ભારતવર્ષમાં સર્વાંગ-સંપૂર્ણ રૂપે ઈશ્વરને માતૃસ્વરૂપે ભજવાની સંકલ્પના જેવી રીતે વિકસી છે તેવી વિશ્વના બીજા કોઈ પણ દેશમાં વિકસેલી જોવા મળતી નથી. વૈદિકકાળથી ભારતમાં ઈશ્વરને માતૃસ્વરૂપે વિવિધરૂપે પૂજવામાં-ભજવામાં આવે છે. વિધારૂપિણી દેવી સરસ્વતી રૂપે, ભાગ્યવિધાત્રી માતા લક્ષ્મી રૂપે, વિશ્વને રક્ષતી માતા જગદ્ધાત્રી રૂપે અને જગતની સર્વશક્તિઓના સમુચ્ચયનાં મૂર્તિમંત રૂપ અને અગમ્યરૂપિણી દુર્ગાનાં રૂપે આપણે માતૃશક્તિની ઉપાસના કરીએ છીએ. અનેક ભક્તોએ પોતપોતાની મનોવાંછનાની પૂર્તિ માટે વિવિધ ભાવે –પ્રકારે આ એક જ જગન્માતાની હૃદયમનથી ભક્તિ કરી છે.

સંસારના વિવિધ તાપથી સરળતાથી મુક્ત થવા આપણે શિવજીની ઉપાસના કરીએ છીએ તો ‘શક્તિ’ પ્રાપ્ત કરવા શક્તિરૂપિણી મા પાર્વતીની ઉપાસના કરીએ છીએ. યુદ્ધમાં વિજય મેળવવા, શત્રુઓને જીતવા, દુષ્કાળ-પૂર- પ્રલય જેવી પ્રકૃતિની વિનાશક લીલાથી આરક્ષણ મેળવવા- માનવમાં પોતાનામાં રહેલી અપૂરતી શક્તિને બદલે પૂર્ણશક્તિ લાવવા ભારતવર્ષમાં હંમેશાં ઈશ્વરના માતૃસ્વરૂપ શ્રી શ્રીમાને ભજવામાં આવે છે. માની પાસે જ આ શક્તિપૂર્તિની પ્રાર્થના કરવામાં આવે છે. આપણાં પુરાણશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે જ્યારે દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને એમની સર્વ સંપત્તિ રાક્ષસો દ્વારા લૂંટી લેવામાં આવી ત્યારે શક્તિ સ્વરૂપિણી જગન્માતાને આર્જવવામાં આવી અને આ જગન્માતા શક્તિના રૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયાં અને દેવોને આરક્ષણ આપ્યું, આવી ઘટનાઓ તો અનેક વાર ઘટી છે. મહાન શક્તિશાળી રાવણને યુદ્ધમાં હરાવવા માટે સાક્ષાત્ વિષ્ણુના અવતાર એવા શ્રીરામચંદ્રજીએ પણ યુદ્ધ પહેલાં શ્રી દુર્ગામાને પ્રાથ્યાઁ હતાં. ભારતના ઇતિહાસમાં આપણને એવા ઘણા ઉદાહરણો મળશે કે જ્યારે રાજા કે રાજકુમારોએ આક્રમણનો સામનો કરવા કે યુદ્ધ કરવા જતાં પહેલાં મા દુર્ગા કે મા ભવાની કે મા કાલીની ઉપાસના, પ્રાર્થના કરી છે અને ત્યાર પછી જ યુદ્ધારંભ કર્યો છે. જ્યારે જ્યારે કોઈ પણ સાધક પોતાના કાર્યપ્રયાસ કે સત્યપ્રાપ્તિ માટે માર્ગમાં થતી મથામણમાં પોતે પોતાની જાતને નિર્બળ માનવા લાગે, કે એ માટે નિર્બળતાનો અનુભવ કરે ત્યારે તે દેવી માતાને શક્તિ માટે આરાધે છે. પિતા કરતા માને આપણે વિનવણીથી વધુ પ્રસન્ન કરી શકીએ છીએ અને સરળતાથી પ્રસન્ન કરી શકીએ છીએ. એનો અર્થ એવો થયો કે આપણી દિવ્યભાવનાની પૂજા-ભક્તિમાં પણ આપણે માતાના આ કોમળ, કરુણાળુ હૃદયનો લાભ લઈએ છીએ.

