સ્વામી શુદ્ધરૂપાનંદના મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. તેમની વેદાંત સોસાયટી, ન્યૂયોર્કમાં આસિ. મિનિસ્ટર તરીકે નિમણૂક થતાં ત્યાં જવા રવાના થઈ ગયા છે. – સં.

‘લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ બાય હીઝ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિસાયપલ્સ’ માંથી આપણને જાણવા મળે છે કે સ્વામીજી ૧૮૯૨ના જૂન મહિનાના છેલ્લા ભાગમાં ખંડવામાં હતા. અહીં તેઓ વકીલ બાબુ હરિદાસ ચેટર્જી સાથે ત્રણ અઠવાડિયા રહ્યા હતા. યજમાન સાથેની એમની વાતચીત દ્વારા આપણને જાણવા મળે છે કે આગામી વર્ષમાં (૧૮૯૩) શિકાગોમાં મળનારી વિશ્વધર્મ પરિષદમાં ઉપસ્થિત રહેવાની સ્વામીજીની પ્રબળ ઇચ્છા હતી. આ પહેલાં જ્યારે તેઓ કાઠિયાવાડમાં હતા ત્યારે તેમણે આ ધર્મપરિષદ વિશે સાંભળ્યું હતું. લીંબડીના ઠાકોર સાહેબ જશવંતસિંહજીના જીવનકથાના ગુજરાતીમાં લખાયેલા અને ૧૮૯૬માં પ્રસિદ્ધ થયેલ પુસ્તકમાં આવતાં વર્ણન પ્રમાણે લીંબડીના મહારાજાએ જ સ્વામી વિવેકાનંદને પશ્ચિમના દેશોમાં જઈને વેદાંતનો ઉપદેશ આપવાનું સૂચન કર્યું હતું. ત્યાર બાદ આપણને એ પણ જાણવા મળે છે કે જ્યારે સ્વામીજી પોરબંદરમાં હતા ત્યારે રાજ્યના દિવાન શંકર પાંડુરંગ પંડિતે એમને કહ્યું હતું: ‘સ્વામીજી, મને શંકા છે કે તમે આ દેશમાં બહુ નહિ કરી શકો. અહીં તો બહુ થોડાક જ લોકો તમારી કિંમત કરશે. તમારે પશ્ચિમમાં જવું જોઈએ કે જ્યાં લોકો તમને અને તમારી મહત્તાને સમજશે. સનાતન ધર્મનો ઉપદેશ આપીને તમે પશ્ચિમની સંસ્કૃતિ ઉપર એક પ્રકાશ પાથરી શકો છો.’ આ સાંભળીને સ્વામીજી ખુશ થયા કારણ કે તેમના મનમાં ઘોળાતો આ વિચાર જૂનાગઢ રાજ્યના દિવાન હરિદાસ દેસાઈ અને એના મદદનીશ છગનલાલ હરિશંકર પંડ્યાને પણ જણાવ્યો હતો. આ સમયગાળા દરમિયાન સ્વામીજીના વ્યક્તિત્વમાં ગહન આધ્યાત્મિક શક્તિ જોઈ શકાતી હતી. સ્વામી અખંડાનંદે પણ આધ્યાત્મિક શક્તિ નિહાળી હતી. તેઓ સ્વામીજીને ગુજરાતના માંડવીના નિવાસ દરમિયાન મળ્યા હતા. પ્રતાપવાન અને દિવ્યઆભા સાથેના સ્વામીજીના ચહેરા પર આવેલા પરિવર્તનને જોઈને તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા.

સ્વામીજીના ઉપર્યુક્ત વલણને જાણીને આપણે એટલું સમજી શકીએ કે તેમણે શા માટે હરિદાસ બાબુને કહ્યું કે જો કોઈ તેમને શિકાગો જવાના પૈસા આપે તો બધું ગોઠવાઈ  જશે અને તેઓ ત્યાં જવા માટે પણ તૈયાર હતા. વકીલ હરિદાસ ચેટર્જી સ્વામીજીના મહાન વ્યક્તિત્વને ઓળખી ગયા હતા અને તેઓ ઇચ્છતા હતા કે તેઓ હજુ લાંબા સમય સુધી ખંડવામાં પોતાનું રોકાણ કરે. સ્વામીજીએ જવાબ આપતાં કહ્યું : મારી પણ એમ કરવાની ઇચ્છા છે પણ મારે હજી રામેશ્વર પણ જવું છે. તેથી હું અહીં રોકાઈ ન શકું અને બીજાં સ્થળોએ પણ આમ રોકાણ ન કરી શકું. સ્વામીજીની પ્રબળ ઇચ્છા જોતાં હરિદાસ બાબુએ તેમને એક પોતાના ભાઈ પર લખેલો ભલામણપત્ર સ્વામીજીને આપ્યો અને કહ્યું કે મારો ભાઈ તમને મુંબઈના સુખ્યાત બેરિસ્ટર શેઠ રામદાસ છબીલદાસની ઓળખાણ કરાવી દેશે. પછી એમણે સ્વામીજીને મુંબઈ સુધીની ગાડીની ટિકિટ લઈ દીધી.

