વેદાંત સોસાયટી, બોસ્ટનના અધ્‍યક્ષ શ્રીમત્ સ્વામી ત્યાગાનંદજી મહારાજે ‘સ્વામી વિવેકાનંદ અ હન્ડ્રેડ યર્સ સિન્સ શિકાગો’ ગ્રંથના અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં

૧૮૯૩માં શિકાગોમાં વિશ્વધર્મ પરિષદ યોજાઈ હતી. વિશ્વધર્મ પરિષદના સર્વશ્રેષ્ઠ વક્તા અને સૌથી વધુ પ્રભાવક વિભૂતિ તરીકે તરી આવનાર યુવાન વિવેકાનંદે ભાગ લીધો હતો અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા. આજે આ એક ઇતિહાસ બની ગયો છે. વિશ્વધર્મ પરિષદમાં સ્વામીજીએ ભાગ લીધો તેની પાછળ તેમના પોતાના હેતુઓ કયા હતા? આ પ્રશ્ન આપણી સમક્ષ ઊભો થાય છે.

સ્વામીજીના જીવનના અભ્યાસુઓ એના વિવિધ રૂપે જવાબ આપે છે. કેટલાકનો એવો મત છે કે એ પરિષદમાં ભાગ લેવા માટે જ તેઓ પશ્ચિમમાં ગયા ન હતા, એ તો એમને મન ગૌણ હતું. તેમનો મુખ્ય હેતુ તો ભારતના જનસમૂહની ઉન્નતિ માટે ધનોપાર્જન કરવાનો હતો. કન્યાકુમારીની ઐતિહાસિક શિલા પર બેસીને તેમણે ત્રણ દિવસ અને ત્રણ રાત્રી સુધી ધ્યાન ધર્યું હતું. એ ધ્યાનનો હેતુ પ્રભુ પ્રાપ્તિનો ન હતો; તેમની નજર સમક્ષ હતા – ભારત – તેનો ભૂતકાળ, તેનો વર્તમાન અને તેનું ભવિષ્ય. પોતાની પ્રિય માતૃભૂમિ પરના એ ધ્યાનના શાંતગહન ગર્ભમાં તેમણે ભારતની ભૂતકાળની ભવ્ય ગૌરવ ગરિમા અને વર્તમાનનું અધ:પતન નજરોનજર જોયું હતું. તેમને એ અનુભૂતિ થઈ કે જો ભવિષ્યમાં ભારતે ઉન્નત થવું હોય તો સર્વોચ્ચ આધ્યાત્મિક ચેતનાની પુન:સ્થાપના અને નવજાગરણ કરીને તેણે સર્વકાળ માટે સર્વ રાષ્ટ્રો માટે આદર્શરૂપ બનવું પડશે. એ વખતે ભારત અત્યંત ગરીબ દેશ હતો. તેના કરોડો લોકો આર્થિક રીતે નિર્બળ હતા. રાજકીય રીતે ભારત પરતંત્ર હતું અને સામાજિક રીતે પણ જ્ઞાતિના રૂઢિજડબંધનોથી જકડાયેલું હતું. સ્વામીજીના જીવનકથાકારો કહે છે કે કન્યાકુમારીની પેલી શિલા પર સાગર પરથી આવતાં સૂર્યકીરણોએ એમને એક અભિનવ દર્શન આપ્યું, અને એમણે એક આહ્‌વાન સાંભળ્યું: ‘… ભારતના કરોડો લોકોના નામે તેઓ અમેરિકા જશે. ત્યાં તેઓ પોતાની પ્રજ્ઞાશક્તિથી ધન મેળવશે; ભારતમાં પાછા ફરીને તેઓ પોતાના દેશબંધુઓના પુનરુત્થાન માટે કામે લાગી જશે કે એવા પ્રયત્ન કરતાં કરતાં પોતાનું બલિદાન આપી દેશે.’ 

