાની તીવ્ર ઇચ્છા થાય ત્યારે તે સંન્યાસી જીવનને યોગ્ય ગણાય છે.’ ‘જેને માટે એક આત્મા જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. તેમને માટે બાળકો અને અન્યનું કશું મહત્ત્વ નથી.’ ‘જેમને સંતાનસુખ જોઈતું ન હોય તે અમૃતત્વને પામે છે.’

આ બધાં શ્લોકો સ્ત્રીઓને પણ લાગુ પડે છે તેમ ગણવાનું છે, કેમકે સ્ત્રીઓને પ્રવ્રજ્યા (સંન્યાસ)માંથી બાકાત રાખવા અંગેના કોઈ શ્લોક છે નહિ. આને લીધે અને સ્ત્રીઓ માટે નિષેધાત્મક કોઈ સ્પષ્ટ જુદા શ્લોકો પ્રાપ્ત નથી, તેથી આપણે સહેલાઈથી એવા નિષ્કર્ષ પર આવી શકીએ કે સમગ્ર વેદકાળ દરમ્યાન સ્ત્રીઓને પોતાનું આધ્યાત્મિક જીવન જીવવાનો પૂરેપૂરો અધિકાર હતો.

સ્ત્રીઓ માટે મઠના જીવન અંગેનો વિચાર ત્યાર પછીના સમયમાં પ્રવર્તતો હતો. રામાયણ અને મહાભારતમાં ‘સંન્યાસિનીઓ’ના ઉલ્લેખ સાબિત કરે છે કે આધ્યાત્મિક બાબતોમાં સ્ત્રીઓનું સ્થાન કદી નીચું ન ગણાતું. ‘રામાયણ’માં એક વર્ગની સ્ત્રીઓનો ઉલ્લેખ છે. તેઓ તમામ સાંસારિક એષણાઓનો ત્યાગ કરી, માત્ર આધ્યાત્મિક જીવન જ જીવતી. તેમને ‘તાપસી’, ‘ભિક્ષુણી’ અને ‘શ્રમણી’ કહેવામાં આવતી. અનસૂયા, સ્વયંપ્રભા અને શબરી – આ વર્ગમાં આવે છે. અનસૂયા એક વાનપ્રસ્થી’ તરીકે જીવન વીતાવતી હતી. સ્ત્રી જ્યારે જંગલમાં વસે ત્યારે તેની શું ફરજ છે તે વિશે તેણે સીતાજીને ઉપદેશ આપ્યો હતો. તાપસી સ્વયંપ્રભા જંગલની એક ગુફામાં રહી તપશ્ચર્યા કરતી હતી. શબરી એક ‘શ્રમણી’ હતી. તે કઠોર તપશ્ચર્યા કરતી હતી. ભગવાન શ્રીરામચંદ્રનાં દર્શન કર્યા પછી પોતે પરમોચ્ચ લક્ષ્યને પામી છે. તેવી ખાત્રી મળતાં, તેણે અગ્નિમાં પ્રવેશી દેહત્યાગ કર્યો.

ભગવાન રામના વનગમન પ્રસંગે સીતાજીએ પણ તેમની સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે, શ્રીરામે વનજીવનમાં રહેલાં ભયસ્થાનોનો ખ્યાલ આપી, પોતાનો નિર્ણય બદલવા તેમને સમજાવ્યાં હતાં, પરંતુ સીતાજીએ પોતાનો આગ્રહ ચાલુ રાખતાં જણાવ્યું હતું કે પોતે બાળપણથી જ પોતાના પિતાશ્રી (જનકરાજા) પાસેથી ભિક્ષુણીઓ અને તેમની જીવનશૈલી વિશે સાંભળ્યું છે.

