અદ્વૈત આશ્રમ માયાવતીના અધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટીશ્રી સ્વામી મુમુક્ષાનંદજીના ‘Sri Ramakrishna Kathamrita Centenary Memorial Volume’માં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ‘The Kathamrita and its Commentary’ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

ક્રિસ્ટોફર ઈશરવૂડે શ્રીરામકૃષ્ણના જીવનને વિલક્ષણ ગણાવ્યું છે. તેમણે એ વિશે સમજાવતાં કહ્યું કે ‘વિલક્ષણ’ એટલે ‘અસામાન્ય અને આધ્યાત્મિક ગહનતાવાળું’, છતાં પણ ‘હંમેશાં અનુભૂતિની વાસ્તવિકતા અને હેતુ-આદર્શવાળું’. તે પ્રમાણભૂત ‘દૃષ્ટિસાક્ષી’ની આધારશીલા પર રચાયેલું હોય છે અને એમાં એવી એકેય ઘટના હોતી નથી કે જ્યાં શંકાને સ્થાન હોય. શ્રીરામકૃષ્ણનું જીવન, પ્રમાણમાં આધુનિક ઇતિહાસ છે અને તે લેખિત ખાતરીબંધ માહિતી પૂરી પાડનાર ઇતિહાસ જેવું છે… (એ માટે) આપણે કોઈ ખંડિત કે અંશભાગવાળી, ઓપ ચડાવેલી, હસ્તપ્રત પર સંદિગ્ધતાવાળી, અપ્રમાણભૂત સાક્ષીઓ કે કોઈ દંતકથા પર આધાર રાખવો પડતો નથી. શ્રીરામકૃષ્ણ શું હતા કે શું ન હતા તે અભિભાવકે પોતે જ નક્કી કરવું જોઈએ; પરંતુ એનો એ નિર્ણય શ્રીરામકૃષ્ણે નિ:શંક રીતે કહેલ શબ્દો કે વાણી કે એમણે કરેલાં અસંદિગ્ધ કાર્યો કે આચરણ પર આધારિત હોવો જોઈએ.

મૂળ બંગાળી ગ્રંથ ‘શ્રી શ્રીરામકૃષ્ણ કથામૃત’ એ (શબ્દશ: શ્રીરામકૃષ્ણની અમૃતવાણી છે) વિશ્વવિખ્યાત એક શાસ્ત્રગ્રંથ છે. શ્રીરામકૃષ્ણના જીવનમાં એક હકીકત કે ઇતિહાસ રૂપે બનેલી ઘટનાઓની કોઈ પણ વ્યક્તિની સ્વીકૃતિને સાચી ઠરાવે તેવા અસંદિગ્ધ ઘટના પ્રસંગોવાળા બંગાળી ગ્રંથમાંથી અંગ્રેજીમાં અનૂદિતગ્રંથ “The Gospel of Sri Ramakrishna” ને સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મળી છે. લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્તે પોતાની જાતને શ્રી ‘મ’ના ઉપનામથી વિનમ્રભાવે છુપાવી રાખ્યું છે. તેમને નાનપણથી જ રોજનીશી લખવાની ટેવ હતી. એમની આ સુટેવે પોતાની નજરસમક્ષ બનેલી ઘટનાઓ અને પોતે સાંભળેલા ઉદ્‌ગારોની ચોકસાઈપૂર્વકની નોંધ કરવા શ્રી ‘મ’ને પ્રેર્યા હતા. આને પરિણામે આ ‘મહાન ગ્રંથ કે જે પૂર્ણપણે ક્ષતિરહિત અહેવાલ’ બન્યો છે.