અમેરિકામાં પોતાની યશોજ્વલ કીર્તિના ઉચ્ચ શિખરે વિરાજેલા સ્વામીજી ધર્મ પરિષદની પ્રથમ રાત્રીએ ભારતના ગરીબો, પદદલિત જનસમૂહોના કલ્યાણ માટે જ વિચારતા રહ્યા. અમેરિકાના સુસમૃદ્ધ લોકોની અને પોતાની માતૃભૂમિની અત્યંત કારમી ગરીબીની તુલના કરીને સ્વામીજી ઊંઘી પણ ન શક્યા. આવી લાગણીના આવેશમાં તેઓ પોતાની સુખશય્યા છોડીને ભૂમિ પર બેસી ગયા અને ગદ્‌ગદ્‌ કંઠે બોલી ઊઠ્યા: ‘હે મા, જ્યારે મારી માતૃભૂમિ દારુણ દારિદ્ય્રમાં ડૂબેલી હોય ત્યારે નામ અને કીર્તિની મારે શી લેવા દેવા! આપણા લાખો ગરીબ ભારતવાસીઓ મૂઠીભર અનાજના અભાવે મરી રહ્યા છે અને અહીં અમેરિકાના લોકો પોતાના વ્યક્તિગત સુખસુવિધા માટે લાખો રૂપિયા ખર્ચી નાખે છે! ભારતના સામાન્ય જનોને કોણ ઊભા કરશે? કોણ એમને રોટીનો ટુકડો આપશે? હે મા, હું એમને કેવી રીતે સહાય રૂપ બની શકું, એ મને બતાવો.’

થોડા દિવસો પછી તેમણે પોતાના શિષ્યને આમ લખ્યું હતું: ‘હું આ દેશમાં મારી જિજ્ઞાસાવૃત્તિને સંતોષવા કે નામયશ માટે આવ્યો નથી, હું તો અહીંથી ભારતના ગરીબોને સહાયરૂપ થાય એવાં સાધનોની શોધ માટે આવ્યો છું.’

બન્યું એવું કે સ્વામીજીને આવાં સાધનો સાંપડ્યાં નહિ. ધર્મ પરિષદમાંના પોતાના એક વ્યાખ્યાનમાં તેમણે આમ કહ્યું હતું: ‘હું તો અહીં મારા ગરીબ દેશભાંડુઓ માટે કંઈક સહાય મેળવવા આવ્યો હતો, અને ખ્રિસ્તીઓના દેશમાં, ખ્રિસ્તીઓ પાસે પરધર્મીઓ માટે સહાય મેળવવી એ કેટલી મુશ્કેલ છે તેનું મને પૂરેપૂરું ભાન થયું છે.’ એ વાત સાચી છે કે લોકોએ તેમને હૃદયપૂર્વક આવકાર્યા, કેટલાક લોકોએ મક્કમ મને ટેકો પણ આપ્યો અને એમના સુહૃદજનો પણ બન્યા. પરંતુ એનાથી ઊલટું સ્વામીજીની અપેક્ષા હતી તે પ્રમાણે મોટા પાયે કોઈ ઉદારદિલની સહાય પોતાના ભારતના કલ્યાણ કાર્ય માટે ક્યારેય ન મળી. પોતાનો ‘મુખ્ય ઉદ્દેશ’ ફળીભૂત ન થતાં સ્વામીજી ભારતમાં પાછા ફર્યા હોય એવું આપણને લાગે. પણ શું ખરેખર આવું હતું? તેમણે તો પશ્ચિમમાં ઉપદેશ આપવાનું ચાલુ રાખ્યું અને એમને એ માટે આર્થિક મહેનતાણું આપવાની વાત પણ આવી અને એનો એમણે અસ્વીકાર પણ કર્યો; એ જોઈને આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. સ્વામીજીએ પોતાના એક પત્રમાં લખ્યું છે: ‘ભગવાન મનુની દૃષ્ટિએ સંન્યાસીઓ માટે કોઈ સત્કાર્ય માટે પણ પૈસા એકઠા કરવા એ સારું નથી. હવે મને સ્પષ્ટપણે લાગે છે કે એ જૂના ઋષિઓ સાચા હતા… આમ કરવાના ને તેમ કરવાના બાલિશ વિચારોમાં હું હતો… કદાચ આવી ઘેલછાભરી ઇચ્છાઓ આ દેશોમાં મને લાવવા માટે આવશ્યક પણ હતી.’

