(ગતાંકથી આગળ) 

રામદાસ છબીલદાસ સ્વામીજીના કરતાં થોડાં વર્ષો મોટા હતા. તેઓ એકબીજા સાથે ઘણા હળીમળી ગયા હતા. વળી તેમને બંનેને ભારતીય શાસ્ત્રગ્રંથો અને સંસ્કૃત માટે ઘણો પ્રેમાદર હતો. ૧૮૯૨ની ૨૨મી ઓગસ્ટે સ્વામીજીએ જુનાગઢના દિવાનને આમ લખ્યું હતું: ‘મને અહીં કેટલાક સંસ્કૃત ભાષાના ગ્રંથો વાચવા માટે મળ્યા છે. આવા ગ્રંથો અને આવો આવકાર બીજે ક્યાંય મળવાની અપેક્ષા નથી અને હું આ બધા ગ્રંથો પૂરેપૂરા વાંચી જવા આતુર છું.’ સ્વામીજીએ વર્ણવ્યું છે કે આ ગુજરાતી યજમાન ઘણા આતિથ્યભાવનાવાળા હતા. મુંબઈમાં ચોમાસુ બેસી ગયું હતું. એટલે એલિફંટા જવા માટે અને ત્યાંથી પાછા ફરવા માટે લોંચ ચાલતી ન હતી તેથી સ્વામીજી મુંબઈની નજીક આવેલ એલિફંટા ગુફાઓની મુલાકાત લઈ ન શક્યા. ચોમાસામાં અરબી સમુદ્ર ઘણો તોફાની, ઉછળતો રહે છે જો કે સ્વામીજીએ બોરીવલી નજીક આવેલ કેનેરી કેવ્ઝની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનું વર્ણન પાછળથી આવશે. ૨૨ મે, ૧૮૯૩ના અપ્રસિદ્ધ પત્રમાં ખેતડીના મહારાજાને સ્વામીજી આમ લખે છે: ‘મુંબઈમાં હું મારા મિત્ર બેરિસ્ટર રામદાસને મળવા ગયો હતો. તેઓ એક લાગણીભર્યા સદ્‌ગૃહસ્થ છે. તમારા વિશે સાંભળીને તેઓ ઘણા પ્રભાવિત થયા હતા અને તેમણે મને કહ્યું કે જો આ ભર ઉનાળો ન હોત તો હું એ રાજકુમારને મળવા માટે દોડીને ગયો હોત.’

મુંબઈથી સ્વામીજી પૂના ગયા. તેમને સ્વદેશભક્ત બાલ ગંગાધર ટિળકનો સ્ટેશને પરિચય થયો. ટિળક પોતાનાં સંસ્મરણોમાં કહે છે : ‘વિક્ટોરિયા ટર્મિનલ સ્ટેશને હું જે ડબ્બામાં બેઠો હતો એ ડબ્બામાં એક સંન્યાસી પ્રવેશ્યા. કેટલાક ગુજરાતી સદ્‌ગૃહસ્થો એમને વિદાય આપવા આવ્યા હતા. તેમણે ઔપચારિક પરિચય કરાવ્યો અને એ સંન્યાસીને પુનાના નિવાસ દરમિયાન મારે ઘરે રહેવાનું કહ્યું.’ આ બંને ગુજરાતી સદ્‌ગૃહસ્થોમાં એક રામદાસ છબીલદાસ અને બીજા એમના મિત્ર અને સાળા જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્યામજીકૃષ્ણ વર્મા હતા.