૧૮૯૨ના જુલાઈના છેલ્લા સપ્તાહમાં સ્વામીજી મુંબઈ પહોંચ્યા. અહીં હરિદાસ ચેટર્જીના ભાઈએ સ્વામીજીનો પરિચય શેઠ રામદાસ છબીલદાસ સાથે કરાવ્યો. એમણે એમનું ભાવભર્યું અભિવાદન કર્યું અને એમને ત્યાં અતિથિ બનવા વનંતી કરી. સ્વામીજી સહમત થયા.   જ્ઞાનયોગ પરની એમની ચર્ચામાં સ્વામીજી કહે છે: ‘વધુ ઉચ્ચસમજ શક્તિ અત્યંત મુશ્કેલ છે, મોઘમ વિચાર કરતાં નક્કર વસ્તુ ઘણા ખરા લોકોને વધુ સમજાય તેવી હોય છે.’ આના ઉદાહરણમાં મુંબઈમાં પોતાના પ્રથમ યજમાન શેઠ રામદાસ છબીલદાસના મકાનનું વર્ણન કરતાં તેઓ કહે છે: ‘મુંબઈમાં બે માણસો એક હિંદુ અને બીજો જૈનની એક વાત કહેવામાં આવે છે. તેઓ બંને મુંબઈના એક શ્રીમંત વેપારીના ઘરમાં શતરંજની રમત રમતા હતા. એમનું ઘર સમુદ્રની નજીક હતું અને રમત લાંબી ચાલી.’ (સ્વા. વિવે. ગ્રં.મા. ભા.૯, પૃ.૧૦૪) આ વર્ણન કરવાનો આશય ઘરનું વર્ણન કરવાનો હતો, બાકીની આખી વાત વાચક ગ્રંથમાળામાંથી વાંચી શકે છે.’ 

૧૯૭૩માં લેખકના માતા શ્રીમતી લીલાવતીબહેન  અને શ્રીમત્‌ સ્વામી ગૌતમાનંદજી, (તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મઠ, ચેન્નઈના અધ્યક્ષ છે) સાથે સ્વામી વિવેકાનંદે શેઠ રામદાસ છબીલદાસ અને તેમના પિતા છબીલદાસ લલ્લુભાઈને લખેલા પત્રો મેળવવા માટે માનસેન કરસનદાસના ઘરે ગયા હતા પણ એમને એકેય પત્ર મળ્યો નહિ. શેઠ રામદાસના ભત્રિજા માનસેન મુંબઈમાં તીનબત્તી વાલકેશ્વર વિસ્તારમાં રહેતા. ૨૦૦૩ના જાન્યુઆરીમાં છબીલદાસ લલ્લુભાઈના બીજા બે વારસોની સહાયથી લેખકે શેઠ રામદાસનું મુંબઈનું નિવાસસ્થાન શોધી કાઢ્યું. આ બંનેને ઘરની ઓળખ માટે એક પછી એક લઈ જવામાં આવ્યા હતા. આ વર્ણન સાથે આ મકાનની તસવીરો પણ લીધી છે. હાલ આ મકાન દોરાબશા લેન, નેપિયન્સી રોડ, મુંબઈમાં છે. 

