રામકૃષ્ણ મિશન – આશ્રમ, પટણા દ્વારા રામકૃષ્ણ મિશન – શતાબ્દિવર્ષના ઉપલક્ષ્યમાં પ્રકાશિત સ્મરણિકામાં મૂળ અંગ્રેજીમાં સ્વામી પૂર્ણાત્માનંદજીએ લખેલ લેખનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

લંડનની ત્રીસ વર્ષની એક યુવતી માર્ગારેટ ઈલીઝાબેથ નોબલ, હજારો માઈલોનો સમુદ્રનો દિવસોના દિવસોનો પ્રવાસ ખેડી પોતાના ભારતીય ગુરુ સ્વામી વિવેકાનંદનાં ચરણોમાં સમર્પિત થવા તા. ૨૮ જાન્યુઆરી ૧૮૯૮ના રોજ કોલકાતા પહોંચે છે, એ બનાવ જગતના આધ્યાત્મિક ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે. લંડન અને કોલકાતા વચ્ચે સ્થૂળ અંતર ખૂબ હતું એટલું જ નહિ, પરંતુ આ બે દેશો વચ્ચે જે સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય અને આર્થિકક્ષેત્રે મહાસાગર જેટલું અંતર હતું તે શ્રદ્ધા વડે ઓળંગવાનું હતું. કેટલીક બાબતોમાં આ બે દેશોની પ્રજાનાં જીવન વચ્ચેનો તફાવત તો અનુલ્લંઘનીય હતો. પરંતુ મિસ માર્ગારેટ, જેઓ પછીથી સિસ્ટર નિવેદિતાનાં પ્રિય નામથી જાણીતાં થયાં, તેઓ આ બધી ખડક જેવી વાસ્તવિકતાઓને સમજી વિચારીને કોલકાતા પહોંચ્યાં.

