ભારતવર્ષમાં ભગવાન શંકરાચાર્યનું અવતરણ એક મહાન જ્યોતિષ્કર દિવ્ય અવતરણ હતું. ભલે એમનો જન્મ બુદ્ધદેવના નિર્વાણ પછીના ૧૨૦૦ વર્ષ પછી થયો હોય છતાં પણ એમનો જન્મ એક મહાધર્મક્રાંતિના સમયગાળામાં થયો હતો. એ સમયે વિકૃતિ પામેલા બૌદ્ધ ધર્મના નિરીશ્વરવાદ કે શૂન્યવાદ, બાહ્યાડંબરપૂર્ણ આચાર-અનુષ્ઠાનના પૂરપ્રવાહમાં સનાતન વૈદિકધર્મ લુપ્તપ્રાય બની ગયો હતો. બરાબર આવે જ સમયે આ મહાક્રાંતિથી વિક્ષુબ્ધ બનેલા સમાજના અધ્યાત્મગગનમાં સહસ્ર સૂર્યકિરણો સમા ભગવાન શંકરાચાર્યનો ઉદય થયો. ભારતવાસીઓના મનમાં આત્મશ્રદ્ધા જગાડીને એને વૈદિકધર્મની આધારશિલા પર પુન: પ્રતિષ્ઠિત કરી. જગતના આધ્યાત્મિક ક્ષેત્રમાં તેઓ એક અભિનવ આલોક વર્તિકા-દૃષ્ટિજ્યોત જલાવી ગયા છે.

આચાર્ય શંકર દક્ષિણ ભારતના કેરળ રાજ્યના કાલાડી નામના એક ગામમાં ઈ.સ. ૭૮૮માં જન્મ્યા હતા. તેમનાં માતાનું નામ સતિદેવી હતું અને પિતાનું નામ હતું શિવગુરુ. તેઓ બંને દૃઢ શિવભક્ત હતાં.

બાલ્યજીવન અને ગુરુગૃહે શિક્ષણ

આચાર્ય શંકર દિવ્ય ઐશ્વર્ય શક્તિ સાથે જન્મ્યા હતા. તેમના જન્મ પછી તરત જ એમની અભૂતપૂર્વ પ્રતિભાનો વિકાસ થતો જોવા મળે છે. આ વિશે અનેક અલૌકિક ઘટનાઓ પણ ઘટી હતી. બાળ શંકર બે વર્ષની ઉંમરે જ વર્ણપરિચય પામીને પુરાણ આદિનું પઠનપાઠન કરવા માંડ્યા હતા. સ્વપ્રયત્ને એમણે વેદવેદાંત અને ઉપનિષદો તેમજ ષડ્‌દર્શનોના કેટલાય શ્લોકો કંઠસ્થ કરી લીધા હતા. ૩ વર્ષની ઉંમરે બાળકેશ સંસ્કારવિધિ થયો હતો. આ સંસ્કારવિધિ પછી એમના પિતાનું અવસાન થયું. પરંતુ માતાના એકનિષ્ઠ પ્રયત્નોથી શંકરનું અધ્યયનકાર્ય પહેલાંની જેમ જ ચાલતું રહ્યું. પાંચ વર્ષની ઉંમરે એમના ઉપનયન સંસ્કાર થયા. સાત વર્ષની ઉંમર સુધી ગુરુગૃહે રહીને તેમણે વેદ, ઉપનિષદ, સાંખ્ય, પાંતજલ અને વૈશેષિક વગેરે શાસ્ત્રોમાં પાંડિત્ય મેળવ્યું અને બૃહસ્પતિ જેવા જ્ઞાની બન્યા. ગુરુગૃહેથી પાછા આવીને તેમણે કેટલોક સમય માતૃસેવામાં ગાળ્યો. માધવાચાર્યના સુખ્યાત પુસ્તક ‘શંકર દિગ્વિજય’માં આમ લખ્યું છે : એક દિવસ તેમનાં માતા દૂર આવેલ પૂર્ણા નદીમાંથી પાણી લાવતાં હતાં ત્યારે રસ્તામાં બેભાન થઈ ગયાં. માતાના આ દુ:ખથી તેઓ વિહ્‌વળ થઈ ગયા અને શિવની ઉપાસના કરવા લાગ્યા. શિવોપાસનાને પરિણામે પૂર્ણાનદીનો જલપ્રવાહ એમના ઘરની નજીકથી વહેવા લાગ્યો. આ અલૌકિક ઘટનાના સમાચાર સાંભળીને તે દેશના તત્કાલીન રાજા રાજશેખર સ્વયં શંકરના ઘરે આવ્યા. એમણે શંકરને ઘણાં રત્નાલંકાર સન્માન સાથે આપવા વિનંતી કરી; પરંતુ શંકરે એમાંથી કશુંય લીધું નહિ.