મહાભારતનાં ‘શાંતિપર્વ’માં સંન્યાસિની સુલભા વિશે ઉલ્લેખ છે :

‘આ જગતમાં અનેક જગાએ ભ્રમણ કર્યા પછી સંન્યાસિની સુલભાએ, બીજી સંન્યાસિનીઓ પાસેથી સાંભળ્યું કે જનકરાજા જ સક્ષમ વક્તા અને મોક્ષના ઉપદેશક છે.’ ૧૦

ભાષ્યકાર નીલકંઠ ‘મોક્ષ-ધર્મ’ પરનાં પોતાનાં ભાષ્ય ‘ચતુર્ધારી’માં લખે છે :

‘ભિક્ષુણી’ શબ્દના ઉપયોગ દ્વાર એવું ઈંગિત છે કે સ્ત્રીને લગ્ન પહેલાં અથવા તો વિધવા થયા પછી, સંન્યાસિની બનવાનો અધિકાર છે. આવી સંન્યાસિનીઓ ભિક્ષા માગતી, મોક્ષદાયકશાસ્ત્રોનું શ્રવણ કરતી, એકાંતમાં આત્માનું ધ્યાન કરતી અને ‘ત્રિદંડ’ ધારણ કરતી,’ ૧૧

‘યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ’ના ‘પ્રાયશ્ચિત અધ્યાય’ વિશે મિતાક્ષર બોધાયનનાં એક સૂત્રનું અવતરણ લઈ જણાવે છે કે કેટલાક આચાર્યોના મત પ્રમાણે સ્ત્રીઓ પણ તપસ્વીનું જીવન સ્વીકારી શકે છે,’ ૧૨ ‘આ પરથી એ સાબિત થાય છે કે બોધાયન પણ સ્ત્રીઓનાં મઠનાં સંન્યાસીજીવનને પોતાનો ટેકો આપે છે. પતંજલિ પોતાના ગ્રંથ ‘મહાભાષ્ય’માં શંકરા નામની એક સ્ત્રી ‘પરિવ્રાજિકા’નો નામ સાથે ઉલ્લેખ કરે છે. ૧૩

પરંતુ ‘મનુસ્મૃતિ’ના કર્તા આ ક્ષેત્રમાં પ્રવેશના સ્ત્રીના અધિકારનો સ્વીકાર કરતા નથી. પછીથી ઉપનયન (જનોઈ)ની પ્રથા પણ જરીપુરાણી થઈ ગઈ અને સ્ત્રીને વેદોના અભ્યાસની પણ છુટ ન હતી. આમ કાળક્રમે વેદની સંસ્કૃતિની અસર ઘટી જતાં થયું હશે. તેને લીધે સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીનું સ્થાન નીચું ગયું. ‘મનુસ્મૃતિ’માં તે સમયે પ્રચલિત રીત-રીવાજોનું પ્રતિબિંબ જોવા મળે છે. વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું સ્થાન નીચું જતાં, આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ તેમનું સ્થાન નીચું ઊતરી ગયું. તેથી જ પછીના ‘સ્મૃતિ’ઓના સમયમાં સ્ત્રીઓના ઘણા સામાજિક અને ધાર્મિક હક્કો છીનવાઈ ગયા.

પરંતુ ત્યાર પછીના બૌદ્ધકાળમાં સ્ત્રીઓને સંન્યાસિની બનવાની ફરીથી છૂટ મળી. તેઓને મઠના જીવનમાં પણ પ્રવેશ અપાયો. બૌદ્ધસાધ્વીઓએ આ બાબતમાં ખૂબ ઉન્નતિ કરેલી જોવા મળે છે. ગૌતમી, શુક્લા, ક્ષેમા અને સુપ્રિયાનાં નામો બૌદ્ધધર્મના આધ્યાત્મિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી હંમેશને માટે અંકિત થયાં છે.

જૈનધર્મે પણ સ્ત્રીઓના સાધ્વી બની મઠનું જીવન અંગીકાર કરવાના પુરુષોના સમાન અધિકારને સ્વીકૃતિ આપી. જૈન ધર્મ અનેક તેજસ્વી સાધ્વીઓ આપી છે. ચોવીસ તીર્થંકરોમાં મલ્લિનાથ ૧૯મા તીર્થંકર છે. તે એક મહિલા છે. તેમને પણ તીર્થંકરના એક અવતાર રૂપ માનવામાં આવે છે. તેમણે માનવજાતની મુક્તિ માટે માનવરૂપમાં અવતાર ધારણ કર્યાનું જૈનધર્મે સ્વીકાર્યું છે. જૈન પરિવ્રાજિકા – સાધ્વીઓ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં આજે પણ જોવા મળે છે.