માર્ગારેટ અને તેમની બે સખીઓ બેલૂરમઠની નજીકના એક જૂના મકાનમાં રહ્યાં. મકાનને થોડું વ્યવસ્થિત કરાયું. સ્વામીજી સૌ પ્રથમ તેમને શ્રીમાને મળવા લઈ ગયા. તેઓ તે વખતે ૧૦/૨, બોઝપરા લેઈન, બાગબઝારમાં એક ભાડાનાં મકાનમાં રહેતાં હતાં. જોગાનુજોગ તે સેન્ટ પેટ્રિકનો દિવસ, ૧૦ માર્ચ ૧૮૯૮નો પવિત્ર દિવસ હતો. માર્ગારેટની આંખોએ શ્રીમાનાં દિવ્યચક્ષુનાં સૌ પ્રથમ દર્શન કર્યાં. તેમણે શ્રીમાના ચરણમાં સમર્પણભાવે સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કર્યા. શ્રીમાએ તેમને ઊભાં કરી પોતાની છાતી સરસાં ચાંપીને ભેટ્યાં. જાણે ઘણા સમયથી દૂર સુદૂર રહેતી પોતાની દીકરી જ આવી હોય તેવા પ્રેમથી નીતરતા હૈયે શ્રીમાએ તેમને આવકાર્યાં. શ્રીમાના વ્હાલપભર્યાં ચુંબનથી નિવેદિતાએ દિવ્યરોમાંચ અનુભવ્યો. તેમનું મસ્તક શ્રીમાના પવિત્ર હાથનો સ્પર્શ પામી ધન્ય થઈ ગયું. એક અગાધ શાંતિ અને આનંદ તેમનાં સમગ્ર શરીરના રોમે રોમમાં અનુભવાયાં. તેમનું હૃદય પ્રેમથી છલકાઈ ગયું. સિસ્ટર નિવેદિતા સાથે બીજી બે વિદેશી મહિલાઓ મિસિસ સારા ઓલે બુલ તથા મિસ જોસેફાઈન મેક્લાઉડ પણ આવેલાં. શ્રીમાએ ત્રણેયને ‘મારી દીકરી’ના વ્હાલસોયા શબ્દોથી નવાજ્યાં. તેઓ ઘરમાં પ્રવેશ્યાં. પ્રથમ તો શ્રીમાએ પશ્ચિમની રીતે તેમની સાથે હાથ મીલાવ્યા. પછી હાજર રહેલ સૌના આશ્ચર્ય વચ્ચે શ્રીમાએ આ ત્રણેય વિદેશી મહિલાઓ સાથે બેસીને ભોજન કર્યું. પોતાનાં નાનાં બાળકને ખવરાવે તેમ શ્રીમાએ હોતાના હાથે તેમના મોઢામાં મીઠાઈ મૂકી અને પછી જળ પાયું. તેમણે એવા જ આચરણથી પ્રતિસાદ આપ્યો. તે સમયના હિંદુ સમાજમાં તો આવું કાર્ય અત્યારે જેની કલ્પના કે વિચાર પણ ન કરી શકાય તેટલું હલકું ગણાતું. વિદેશી મહિલાઓ જેઓ વિદેશી ધર્મ પાળતી તેમની સાથે બેસી ભોજન કરવું એ અધાર્મિક જ નહિ, પણ પાપકર્મ ગણાતું, પરંતુ તેમની સાથે એક પંગતે બેસી ભોજન લેવાનાં શ્રીમાના કાર્યનું રહસ્ય ગહન હતું. આમ કરીને તેમણે તેઓને હિંદુ સમાજમાં સર્વસ્વીકૃતિ અને સર્વને સમાવવાની જાણે મંજૂરી આપી હતી. સ્વામીજી પોતે પણ આની કલ્પના સુધ્ધાં પણ કરી શક્યા નહિ. તેઓ તે વખતે નીચે જ હતા આ આખા પ્રસંગનું વર્ણન સાંભળી ગળગળા થઈ ગયા. પાછળથી પોતાના માર્ચ ૧૮૯૮ના સ્વામી રામકૃષ્ણાનંદજી પરના પત્રમાં તેમણે લખ્યું, ‘શ્રીમા હાલ અહીં છે. યુરોપ અને અમેરિકાથી આવેલ મહિલાઓ તેમને મળવા ગઈ. તમને જાણીને નવાઈ લાગશે કે શ્રીમાએ તેમની સાથે બેસી ભોજન કર્યું! કેવું ભવ્ય!’

માર્ગારેટે તેમની ડાયરીમાં આ દિવસની ‘એક અતિ વિશિષ્ટ દિવસ’ – જીવનનો શ્રેષ્ઠ દિવસ, રૂપે નોંધ કરી. શ્રીમાનાં દર્શન બાદ સ્વામીજી સાથે માર્ગારેટ અને તેમનાં મહિલા સાથીઓ, એક હોડી દ્વારા બેલુર મઠ ગયાં. આ પ્રવાસ દરમ્યાન જ સ્વામીજીએ માર્ગારેટને દીક્ષા આપીને ‘બ્રહ્મચર્ય’માં પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો. આપણને લાગે કે માર્ગારેટ શ્રીમાને મળે તેની અને તેમને વિધિવત્‌ આશ્રમ જીવનમાં પ્રવેશ અપાય તેવા મહત્વના નિર્ણય પહેલાં સ્વામીજી મનોમન તે વિશેના શ્રીમાના પ્રતિભાવની રાહ જોતા હતા. જેવી તેમને ખાતરી થઈ કે શ્રીમાએ તેમને પ્રેમથી સ્વીકૃતિ આપી છે કે તરત તેમણે પોતાનો નિર્ણય માર્ગારેટને જણાવ્યો.