આઠ વર્ષની વયે તેમના વિવાહનો પ્રસ્તાવ આવ્યો. પરંતુ તેઓ એમાં જરાય સંમત ન થયા. એમણે કહ્યું: ‘મારી ઉંમર માત્ર ૧૬ વર્ષની છે. હું આજન્મ સંન્યાસી છું.’ એ પછી એમણે સંન્યાસ ગ્રહણ કરવાનો સંકલ્પ કર્યો અને એ વિશે પોતાનાં માતાની અનુમતિ માગી. માતા કોઈ પણ રીતે આ વિશે સંમત થતાં ન હતાં. એ વખતે એક અદ્‌ભુત ઘટના ઘટી. બાળક શંકર એક વખત પૂર્ણા નદીમાં સ્નાન કરી રહ્યા હતા. એ વખતે એક મોટા ભયંકર મગરે બાળકનો પગ પકડી લીધો અને એને નદીની અંદર ખેંચતો ગયો. માતા આ ભયાનક દૃશ્ય જોઈને આર્તનાદ કરવા લાગ્યાં. ત્યારે શંકરે માતાને કહ્યું: ‘મા, જો તમે મને અત્યારે જ સંન્યાસ લેવાની અનુમતિ આપો તો આ મગર મને હમણાં જ છોડી દેશે.’ બીજો કોઈ ઉપાય ન સૂઝવાથી માતાએ પુત્રની જીવનરક્ષા માટે સંન્યાસ ગ્રહણ કરવાની અનુમતિ આપી. અનુમતિ મળતાંની સાથે જ બાળક શંકરને મુક્ત કરીને મગર પાણીમાં ક્યાંય સરી ગયો.

સંન્યાસ ગ્રહણ અને તપસ્યા

માની અનુમતિ મળતાં તેમણે ૮ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો અને પગપાળા ચાલીને નર્મદા નદીના તીરે અદ્વૈતવાદી આચાર્ય ગોવિંદપાદ પાસે આવ્યા અને કહ્યું: ‘મહારાજ, મને સંન્યાસ અને બ્રહ્મજ્ઞાન આપીને કૃતાર્થ કરો.’ ત્યારે આચાર્ય ગોવિંદપાદે તેમને પૂછ્યું: ‘તું કોણ છો?’ તેના ઉત્તરમાં શંકરે જે કહ્યું તે જગતના ઇતિહાસમાં ચિરઉજ્જ્વલ બની ગયું: ‘મહારાજ, હું પાર્થિવ નથી, હું જડ નથી, આકાશ નથી, તેજ નથી, વાયુ નથી, કોઈ ઈંદ્રિય સમષ્ટિગત દેહ પણ નથી. હું આ બધાથી અતીત, નિર્લિપ્ત શિવ સ્વરૂપ પરમાત્માનો એક અંશ છું.’ આચાર્ય ગોવિંદપાદ શંકરનો ઉત્તર સાંભળીને મુગ્ધ થયા અને તેમને અદ્વૈતનો ઉપદેશ, શિક્ષણ અને સંન્યાસ દીક્ષા આપ્યાં. સંન્યાસ ગ્રહણ કર્યા પછી ગુરુગૃહે રહીને શંકરે કઠોર તપશ્ચર્યા આદરી. મધ્યાહ્‌નના પ્રખર રૌદ્ર તાપ કે અત્યંત જલવૃષ્ટિ કે તોફાન હોય – આ બધું જાણે કે એમના મસ્તક પરથી આવીને ચાલ્યું જાય; પણ પોતે તો અચલ-અટલ અવસ્થામાં જ રહેતા. તેઓ દિવસો ના દિવસો સુધી નિર્વિકલ્પ સમાધિમાં રહેવા લાગ્યા. શંકરની કઠિન તપશ્ચર્યાથી સંતોષ પામીને ગુરુ ગોવિંદપાદે કહ્યું: ‘વત્સ, તું તપ:સિદ્ધ થયો છે. હવે તું પરિવ્રજ્યામાં નીકળ. પહેલાં વારાણસી જજે અને ત્યાં અદ્વૈતતત્ત્વનો પ્રચાર કરીને ‘બ્રહ્મસૂત્ર’ પર ભાષ્ય લખજે.’