તેમ છતાં ત્યાર પછીના સમયમાં હિંદુધર્મે સ્ત્રીઓને મઠનું ત્યાગી જીવન સ્વીકારવામાંથી બાકાત કરી. અગાઉ જણાવ્યું તેમ હિંદુસંસ્કૃતિનું સામાજિક અધઃપતન આનું મૂળ કારણ હતું, અને નહિ કે સ્ત્રીઓ આવાં તપસ્વી જીવન માટે સક્ષમ ન હતી. સ્ત્રીઓની સ્વતંત્રતાને મર્યાદિત કરવામાં દેશ પરના પરદેશીઓના હુમલાઓએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેમ છતાં સમયે સમયે જુદા જુદા કાળમાં ઘણી સ્ત્રીઓમાં સંન્યાસી જીવન વીતાવવાની તીવ્ર અભિપ્સા જોવામાં આવે છે, તે એટલે સુધી કે સામાજિક મનાઈ છતાં ઘણી સ્ત્રીઓએ સંસારનો ત્યાગ કરી, સંન્યાસિનીના વિચરતા જીવનને આનંદપૂર્વક અપનાવ્યું હતું. ભારતમાં ઘણા સ્થળોએ, અને વિશેષે દક્ષિણ ભારતમાં અને મહારાષ્ટ્રમાં ઘણી મહિલાઓએ પ્રશંસનીય આધ્યાત્મિક ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરી હતી.

તાંત્રિક યુગમાં ફરી પાછી આધ્યાત્મિક સાધના કરવા માટે સ્ત્રીઓને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. તાંત્રિક સંન્યાસિનીઓને ‘ભૈરવી’ કહેવામાં આવતી. આજે પણ સ્ત્રીઓને તાંત્રિક વિધિથી સંન્યાસની દીક્ષા આપવામાં આવે છે, જેને ‘પૂર્ણાભિષેક’ કહેવામાં આવે છે. શ્રીરામકૃષ્ણના જુદા જુદા ગુરુઓમાં એક ભૈરવી બ્રાહ્મણી હતાં, તેઓ તાંત્રિક પ્રકારની ઉપાસના કરતાં હતાં.

હિંદુ સ્ત્રીઓને મઠનું જીવન સ્વીકારવાનો અધિકાર હતો કે નહિ, તેવા હજુ પણ સમયે સમયે ચર્ચાતા પ્રશ્નનો,‌ સ્પષ્ટ ઉત્તર ઉપર ટાંકેલાં શાસ્ત્ર વચનોમાંથી મળી જાય છે.‌ આ બધાં વિધાનોથી એ સાબિત થાય છે કે વેદોના સમયથી‌ શરૂ કરી આજ સુધી જેને જેને અભિપ્સા હતી તે તમામને માટે ત્યાગમય મઠનું જીવન ખુલ્લું હતું. તેમ છતાં કાળક્રમે, ખાસ તો સામાજિક કારણોને લીધે સ્ત્રીઓનો આ હક્ક છીનવી લેવામાં આવ્યો હતો. આ સદીમાં, આપણા પ્રાચીન આદર્શોને પુનર્જીવિત કરવાના પ્રયાસ રૂપે, સ્ત્રીઓના સંન્યસ્ત જીવનના આદર્શને નવું બળ મળ્યું છે. કેટલાક ‘દશનામી સંપ્રદાયો’ એ પણ સ્ત્રીઓને સંન્યસ્ત જીવનમાં પ્રવેશ આપ્યો છે, તે જ સિદ્ધ કરે છે કે આ આદર્શ શાસ્ત્રોથી વિરુદ્ધ નથી.

શ્રીરામકૃષ્ણના આગમનથી તો આધ્યાત્મિકતાના ઇતિહાસમાં એક નવું જ પ્રકરણ ઉમેરાયું છે. આધ્યાત્મિક જીવન અંગેનો તેમનો આદેશ આ શબ્દોમાં સંભળાય છેઃ 

‘માત્ર ઈશ્વર જ સત્ય છે, બીજું બધું મિથ્યા છે.’ ‘માનવજીવનનું ધ્યેય પ્રભુપ્રાપ્તિ છે.’