શ્રીમાએ તો પોતાની ત્રણેય વિદેશી દીકરીઓનું સમાનભાવે સ્વાગત કર્યું હતું, તેમ છતાં આપણને થાય કે આ ‘સર્વની જનનીને’ માર્ગારેટ માટે કોઈ અગમ્ય ‘વિશેષ લાગણી’, એક ‘વિશેષ પ્રેમ’ હતાં અને તેમનાં હૃદયમાં તેને માટે એક વિશિષ્ટ સ્થાન હતું. તે એટલા માટે કે એક દેવી જેવાં સૌંદર્યવાળી આ બ્રિટીશ કન્યા પોતાના પ્રિય નરેનની પુત્રી જ હતી. માત્ર નરેનનો સાદ સાંભળી, પોતાની પ્રિય માતૃભૂમિનો ત્યાગ કરીને પોતાનાં કુટુંબીઓ, સ્વજનો, મિત્રો – સર્વસ્વનો ત્યાગ કરીને તે આ દૂરસુદૂરની અજાણી ભૂમિ પર, ભારતીય નારીના ઉત્થાનના કાર્ય માટે જ આવી હતી.

શ્રીમા બેલૂરમઠની મુલાકાતે આવેલાં. ૭ એપ્રિલ ૧૮૯૮ના સવારે તેઓ નીલાંબર મુખરજીના ઘરે ઊતર્યાં હતાં. સ્વામી બ્રહ્માનંદની ખાસ વિનંતીનો આદર કરીને, તેમણે મઠ માટે નવી ખરીદેલી ભૂમિ પર પોતાના પાવન પગલાં મૂક્યાં. શ્રીમુખરજીના ઘેરથી આ નવા બંધાનાર મઠ સુધી તેઓ હોડી દ્વારા આવ્યાં. હોડી મઠ પાસેના ઘાટે પહોંચતાં જ, ત્યાં ઉપસ્થિત માર્ગારેટ, મિસિસ ઓલે બુલ તથા મિસ મેક્લાઉડે તેમનું ભાનભીનું સ્વાગત કર્યું અને નવી ખરીદેલ ભૂમિ બતાવવા તેમને લઈ ગયાં. તે વખતે સ્વામીજી પોતાની માંદગી પછી આરામ કરવા દાર્જીલિંગ ગયા હતા. તે પહેલાં જ માર્ગારેટને વિધિવત્‌ દીક્ષા આપી ‘નિવેદિતા’ એવું એમનું સૂચક નવું નામાભિધાન કરવામાં આવ્યું હતું. તા. ૨૫ માર્ચના રોજ સ્વામીજી તેમને શ્રી નીલાંબર મુખરજીના મકાનના ‘જુના મઠ’ના મંદિરમાં લઈ ગયા હતા, તેમને ‘બ્રહ્મચર્ય’ની વિધિવત્‌ દીક્ષા આપી, ‘નિવેદિતા’ એવું નામાભિધાન કર્યું હતું. માર્ગારેટના આ રીતે થયેલા ‘નવા જન્મ’ તથા શ્રીમા શારદાદેવીના તેમના પ્રત્યે અત્યંત સ્વાભાવિક પ્રેમની વાત જાણી રવીન્દ્રનાથ ટાગોરની તે વખતે ખૂબ જાણીતી નવલકથા ‘ગોરા’માં માર્ગારેટ અને શ્રીમાની જ કથા ‘ગોરા’ અને ‘આનંદમયી’નાં પાત્રોમાં ચિરંજીવ અભિવ્યક્તિ પામી છે.