આ મકાન અત્યંત બિસ્માર હાલતમાં હતું. માત્ર એના આગળના ભાગનો ઉપયોગ ચોકીદારો કરતા હતા. ચોકીદારો અહીં હાલના મકાન માલિક શ્રી વિલાસરાય મહાવીર પ્રસાદ બદ્રી પ્રસાદ વતી રખેવાળી કરતા હતા. એ મકાન સમુદ્રવિલા તરીકે જાણીતું છે અને ત્રિમાળી ભવન છે. આગળના પોર્ચ સિવાય મકાનનો બાકીનો બધો ભાગ અસલામત છે અને ત્યાં કોઈ જતું પણ નથી. આ મકાન દરિયા કિનારે જ છે. તેના પહેલા અને બીજા માળે લાંબી બાલકની છે અને સ્વામીજીએ કરેલા વર્ણન સાથે એ બરાબર બંધ બેસતું આવે છે. મહામુશ્કેલીએ અને ચોકીદારોને વિનવણી કરીને લેખક આ ઘરની હાલત જોવા માટે અંદર ગયા. આ ઘરની દશાનો ખ્યાલ આપવા માટે કેટલીક તસવીરો પણ ખેંચી. લેખકને બાંધકામ અને સ્થાપત્યકલાનું જ્ઞાન છે. મકાનની બાંધકામ શૈલી અને બાંધકામની વસ્તુઓ જોઈને એમ કહી શકે કે આ મકાન ૧૫૦ વર્ષ જૂનું છે. જમીનના ભોંયતળિયે ૬ થી ૮ ઘોડાને રાખી શકાય તેવા તબેલા છે, એ બતાવે છે કે એ કોઈ સંપત્તિવાન વ્યક્તિનું ઘર છે. પાછલા ભાગમાં સંડાસ, વગેરે નોકરોનાં નિવાસસ્થાન એક અલગ મકાન રૂપે આવેલું છે અને એ પણ ત્રણ માળનું છે. મુખ્ય ઘર દરેક માળ સાથે સંલગ્ન રહે તેવું છે. નેપિયનસી રોડ પરનું આ સમુદ્રવિલાનું મકાન મુંબઈના એક વખતના સૌથી વધુ સમૃદ્ધ વેપારીમાંના એક શેઠ છબીલદાસ લલ્લુભાઈનું હતું.

સમુદ્રવિલાના છબીલદાસનાં પત્ની કેસરબાઈ અને ખરીદનાર દોરાબશા બોમનજી દુબાસ (મુંબઈના પારસી ગૃહસ્થ)ની વચ્ચે થયેલા વેચાણના દસ્તાવેજો (એપ્રિલ ૧૯૧૬) ની નકલ લેખક પાસે છે. એટલે જ આ બંગલો જ્યાં આવેલો છે એ ગલીને દોલાબશા રોડ નામ અપાયું છે.

હવે શ્રીરામકૃષ્ણ મઠ, ખાર બેલૂર મઠ, કલકત્તા (હેડ ક્વાર્ટર્સ)ની પરવાનગી મેળવીને આ બંગલાની નજીક ‘સ્વામી વિવેકાનંદ ૧૮૯૨ના જુલાઈના છેલ્લા સપ્તાહ થી  ઓગસ્ટ ૧૮૯૨ સુધી રામદાસ છબીલદાસના આ બંગલામાં રહ્યા હતા’ એવી આરસની તખ્તી મુકાય તો સારું રહેશે. સ્વામી વિવેકાનંદ એમના આ શહેરમાં રહ્યા હતા એ જાણીને મુંબઈવાસીઓ પણ આનંદ અને ગર્વ અનુભવશે. આને લીધે આ સ્થળ માત્ર મુંબઈવાસીઓ તેમજ રામકૃષ્ણ ભાવધારાને વરેલા ભારતના અને વિદેશના ભક્તજનો તેમજ શુભેચ્છકો માટે એક પવિત્ર યાત્રા સ્થળ બની જશે.