પરંતુ શ્રી શ્રીમાના સૌમ્યરૂપની ભક્તિ કરવાથી ભારતવર્ષના સાધકોને સંતોષ થયો નહિ કારણ કે જો સાધકને જગન્માતાના એ દિવ્ય, નિષ્કામ પ્રેમની હૃદયપૂર્વકની ખાતરી હોય તો પછી એ માતા તેના પ્રત્યે હંમેશાં સૌમ્ય-શુભ બની રહે એની એ સાધકને પડી હોતી નથી. માત્ર નિર્બળ મનના સાધકો જ માતાના આ સૌમ્ય શુભ રૂપ પ્રત્યે વધુ આસ્થાવાળા હોય છે, અને એમની એ શ્રદ્ધા સંજોગો પ્રમાણે દોલાયમાન થતી રહે છે. પરંતુ દૃઢ ભક્તિભાવવાળા વીરસાધકો છૂપાયેલા શ્રી શ્રીમાના દિવ્યપ્રેમને લીધે એમના અગ્નિની જ્વાળા જેવા રૂપ પ્રત્યે પણ એક અનોખો પ્રેમભક્તિભાવ દાખવે છે. જો વિપત્તિઓ અને વિનાશ એ પણ શ્રી શ્રીમાની દેણગી હોય તો તે પણ માતાના આશીર્વાદરૂપ છે. અને જો શ્રી શ્રીમાના હાથે આપણું મૃત્યુ થાય તો એનાથી રુડું બીજું શું હોઈ શકે? શું આ જગન્માતા પોતાનાં સંતાનોનાં ક્ષેમકલ્યાણની, શ્રેયસ્- પ્રેયસ્‌ની ચિંતા નહિ કરતાં હોય? તો પછી ભય શાનો? ‘મા કાલી’ નામના પોતાના એક સુખ્યાત કાવ્યમાં સ્વામી વિવેકાનંદ કહે છે : 

દુઃખને વરે,
મોતને ભેટે;
નાચે સર્વનાશની સાથે,
તેને મળતી માતા જાતે. 

આપણા ‘માતૃશક્તિ – વિશેષાંક’માં જુદા જુદા લેખકોના લેખો દ્વારા ભારતમાં વિકસેલા માતૃશક્તિના વિવિધ રૂપોની ચર્ચા કરી છે. સ્વામી વિવેકાનંદનાં કાવ્યો અને લખાણોમાં વ્યક્ત થતા અને આજના ભારતના નવનિર્માણ અને નવજાગરણ માટે ખૂબ જ મહત્ત્વ ધરાવતા ‘માતૃશક્તિ’ વિશેના વિચાર- સંદેશની વાત આપણા આ લેખમાં ચર્ચા કરીશું.

સ્વામી વિવેકાનંદે ભારતમાંના પોતાના શિષ્યોને કે તેમના ગુરુબંધુઓને લખેલા પત્રો, તેમનાં ભારતમાં અપાયેલાં વર્ગવ્યાખ્યાનો અને અન્ય લખાણોમાં તેમણે પોતાના દેશબાંધવોને શક્તિપ્રાપ્તિ માટે ‘શક્તિપૂજાનું – જગન્માતાની પૂજાનું’ આહ્વાન કર્યું છે. સ્વામી વિવેકાનંદે ‘વર્તમાન ભારત’ નામના પોતાના લેખમાં પ્રેરણાદાયી વાણીમાં ભારતવાસીઓનાં હૃદયમનને ઢંઢોળીને જગન્માતાને આરાધવાની હાકલ આ શબ્દોમાં કરી છે ‘ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે તારો જન્મ જગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છે; તું ભૂલતો નહિ કે તારી સમાજ વ્યવસ્થા, અનંત વિશ્વવ્યાપી માતૃત્વનું પ્રતિબિંબ માત્ર છે… અને અહોરાત્ર પ્રાર્થના કર કે, ‘હે ગૌરીપતે! હે જગજ્જનની અંબે! તું મને મનુષ્યત્વ આપ. હૈ સામર્થ્યદાયિની માતા! મારી નિર્બળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હટાવ અને મર્દ બનાવ!’

સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ જીવનની બધી સમસ્યાઓનો દૃઢતાપૂર્વક, વીરતાપૂર્વક સામનો કરવા માટે આપણા આત્મામાં શક્તિસંચાર કરવો એ ધર્મનું સાચું સારતત્ત્વ છે અને એ જ ધર્મની સાચી કસોટી છે. ભારતની સદીઓની ગુલામીને કારણે નિર્બળ બનેલી પ્રજા માટે સ્વામીજીએ તપશ્ચર્યાની એક નવી વ્યાખ્યા આપણી સમક્ષ મૂકી છે : તપસ્યા એટલે શારીરિક; માનસિક અને આધ્યાત્મિક શક્તિનો સતત અને સાર્વત્રિક પ્રયાસોથી થતો વિકાસ આપણાં જીવનસંગ્રામમાં પળે પળે દબાવી રાખનાર, નીચે ઝુકાવી રાખનાર પરિબળો સામે સતતપણે મથતાં રહેવું એ જ સાચી મનુષ્યતા છે. સ્વામીજી કહે છે “ક્લૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ! નિર્બળતાને વશ ન થા.. તું વીરપુરુષ છે. તને આ શોભતું નથી…’ મારા શિષ્યો! આ સત્ય જો તમે જગતને પોકારીને જણાવી શકો ક્લૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ નૈતત્ત્વવ્યુપપદ્યતે । તો આ બધા રોગ, શોક, પાપ અને દુઃખ ત્રણ દિવસમાં દુનિયામાંથી વિદાય થાય…. આ એક શ્લોકને જ કોઈ વાંચે : 

ક્લૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ નૈતત્ત્વવ્યુપપદ્યતે ।
ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યું ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ ॥

તો આખીય ગીતા વાંચ્યાનું પુણ્ય તે મેળવે કારણ કે આ એક શ્લોકમાં ગીતાનો સમગ્ર સંદેશ ભર્યો છે.’

એમની દૃષ્ટિએ કાયરતા એટલે મૃત્યુ. ગીતાના આદર્શને નજર સમક્ષ રાખીને એમણે જીવનની બધી પ્રવૃત્તિઓને જગન્માતાની વેદી પરના એક બલિદાન રૂપે પરિવર્તિત કરીને એક નવા શક્તિના ધર્મનો આદર્શ આપણી સમક્ષ મૂક્યો છે. ભગિની નિવેદિતાના શબ્દોમાં કહીએ તો: ‘પોતાના મનમાંથી નિર્બળતા અને ભયના વિચારોને સતતપણે દૂર કરવામાં એમના પ્રયાસો રહ્યા હતા. તેઓ જેમ સૌમ્ય અને આનંદમયી રૂપે માને નિહાળતા તેવી જ રીતે દુષ્ટતા, ભય, દુઃખ અને વિનાશનાં મોજાં રૂપે પણ એ જગન્માતાને અંતઃસ્ફુરણાથી ઓળખવાનું શીખ્યા હતા.’

આ જ આદર્શને સ્વામીજીએ પોતાના ‘નાચે એની અંદર શ્યામા’ નામના કાવ્યમાં ચિત્રાત્મક રીતે રજૂ કર્યો છેઃ

સુખ માટે છે સર્વે પાગલ, દુઃખ ૫૨ કો પામરનો પ્યાર. સુખમાં છે દુઃખ, ગ૨લ સુધામાં, જુઓ બતાવે છે સંસાર. સુખદુઃખનું આ નર્યું હલાહલ ભર્યું છલોછલ સદા અધીર રડે માનવી, પણ આશાનું નવ છોડે છે ચંચળ ચીર.

રુદ્ર રૂપથી સહુ ડરે છે, જુએ જુએ ને ખૂબ ભરે છે આહ, મૃત્યુરૂપિણી મુક્તકુન્તલા માતાની નથી કોઈને ચાહ. ઉષ્ણ ધાર ઉદ્‌ગાર રુધિરનો કરી રહી જે વારંવાર, ભીમ ભુજાની, બીન બદલ જે ધારંતી તાતી તલવાર.’