આને લીધે કેટલાક વિચારકોએ એવું તારણ કાઢ્યું કે ભલે સ્વામીજી પશ્ચિમમાં પોતાના ભારતના કલ્યાણ કાર્ય માટે ફંડ ઊભું કરવા આવ્યા હતા અને એને એ પણ સમજાઈ ગયું કે એ શક્ય ન હતું; છતાં પણ તેમણે ત્યાં રહેવાનું ચાલુ રાખ્યું. એનું કારણ એ હતું કે એમના વિચારોમાં ઉત્ક્રાંતિ કે પરિવર્તન આવ્યું હશે કે એમની પસંદગીના કાર્યના અગ્રતાક્રમમાં પરિવર્તન થયું હોય કે પોતાના ‘કલ્યાણ કાર્ય’ની સંકલ્પના વધુ વિશાળ પણ બની હોય. આ વિચારકોના મતે સ્વામીજીને એ ખ્યાલ આવી ગયો કે પશ્ચિમને આધ્યાત્મિકતાના સંદેશની આવશ્યકતા છે; એટલી જ આવશ્યકતા ભારતના ભૌતિક ઉત્થાન માટે ફંડની પણ છે. એમણે આલાસિંગાને લખેલા એક પત્રમાં લખ્યું હતું: ‘અહીં કંઈ શાશ્વત કાર્ય કરવાનો મારો ઇરાદો છે. અને આ હેતુ સાથે હું દિનબદિન કાર્ય કરી રહ્યો છું. દરરોજે દરરોજ મને અમેરિકાના લોકોનો આત્મવિશ્વાસ સાંપડતો જાય છે.’ એ જ સમયગાળા દરમિયાન સ્વામીજીએ પોતાના લીંબડીના મિત્રને આમ લખ્યું હતું: ‘આ દેશમાં મારું બધું ઘણું સારી રીતે ચાલે છે. આ સમય દરમિયાન હું એમનો પોતાનો એક ઉપદેશક કે શિક્ષક બની ગયો છું.’ 

‘જેમ બુદ્ધની પાસે પૂર્વ માટે સંદેશ હતો તેમ મારો સંદેશ પશ્ચિમ માટે છે’ સ્વામીજીના આ ઉદ્ધરણને ટાંકીને કેટલાક પશ્ચિમના વિદ્વાનો કહે છે કે સ્વામીજીની પશ્ચિમના દેશોની યાત્રા ખરેખર તો પશ્ચિમના જગતમાં આધ્યાત્મિક નવજાગરણ કરવા માટેની યાત્રા હતી. જો આ અંશત: સાચું હોય તો સ્વામીજીનો ‘પશ્ચિમના દેશોના પયગંબર’ તરીકેનો સર્વસ્વીકાર, અને ‘ભારતના સ્વદેશ ભક્ત સંન્યાસી’ તરીકેનો સ્વામીજી માટેનો ભારતીયોનો દાવો ભિન્ન નથી. કેટલાક ભારતીયોને એમ લાગે છે કે દરેક ભારતીયે માનવું જોઈએ કે સ્વામીજી પશ્ચિમમાં માત્ર ભારત માટે અને હિંદુધર્મ – ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિના પ્રસાર માટે જ ગયા હતા. એના દૃષ્ટાંત રૂપે તેઓ મદ્રાસમાં પોતાના યુવાન ચાહકોના એક વૃંદને સ્વામીજીએ જે કહ્યું હતું એ ઉદ્ધરણને ટાંકે છે: ‘આપણી શ્રદ્ધાનો પ્રચાર-પ્રસાર કરવાનો સમય પાકી ગયો છે. ઋષિઓના સનાતન હિંદુધર્મે ગતિશિલ બનવાનો સમય આવી ગયો છે. જ્યારે અજાણ્યા પરદેશીના હાથ આપણી આ પ્રાચીન શ્રદ્ધાના કિલ્લાને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આપણે તેને ટેકો આપીશું ખરા? શું આપણે તેની અજેયતા અભેદ્યતાથી સંતુષ્ટ છીએ ખરા? આપણા ભૂતકાળના દિવસોમાં ધર્મના મહિમાને ભિન્ન ભિન્ન રાષ્ટ્રોમાં ઉપદેશતા હતા તેવી રીતે આપણે આક્રમક બનીશું કે શાંત અને નિષ્ક્રિય રહીશું. શું આપણે આપણા સામાજિક સંકુચિત વાડાઓ કે આપણી પ્રાદેશિક ચેતનાના ખોખામાં પૂરાઈ રહીશું કે ભારતના લાભ માટે જેનો પ્રભાવ આપણે વાંછીએ છીએ એવાં બીજાં રાષ્ટ્રોના વિચારોમાં પ્રવેશીશું. ફરી ઉત્થાન કરવા માટે ભારતે બળવાન બનવું પડશે અને એકતા સાધવી પડશે અને એ માટે એણે પોતાનાં બધાં જીવંત બળોને કેન્દ્રિત કરવાં પડશે.’

