જુલાઈ ૧૯૧૪ના ‘VOICE OF FREEDOM’માં પ્રસિદ્ધ થયેલ લેખ ‘Who is a Good Worker ?’નો પ્રો. શ્રીચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદના કેટલાક અંશ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

સારો કાર્યકર કદી કોઈને દુશ્મન બનાવતો નથી, વધારે સારું તો એ છે કે તે પોતાના દુશ્મનોને પોતાના (તથા અન્ય દરેકના) શ્રેષ્ઠ મિત્રો બનાવી દે છે.

તે કદી ફરિયાદ કરતો નથી; પણ સાંભળે છે અને અન્યની ફરિયાદોને દુરસ્ત કરે છે.

તે કદી કોઈને માટે તકલીફરૂપ થતો નથી, પણ ઊલટાનો બીજા લોકોની તકલીફોને દૂર કરી દે છે.

તે કદી કોઈની પાસેથી સહાયની અપેક્ષા રાખતો નથી; ઊલટાનો તે દરેકને સહાય કરવા તત્પર રહે છે.

તે કદી કોઈ પર આધાર રાખતો નથી, હા, એવું બને કે તેના પર અન્ય લોકો આધાર રાખે.

તે અન્ય લોકો માટે જ જીવે છે, પોતાને માટે નહિ. 

તે કદી પોતાનો બોજો બીજાને ઉપાડવા દેતો નથી, હા, એવું બને કે તે બધાનો બોજો ઉપાડી લે.

તે કદી ખોટા સિદ્ધાંતો બનાવતો નથી કે કલ્પનાઓ કર્યા કરતો નથી; તે હંમેશાં વ્યવહારકુશળ હોય છે. તેની પાસે વેડફી નાખવા માટે કે વધારાનો રાખવા માટે સમય હોતો નથી.

તે કદી કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિથી ડરતો નથી. પરિસ્થિતિઓ તેને કામ કરતો રોકી શકતી નથી, ઊલટાનો તે પરિસ્થિતિઓને નિયંત્રણમાં રાખે છે.

તેના વિશે લોકો ગેરસમજ કરે એ શક્ય છે, પણ તે કદી કોઈ વિશે ગેરસમજ નહિ કરે કે લોકોની ગેરસમજને કાન પણ દેશે નહિ. તે તો કામ કર્યે જ જાય છે. આ જ તેની સમજ છે.

તે પોતાના શત્રુઓ સાથે પણ સુવિધાપૂર્ણ રીતે અને તેમને ગમે તે રીતે રહી શકે છે.

તે પોતાના મિત્રો કરતાં શત્રુઓ પાસેથી જીવનના પાઠો વધારે મેળવી શકે છે.

તે મિત્રો અને સાનુકૂળ સંજોગો દ્વારા પ્રગતિ સાધે છે તેના કરતાં વધારે ઝડપથી, સ્વસ્થતાથી અને સંતોષપૂર્વક શત્રુઓ તથા પ્રતિકૂળ સંજોગો દ્વારા પ્રગતિ સાધી શકે છે.

તેને કોઈ વિશેષાધિકાર આપીને પછી વાજબી કે ગેરવાજબી કારણને લીધે તે પાછો લઈ લેવામાં આવે અથવા તેને કોઈ પ્રકારનું વચન આપવામાં આવે અને તેનું પાલન ન કરવામાં આવે અથવા જ્યારે શત્રુઓ તેની મશ્કરી કરે અને તેની હતાશા, નિરાશા, તકલીફો, અપમાનો અને નિંદાને લીધે આનંદિત બને ત્યારે પણ એને કદી એમ લાગતું નથી કે હું ખોવાઈ ગયેલો છું (અથવા પથભ્રષ્ટ થયો છું), હતાશ થયેલો છું, આશા ગુમાવી દીધી છે, ગુસ્સો કર્યો છે, અણગમતું થયું છે કે ગમગીન બની ગયો છું.

તેને આપવામાં આવેલા નાના કે મોટા વિશેષ અધિકારનો લાભ ઉઠાવતો નથી; તેનો નિર્દેશ તે કદી કોઈ સમક્ષ કરતો નથી; મનમાં કદી આનંદિત થઈ જતો નથી કે પેલો વિશેષાધિકાર તેને જે સત્તા આપે છે તેનો ઉપયોગ તે દાતા, શેઠ કે ગુરુ વિરુદ્ધ કરતો નથી.

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.