શ્રીરામકૃષ્ણદેવ દ્વારા જગન્માતા પાસેથી સાંપડેલી દિવ્યશક્તિથી એમણે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન કાર્યો કર્યાં. તેઓ કહેતા : ‘જુઓ, વિશ્વમાં કોઈ એક મહાશક્તિ છે જેમાં હું માન્યા વગર રહી શકતો નથી. આ મહાશક્તિ કાલી, જગન્માતા, વગેરેના નામે જાણીતી પોતે એક નારીશક્તિ છે, શક્તિ રૂપે રહેલી છે. સ્વામીજીએ ભગિની નિવેદિતાને એક વખત કહ્યુંઃ ‘જ્યારે જ્યારે તેઓ ઓરડામાં રહેતા ત્યારે તેમણે જાણે કે એ જગન્મા મૂર્તિમંતરૂપે એના ખંડમાં હાજરાહજુર રહેતાં એવી અનુભૂતિ એમને થતી.’ તેઓ જે કંઈ પણ વિચારતા અને જે કોઈ કાર્ય કરતા તેમાં જાણે કે જગન્માતાનો જ સહજ અને સ્વાભાવિક આભાસ થતો. આ વાત તેઓ વારંવાર એક ટેવભરી વાતની જેમ કહેતા.

પોતાના ગુરુબંધુ સ્વામી બ્રહ્માનંદજી મહારાજને લખેલા સુખ્યાત પત્રમાં પોતાના જગન્માતા પ્રત્યેના આ મનોવલણની વાત આ શબ્દોમાં કરે છે :

‘જે વીરોએ મહાન કાર્યો કરવાની હામ ભીડી હોય – ભલે તેઓ તેમાં સફળ ન થયા હોય, જે વીરો કદી ગભરાયા કે નાહિંમત ન બન્યા હોય, જે યોદ્ધાઓ ભય કે ગુમાનને કારણે કદી પણ હુકમનો અનાદર ન કર્યો હોય, તેવાઓને ચરણે હું આશરો પામું. બધી શક્તિ અને સામર્થ્યનું મૂળ જગદંબાનું હું સંતાન છું. મારે મન તો શિર ઝુકાવતી, ખુશામત કરતી, કકળાટ કરતી, અધમ નિષ્ક્રિયતા અને નર્ક બંને સમાન છે. હે વિશ્વની માતા! હું મારા ગુરુદેવ! (જેઓ સતત કહેતા કે ‘આ વીર છે’.) હું પ્રાર્થના કરું છું કે મારે કાયરને મોતે મરવું ન પડે…. જો જગન્માતા મારી પાસે ફરી એવા માણસો મોકલશે કે જેમને હૈયે હામ છે, જેમના હાથમાં તાકાત છે, જેમની આંખમાં તેજ છે, જેઓ જગદંબાનાં સાચાં સંતાન છે – જો જગદંબા મને આવી એક જ વ્યક્તિ આપશે, તો હું ફરી કાર્ય ઉપાડીશ, તો હું પાછો આવીશ. નહિતર હું માની લઈશ કે જગદંબાની ઇચ્છાનુસાર આ જ અંત છે. હું અસાધારણ ઉતાવળમાં છું; મારે ઝંઝાવાતના વેગથી કામ લેવું છે, એને માટે નિર્ભય હૃદયવાળા માણસો જોઈએ છે… ખરા અંતરથી હું તમને આશિષ આપું છું. મા તમારા હૃદયમાં શક્તિ રૂપે વસો. અભયં પ્રતિષ્ઠાં – ‘નિર્ભયતારૂપી જે આધાર છે,’ તે જગદંબા તમને બધાને નિર્ભય બનાવે!

તેથી જ આપણને જોવા મળે છે કે તેઓ હંમેશાં પોતાના યુવા શિષ્યોને પ્રેરતા રહેતા અને તેમના દ્વારા ભાવિ ભારતની સમગ્ર યુવા પેઢી જગન્માતાના હિંમતવાન, નિર્ભય, ગૌરવમંડિત સંતાનો બને તેમ તેઓ ઇચ્છતા હતા. 

પોતાના ગુરુભાઈને લખેલા એક બીજા પત્રમાં સ્વામીજી આમ લખે છે : 

‘કાલી પૂજાની પૂર્વ સંધ્યાએ, આજે માતાજીના આ પવિત્ર દિવસે, આજે રાત્રે મા તમારા હૃદયમાં નૃત્ય કરો અને બાહુઓમાં અપૂર્વ શક્તિ રેડો. જય કાલી! જય કાલી! 