રામદાસ છબીલદાસ

રામદાસ છબીલદાસ સ્વામીજી કરતાં થોડાં વર્ષો મોટા હતા. ૧૮૭૫માં તેઓ એ જમાનાની સુખ્યાત શૈક્ષણિક સંસ્થા એલફિન્સ્ટન સ્કૂલના વિદ્યાર્થી હતા. આ સંસ્થાનું નામ આજે પણ એવું જ છે. (આર્યસમાજનો ઇતિહાસ, વો. ૧, ૧૯૮૨ની હિન્દી આવૃત્તિ, પૃ.૨૬૨-૬૪) ત્યાર પછી તેઓ ઈંગ્લેન્ડ ગયા અને ત્યાં ૧૮૮૪માં એમ.એ. થયા. ત્યાર બાદ એલ.એલ.એમ.ની ઉપાધિ પ્રાપ્ત કરીને તેઓ બેરિસ્ટર બન્યા. તેઓ ભારત પાછા ફર્યા ત્યારે સરકારશ્રીએ સોના અને ચાંદીના હાથાવાળી એક ચાલવાની લાકડી આપીને એમનું સન્માન કર્યું હતું. તેઓ સર્વપ્રથમ ભારતીય બેરિસ્ટર હતા. તેઓ સંસ્કૃતના વિદ્વાન હતા અને વેદ તથા ઉપનિષદોનું ગહન જ્ઞાન ધરાવતા હતા. મુંબઈના નેપયન્સિ રોડ પરના પોતાના બંગલામાં સ્વામી વિવેકાનંદ ઉપરાંત બીજા સુખ્યાત આધ્યાત્મિક નેતા સ્વામી દયાનંદ સરસ્વતી તેમજ અન્ય અગ્રણીઓને તેમણે ઉતારો આપ્યો હતો. એટલે આ મકાનમાં આધ્યાત્મિક ચર્ચા અને ઉપદેશના પડઘા પડ્યા છે. (‘ઉપનગર ધ્વનિ’, પ્રકાશક : રમેશ પ્રધાન, સુભાષ મંગલ પ્રેસ, સ્વામી વિવેકાનંદ રોડ, મુંબઈ) રામદાસ ચુસ્ત આર્યસમાજી હતા અને મુંબઈની શાખાના સ્થાપકોમાંના એક હતા. સ્વામી દયાનંદ સરસ્વતી પાસેથી એમણે સંસ્કૃત ભાષાનું પ્રાથમિક જ્ઞાન અને કાવ્યલેખનની તાલીમ મેળવી હતી. ૧૮૮૩માં સ્વામી દયાનંદની મહાસમાધિ પછી તેમણે એમને શ્રદ્ધાંજલિ આપતા ૨૧ સંસ્કૃત શ્લોકની રચના કરી છે. અહીં એ બાબતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે ૧૮૭૫માં મુંબઈના આર્યસમાજના સભ્યોની સંખ્યા ૧૦૦ જેટલી હતી. આ સભ્યોમાં શેઠ છબીલદાસ લલ્લુભાઈનું સ્થાન વિશેષ હતું. બીજા સભ્યોમાં જાણીતા સ્વાતંત્ર્ય વીર શ્યામજીકૃષ્ણ વર્મા, તેના એક વિદ્યાર્થી, દ્વારકાદાસ લલ્લુભાઈ ભણસાળી, રામદાસ છબીલદાસ, દેવદાસ લલ્લુભાઈ ભણસાળી હતા. 

એમના બંગલામાં સ્વામીજીના બે માસના રહેઠાણ દરમિયાન વિવિધ વિષયો પર ચર્ચા થઈ હતી. મહાપુરુષ મહારાજના મુંબઈમાં ૨૯, જાન્યુઆરી ૧૯૨૭ના રોજ થયેલ વાર્તાલાપમાં એમાંની એક ચર્ચાનો ઉલ્લેખ થયો છે. મહાપુરુષ મહારાજે સંન્યાસીઓને માહિતી આપતાં કહ્યું હતું કે સ્વામીજી રામદાસ છબીલદાસના મકાનમાં રહ્યા હતા અને મુંબઈમાં ઘણાં સ્થળોની મુલાકાત લીધી હતી. એમણે આગળ વર્ણન કરતાં કહ્યું: ‘રામદાસ છબીલદાસ આર્યસમાજી હતા અને તેઓ સાકાર ઈશ્વરની પૂજામાં માનતા ન હતા. આ અંગે સ્વામીજી સાથે એમણે ઘણી ચર્ચા કરી હતી. એક દિવસ તેણે સ્વામીજીને કહ્યું: ‘સારું સ્વામીજી, તમે કહો છો કે આ મૂર્તિપૂજા કે સાકાર પ્રભુની પૂજા વગેરે સગુણની ઉપાસના પણ સાચી છે. વેદોમાંથી આ સગુણ બ્રહ્મની ઉપાસના વિશેનાં ઉદ્ધરણો દ્વારા તમે આ ઉપાસનાને સાચી પૂરવાર કરશો તો હું વચન આપું છું કે આર્યસમાજનો ત્યાગ કરી દઈશ.’ સ્વામીજીએ મક્કમભાવે કહ્યું: ‘હા, ચોક્કસ, હું તે કરી શકીશ.’ અને રામદાસ છબીલદાસ જ્યાં સુધી સહમત ન થયા ત્યાં સુધી સ્વામીજીએ સગુણ બ્રહ્મની હિંદુધર્મની ઉપાસના વિશે વેદોને સામે રાખીને વિષદ ચર્ચા કરી અને તેની સમજણ પણ આપી. રામદાસ છબીલદાસે પણ આર્યસમાજનો ત્યાગ કરીને પોતાનું વચન પાળ્યું.

Total Views: 80

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.