સ્વામી ત્રિણુણાતીતાનંદ મહારાજ (૧૮૬૫-૧૯૧૫) શ્રીરામકૃષ્ણને ૧૮૮૪માં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના સંપાદક શ્રી ‘મ’ – મહેન્દ્રનાથ ગુપ્ત દ્વારા મળ્યા હતા. તેમણે કાશીપુરમાં શ્રીઠાકુરની સેવા કરી હતી અને બારાનગર મઠમાં સંન્યાસ દીક્ષા લીધી હતી. સ્વામી વિવેકાનંદે શરૂ કરેલ બંગાળી માસિક પત્રિકા ‘ઉદ્‌બોધન’ના તેઓ પહેલા સંપાદક હતા. ૧૯૦૨માં તેઓ સાન્ફ્રાન્સિસ્કો વેદાંત સોસાયટીના અધ્‍યક્ષ બન્યા હતા. તેમના પ્રયાસોથી પશ્ચિમમાં – અમેરીકામાં પહેલું હિંદુ મંદિર ૧૯૦૬માં બંધાયું હતું. -સં.

દક્ષિણેશ્વરમાં આવતા જતા હોવાને પરિણામે શારદાની ઘનિષ્ટતા વધી જવાથી ઠાકુરે તેમને દીક્ષાગ્રહણ કરવા માટે શ્રીમાની પાસે મોકલાવીને કહેવડાવી દીધું હતું (ભાવાર્થ) : ‘રાધાની માયા અનંત છે. વર્ણવી શકાતી નથી. તેનાથી કોટિ કૃષ્ણ અને કોટિ રામ અવતરે છે, રહે છે અને ચાલ્યા જાય છે.’ પરંતુ એ વખતે તેમને દીક્ષા મળી નહીં હોય. કારણ કે શ્રીમા કહેતાં હતાં કે સ્વામી યોગાનંદ જ એમના પ્રથમ મંત્ર-શિષ્ય હતા. આનાથી અનુમાન કરી શકાય છે કે ઠાકુરના તિરોધાન પછી જ તેમણે માતૃદેવી પાસેથી મંત્રદીક્ષા લીધી હતી.

ઠાકુરના સત્સંગથી શારદા પ્રસન્નનું જીવન કેવળ નવીન ભાવમાં ઘડાયું હતું. પોતાના ઘરની વ્યવસ્થા જોઈને બાળપણથી જ શારદા પ્રસન્નના મનમાં એવી માન્યતા દૃઢ થઈ ગઈ હતી કે ઝાડુ કાઢવું, પાણી ભરવું વગેરે નોકરોનું કામ છે. એટલા માટે ઠાકુરે એમને એક દિવસ જ્યારે આદેશ આપ્યો : ‘થોડું પાણી લાવીને મારા પગ ધોઈ દો’ તે સાંભળીને શારદાપ્રસન્નનો ચહેરો લજ્જાથી તમતમી ઊઠ્યો. તેઓ ચિત્રાંકિત મૂર્તિની જેમ ચૂપચાપ ઊભા રહી ગયા. ઠાકુરેય સમજી શક્યા નથી એવો ભાવ બતાવીને ફરીથી કહ્યું : ‘જલદી પાણી લઈ આવો.’ લાચાર બનીને શારદાપ્રસન્નને એમના આદેશનું પાલન કરવું પડ્યું. સંસ્કારગત એ અનિચ્છા એ દિવસે પૂર્ણ ઇચ્છામાં પલટાઈ ગઈ.

પ્રવેશિકા પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને શારદાપ્રસન્ને ઈ.સ. ૧૮૮૫ના એપ્રિલમાં મેટ્રોપોલિટન કોલેજમાં એફ.એ. (First Arts) ભણવાનું શરૂ કર્યું. ત્યાં પણ થોડાક દિવસોમાં જ તેઓ પ્રસિદ્ધ થઈ ગયા. પરંતુ બીજા વર્ષથી તેઓ ભણવામાં ખાસ ધ્યાન આપતા જોવામાં આવતા ન હતા. એ સમયે તેઓ મોટેભાગે શ્રીરામકૃષ્ણની પાસે આવજા કરતા રહેતા અને ધર્મવિષયક ભાષણ સાંભળવામાં અને ધર્મગ્રંથ વગેરેના પાઠ કરવામાં સમય વીતાવતા હતા. ઈ.સ. ૧૮૮૫ના અંતિમ ભાગમાં ઠાકુરના શ્યામપુકુર મહોલ્લામાં આવવાથી શારદાપ્રસન્નને એમના સત્સંગલાભની વિશેષ સગવડ મળી ગઈ. પછીથી કાશીપુર મહોલ્લામાં એમના આવવાથી તેઓ એમની પાસે જલ્દી આવતા રહેતા. ઘરનું કઠોર શાસન હોવા છતાં પણ તેઓ ક્યારેક ક્યારેક ત્યાં રાત પણ રહેતા.