શ્રીમાનાં સૌ પ્રથમ દર્શન પછી નિવેદિતાએ તેમના તા. ૨૨ મે ૧૮૯૮ના પત્રમાં પોતાનો સૌ પહેલો પ્રતિભાવ જણાવ્યો છે. પોતાની પ્રિય બહેનપણી મિસિસ નીલ હમોન્ડને તેમણે લખ્યું, ‘‘શ્રીરામકૃષ્ણદેવનાં પત્ની, જેમનું નામ શારદા છે તેમને વિશે આજે તને લખું છું. ૫૦ વર્ષ નીચેની ભારતીય વિધવાની પેઠે તઓ સફેદ સુતરાઉ વસ્ત્ર પહેરે છે. આ વસ્ત્ર આપણા ‘સ્કર્ટ’ની પેઠે કમ્મરને વીંટાળાય છે, પછી તેને આખા શરીર પર વીંટળાય છે, અને આપણી ખ્રારિસ્તી સાધ્વીઓ પેઠે માથાની આસપાસ બુરખાની જેમ પહેર્યું હોય છે. (ભારતીય સાડી અને લાજ ઘૂમટાનું આ વર્ણન છે.) કોઈ પુરુષ સાથે તેઓ વાત કરે ત્યારે પુરુષ તેમની પાછળ ઊભો રહે છે અને તેઓ લાજનો ઘૂમટો તાણી પોતાના ચહેરાને ઢાંકી દે છે. તેઓ તેની સાથે પ્રત્યક્ષ વાત કરતાં નથી. તેઓ પ્રથમ એક વૃદ્ધ મહિલાને પોતાનો જવાબ બહુ ધીમેથી કાનમાં કહે છે, અને તે મહિલા પુરુષને ઉત્તર આપે છે. આથી જ મારા ગુરુદેવ સ્વામી વિવેકાનંદે પણ કદી શ્રીમાના મુખને જોયું નથી! તે ઉપરાંત તેઓ હંમેશા જમીન પર નાની સાદડી પર જ બેસે છે. આ બધું તને તો અપ્રતીતિકર લાગશે. પરંતુ આપણે તેમને જાણીએ ત્યારે જ ખબર પડે કે આ સન્નારી સામાન્ય સમજ અને વ્યવહારુતાની મૂર્તિ છે. જેઓ તેમના સંપર્કમાં આવે છે તેમને તેઓ ઊંડી સમજ આપે છે. કોઈપણ કાર્ય કરતાં પહેલાં શ્રીરામકૃષ્ણ તેમની સલાહ લેતા, અને તેમના શિષ્યો પણ શ્રીમાની સલાહનો સંપૂર્ણ અમલ કરે છે. તેઓ એટલાં મૃદુ, મીઠપથી ભર્યાં ભર્યાં અને એક બાળકી જેવાં પ્રફુલ્લિત છે.’

શ્રીમા ‘એક બાળકી જેવાં પ્રફુલ્લિત’ છે તે વાતની પ્રતીતિ કરાવતો નિવેદિતા એક પ્રસંગ નોંધે છે. ‘એક દિવસ અમે શ્રીમાના ખંડમાં ઉપર હતાં અને સ્વામીજી નીચે હતા. મેં હઠ કરી કે સ્વામીજી તરત ઉપર આવીને અમને મળે, નહિ તો અમે અમારે નિવાસે જતાં રહેશું. સ્વામીજીએ એક શિષ્ય દ્વારા જવાબ મોકલાવ્યો કે તેમને આવતાં થોડું મોડું થશે. આ જવાબ સાંભળી મેં તો ત્યાંથી તરત રવાના થવા મારાં ચંપલ પહેરવા માંડ્યાં. આ જોઈ ચકિત થયેલ શિષ્ય તો ગભરાઈને સ્વામીજીને ઉપર લાવવા હાંફળો ફાંફળો જે રીતે દોડ્યો તે જોઈ શ્રીમા કેટલાં તો ખડખડાટ હસ્યાં! તેઓ એટલાં બધાં પ્રેમાળ છે. મને ‘મારી દીકરી’ કહીને બોલાવે છે.’’ (શ્રીમા બંગાળીમાં તેમને ‘ખૂકી’ કહેતાં.) આ બનાવ તેમની શ્રીમા સાથેની સૌ પ્રથમ મુલાકાત વખતે નહિ પણ પછીથી બન્યો હશે તેમ લાગે છે. પ્રથમ મુલાકાતમાં આવું બન્યાનું ક્યાંય નોંધાયું નથી. નિવેદિતા અને તેમની સખીઓ શ્રીમાની આવી ચેષ્ટાઓ અને કાર્યોથી ખૂબ પ્રભાવિત થયાં હતાં. પોતાનાં સંસ્મરણોમાં તેઓ આગળ જણાવે છે: ‘તેઓ તો અત્યંત રૂઢિચુસ્ત છે. પરંતુ મિસિસ બુલ અને મિસ મેક્લાઉડ જેવી બે પશ્ચિમની નારીઓને જોતાં જ આ જુનવાણીપણું ક્યાંય ઓગળી ગયું; (નિવેદિતાએ અહીં નમ્રારતાપૂર્વક પોતાના વિશેનો અલગ ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે,) અને તેમણે તેમની સાથે એક પંગતે બેસી ભોજન કર્યું. ફળ આપીને અમારું હંમેશા સ્વાગત થતું, અમે તે સહજતાથી તેમને અર્પણ કર્યું. ત્યાં હાજર રહેલ સૌનાં આશ્ચર્ય વચ્ચે તેમણે તે સ્વીકાર્યું! આ બધાં કાર્યોથી અમને જે માન મળ્યું, આદર પ્રાપ્ત થયો, તેનાથી મારું ભાવિ કાર્ય એટલું સરળ થઈ શક્યું, કે જે અન્ય કોઈ બાબતથી ન બનત.’