પરિવ્રજ્યા અને ગ્રંથાદિ પ્રણયન

ગુરુના નિર્દેશ પ્રમાણે તેઓ કાશીધામ આવ્યા. અહીં તત્કાલીન પંડિતોની સાથે અદ્વૈત સંબંધે આલોચના-ચર્ચા કરી. શંકરની અદ્‌ભુત અને અપૂર્વ પ્રતિભાથી મુગ્ધ થઈને અહીં ઘણાએ એમનું શિષ્યત્વ સ્વીકાર્યું. અહીંના નિવાસ વખતે એક અલૌકિક ઘટના ઘટી હતી: શંકરના પ્રિય શિષ્ય સનંદન પ્રત્યે એમને અધિક ચાહના હતી. એનાથી અનેક લોકોને ઇર્ષ્યા થતી. સનંદનની ઉચ્ચ ગુરુભક્તિની પરાકાષ્ઠા પ્રમાણિત કરવા માટે સનંદન એકવાર ગંગાની પેલેપારથી આ બાજુએ આવવા માટે નૌકાની રાહ જોતા હતા ત્યારે શંકરે ઉચ્ચસ્વરે તેમને બોલાવ્યો: ‘સનંદન, તું આ જ પળે ગંગાની આ પાર ચાલ્યો આવ. મારે તારું વિશેષ કામ છે.’ ગુરુના આહ્‌વાન સાથે ગુરુનું નામ જપતાં જપતાં સનંદન પગની ચાખડી સાથે ગંગાના પ્રવાહ પર ચાલવાનું શરૂ કર્યું. એના પગલે પગલે ગુરુકૃપાથી એક પછી એક પ્રફૂલ્લ કમળ ખીલવા લાગ્યાં. આ અદ્‌ભુત ઘટનાથી બધા ઇર્ષ્યાળુ વિમૂઢ બની ગયા. એ દિવસથી સનંદનનું નામ પદ્મપાદ પડ્યું. 

ત્યાર પછી શંકર ભારતની ઉત્તર દિશા તરફ ઘણા દિવસો સુધી અનેક તીર્થોની યાત્રા કરતાં કરતાં અંતે હિમાલયમાં આવેલા વ્યાસના પુણ્ય આશ્રમ બદરિકાશ્રમમાં આવ્યા. હિમાલયના માનવવસતીના અભાવવાળા એકાંત અને સ્વર્ગીય વાતાવરણમાં રહીને તેમણે ઇતિહાસ પ્રસિદ્ધ ‘બ્રહ્મસૂત્ર ભાષ્ય’, ‘ઉપનિષદ ભાષ્ય’, ‘ગીતા ભાષ્ય’, ‘સર્વવેદાંત સિદ્ધાંત’, ‘સનતસુજાતીય ભાષ્ય’ અને બીજા અનેક ગ્રંથો અને ભિન્ન ભિન્ન છંદોવાળાં કેટલાંય સ્તવ-સ્તોત્રો રચ્યાં. વાચકો જાણતા જ હશે કે એક દિવસ હિમાલયના પાદપ્રદેશમાં સપ્તસિંધુ નામના સ્થાને વસીને આપણા આર્યઋષિઓએ વેદોની રચના કરી હતી.

શંકરાચાર્ય જાણતા હતા કે ૧૬ વર્ષની ઉંમરે જ એમનું અવસાન થશે. એને લીધે જ અત્યંત શિઘ્રતાથી ગ્રંથરચનાનું કાર્ય પૂર્ણ કર્યું. બધા જાણે કે છે એમના ‘બ્રહ્મસૂત્ર ભાષ્ય’નું વાચન ખુદ ભગવાન વ્યાસજીએ પોતાના મૂળ રૂપને છુપાવીને કર્યું હતું. એમના આ અત્યંત સુંદર ભાષ્યથી ખૂબ પરિતૃપ્ત થયા અને ભગવાન વ્યાસજીએ શંકરાચાર્યને વરદાન આપ્યું: ‘વત્સ, તારે હજુ ઘણું કામ કરવાનું બાકી છું. તારું આયુષ્ય ૧૬ને બદલે ૩૨ વર્ષનું થજો.’

