સ્વામી વિવેકાનંદ દિલ્હી થઈને 1891ના ફેબ્રુઆરીના પ્રારંભમાં રાજસ્થાનના અલ્વર આવ્યા. અલ્વરમાં બે-એક માસ ગાળ્યા પછી તેઓ જયપુર આવ્યા. જયપુરમાં બે અઠવાડિયાં રહ્યા. ત્યાંથી તેઓ અજમેર ગયા અને 1891ના ઉનાળામાં આબુ પહોંચ્યા. ત્યાં તેમની મુલાકાત ખેતડીના મહારાજા અજિતસિંહ સાથે  થઈ. ખેતડીના મહારાજા સાથે સ્વામીજીનો સંબંધ જીવનભર રહ્યો. તેમની સાથે ઘણો પત્રવ્યવહાર પણ થયો હતો. 1891ના સપ્ટેમ્બરમાં વળી પાછા અજમેર ગયા અને ત્યાંથી ગુજરાતના કર્ણાવતી એટલે કે હાલના અમદાવાદમાં આવ્યા.

હવે એક અનુમાન કરી શકાય કે જ્યારે સ્વામીજી આબુ આવ્યા અને ત્યાં સારો એવો સમય રહ્યા તો તેની આજુબાજુનાં સુખ્યાત દેવ-દેવીઓનાં મંદિરોની મુલાકાત પણ લીધી હશે. આની કોઈ પ્રમાણભૂત માહિતી મળતી નથી. એટલે આવી એક કલ્પના કરી શકાય કે તેઓ આબુથી માત્ર ત્રીસથી ચાળીસ કિ.મિ. દૂર અંબાજીના આરાસુરી માતાનાં દર્શને ગયા હશે ખરા!

ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહૂર એવું શ્રી આરાસુરી અંબાજી માતાનું મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ છે. આ મંદિરના સુવર્ણકળશ જડિત શિખરની ઊંચાઈ 103 ફૂટની છે. આ કળશ એક જ પથ્થરમાંથી નિર્મિત થયેલ છે જેનું વજન આશરે 3 ટન જેટલું છે. તેના પર પવિત્ર ધ્વજા અને ત્રિશૂળ શોભે છે. કારતક, ચૈત્ર અને આસો પૂર્ણિમાના દિવસોમાં શ્રીમાની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ મંદિરનો અવારનવાર ર્જીણોદ્ધાર થતો આવ્યો છે.

આ મંદિરમાં દેવીમૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વિસાયંત્ર પર પૂજા થાય છે. આ ‘શ્રીયંત્ર’ હોવાનું મનાય છે.આરાસુર પર્વતમાળામાં આવેલ આ વિસ્તારનો શાસ્ત્રોમાં ‘અંબિકાવન’ નામે ઉલ્લેખ છે.

તે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્તો માનાં દર્શનાર્થે આવે છે. ભાવિકોની સુખ અને સુવિધાઓ જળવાઈ રહે, સાથે ને સાથે તેમને માનસિક શાંતિ અને શક્તિ મળે તેવા ઉદાત્ત હેતુથી ગુજરાત સરકારે અથાક પ્રયત્નો કરીને મંદિરનો ર્જીણોદ્ધાર કરાવ્યો અને શિખરની કામગીરી પૂર્ણ કરી સુવર્ણ કળશો સાથે પ્રતિષ્ઠિત કરેલ છે. 358 સુવર્ણ કળશ ધરાવતી ભારતભરમાં આ એક માત્ર શક્તિપીઠ છે. 51 શક્તિપીઠોના હૃદયસમું અંબાજીધામ લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.

અરવલ્લીની ગિરિમાળામાં આવેલ આ પવિત્ર યાત્રાધામ અંબાજી 240-20 ઉ. અક્ષાંશ અને 720-51 રેખાંશ પર દરિયાઈ સપાટીથી 1600 ફૂટની ઊંચાઈ પર આવેલ છે. તેની આજુબાજુ નજીકમાં આવેલ ગામોની કુલ વસ્તી આશરે 20000થી વધુ છે. અંબાજી ગામમાં યાત્રાળુઓને ઉપયોગી માલસામાનના વ્યાપારની દુકાનો છે અને આરસપહાણના ઉદ્યોગનો મોટા પાયે વિકાસ થયેલ છે.

મા અંબાના પ્રાગટયની ગાથા મુજબ પ્રજાપતિ દક્ષે બૃહદ્સ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા જ દેવોને નિમંત્રણ આપ્યું હતું, પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને બોલાવ્યા ન હતા. પિતાને ત્યાં યજ્ઞ છે, તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં સતી દેવી પિતાને ત્યાં પહોંચી ગયાં. પિતાને ત્યાં યોજાયેલ મહાયજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન દેતાં અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળતાં સતીએ યજ્ઞકુંડમાં પડી પોતાના પ્રાણ ત્યજી દીધા. ભગવાન શિવે સતી દેવીનો નિ:ચેતન દેહ જોઈને તાંડવનૃત્ય આદર્યું અને સતીના દેહને ખભે ઉપાડીને ત્રણે લોકમાં ઘૂમવા માંડયા. ત્યારે આખીય સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરના ટુકડા કરી નાખ્યા, જે પૃથ્વી પર અંતરેઅંતરે વેરાયા. સતીના દેહના ભાગ તથા આભૂષણો ધરતીનાં બાવન સ્થળો પર પડ્યાં. આ દરેક સ્થળે એક એક શક્તિ તથા એક ભૈરવ ટચૂકડાં સ્વરૂપો ધારણ કરી સ્થિર થયાં.

