ભારતના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર, શિક્ષણશાસ્ત્રી, શ્રી જદુનાથ સરકારે મોગલકાલીન ભારત પર અનેક ગ્રંથોની રચના કરી છે. તેઓ ઘણાં વિશ્વવિદ્યાલયોમાં અંગ્રેજી સાહિત્ય અને ઇતિહાસ વિભાગના અધ્યક્ષ હતા. એમણે મૂળ અંગ્રેજીમાં લખેલ અને ‘પ્રબુદ્ધ ભારત’ના સપ્ટેમ્બર, ૧૯૪૩માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. તત્કાલીન હિંદુસમાજ પર સ્વામી વિવેકાનંદની પડેલી પ્રભાવની વાત અસરકારક રીતે શ્રી જદુનાથ સરકારે રજૂ કરી છે. – સં.

એને તો પચાસ વરસો વીતી ગયાં છે કે જ્યારે એક અજાણ્યા, વિચિત્ર વેશધારી યુવાન ભારતીય સંન્યાસીએ વિશ્વના સૌથી વધારે પ્રગતિશીલ લોકોની સામે એવો દાવો કર્યો હતો કે હિંદુધર્મ, એ આધુનિક સભ્ય જગતની સામે કંઈ લજ્જ્તિ, લાચારીથી ધ્રૂજતો, ખ્રિસ્તી મિશનરીઓની આગળ પીઠ બતાવનાર, દિવ્યલોકથી ડરી રહેલો, ક્ષુદ્ર જંતુ સમાન, પોતાના રૂઢિવાદની બખોલમાં ગોંધાઈ રહેલો, તરછોડાયેલો કોઈ અંધ આત્મવિશ્વાસ જ માત્ર નથી. એમણે હિંમતપૂર્વક એ દાવો કર્યો કે હિંદુધર્મ પાસે વિશ્વને આપવા માટેનો એક સંદેશ છે. એ સંદેશની આધુનિક સભ્યતાને ઘણી જ આવશ્યકતા છે. અને એની ઉપેક્ષા કરવાથી જગતનું પોતાનું જ નુકસાન થવાનું છે. આ રીતે વિશ્વધર્મ મહાસભાના અખાડાઓમાં હિંદુઓનું જીવનદર્શન અને તત્ત્વજ્ઞાન એક પડકારના રૂપમાં પ્રગટ થયું અને ત્યારથી તે એવા જ રૂપમાં સુપ્રતિષ્ઠિત થયેલું છે.

યુરોપ અને અમેરિકા આ દાવાની દિલાવરી ઉપર નવાઈની નજરે જોવા લાગ્યા. તે એટલે સુધી કે ભાઈ પ્રતાપ (બ્રાહ્મસમાજના સુપ્રસિદ્ધ પ્રતાપચંદ્ર મજૂમદાર) પણ બડબડવા લાગ્યા કે આ બધું ફક્ત શબ્દાડંબર અને શેખી જ છે. હિમાલયથી કન્યાકુમારી સુધી આખોય ભારતદેશ અભૂતપૂર્વ રીતે જાગી ઊઠ્યો. પરંતુ, આપણી રાષ્ટ્રિય અસ્મિતાને સંતુષ્ટ કરવા માટે અને હિંદુ સમાજના સંરક્ષણને સારી રીતે પોષવા માટેનું કાર્ય કરી દીધા પછી સ્વામીજીનું કાર્ય શું પૂરું થઈ ગયું હતું? નહિ જ. જો એવું જ હોત તો અત્યાર સુધીમાં તો તેઓ વિસરાઈ ગયા હોત. અને એ સ્વાભાવિક પણ ગણાત. કારણ કે એક કોઈ તરકીબ દ્વારા જ આખાય જગતને હંમેશાંને માટે ભ્રમમાં નાખી દેવાનું બની શકતું નથી. તો આવો, આ અત્યંત પરિવર્તનશીલ એવી એ પહેલાં વીતી ચૂકેલી અરધી સદીનું શાંતિપૂર્વક વિહંગાવલોકન કરીને વિવેકાનંદની વાસ્તવિક ઉપલબ્ધિને એના સ્પષ્ટ રૂપમાં જોઈએ. અને સાથોસાથ એ પણ જોઈ લઈએ કે ઈ.સ. ૧૮૯૩માં અને આજના સમયમાં શો ફરક છે.