શ્રીમાના શાંત અને માતૃભાવથી છલકાતા સ્વભાવ અને તેમનાં અસાધારણ વ્યક્તિત્વથી તેમની સેવામાં ઉપસ્થિત રહેતાં અન્ય બહેનો કેટલાં બધાં પ્રભાવિત હતાં તે જોઈ નિવેદિતાને આશ્ચર્ય થતું. તેમણે તેમની સખી નેલને એક પત્રમાં લખ્યું છે, ‘કોલકાતાના તેમના નિવાસ દરમ્યાન ૧૪ થી ૧૫ ઉચ્ચ કોમની હિંદુ મહિલાઓ તેમની સેવામાં ઉપસ્થિત રહેતી. તેઓ અંદરોઅંદર ખૂબ કજિયાખોર અને ઝગડાખોર હતાં અને સૌને પરેશાન કરી મૂકે તેવા સ્વભાવનાં હતાં. શ્રીમાની મહાનતાને લીધે પોતાની અદ્‌ભુત કુશળતાથી અને મોહકતાથી તેઓ વચ્ચે શાંતિ સ્થપાયેલી રહેતી!

નિવેદિતાની શ્રીમાની પ્રથમ અને ત્યાર પછીની મુલાકાતો દ્વારા તેમને ખાતરી થઈ કે શ્રીરામકૃષ્ણ મિશનના સંતો અને બ્રહ્મચારીઓ શ્રીમા પ્રત્યે અત્યંત માન અને આદરભાવ ધરાવતા હતા. ઉપર્યુક્ત પત્રમાં આ વિશે તેમણે ખૂબ ભાવવાહી રીતે લખ્યું છે, ‘મઠના સાધુઓ શ્રીમા પ્રત્યે જે અત્યંત સ્ત્રીદાક્ષિણ્યની ભાવના રાખે છે તેનો તો પ્રત્યક્ષ જોવાથી જ ખ્યાલ આવે. તેઓ હંમેશા તેમને ‘મા’ કહે છે અને આદરણીય શ્રીમા તરીકે જ તેમનો ઉલ્લેખ કરે છે. કોઈપણ મુશ્કેલી વખતે તરત જ તેઓ શ્રીમાનું સ્મરણ કરે છે. એક-બે શિષ્યો ચોવીસે કલાક તેમની સેવામાં ખડે પગે હાજર હોય છે અને તેમની પ્રત્યેક ઇચ્છા તેમને માટે આજ્ઞા હોય છે. ખરેખર તદ્દન સરળ અને નિરભિમાની એવાં શ્રીમા ખૂબ શક્તિશાળી અને એક મહાન સન્નારી છે (ત્યાર પછી સાડાચાર વર્ષ બાદ તા. ૨ સપ્ટેમ્બર ૧૯૦૩ના પત્રમાં તેઓ હવે તેમનો ‘એક મહાન સન્નારી’ને બદલે ‘દુનિયાનાં સૌથી મહાન સન્નારી’ તરીકે સાદર ઉલ્લેખ કરે છે.)

