બ્રહ્મચારિણી આશા-સંન્યાસ દીક્ષા લીધા પછી પ્રવ્રાજિકા મુક્તિપ્રાણાના નામે જાણીતાં બન્યાં. તેઓ શ્રીસારદા મઠનાં પ્રથમ જનરલ સેક્રેટરી હતાં. જુલાઈ ૧૯૫૪માં ‘વેદાંત કેસરી’માં પ્રસિદ્ધ થયેલ એમના અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

વૈદિક અને ઉપનિષદ કાળમાં નારીઓની ઉન્નત સ્થિતિ

અતિ પ્રાચીનકાળથી ભારત આધ્યાત્મિકતાની ભૂમિ રહી છે. અહીં આત્માનુભૂતિ કે સંપૂર્ણતાની પ્રાપ્તિ માનવજીવનનો મુખ્ય હેતુ રહ્યો છે. જેમણે પોતાનું જીવન સર્વોત્કૃષ્ટ સત્યની શોધમાં ખર્ચી નાખ્યું છે અને જેઓ અંતરની, હૃદયની દૃષ્ટિમાં જ નિરીક્ષણ કરતા રહ્યા છે, તેવા કેટલાય હિન્દુઓના ઘટના પ્રસંગો પ્રાચીન ભારતના ઇતિહાસમાં જોવા મળે છે. આવા લોકોને દુન્યવી સુખસુવિધા કે આનંદપ્રમોદે કદીએ આનંદ – સંતોષ આપ્યો નથી. તેમણે વિશ્વના ક્ષણભંગુર અને નશ્વર પદાર્થાે પર ચિંતન-મનન કર્યું અને એ તેમને ભ્રામક કે અસત્ય-મિથ્યા લાગ્યાં. પુનર્જન્મ, મૃત્યુને લીધે આ દુનિયાનાં દુ:ખ, શોક ઉદ્ભવે છે અને આ સહન કરવાં પડતાં દુ:ખ, શોક એમને જીવનના મિથ્યાપણામાંથી પેલે પાર જવા અને સત્ને પામવા આતુર બનાવે છે. એમની સામે આ સત્ય પ્રકટ થયું કે માત્ર ને માત્ર બ્રહ્મજ્ઞાનમાં જ મુક્તિનો પથ રહેલો છે.

શ્વેતાશ્વતર (૩:૮) માં કહ્યું છે,

‘તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય: પન્થા વિદ્યતેઽયનાય —। – જે વ્યક્તિ બ્રહ્મને જાણે છે તે જ ખરેખર મૃત્યુને તરી જાય છે. એ સિવાય બીજો કોઈ પથ નથી.’

અમરત્વ પ્રાપ્ત કરીને જ કોઈપણ વ્યક્તિ મૃત્યુને તરી જાય છે અને શાશ્વત આનંદ માણે છે. હવે આ અમરત્વ કે બ્રહ્મને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? વેદોમાં કહ્યું છે, ‘ત્યાગેન એકેન’ એકમાત્ર ત્યાગથી. આ જ એક પથ છે. કોઈપણ સાધક સંસારનો ત્યાગ કરીને અમરત્વ પ્રાપ્ત કરી શકે છે.

મહાનારાયણ ઉપનિષદ (૮.૧૪)માં કહ્યું છે, ‘ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેનૈકે અમૃતત્વમાનશુ: —। – અમરત્વ; કર્મ, ધનસંપત્તિ કે પ્રજા-સંતતિ દ્વારા મેળવી શકાતું નથી, તે તો એકમાત્ર ત્યાગથી જ પામી શકાય.’

ત્યાગ જ આપણા હૃદયને શુદ્ધ કરે છે, આધ્યાત્મિક જ્ઞાન મેળવવા મનને તત્પર કરે છે અને અંતે જેણે શાશ્વત આનંદ કહે છે એવા સર્વોત્કૃષ્ટ સત્યની અનુભૂતિ કરવા સક્ષમ બનાવે છે.

ભર્તુહરિના વૈરાગ્ય શતકમ્માં આવે છે, ‘સર્વ વસ્તુ ભયાન્વિતં ભુવિ નૃણાં વૈરાગ્યમેવાભયમ્ —। – આ દુનિયામાં સર્વકંઈ ભયથી ભરેલું છે. એક માત્ર ત્યાગ જ કોઈપણ વ્યક્તિને નિર્ભય બનાવે છે.’