મા જરૂર આવશે, અને ખૂબ સામર્થ્ય આપીને સંપૂર્ણ વિજય લાવશે, વિશ્વવિજય લાવશે. મા આવે છે, ડર શો છે? કોનો ડર છે? જય કાલી! તમારા દરેકને પગલે પગલે ધૃજશે.. જય કાલીનો!.. ફરી આગળ ધપો આગળ ચાલો! વાહ ગુરુ! માનો જય હો! કાલી! કાલી! કાલી! રોગ, શોક, ભય, નિર્બળતા : આ બધાં જ તમારામાંથી જાઓ! સંપૂર્ણ વિજય, સંપૂર્ણ સદ્‌ભાગ્ય, બધી પૂર્ણ સમૃદ્ધિ તમારી છે. ડરશો નહિ! બીશો નહિ! આફતનો ભય અદૃશ્ય થાય છે; ડરો નહિ, જય કાલી! જય કાલી!’

શ્રીરામકૃષ્ણદેવ પોતાના સમગ્ર જીવનકાળમાં શ્રી મા કાલીને પૂજતા રહ્યા. એમને મન શ્રીમા કાલી તેમનાં સર્વસ્વ હતાં. જો કે પ્રારંભમાં શ્રીમા કાલીનો સ્વીકાર કરવા સ્વામીજી થોડા અચકાતા હતા, છતાં પણ એમણે શ્રીમા કાલી પ્રત્યેની અતૂટશ્રદ્ધાનો વારસો મેળવ્યો હતો. ચતુર્ભુજાવાળાં શ્રીમા કાલીની પ્રતિમામાં એમના એક હાથમાં લોહીથી ખરડાયેલી તલવાર છે. એ સૂચવે છે કે માનવીને અવળે માર્ગે દોરી જતી આસક્તિઓનો નાશ કરવો એ જરૂરી છે. શ્રીમાના બીજા હાથમાં મુણ્ડમાળા છે. આ મુણ્ડમાળા આપણા ‘અહમ્’ના બલિદાનનું – ત્યાગનું પ્રતીક છે. તેમનો ત્રીજો હાથ પોતાના સંતાનો-ભક્તોને ભયમુક્ત બનાવવાની ખાતરીનું સૂચન કરે છે. શ્રીમાનો ચોથો હાથ પોતાના માનવભક્તોનાં પ્રેમ, શ્રદ્ધા, ભક્તિને સ્વીકારે છે. શ્રીમા કાલીના એ ગળામાં મુણ્ડમાળા ધારણ કરી છે, જે મૂળાક્ષરોનું પ્રતીક છે. આ મૂળાક્ષરોનો મર્મ છે, જ્ઞાન અને શાણપણ. જગન્માતાના ચરણોમાં નીચે ભૂમિ પર પડેલા શિવ-કાળદેવ-વિનાશના દેવ કે જેમને શ્રીમા અંકુશમાં રાખે છે. આમ શ્રીમા કાલી અવિનાશી ચૈતન્ય સ્વરૂપનું પ્રતીક છે. એ ચૈતન્ય સ્વરૂપ સમગ્રદેહ કે વિશ્વના વિનાશ સાથે નાશ પામતું નથી. શ્રીરામકૃષ્ણદેવે જેમનામાં શ્રીમા કાલીનું આહ્વાન કરીને ષોડશી પૂજા કરી હતી અને જેમને તેઓ ભારતમાં માતૃશક્તિને પુનઃ જાગ્રત કરનાર શક્તિ રૂપે ગણ્યાં હતાં, એવાં શ્રી શ્રીમા શારદાદેવી પર સ્વામીજીને અનન્ય ભક્તિભાવ હતો. તેઓ કહે છે : 