હિમાલય, કાશ્મીર અને અમરનાથની પવિત્ર ગુફાની યાત્રા કરીને નિવેદિતા તા. ૧ નવેમ્બર ૧૮૯૮ના રોજ કોલકાતા પાછાં ફર્યાં. સ્વામીજી તેમના પહેલાં તા.૧૮ ઓક્ટોબરે પાછા આવી ગયા હતા. તે વખતે સ્વામીજી બલરામ ભવનમાં રહેતા હતા. સ્વામીજીની કલ્પનાની કન્યાશાળા શરૂ કરવા નિવેદિતામાં તીવ્ર ઉત્સાહ ભર્યો હતો. ઉત્તર હિંદનો આ પ્રવાસ અધવચ્ચે છોડીને સ્વામીજી કોલકાતા આવી ગયા. નિવેદિતા, મિસિસ ઓલે બુલ તથા મિસ મેક્લાઉડની સાથે સ્વામી શારદાનંદ સમગ્ર યાત્રા દરમ્યાન સાથે રહ્યા હતા. તેઓ ઉત્તર ભારતનાં ઐતિહાસિક શહેરો જોવામાં રસ ધરાવતાં હતાં. પરંતુ નિવેદિતાના મનમાં પોતાનાં મુખ્ય કર્તવ્યની લગની એટલી પ્રબળ હતી કે તેઓ એકલાં બનારસથી સીધાં કલકાતા પાછા ફર્યાં. કોલકાતા આવી તેમણે સ્વામીજીને વિનંતી કરી કે તેમને શ્રીમા સાથે રહેવાની રજા આપવામાં આવે. તે વખતે શ્રીમા બાગબજારનાં ભાડાના મકાનમાં રહેતાં હતાં. શ્રીમાએ પણ આ વિચારને આનંદથી સ્વીકારી લીધો. આથી અત્યંત ખુશ થયેલાં નિવેદિતા તો બીજા દિવસે જ ત્યાં પહોંચી ગયાં. તે સમયે સમાજમાં પ્રવર્તમાન જુનવાણી માનસ માટે અને વિશેષે તો બાગબજાર જેવા રૂઢિચુસ્ત વિસ્તાર માટે તો એક વિદેશી (એટલે ‘મ્લેચ્છ’ ગણાતી) સ્ત્રી બ્રાહ્મણ કુટુંબ સાથે અને એક બ્રાહ્મણ વિધવાને ઘેર રહે એ કદી વિચારી પણ ન શકાય તેવું અધમ પાપ ગણાતું. આમ નિવેદિતાને પોતાની સાથે રહેવા બોલાવી શ્રીમાએ પ્રવર્તમાન રૂઢિ વિરુદ્ધનું કાર્ય કર્યું. તેના તીવ્ર પ્રત્યાઘાતો માત્ર બાગબજાર વિસ્તારમાં જ નહિ પરંતુ દૂરનાં ગામડાંમાં વસતાં શ્રીમાનાં સગાંઓમાં થવાની ખૂબ શક્યતા હતી. પરંતુ નિવેદિતા આવી રૂઢિથી અપરિચિત હતાં તેમને તો આવી દૂરગામી અસરોની શક્યતાની કલ્પના પણ ન હતી. પછી તેમણે પોતાનાં પુસ્તક ‘ધી માસ્ટર એઝ આઈ સો હિમ’માં નોંધ્યું છે : ‘મને તે વખતે ખબર હોત કે મારા ઉતાવળિયું પગલું મારાં નિર્દોષ શ્રીમાને જ નહિ પરંતુ, દૂર વસતાં તેમનાં સગાંને પણ કેટલું શરમજનક સાબિત થયું, તો હું આ પગલું ભરત જ નહિ.’

કન્યાશાળા શરૂ કરવા એક અલાયદા મકાનની જરૂર હતી. પરંતુ બાગબજાર જેવા વિસ્તારમાં શાળા માટે મકાન ભાડે આપવા કોણ તૈયાર થાય? પરંતુ સ્વામીજીના પ્રભાવથી અને શ્રીમાના આશીર્વાદથી એક મકાન ભાડે મળ્યું. સુખદ આશ્ચર્યની વાત એ હતી કે ૧૬, બોઝપરામાં આવેલ આ મકાન શ્રીમાના મકાનની તદ્દન બાજુમાં જ હતું. શ્રીમા સાથે કેટલાક દિવસો ભરપૂર આનંદમાં વીતાવી, નિવેદિતા આ મકાનમાં રહેવા આવી ગયાં.