હિન્દુઓના ધર્મજીવનમાં માનવને માટે ચાર હેતુઓ નિશ્ચિત કર્યા છે. આ ચાર ધ્યેય કે હેતુ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં અંતિમ ધ્યેય મોક્ષને શ્રેષ્ઠ સ્થાન આપ્યું છે. એટલે આ ચાર જીવનધ્યેયના તબક્કામાં ચોથાને એટલે કે સંન્યાસ આશ્રમને મુમુક્ષુ માટે મુખ્ય ગણ્યું છે. એમાં મુમુક્ષુએ શાસ્ત્રમાં વર્ણવેલ ત્યાગના પથે ચાલીને મોક્ષ મેળવવાની ઇચ્છા કરવી જોઈએ. આનો અર્થ એ થયો કે હિન્દુ ધર્મ પ્રમાણે ધાર્મિક જીવન અને વિચારની મુખ્ય બાબત ત્યાગ જ છે.

વૈદિક કાળથી આજના યુગ સુધી ઘણાં હિન્દુ નરનારીઓએ આ ત્યાગ દ્વારા જીવનનું સર્વોત્કૃષ્ટ ધ્યેય પ્રાપ્ત કર્યું. વળી ભારતના હિન્દુઓમાં પુરુષોના ધર્મજીવન કરતાં નારીઓનું ધર્મજીવન ભિન્ન ન હતું. અંતિમ પરિણામ કે ફળ માટે સ્ત્રીપુરુષના લિંગભેદને મહત્ત્વનું પાસું ગણ્યું નથી.

તૈત્તિરીય આરણ્યકમાં આપણને વિરજામંત્રનો સંદર્ભ મળે છે. જે લોકો સંસારના બંધનમાંથી મુક્ત થવા ઇચ્છે છે તેમને વિરજામંત્રનો આદેશ અપાયો. વિરજા એટલે જેમાંથી બધી અશુદ્ધિઓ દૂર થઈ ગઈ છે તે. એટલે વિરજામંત્રનો હેતુ આપણી બધી અપવિત્રતાને દૂર કરવાનો છે. મુમુક્ષુએ બધા ઇન્દ્રિય ભોગવિલાસો ત્યજી દેવા જોઈએ. તેમણે સગાંસંબંધીઓ અને ઘર ત્યજવાં પડે, પોતાના નિકટના સગાંસંબંધીઓ સાથેની બધી આસક્તિઓ ત્યજવી પડે અને સંસારની દરેક બાબતો અને વસ્તુઓ પ્રત્યે ઉદાસીનતા કેળવવી પડે. મુમુક્ષુ વિરજાહોમમાં આ બધું હોમી દે છે અને પોતે સંપૂર્ણપણે શુદ્ધ-પવિત્ર બને છે.

ભગવાન શંકરાચાર્યે પોતાની ટીકામાં કહ્યું છે કે જે કોઈ સંન્યાસના માર્ગે ચાલવા ઇચ્છુક હોય તેને આ મંત્રોનું ઉચ્ચારણ કરવા દેવામાં આવે છે. એમાં કોઈ જાતિભેદ નથી. વેદોમાં પણ એવું ક્યાંય કહેવામાં આવ્યું નથી કે સ્ત્રીઓને આધ્યાત્મિક જીવન જીવવાનો અધિકાર નથી કે એમને ત્યાગનું જીવન અપનાવવામાંથી બાકાત રાખવાનું પણ કહ્યું નથી.

વેદોમાં ઘણા ઋષિઓ કે જે આધ્યાત્મિકતાના સાધકો અને શોધકો હતા અને તેઓ મંત્રદર્શી કહેવાતા. આવા મંત્રદર્શી ઋષિઓમાં ઘણી નારીઓ પણ હતી. ઋગ્વેદમાં ૨૭ નારીઓની યાદી છે કે જેમણે આ કક્ષા પ્રાપ્ત કરી હતી. તેમને બ્રહ્મવાદિનીઓ કહેવાય છે.

વૈદિક અને ઉપનિષદ કાળની મેધાવી નારીઓ

શંકારાચાર્યે પોતાના બૃહદ્દેવતા (પ્રકરણ-૨:૮૨-૮૭) માં આ બ્રહ્મવાદિનીઓનાં નામ આપ્યાં છે, ‘ગોધા ધોષા વિશ્વવારાપાલોપનિષત્ । બ્રહ્યજાયા જુહૂર્નાંમાગસ્ત્યસ્ય સ્વસાદિતિ: —।। ઈન્દ્રાણી ચેન્દ્રમાતા ચ સરમા રોમશોર્વશી । લોપામુદ્રા ચ નદ્યશ્ચ યમી નારી ચ શાશ્વતી ।। શ્રીર્લાક્ષા સર્પરાજ્ઞી વાક્ શ્રદ્ધા મેધા ચ દક્ષિણા । રાત્રિ: સૂર્યા ચ સાવિત્રી બ્રહ્મવાદિન્ય ઈરિતા: ।। ’ – એમાંથી વિશ્વવારા કે જેઓ કોઈ ઋષિ ન હતાં પણ તેમણે યજ્ઞમાં આચાર્યા તરીકે કાર્ય કર્યું હતું. વાક્ કે જેઓ ઋષિ અભ્રિનાં પુત્રી હતાં. તેમણે દસમા મંડળના ૧૨૫મા સૂક્તના ૮ મંત્રો રચ્યા હતા. આ મંત્રો દેવી સૂક્તરૂપે જાણીતા છે. તેમણે બ્રહ્માંડ સાથેના ઐક્યની અનુભૂતિ કરી હતી અને કહ્યું હતું, ‘હું રાષ્ટ્રી છું, હું સમગ્ર બ્રહ્માંડની દેવી છું.’

