શિગ્રામ – બગીના માલિક છબીલદાસ લલ્લુભાઈ

એ જમાનામાં અમીર લોકો બગી કે શિગ્રામ જેવી ઘોડાગાડી ધરાવતા. પોતાના બંગલામાં તબેલો હતો એ બતાવે છે કે તેઓ ઘણા પૈસાદાર હતા. છબીલદાસ લલ્લુભાઈના સમુદ્રવિલામાં ઘણા તબેલા હતા. શિગ્રામમાં ૬ થી ૮ ઉત્તમ ઘોડા જોડવામાં આવતા. આવા શિગ્રામ સામાન્ય રીતે ગવર્નર, ન્યાયધીશ કે આઈ.સી.એસ. અધિકારીઓ ધરાવતા. આ શિગ્રામ વાલકેશ્વર, તીનબત્તી, નેપિયન્સી રોડ, ચૌપાટી, ક્વીન્સ રોડ, થઈને ફોર્ટ સુધીના માર્ગે ચાલતી. (મુંબઈનો આ મુખ્ય વ્યાપારી વિસ્તાર ગણાય છે.) છબીલદાસ લલ્લુભાઈનો શિગ્રામ ગવર્નરના શિગ્રામની પાછળ પાછળ ચાલતો. એક વખત એમનો શિગ્રામ ગવર્નર કરતાં આગળ નીકળી ગયો એટલે સરકાર દ્વારા છબીલદાસ લલ્લુભાઈ પર કોર્ટમાં મુકદ્દમો ચલાવવામાં આવ્યો. પોતે બુદ્ધિશાળી અને ચકોર હોવાથી એણે શિગ્રામના આગળ નીકળી જવાના કારણો જણાવ્યા અને પરિણામે કોર્ટમાંથી એ મુકદ્દમો રદ બાતલ કરાયો. આ મુકદ્દમાથી તેઓ મુંબઈમાં ઘણા સુખ્યાત બન્યા હતા.

છબીલદાસ લલ્લુભાઈએ સરકારી અને ખાનગી બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર તરીકે ઘણી સફળતા મેળવી હતી. મુંબઈ પુણેની ખંડાલા ઘાટવાળી રેલવે લાઈનમાં કર્જત અને લોનાવાલા વચ્ચેની રેલ લાઈનનું બાંધકામ એમણે મળ્યું હતું. દાદરમાં એમનું પોતાનું મકાન છે અને મુંબઈમાં એમણે ઘણા મકાનો બાંધ્યાં હતા. ‘ઉપનગર ધ્વનિ’ પ્રમાણે તેઓ રાતોરાત ચાલ બાંધનારા કોન્ટ્રક્ટર તરીકે જાણીતા હતા. નળબજારમાં તેમની પોતાની ચાલ હતી. એક ઓરડાવાળી સહિયારી ઓસરી અને બંને બાજુએ સંડાસની સુવિધાવાળી ચાલ નીચી આવક ધરાવતાં કુટુંબો માટે બંધાઈ. ૧૮૭૦માં નળબજારની એમની ચાલ આગમાં ખાક થઈ ગઈ. તેઓ ફરીથી નવી ચાલ બાંધવા માટે મ્યુનિસિપલ કમિશ્નરશ્રી આર્થર ક્રોફોર્ડને મળ્યા. એમણે ના પાડતા અને હવે એ જમીન સરકારની માલિકીની છે એમ જણાવતા તેમણે સરકારી જાહેરાતને એકબાજુએ મૂકીને ઘણા કડિયા, સુતાર, મજૂર અને બાંધકામની બધી સામગ્રી ભેગી કરીને એક રાતમાં આખી ચાલ ઊભી કરી દીધી. (‘મુંબઈ સમાચાર – ૧૪-૫-૧૯૯૧’) બીજે દિવસે બધા વર્તમાન પત્રોમાં ‘રાતોરાત ચાલ બાંધનારા કોન્ટ્રક્ટર શ્રી છબીલદાસ’ ના નામે સમાચારો પ્રસિદ્ધ થયા.

૧૨ ઓગસ્ટ, ૧૯૧૪ના તેમના વસિયતનામા મુજબ છબીલદાસ લલ્લુભાઈની બૃહદ્‌ મુંબઈ અને પરાંમાં આવેલી સ્થાવરમિલકતો આ પ્રમાણે છે :

* મુંબઈથી ભાયંદર સુધીના મીરા રોડ, ભાયંદર અને ઘોડબંદરનાં ગામડાંની મિલકતો. * કનહેરિકેવમાં પોતાનો સાલસેત્તે નામના ટાપુની સાથે સ્કિયર માક્થાણે અને પહાડી નામના ગામ * થાણામાં સોળ હજાર એકર જમીન * ગોરેગાઁવમાં જમીન * નેપ્યન્સી રોડ પરનો સમુદ્રવિલા નામનો બંગલો * મુંબઈના ડંકન રોડ, ભંડારી સ્ટ્રીટ, તારદેવ રોડ, ખેતવાડી શેરી, પારસીવાડા, કિકા સ્ટ્રીટ, બોરીવલી (તિલક રોડથી દૂર) પર આવેલી સ્થાવર મિલકત * કુર્લી, ચિંચોલી, ડિંડોસીભાય, ઘોડબંદર અને મીરા રોડના ટાપુ પર આવેલ ગામોની મિલકતો. એ સિવાય ગેલીલીઓ સ્ટીમશીપ (જહાજ) પણ હતું.