શ્રીરામકૃષ્ણ કશાનો વિનાશ કરવા નહિ, પરંતુ તમામને પરિપૂર્ણ કરવા આવેલા અવતાર હતા, તેથી તેમણે શાસ્ત્રોએ જેને જેને અધિકારી ગણ્યા છે તેને સંપૂર્ણ આદર અને ટેકો આપ્યાં. તેમનું જીવન અસાધારણ હતું, સર્વ ઔપચારિકતાથી પર હતું, તેમ છતાં સનાતનધર્મના આદર્શોને જીવંત રાખવા, તેમણે પોતે પોતાના એક ગુરુ તોતાપુરી પાસેથી સંન્યસ્ત જીવનની દીક્ષા લીધેલી. ભૈરવી બ્રાહ્મણી યોગેશ્વરીને પોતાની એક ગુરુ બનાવી તેમણે સ્ત્રીઓના આધ્યાત્મિક જીવન જીવવાના અધિકારને સ્વીકૃતિ આપી હતી. જેમ તોતાપુરી પાસેથી તેમણે વેદાંત પ્રકારની સાધનાનો ઉપદેશ ગ્રહણ કર્યો, તેવી જ રીતે યોગેશ્વરી પાસેથી તેમણે તંત્રોની આધ્યાત્મિક સાધના ગ્રહણ કરી. દરેક અવતારના આગમનથી આધ્યાત્મિકતા અંગેના નવા નવા વિચારો પ્રસરે છે અને તે સ્ત્રી-પુરુષોનાં જીવનને અસર કરતા હોય છે. એક નારીને પોતાના ગુરુ તરીકે અપનાવીને શ્રીરામકૃષ્ણે, તેમના આગમનનાં એક શતક પૂર્વે સંપૂર્ણ રીતે વિસરાઈ ગયેલાં સ્ત્રીઓનાં આધ્યાત્મિક ઉત્થાનને પુનઃસ્થાપિત કર્યું. તેથી આ બનાવ મહત્ત્વનો છે અને સ્ત્રીઓની આધ્યાત્મિક ઉન્નતિ બાબતમાં તેની દૂરગામી અસર થઈ. જેમને શ્રીરામકૃષ્ણના ઉપદેશના સાચા ભાષ્યકાર માનવામાં આવે છે, તે સ્વામી વિવેકાનંદે પણ સ્ત્રીઓના સંન્યાસ ગ્રહણ કરવાના અધિકારને સ્વીકાર્યો અને પોતાનો ટેકો આપ્યો છે. આ બાબતમાં સ્ત્રીઓને વધારે અગ્રતા આપવા તેઓ સદા આતુર રહેતા. તેઓ લખે છે :

‘સ્ત્રીઓની સ્થિતિ સુધરે નહિ ત્યાં સુધી દુનિયાના કલ્યાણ માટે કોઈ આશા નથી. કોઈ પણ પક્ષી પોતાની એક જ પાંખથી ઊડી શકે નહિ.

તેથી જ શ્રીરામકૃષ્ણે એક સ્ત્રીને ગુરુ તરીકે સ્વીકારી. તેથી જ તેમણે સ્ત્રીનો પોષાક ધારણ કરી અને સ્ત્રીનાં માનસિક વલણોની રીતે ઉપાસના કરી. તેથી જ તેમને દિવ્ય મા ભગવતીના પ્રતિનિધિ સ્ત્રીને માતૃભાવે જોવાનો ઉપદેશ આપ્યો.

અને તેથી જ મારું પ્રથમ કાર્ય સ્ત્રીઓ માટે એક મઠ સ્થાપવાનું છે. આ મઠ ભાવિ ગાર્ગીઓ અને મૈત્રેયીઓને બહાર લાવશે, અરે, તેમનાથી પણ વધુ ઉચ્ચ આધ્યાત્મિકતા યુક્ત મહિલાઓની સમાજને ભેટ ધરશે.’

