(સ્વામી ત્યાગાનંદજી, રામકૃષ્ણ મઠ, મદ્રાસથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા વેદાંત કેસરીના સંપાદક છે.)

જ્યારે વ્યક્તિની નૈતિક જીવન જીવવાની ઇચ્છા તેની ભૌતિક જવાબદારીઓ સાથે સંઘર્ષમાં આવે છે ત્યારે બાંધછોડનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો બની જાય છે. કોઈ પણ વ્યક્તિ માટે પ્રથમ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, “મારે તડજોડ – બાંધછોડ કરવી જોઈએ?” આજે નહીં તો કાલે, પરંતુ દરેક વ્યક્તિએ આવા પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. અને દરેક વ્યક્તિએ પોતાના ઉકેલો પોતે શોધવાના હોય છે. બાંધછોડની જરૂરિયાત અથવા કેટલે અંશે એ બાંધછોડ કરવી એ વિષે દ્વિધામાં રહેવું એટલે આંતરિક સંઘર્ષોને આમંત્રણ આપવું. આવા સંઘર્ષો દુ:ખદાયક અને દુર્બળ બનાવનારા હોય છે.

આ બાંધછોડના પ્રશ્ન સાથે ઘણા ભક્તો રામકૃષ્ણ મિશનના મઠોમાં આવે છે. તેઓ ગંભીરતાથી આધ્યાત્મિક જીવન તરફ વળ્યા તે પહેલાં તે પ્રશ્ન તેઓ માટે અસ્તિત્વ ધરાવતો ન હતો. એ પહેલાં તેઓ પોતાના કાર્ય અને પ્રવૃત્તિઓના પ્રકારથી સંતુષ્ટ જણાતા હતા. પરંતુ, ત્યાર પછી તેઓએ શ્રીરામકૃષ્ણ, મા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ અને શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્યોનાં જીવનચરિત્રો વાંચ્યાં અને તેઓના ઉપદેશોનો અભ્યાસ કર્યો.

ઉપનિષદો, ગીતા અને ભાગવત જેવા ધાર્મિક ગ્રંથો તેઓએ વાંચ્યા અને સમજવા પ્રયત્ન કર્યો. આ વાચનને કારણે તેઓમાં નૈતિક અને આધ્યાત્મિક માર્ગ પર ચાલવાની અને ઈશ્વરને શોધવાની ઇચ્છા જાગી. ત્યાર પછી સમસ્યા ઉપસ્થિત થઈ. તેઓને ખ્યાલ આવ્યો કે ઘણી બાબતો જે તેઓએ સ્વીકારી લીધી હતી તે સાચી નથી. તેઓએ જોયું કે નૈતિક અને આધ્યાત્મિક જીવનની આવશ્યકતાઓ સાથે ભૌતિક જવાબદારીઓનો સંઘર્ષ થતો હતો. દુન્યવી ઇચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓનો પણ આધ્યાત્મિક જીવનની આવશ્યકતાઓ સાથે સંઘર્ષ થતો હતો. પ્રશ્ન ઉપસ્થિત થયો: “મારે આમાં બાંધછોડ કરવી જોઈએ?”