છબીલદાસ લલ્લુભાઈનાં કુટુંબીજનો 

તેઓ બે વખત પરણ્યા હતા. તેમના પ્રથમ પત્નીનું નામ વઝુરબાઈ, એમના મૃત્યુ પછી એમણે ઘણા વર્ષ બાદ જામનગરના કેસરબાઈ સાથે લગ્ન કર્યા હતા. એમનાં પ્રથમ પત્નીથી રામદાસ, કરસનદાસ નામના બે પુત્રો અને ભાનુમતી નામની પુત્રી થયાં. કરસનદાસ ૧૮૬૦માં જન્મ્યા હતા. તેઓ બેરિસ્ટર હતા અને મુંબઈમાં વકિલાત કરતા. ઘણી ચુંટણીઓમાં ભાગ લીધો હતો. તેમના પુત્રનું નામ માનસેન હતું. તેમણે બાર-એટ-લોની પરીક્ષા ઈંગ્લેન્ડમાં પાસ કરી હતી. તેઓ એક બુદ્ધિશાળી વકીલ તરીકે મુંબઈમાં જાણીતા હતા. તેમનું મૃત્યુ યુવાન વયે થયું હતું. ભાનુમતીનો જન્મ ૧૮૬૨માં થયો હતો. તેમનાં લગ્ન સ્વાતંત્રવીર શ્યામજી કૃષ્ણ વર્મા સાથે ૧૮૭૫માં થયાં હતાં. છબીલદાસના ભાઈનું નામ દેવીદાસ હતું. તેઓ સ્વામી દયાનંદ સરસ્વતી સાથે નિકટનો સંબંધ ધરાવતા હતા. તેમનાં બીજા પત્નીથી છબીલદાસને જન્મેજય અને ભદ્રસેન નામના બે પુત્રો પ્રાપ્ત થયા. ૧૪ વર્ષની ઉંમરે જન્મેજયને લંડન મોકલ્યા અને ત્યાં તેઓ કેન્ટાબ વિશ્વવિદ્યાલયમાં એમ.એ. થઈને ભારત પાછા આવ્યા. ૧૯૧૪માં તેઓ ભારત પાછા આવે તે પહેલાં છબીલદાસ લલ્લુભાઈનું મૃત્યુ થયું હતું.

સ્વામી વિવેકાનંદ કનહેરિકેવ્ઝની મુલાકાતે

જ્યારે ૧૮૯૨માં સ્વામીજી મુંબઈની મુલાકાતે આવ્યા ત્યારે કોલાબાથી અંધેરી સુધીની રેલવે ચાલતી હતી. કનહેરિકેવ્ઝ મુંબઈથી ૨૨ કિ.મિ. દૂર છે એટલે કદાચ સ્વામીજી રામદાસ છબીલદાસ અને છબીલદાસ લલ્લુભાઈ સાથે ગ્રાન્ટ રોડથી અંધેરીની ગાડીમાં ગયા હશે. ત્યાંથી તેઓ બોરીવલી ઘોડાગાડી કે શિગ્રામમાં ગયા હશે. બોરીવલીમાં છબીલદાસ લલ્લુભાઈનો વિશાળ બંગલો હતો. બોરીવલી મુંબઈનું પરું છે. આ બંગલામાં તેમના બ્રિટિશ મિત્રો અને વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઉતારતા. સ્વામીજી પણ આ બંગલામાં કદાચ થોડા દિવસ રહ્યા હશે. અહીંથી કનહેરિકેવ્ઝ ઘણી નજીક છે. આવા મહેમાનો આવે ત્યારે પેટ્રોમેક્સથી અજવાળું કરવા માટે ચાલીસેક લોકોને રોકવામાં આવતા અને તેઓ કનહેરિકેવ્ઝમાં યોજાયેલ કોઈ ઉજાણી કે ભોજનસમારંભમાં રાંધેલી તૈયાર વાનગીઓ લઈ જતા. સ્વામીજીએ પણ આવું આતિથ્ય માણ્યું. આ માહિતી લેખને છબીલદાસ લલ્લુભાઈના વંશજ શ્રીમતી ગમવતીબેન શેઠ પાસેથી મળી. બોરીવલીમાં આવો ઉદ્યાન સાથેનો વિશાળ બંગલો દૂર હોવાથી પણ સ્વામીજી પોતાના યજમાન સાથે નેપ્યન્સી રોડ પરના સમુદ્રવિલા બંગલામાં પાછા ગયા હોય તેવી શક્યતા ઓછી છે. સ્વામીજી કંઈ અમસ્તા આવીને ચાલ્યા જાય એવા પરિવ્રાજક ન હતા. તેમણે કનહેરિકેવ્ઝની દરેકેદરેક ગુફાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હશે. એમને આવા પર્વતીય શિલ્પ કોતરકામમાં ઊંડા રસરુચિ હતા. પશ્ચિમ ભારતમાં સો થી વધારે સંખ્યામાં આવેલ કનહેરિકેવ્ઝ એ બૌદ્ધ ગુફાઓ છે. આ ગુફા નં. ૧, ૨, ૩માં આવેલા વિશાળ સ્તંભ, એના પરના કોતરકામ અને સ્તૂપ જોઈને મંત્રમુગ્ધ બની ગયા હશે. ગુફા નં.૩માં આવેલ ચૈત્યહોલ અને ૧૦ નંબરની ગુફામાં સભાખંડને જોઈને એમને ભવિષ્યમાં થનારા શ્રીરામકૃષ્ણ મંદિરના નટમંદિરની રૂપરેખાનો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે. એમના શિલ્પ કોતરકામની આગવી વિચારસરણીને વ્યક્ત કરતી સ્વામી વિજ્ઞાનાનંદજીએ તૈયાર કરેલ રૂપરેખાના શ્રીરામકૃષ્ણ મંદિર, બેલૂર મઠના (૧૯૩૮માં પૂર્ણ રીતે નિર્માણ પામેલ) ડ્રોગ્સ અને પ્લાનમાં આજે પણ સંગ્રહાયેલા છે. અહીં એ નોંધવું મહત્ત્વનું ગણાશે કે આ કનહેરિકેવ્ઝનો ઊંડો અભ્યાસ કરવા માટે તેઓ એક થી વધારે વખત એની મુલાકાતે ગયા હશે. એક જ પ્રવાસે આ બધું ઊંડાણથી જોઈ લેવું શક્ય નથી. સ્વામીજીએ અહીં નિહાળેલી આ અદ્‌ભુત કોતરણીનો મૂલ્યવાન અહેવાલ આપણને ભગિની ક્રિસ્ટીનના સંસ્મરણોમાંથી મળી રહે છે. આ ગુફાઓએ એમના ઉપર એટલો પ્રભાવ પાડ્યો હતો કે ઘણા વર્ષો પછી તેમણે ગુફાઓની મુલાકાત લીધી હતી તેનાં સંસ્મરણો યુ.એસ.એ.ના થાઉઝણ્ડ આઈલેન્ડ પાર્કમાં એકઠા થયેલા પોતાના ભક્તોને કહ્યાં હતાં.