પયગંબરને પોતીકા ગણવા માટેના દાવાની ઇચ્છા સમજી શકાય એવી છે. પરંતુ સ્વામી વિવેકાનંદ જેવી વિભૂતિઓને પોતાના દેશની કે ધર્મની કે કોઈ વિશ્વખંડમાં સીમિત બનાવવી એ અશક્ય છે, એ હકીકત આપણી નજરઅંદાજ ન થવી જોઈએ. આવી વિભૂતિઓ તો દરેક રીતે વૈશ્વિક હોય છે. તેઓ વિશ્વના નાગરિક છે, કોઈ અમુક કે તમુક દેશના નહિ. તેઓ સર્વના છે. કોઈ એમના પર પોતીકા હોવાનો વિશેષ દાવો ન કરી શકે. પશ્ચિમના દેશોની યાત્રા પાછળનો સ્વામીજીનો હેતુ પશ્ચિમની આધ્યાત્મિક ઉન્નતિ કે ભારતના ભૌતિક ઉત્થાન માટેનો ન હતો. પરંતુ કેટલાક વધુ ઉચ્ચતર હેતુ માટે આ બંનેનો સમાવેશ થાય એ સ્વાભાવિક છે. જ્યારે ભારતમાંથી કોઈકે સ્વામીજીને ‘માદરે વતન’ પાછા ફરીને પોતાનાં ‘કાર્ય’ કરવા માટે આજીજી કરી ત્યારે તેમણે ગર્જનાભર્યા શબ્દોમાં કહ્યું: ‘માદરે વતન પાછા ફરવું! ક્યાં છે માદરે વતન? મને એવી મુક્તિની, એવી ભક્તિની જરાય પડી નથી. હું હજાર હજાર વાર નરકમાં જવા તૈયાર છું… મૂક ઝરણાની જેમ મૂગા રહીને બીજાનું કલ્યાણ કરવું એ જ છે મારો ધર્મ.’ તેમણે આલાસિંગાને લખ્યું હતું: ‘સત્ય જ મારો ઈશ્વર છે, સમગ્ર વિશ્વ મારો દેશ છે… પ્રભુના પનોતા પુત્ર એવા મારે સત્યને પ્રબોધવાનું છે.’ બીજા એક પત્રમાં તેઓ લખે છે: ‘હું મારું જીવનકાર્ય જાણું છું. મારામાં કોઈ આંધળી દેશદાઝ નથી. હું જેટલો ભારતનો છું એટલો જ વિશ્વનો છું. એમાં ક્યાંય પ્રપંચ તરકટ નથી.’ અને વળી તેઓ લખે છે: ‘મારી અભિરુચિઓ આંતરરાષ્ટ્રિય છે, એ માત્ર ભારતીય નથી.’