ઘણા દાખલાઓમાં આ પ્રશ્નનો જવાબ આપવો સહેલું કામ ન હતું. એક વ્યાપારીનો દાખલો લ્યો. તે સમજે છે કે સચ્ચાઈ અને પ્રામાણિકતા નૈતિકતાના પાયાઓ છે. તે એ પણ સમજે છે કે જો તેણે પોતાનો વ્યાપાર ચલાવવો હોય તો તે હંમેશાં સત્યનિષ્ઠ બની શકતો નથી. તે પોતાનો વ્યાપાર બંધ કરી શકતો નથી. તેણે પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવાનું હોય છે. તો શું તેણે કશી બાંધછોડ કરવી જોઈએ? અથવા એક વ્યાપારી પેઢીમાં કામ કરતા હિસાબનીશનો દાખલો લ્યો. તે એક પ્રામાણિક વ્યક્તિ છે પરંતુ કરચોરી કરવા માટે તેના ઉપરી અધિકારી તેને ચાલાકીપૂર્વક હિસાબો તૈયાર કરવાનું કહે છે. જો તે ઉ૫રી અધિકારીની સૂચનાઓનો અમલ ન કરે તો તેને પોતાની નોકરી ગુમાવવી પડે. ઘે૨ તેને પોતાનાં વૃદ્ધ માતાપિતાની સંભાળ લેવાની છે. પ્રામાણિક રહેવાની ઇચ્છાની વિરુદ્ધ જઈને શું તેણે બાંધછોડ કરવી જોઈએ? એક નાનો કર્મચારી સરકારી કચેરીમાં કામ કરે છે. તેની સાથે કામ કરનાર બીજા કર્મચારીઓ લાંચ લે છે. જો તે હેરાન થવા ન માગતો હોય અને બીજા કર્મચારીઓ તેનો સ્વીકાર કરે એમ ઇચ્છતો હોય તો તેણે બીજા કર્મચારીઓનો માર્ગ અપનાવવો પડે છે. લાંચ લેવી તે અનૈતિક છે તે જાણવા છતાં શું તેણે આ બાંધછોડ કરવી જોઈએ?

વધારે ઉદાહરણો જરૂરી નથી. કોઈ ને કોઈ સમયે આપણામાંના મોટા ભાગના લોકો આવા નૈતિક પ્રશ્નોનો સામનો કરતા હોય છે. બે પ્રકારના લોકો આવા પ્રશ્નોથી મુક્ત હોય છે. એક – જેણે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે સંત. આવા સંતો સંઘર્ષોની પેલે પાર જતા રહ્યા હોય છે. તેઓને બરાબર ખ્યાલ હોય છે કે તેઓએ શું કરવું જોઈએ, ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ. આવા સંત અનૈતિક કાર્ય કરી શકે નહિ. બીજો પ્રકાર સંપૂર્ણ રીતે દુન્યવી માણસનો છે કે જેની નૈતિક ભાવના હજુ જાગૃત થઈ નથી. તેને માટે પણ કોઈ સંઘર્ષ હોતો નથી. ઘણી બાબતોની જેમ, અહીં પણ બંને પ્રકારની વ્યક્તિઓ સરખી જણાય છે. આ બંને છેડાઓની વચ્ચે આવેલી વ્યક્તિઓ, એટલે કે, જે વ્યક્તિઓને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થયું નથી પરંતુ તેઓની નૈતિક ભાવના જાગૃત થઈ ચૂકી છે, ઘણી વખત એ કસોટીનો સામનો કરતી હોય છે કે તેમણે નૈતિક આદર્શ સાથે બાંધછોડ કરવી જોઈએ કે નહીં.

વેદાંતના ઉપદેશકોએ એક ઉકેલ બતાવ્યો છે જે જ્યાં સુધી આપણે વ્યવહારમાં ન મૂકીએ ત્યાં સુધી સરળ લાગે છે. સ્વામી તુરીયાનંદ શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય હતા અને તેમણે પોતાની શિષ્યા ઇડા એનસેલને આ સૂત્ર આપ્યું:

અભિપ્રાયની બાબતોમાં પ્રવાહની સાથે તરોઃ

સિદ્ધાંતની બાબતોમાં ખડકની માફક અડગ રહો.

પોતાનાં સંસ્મરણોમાં ઈડાએ લખ્યું: “એક જ ક્ષણમાં સ્વામી તુરીયાનંદે મને જીવનપર્યંતનું માર્ગદર્શન આપ્યું.” ઈશ્વરને શોધનાર દરેક સાધક માટે સ્વામી તુરીયાનંદનું સૂત્ર ખરેખર શ્રેષ્ઠ નિયમ છે, અને ઈડા આ નિયમને વધુ સારા શબ્દોમાં વ્યક્ત ન કરી શકી હોત.