બાર એટ લો થયા પછી રામદાસ છબીલદાસે મુંબઈમાં પોતાની વકીલાત શરૂ કરી. પછીથી ૧૮૮૦માં તેણે બેરિસ્ટર તરીકે પોતાનું કામકાજ નાગપુરમાં પણ શરૂ કર્યું. (મુંબઈ સમાચારના મુળચંદ વર્માનો અહેવાલ, ૧૪-૫-૧૯૯૧) તેમણે બક્ષી કુટુંબ પાસેથી નાગપુરના સિવિલ લાઈન્સ વિસ્તારમાં બે એકરની જગ્યા ખરીદી અને પોતાનાં પત્ની જમનાબાઈના નામે જમુના વિલા નામનો એક મોટો બંગલો બાંધ્યો. (આ માહિતી આ લેખના લેખકે ઓગસ્ટ ૨૦૦૩માં ૯૫ વર્ષનાં શ્રીમતી મોટાબાઈ બક્ષી પાસેથી મેળવી હતી.) આ બક્ષી પરિવાર રામદાસ છબિલદાસના પાડોશી હતા. રામદાસ છબીલદાસને સૂર્યકાંત અને જયસેન નામના બે પુત્ર હતા. એ બંને બેરિસ્ટર હતા. સૂર્યકાંત ૪૦ વર્ષની આસપાસ મૃત્યુ પામ્યા. તેમને ત્રણ દીકરા અને બે દીકરીઓ હતાં. તેના ભાઈ જયસેન નાગપુરમાં બેરિસ્ટર તરીકે કાર્ય કરતા અને નાગપુરના મેયર તરીકે ચૂંટાયા હતા. નાગપુર કોર્પોરેશને એમની આજુબાજુના વિસ્તારને રામદાસ પેઠ એવું નામ આપીને સન્માન્યા હતા. સૂર્યકાંતના મોટા પુત્ર જનક ઇન્ડિયન નેવીમાં કમાંડર હતા. અત્યારે રામદાસ છબીલદાસની બધી મિલકતો વેંચાઈ ગઈ છે અને એમના વંશ વારસદારો મુખ્યત્વે મુંબઈમાં રહે છે અને એક નાગપુરમાં પણ રહે છે. ઉપર્યુક્ત ઇમારત હજી પણ રામદાસ છબીલદાસ અને એમનાં પત્ની જમનાબાઈની સ્મૃતિ રૂપે ઊભી છે. આ સ્મૃતિઘર પર – રામદાસ છબિલદાસની મૃત્યુતિથિ ૨૨-૧૦-૧૯૨૦ અને જમનાબાઈની મૃત્યુતિથિ ૧૦-૧-૧૯૧૪ના લખાણવાળી બે આરસની તખ્તીઓ છે.

છબિલદાસ લલ્લુભાઈ (૧૮૩૯ – ડિસેમ્બર, ૫, ૧૯૧૪)

છબિલદાસ લલ્લુભાઈનો જન્મ મુંબઈમાં ૧૮૩૯માં થયો હતો. તેઓ ગુજરાતી સૂર્યવંશી ક્ષત્રિય અને ચેવાલી ભણશાળી સમાજના હતા. ભણશાળીઓ રાજા ભાનુશાળના વંશજો છે. આ રાજા વાયવ્ય ભારતના એક રાજ્યમાં રાજ્ય કરતા હતા. તેમના કુળદેવી શ્રી હિંગળાજ મા છે. હિંગળાજ બલુચિસ્તાન (અત્યારે પાકિસ્તાન)માં છે અને આ પ્રદેશ મરુભૂમિ હિંગળાજ તરીકે જાણીતો છે. સતીમાના શક્તિ પીઠ સ્થાનમાંનું આ એક છે. અત્યંત દુર્ગમ માર્ગ હોવાથી હિંગળાજ સુધીની યાત્રા ઘણી કઠિન છે. સ્વામી ત્રિગુણાતીતાનંદ આ હિંગળાજ માતાની યાત્રાએ ગયા હતા. આ વાયવ્ય વિસ્તારમાંથી પછીથી આ ભણશાળી સમાજ નીચેના પ્રદેશો જેવા કચ્છ, સોરઠ (કાઠિયાવાડ), સુરત, સિંધ અને ચેવાલમાં સ્થિર થયા. આને લીધે તેઓ કચ્છી, સોરઠી, સિંધી અને ચેવાલી ભણશાળી તરીકે જાણીતા છે. અલીબાગથી થોડે દૂર મુંબઈ બંદરની બીજી બાજુએ ચેવાલ આવેલું છે. ચેવાલ છત્રપતિ શિવાજી મહારાજની હકુમત હેઠળ હતું અને એમણે અહીં એક કિલ્લો પણ બાંધ્યો છે. એક નાની ટેકરી પર હિંગળાજ માતાનું મંદિર છે. લોકો એને હિંગલ દેવી કહે છે. દરવર્ષની પોષ મહિનાની પૂર્ણિમાને દિવસે મુંબઈનો ચેવાલી ભણશાળી સમાજ હિંગળાજ માતાની વિશેષ પૂજા અને હવન વગેરે ત્યાંના સ્થાનિક લોકો સાથે કરે છે. ત્રણચાર દિવસનો ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓવાળો કાર્યક્રમ યોજાય છે. રાતના આતશબાજીનો કાર્યક્રમ હજારોની સંખ્યામાં લોકો માણતા. ગુજરાતી હોવાને નાતે ભણશાળી સમાજ વ્યાપાર ઉદ્યોગમાં જોડાયેલા હતા. છબિલદાસના પિતા લલ્લુભાઈ જયરામદાસ હતા. દાદા જયરામદાસ બ્રિટિશ લશ્કરમાં હતા.

