(ગતાંકથી આગળ)

ચહુદિશ- ચહુધામમાં દશનામી સંપ્રદાય

શંકરાચાર્યે દિગ્વિજય કાળમાં ભારતના વિવિધ સ્થળે ચાર મઠની સ્થાપના કરી. મૈસૂરની તુંગભદ્રા નદીના કિનારે શ્રૃંગેરી મઠ, દ્વારકાની ગોમતી નદીના કિનારે શારદામઠ, પુરીના સમુદ્ર કિનારે ગોવર્ધન મઠ અને બદ્રિનાથની અલકનંદાના તીરે જોશી મઠ – જ્યોર્તિમઠની સ્થાપના કરી. શંકરાચાર્યે સર્વપ્રથમવાર મઠનિયંત્રણની પ્રણાલી તથા સંન્યાસી ભેદ પ્રમાણે દશનામી સંપ્રદાયની (તીર્થ, વન, અરણ્ય, ગિરિ, પુરી, ભારતી, પર્વત, સાગર, સરસ્વતી, આશ્રમ) સંરચના કરી. 

શંકરાચાર્યનો અધ્યાત્મવાદ

શંકરાચાર્યે પ્રચાર કરેલ દાર્શનિક તત્ત્વને અદ્વૈતવાદના નામે ઓળખવામાં આવે છે. એનો મુખ્ય આધારસ્તંભ વેદાંત અને ઉપનિષદ છે. વેદના જ્ઞાનકાંડને જ વેદાંત કહે છે. ચારેય વેદોમાં આવતાં મહાવાક્યો – ‘તત્ત્વમસિ’, ‘અહં બ્રહ્માસ્મિ’, ‘પ્રજ્ઞાનં બ્રહ્મ’ અને ‘અયમ્‌ આત્મા બ્રહ્મ’ છે. જીવ બ્રહ્મના એકાંતિક અભેદ દર્શનના આ ચારેય મહાવાક્યનું અભિનવ દાર્શનિક રૂપાંતરણ શંકરાચાર્યે અદ્વૈતવાદમાં પ્રબોધ્યું છે. શંકરાચાર્યે કહ્યું છે – ‘બ્રહ્મ સત્યં જગન્મિથ્યા’ – બ્રહ્મ સત્ય છે, નિત્ય છે અને બાકીનું બીજું બધું મિથ્યા છે, અનિત્ય છે. આ નિત્ય-અનિત્યના અભેદ જ્ઞાનની અનુભૂતિ એ જ જીવનની સાર્થકતા છે. દરેક જીવને ‘હું પણા’નું જ્ઞાન હોય છે, પણ આ ‘હું પણું’ આત્માના પ્રકૃત સ્વરૂપનું જ્ઞાન નથી. એટલે જ દેહધારીઓમાં આત્મબોધ એ એક અધ્યાસ એટલે કે ભ્રાંતિ સ્વરૂપ છે. સત્યાનૃતે મિથુનિકૃત્યાઽહમિદમ્‌ મમેદમિતિ નૈસર્ગિકોઽહં લોકવ્યવહાર: । એમના મતે લૌકિક કે વૈદિક બધાં પ્રમાણ-પ્રમેય અને વ્યવહાર એ અવિદ્યાનું ફળ છે. એકાત્મજ્ઞાન થયા સિવાય અજ્ઞાનનો નાશ થતો નથી. જે મોટું છે, જે મહાન છે, જે મહતો મહીયાન્‌ છે, તે જ બ્રહ્મ છે. ઈંદ્રિયો માટે જે પ્રત્યક્ષ છે તે પ્રાય: ભ્રમણાત્મક હોય છે. અપરોક્ષ અનુભૂતિ દ્વારા જ માયિક ભ્રમ દૂર થાય છે. જેમ છીપલામાં રજત્‌ દેખાય છે, દોરડીમાં જેમ સાપનો ભ્રમ થાય છે, દૂર રૌદ્ર સૂર્યતાપથી તપેલા સ્થાને મૃગજળ દેખાય છે. એ ભ્રમ દૂર થતાં, છીપલામાં છીપલું, દોરડીમાં દોરડી અને સૂર્યકિરણથી પ્રોજ્જ્વલ ખૂબ તપેલું સ્થાન દેખાય છે. એવી જ રીતે બ્રહ્મજ્ઞાન થવાથી જગતનું મિથ્યાપણું (ભ્રમણા) દૂર થવાથી સર્વપ્રાણીઓમાં એક અખંડ સત્તા, એક અખંડ ચૈતન્ય, અખંડ આનંદ સ્વભાવની દિવ્યાનુભૂતિનું સ્ફૂરણ થાય છે. આ અખંડ અદ્વૈતતત્ત્વની પ્રતિષ્ઠા કરવા માટે ભેદના અસત્‌ તત્ત્વનું પ્રતિપાદન કરવું જોઈએ. 