સ્વામીજીના જીવનના બીજા કેટલાક અભ્યાસુઓ એ બાબત પર સહમત થાય છે કે સ્વામીજીનો સંદેશ સમગ્ર વિશ્વ માટે હતો, એ માત્ર ભારત કે પશ્ચિમ માટે જ ન હતો. એમના કાર્યક્ષેત્રમાં પૂર્વ અને પશ્ચિમનો સમાન સમાવેશ થતો હતો. પરંતુ તેઓ આ સિદ્ધાંત સાથે અસહમત થાય છે કે સ્વામીજીનો પશ્ચિમમાં જવાનો ઉદ્દેશ્ય ફરી ગયો કે એમાં ઉત્ક્રાંતિ આવી કે સમય જતાં તે વધુ વિશાળ અને વિસ્તૃત બન્યો. આ અભ્યાસુઓ કહે છે કે દેખીતાં કારણો ગમે તે હોય (આવાં વધુ દેખીતાં કારણો આપી શકાય) પણ પ્રારંભથી જ સ્વામીજી પોતાના દિવ્ય મિશન માટે સચેત, જાગ્રત હતા અને એમાં વિશ્વધર્મ પરિષદ એક મહત્ત્વનું પ્રદાન બની રહેશે એમ તેઓ સજાગપણે માનતા હતા. આ બાબતનો ઇન્કાર કરવો મુશ્કેલ છે. વિશ્વધર્મ પરિષદ પોતાના ‘મહાકાર્ય’માં એક નજરે ચડતું, પ્રથમ સીમાચિહ્‌ન બની રહેવાનું છે એ ખ્યાલ સ્વામીજીને આવી ગયો હતો એવું લાગે છે. પશ્ચિમના દેશોમાં ગયા તેના એક માસ પહેલાં સ્વામીજી જ્યારે સ્વામી તુરીયાનંદજીને મળ્યા ત્યારે સ્વામીજીએ ચોખ્ખા શબ્દમાં કહ્યું: ‘ત્યાંની (વિશ્વધર્મ પરિષદની) બીનાઓ વિશે તમે જે કંઈ સાંભળો તે બધું ‘આને માટે’ જ છે. પોતાની છાતી પર જોરથી હાથ મૂકીને તેમણે આ છેલ્લા શબ્દ પર ભાર દીધો હતો. ‘આને માટે’ જ (એટલે કે સ્વામીજી માટે) બધું ગોઠવાઈ ગયું છે.’

બીજા દૃષ્ટિબિંદુએ જોઈએ તો આ એક ચર્ચાનો વિષય છે કે સ્વામીજીએ પોતાના જીવન કાર્યનું સ્વરૂપ અને તેના વ્યાપ વિશે પહેલેથી જ જાણી લીધું હતું. જો એમણે પહેલેથી જ એ જાણી લીધું હોય તો એ એકમાત્ર અંશત: ઝાંખી હતી. સાગર પારના દેશોમાં જવું જોઈએ એવું અંત:પ્રેરણાપૂર્વક સ્વામીજીએ અનુભવ્યું હતું. અને એ રીતે સ્વામીજી જેવી વિલક્ષણ વિભૂતિ વિશ્વધર્મ પરિષદમાં જવાનું ઇચ્છે એ સૌથી વધારે સ્વાભાવિક લાગે છે. પોતાના પરિવ્રાજક કાળમાં એમને મળેલા કેટલાક વિશિષ્ટ લોકોએ એમના મનમાં આ વિચારને રોપ્યો હતો. ઉદાહરણ તરીકે પોરબંદરના દિવાન પંડિત શંકર પાંડુરંગે એમને આમ કહ્યું હતું: ‘સ્વામીજી, આ દેશમાં તમે બહુ નહિ કરી શકો એવો મને ડર છે. અહીં તો બહુ ઓછી સંખ્યાના લોકો તમારી કદર કરશે. તમારે પશ્ચિમમાં જવું જોઈએ. ત્યાંના લોકો તમને અને તમારી પાત્રતાને સમજશે. ‘સનાતનધર્મ’નો ઉપદેશ આપીને તમે પશ્ચિમની સંસ્કૃતિ પર એક મહા પ્રકાશ ફેંકી શકશો.’ મૈસૂર, રામનદ અને ખેતડીના મહારાજાએ એમની યાત્રાનો આર્થિક બોજ ઉપાડવાનું વચન આપ્યું હતું અને મદ્રાસના યુવાનો સ્વામીજીને વિશ્વધર્મ પરિષદમાં ઉપસ્થિત રહેવા માટે પોતાનાથી બનતું બધું કરી છૂટવા અત્યંત ઉત્સાહી બન્યા હતા. કોઈ પણ પડકારનો સામનો કરવા હંમેશાં તત્પર રહેનાર, અજાણ્યાનો સામનો હિંમતથી કરનાર, જિંદગી જે કંઈ શીખવે તે બધું શીખવા આતુર, જરૂરતમંદની ગમે તે રીતે સેવા કરવા તૈયાર, એવા સ્વામીજી માટે વિશ્વધર્મ પરિષદ એક આદર્શ પરિસ્થિતિ ઊભી કરી શકે તેમ હતી. અને વધુમાં કદાચ એમણે એ પણ જોયું હશે કે વિશ્વધર્મ પરિષદ એમને માટે એક એવો સુયોગ્ય મંચ બની રહેશે કે જ્યાં પોતાના હૃદયમાં ધરબાઈને રહેલા અને અત્યારે અભિવ્યક્ત થવા મથતા જીવનદાયી આધ્યાત્મિક ખજાનાની અને વિચારોની વધુ વિશાળ ક્ષેત્રમાં આપ-લે કરી શકે.