માનવજાતના ધર્મના ઇતિહાસમાં આ એક ઉલ્લેખનીય વાત છે, કારણ કે ‘આટલી સત્યનિષ્ઠાવાળી આ નોંધ’ની જેમ ‘સહજ કે સાંયોગિક એવા મહાનધર્મપુરુષોના ઉદ્‌ગારો’ની નોંધને ક્યારેય લખાઈ નથી. એટલા માટે આલ્ડસ હક્સ્લીએ ‘કથામૃત’ને ‘વૃતાંતકથાના સાહિત્યમાં અનન્ય’ ગ્રંથ તરીકે વર્ણવ્યું છે.

‘કથામૃત’ના આ વિશિષ્ટ ગુણલક્ષણને એટલે કે તેની વિશુદ્ધ ચોકસાઈ પર શ્રીરામકૃષ્ણના લીલાસહધર્મિણી અને શ્રીરામકૃષ્ણને સૌથી વધુ નિકટતાથી જાણનાર શ્રીમા શારદાદેવીએ પણ પોતાની મહોર મારી છે. તેમણે કહ્યું છે: શ્રી ‘મ’એ કરેલી આ નોંધો સાંભળતા તેમને એવું લાગ્યું કે જાણે શ્રીઠાકુર પોતે જ પોતાના મુખેથી આ અમૃતવાણી બોલી રહ્યા છે અને શ્રી ‘મ’એ નોંધેલ શબ્દવાણી સાચી અને યથાર્થ છે. શ્રીમાનું આ નિરીક્ષણ એ કથામૃતની શ્રદ્ધેયતાનું સૌથી મોટું પ્રમાણ છે. શ્રી શ્રીમાએ ‘કથામૃત’ની શ્રદ્ધેયતાની માત્ર ખાતરી જ ઉચ્ચારી છે એટલું જ નહિ પરંતુ, માનવના ધર્મચૈતન્યની જાગૃતિ માટે આ શબ્દોને પ્રકાશમાં લાવવા – તેનો પ્રચાર પ્રસાર કરવો એ અત્યંત જરૂરનું કાર્ય છે એમ કહીને માનવજાતના કલ્યાણ માટે તેમણે તેના પ્રચારપ્રસારની પણ હિમાયત કરી હતી.

એવું લાગે છે કે શ્રી મ.ને આ મહાકાર્ય માટે દિવ્ય આદેશ મળ્યો હતો. એક વખત જ્યારે તારકે (સ્વામી શિવાનંદજીએ) શ્રી મ.નું અનુસરણ કરીને રામકૃષ્ણની ચર્ચાની નોંધ કરવાનો પ્રયત્ન કર્યો અને એ હેતુને નજર સમક્ષ રાખીને તેઓ શ્રીરામકૃષ્ણને બરાબર ધ્યાનપૂર્વક સાંભળતા હતા. એ શ્રીરામકૃષ્ણના ધ્યાનમાં આવ્યું અને તેમણે તારકને કહ્યું: ‘વારુ, તું શા માટે આવી રીતે સાંભળે છે? તારે આવું કંઈ કરવાની જરૂર નથી. તારું જીવન જુદું જ હશે.’ શ્રી મ.ની બાબતમાં પણ, શ્રી મ.એ તેમની વાત બરાબર ધ્યાનપૂર્વક સાંભળી છે અને એને એ બરાબર સમજ્યા છે કે કેમ એની શ્રીરામકૃષ્ણ ક્યારેક બરાબર ખાતરી પણ કરી લેતા. જ્યારે શ્રી મ. એમની વાતો ફરીથી વાંચતા ત્યારે શ્રીરામકૃષ્ણ જ્યાં જરૂર જણાય ત્યાં લખાણને મઠારી પણ દેતા. એક વખત શ્રીરામકૃષ્ણે એક એવું વિધાન કર્યું કે જે શ્રી મ. માટે એક ભવિષ્યવાણી જેવું અને આદેશાત્મક હતું. એક વખત રહસ્યસ્ફોટ કરતા હોય તેમ શ્રી મ.