તંત્ર ચૂડામણિમાં આ બાવન મહાન શક્તિપીઠોનો ઉલ્લેખ છે. આરાસુર અંબાજી આ પૈકીની એક શક્તિપીઠ ગણાય છે. આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો હોવાની માન્યતા છે. ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણના માથાના વાળ ઉતારવાનો વિધિ મા અંબાના સ્થાન અંબાજીમાં થયો હતો. એ પ્રસંગે નંદ-યશોદાએ માતાજીના સ્થાનકે જ્વારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજીમાં રહ્યાં હતાં. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે. પાંડવો વનવાસ દરમ્યાન માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. વનવાસ દરમ્યાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાનાં જંગલોમાં શૃંગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવવા દર્શનાર્થે મોકલ્યા, ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અમોઘ બાણ આપ્યું હતું. એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. દંતકથાઓ અને લોકવાયકાઓમાં આ પૌરાણિક ધામનો ઉલ્લેખ જોવા મળે છે. ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો માનસરોવરના કિનારા ઉપરના મંદિરમાં મહારાણાશ્રી માલદેવનો વિ.સં.1415(ઈ.સ.1359)નો લેખ મળે છે. અંબાજીના અંદરના મંડપના દ્વારમાં એક સંવત 1601નો લેખ છે તેમાં રાવ ભારમલ્લની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાની નોંધ છે. દેરાની અંદરના સ્તંભ ઉપર બીજા ઘણા લેખો છે, તે સોળમા શતકના છે. એક બીજા સંવત 1779ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. મતલબ કે ઈ.સ.14મા શતકથી તો આરાસુરનાં અંબાજીની માન્યતા સતત ચાલી આવે છે, પણ તે પહેલાંનાં 200-300વર્ષથી આ સ્થાનનો મહિમા ચાલુ હોવાનો સંભવ છે.

અંબાજીનાં વર્ણન અને સ્તુતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઇતિહાસ અને પ્રવાસવર્ણનોમાં જોવા મળે છે. મંદિર પ્રાગ્-ઐતિહાસિક કાળનું હોવાનું મનાય છે. પણ હાલની પરિસ્થિતિ જોતાં અત્યારનું સ્થાનક બારસો વર્ષ પુરાણું જણાય છે. મેવાડના સુખ્યાત રજપૂત રાજવી મહારાણા પ્રતાપ પણ આરાસુરી અંબામાના ભક્ત હતા. મા અંબાએ તેમનું એક વખત રક્ષણ કર્યું હતું એટલે તેમણે માતા આરાસુરી અંબાજીને પોતાની સુખ્યાત તલવાર ધરી દીધી હતી.

અંબાજીના આ સ્થાનથી 4 કિ.મિ. દૂર ગબ્બર ડુંગરમાં અંબાનું નાનકડું સ્થાનક છે. અહીં પ્રાચીન કાળથી પ્રજ્વલિત અખંડદીપનું સ્થાપન થયેલું છે.

દરવર્ષની ભાદ્રપદની પૂર્ણિમાને દિવસે અહીં શ્રીમાના આવિર્ભાવના ઉપલક્ષમાં એક મેળો પણ ભરાય છે. દેશભરમાંથી 15 થી 20 લાખ લોકો આ સમયે માતાનાં દર્શન અને મેળાનો આનંદ માણે છે. રુક્મિણીએ પણ કૃષ્ણને પતિરૂપે પામવા અહીં પોતાનાં કુળદેવી માતા અંબિકાની પૂજા-પ્રાર્થના કરી હતી અને માતાના વરદાનથી રુક્મિણીની આશા ફળી હતી.

સ્વતંત્રતા પહેલાંના રાજવી શ્રીભવાનસિંહજી પરમાર માતાજીના અનન્ય ઉપાસક હતા. તેમણે  ‘વિદ્યાપ્રિય રાજવી’ તરીકે નામના મેળવેલ. ભવાનસિંહજી બાદ તેમના પુત્ર પૃથ્વીરાજસિંહજી ગાદી પર આવ્યા. તે સમયે ભારતે સ્વંતત્રતા પ્રાપ્ત કરતાં 5-8-1948ના વિલીનીકરણ કરાર મુજબ દાંતાનું રાજ્ય ભારતના સંઘમાં વિલીન થયું. અંતે રાજ્ય સરકાર દ્વારા અંબાજી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી.

Total Views: 332

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.