આપણે જે દૃષ્ટિકોણ જોયા તેમાંથી થોડા કદાચ ગૌણ પાસાં જેવા હશે પણ એટલું તો ચોક્કસ કે આ બધાએ મળીને સ્વામીજીને વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેતા કર્યા. પરંતુ સ્વામીજીના જીવનના કેટલાક અભ્યાસુઓ એવો નિર્દેશ કરે છે કે પયગંબરના જીવનમાં જે મુખ્ય પાસું એને કાર્યાન્વિત કરે છે તે પાસું છે દિવ્યતા. જો આપણે આ દિવ્યતાને નજરઅંદાજ કરીએ તો આપણે સાચા ચિત્રની આશા ન રાખી શકીએ. આપણા સૌ માટે જે સાચું અને વાસ્તવિક છે એના કરતાં પયગંબરને દિવ્યતા વધુ સાચી અને વાસ્તવિક લાગે છે. મદ્રાસના એક શિષ્યને લખેલા એક પત્રમાં સ્વામીજીએ આમ કહ્યું છે: ‘માનવ, પ્રભુ કે દૈત્યની શક્તિ કરતાં મહાન શક્તિને હું મારી પાછળ રહેલી જોઉં છું.’ શ્રીરામકૃષ્ણે સ્વામીજીને મા કાલીને ‘સમર્પિત’ કરી દીધા ત્યાર પછી એ જગન્માતા જ એમને માટે સર્વ કંઈ કરતી રહી. સ્વામીજી તો તેમના નાના બાળ સમા, અને સંપૂર્ણપણે તેમને અધીન હતા. એક ક્ષણ માટે પણ જગન્માતાએ એમને ક્યારેય રઝળાવ્યા નહિ. સ્વામીજીએ એક વખત આમ કહ્યું હતું: જ્યારે જ્યારે હું તેની સન્મુખ ગયો ત્યારે એ ખંડમાં જીવંત વ્યક્તિ રૂપે શ્રીમાને જ નિહાળતો. જગન્માતા જ જાણે કે ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવના રૂપે મારી બાંય પકડીને રખે ને હું એક બાળક હોઉં તેમ મને તે દોરી જાય છે. સ્વાભાવિક રીતે ‘આ માની જ ઇચ્છા છે’ એવી ખાતરી થયા વગર તેમણે ક્યારેય કોઈ કાર્ય કર્યું નથી. પશ્ચિમમાં જવા માટેનો વિચાર એમના મનમાં અવારનવાર આવ્યો હોય છતાં પણ આ જગન્માતાની ખાતરી ભર્યું આશ્વાસન મળ્યા વગર અંતિમ નિર્ણય લેવામાં તેઓ અચકાતા હતા. એમણે પોતાના મદ્રાસના યુવાન પ્રશંસક ચાહકોને પશ્ચિમમાં જવા પોતાને માટે એકઠી કરેલી રકમ ગરીબોમાં વહેંચી આપવા જણાવતી વખતે કહ્યું હતું: ‘મારા યુવાન મિત્રો, હું જગન્માતા પાસે મારું ધાર્યું કરવા કૃતનિશ્ચયી છું. તેમણે એવી ખાતરી કરાવવી જોઈએ કે મારે ત્યાં (વિદેશ) જવું જોઈએ, કારણ કે એ કાર્ય અંધારામાં ડગ મૂકવા જેવું છે. જો એમની આ જ ઇચ્છા હશે તો પૈસા તો એની મેળે મળી રહેશે. એટલે આ પૈસા લઈ જાઓ અને ગરીબોમાં વહેંચી દો.’