કનહેરિકેવ્ઝ (કનહેરિની બૌદ્ધગુફાઓ)

(ભગિની ક્રિસ્ટીનના ‘સ્વામીજીનાં સંસ્મરણો’ આધારે) 

એક વખત સ્વામીજી થાઉઝણ્ડ આઈલેન્ડ પાર્કમાં હતા ત્યારે ભગિની ક્રિસ્ટીન કહે છે તેમ તેમણે કહ્યું: ‘ત્રણ બાજુએ આવેલા સમુદ્રવાળા એક ટાપુ પર ભારતમાં એક સુંદર ભવ્ય સ્થળ રચીશું. તેમાં નાની નાની ગુફાઓ રહેશે. એક ગુફામાં બે સાધકો રહી શકશે. બે ગુફાની વચ્ચે સ્નાન માટે એક વિશાળ સ્નાનઘર હશે. તેના દરેક છેડે પીવાનું પાણી લઈ જતી પાઈપલાઈન હશે. મોટા સ્તંભો પરની સુંદર કોતરણીવાળો એક મોટો સભાખંડ હશે. પૂજા માટે એક ચૈત્યખંડ પણ હશે. અરે! એ કેવું વૈભવી સ્થાન હશે. જાણે કે સ્વામીજી હવામાં કોઈ મહેલની સંરચના કરતા હોય તેમ ભગિની ક્રિસ્ટીન આનું વર્ણન કરે છે. આપણામાંથી કોઈને સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય કે સ્વામીજીનું આ સ્વપ્ન સાકાર થશે.

ત્યાર પછી ઘણા વર્ષો બાદ જ્યારે ભગિની નિવેદિતા ભારતની મુલાકાતે આવ્યા અને મુંબઈમાં ઉતર્યા ત્યારે તેણે કનહેરિકેવ્ઝના પ્રવાસે જવાની ઇચ્છા વ્યક્ત કરી. એમને આ યાત્રા વિશે શું કહેવું છે એ વાંચવું આપણા સૌ માટે ઘણું રસપ્રદ બની રહેશે. તેમણે બોરીવલીથી ગાડી પકડી અને પછી બળદગાડું ભાડે કર્યું. જ્યારે મુખ્યમાર્ગ પૂરો થયો ત્યારે ગાડાખેડુએ પણ પગે ચાલવાનું હતું. તેઓ કહે છે : ‘અમે થોડુંક અંતર કાપ્યું ને એક ઝરણા પાસે પહોંચ્યા. આ ઋતુમાં એ સાવ સુકાઈ ગયું હતું. તેની બીજી બાજુએ એક નાનો પહાડ હતો. અહીં અમને પહાડની ટોચ સુધીની પથ્થર પર સુંદર કોતરણીવાળાં પગથિયાંની હારમાળા જોવા મળી. પહાડની ટોચ પરથી દેખાતું દૃશ્ય કેવું અદ્‌ભુત અને સુંદર હતું! ત્રણેય બાજુએ વિશાળ સાગર; સુંદર અને ભવ્ય શિલ્યસ્થાપત્યવાળો સભાખંડ તેમજ ચૈત્યખંડ; પથ્થરની બે પથારીવાળી અસંખ્ય નાની ગુફાઓ; બે ગુફાઓની વચ્ચે સ્નાનાગાર અને પીવાના પાણી માટેની પાઈપલાઈન પણ ખરી! જાણે કે અનાયાસે અને અનપેક્ષાએ કોઈ સ્વપ્ન સાકાર ન થયું હોય, એવું ભવ્ય સુંદર દૃશ્ય! મેં વર્ષો પહેલાં અમેરિકામાં સાંભળેલી પરિકથાની વાતોના સાકાર રૂપ જેવી આવી એકાંત જગ્યાએ મારા મન પર જબરો પ્રભાવ પાડ્યો.’

‘મુંબઈની ઉત્તરે ૧૦ માઈલ દૂર આવેલા સાલસેત્તે ટાપુ પર કનહેરિકેવ્ઝ આવેલી છે. ત્રણ બાજુએ આવેલ મહાસાગરના વારિપ્રવાહથી અલગ પડેલો આ ભૂભાગ છે. ઈ.સ.પૂર્વે બૌદ્ધકાળમાં ૮ ટાપુ પર બૌદ્ધધર્મના સંન્યાસીઓ રહેતા. ઈ.સ. ૪માં મહાન ચૈત્ય હોલનું સુખ્યાત બુદ્ધઘોષે મંગલ ઉદ્‌ઘાટન કર્યું હતું. હોલના મુખ્ય પ્રવેશદ્વારે આ વિશેની તખ્તી લગાડેલી છે. એ સમયે આ મહાન બૌદ્ધ કેન્દ્ર હશે. બુદ્ધઘોષ કનહેરિકેવ્ઝથી સિલોન ગયા, ત્યાંથી તેઓ બર્મા ગયા અને ત્યાં બૌદ્ધધર્મ ફેલાવ્યો. સ્થાપત્ય વિદ્યાના ગ્રંથોમાંથી આપણને જાણવા મળે છે કે આ ગુફાઓની પાસેથી જ વિશાળ ધોરીમાર્ગ પસાર થતો અને ઘણા ગૃહસ્થ ભક્તોને અહીં સાધુઓની મુલાકાત લેવાની તક સાંપડતી. તેમજ તેમની પાસેથી તેઓ આધ્યાત્મિક માર્ગદર્શન અને સલાહસૂચન મેળવતા. કનહેરિકેવ્ઝ ઉચ્ચ સ્થળે આવેલ છે અને અરબી સમુદ્રથી ઘેરાયેલ છે. અહીં રહેતા સંન્યાસીઓ મુંબઈના બંદરે આવતા વહાણોને માટે જાણે કે દીવાદાંડી જેવું કાર્ય કરતા. સ્વામી સદાનંદે સ્વામીજીના કનહેરિકેવ્ઝની યાત્રાના અનુભવો આ શબ્દોમાં વર્ણવ્યા છે: ‘આ સ્થળથી એમના હૃદય પર જબરો પ્રભાવ પડ્યો. જાણે કે પોતાના પૂર્વ જીવનમાં આ સ્થળે રહેતા હતા એવી એમને સ્મૃતિ થઈ આવી. એમને એવી આશા હતી કે કોઈક દિવસ તેઓ આ પાવનસ્થળ પ્રાપ્ત કરશે અને પોતે જે ભાવિકાર્ય યોજના વિચારી હતી તેને કાર્યાન્વિત કરવાના એક કેન્દ્ર તરીકે વિકસાવશે.’