છબિલદાસ લલ્લુભાઈ એક ઉદ્યોગપતિ રૂપે

છબિલદાસ લલ્લુભાઈએ ૧૩ વર્ષની નાની ઉંમરે મેસર્સ કુલર પામર્સ એન્ડ કાું.ની મુંબઈની બ્રાંચમાં દર મહિને ૧૫ રૂપિયાના પગારથી નોકરીનો આરંભ કર્યો. તેના મનમાં પોતાનો વ્યવસાય કે ઉદ્યોગ શરૂ કરવાની એક ઉત્કંઠા હતી. એટલે થોડો અનુભવ મેળવ્યા પછી એમણે આ ઉપર્યુક્ત નોકરી છોડી દીધી. શરૂઆતમાં એમણે કેટલીક દેશી હોડીઓ ખરીદી અને વિદેશથી આવતી સ્ટિમરમાં માલ ઉતારવા અને ચડાવવાની કામગીરી મુંબઈ બંદરના ભાઉચા ધક્કામાં શરૂ કરી. એમને આ ધંધામાં ઘણી સફળતા મળી અને આવી જાતના કામ ઉપર એમણે ઘણું પ્રભુત્વ મેળવ્યું. ચીન અને કલકત્તામાંથી કમિશનના ધોરણે આવું કામ મેળવવાના હેતુથી ગેલાભાઈ નામના એક સુખ્યાત કમિશન એજન્ટને મળ્યા. ૧૮૬૪માં ઉપર્યુક્ત પ્રકારના કામ માટે તેઓ બ્લે એન્ડ મચિન્ટોશના મુખ્ય કમિશન એજન્ટ બન્યા. (મૂલચંદ વર્માના ૧૪-૫-૧૯૯૧ના મુંબઈ સમાચારના અહેવાલ પ્રમાણે). આવી રીતે તેઓ એ જમાનામાં સૌથી આગળ પડતા ઉદ્યોગવીર બન્યા. પરદેશના દેશો સાથે ધંધો રોજગાર કરવા માટે તેમની પાસે એક પોતાની ગેલેલિયો નામની સ્ટિમર પણ હતી. આ સ્ટિમરનો પાંચલાખનો વીમો હતો. એ જમાનામાં ઈંગ્લેન્ડની કાપડ મિલો પૂર બહારમાં હતી. ભારતમાં અને વિશ્વના બીજા દેશોમાં પણ અંગ્રેજી કાપડ ઘણું લોકપ્રિય બન્યું હતું. છબીલદાસ લલ્લુભાઈએ આ ધીકતા ધંધાનો લાભ લીધો. તેઓ પોતાના ગેલેલિયો સ્ટિમરમાં અંગ્રેજી કાપડની આયાત કરતા અને મુંબઈમાં જથ્થાબંધ વેપારીઓને વેંચતા. આ ધીકતા ધંધામાંથી તેણે ઘણી કમાણી કરી. તેમની સૌરાષ્ટ્રના જામનગરમાં એક ફેક્ટરી હતી. અહીં હાથીદાંતમાંથી કલાત્મક માલસામાન બનતો. એની સાથે બીજો મહત્ત્વનો માલસામાન તેઓ યુ.કે.અને ફ્રાંસમાં પોતાની સ્ટિમર દ્વારા નિકાસ કરતા. ભારતના વેપારી તરીકે તેઓ ફ્રાંસની પ્રથમ મુલાકાત લેનાર હોવાથી ફ્રાંસની સરકારે તેમનું પરિચય પત્ર આપીને સન્માન કર્યું હતું. ૪૦૦૦ રૂપિયા આપીને સૌરાષ્ટ્ર-કોચીનના બંદરો સાથે વ્યાપાર કરવા માટે ભારતીય સરકાર પાસેથી તેમણે પરવાનો મેળવ્યો હતો.

Total Views: 72

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.