તેમણે માને અત્યંત ભાવપૂર્વક પ્રાર્થના કરી : ‘શું હું મારી ઇચ્છાનું જ અનુસરણ કરું છું? શું હું અતિ ઉત્સાહના પ્રવાહમાં તણાઈ તો નથી રહ્યો ને? મેં જે કંઈ વિચાર્યું છે કે આયોજન કર્યું છે તેનું શું કોઈ સાચું અને ગહન પ્રયોજન છે ખરું? હે મા, તું મને તારી ઇચ્છા દર્શાવ. તમે જ સર્વ કર્તા છો. મને તું તારું નિમિત્ત બનાવ.’ 

જ્યારે હૈદરાબાદના નવાબે પશ્ચિમના દેશોની યાત્રા માટે ૧૦૦૦ રૂપિયા આપવાનો પ્રસ્તાવ કર્યો ત્યારે સ્વામીજીએ આ શબ્દો સાથે એનો અસ્વીકાર કર્યો: ‘નામદાર સાહેબ, હજી યોગ્ય ઘડી આવી નથી. ઉપરથી જ્યારે આદેશ મળશે ત્યારે હું આપને જાણ કરીશ.’ અને સાચે જ થોડા દિવસો પછી મદ્રાસમાં સ્વામીજીને એ આદેશ મળ્યો. તેમણે પોતાના દિવ્ય દર્શનમાં ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવને દરિયા કિનારેથી મહાસાગરમાં જતા અને એમને પાછળ પાછળ આવવાનો આદેશ કરતા નિહાળ્યા. આ પ્રશ્નનું નિરસન કાયમને માટે થઈ ગયું. સહજ રીતે પછીથી તેમણે આ કાર્ય માટે શ્રીમા શારદાદેવીના આશીર્વાદની યાચના કરી. શ્રીમા પણ જાણતાં હતાં કે શ્રીઠાકુર એમ ઇચ્છતા હતા કે તેમનો આ પ્રિય પુત્ર સાગર પાર કરીને પોતાના આ જીવનના મહાન કાર્યને પૂર્ણ કરે. શ્રીમાએ પણ સ્વામીજીને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા. સ્વામીજીને જ્યારે આ આશીર્વચનનો પત્ર મળ્યો ત્યારે તેઓ આનંદથી નાચી ઉઠ્યા અને ભારવિભોર કંઠે મનોમન કહેવા લાગ્યા: ‘અહા! હવે બધું સમુંસુતર થઈ ગયું! એ જ માની ઇચ્છા!’ 

જો સ્વામીજી પોતાની ઇચ્છાથી પશ્ચિમમાં ન ગયા હોય અને જો એની પાછળ શ્રી જગદંબાની જ ઇચ્છા રહી હોય, તેઓ જગદંબાનું એક નિમિત્ત માત્ર હોય તો પાછલા ઇતિહાસની દૃષ્ટિની મદદથી આજે આપણે નિશ્ચિતપણે જો વાસ્તવિક રીતે આવી બાબત હોય તો આવું કહી શકવાની પરિસ્થિતિમાં છીએ ત્યારે ‘સ્વામીજીએ શા માટે વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી?’ એ પ્રશ્નનો ઉત્તર સરળ બની જાય છે. એનો સીધોસાદો જવાબ આ છે : ‘સ્વામીજી જગદંબાનું યંત્ર હતા અને સ્વામીજી વિશ્વધર્મ પરિષદમાં ઉપસ્થિત રહે એમ તેઓ જ ઇચ્છતાં હતાં.’