પોતાના ભાવિ કાર્ય માટે આ કનહેરિકેવ્ઝની પ્રાપ્તિ માટે તેમને પૂર્ણ શ્રદ્ધા હતી; જો તેઓ રામદાસ છબીલદાસને સ્વામીજી પોતાના ભાવિ કાર્ય યોજના માટે આ કનહેરિકેવ્ઝ આપવાનું કહે તો રામદાસ અને છબીલદાસ તેમને રાજી ખુશીથી આપી દેત. કારણ કે એ સમયે આ સ્થાવર મિલકત એમના કબજામાં હતી. 

અત્યારે છબીલદાસ લલ્લુભાઈના બોરીવલીના બંગલામાં બગીચા સાથે આરસપ્રતિમાઓ પણ છે. ગુજરાતી હોવાને નાતે એક વિશાળ હિંડોળો પણ હતો. સાંજના સમયે ઘણા લોકો સ્વામીજીની મુલાકાતે આવતા. આજુબાજુના વિસ્તારોમાંથી આવતા આ બધા ધર્મવિષયક વાતો સ્વામીજી પાસેથી સાંભળતા. આમાંના એક ચંદ્રકાંત હતા. તેઓ યુવાન હતા અને પોતાના પિતા સાથે આવતા. સ્વામીજીની વાતોથી તેઓ ખૂબ પ્રેરાયા હતા. સ્વામીજીના ગયા પછી પણ તેઓ દરરોજ આ ઘરે આવતા. સ્વામીજીની સ્મૃતિથી તેઓ ભાવુક બની પ્રણામ કરતા. આ બધું વૃદ્ધાવસ્થા પર્યંત ચાલુ રહ્યું. કેટલાક જિજ્ઞાસુઓ તેમને પૂછતા કે તેઓ શા માટે આ બંગલાને પ્રણામ કરે છે ત્યારે તેઓ જણાવતા : ‘હું જ્યારે નાનો હતો ત્યારે એક તેજોજ્વલ પ્રભાવક અને પ્રેમાળ સ્વામીને મળવાની અને એમની સાથે વાતો કરવાનું મને સદ્‌ભાગ્ય સાંપડ્યું હતું. (છબીલદાસ લલ્લુભાઈ કુટુંબના હંસાબહેન ગોરાગાંધી પાસેથી મળેલી માહિતી.) 

છબીલદાસ લલ્લુભાઈ ‘ખોટ’ બને છે

૧૯મી સદીમાં ઈસ્ટ ઈંડિયા કંપનીએ સમગ્ર ભારતમાં કાર્યભાર કરવા માંડ્યો ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમગ્ર ભારતમાં કાર્યભાર ચલાવવો એ ભગીરથકાર્ય છે. લોર્ડ મેકોલેએ અંગ્રેજી માધ્યમની નવી કેળવણી શરૂ કરી. તેની સાથે રાજકારભાર ચલાવવા માટે મહેસૂલખર્ચ વસુલ કરવા માટેની એક નવી પદ્ધતિ પણ ગોઠવી. જેને મરાઠીમાં ‘ખોટ’ કહે છે. મુંબઈના ૬૦ તાલુકામાંથી આવી મહેસૂલ વસુલ કરવા માટે એક ‘ખોટ-મહેસૂલ કચેરી’ હતી. છબીલદાસ લલ્લુભાઈને બોરીવલી, મંદેપેશવર, મગાથન અને કનહેરિ ગામની મહેસૂલ વસુલ કરવાના અધિકારી તરીકે નિમવામાં આવ્યા.

છબીલદાસ લલ્લુભાઈનો બોરીવલીનો બંગલો

બોરીવલીના પશ્ચિમભાગમાં આવેલ લોકમાન્ય ટિળક રોડ પરનો છબીલદાસ લલ્લુભાઈએ શેઠ જયરામ ભાટિયાનો બંગલો ખરીદ્યો હતો. સંભવ છે કે આ બંગલામાં સ્વામી વિવેકાનંદ રોકાયા હોય. છબીલદાસના મૃત્યુ પછી તેમનાં પત્ની કેસરબાઈ અને બે પુત્રો જન્મેજય તેમજ ભદ્રસેન વગેરે કુટુંબીજનો આ બંગલામાં રહેતાં. અત્યારે આ બંગલો ત્યાં નથી. જન્મેજયના પુત્રી હંસાબહેન ગોરાગાંધીને આ મિલકત વારસામાં મળી હતી. ત્યાં એ મકાન પાડીને તેની જગ્યાએ તેમણે એક બહુમાળી મકાન બે દસકાઓ પહેલાં બાંધ્યું હતું.