‘શક્તિ સિવાય જગતનો પુનરુદ્વાર નથી. આપણો દેશ બધા દેશોથી વધારે નબળો અને પાછળ શા માટે છે? કારણ કે અહીં શક્તિનું અપમાન થાય છે. ભારતમાં તે અદ્‌ભુત શક્તિને પુનર્જીવિત કરવા માતાજીએ જન્મ ધારણ કર્યો છે; અને તેમને કેન્દ્ર બનાવવાથી જગતમાં ગાર્ગીઓ અને મૈત્રેયીઓ ફરી એક વખત જન્મશે…. શક્તિની કૃપા વિના કંઈ સિદ્ધ થતું નથી. અમેરિકા અને યુરોપમાં હું શું જોઉં છું? શક્તિની પૂજા, શક્તિની પૂજા. તેઓ જોકે તેને અજ્ઞાનથી અને ભૌતિક સુખપ્રાપ્તિ માટે જ પૂજે છે. ત્યારે પછી, જે લોકો તેને માતા તરીકે લેખીને શુદ્ધ ભાવે સાત્ત્વિક બુદ્ધિથી પૂજે, તો તેઓ કેટલું કલ્યાણ સાધી શકે તેની કલ્પના કરો!.. માતાના આશીર્વાદ મારે મન સાર્વભૌમ બાબત છે.. મને માફ કરજો, પણ માતાજી બાબતમાં હું જરાક અંધશ્રદ્ધાળુ છું. જો માતાજી આજ્ઞા કરે તો તેમના ભૂતો બધું કરી શકે. ભાઈ! અમેરિકા રવાના થતા પહેલાં મેં માતાજીને આશીર્વાદ મોકલવા માટે લખ્યું હતું. તેમના આશીર્વાદ આવ્યા અને એક કૂદકે હું સમુદ્ર પાર કરી ગયો.’

ભગવાન શ્રીરામકૃષ્ણદેવના મહાન જીવન અને સંદેશને અનુસરીને સ્વામી વિવેકાનંદ બધી સ્ત્રીઓને -‌ પછી ભલે તે ઉચ્ચ હોય કે નીચ, સંન્યાસિની હોય કે ગૃહસ્થનારી, પરિણીત હોય કે અપરિણીત, નાની કુમારીકા હોય કે પ્રૌઢા હોય – જગન્માતાના મૂર્તિમંત અને જીવંત રૂપે નિહાળતા અને એટલા જ માટે એમણે ભારતીયોને જગન્માતાની જેમ પવિત્ર ભાવે સ્ત્રીઓને પૂજવા પ્રેર્યા છે. સ્ત્રીઓ તો પ્રભુનું શક્તિસ્વરૂપ છે. અમેરિકાથી લખેલા એક પત્રમાં સ્વામી વિવેકાનંદ કહે છે : ‘ખરેખર ‘શક્તિનો ઉપાસક’ કોને કહેવાય એ તમે જાણો છો? જે માને છે કે પરમેશ્વર એ વિશ્વની સર્વવ્યાપી શક્તિ છે અને સ્ત્રીઓમાં એ શક્તિનો આવિર્ભાવ જે નિહાળે છે તેને જ… મનુએ પણ કહ્યું છે કે ‘જે કુટુંબોમાં સ્ત્રીઓ સુખ-સન્માન પામે છે, તેમનું દેવતાઓ કલ્યાણ કરે છે.’ આ દેશમાં પુરુષો, સ્ત્રીઓનું પૂરેપૂરું સન્માન જાળવે છે અને પરિણામે તેઓ આટલા બધા સમૃદ્ધ, વિદ્યાવન્ત, સ્વતંત્ર અને ઉત્સાહી હોય છે. પરંતુ આપણે ગુલામી મનોદશાવાળા, દુઃખી અને મૃતવત્ છીએ એનું કારણ શું છે? એનો ઉત્તર સ્પષ્ટ છે.’

‘ભારતમાં નારીત્વની આદર્શ છે; પહેલી માતા અને છેલ્લી પણ માતા. સ્ત્રી શબ્દ હિંદુના મનમાં માતૃત્વની ભાવના ખડી કરે છે; ખુદ ઈશ્વરને માતા તરીકે સંબોધવામાં આવે છે૯!