પરંતુ શા માટે જગદંબા એમને વિશ્વધર્મ પરિષદમાં ઉપસ્થિત રાખીને વેદાંતનો ઉપદેશ અપાવવા માગતાં હતાં? આ પ્રશ્નનો ઉત્તર અલબત્ત એક કલ્પના દ્વારા મેળવી શકાય અને તમારી ધારણા મારી ધારણા જેટલી જ સારી છે. આજે વિશ્વધર્મ પરિષદ મળ્યાનાં સો વર્ષ પછી પણ આવી કોઈ બુદ્ધિપૂર્વકની સુસંસ્કૃત ધારણા મુશ્કેલ તો નથી જ. એનો અહીં એક આ સંભવિત પ્રત્યુત્તર છે.

આ પ્રત્યુત્તર પણ પ્રશ્નથી શરૂ થવો જોઈએ: શાને લીધે સ્વામીજી વિશ્વધર્મ પરિષદમાં સૌથી વધુ સફળ પ્રતિનિધિ નિવડ્યા? નિ:શંક રીતે એ હતો એમનો સંદેશ, અપ્રતિરોધ્ય આધ્યાત્મિક શક્તિયુક્ત સંદેશ. માત્ર સ્વામીજીએ જ વિશ્વધર્મ પરિષદના મૂળ સત્ત્વભર્યા ઉદ્દેશ્યની વાત સંપૂર્ણપણે અને ગળે ઊતરી જાય એ રીતે કરી હતી; આ સત્ત્વ કે સત્ય આધુનિક યુગનું પણ છે. વિશ્વધર્મ પરિષદમાં ‘શિકાગો વ્યાખ્યાનો’ના નામે સ્વામીજીની સુખ્યાત વાતો બીજા બધાં કરતાં આગળ તરી આવી કારણ કે એ બધી વાતો વૈશ્વિકતા, સર્વસમન્વયની ભાવનાથી તરબોળ હતી. જો કે બીજા થોડાકની વાતો પણ આવી હતી ખરી. વિશ્વધર્મ પરિષદે વૈશ્વિકતા અને સર્વસંવાદિતાની ભાવના વ્યક્ત કરી હતી. વાસ્તવિક રીતે મોટા ભાગનાએ આવી અભિવ્યક્તિ કરી હતી પરંતુ ગમે તે કારણે બીજા બધાનાં સંભાષણોએ સ્વામીજીનાં સંભાષણો જેવો પ્રતિભાવ મેળવ્યો નહિ. આમ બનવાનું સર્વ પ્રથમ કારણ તો એ છે કે મોટા ભાગના વક્તાઓના શબ્દો માત્ર હોઠેથી ઉચ્ચારાયા હતા એ હૃદયની વાણી ન હતી.

બીજું કારણ એ હતું કે ઘણાએ વૈશ્વિકતા અને સર્વસંવાદિતાના વિચારોને સ્પર્શ કર્યો હતો પણ એમાંના દરેકેદરેક જાણ્યે અજાણ્યે એવું સૂચન કરતા હતા કે આ બંને આદર્શો પોતે જે ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે એ ધર્મની ધાર્મિક પ્રણાલીઓ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય.

ત્રીજું કારણ એ છે કે ઘણા વક્તાઓએ વૈશ્વિકતા અને સર્વ-સંવાદિતાને સામ્ય કે એકરૂપતા સાથે ગૂંચવી મારી. એટલે જ આ ભવ્ય સભામાં રજૂ થયેલી એમાંના મોટા ભાગના લોકોની વાત અત્યંત સંકુચિત, સાંપ્રદાયિક અને રૂઢિજડ વિચારોથી પૂરી થઈ.

ચોથું કારણ એ છે કે ઉમદા, ઉદાર, વિશાળ વિચાર મનવાળા પ્રતિનિધિઓએ પૂરેપૂરી ગંભીરતા અને ઉત્સાહથી આ વૈશ્વિકતા અને સર્વસંવાદિતાના ધ્વજને ઊંચો કરી રાખ્યો. પરંતુ આવા બધા લોકોની વાતો કાં તો બૌદ્ધિક હતી કે લાગણીભરી અપીલ જેવી હતી. એ બધી વાતોમાં આધ્યાત્મિક અનુભૂતિની શક્તિનો અભાવ સ્પષ્ટપણે જણાતો હતો.

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.