શ્રીરામકૃષ્ણની પહેલાં પણ ભારતમાં સંતમહાત્માઓ ઉત્પન્ન થયા છે. અને એમના પછી પણ થશે. સને ૧૯૦૧ની વસતીગણતરી પ્રમાણે ભારતમાં બાવન લાખ સાધુ-સંન્યાસી અને ફકીરો રહેતા હતા. અને એવું માનવામાં આવે છે કે એમનામાંથી કેટલાક મહાત્માઓને ઈશ્વરનાં દર્શન પણ થયાં હતાં. તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે પરમાત્માની અનુભૂતિ કરી શકતા હતા. અહીં આપણને શ્રીરામકૃષ્ણ અને બીજા સાચા મહાત્માઓ વચ્ચે કોઈ ફરક કે વિશેષતા જોવામાં આવતાં નથી. પરંતુ, આ મહાત્માઓનું કાર્ય હંમેશાં વ્યક્તિગત જ રહ્યું છે અને એમનું લક્ષ્ય હંમેશાં એ રહ્યું છે કે ‘બ્રહ્મના સંસ્પર્શ દ્વારા આત્મશુદ્ધિ કરવી.’ અને આ કારણને લીધે કુદરતના અટલ નિયમ અનુસાર, એવાઓના દેહાવસાન થયા પછી તરત જ એમનું કાર્ય પણ સમાપ્તિને આરે પહોંચી જાય છે. એમના અહીંથી ચાલ્યા ગયા પછી તરત જ તેમના દ્વારા પ્રજાળેલી જ્યોતિ પણ બુઝાઈ જાય છે. અને પછી ભવિષ્યની પેઢીઓને થોડીઘણી પ્રેરણા આપવા માટે તેમનાં ફક્ત કેટલાંક લખાણોમાં રહેલા ઉપદેશો જ બચેલા હોય છે. આ રીતે આપણે માટે ગુરુ દ્વારા શિષ્યની આંતરિક શુદ્ધિની જે પરંપરા હતી, તે કપાઈ જાય છે. તુલસીદાસજીએ એને ખૂબ સુંદર રીતે વ્યક્ત કરતાં લખ્યું છે: ‘કોયલે કા મૈલા છૂટે, જબ અગિન કરે પરવેશ’ – એટલે કે કોયલામાં અગ્નિનો પ્રવેશ થાય, તો જ એ પોતાની કાળાશને છોડી શકે.

સ્વામી વિવેકાનંદે સંગઠન રચીને અને એને એક સુનિશ્ચિત દિશા દેખાડીને શ્રીરામકૃષ્ણના આ ધરતી પર અવતરવાના ઉદ્દેશ્યને પૂર્ણ કરતાં એને એક સ્થિર રૂપ આપી દીધું. જો આપણે આપણા પ્રાચીન હિંદુ વારસાને યોગ્ય બની રહેશું, તો આ જ્યોતિ હંમેશાં પ્રજ્વલિત રહેશે. ખ્રિસ્તી ધર્મગ્રંથોમાં એ સાચું જ લખ્યું છે કે, ‘જેવી રીતે આત્માના અભાવે શરીર નિર્જીવ બની જાય છે. તેવી જ રીતે ક્રિયાના અભાવે શ્રદ્ધા પણ મરી ગયેલ જેવી જ છે.’