છબીલદાસ લલ્લુભાઈની ઉદાર દાનવૃત્તિ

છબીલદાસ લલ્લુભાઈએ અઢળક કમાણી કરી હતી. છતાંયે તેઓ સદ્‌ભાવના અને સર્વ કલ્યાણની ભાવના ધરાવતા હતા. ૧૮૭૪ના પ્લેગમાં તેમણે પ્લેગથી રક્ષણ મેળવવા માટે ગોરેગાઁવમાં એક આશ્રયસ્થાન બાંધ્યું હતું. ત્યાર પછીના દુષ્કાળમાં તેમણે એક વર્ષ સુધી કેટલાય દુષ્કાળ પીડિતો અને અનાથ લોકોને આશ્રય અને અન્નવસ્ત્ર આપ્યાં હતાં. ગુજરાતી વેપારીઓ દ્વારા મુંબઈમાં ૪૩ જેટલાં રામમંદિરોનું નિર્માણ થયું હતું, ૫ મંદિરો સાધુ સંન્યાસીઓએ બંધાવી આપ્યાં હતાં. છબીલદાસભાઈએ ગુલાલવાડીમાં રામમંદિર બાંધી આપ્યું. એમની છેલ્લી છેલ્લી ઇચ્છા પ્રમાણે સાર્વજનિક હોસ્પિટલ, હિંદુઓ માટે સેનેટોરિયમ, ગરીબ હિંદુઓ માટે ભોજનાલય અને ઉતારાની વ્યવસ્થા, ઔદ્યોગિક કે ટેકનિકલ સ્કૂલ્સ, કોલેજોના બાંધકામ થયાં હતાં.

૧૯૨૪માં એમની ઇચ્છા મુજબ એમના પુત્ર જન્મેજયે છબીલદાસ લલ્લુભાઈ બોયઝ હાઈસ્કૂલ, દાદર માટે ૧.૩૦ લાખ રૂપિયા આપ્યા. અત્યારે અહીં ૩૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સુખ્યાત ક્રિકેટવીર અજીત વાડેકર આ શાળાના વિદ્યાર્થી હતા. આ શાળાથી તિલક બ્રીજ સુધીના માર્ગને છબીલદાસ લલ્લુભાઈ માર્ગનું નામ અપાયું છે. બોરીવલી સ્ટેશનની પશ્ચિમે શ્રીમતી ભણશાળી કેસરબાઈ છબીલદાસ લલ્લુભાઈ મેટરનિટિ હોસ્પિટલ પણ બાંધી છે. લંડનમાં ‘ઈંડિયા હાઉસ’ના બાંધકામ માટે છબીલદાસે મોટું દાન આપ્યું હતું. વીર સાવરકર જેવા સ્વાતંત્ર્યવીરો આ ઈંડિયા હાઉસમાં રહેતા અને અભ્યાસ તેમજ સ્વાતંત્ર્યની લડત માટે બધી સુવિધાઓ મેળવતા. (સંદર્ભ : નવકલા છબીલદાસ હાઈસ્કૂલ શતાબ્દિ મહોત્સવ કાર્યક્રમ)

સ્વામીજી અને છબીલદાસ લલ્લુભાઈ

‘લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ બાય ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિસાયપલ્સ’માં રામદાસ છબીલદાસ અને છબીલદાસ લલ્લુભાઈને એક વ્યક્તિ તરીકે નિરુપ્યા છે. પરંતુ તેઓ પુત્ર અને પિતા હતા. સ્વામીજી રામદાસ છબીલદાસને ‘રામદાસ’ના નામે અને છબીલદાસ લલ્લુભાઈને ‘છબીલદાસ’ના નામે સંબોધતા. આ જ પુસ્તકના પૃ. ૪૦૨ ઉપર સ્વામીજી સાથે બોસ્ટર્ન સુધી જનાર છબીલદાસ લલ્લુભાઈનો ઉલ્લેખ ‘લાલુભોય’ એવો કર્યો છે. તેઓ સ્વામીજીના જાપાન સુધી અને શિકાગો અને બોસ્ટર્ન સુધીના સહયાત્રી હતા. ઉપર્યુક્ત ગ્રંથના પૃ.૩૯૧ પર એ જોવા મળે છે કે છબીલદાસ જાપાન જવા ‘પેનિનસ્યુલર’ જહાજમાં બેસીને ગયા હતા. ૨૨ મે, ૧૮૯૩ના સ્વામીજીએ મુંબઈથી ખેતડીના મહારાજાને લખેલા અપ્રગટ પત્રમાં આવો ઉલ્લેખ છે : ‘તેના (રામદાસના) પિતા ૩૧ મે, ૧૮૯૩ ના રોજ શિકાગો જવા ઇચ્છે છે. અને જો આમ બને તો અમે સાથે જ જઈશું.’

૨૦ ઓગસ્ટ ૧૮૯૩ના રોજ મેટકાફ, મેસેચ્યુસેટ્‌સથી સ્વામીજીએ આલાસિંગાને લખેલા પત્રમાં આવો ઉલ્લેખ છે : ‘શ્રીલલ્લુભાઈ મારી સાથે બોસ્ટર્ન સુધી હતા. તેઓ મારા પ્રત્યે ઘણા માયાળુ રહ્યા.’ એ જ પત્રમાં તેઓ લખે છે : ‘રામદાસના પિતા ઈંગ્લેન્ડ ગયા છે. તેઓ ઉતાવળે ઘરે જવા માગતા હતા. તેઓ હૃદયથી સજ્જન હતા પણ દેખાવે વાણિયા જેવા કોરા લાગતા હતા.’