તા. ૧૩ નવેમ્બર ૧૮૯૮ એટલે કે કાલિપૂજાના પવિત્ર દિવસે બાગબજારના ૧૬ બોઝપરા લેઈનના ભાડાનાં મકાનમાં ભારતની નારીના શિક્ષણના પાયારૂપ એક યુગપ્રવર્તક ઘટના બની. એ જાણે પૂર્વ અને પશ્ચિમની તેમજ ભૂતકાળ તથા વર્તમાનના મિલનની અદ્‌ભુત ક્ષણ હતી. તે દિવસે શ્રીમાએ વિધિવત્‌ પૂજન કરી ‘શ્રીરામકૃષ્ણ ગર્લ્સ સ્કૂલ’નો મંગલ પ્રારંભ કર્યો. આજે તો તે ગૌરવ લઈ શકાય તેવી ભારતની ‘નિવેદિતા ગર્લ્સ સ્કૂલ’ તરીકે જાણીતી છે. ભારતના ઇતિહાસની આ ગૌરવવંતી ક્ષણે, ભારતના પુનરુત્થાનના મહાન પુરસ્કારકર્તા સ્વામી વિવેકાનંદ ત્યાં ઉપસ્થિત હતા. તેમની સાથે, શ્રીરામકૃષ્ણના ‘આધ્યાત્મિક સંતાન’ ગણાતા સ્વામી બ્રહ્માનંદ તથા શ્રીરામકૃષ્ણનું જીવનચરિત્ર લખનાર સ્વામી શારદાનંદ પણ આ પ્રસંગે હાજર હતા. આ ઐતિહાસિક પ્રસંગે શ્રીમાના અંગત સેવિકા ‘ગોપાલ-મા’ તથા ‘યોગિન-મા’ પણ ઉપસ્થિત હતાં. આ શુભ પ્રસંગે શ્રીમાએ કહ્યું, ‘હું મા ભગવતીને પ્રાર્થના કરું છું કે તેમના આશીર્વાદ આ શાળા પર ઉતરો અને અહીં શિક્ષણ લઈ તૈયાર થનાર કન્યાઓ આદર્શ કન્યા બનો.’ નિવેદિતાને થયું કે ભાવિની હિંદુ શિક્ષિત સ્ત્રીઓ માટે આ શબ્દોથી વધારે મોટા કોઈ આશિષ હોઈ શકે નહિ. આવી શ્રદ્ધા માટે તેમને એવો દૃઢ વિશ્વાસ હતો કે શ્રીમા સ્વયમ્‌ વિદ્યાની દેવી સરસ્વતી જ છે. તેમની આવી આસ્થાની સાબિતી એ હતી કે જ્યારે શ્રીમા શાળાની મુલાકાત લેવાનાં હોય ત્યારે નિવેદિતાને અપાર આનંદ થતો. આની સાક્ષી એવી વ્યક્તિએ નોંધ્યું છે: ‘એક દિવસ શ્રીમાએ શાળામાં પધારવાનું નક્કી થયું. આ સાંભળતાં જ નિવેદિતા હર્ષથી પ્રફુલ્લિત થઈ ઊઠ્યાં. શાળાના તમામ ખંડોની સંપૂર્ણ સફાઈ કરી તેમને ચોખ્ખા બનાવાયા, ફૂલો અને પુષ્પમાળાઓથી આકર્ષક રીતે સજાવાયા. શ્રીમા ક્યાં આસન ગ્રહણ કરી કન્યાઓ સાથે વાતચીત કરશે, વિદ્યાર્થિનીઓ તેમને કઈ ભેટ અર્પણ કરશે, તેમની સમક્ષ તેઓ કઈ પ્રાર્થના ગાશે, તેમનું ઉચિત સન્માન કેમ કરવું – આ બધા નિર્ણય કરવામાં તેઓ ગુંથાઈ ગયાં. અને શ્રીમાના આગમનના દિવસે તો નિવેદિતા જાણે હર્ષોલ્લાસમાં પોતાની જાતને ભૂલી ગયાં અને તેમને બાહ્ય ઇન્દ્રિયોનું પણ ભાન ન રહ્યું. એક નિર્દોષ બાલિકા પેઠે તેઓ કોઈ સ્પષ્ટ કારણ વિના હસતાં જાય અને આમથી તેમ દોડાદોડી કરી, બધું બરાબર થાય તે જોવા અતિ આતુર બની ગયાં. આનંદોન્મેષથી તેઓ શિક્ષિકાઓને, વિદ્યાર્થિનીઓને, અરે, શાળાની કામવાળી બાઈઓને પણ પ્રેમથી ભેટી પડ્યાં.