ને તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ દિવ્યવાણી લોકો સાંભળે તેવો અવસર પૂરો પાડવા શ્રી મ.એ શ્રીમા કાલીનું ભવિષ્યમાં કાર્ય કરવું પડશે. ‘કથામૃત’ને બહાર પ્રકાશમાં લાવવામાં કે શ્રીરામકૃષ્ણના ઉપદેશ વિશે વાતો કરવામાં તેમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન એક ભક્તિભાવભર્યું વલણ રાખ્યું હતું. તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે રામકૃષ્ણદેવ રૂપી અનંત મહાસાગરમાંથી પાણીની જેમ થોડા અમૃતના ઘડા ભરવાનો એમને એક વિશેષાધિકાર સાંપડ્યો હતો; અને સૌને તારનાર, શીતલ કરનાર અને જીવનદાયી એવી શ્રીરામકૃષ્ણની એ અમૃતવાણીને લોકોમાં પીરસતા રહ્યા હતા. તેમણે પોતાની જાતને શ્રીરામકૃષ્ણની અમૃતવાણીના એકમાત્ર રખેવાળ કે ટ્રસ્ટી ગણ્યા હતા. અને તેઓ પોતાની નોંધપોથીમાં શ્રીઠાકુરના એ શબ્દોને એના પોતાના મૂળ શુદ્ધ અને અસલ રૂપમાં તેમજ એમાં કોઈ પણ જાતનું પરિવર્તન કર્યા વિના રજૂ કરવા માટે હંમેશાં આતુર અને સાવધ રહેતા. શ્રીઠાકુરની વાણીની અભિવ્યક્તિ કે એમની નોંધપોથીમાં ઉલ્લેખાયેલ વ્યક્તિઓના વર્ણનમાં કે એમની અભિવ્યક્તિ કરતી વખતે તેઓ કુનેહ અને સફળતાપૂર્વક પોતાની જાતને જાણે કે ઉડાડી દેતા. સ્વામી વિવેકાનંદે લેખકના આ પ્રદાનની ખૂબ પ્રશંસા કરી છે. ગ્રીસના મહાન સંત તત્ત્વજ્ઞ સોક્રેટિસ પોતાનું કોઈ પુસ્તક કે કોઈ લખાણ પાછળ મૂકી ગયા નથી. પરંતુ તેના મહાન શિષ્ય પ્લેટોએ પોતાના ‘Dialogue-વાર્તાલાપ’ નામના પુસ્તકના રૂપે આ ઉમદા ઉપદેશકના વિચારો માનવ સમાજ સુધી પહોંચાડ્યા હોવાનું મનાય છે. જો કે ઇતિહાસકારો કહે છે : પ્લેટોના આ વાર્તાલાપો એક શિક્ષક અને શિષ્યના વિચારોનું સંમિશ્રણ રજૂ કરે છે. પ્લેટોના સિદ્ધાંતથી સાચા ઐતિહાસિક સોક્રેટિસે આગળ ધરેલ સિદ્ધાંતના ભેદની સમસ્યા રજૂ કરવામાં આવી છે. અને આ સિદ્ધાંત વિશે બોલવાનો અધિકારી સોક્રેટિસ હતો; અને તેનો કોઈ ખુલાસો મળતો નથી.’ કેટલાક લોકો તો એવું અંતિમ દૃષ્ટિબિંદુ ધરાવે છે કે આ વાર્તાલાપોમાં મુખ્યત્વે પ્લેટોના જ વિચારો રહ્યા છે અને સોક્રેટિસના ઉપદેશો તો અલ્પાતિઅલ્પ માત્રામાં છે. આ જ કારણે સ્વામી વિવેકાનંદે શ્રી મ.ને ૨૪ ઓક્ટોબર, ૧૮૯૭ના રોજ આમ લખ્યું હોય એવું લાગે છે: ‘સોક્રેટિસના વાર્તાલાપોમાં પ્લેટો વ્યાપેલો છે પણ તમે સંપૂર્ણપણે તમારી જાતને છુપાવી દીધી છે. નોંધ કે વૃત્તાંત અસલ મૂળ સ્વરૂપનાં રહ્યાં છે. અને તમે જે રીતે રજૂ કરો છો એ રીતે લેખકના મનની કોઈ પણ છાયા પડવા દીધા વિના આ મહાન ગુરુદેવના જીવનની જેમ ક્યારેય લોકસમૂહ સમક્ષ કોઈ ધર્મપુરુષની જીવનકથા કે જીવનવાણી મૂકવામાં આવી નથી.’ આમ, શ્રી મ.એ શ્રીરામકૃષ્ણનાં વચનામૃતોને લોકો સમક્ષ મૂકતી વખતે સોક્રેટિસના ઉપદેશો સાથે પ્લેટોએ જે વિકૃતિ કરેલી મનાય છે તેના કરતાં બરાબર ઊલટું કાર્ય કર્યું છે. કથામૃતના વાર્તાલાપો કે ચર્ચાની ‘સંનિષ્ઠ અને પ્રમાણભૂત’ નોંધ વિશે રોમાં રોલાં આમ કહે છે: ‘તેઓ જે સાંકેતિક રીતે લખતા તેમાં યથાર્થ પ્રમાણભૂતતા છે.’૧૦

કથામૃતની બીજી અત્યંત ઉલ્લેખનીય વિલક્ષણતા  – જે વાતાવરણ અને પરિવેશમાં તે અમૃતવાણીનું ઉચ્ચારણ થયું હતું, તેનું હૂબહૂ અને જીવંતવર્ણન છે. આ વાર્તાલાપનાં ખંડ, રાચરચીલું, પરસાળ, મંદિર, વૃક્ષો, આકાશ, માર્ગ અને ઘોડાગાડીનાં શબ્દચિત્રો રજૂ કરતાં વર્ણનોની સાથે જુદી જુદી પ્રકૃતિના માણસોનું પ્રવેશવું અને બહાર નીકળવું તેમજ શ્રીઠાકુર સાથેની તેમની વાતચીત કે ચર્ચા કથામૃતને એક નાટ્‌યાત્મક ભૂમિકા અને પ્રાસ્તાવિકતા અર્પે છે અને એને પરિણામે તેના વાચનને અત્યંત રસપ્રદ બનાવી દે છે. ભાવાત્મક ઉપદેશને યાદ રાખવો કે તેને ગ્રહણ કરવો સામાન્ય રીતે માનવમનને હંમેશાં દુષ્કરકાર્ય લાગે છે. આ હૂબહૂ નાટ્યાત્મક દૃશ્યો અને ધીરગંભીર તત્ત્વવાણીના શબ્દો દ્વારા હૃદય સોંસરવા નીકળી જતા વાર્તાલાપો વાચકને યાદ રાખવા વધુ સરળ સહજ બની રહે છે. શ્રી મ.એ કથામૃતના ચોથા ભાગની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમની અપેક્ષા પ્રમાણે ભક્તજનોને એમના પર ધ્યાન ચિંતન કરવાં ગમે એટલા માટે એમણે આવાં દૃશ્યોનું નિરૂપણ કર્યું છે. 