દિગ્વિજય અને અલૌકિકતા

૧૭ વર્ષની ઉંમરે શંકરાચાર્ય દિગ્વિજય માટે નીકળી પડ્યા. પોતાના જીવનના શેષ ૧૫ વર્ષ સુધી તેમણે ભારતના એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં પરિભ્રમણ કર્યું. તત્કાલીન સુખ્યાત પંડિતોને તર્કયુદ્ધમાં પરાસ્ત કરીને એમને પોતાની શિષ્ય મંડળીમાં સામેલ કર્યા. તત્કાલીન વિકૃત બૌદ્ધવાદનું ખંડન કરીને સનાતન સત્યધર્મની પુન: પ્રતિષ્ઠા કરી.

શંકરાચાર્ય આ દિગ્વિજય માટે સર્વ પ્રથમ પ્રયાગમાં આવ્યા. અહીં પ્રખર પંડિત કુમારિલ ભટ્ટ સાથે એમની મુલાકાત થઈ. ગુરુદ્રોહના અપરાધથી કુમારિલ ભટ્ટ અગ્નિમાં પોતાના દેહને હોમી દેવાની તૈયારીમાં હતા. એમણે શંકરાચાર્યને વિનંતી કરી : ‘હું અત્યારે તમારી સાથે તર્કયુદ્ધ નહિ કરી શકું. દેહત્યાગ કરવાનો મારો નિર્ણય અફર છે. તમે મિથિલાના માહિષ્મતિ નગરના દુર્ઘર્ષ કર્મકાંડી મહાપંડિત મંડન મિશ્ર સાથે તર્કયુદ્ધ કરી શકો છો.’ શંકરાચાર્ય તત્કાળ માહિષ્મતિ નગરી પહોંચી ગયા. ત્યાં મંડન મિશ્રના મહેલ પાસે જઈને તેઓ ઊભા રહ્યા. એમ કહેવાય છે કે મંડન મિશ્રના પાંડિત્યના પ્રભાવથી તેમના નોકર-ચાકર તેમજ તેમના પાળેલા પંખીઓના મુખે પણ શાસ્ત્રની આલોચના સાંભળવા મળતી. શંકરાચાર્ય જ્યારે મંડન મિશ્રના મહેલ પાસે આવ્યા ત્યારે દ્વાર બહારથી બંધ હતાં અને તેઓ અંદર શ્રાદ્ધાદિક કર્મ કરી રહ્યા હતા. એ સમયે મંડન મિશ્રે બધાને કોઈનેય અંદર ન આવવા દેવાનો આદેશ આપ્યો હતો. બહાર શંકરાચાર્યે ઘણો વખત રાહ જોઈ પછી અધીર બનીને તેઓ પોતાના યોગ બળથી શ્રાદ્ધના સ્થળે જઈને ઊભા રહ્યા. શ્રાદ્ધ કરતા મંડન મિશ્રે અચાનક પોતાની સમક્ષ મુંડન કરેલા નાની ઉંમરના એક સંન્યાસીને જોયા અને એના પર ક્રોધિત થયા. બંને વચ્ચે વાદવિવાદ-ચર્ચા-આલોચના શરૂ થયાં. શંકરે કહ્યું: ‘મંડન, તારી પાસે હું ભીખ માગવા નથી આવ્યો. હું તો તને તર્કયુદ્ધમાં પરાસ્ત કરવા આવ્યો છું.’ મંડન મિશ્રનાં પત્ની ઉભયભારતી શાસ્ત્રજ્ઞાનમાં સરસ્વતી સમાં મેધાવી હતાં. ઉભયભારતીની મધ્યસ્થતા સાથે મંડન મિશ્ર અને શંકરાચાર્ય વચ્ચે છ દિવસ સુધી ઘોરતમ શાસ્ત્રચર્ચા ચાલી. આ શાસ્ત્રચર્ચાયુદ્ધમાં અંતે મંડન મિશ્ર પરાસ્ત થયા. પોતાના પતિ મંડન મિશ્રનો પરાજય થવાથી ઉભયભારતીએ શંકરાચાર્યને કહ્યું: ‘સ્વામી અને તેમની સ્ત્રીને, બંનેને જ્યાં સુધી પૂર્ણપણે પરાજય ન આપો ત્યાં સુધી તમારો વિજય સંપૂર્ણ થયો ન કહેવાય.’ શંકરાચાર્ય ઉભયભારતી સાથે શાસ્ત્રયુદ્ધ કરવા તૈયાર થયા. ઉભયભારતીએ શંકરાચાર્યને અજ્ઞાત ગૃહસ્થાશ્રમ વિશે વિવિધ પ્રશ્નો પૂછ્યા. શંકરાચાર્યે એમના એ પ્રશ્નોનો ઉત્તર આપવા માટે કેટલાક દિવસનો સમય માગ્યો.