શંકરાચાર્યે કહ્યું છે : ‘વસ્તુ તો સિદ્ધિજ્ઞાન દ્વારા જ સાધી શકાય. ઘટનું જ્ઞાન છે એટલે જ એમ કહી શકાય કે ‘ઘટ’ (ઘડા)નું અસ્તિત્વ છે. જે વિષયમાં જ્ઞાનનો વ્યભિચાર હોય તે અસત્‌ અને જેમાં જ્ઞાનનો વ્યભિચાર ન હોય તે સત્‌. આત્માની ઉપલબ્ધિ માટે તીવ્ર આકાંક્ષા અને નિષ્કામ કર્મની આવશ્યકતા છે. નિષ્કામ કર્મ દ્વારા ચિત્તશુદ્ધિ થાય. ચિત્તશુદ્ધિ થતાં જ પરમજ્ઞાન સ્વત: સ્ફૂરી ઊઠે છે. એ અવસ્થામાં સ્વસ્વરૂપના જ્ઞાનનો ઉદ્‌ભવ થાય છે; તેના દ્વારા દેહેન્દ્રિયાદિમાં આત્માની અભેદ બુદ્ધિ ચાલી જાય અને મનુષ્ય સ્વસ્વરૂપ, ભૂમા આનંદ, ભૂમા ચૈતન્યના અધિકારની ઉપલબ્ધિ કરે છે. ત્યારે તે ઉત્કટભાવે ‘ચિદાનંદ રૂપ: શિવોઽહમ્‌ શિવોઽહમ્‌’ની અનુભૂતિ કરે છે. 

શંકરાચાર્યની વાણી

વિભિન્ન પ્રકારનાં અસંખ્ય સ્તવ-સ્તોત્રાદિ દ્વારા આચાર્ય શંકરે અદ્વૈતતત્ત્વમૂલક અને વૈરાગ્યોદ્દીપક ઘણી અમરવાણીને છંદોબદ્ધ રચનામાં વાચા આપી છે. એ વાણીમાંથી થોડી અમૃતવાણી અહીં આપીએ છીએ.

આચાર્ય શંકરે તેમના ‘સર્વવેદાંતસિદ્ધાંત’ કાવ્યમાં કહ્યું છે : ‘એક માત્ર બ્રહ્મ જ નિત્ય છે અને બાકીનું બધું અનિત્ય છે. આ વિચારનું નામ નિત્યાનિત્ય વસ્તુવિવેક. આ નિત્યાનિત્ય અભેદજ્ઞાનથી પુષ્પમાળા, ચંદન અને નારી વગેરે પ્રત્યે જ્ઞાનીપુરુષોમાં વિરક્તિ ઉદ્‌ભવે છે. યૌવનમદગર્વ, ગુરુજનઅવમાનના અને મર્યાદાનું ઉલ્લંઘન એ પાપ છે. બ્રહ્મચર્ય, અહિંસા, જીવદયા, સરળતા, વિષયવૈરાગ્ય, શૌચ અને અભિમાનવર્જન, એ ચિત્તપ્રસાદનું કારણ છે. પૂર્વજન્માર્જિત પાપને કારણે જે આધ્યાત્મિક અને આધિદૈવિક દુ:ખો આવે તેને ધીરભાવે સહન કરવાં જોઈએ. આ સહનશીલતાને જ તિતિક્ષા કહે છે.’

પ્રાત:સ્મરણ સ્તોત્રમાં તેઓ કહે છે : ‘જે સચ્ચિદાનંદ, અંતરમાં આત્મતત્ત્વ પ્રકાશક, પરમહંસ ગતિ, તુરીય, જાગ્રત, સુષુપ્ત, નિત્ય નિશ્ચલ, અભૂતસંઘ, પરમ બ્રહ્મ, મનવાક્યથી અગમ્ય, તમોગુણાતીત, પૂર્ણ, સનાતન, પુરુષોત્તમ, રજ્જુસર્પ ન્યાયે જગત-પ્રપંચના વિકાસમાન એવા પર બ્રહ્મને હું પ્રાત:કાળે નમસ્કાર કરું છું.’