ભારતની સુપુત્રીઓએ એક નવીન ભારતનાં નિર્માણમાં ઘણી જવાબદારીઓ ઉઠાવવાની છે. ભારતનાં સાચાં ચાહક ભગિની નિવેદિતાએ લખ્યું છે :

‘મા ભગવતીના આનંદમયી પ્રાગટ્ય માટે એ જરૂરી છે કે સૌ પ્રથમ તેઓની બધી બાજુ પોતાની પુત્રીઓ, એટલે કે ભાવિની ભારતીય નારીનું એક વર્તુળ રચાય. તેમણે મા ભગવતીને સમર્પણ કરવું જોઈએ, પોતાના ગૌરવશાળી મસ્તકને માને ચરણે નમાવવું જોઈએ અને પોતાનાં, પોતાના પતિનાં અને સંતાનોના જીવનને સમર્પિત કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ.’ ૧૪

ભારતની આઝાદી માટેની લડતમાં સ્ત્રીઓનું પ્રદાન કાંઈ ઓછું ન હતું. તેનાથી સિદ્ધ થયું કે પોતાની માતૃભૂમિની મુક્તિ માટે તેઓ કેવાં બલિદાન આપી શકે છે અને કેટલી હદ સુધી દુઃખ સહન કરી શકે છે. આજની ભારતીય નારી પોતાની આંતરિક શક્તિ વિશે ધીમે ધીમે સભાન બનતી જાય છે અને જીવનનાં શક્ય તે તમામ ક્ષેત્રોમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા આગળ આવી રહી છે. અજ્ઞાનના જે અંધકારે તેમને સદીઓ સુધી પડદા પાછળ જ રાખી હતી, અને તેમને શિક્ષણ તથા બીજા હક્કોથી વંચિત રાખી હતી, તે હવે અદ્દશ્ય થઈ રહ્યો છે. આજે તો સ્ત્રીઓ માટે એક નવો યુગ શરૂ થઈ ગયો છે.‌ હવે તો ખૂબ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલી મહિલાઓ જુદા જુદા વ્યવસાયમાં ઉચ્ચ હોદ્દાઓ સંભાળે છે. ઘણી મહિલાઓ માનવજાતની સેવા કરવામાં લાગી ગઈ છે. ભારતની નારીએ બૌદ્ધિક, સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. છતાં આધ્યાત્મિક પ્રગતિ વિના સંપૂર્ણ સફળતા મળી ન ગણાય. ભારતમાં તો સ્ત્રીએ, દિવ્ય સારદાદેવીને પગલે ચાલી, સૌ પ્રથમ તો આધ્યાત્મિક વ્યક્તિ બનવાનું છે.

‘શ્રી શારદાદેવી’ અથવા તો શ્રીરામકૃષ્ણના ભક્તો જેમને આદરપૂર્વક ‘પવિત્ર માતા’ તરીકે જાણે છે, તેમણે આધ્યાત્મિક જગતમાં એક અજોડ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમનામાં આપણને એક ગૃહસ્થી-નારી, એક માતા અને એક સાધ્વીના ગુણોનો સંવાદમય સુમેળ જોવા મળે છે. તેમણે હજારો પુરુષો, સ્ત્રીઓ અને સાધુઓને પણ દીક્ષા આપી અને ઘણાની આધ્યાત્મિકતાની તરસ છીપાવી છે. વર્ગ, ધર્મ કે સંપ્રદાયનો ભેદ કર્યા વિના, તમામને તેમણે પોતાનો અમર્યાદ પ્રેમ આપ્યો છે. તેમનું આદર્શ જીવન, જીવનના કોઈ પણ ક્ષેત્રમાં કાર્યરત બહેનો માટે શાશ્વત પ્રેરણાસ્રોત રહ્યું છે. બાલ્યાવસ્થાની ગામડાંની એક સરળ બાલિકા એવાં શ્રી શ્રીમા સંન્યાસીઓના એક મહાન સંઘના આધ્યાત્મિક ગુરુ બનવાનાં સ્થાન સુધી પહોંચ્યાં. આધુનિક મહિલાઓ માટે તેમણે આ માર્ગ ખુલ્લો કરી આપ્યો છે.