હું એ વાત સ્વીકારું છું કે વિવેકાનંદની પહેલાં પણ હિંદુ સમાજમાં સારાં કાર્યો થયાં છે. પણ એ બધાં ભિક્ષા આપવામાં કે પછી ક્યારેક ક્યારેક શાળાઓ કે હોસ્પિટલોમાં દાન દેવા પૂરતાં જ મર્યાદિત રહ્યાં છે. વળી, એ જાતિ કે સંપ્રદાયથી નિરપેક્ષ રહીને સમાજસેવાના રૂપમાં ન હતા. બનારસ, હરિદ્વાર અને બીજાં સ્થળોએ રામકૃષ્ણ મિશન દ્વારા આજે આપણી આંખો સામે જે કાર્યો થઈ રહ્યાં છે, એવું ત્યારે કશું ન હતું. આપણા પૂર્વજો કઈ રીતે માનવતાથી અલગ અલગ રહીને જીવન વિતાવતા હતા કે કઈ રીતે વિચાર કરતા હતા, એને તત્કાલીન બ્રિટીશ ભારતની રાજધાની, પાશ્ચાત્ય નવપ્રકાશના કેન્દ્ર અને ભારતવાસીઓને માટે પ્રથમ અંગ્રેજી કોલેજના સ્થાન એવી કલકત્તામાં (ત્યાં ૧૮૧૮માં હિંદુ કોલેજ સ્થપાઈ હતી) બનેલ નીચેની ઘટનાઓથી સારી રીતે સમજી શકાય છે. એ ઘટનાઓ હજી તો ફક્ત એકસો વીસ વરસ પહેલાં જ (હવે ૧૮૦ વરસો પહેલાં – સને ૧૮૨૩માં) બની હતી.

કલકત્તાના બિશપ હેવરે જાન્યુઆરી, ૧૮૧૪ની સાલમાં પોતાના એક મિત્રને આમ લખ્યું હતું: ‘આમ સમાન્ય રીતે તો હિંદુઓ ખૂબ જીવંત, બુદ્ધિશાળી અને મનને ગમે તેવા લોકો છે… તેમનો ધર્મ જાતિ વ્યવસ્થા દ્વારા તેમના હૃદયને એકબીજા તરફ એટલું તો નિર્દય બનાવી મૂકે છે કે ઘણું કરીને એમાંથી ખૂબ ઘૃણાસ્પદ બનાવો બની જાય છે. હું દસ દિવસ પહેલાંનાં જ એક બનાવનો ઉલ્લેખ કરી રહ્યો છું. એક વટેમાર્ગુ એક ગામની કોઈ સડક ઉપર બિમાર પડી ગયો. કોઈને ખબર ન હતી કે એની જાતિ કઈ છે. એટલે અપવિત્ર બની જવાના ડરથી એની પાસે કોઈ જ ફરકતું નથી. અને મોટા જનસમુદાયની આંખોની સામે જ એ કાળના જડબામાં સમાઈ જવાનો હતો… હું જે માણસના વિષયમાં લખી રહ્યો છું એ આવી જ અવસ્થામાં પડી રહેલ હતો કે છેવટે એની સારસંભાળ એ રસ્તે થઈને જતા એક યુરોપિયને લીધી પણ જો એ મરી જાત તો એનું હાડપિંજર જ્યાં સુધી એને ગીધો ઉપાડી ન જાત ત્યાં સુધી સડક ઉપર એમનું એમ પડ્યું જ રહેત.

‘કેટલાક મહિનાઓ પહેલાં મારા એક મિત્રને એક અભાગિયો, બેકારી અને દુ:ખનો માર્યો સંગ્રહણીના રોગથી પીડાતો માણસ મળ્યો. એ એની ઓસરીમાં ઘૂસી આવ્યો હતો. એ પહેલાં તો એ ત્યાં સડકની કોર ઉપર બે દિવસ અને બે રાત પડ્યો રહ્યો હતો. એની આસપાસના છ ગજના ઘેરાવામાં જ લગભગ વીસ નોકરો હંમેશાં ભોજન કર્યા કરતા હતા. છતાં કોઈએ પણ એને કશી મદદ કરી નહિ. કોઈએ પણ એને ત્યાંથી બહારના ઓરડામાં પહોંચાડી દેવાની પણ દરકાર કરી નહિ.. જ્યારે આ માટે કેટલાક લોકોએ એવા લોકોને ખરું-ખોટું સંભળાવ્યું ત્યારે એમનો તો એક જ ઉત્તર હતો: ‘એ અમારી નાતનો નથી, તો પછી એને કોણ મદદ કરે?’’