તીર્થદર્શન અને સેવાકાર્યના સમયે ત્રિગુણાતીતાનંદ મહારાજ ભિક્ષામાં મળેલ અન્નથી દિવસ વીતાવતા. પછી અન્નક્ષેત્રમાં ખૂબ ભોજન ખાઈને પેટ ભરી લેતા કે મજાક કરતાં કરતાં પીરસેલા ભોજનની દીનતા સાબિત કરીને દર્શકોને ચકિત કરી દેતા. એકવાર જયરામવાટીથી પાછા ફરતી વખતે એક નાની હોટલમાં જઈને શારદા મહારાજે માલિકને જણાવ્યું કે તેઓ બીજાની સરખામણીમાં થોડું વધુ ખાય છે. આ કારણે પીરસવામાં કંજુસાઈ કરવામાં ન આવે. તેઓ સામાન્ય દર કરતાં થોડા વધારે પૈસા આપવા તૈયાર છે. ધર્મભીરુ માલિકે પૈસા તરફ લક્ષ ન આપતા નિયમ પ્રમાણે અભ્યાગતને જમવા બેસાડ્યા. શારદા મહારાજ ભૂખ્યા હતા. આથી તેઓ વારંવાર દાળભાત માગીને ખાવા લાગ્યા. પરિણામે માલિકનો નાનો ભંડાર લગભગ ખાલી થઈ ગયો. પરંતુ સાધુને પોતાના પહેલેથી કરેલા કથન મુજબ ભોજન કરાવીને માલિક પોતાને કૃતાર્થ માનવા લાગ્યો. એ સોંઘવારીના દિવસોમાં વધુ ખર્ચ થયો ન હતો. આથી ત્રિગુણાતીતાનંદ મહારાજે વધુ પૈસા આપવા છતાં પણ તેણે લીધા નહીં, ફક્ત શ્રદ્ધા નિવેદિત કરીને સાધુના આશીર્વાદ માગ્યા.

શ્રીમા પ્રત્યે એમને અસાધારણ વિશ્વાસ અને ભક્તિ હતાં. એકવાર તેઓ શ્રીમાને લઈને જયરામવાટી જઈ રહ્યા હતા. મા બળદગાડીમાં બેઠાં હતાં અને તેઓ પગે ચાલી રહ્યા હતા. રાત્રે ગાડું રસ્તામાં એક ઊંડા ખાડામાં આવી પડ્યું અને તેના ઉથલી જવાની શક્યતા હતી અથવા તો તેના ઝાટકાથી માની નિદ્રાભંગ થઈ જાય તેમ હતું. આ પરિસ્થિતિ જાણીને ત્રિગુણાતીતાનંદ મહારાજે રસ્તાના ખાડામાં સૂઈને પોતાના શરીર પરથી ગાડું ચલાવવાનો આદેશ આપ્યો. પરંતુ એટલામાં માની ઊંઘ ઊડી જવાથી તેઓ ગાડીમાંથી ઊતરી ગયાં અને શારદા મહારાજને ધમકાવવા લાગ્યાં. એકબીજા સમયની ઘટના છે કે શ્રીમાને માટે તેમને બજારમાંથી બહુ જ તીખાં મરચાં લાવવાનું કહ્યું, ત્યારે તેઓ બાગબજારથી મરચાં ચાખતાં ચાખતાં પગે ચાલીને મોટી બજારમાં ગયા અને ત્યાંથી ચાખીને બહુ જ તીખાં મરચાં ખરીદી લાવ્યા. આ દરમિયાન તેમની જીભ સોજી ગઈ હતી! શ્રીમા જ્યારે બેલુડના નીલામ્બરબાબુના બાગમાં હતાં ત્યારે સેવક શારદા મહારાજ દરરોજ સાંજે પારિજાતના ઝાડ નીચે એક સ્વચ્છ કપડું બિછાવી દેતા કે જેથી સવારે ખરેલાં ફૂલોથી મા ઠાકુરની પૂજા કરી શકે. કલકત્તા અને જયરામવાટીમાં તેમણે બીજા અનેક પ્રકારે શ્રીમાની સેવા કરી હતી.