માતૃસ્મરણ મૂલક દેવ્યપરાધક્ષમાપન સ્તોત્રમાં તેઓ કહે છે : ‘હે મા, હું મંત્ર જાણતો નથી, હું તંત્ર જાણતો નથી, હું સ્તુતિકથા પણ જાણતો નથી, તારું આહ્‌વાન કેમ કરવું તે પણ હું જાણતો નથી અને ધ્યાન કેમ કરવું તે પણ હું જાણતો નથી. વિધિના અજ્ઞાન, ધનના અભાવ કે આળસને લીધે મેં તમારાં ચરણોમાં અનેક અક્ષમ્ય ભૂલો કરી છે. મા, મારા જેવો કોઈ પાપી નથી અને તમારા જેવી કોઈ પાપનાશિની નથી. હે જનની, તારા સિવાય હું કોને શરણે જાઉં!’

શંકરાચાર્યે મોહોદ્‌ગારમાં કહ્યું છે: ‘હે મૂઢ, ધનના આવવાની તૃષ્ણાને ત્યજી દે. હે અલ્પબુદ્ધિવાળા, વિષયોમાંની તૃષ્ણાને ત્યજી દે. સ્વકર્મ દ્વારા ઉપાર્જિત ધનથી મનને સંતુષ્ટ રાખ. શત્રુ-મિત્ર-પુત્ર-બંધુ, વિગ્રહ સંધિ, આ બધામાં સમયત્નશીલ બનો. તમારામાં, અમારામાં, બધામાં એક વિષ્ણુ જ વિદ્યમાન છે. એટલે બધાંમાં આત્મ સ્વરૂપનાં દર્શન કરો અને સર્વત્ર ભેદને ત્યજી દો. કામ-ક્રોધ-લોભ-મોહનો ત્યાગ કરો, અને હું કોણ છું એ વિશેનું સતત ચિંતન કરતા રહો અને આત્મોપલબ્ધિ કરો. ગંગા સંગમે ભલે ગમન કરો, ભલે વ્રતપાલન પણ કરો, પ્રચૂર દાન-ધ્યાન પણ કરી લો, પણ આત્મજ્ઞાન વિના હજારો જન્મ સુધી મુક્તિ મળનારી નથી.’

‘મણિરત્નમાલા’માં શિષ્યના પ્રશ્નો અને ગુરુના ઉત્તર વિશે તેઓ કહે છે : 

પ્ર. અમારું શરણ કયું?

ઉ. ઈશ્વરપાદપદ્મરૂપી પ્રશસ્ત નૌકા.

પ્ર. બદ્ધ કોણ છે?

ઉ. વિષયાસક્ત.

પ્ર. સંસારબંધનનો લોપ કેવી રીતે થાય?

ઉ. વેદવિહિત આત્મજ્ઞાનથી.

પ્ર. કોણ દરિદ્ર છે?

ઉ. વિષયની તીવ્ર લાલસાવાળો.

પ્ર. ગુરુ કોણ?

ઉ. હિતોપદેશક.

પ્ર. તીર્થ શું છે?

ઉ. પોતાનું શુદ્ધ મન.

પ્ર. મૂર્ખ કોણ?

ઉ. વિવેકહીન.

પ્ર. ધન્ય કોણ?

ઉ. પરોપકારી.

પ્ર. દિવ્યવ્રત કયું?

ઉ. બધા પ્રત્યે વિનયભાવ

પ્ર. અનંત દુ:ખકારી શું છે?

ઉ. પોતાની મૂર્ખતા.

પ્ર. ઉપાસ્ય વસ્તુ કઈ કઈ છે?

ઉ. ગુરુ, દેવતા અને વયોવૃદ્ધગણ.

પ્ર. માતાની જેમ સુખ આપનાર કોણ?

ઉ. સુવિદ્યા.

પ્ર. કર્મ શું છે?

ઉ. જે ઈશ્વરને પ્રીતિકર છે.

પ્ર. સત્ય શું છે?

ઉ. સર્વદા જીવસમૂહની હિતસાધના.

******

Total Views: 70

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.