૬-૧૦-૧૮૯૩ના રોજ મુંબઈથી અક્ષયકુમાર ઘોષે ખેતડીના દિવાન શ્રી જગમોહનલાલજીને પત્રમાં આ પ્રમાણે લખ્યું હતું. મારા છેલ્લા પત્રના અનુસંધાને સ્વામીજી વિશેના વિવિધ સમાચાર જણાવતા મને આનંદ થાય છે. હું હમણાં જ શ્રી છબીલદાસ પાસેથી પાછો ફર્યો છું. એમની પાસેથી મને સવારે સ્વામીજી વિશે ઘણી વિગતવાર માહિતી મળી છે. તેઓ બોસ્ટન સુધી સ્વામીજી સાથે જ હતા.’ અક્ષયકુમાર સેન એ પત્રમાં ઉમેરે છે : ‘જુદા પડતી વખતે છબીલદાસે તેમની પાસે કેટલી રકમ છે, એમ પૂછ્યું. સ્વામીજી પાસે માત્ર ૧૦૦ (ડોલર) હતા. આ રકમ ઈંગ્લેન્ડ કરતાં પાંચ ગણા મોંઘા દાટ શિકાગો જેવા શહેરમાં ત્રણ કે ચાર દિવસ રહેવા માટે પૂરતી ગણાય, એમ છબીલદાસને લાગ્યું. સ્વામીજીએ જણાવ્યું કે જો શક્ય બને તો તેઓ યુરોપમાં એકાદ વર્ષ સુધી રહેશે. પરંતુ બોસ્ટનમાં છબીલદાસે એમને કોઈ આર્થિક સહાય જોઈતી હોય તો તેઓ લંડનમાં એમની પેઢીને તાર કરીને જણાવે. અને તેઓ પોતાના લંડનના એજન્ટને આ જાતની સૂચના પણ આપી દેશે એવી રજૂઆત કરી હતી. ન્યુયોર્કથી એમણે સ્વામીજીને બે વખત તાર કર્યા હતા પણ એનો પ્રત્યુત્તર ન મળ્યો. વળી પાછા લંડનથી સ્વામીજીએ તેઓ પોતાની સાથે ભારત જવા આવી શકે કે કેમ એ વિશે પૂછ્યું. તેનો એમને આવો પ્રત્યુત્તર સાંપડ્યો: ‘મારી રાહ જોશો નહિ. હું ઘણા દીર્ઘ સમય પછી જવાનો છું.’

સ્વામીજી પોતાના મિત્રો અને શિષ્યોને યુએસએમાં કંઈક ચીજવસ્તુઓનો વેપાર ધંધો કરવાનું કહેતા. છબીલદાસ લલ્લુભાઈની વ્યાપાર જગતની સફળતા જોઈને સ્વામીજીએ આવું વિચાર્યું હશે. એટલે તેઓ આવા વ્યાપાર વણજ અને સાહસની પ્રકૃતિની હંમેશાં પ્રસંશા કરતા. છબીલદાસ ૫ ડિસેમ્બર, ૧૯૧૪ના રોજ ૭૭ વર્ષની વયે મુંબઈમાં અવસાન પામ્યા.

છબીલદાસના પુત્રી ભાનુમતિ બહેનના પતિ શ્યામજી કૃષ્ણ વર્મા

‘લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ બાય ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિસાયપલ્સ’ના ગ્રંથ-૧માં આપણને જાણવા મળે છે કે ૭ ઓગસ્ટથી ૨૭ ઓક્ટોબર, ૧૮૯૧ સુધી સ્વામીજી ખેતડીમાં હતા. ત્યાર પછી તેઓ અજમેર ગયા. શ્રી હરવિલાસ શારદા એમનાં સંસ્મરણોમાં કહે છે : ‘સ્વામીજી અજમેરમાં ત્રણથી ચાર દિવસ સુધી તેમના અતિથિ હતા. ત્યાર પછી તેઓ બિયાવર ગયા. શ્યામજીકૃષ્ણ વર્મા નામના એક બહુશ્રુત વિદ્વાન એ વખતે અજમેરમાં રહેતા. પરંતુ સ્વામીજી જ્યારે મારે ત્યાં હતા ત્યારે તેઓ મુંબઈ હતા. તેઓ જ્યારે પાછા ફર્યા ત્યારે મેં એમને સ્વામીજીની વિદ્વત્તા, દેશભાવના અને વાક્‌છટાની વાત કરી. તેઓ બે ત્રણ દિવસ પહેલાં જ અહીંથી નીકળી ગયા અને અત્યારે બિયાવરમાં છે. પંડિત શ્યામજીકૃષ્ણ વર્મા બીજે જ દિવસે બિયાવર જઈ અને સ્વામીજીને પાછા અજમેર લાવવાનું વચન આપતા ગયા. અને ત્યાર પછીના દિવસે તેઓ સ્વામીજી સાથે અજમેર પાછા આવ્યા. સ્વામીજી એમના ઘરે ૧૦ થી ૧૫ દિવસ સુધી મહેમાન રૂપે રહ્યા અને હું દરરોજ સ્વામીજીને શ્યામજીકૃષ્ણ વર્માના બંગલે મળતો. સાંજના અમે ત્રણેય સાથે જ ટહેલવા નીકળતા. આ બે બહુશ્રુત વિદ્વાનોનો સંગાથ એ મારા જીવનની સૌથી વધુ સુખદ પળો હતી… સ્વામીજી સાથે અમારે અત્યંત રસપ્રદ વાતો થતી તે આજે પણ મને યાદ છે. તેમની વાક્‌છટા, દેશદાઝભર્યું તેમનું મનોવલણ અને અત્યંત આનંદદાયી અને વિનમ્ર રીતભાતે મારા પર મોટો પ્રભાવ પાડ્યો હતો અને હું એ બધાથી ખુબ આનંદ અનુભવતો. જ્યારે શ્યામજીકૃષ્ણ વર્મા અને સ્વામીજી સંસ્કૃત સાહિત્ય કે તત્ત્વજ્ઞાનની બાબતોની ચર્ચા કરતા ત્યારે હું એક શ્રોતા તરીકે એ બધું માણતો. બે સપ્તાહ સુધી સ્વામીજી શ્યામજીકૃષ્ણ વર્મા સાથે રહ્યા હતા. એ જ વાત બતાવે છે કે તેઓ બંને સમાન રસરુચિ ધરાવતા હતા. બંનેને ભારત માટે અગાધ પ્રેમ હતો અને એના પુનરુત્થાન માટે ઊંડી શ્રદ્ધા હતી. જો કે બંનેએ એ માટેનાં સાધનો જુદા જુદા અપનાવ્યા હતા. બંનેની વિચારસરણી ભિન્ન હતી. એ અહીં આપેલા શ્યામજી કૃષ્ણ વર્માના જીવન પરથી ખ્યાલ આવી શકે.

શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ૪ ઓક્ટોબર, ૧૮૫૭ના રોજ કચ્છ-માંડવીમાં થયો હતો. તેઓ કચ્છી ભણશાળી હતા. ગુજરાતમાં ભગવાન કૃષ્ણ એ ઈષ્ટદેવ ગણાય છે એટલે છોકરાનું નામ શ્યામજી રાખવામાં આવ્યું. એમના પિતાનું નામ કૃષ્ણ વર્મા હતું. બાળપણથી જ તેઓ અભ્યાસમાં નિપુણ હતા. એમના દાદીમાએ એને મુંબઈમાં ઉચ્ચ અભ્યાસ માટે મોકલ્યા. તેમણે ત્યાં વિલસન હાઈસ્કુલમાં અભ્યાસ કર્યો. તેઓ હંમેશાં વર્ગમાં પ્રથમ રહેતા. તેઓ સંસ્કૃત ભાષામાં નિપુણ બન્યા. તેમણે રામદાસ છબીલદાસ સાથે મૈત્રી કેળવી. ૧૮૭૫માં શ્યામજી કૃષ્ણ વર્મા રામદાસની ૧૩ વર્ષની પુત્રી ભાનુમતી સાથે પરણ્યા. ૧૯મી સદીની છેલ્લી પચ્ચીસીમાં મુંબઈમાં જે કંઈ સમાજસુધારણા કે ધર્મ સુધારણાની પ્રવૃત્તિ ચાલી તેના પર આર્યસમાજની મોટી અસર હતી. બ્રાહ્મણોના પંજામાંથી સનાતન હિંદુધર્મને અલગ કરવાનો આર્યસમાજનો હેતુ. આ ઉપરાંત સમાજમાં ફેલાયેલા દૂષણો જેવાં કે અસ્પૃશ્યતા, બાળલગ્ન, બાળવૈધવ્ય, સતીપ્રથા અને મૂર્તિપૂજાને દૂર કરવાનો આર્યસમાજે પ્રયાસ કર્યો છે. આ ચળવળને મુંબઈના વેપારી સમાજે ટેકો આપ્યો. આવા ઉદાત્ત હેતુ સાથે ઉદારદિલના સુધારકોએ બ્રાહ્મણેત્તર વર્ણના બુદ્ધિશાળી વિદ્યાર્થીઓને સંસ્કૃતના અભ્યાસ માટે આર્થિક સહાયની પણ ઘોષણા કરી.

આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી હતા. શ્યામજીકૃષ્ણ વર્મા તેમના નિકટના સંપર્કમાં આવ્યા અને તેઓ આર્યસમાજી બની ગયા. તેમની કુશાગ્રબુદ્ધિથી દયાનંદ સરસ્વતી આકર્ષાયા અને તેમને પોતાના એક વફાદાર અનુયાયી બનાવ્યા તેમજ એમના વતી બીજાં ઘણાં કાર્યો કરવા માટે તેમણે તેમને આદેશ આપ્યો. આ સમય દરમિયાન બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપકની જરૂર હતી. વિદ્વાન સર મોનિયર વિલિયમ્સે દયાનંદ સરસ્વતીને આવા નિપુણ શિક્ષકને મોકલવા વિનંતી કરી. શ્યામજીકૃષ્ણ વર્માની પસંદગી કરવામાં આવી અને તેઓ બ્રિટન ગયા. અધ્યાપન કાર્યની સાથે એમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને તેઓ બેરિસ્ટર બન્યા. સંસ્કૃત અંગ્રેજી ભાષાનો વિશાળ શબ્દકોશ તૈયાર કરવામાં તેમણે સર મોનિયર વિલિયમ્સની ઘણી સહાય કરી. મુંબઈ પાછા ફરીને તેમણે મુંબઈની હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. ત્યાર પછી તેઓ રતલામ, ઉદયપુર અને જુનાગઢ રાજ્યના દિવાન પણ બન્યા હતા. તેઓ સ્વાતંત્ર્ય વીરોને સાર્વત્રિક અને ઉદારદિલે સહાય કરતા. અંગ્રેજો આથી મુંઝાણા અને તેમની ધરપકડ કરવા માટે કાવતરા કરવા લાગ્યા. ક્યારેક ક્યારેક તેઓ પકડાઈ પણ જતા, પરંતુ છબીલદાસ લલ્લુભાઈના જમાઈ હોવાને લીધે તેઓ છૂટી પણ જતા. આ સમય દરમિયાન દયાનંદ સરસ્વતી મહાસમાધિ પામ્યા. એમની પ્રેરણાએ શ્યામજીકૃષ્ણ વર્મા પર જબરો પ્રભાવ પાડ્યો હતો. તેમણે જોયું કે ભારતની સ્વાતંત્રતા માટેના બીજ તો વવાઈ ચૂક્યા છે. હવે કોઈકે ઈંગ્લેન્ડ જવું જોઈએ અને ત્યાં રહીને ભારતની મુક્તિ માટે એવા કાર્ય કરવાં જોઈએ કે જેથી આ બીજ અંકુરમાંથી ફળદાયી વૃક્ષ બને. આ હેતુથી ૧૮૯૭માં તેઓ પોતાનાં પત્ની સાથે બ્રિટન જવા ઉપડ્યા. એમની આર્થિક સ્થિતિ ઘણી સારી હતી. મુંબઈમાં હતા ત્યારે શેરબજારમાંથી ઘણું કમાણા હતા. એ સમય દરમિયાન એમને ત્રણ કાપડ મિલો હતી. તે મિલો ઘણું સારું ઉત્પાદન કરતી અને એમાંથી સારું એવું વળતર પણ મળતું. આ બધી સંપત્તિ એમણે ભારતને સ્વતંત્ર કરવાની પ્રવૃત્તિઓ પાછળ વાપરી. ૧૯૦૩માં જ્યારે તેઓ ઈંગ્લેન્ડમાં હતા ત્યારે તેમણે દયાનંદ સરસ્વતી, છત્રપતી શિવાજી અને મહારાણા પ્રતાપને નામે શિષ્યવૃત્તિઓ આપવાની જાહેરાત કરી. આ શિષ્યવૃત્તિ માટે એમણે એક શરત રાખી હતી. શરત એ હતી કે જેમને આ શિષ્યવૃત્તિ મળે તેમણે અંગ્રેજ સરકારની નોકરી સ્વીકારવી નહિ અને ભારતની આઝાદીની લડતમાં જોડાઈ જવું. આ શિષ્યવૃત્તિ મેળવનારાઓમાં વીર સાવરકર, રાનડે, બાપટ જેવા રાષ્ટ્રવીરો હતા.