એક પ્રશ્ન અનિવાર્ય જણાય છે. કઈ બાબતો અભિપ્રાયની છે અને કઈ બાબતો સિદ્ધાંતની છે તે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? સામાન્ય રીતે અભિપ્રાયો અને સિદ્ધાંતો એકમેકની સાથે એવા ભળેલા લાગે છે કે તેમને જુદા પાડવા અશક્ય લાગે છે. ઘણી વખત કોઈ એક વ્યક્તિ જેને પોતાના સિદ્ધાંતો માનતી હોય તે ખરેખર તેના અભિપ્રાયો હોય છે અને ઘણી વખત બીજાઓ માટે જે સિદ્ધાંતો હોય છે તેને માત્ર અભિપ્રાયો ગણી લેવામાં આવે છે.

વેદાંતના ઉપદેશકો કહે છે કે “અભિપ્રાયની બાબતો” અને “સિદ્ધાંતની બાબતો”નો ભેદ સમજવા માટે આપણે સૌ પ્રથમ અનિવાર્ય બાબતો (Essentials) અને નિવાર્ય બાબતો (Non-essentials)નો ભેદ સમજવો જોઈએ. આ ઉપદેશકો નિર્દેશ કરે છે કે અભિપ્રાયની બાબતો નિવાર્ય બાબતો સાથે કામ પાડે છે અને સિદ્ધાંતની બાબતો અનિવાર્ય બાબતો સાથે કામ પાડે છે.

આ બાબત આપણને બીજા પ્રશ્ન તરફ દોરી જાય છે. આપણે કેવી રીતે અનિવાર્ય (Essential) અને નિવાર્ય (Non-essential)ની વ્યાખ્યા આપી શકીએ? જો કોઈ પણ બાબત (Anything) અનિવાર્ય હોય, તો તે બીજા કશાક (Something) માટે અનિવાર્ય હોવી જોઈએ. આ બીજું કશુંક શું છે? પ્રત્યુત્તર બિલકુલ સરળ છે: આ કશુંક એ તમારી જિંદગીનું લક્ષ્યાંક (Goal) છે. જે કંઈ તમારી જિંદગીનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે અનિવાર્ય છે તે સિદ્ધાંતો વડે પ્રેરિત હોવું જોઈએ, અભિપ્રાયો વડે નહીં. અભિપ્રાયો સમય સાથે બદલી શકે, પરંતુ સિદ્ધાંતો બદલાતા નથી. તમારી જિંદગીનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે જે અનિવાર્ય નથી તે અભિપ્રાયની બાબત છે. સ્વામી તુરીયાનંદનો ઉપદેશ ફરી યાદ કરો: “અભિપ્રાયની બાબતમાં પ્રવાહ સાથે તરો, સિદ્ધાંતની બાબતમાં ખડકની માફક અડગ રહો.” આનો અર્થ એ થાય છે કે આપણી જિંદગીનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે જે અનિવાર્ય છે તે બાબતમાં આપણે ખડકની માફક અડગ હોવા જોઈએ. પ્રવાહની ગતિ ગમે તેટલી હોય તોપણ અડગ ખડક પોતાના સ્થાનેથી ખસતો નથી. ધસમસતો પ્રવાહ ખડકને તેના સ્થાનેથી ખસેડવા માગે છે, પરંતુ ખડક કોઈ પણ પ્રકારે ખસતો નથી. મારી અને તમારી પાસેથી આવી જ અપેક્ષા રાખવામાં આવે છે. જિંદગીનું લક્ષ્યાંક અને તેને પ્રાપ્ત કરવા માટેનાં સાધનો (માર્ગો) સાથે કોઈ બાંધછોડ થઈ શકે નહીં. બીજી બધી બાબતોમાં પ્રવાહ સાથે તરો. એટલે કે, ઓછામાં ઓછા પ્રતિરોધનો માર્ગ અપનાવો. નાની બાબતોમાં બાંધછોડ માટે તત્પર રહો અને સંઘર્ષ અને ઝઘડાઓ ટાળો. નાની નાની બાબતોમાં નિવાર્ય બાબતોમાં ઝઘડાઓ કરીને શક્તિનો વ્યય કરવાનો કોઈ અર્થ નથી. વેદાંતના ઉપદેશનો મુખ્ય મુદ્દો એ છે કે તમારે તમારી જિંદગીનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે તમારાં સાધનોનો ઉપયોગ કરવો જોઈએ અને ભૌતિક બાબતો માટે તેનો વ્યય કરવો જોઈએ નહીં. પરંતુ લક્ષ્યાંકો ઘણા હોય છે. દશ માણસોને તેના જિંદગીના લક્ષ્યાંક વિષે પૂછો અને તમને દશ ભિન્ન ભિન્ન પ્રત્યુત્તરો મળશે. જો તમે તેઓને વધુ પ્રશ્નો પૂછશો તો તમને જણાશે કે તેઓના લક્ષ્યાંકો ભિન્ન ભિન્ન જણાય, પરંતુ તે લોકો ખરેખર જેના માટે પ્રયત્નો કરે છે તે બાબતો ભિન્ન નથી. દુનિયાના કોઈ પણ ભાગમાં કોઈ પણ સ્ત્રી અથવા પુરુષને તમે સીધો પ્રશ્ન પૂછો કે જિંદગીમાં શું શોધી રહ્યા છે? જો તે વ્યક્તિ પ્રમાણિક હશે તો પ્રત્યુત્તર એ જ આવશે, “મારે સુખી થવું છે” અથવા “મારે પૂર્ણ થવું છે” અથવા ‘“મારે મુક્ત થવું છે.” કોઈ પણ સમજુ વ્યક્તિ એમ નહિ કહે “મારે દુ:ખી થવું છે” અથવા “મારે અપૂર્ણ રહેવું છે” અથવા “બંધનો કેવાં અદ્‌ભુત છે!” આથી એમ કહી શકાય કે સમગ્ર માનવજાતનું લક્ષ્યાંક છે – સુખ, પૂર્ણતા અને મુક્તિ. બીજી કોઈ પણ વસ્તુ કે જેનો લક્ષ્યાંક તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે તે ખરેખર સાધનો છે કે જેના વિષે વ્યક્તિ એમ માને છે કે તે તેને સુખી, પૂર્ણ અને મુક્ત બનાવશે.