શિકાગો વ્યાખ્યાનની ખૂબ પહેલાંનું જ્યારે મેં ઉપરનું વિવરણ સૌ પ્રથમવાર વાંચ્યું ત્યારે પોતાના હિંદુ સમાજના વિષયમાં મેં પોતાને ખૂબ જ લજ્જિત અને અપમાનિત હોવાનો અનુભવ કર્યો. આ વિશાળકાય હાથી ખૂબ જ જાડી ચામડીવાળો હતો. એના શરીર ઉપર ધૂળ જામી ગઈ હતી, અને માખીઓ બણબણી રહી હતી. નાનકડાં છોકરાં કાંઈ વાંધો તકલીફ ન પડે એટલે દૂરથી એના ઉપર પથ્થરો ફેંકી રહ્યાં હતાં; પણ એ તો આળસથી આંખો મીંચીને પડ્યો પડ્યો ઘાસ ચાવ્યા કરતો હતો. પણ હવે મને પોતાને મારા જીવનકાળ દરમિયાન જ એવા દિવસો જોવા મળી રહ્યા છે કે જ્યારે બનારસ, અલ્હાબાદ, બઁગલોર અથવા હરિદ્વારમાં પેલાં બિશપ હેવરે વર્ણવેલાં દૃશ્યો જોવા મળવાં અસંભવિત બની ગયાં છે.

વિવેકાનંદ પહેલાં ઉન્નતિનું કંઈક કામ થઈ રહ્યું હતું, હું એ વાતનો તો ઇન્કાર નથી કરતો. ભારતવાસીઓ દ્વારા થોડીઘણી જાતિનિરપેક્ષ સેવા થઈ રહી હતી. પરંતુ, એ સેવા કરનારા ભારતીયો તો એવા હતા કે જેઓએ હિંદુસમાજની સીમાને વટાવી દીધી હતી. અને જેઓ ભારતની માનવીય પીડાની લાંબી કાયાની કેવળ ઉપરની ચામડીનો જ સ્પર્શ કરી શકતા હતા. એ હાથીને જગાડવાનું કામ તો હજુ બાકી જ હતું. અને એ જ કામ સ્વામીજીએ બરાબર રીતે પૂરું કર્યું. તેમણે હિંદુસમાજની વિપુલ સુષુપ્ત શક્તિ, જનશક્તિ અને ધનશક્તિને સારાં કાર્યોમાં જોડી દીધી અને વેદાંતદર્શનના લોકપ્રિય ઉપદેશોને બધાં જ પ્રકારનાં સત્કાર્યોને માટે પ્રેરણાનો સ્રોત બતાવીને એને આત્મશુદ્ધિના ઉચ્ચતર લક્ષ્યની સાથે જોડી દીધો.

એમ કહેવું તો સાવ ખોટું જ છે કે હિંદુધર્મના આ કાયાપલટાની આ યોજના ભારતે ખ્રિસ્તીધર્મ પાસેથી ઉધાર લીધી છે. પણ હું તો એમ કહીશ કે આધુનિક ખ્રિસ્તીધર્મે પોતાના ઉદાહરણ દ્વારા આપણને પોતાના જ મહાયાન બૌદ્ધ ધર્મનો વિસરાઈ ગયેલો વારસો પાછો મેળવવામાં મદદ કરી છે. જેવી રીતે ખ્રિસ્તી ચર્ચે પોતાના શરૂઆતના સમયમાં રોમન ઇમ્પિરિયલ સરકારના આધાર પર પોતાનું સંગઠન બનાવ્યું હતું. આધુનિક વિદ્વાનોના મત પ્રમાણે એ મુખ્યરૂપે એના વિશ્વધર્મ બનવામાં સહાયક બન્યું. એ જ પ્રમાણે સ્વામીજીએ પણ પોતાનું સંગઠન, બૌદ્ધ મઠ વ્યવસ્થા પાસેથી મેળવ્યું હતું. એ જ કારણે સ્વામી વિવેકાનંદ અને તેમને જ અનુસરતાં ભગિની નિવેદિતાનાં બૌદ્ધ ધર્મ તરફ આટલાં ઊંડાં ખેંચાણ અને પ્રશંસાની લાગણી હતી; અને એટલા જ માટે એ બૌદ્ધ સાહિત્યનું અધ્યયન કર્યાં કરતાં હતાં.