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્યો જેવા આધ્યાત્મિક ગુરુજનોએ પોતાની આધ્યાત્મિક ઉન્નતિની સહાય માટેના એક સાધન રૂપે શ્રીરામકૃષ્ણ કથામૃતનું નિયમિત અને શ્રદ્ધાભાવપૂર્વકના વાચનની સ્પષ્ટ ભલામણ કરે છે. પરંતુ એમણે એવી સલાહ પણ આપી છે કે કથામૃતના આ અભ્યાસ સાથે વાચકે પોતાની શક્તિ પ્રમાણે તેમાં આપેલા ઉપદેશોનું આચરણ પણ કરવું જોઈએ અને એની સાથે સ્વામી વિવેકાનંદના સાહિત્યનું પણ વાચન કરવું અનિવાર્ય છે. એ વિના શ્રીરામકૃષ્ણના સંદેશના સાચા મર્મને પૂરેપૂરો ગ્રહણ કરવો શક્ય નથી. પોતાના પુસ્તક “Sri Ramakrishna – the Great Master” માં સ્વામી શારદાનંદજી મહારાજે સ્પષ્ટપણે કહ્યું છે કે બધા ભક્તો અને પ્રશંસકોમાં એક માત્ર નરેન્દ્રનાથ જ એવા હતા કે જે શ્રીરામકૃષ્ણના જીવન અને સંદેશના ગહન સૂચિતાર્થો અને તેની આધુનિક માનવ અને માનવસમાજ સાથેની પ્રાસંગિકતાને સમજી શકતા અને તેને અભિવ્યક્ત કરી શકતા.૧૧

સ્વામી વિવેકાનંદે પોતે કહ્યું છે: ‘હું જે કંઈ આદર્શોનો ઉપદેશ આપું છું એ બધામાં એમના આદર્શોનો પ્રતિઘોષ પાડવાનો મારો પ્રયાસ માત્ર છે.’૧૨ સ્વામી વિવેકાનંદના સાહિત્યના વાચકો જાણે છે કે ‘માનવમાં રહેલા પ્રભુની સેવા’ કે ‘વ્યવહારુ વેદાંત’ની વાત એમણે વારંવાર ભારપૂર્વક કરી છે. વાસ્તવિક રીતે માનવજાત માટેનો એમનો આ મુખ્ય સંદેશ હોય એવું લાગે છે.  કથામૃતના કાળજીપૂર્વકના વાચન દ્વારા આ સંદેશ – તેનો સિદ્ધાંત તેનું તત્ત્વ અને આચરણ – શ્રીરામકૃષ્ણના સંદેશ-ઉપદેશના સંયોજન-સંમિશ્રણની અભિવ્યક્તિ થતી જોવા મળે છે. કથામૃતમાં વિવિધ સ્થળે આવેલા શ્રીરામકૃષ્ણનાં અનેક વિધાનો આ આદર્શનું સમર્થન કરે છે. ઉદાહરણ તરીકે ૧૪ ડિસેમ્બર, ૧૮૮૪ના રોજ દક્ષિણેશ્વરમાં તેમણે કહ્યું હતું: ‘જો પ્રભુની પૂજા મૂર્તિ રૂપે થઈ શકતી હોય તો શા માટે આ જીવંત માનવીઓના રૂપે ન થઈ શકે?’૧૩ જો વાચકે સ્વામી વિવેકાનંદના સાહિત્યનો અભ્યાસ નહિ કર્યો હોય તો શ્રીરામકૃષ્ણના ઉપર્યુક્ત અને એના જેવા બીજા ઉપદેશોના ઊંડા સૂચિતાર્થ અને પ્રાસંગિકતા ધ્યાન બહાર અને ગ્રહણ કર્યા વિનાના રહી જશે. જ્યારે આપણે સ્વામી વિવેકાનંદને વાંચ્યા વિના કથામૃતનું વાચન કરીએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે શ્રીરામકૃષ્ણ સામાન્ય ગૃહસ્થભક્તોને ભક્તિભાવનો ઉપદેશ આપે છે. પરંતુ સ્વામીજીની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ તો જ્ઞાન, કર્મ, ભક્તિ, અને યોગનું મૂર્તિમંત રૂપ હતા. અને એમના