કઈ વસ્તુઓ તેમને સુખ, પૂર્ણતા અને મુક્તિ આપશે તે વિષે લોકોને પોતાના વિચારો હોય છે, અને તે તેઓના જીવનની દિશા અને ગતિને નક્કી કરે છે. બહુ જ મોડું થયા પછી મોટા ભાગના લોકોને ખ્યાલ આવે છે કે તેમની સુખ, પૂર્ણતા અને મુક્તિની શોધને કારણે તો વધારે દુ:ખ અને બંધનો થયાં છે. વેદાંતના ઉપદેશકો સ્પષ્ટપણે મંતવ્ય ધરાવે છે કે સુખ, પૂર્ણતા અને મુક્તિનું મૂળ માણસના હૃદયમાં જ છે. જો તમારે સુખ, પૂર્ણતા અને મુક્તિ જોઈતાં હોય તો તમારે તમારી જાતનું એ મૂળ સાથે અનુસંધાન કરવું જોઈએ. આ મૂળ તે માણસનો આત્મા (Atman) છે. આત્મજ્ઞાન (બીજા શબ્દોમાં ઈશ્વરપ્રાપ્તિ) માણસના જીવનનું એકમાત્ર સાચું લક્ષ્ય હોઈ શકે. આ સર્વોચ્ચ પ્રાપ્તિ માણસને વિશુદ્ધ, અવિરત આનંદ, પૂર્ણતા અને શાશ્વત મુક્તિ આપી શકે. શ્રીરામકૃષ્ણદેવનો ઉપદેશ “માનવજીવનનો હેતુ ઈશ્વરપ્રાપ્તિ છે” – આ અર્થમાં સમજવાનો છે. અહીં અગત્યનો મુદ્દો એ છે કે ઈશ્વરપ્રાપ્તિ એ સુખ, પૂર્ણતા અને મુક્તિ મેળવવા માટેનું સાધન નથી; ઈશ્વરપ્રાપ્તિ એ સ્વયં લક્ષ્ય છે, કારણ કે ઈશ્વરપ્રાપ્તિ સુખ, પૂર્ણતા અને મુક્તિથી ભિન્ન નથી.