સ્ત્રી પોતાનામાં રહેલી સહજ દિવ્યતા પ્રત્યે જાગ્રત બને અને તે રીતે વર્તન કરે તેમ સ્વામીજી ઇચ્છતા હતા. ભારતના આ મહાન સાંસ્કૃતિક વારસાને જો આપણા મનવિચારો તરફ વાળવામાં આવે તો તે આપણા રાષ્ટ્રિયજીવનના ગૌરવમાં વૃદ્ધિ કરી શકે તેમ છે. ભારતની મહાન નારીઓ સીતા, સાવિત્રી, ગાર્ગી અને લક્ષ્મીબાઈની મહાનતાની બરોબરી કરી શકે તેવી નારી સ્વામીજીની કલ્પનાની આદર્શ નારી હતી. સ્વામીજીએ સીતાના આ અમરપાત્રને અંજલિ આપતા કહ્યું છે : ‘પવિત્રતાથી પણ પવિત્ર, શાંત અને સહિષ્ણુ એવાં હતાં માતા સીતા.’ સીતાના આ આદર્શ સાથે ભારતીય નારીઓ ગાર્ગી જેવી વિચક્ષણ બુદ્ધિપ્રતિભા કેળવે, સાવિત્રીના જેવી આધ્યાત્મિક શક્તિ અને નિર્ભયતા કેળવે તેમજ હિંમત અને શારીરિક શક્તિમાં રાણી લક્ષ્મીબાઈ જેવી બને તેમ સ્વામીજી ઇચ્છતા હતા. આધુનિક યુગના પયગંબર સ્વામી વિવેકાનંદે ઈશ્વરના માતૃસ્વરૂપનું અને માનવની દિવ્યતાની રૂપરેખા આપી છે. આ રૂપરેખાને આધારશીલા બનાવીને, ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિના કે સ્ત્રીપુરુષના ભેદભાવથી પર રહીને બધા માનવોની દિવ્યતા અને એકતાના મક્કમ પાયા પર ઊભા રહીને આપણે આપણાં ભારતવર્ષનું સામાજિક પુનરુત્થાન કરી શકીએ.

હવે પછી પ્રગટ થનારાં સ્વા.વિ.ગ્રંથમાળા ભાગ – ૧૩માં હજી સુધી પ્રકાશિત ન થયેલા ‘ભારતીય નારી’ નામના એક વ્યાખ્યાનમાં સ્વામીજીએ અદ્‌ભુત ભવિષ્યવાણી ભાખતાં ભાવિ નારી વિશે આ ઉદ્‌ગારો કાઢ્યા છે.

‘આર્ય સંસ્કૃતિના ત્રણ પ્રકાર જોવા મળે છે : રોમન, ગ્રીક અને હિંદુ. રોમન પ્રકારની વિશિષ્ટતા છે વ્યવસ્થા, વિજય, સ્થિરતા પણ, એનામાં ભાવનાત્મક પ્રકૃતિનો, સૌંદર્યદૃષ્ટિ અને ઉચ્ચતર ભાવનાઓનો અભાવ છે. ગ્રીક પ્રકાર તત્ત્વતઃ સૌંદર્ય માટે થનગનાટવાળો પ્રકાર તત્ત્વત: છે અને, અનૈતિક્તાના વલણવાળો છે – હિંદુ પ્રકાર તત્ત્વતઃ આધ્યાત્મિક અને ધાર્મિક છે પણ, કાર્યના અને વ્યવસ્થાના બધા અંશોની ઊણપવાળો છે… આ ત્રણેયનું બરાબર મિશ્રણ કરી, વળી સંસ્કૃતિ પ્રગટાવો… ને માટે કહેવું જોઈએ કે, આ કાર્ય નારીઓએ કરવાનું છે. અમારાં કેટલાંક શાસ્ત્રો કહે છે કે, હવે પછીનો અને છેલ્લો અવતાર (અમે દસ અવતારમાં માનીએ છીએ) નારીના રૂપમાં આવવાનો છે.’

સંદર્ભ :

૧. સ્વામીજીનાં લખાશો, પત્રો, વ્યાખ્યાનો વગેરે સંપાદિત કરેલા ૫૦૦ થી વધારે પાનાંવાળો એક ગ્રંથ ‘સ્વામી વિવેકાનંદ સંચયન’ એ નામે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થોડા સમયમાં જ પ્રસિદ્ધ થશે.

૨. (સ્વા. વિ.ગ્રં.મા. ભાગ : ૬ : ૧૪૮-૪૯) 

૩. (ધ માસ્ટર એઝ આઈ સૉ હિમ, સિસ્ટર નિવેદિતા, ૧૩૬)

૪. (વિવેકાનંદનાં કાવ્યો, પૃ.૪૬)

૫. (સ્વા.વિ.ગ્રં.મા., ભાગ, ૧૨: ૨૧૬-૨૧૭)

૬. (સ્વા.વિ.ગ્રં.મા., ભાગ, ૧૨: ૨૫૯)

૭. (સ્વા.વિ.ગ્રં.મા., ભાગ, ૧૨: ૪૬)

૮. (સ્વા.વિ.ગ્રં.મા., ભાગ, ૧૧: ૨૧૧) 

૯. (સ્વા.વિ.ગ્રં.મા., ભાગ, ૮: ૨૧૭)

Total Views: 187

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.