ઉપદેશોનો હેતુ આપણાં જીવનમાં એ ચારેયના આચરણ કરવા માટેનો છે. જ્યારે સ્વામી વિવેકાનંદે આપેલાં દિશાસૂત્રો પ્રમાણે શ્રીરામકૃષ્ણ કથામૃતનું જ્યારે આપણે વાચન કરીએ છીએ ત્યારે આપણને એ વાતનો ખ્યાલ આવે છે કે શ્રીરામકૃષ્ણે વાસ્તવિક રીતે સામાન્ય ગૃહસ્થને સાધના પદ્ધતિ રૂપે યોગસમન્વય જેવા સૈદ્ધાંતિક શબ્દનો પ્રયોગ કર્યા વિના આ ચાર યોગના સમન્વયનું સૂચન કર્યું છે. ઉદાહરણ તરીકે શ્રી મ.ના ‘મહાશય, આપણે આપણું મન ઈશ્વરમાં કેવી રીતે લગાડી શકીએ, સ્થિર કરી શકીએ?’  ઉત્તરમાં શ્રીરામકૃષ્ણે કહ્યું હતું: ‘ભગવાન નામનો જપ કરો અને તેમનાં ગુણગાન ગાઓ.’ આ સ્પષ્ટપણે ભક્તિયોગ છે. વળી, તેઓ ધ્યાન ઉપર પણ ભાર દેવાનું કહે છે. તેઓ આગળ ઉમેરતાં કહે છે: ‘… ઈશ્વરનું ચિંતન કરવા માટે આપણે અવારનવાર એકાંતમાં જવું અત્યંત આવશ્યક છે. જો આપણે એકાંતમાં ધ્યાન સાધના ન કરીએ તો શરૂઆતમાં ભગવાનમાં મનને સ્થિર કરવું ઘણું મુશ્કેલ કાર્ય છે.’ આ જ પ્રસંગે આગળ તેઓ સલાહ આપે છે: ‘તમારે સત્‌-શાશ્વત અને અસત્‌-મિથ્યા વચ્ચે વિવેક કરવો પડશે. માત્ર ઈશ્વર જ સત્‌ છે શાશ્વત વસ્તુ છે અને એ સિવાય બીજું બધું મિથ્યા છે. આવી વિવેકબુદ્ધિ રાખીને મનમાંથી નશ્વર પદાર્થોને ખંખેરી નાખવા જોઈએ.’ વાચકના ધ્યાનમાં આવશે કે શ્રીરામકૃષ્ણ અહીં એ જ ભક્તને (ગૃહસ્થ ભક્તને) પોતાની સાધનામાં જ્ઞાનને વિચાર કે વિવેકના રૂપમાં ભક્તિ સાથે અને ધ્યાન સાથે જોડવાનું કહે છે. આ જ પ્રસંગે ચાલતી ચર્ચામાં એ જ ભક્તને ફરીથી શ્રીરામકૃષ્ણ કહે છે : ‘તમે તમારી બધી ફરજો બજાવો પણ તમારું મન ઈશ્વરમાં જ રાખો.’ આ કર્મયોગ જ છે. રામકૃષ્ણના ઉપદેશોને ગ્રહણ કરવા અને તેનું વિવેકબુદ્ધિથી પૃથક્કરણ કરવાની સ્વામી વિવેકાનંદની દૃષ્ટિ કેટલી સાચી અને સાર્થક હતી તે આમાંથી ફલિત થાય છે.૧૪ શ્રીરામકૃષ્ણદેવના બધા સંન્યાસી શિષ્યો જેમને બહુમાનથી જોતા એવા સ્વામી બ્રહ્માનંદજીએ કહ્યું છે: ‘શ્રીરામકૃષ્ણદેવ એટલા મહાન હતા કે સામાન્ય મન સાથે કોઈ પણ માનવીએ એમને સમજવા એ અત્યંત કઠિન. સામાન્ય માનવને સુગ્રાહ્ય અને અનુકૂળ પડે તે રીતે સ્વામી વિવેકાનંદે એમને સામાન્ય જનસમૂહ સમક્ષ રજૂ કર્યા છે… એમને (સ્વામી વિવેકાનંદને) સમજ્યા વિના ગુરુદેવને (શ્રીરામકૃષ્ણને) સમજવાનો પ્રયત્ન કરવો એ એક ગાંડપણ છે.’