ઉપનિષદ કાળમાં આપણને ગાર્ગી અને મૈત્રેયી એ બે મહાન નારીઓનાં નામ જોવા મળે છે. એમણે પોતાના ઉજ્જવળ ચારિત્ર્યથી સમગ્ર વૈદિક કાળને ઉજ્જવળ બનાવ્યો છે અને આજે પણ એ બન્ને ભારતની પુત્રીઓ-નારીઓ દીવાદાંડી સમી રહી છે. જ્યારે ઋષિ યાજ્ઞવલ્ક્ય સંસારત્યાગ કરતા હતા ત્યારે તેઓ પોતાની એક પત્ની મૈત્રેયીને પોતાની સંપત્તિનો એક ભાગ અર્પણ કરવા ઇચ્છતા હતા. પરંતુ એ સંપત્તિ તેને અમરત્વ ન આપી શકે એમ કહીને તેમણે એ સ્વીકારવાનો ઇન્કાર કર્યો. તેથી ખુશ થઈને યાજ્ઞવૈલ્કયે તેને અમરત્વ પ્રાપ્ત કરવાના સાધનરૂપે બ્રહ્મજ્ઞાન આપ્યું. ગાર્ગી વાચક્નુ ઋષિનાં પુત્રી હતાં. તેઓ શાસ્ત્રમાં પારંગત હતાં અને તેમણે રાજા જનકના દરબારમાં વિદ્વાન બ્રાહ્મણોની સભામાં યાજ્ઞવલ્ક્ય ઋષિના બધા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

આપણને શાસ્ત્રોમાં પણ જોવા મળે છે કે જીવનના દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓને સમાન હક્ક હતા. અથર્વવેદ (૨.૫ : ૧૮)માં કહ્યું છે, ‘બ્રહ્મચર્યેણ કન્યા યુવાનં વિન્દતે પતિમ્ —। – કુમારી બ્રહ્મચર્ય અને વૈદિક અભ્યાસથી યોગ્ય યુવાન પતિને પામે છે.’

હવે આપણે સૌ જાણીએ છીએ કે ઉપનયન સંસ્કાર વિના કોઈ પણ વ્યક્તિ વિદ્યાર્થી તરીકે આશ્રમમાં કે ગુરુના ઘરે અભ્યાસ માટે જઈ ન શકે. એનો અર્થ એ થયો કે પ્રાચીન સમયમાં સ્ત્રીઓનો પણ ઉપનયન સંસ્કાર થતો. આના ઉપરથી તારણ કરી શકીએ કે સ્ત્રીઓને પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર અવસ્થામાં પ્રવેશવાનો અધિકાર હતો.

અહીં આપેલ સંસ્કૃત ગદ્યખંડ હારીત ધર્મસૂત્ર (સ્મૃતિચંદ્રિકા ૧.૨૪)માં આવે છે.

‘યત્તુ હારીતેનોત્ત્કં દ્વિવિધા: સ્ત્રિયો બ્રહ્મવાદિન્ય: સદ્યોવધ્વશ્ચ —। તત્ર બ્રહ્મવાદિનીનામુપનયનમગ્નીન્ધનં વેદાધ્યયનં સ્વગૃહે ચ ભિક્ષાચર્યેતિ —। સદ્યોવધૂનાં તુ ઉપસ્થિતે વિવાહે કથંચિદુપનયનમાત્રં કૃત્વા વિવાહ: કાર્ય: —।। – બે પ્રકારની સ્ત્રીઓ છે – બ્રહ્મવાદિની અને સદ્યોવધૂ. આ બેમાંથી બ્રહ્મવાદિની સ્ત્રીઓ જનોઈ ધારણ કરતી, યજ્ઞનો અગ્નિ રાખતી, વૈદિક સાહિત્યનો અભ્યાસ કરતી અને પોતાના ઘરે ભિક્ષા માગતી. સદ્યોવધૂને લગ્ન પહેલાં પણ કોઈક રીતે ઉપનયનથી દીક્ષા અપાતી.’