જે પ્રકારના વિશ્વમાં આપણે જીવી રહ્યા છીએ એ જોતાં એમ લાગે છે કે દરેક વ્યક્તિ ઈશ્વરપ્રાપ્તિને પોતાના જીવનના લક્ષ્ય તરીકે સ્વીકારે એ અપેક્ષા રાખવી વધુ પડતું છે. “તમે ઘોડાને પાણીની પાસે લઈ જઈ શકો છો પરંતુ તમે ઘોડાને પાણી પીવાની ફરજ પાડી શકતા નથી.” જેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવી વિભૂતિઓએ વારંવાર આપણને માનવજીવનના લક્ષ્યાંક વિશે ઉપદેશ આપ્યો છે. તેઓના ઉપદેશને સ્વીકારવો કે ન સ્વીકારવો એ બાબતનો આધાર મારા અને તમારા પર છે. જો એ ઉપદેશનો આપણે સ્વીકાર કરીએ અને આપણા જીવનનું એ પ્રમાણે ઘડતર કરીએ તો આપણે આપણી જાત માટે અને સમાજ માટે આશીર્વાદરૂપ બનીએ. જો આપણે તે ઉપદેશ ન સ્વીકારીએ તો તેનો અર્થ એવો થશે કે ઉચ્ચત૨ આદર્શ માટે આપણે તૈયાર થયા નથી અને તે ઉચ્ચતર આદર્શની જરૂરિયાત વિશે જાગૃત થઈએ તે પહેલાં આપણે વધારે યાતનાઓ અને દુઃખોમાંથી પસાર થવાનું છે.

જે લોકો ઈશ્વરપ્રાપ્તિને જીવનના લક્ષ્ય તરીકે નથી સ્વીકારતા તેવા લોકોની સોબત આપણે છોડવી જોઈએ. પરંતુ આપણે તેમ કરીએ તે પહેલાં આપણને એ બાબતનો નિર્દેશ કરવા દો કે તેઓના જીવનનું ગમે તે લક્ષ્ય હોય; પછી તે લક્ષ્ય દુન્યવી હોય તોપણ કશો વાંધો નથી, તેવા લોકોને તેઓના લક્ષ્ય સુધી પહોંચાડવા માટે અનિવાર્ય બાબતોને નિવાર્ય બાબતોથી જુદી પાડવા દ્યો અને પછી સ્વામી તુરીયાનંદનું સૂત્ર લાગુ પાડવા દ્યો. દુન્યવી વ્યવસાયમાં પણ તેઓની સફળતા નિશ્ચિત છે. પરંતુ હવે આપણે આધ્યાત્મિક સાધકોના પ્રશ્નો ધ્યાનમાં લેવા જોઈએ. અને બાકીનો આ નિબંધ એવી મહાન વ્યક્તિઓ માટે છે કે જેઓના જીવનનું અંતિમ અને સર્વોચ્ચ લક્ષ્ય ઈશ્વરપ્રાપ્તિ છે – તેઓના જીવનનાં તાત્કાલિક લક્ષ્યો ગમે તે હોય.