આની સાથે એમના અપૂર્વ સાહસની વાત યાદ આવે છે. ક્યા સમયનો પ્રસંગ છે, તે જાણ નથી, તો પણ તે તેમની યુવાનીના પ્રારંભમાં બન્યો હતો એવું અનુમાન કરવામાં આવે છે. ભૂત છે, એ બાબતનો તેઓ ક્યારેય જરાપણ વિશ્વાસ કરતા ન હતા. તો પણ એમને બધા પાસેથી ભૂતની વાત સાંભળવા મળતી હતી. એક દિવસ તેમણે સાંભળ્યું કે એક જૂના અવાવરુ મકાનમાં રાતના બીજા પહોરે જવાથી ત્યાં ચોક્કસ ભૂત દેખાશે. બસ, એ જ દિવસે રાતના બીજા પહોરે તેઓ ત્યાં પહોંચી ગયાં પરંતુ મધરાતમાં પણ કંઈ જ ન દેખાતાં તેઓ નિરાશ થઈ ગયા. એટલામાં એકાએક ઘરના ખૂણામાંથી એક ક્ષીણ પ્રકાશ દેખાયો. તે ધીમે ધીમે ઉજ્જ્વળ થવા લાગ્યો અને એની અંદરથી એક બહુ મોટી આંખ ભયંકર રૂપે જાણે એમના તરફ આવવા લાગી. એ જોઈને એમનું સમગ્ર શરીર ધ્રૂજી ઊઠ્યું અને જાણે કે લોહી એકદમ સૂકાઈ ગયું. એમને મૂર્ચ્છા આવવા લાગી. એટલામાં એમને નવાઈ લાગી કે શ્રીરામકૃષ્ણ ક્ષણભર માટે સામે દેખાયા. એવું લાગ્યું જાણે શ્રીઠાકુર એમનો હાથ પકડીને કહી રહ્યા છે : ‘બેટા, જે કામમાં મૃત્યુ નિશ્ચિંત છે તેવું કામ મૂર્ખની જેમ કેમ કરે છે? મારા પ્રત્યે મન રાખવું જ ઉચિત રહેશે!’

વરાહનગર મઠમાં એક રાત્રે બ્રહ્માનંદજી, સુબોધાનંદજી અને ત્રિગુણાતીતાનંદજી એક જ બિછાના ઉપર સૂતા હતા. એવામાં ત્રિગુણાતીતાનંદજીના મનમાં નિર્જર સ્મશાનમાં જઈ તાંત્રિક સાધના કરવાની ઇચ્છા જાગી. તેઓ કોઈનેય કહ્યા વગર ઘરમાંથી બહાર નીકળી ગયા. આ બાજુ બ્રહ્માનંદજીએ સ્વપ્ન જોયું કે એકાએક ચીસ પાડી ઊઠ્યા : ‘અરે શારદા! જા નહીં, જા નહીં!’ એ શબ્દોથી બધા જાગી ગયા. તે લોકોએ જોયું, શારદા મહારાજ ઓરડામાં પાછા આવી રહ્યા છે. પૂછવાથી બ્રહ્માનંદજીએ કહ્યું : ‘સ્વપ્નમાં ઠાકુરે દર્શન દઈને એ રીતે ત્રિગુણાતીતાનંદને મનાઈ કરવા માટે કહ્યું હતું.’ સ્વામી ત્રિગુણાતીતાનંદજીની તંત્રસાધનાની ત્યાં જ પરિસમાપ્તિ થઈ ગઈ.

વરાહનગરમાં એક વખત ત્રિગુણાતીતાનંદ મહારાજ એક નાના ઓરડામાં દરવાજો બંધ કરીને લગાતાર જપધ્યાનમાં એવા લાગ્યા હતા કે આહાર નિદ્રા પણ ભૂલી ગયા હતા. બહારથી બધા લોકો તેમને બહાર નીકળવાનું કહેવા લાગ્યા. એટલે સુધી કે જબરદસ્તીથી તેમને પકડીને બહાર લાવવાનો પણ પ્રયાસ કર્યો, પણ કોઈથી કાંઈ ન થયું. અંતે એમણે કહ્યું : ‘જો મહાપુરુષ શિવાનંદજી ભોજન સમયે એમને અડીને બેઠા રહે અને જપ કરે તો તે એમના જપની સમાન જ હશે.’ અને એ રીતે તેઓ અન્ન ગ્રહણ કરશે. છેવટે એમ જ કરવામાં આવ્યું.

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.