હવે એવો સમય આવી રહ્યો છે કે જેમાં નિઃસ્વાર્થી, પવિત્ર મહિલાઓ, પોતાના દેશ અને સમગ્ર દુનિયા માટે પણ જેમનાં હૃદયમાં પ્રેમ છે એવી મહિલાઓ, દુનિયાનાં શ્રેય માટે અને પોતાની મુક્તિ માટે, સર્વસ્વનો ત્યાગ કરવા મોટી સંખ્યામાં બહાર આવશે.

સંદર્ભ

૧. तमेव विदित्वाति मृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय। (શ્વેતાશ્વતર ઉપનિષદ: ૩.૮)

૨. न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः । (મહાનારાયણ ઉપનિષદ : ૧૨.૧૪)

૩. सर्वं वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम् । (ભર્તૃહરિનું વૈરાગ્યશતક) 

૪. गोधा घोषा विश्ववारापालोपनिषत् ।
ब्रह्मजाया जुहूर्नांमागस्त्यस्य स्वसादितिः ॥

इन्द्राणी चेन्द्रमाता च सरमा रोमशोर्वशी।
लोपामुद्रा च नद्यश्च यमी नारी च शाश्वती ॥

श्रीर्लाक्षा सर्पराज्ञी वाक् श्रद्धा मेघा च दक्षिणा।
रात्रिः सूर्या च सावित्री ब्रह्मवदिन्य ईरिताः ॥ (બૃહદ્-દેવતા : ૨/ ૮૨-૮૩)

૫. ब्रह्मचर्येण कन्या युवानं विन्दते पतिम । (અથર્વવેદ ૨.૫.૧૮)

૬. ‘સ્મૃતિ – ચંદ્રિકા’માં ૧ પાનાં ૨૪ પર ઉપરના ગ્રંથનું અવતરણ આ પ્રમાણે છે : यत्तु हारीतेनोत्त्कं द्विविघाः स्त्रियो ब्रह्मवादिन्यः सद्योवधुवः तंत्र ब्रह्मवादिनीनामुपनयनमग्नीन्धनं वेदाध्ययनं स्वगृहे च भिक्षाचर्येति। सद्योवधूनां तु उपस्थिते विवाहे…. नयनमात्रं कृत्वा विवाहः कार्यः ॥

૭. यदहरेव विरजेत् तदहरेव प्रव्रजेत् । જાબાલોપનિષદ્ : ૪.

૮. किं प्रजया करिष्यामो येषां नोऽयमात्मायं लोक इति। બૃહદારણ્યક ઉપનિષદ્‌ : ૪.૪.૨૨.

૯. ये प्रजा नेषिरे ते अमृतत्वं हि भेजिरे । છોંદોગ્ય ઉપનિષદ્‌ ભાષ્ય : ૫.૧૦૧.૧.

૧૦. महमनुचचारैका सुलभा नाम भिक्षुकी । तया जगदिदं कृत्स्नमटंत्या मिथिलेश्वरय् । तत्र तत्र श्रुतो मोक्षे कथ्यमानस्त्रिदण्डिभी: ॥

૧૧. भिक्षुकीत्येनन स्त्रीणामपि प्राग्विवाहाद्धा वैधव्यादूर्ध्धं सन्यासेऽधिकारोऽस्तीनि दर्शितम् । तेन मिक्षाचर्यं मोक्षशास्त्रश्रवणमेकान्ते आत्माध्यानं च तोभिरथि कर्तव्यम् । त्रिदण्डादिकं च धोर्यम् । (मोक्षधर्मपर्व: ૩૨૦.૭.૮)

૧૨. स्त्रीणां चैके इति बोधायनेन स्त्रीणामपि प्रव्रज्यास्मरणात् । (૩.૫૮)

૧૩. શ્રી. પી. વી. કાણે, ‘હિસ્ટરી ઑફ ધર્મશાસ્ત્ર’, ગ્રંથ ૨-પાનાં ૯૪૫.

૧૪. ‘હિન્ટસ્‌ ઑન નેશનલ એજ્યુકેશન ઈન ઈન્ડિયા’ (૧૯૨૩) પાના. પ૩.

Total Views: 135

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.