ઈશ્વરપ્રાપ્તિના લક્ષ્યાંકે પહોંચવા માટે કઈ બાબતો અનિવાર્ય છે? જવાબ અઘરો નથી. ઈશ્વરની નજીક જવા માટે જે દરેક બાબત સહાયભૂત થાય છે તે અનિવાર્ય છે. ખાસ કરીને, નૈતિક ગુણો જેવા કે સત્યનિષ્ઠપણું, પવિત્રતા, ઉદારતા, નિઃસ્વાર્થપણું, સંયમ અને સ્વશિસ્ત અનિવાર્ય છે. એથી વિશેષ ગુરુ અને ધર્મશાસ્ત્રોની સૂચનાઓનું પાલન, શ્રદ્વા, વિકારમુક્તિ, સંતોષ અને સેવાભાવના અનિવાર્ય બાબતો છે. આ બાબતોમાં બાંધછોડ ન થઈ શકે – ગમે તે પરિસ્થિતિ હોય તોપણ.

નિવાર્ય બાબતો ઘણી છે અને તેની યાદી બનાવવાની જરૂર નથી. એક સરળ બાબત લઈએ. જો તમારે તમારા નાસ્તામાં કોઈ ખાસ વાનગી જોઈતી હોય અને તમારી પત્ની કોઈ બીજી વાનગીનું સૂચન કરે તો તમારે વાદવિવાદ ન કરતાં તે સ્વીકારી લેવું જોઈએ. આવી બાબતો પર ઝઘડા કરવા યોગ્ય નથી. જો તમે ચા પીતાં પીતાં તમારા મિત્રો સાથે દેશની રાજકીય પરિસ્થિતિની ચર્ચા કરતા હો તો તમને ગમતા અભિપ્રાયો સાથે તમારા મિત્રો પૂરેપૂરા સહમત થાય એવી અપેક્ષા ન રાખો. પ્રવાહની સાથે તરો. તમે અને હું આ દેશને પ્રત્યક્ષ રીતે ચલાવવા માટે રોકાયેલા નથી. રાજકારણ માત્ર અભિપ્રાયની બાબત છે. આવી રીતે, એક સામાન્ય નિયમ તરીકે, તમારી વિશિષ્ટતાઓ રાખવાનો તમને પૂરો અધિકાર છે, પરંતુ તમારી વિશિષ્ટતાઓ બીજા લોકોની વિશિષ્ટતાઓ સાથે અસંગત હોય તો તેઓની સાથે કોઈ મોટો વિવાદ ઊભો કરો નહિ; બાંધછોડ કરી લ્યો. નિવાર્ય બાબતોમાં બાંધછોડ કરવી યોગ્ય છે.

બાબતોનો એક ત્રીજો પ્રકાર પણ છે. આવી બાબતો નિવાર્ય છે; એટલું જ નહિ પરંતુ સ્પષ્ટપણે ભયજનક પણ છે. આવી બાબતો અનિવાર્ય બાબતોથી તદ્દન વિરુદ્ધની છે. દાખલા તરીકે જુઠાણું, અપવિત્રતા, સ્વાર્થીપણું, ક્રોધ, લાલસા, અશિસ્ત વગેરે બાબતો ઈશ્વરપ્રાપ્તિના તમારા લક્ષ્યાંકમાં સ્પષ્ટપણે અવરોધો છે. આવી બાબતોથી દૂર રહો. આવી બાબતોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરો.

પરંતુ પ્રશ્ન તો હજુ રહે જ છે. બીજા વ્યાપારીઓ જેવી રીતે કાર્ય કરે છે તેવી રીતે હું કાર્ય ન કરું અને જો મારે મારો વ્યાપાર બંધ કરી દેવો પડે તો શું? મારા ઉપરી અધિકારી કહે છે તે પ્રમાણે હું હિસાબો ન રાખું અને તેથી મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો શું? જો ટ્રેડ યુનિયનના નેતાઓની અયોગ્ય માગણીઓ હું ન સ્વીકારું અને તેથી મને કાઢી મૂકવામાં આવે તો શું? જો તમે ઈશ્વરના સાચા સાધક બનવા ઇચ્છતા હો તો આધ્યાત્મિક શોધ સિવાયની બીજી બાબતો તમારા માટે ગૌણ બની જવી જોઈએ. તેથી વેદાંતના ઉપદેશકો કહે છે, નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોને પકડી રાખો – અને તેમ અડગ રહેવાથી જો વ્યાપાર બંધ કરી દેવો પડે, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે, અથવા તમારા સાથીઓ તમારી મજાક ઉડાવે તો તેમ થવા દો.