ભિક્ષાચર્ય એટલે ભિક્ષા માગીને જીવવું. અહીં એનો અર્થ સંસારત્યાગ પણ થાય. આ શબ્દ બૃહદ્ આરણ્યક ઉપનિષદમાં આવે છે. આ એક પૂર્વકાળનું ઉપનિષદ છે. એમાં પણ સંન્યાસના આદર્શની વાત આવે છે. સંસારત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરાતો. એમાં લિંગભેદ કે જાતિભેદ હતો નહીં.

(જાબાલોપનિષદ ૪)માં કહ્યું છે, ‘યદહરેવ વિરજેત્ તદહરેવ પ્રવ્રજેત્ —। – જ્યારે કોઈપણ વ્યક્તિને સંસાર ત્યાગ કરવાની અંતરની આતુરતા વધે ત્યારે તે સંન્યાસ જીવન જીવવા પ્રાત્ર બને છે.’

(બૃહદ્ આરણ્યક ઉપનિષદ ૪.૪ – ૨૨)માં કહ્યું છે, ‘કિં પ્રજયા કરિષ્યામો યેષાં નોઽયમાત્મેતિ —। – આપણા માટે તો આત્મા જ એક માત્ર ઇચ્છિત વસ્તુ છે, તો પછી સંતાનો અને બીજી બધી વસ્તુઓની શી જરૂર ?’

(છાંદોગ્ય ઉપનિષદ ભાષ્ય – ૫ : ૧૦૧.૧)માં કહ્યું છે, ‘યે પ્રજાં નેષિરે તે અમૃતત્વં હિ ભેજિરે —। – જે લોકો સંતતિ ચાહતા નથી તેઓ અમરત્વ પ્રાપ્ત કરે છે.

આ બધાં શાસ્ત્રોનાં ઉદ્ધરણો એ બતાવે છે કે સ્ત્રીઓને પણ સંન્યાસ ગ્રહણ કરવાનો અધિકાર હતો. તેઓ સંન્યાસ ન ગ્રહણ કરી શકે એવો સંદર્ભ ક્યાંય જોવા મળતો નથી. આ બધા ગ્રંથો અને સ્ત્રીઓના અધિકારને નકારતા ગ્રંથો ન હતા ત્યારે આપણે એવું તારણ તારવી શકીએ કે વૈદિક સમયમાં સ્ત્રીઓને આધ્યાત્મિક સાધના અને ધ્યેય પ્રાપ્ત કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા હતી.

સ્ત્રીઓ માટેના સંન્યસ્ત વિશેના વિચારો જુદા જુદા યુગોમાં રજૂ થયા છે. રામાયણ અને મહાભારતમાંનાં સંન્યાસિનીઓનાં સંદર્ભાે અને ઉદ્ધરણો એ સાબિત કરે છે કે સ્ત્રીઓને આધ્યાત્મિક સાધનાની બાબતમાં કોઈ ઊતરતું સ્થાન ન હતું. રામાયણમાં આપણને જોવા મળે છે કે સ્ત્રીઓનો એક વર્ગ દુન્યવી સુખ અને ઇચ્છાઓનો ત્યાગ કરીને આધ્યાત્મિક સાધનાનું જીવન જીવતો હતો.

તેઓ તપસ્વિની, ભિક્ષુણી કે શ્રમણીના નામે ઓળખાતી. અનસૂયા, સ્વયંપ્રભા અને શબરી આવી નારીઓ હતી. અનસૂયા વાનપ્રસ્થી જીવન જીવ્યાં હતાં. જ્યારે સીતાજી વનમાં આવ્યાં ત્યારે તેમણે સીતાને પત્નીનો ધર્મ સમજાવ્યો હતો. સ્વયંપ્રભા નામનાં તપસ્વિનીએ જંગલની ગુફામાં રહીને તપ-સાધના કરી હતી. શબરી શ્રમણી હતાં. તેઓ પણ કઠિન તપનું જીવન જીવ્યાં હતાં. ભગવાન શ્રીરામચંદ્રને મળ્યા પછી એમને સર્વોત્કૃષ્ટ ધ્યેય – ઈશ્વરાનુભૂતિની ખાતરી મળી અને તેમણે પોતાનો દેહ અગ્નિદેવને સમર્પી દીધો.

જ્યારે ભગવાન શ્રીરામચંદ્રને વનવાસ મળ્યો ત્યારે સીતાએ પતિની સાથે જવાની ઇચ્છા કરી. એ વખતે રામે જંગલમાં જીવવા અને રહેવામાં કેટલા ભય છે એની વાત કરી. પરંતુ સીતાએ કહ્યું કે પોતાના બાળપણથી તેમણે પોતાના પિતા પાસેથી ભિક્ષુણીઓ અને તેઓનાં વનવાસમાંનાં જીવન વિશે સાંભળ્યું છે એમ કહીને વનમાં જવાનો આગ્રહ રાખ્યો.

(ક્રમશ:)

Total Views: 397

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.