શ્યામજીકૃષ્ણ વર્મા માનતા હતા કે હિંદુ મુસ્લીમ વચ્ચે સમભાવ હોવો જોઈએ અને એના માટે જ તેમણે કામ કર્યું. આ ઉદાત્ત હેતુને ધ્યાનમાં રાખીને તેમણે બહાદુરશાહ ઝફર અને ટીપુ સુલતાનની સ્મૃતિમાં ફેલોશિપ યોજનાની ઘોષણા પણ કરી. લંડનમાં તેઓ મહાન વિચારક હર્બર્ટ સ્પેન્સરને પણ મળ્યા. તેમના વિચારોથી તેઓ ઘણા પ્રભાવિત થયા અને તેઓ બંને મિત્રો બન્યા. શ્યામજીકૃષ્ણ વર્માએ ‘ઈંડિયન સોસિયોલોજીસ્ટ’ નામનું એક સામયિક પણ શરૂ કર્યું. આ સામયિક દ્વારા ભારતની સ્વાતંત્ર્યની લડતને સાચું સ્થાન મળ્યું એટલું જ નહિ પરંતુ ભારતીય લોકોને સ્વાતંત્ર્યવીર બનવા માટેની પ્રેરણા આપતું એક મોટું સાધન બની ગયું. ૧૯૦૫માં એમણે ‘હોમ રૂલ સોસાયટી’ની સ્થાપના કરી. તેનો મુખ્ય હેતુ હતો ભારતની સ્વતંત્રતા માટે કાર્ય કરવું અને એ ઉદ્દેશ માટે પ્રચાર પ્રસાર કરવો. ૧૯૦૫ના જુલાઈમાં લંડનની બાજુમાં જ એક વિશાળ બંગલો બંધાવવામાં આવ્યો અને એનું નામ રાખવામાં આવ્યું ‘ઈંડિયા હાઉસ’. આ બંગલાના ભોંયતળિયે સ્વાતંત્ર્યવીરો રહેતા. અહીં જ ભારતની સ્વતંત્રતા માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ અને તેની કાર્યયોજનાઓની રૂપરેખા ઘડાતી. અહીંથી જ એ માટેનું સાહિત્ય બોંબ જેવી સ્ફોટક સામગ્રી અને જાહેર પ્રચારનું સાહિત્ય ભારતમાં મોકલવામાં આવતું. આ બધી પ્રવૃત્તિઓને લીધે બ્રિટિશરો શ્યામજીકૃષ્ણ વર્માને પકડવા માગતા હતા પરંતુ તેઓ એવું કરી શકે તે પહેલાં તેઓ પેરિસ ઉપડી ગયા અને ત્યાંથી સ્વીટ્‌ઝરલેન્ડના જિનીવામાં ગયા. મહાત્મા ગાંધીજી પહેલાં શ્યામજીકૃષ્ણ વર્મા સ્વાતંત્ર્ય વીરોના એક અગ્રણી તરીકે રાષ્ટ્રમાં જાણીતા હતા. મેક્સિન ગોર્કી તેમને ભારતના મેઝિનિ કહ્યા છે.

૩૧ મે, ૧૯૩૦ના રોજ શ્યામજીકૃષ્ણ વર્માનું જિનીવામાં નિધન થયું. ત્યાં એમની સમાધિ પણ છે. તેમના મૃત્યુ પછી તેમનાં પત્ની ભાનુમતી જિનીવામાં રહેતાં અને પોતાના પતિના કાર્યોની જાત દેખરેખ રાખતાં. એ કાર્યોને વધારે આગળ ધપાવવા માટે પણ તેમણે ખાસ રસ દાખવ્યો. તેમણે બધાં વિરલ સંસ્કૃત ગ્રંથો સોન્બોર્ન વિશ્વવિદ્યાલયને અર્પણ કરી દીધા. ૧૯૩૫માં એમણે ‘કૃષ્ણ વર્મા ફાઉન્ડેશન’ની સ્થાપના કરી અને ૯૦,૦૦૦ ફ્રાંક્સ તેમણે શિષ્યવૃત્તિ માટે દાનમાં આપ્યા. તેમનું અવસાન જિનીવામાં થયું હતું. મૃત્યુ વખતે શ્યામજીકૃષ્ણ વર્માએ પોતાના અસ્થિને ભારત મોકલવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ૨૦૦૩ના ઓગસ્ટમાં એમના અસ્થિકુંજને ભારતમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એમને ભારતમાં લાવવામાં આવ્યા. ૨૦૦૩ના સપ્ટેમ્બરમાં કચ્છના હવાઈ મથકને ‘શ્યામજીકૃષ્ણ વર્મા એરપોર્ટ’ એવું નામ અપાયું.

Total Views: 82

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.