કોઈ કહેશે કે આત્મઘાતક સલાહ છે! એક રીતે એમ જ છે. જો તમે આ સલાહને અનુસરો તો તમે દુનિયા માટે મૃત્યુ પામો છો અને – આ બાબત અગત્યની છે – જ્યાં સુધી તમે દુનિયા માટે મૃત્યુ પામતા નથી ત્યાં સુધી તમે ઈશ્વરમાં જીવવાનું શરૂ કરી શકતા નથી. ત્યારે તમે દુનિયા માટે મૃત્યુ પામો છો, બધા દુન્યવી મૂલ્યો તમારા માટે અસંગત બની જાય છે, ત્યારે તમે ઈશ્વ૨માં જીવવાનું શરૂ કરો છો. જીવન તમારા માટે નવો અર્થ ધારણ કરે છે. દરેક વખતે જ્યારે તમે આધ્યાત્મિક જીવનની અનિવાર્ય બાબતો સાથે બાંધછોડ કરો છો ત્યારે તમે એક પ્રકારની આત્મહત્યા કરો છો. દરેક વખતે જ્યારે તમે અનિવાર્ય બાબતો સાથે બાંધછોડ કરવાની ના પાડો છો ત્યારે તમે ઘણી સાંકળોમાંની એક સાંકળ તોડો છો જે તમને દુનિયા સાથે બાંધી રાખે છે. તમારા દેખાતા જક્કી વલણ માટે તમારે જ કિંમત ચૂકવવી પડે છે તે અગત્યનું નથી.

એથી વિશેષ વેદાંતના ઉપદેશકો તમને ખાતરી આપે છે કે તમારા ભયો કાલ્પનિક છે. નૈતિક અને આધ્યાત્મિક જીવનની જે માગણીઓ છે તેનું સચ્ચાઈપૂર્વક પાલન કરવાથી તમે કશું ગુમાવતા નથી પણ બધું મેળવો છો. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે શુભની શક્તિમાં દૃઢ માન્યતા ધરાવવી તે ભૌતિક કે આધ્યાત્મિક જીવનમાં સફળતા મેળવવા માટેની અગત્યની ચાવી છે. નૈતિકતા અને આધ્યાત્મિકતા જબરદસ્ત શક્તિ ઉત્પન્ન કરે છે અને તેની સામે બધી દુન્યવી શક્તિઓ ગૌણ બની જાય છે. જ્યારે સ્વામીજીએ નીચેના શબ્દો લખ્યા ત્યારે તેઓ પોતાના જીવનના અનુભવનો પડઘો પાડી રહ્યા હતા:

“સત્ય, પવિત્રતા અને નિઃસ્વાર્થપણું જ્યારે આ તત્ત્વો હાજર હોય છે, ત્યારે આ તત્ત્વો ધરાવનાર વ્યક્તિને કચડી નાખવા માટે કોઈ પણ શક્તિ, સૂર્યની ઉપર કે નીચે અસ્તિત્વ ધરાવતી નથી. આ તત્ત્વોથી સજ્જ એવી વ્યક્તિ તેની વિરુદ્ધ સમગ્ર વિશ્વ હોય, તોપણ તેનો સામનો કરી શકે છે.”

સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવાના સમયે લોકોને કેવાં પ્રલોભનોનો સામનો કરવો પડે છે તેનાથી સ્વામીજી પૂરેપૂરા સભાન હતા:

“સૌથી વિશેષ બાંધછોડથી સાવચેત રહો. હું એમ નથી કહેવા માગતો કે તમે કોઈ પણ વ્યક્તિ સાથે શત્રુતા વહોરી લો, પરંતુ સુખ કે દુઃખમાં તમારે તમારા સિદ્ધાંતોને વળગી રહેવું જોઈએ અને વધુ ટેકેદારો મેળવવાની લાલસામાં તમારે તમારા સિદ્ધાંતોને બીજા લોકોના તરંગો પ્રમાણે બંધબેસતા નહીં કરવા જોઈએ. તમારો આત્મા સમગ્ર વિશ્વનો આધાર છે – તમારે કોના આધારની જરૂર છે? ધૈર્ય, પ્રેમ અને શક્તિ સાથે રાહ જુઓ. . . .”