સ્વામીજીએ શ્રદ્ધાને કર્મની સાથે જોડી દીધી, અને એના દ્વારા રોપાયેલા વૃક્ષનું મૂલ્યાંકન તો એ વૃક્ષમાંથી નીપજતાં ફળોથી જ થશે. જ્યારે જનરલ બુથે સાલ્વેશન આર્મીની સ્થાપના કરી, અને એના પરોપકારી કાર્યક્રમોની ઘોષણા કરી, એટલે એક ધનાઢ્ય અંગ્રેજે, પ્રોફેસર ટી. એસ. હક્સલેને એક હજાર પાઉંડનો ચેક મોકલીને એમને વિનંતી કરી કે ‘જો તમે સાલ્વેશન આર્મી નામના આ નવા આંદોલને સુયોગ્ય માનતા હો તો આ સાથે જોડેલી રકમ એને લોકોને દાન રૂપે મોકલી દેજો.’ દાતાનું એ દાન પાછું વાળતાં હક્સલેએ લખ્યું કે – ‘મધ્યકાલીન સમાજમાં ગરીબ અને રોગીઓની સેવા કરવાના હેતુથી રોમન કેથોલિક ધર્મની અંદરના અનેક સંન્યાસી સંઘોની સ્થાપના થઈ હતી. શરૂ શરૂમાં તો એ લોકોએ ભારે ઉત્સાહ બતાવ્યો અને એમને ખૂબ ખૂબ આર્થિક મદદ પણ મળી. પણ કેટલાંક વરસો સુધી ઠીક ઠીક કામ કર્યા પછી તેમાંનો દરેક સંઘ અધ:પતિત થઈ ગયો, પોતાનાં લોકોપયોગી કાર્યો ભૂલી જઈને આળસ, ભોગવિલાસ અને દુરાચારનું પીઠું બની ગયો. એટલે પોપે એ બધાને બરખાસ્ત કરીને નવા સંઘોની રચના કરી હતી. એટલે એ તો ચોક્કસપણે ન જ કહી શકાય કે સાલ્વેશન આર્મી ઉત્સાહ, કાર્ય, ધન, આળસ, દુરાચાર અને પતનના આ દુશ્ચક્રનો એક અપવાદ સિદ્ધ થશે.’

આ જ એક મોટો ખતરો આજે ભારતમાં આપણી સામે પણ ઊભો થયો છે. સ્વામી વિવેકાનંદનું સંગઠન પણ ક્યાં સુધી પોતાના સંસ્થાપકના શુદ્ધ આદર્શોને જાળવી રાખશે તેમજ ઢીલું થયા વિના કે પારોઠનાં પગલાં ભર્યા વિના નરનારાયણની નિ:સ્વાર્થ સેવામાં લાગ્યું રહેશે? એક વાર જ્યારે પોતાના તરતમાં જ સ્થપાયેલા બેલુર મઠમાં તેમણે પહેલી જ વાર પ્રવેશ કર્યો, ત્યારે સ્વામીજીએ પોતે જ આ ખતરાની સંભાવના કરી હતી. બેલુરમાં પોતાના નાના અને તાજા સંન્યાસી ભાઈઓ તરફ મોઢું ફેરવીને તેમણે કહ્યું હતું: ‘ધ્યાન રાખો, મારા દેહત્યાગ પછી ક્યાંક તમે લોકો આ મઠને બાવાઓના અખાડામાં ફેરવી ન નાખતા!’