શંકરાચાર્ય મગધ રાજ્યમાં આવ્યા. એ જ સમયે ત્યાંના રાજા અમરકનું અવસાન થયું હતું. શંકરાચાર્ય પોતાના યોગબળથી એમના મૃતદેહમાં પ્રવેશી ગયા. પોતાના દેહને એક ગુફામાં રાખીને એમના શિષ્યોને એ દેહની રક્ષા કરવાની જવાબદારી પણ સોંપી. આ બાજુ મગધના રાજા અમરક ફરીથી જીવતા થયા. શંકર રૂપી રાજા અમરક પોતાના રાજમહેલમાં રહેવા લાગ્યા અને અજ્ઞાત ગૃહસ્થાશ્રમના બધાં જ રહસ્યો જાણી લીધાં. થોડા દિવસો પછી રાજાને ફરીથી મૃત-અવસ્થામાં રાખીને શંકરાચાર્યે પોતાના મૂળ દેહમાં પ્રવેશ કર્યો. ફરી પાછા માહેષ્મતી નગરીમાં આવ્યા અને ઉભયભારતીને શાસ્ત્રચર્ચામાં પરાસ્ત કર્યાં. મંડન મિશ્ર શંકરાચાર્યના શિષ્ય બન્યા અને એમનું નામ સુરેશ્વરાચાર્ય પડ્યું.

આ વખતે પોતાના યોગબળથી શંકરાચાર્યને ખ્યાલ આવ્યો કે એમનાં માતા મૃત્યુ શય્યાએ પડ્યાં હતાં. મગધમાંથી તેઓ તત્કાળ યોગબળથી પોતાના જન્મસ્થાન કેરળમાં પહોંચી ગયા. એમણે મૃત્યુશય્યામાં પડેલાં માતાની સેવાસુશ્રૂષા કરી. મૃત્યુ કાળે માતાને પોતાનાં ઇષ્ટદેવનાં દર્શન કરાવ્યાં. શંકરના મહાન કીર્તિથી ઇર્ષ્યા કરતા ગ્રામવાસીઓએ માતાના અગ્નિસંસ્કારવિધિમાં કોઈ સાથ-સહાય ન આપ્યાં. નિરુપાયે પોતે એકલાએ જ માતાના શબને ઉપાડીને ઘરની પાસે જ તેમનો અગ્નિ સંસ્કાર કર્યો. માતાના શ્રાદ્ધાદિક કાર્યો પૂર્ણ કરીને શંકરાચાર્ય ફરી પાછા પોતાના શ્રેષ્ઠ શિષ્યો પદ્મપાદ, હસ્તામલક, તોટકાચાર્ય, સુરેશ્વરાચાર્ય, સમીતપાણિ, ચિદ્‌વિલાસ, જ્ઞાનકંદ, વિષ્ણુગુપ્ત, શુદ્ધકીર્તિ, ભાનુમરીચિ, બુદ્ધિવિરિંચિ અને આનંદગિરિ વગેરે સાથે ભારતના બીજાં સ્થળોએ તર્કયુદ્ધ કરવા પરિભ્રમણ કરવા લાગ્યા. આ પરિભ્રમણકાળ દરમિયાન તેમણે કેટલાય બૌદ્ધ, જૈન, કાપાલિક, ચાર્વાકવાદી, કણાદ, દ્વયણુ, વગેરે મતાવલંબીઓને તેમજ કૃચક, સૌગત, ક્ષપણક, નીલકંઠ, ભાસ્કર પંડિત, ઉગ્ર ભૈરવ, બાણ, મયૂર, દંડી, શ્રી હર્ષ, અભિનવ ગુપ્ત, જેવા તત્કાલીન ભિન્ન ભિન્ન સંપ્રદાયના શ્રેષ્ઠ પંડિતોને અને સંન્યાસીઓને પરાસ્ત કર્યા અને એમને પોતાના અનુયાયી બનાવ્યા. પોતાની પદપાત્રામાં ભિન્ન ભિન્ન પ્રદેશના રાજાઓ, ધનિકો, વગેરેને અનુરોધ કરીને વિવિધ સ્થળે ધર્મશાળાઓ, વિદ્યાલયો, ઋગ્ણાલયો, અન્નક્ષેત્ર, મુસાફરોને લાવવા માટે વાહનો તથા પશુઓના પાણીના હવાડા, વૃક્ષારોપણ વગેરેની વ્યવસ્થા પણ કરાવી.

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.