૧૫  એટલે સ્વામી બ્રહ્માનંદજીએ પણ એ બંનેના ઉપદેશોના વાચન કરવાની સલાહ આપી છે અને સાથે ને સાથે આધ્યાત્મિક જીવન જીવવાનું પણ કહ્યું છે. બ્રહ્મલીન સ્વામી આત્માનંદને એક દિવસ જાણવા મળ્યું કે કોઈ એક ભક્ત કથામૃતના કેટલાક ભાગોનું દરરોજ નિયમિત વાચન કરે છે પણ સ્વામીજીનાં ભાષણો કે લેખો વાંચતો નથી. પછી તેમણે ભક્તને ઉદ્દેશીને કહ્યું: ‘આ યુગમાં કથામૃત એક વેદ છે અને સ્વામી વિવેકાનંદનું સાહિત્ય એ વેદ પરનું ભાષ્ય છે… એટલે જો તમે કથામૃતના વાચન સાથે સ્વામી વિવેકાનંદે આપેલું ભાષ્ય પણ વાચશો તો કથામૃતવેદના મર્મને ગ્રહણ કરી શકશો.’૧૬ એ વિશે આગળ વાત કરતાં એમણે એ ભક્તને આધ્યાત્મિક સાધના કરવાની અને પવિત્ર લોકોનો સંગ કરવાની સલાહ આપી. કથામૃતના વાચકોએ આટલી નોંધ લેવી જરૂર છે કે શ્રીરામકૃષ્ણદેવના બીજા સાક્ષાત્‌ સંન્યાસી શિષ્યોનાં લખાણો અને વાર્તાલાપો કે ચર્ચાઓ તેમજ શ્રી મ. અને પેલા મહાન નાટ્‌યકાર ગિરિશચંદ્ર ઘોષનાં વાર્તાલાપો અને લખાણો કથામૃતના ઉપદેશ પર ઘણો પ્રકાશ પાથરી શકે તેમ છે. અને સ્વામી વિવેકાનંદનાં લખાણો અને વાર્તાલાપો એ બધા ઉપદેશો વચ્ચે રહેલી એકતાને ગ્રહણ કરવા અને તેના પ્રત્યે સાચો અભિગમ કેળવવા એટલા જ મહત્ત્વના છે.

સંદર્ભ સૂચિ

(1) Ramakrishna and His Disciples – by Christouher Isherwood, Advaita Ashrama, 1965, p.1
(2) Ibid – p.2
(3) Foreword to the – “The Gospel of Sri Ramakrishna’, Madras Math (1974).
(4) Ibid
(5) See Holy Mother’s words of blessings quoted in the beginning of each volume of the Kathamrit in Bengali.
(6) Ibid
(7) Sri Ramakrihna Bhakta Malika (Bengali), Vol-1, 1959, p.255
(8) A History of Philosophy by Frank Thilly, revised by Ledgerwood (1976), p.63-64
(9) Letters of Swami Vivekananda (1960) p.445
(10) Vide opinions appended to “Sri Sri Ramakrishna Kathamrita”, 1363 Bengali Era.  (11) Sri Ramakrishna – the Great Master – Swami Vivekananda, vol. 5
(12) Letters on “My life and Mission” in “Complete Works of Swami Vivekananda” vol.7, p.79
(13) “Gospel of Sri Ramakrishna” (1974), p.660
(14) “Gospel of Sri Ramakrishna” (1974), p.5-7 and also a penetrative exposition of this portion of the dialogue by Swami Yatiswaranandaji in his “Meditation and Spiritual Life” (1979) p.278-79
(15) “Dhrama Prasang Swami Brahmananda” (Udbodhan), 1382 Bengali Era, p.78
(16) “Swamijir Pada Prante” 1972 p.193-94

Total Views: 102

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.