ઈ.સ. ૧૯૦૪ની સાલમાં ઓક્ટોબરમાં મેં બોધગયામાં ભગિની નિવેદિતા, સર જે. સી. બોઝ, રવીન્દ્રનાથ ટાગોર, સ્વામી સારદાનંદ, અને ગુપ્તા મહારાજ (સ્વામી વિવેકાનંદના પ્રથમ સંન્યાસી શિષ્ય સ્વામી સદાનંદ)ની સાથે કેટલાક અવિસ્મરણીય દિવસો વિતાવ્યા હતા. એ વખતે છેલ્લા કહેલા સંન્યાસી સાથે મારી કંઈક આવા પ્રકારની ચર્ચા થઈ હતી કે રામકૃષ્ણ મિશનનું ભવિષ્ય એ વાત પર આધાર રાખે છે કે મિશનના વરિષ્ઠ સંન્યાસીઓ પછી એમના દ્વારા ચલાવવામાં આવી રહેલા કાર્યને એ ચાલુ જ રાખવા માટે એકધારા અને યોગ્ય સંખ્યામાં એમાં દાખલ થવા ઇચ્છતા જરૂરી પ્રવેશાર્થીઓ એને મળતા જ રહે.

હિંદુસમાજના સામાન્ય લોકોની આંખોની સામે જ આ સંન્યાસીઓનો સંઘ ચોતરફ કાર્યરત છે. આપણે એ હકીકત તો ન જ ભૂલવી જોઈએ કે સ્વામીજી અને એમના ગુરુદેવ આજે પણ ઉપરથી આપણું અને આપણાં કાર્યોનું અવલોકન કરી રહ્યા છે. જ્યાં સુધી આપણે એમના આદર્શો તરફ સાચુકલા બની રહીશું, ત્યાં સુધી આપણા ઉપર એમના આશીર્વાદો ઊતરતા રહેશે. વળી, એ માટે આજે કેટલીક પ્રભાવક સુરક્ષા વ્યવસ્થાઓ પણ છે. મધ્યકાલીન યુરોપના સંન્યાસી સંઘો કરતાં જુદા જ પ્રકારનું રામકૃષ્ણ મિશન એક કાયદેસર રજિસ્ટર્ડ સેવા સંગઠન છે. એનું કાર્યક્ષેત્ર જનતાની વચ્ચે છે, અને એનો હિસાબકિતાબ પણ યથાસમય પ્રકાશિત થતો રહે છે. મિશનનું વ્યવસ્થાપન એક સંચાલન સમિતિ કરે છે. એ સમિતિ પોતાના ગૃહસ્થ અને સંન્યાસી – બંને પ્રકારના ભક્તોને જવાબદાર છે. મિશનનાં શાખાકેન્દ્રોની વ્યવસ્થા લગભગ નિરપવાદ રૂપે સ્થાનિક કમિટિઓ મારફત થાય છે. એમાં ગૃહસ્થભક્તો વધારે હોય છે. અને એના અધ્યક્ષ, સચિવ તેમજ કોશાધ્યક્ષ ઘણું કરીને એવા પરોપકારી લોકો હોય છે કે જે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા હોય પણ એ શ્રીરામકૃષ્ણના ભક્ત હોવા જ જોઈએ, એવું જરૂરી નથી. આ રીતે આ મિશન પ્રચારને ફેલાવીને અંધાધૂંધીના આ સમયમાં પોતાનું કામ કરી રહ્યું છે. જ્યારે પેલા રોમન કેથોલિક મઠો તો સાવ નિર્જન પ્રદેશોમાં જ પોતાના ક્રિયાકાંડો ચલાવી રહ્યા હતા. એ બધા તો આ રામકૃષ્ણ મઠની કાર્યપ્રણાલીથી સાવ જુદા જ પ્રકારના છે.

Total Views: 105

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.