શાળાની શરૂઆત થયા બાદ મિસિસ બુલ અને મિસ મેક્લાઉડ પણ કોલકાતા આવી પહોંચ્યાં. તેઓ નિવેદિતાની સાથે જ રહ્યાં. નિવેદિતાની પ્રેરણાથી મિસિસ ઓલે બુલની દેખરેખ નીચે શ્રીમાનો જાણીતો ફોટો જે હાલ પણ સર્વત્ર પૂજાય છે, તે શ્રીમાના ૧૦ બોઝપરા લેઈનના નિવાસસ્થાને પાડવામાં આવ્યો. તે સમયે બીજા બે ફોટા પણ પાડવામાં આવ્યા. એકમાં તેઓ આંખો મીંચી બેઠેલાં અને બીજામાં તેઓ નિવેદિતાની સાથે બેઠેલાં છે. શ્રીમા તો ખૂબ શરમાતાં હતાં. વળી પોતાના વહાલસોયા સુપુત્ર સ્વામી યોગાનંદની ગંભીર માંદગીને લીધે તેઓ ફોટા પડાવવા ઇચ્છતાં ન હતાં. પરંતુ તેમની વહાલી ‘ખૂકી’ (સુપુત્રી) નિવેદિતાના અતિ આગ્રહથી જ આ શક્ય બન્યું. પ્રથમ બે ફોટા માટે દુનિયાભરના શ્રીરામકૃષ્ણના ભક્તો સદાયને માટે શ્રીમાની પ્રેમાળ ‘ખૂકી’ (સુપુત્રી)ના ઋણી રહેશે. ત્રીજા ફોટા માટે પણ તેમ જ છે. એ તો અદ્‌ભુત છબી છે. તેમની દૃષ્ટિમાં કેટલી ઊંડી શાંતિ છલકે છે! શાંતિ ઉપરાંત તેમાંથી પ્રેમ અને નીરવતા ઊભરાઈ રહ્યાં છે. શ્રીમાનાં નેત્રોમાંથી અમાપ અને અમર્યાદ વિશાળતા જાણે નિવેદિતા પર અસીમ મીટ માંડી રહી છે. આ ફોટાની વિશિષ્ટતાનું વર્ણન કરવું હોય તો ‘શાશ્વત પ્રતિ દૃષ્ટિ’ એમ કહી શકાય. તેમનાં નેત્રો પોતાની પ્રિય ‘ખૂકી’ તરફ મંડાયાં છે, પરંતુ જાણે તે નાત-જાત, ધર્મ કે વર્ણના ભેદભાવ વિના, તેઓ અત્યંત કરુણાપૂર્વક આખી દુનિયા પર, તેમનાં સંતાન – સમાન સમગ્ર માનવજાત પર મંડાયાં હોય તેવી જ પ્રતીતિ થાય છે. વિશ્વની આ જનનીનાં દર્શન જગતના લોકો નિવેદિતાના પ્રેમભર્યા આગ્રહને કારણે જ કરી શક્યા. ધન્ય છે નિવેદિતા. ધન્ય છે શ્રીમાની લાડકી ‘ખૂકી’.

Total Views: 83

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.