ભગવાન શ્રીકૃષ્ણે અર્થપૂર્ણ રીતે ગીતામાં અર્જુનને ખાતરી આપી છે: “ભલું કરનાર વ્યક્તિ કદી દુ:ખી થતી નથી.” દરેક સાધકે સ્વામી વિવેકાનંદના ત્રણ “P’s” યાદ રાખવાના છે: Purity, Patience, Perseverance પવિત્રતા, ધૈર્ય અને ખંત અને સૌથી વિશેષ શ્રદ્ધા અને પ્રેમ. દરેક આધ્યાત્મિક સાધક કે જે પોતાના સિદ્ધાંતોને વળગી રહે છે તેને ખ્યાલ આવશે કે જો તે ધૈર્ય રાખે તો બધા બાહ્ય અવરોધો દૂર થઈ જાય છે. બરાબર આ કેવી રીતે બને છે તે કહેવું અઘરું છે. ઈશ્વરના માર્ગો રહસ્યમય છે. એવું લાગે છે કે કોઈ વ્યક્તિ સાચા સાધકના માર્ગમાંથી બધા અવરોધો દૂર કરી દે છે અને જો કોઈ અવરોધો રહે તો તે અવરોધો પાર કરવા માટે સાધકને શક્તિ મળે છે અથવા તે અવરોધોની સાધક પર કોઈ અસર થતી નથી.

બાંધછોડની સમસ્યા આ ચર્ચાની શરૂઆતમાં જેટલી જટિલ લાગતી હતી તેટલી જટિલ નથી. નૈતિક અને આધ્યાત્મિક જીવનની અનિવાર્ય બાબતો અને નિવાર્ય બાબતોની સાચી સમજણની જરૂરિયાત છે. અનિવાર્ય બાબતોમાં સાધકે ખડકની માફક અડગ રહેવાનું છે, અને ક્યારેક ઉદ્ભવતા નકારાત્મક અને પ્રતિકૂળ પરિણામોને ધ્યાનમાં લેવાનાં નથી. પણ સામાન્ય રીતે આવાં પરિણામો જોવા મળતાં નથી. એવું જોવામાં આવ્યું છે – અને શાસ્ત્રો, અને પૂર્ણ રીતે નૈતિક જીવન જીવી જનારા વ્યક્તિઓ દ્વારા સાચું ઠે૨વવામાં આવ્યું છે – કે અંતે સત્ય અને સચ્ચાઈનો વિજય થાય છે, જૂઠાણાનો નહિ. “સત્યમેવ જયતે, નાનૃતમ્.” નિવાર્ય બાબતો વિશે, વેદાંતના ઉપદેશકો કહે છે કે વિશ્વમાં થોડી શાંતિ અને સંવાદિતા માટે સમાધાન એ એકમાત્ર માર્ગ છે. તેથી તેઓ સલાહ આપે છે, “પ્રવાહ સાથે તરો.”

વેદાંત કહે છે, તમારા જીવનનો અભ્યાસ કરો. તમારે ક્યારે પ્રવાહની સાથે તરવું જોઈએ અને ક્યારે ખડકની માફક અડગ રહેવું જોઈએ એ શોધી કાઢો – અને ત્યાર પછી તમે તારવેલી હકીકતો પ્રમાણે જીવન જીવો.

ભાષાંતર: શ્રી સી. એમ. દવે

(‘વેદાંત કેસરી’ જુલાઈ ’૯૧માંથી સાભાર ગૃહીત)

Total Views: 242

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.