૧૯૬૩નું વર્ષ મારા વિદ્યાર્થી જીવનને અને સમગ્ર જીવનને એક નવો જ વળાંક આપનારું વર્ષ હતું. એ વર્ષે હું ધો.૧૦માં મારા વતન વેલાછાના વિનયમંદિર (અત્યારે જયશંકરદાદા હાઈસ્કૂલ)માં અભ્યાસ કરતો હતો. અભ્યાસ અને અભ્યાસેતર પુસ્તકો વાંચવાનો મને થોડો શોખ ખરો. વેલાછાના શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ સાર્વજનિક પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવીને વાંચતો. એ વર્ષે સદ્‌ભાગ્યે મારા હાથમાં સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર આવ્યું.

પુસ્તક વાંચતાં વાંચતાં મારી હૃદયવીણાના તાર ઝણઝણી ઊઠ્યા. એમના આ શબ્દોએ મારું હૃદય હરી લીધું : ‘શાસ્ત્રોમાં કહ્યું છે – માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ – પણ હું કહું છું કે હવે દરિદ્ર દેવો ભવ.’ આવા દુ:ખી અભણને ઈશ્વર માનીને સેવા કરો. આ પુસ્તક વંચાતું ગયું તેમ મેં મનમાં પાકો નિર્ણય કર્યો કે ભવિષ્યમાં કામ કરવું તો આવું જ – ઈશ્વરપ્રિત્યાર્થે અને શિવજ્ઞાને જીવસેવાનું જ.

સમય વીતી ગયો. ૧૯૬૩થી ૧૯૯૬ સુધીનો. ૧૯૯૭નો સપ્ટેમ્બર માસ આવ્યો. પરમકૃપાળુ પરમેશ્વરે તે દિવસથી સમર્પણની આવી થોડી ક્ષણો મને આપી. એ મહિનાના અંતિમ દિવસોમાં ઘરે બનતી રસોઈમાંથી થોડુંઘણું વધારીને રેલ્વે કે બસ સ્ટેશને કોઈ ભૂખ્યાને ખવડાવવાની મારાં પત્ની સાથે શરૂઆત કરી. થોડા વખત પછી એવું લાગ્યું કે ઘરમાં ખાવાનું વધે તો ખવડાવવું અને ન વધે તો ન ખવડાવવું એ યોગ્ય ન કહેવાય. એટલે ઓક્ટો. ૯૭ થી દરરોજ નિયમિત રીતે ખીચડી બનાવી ઉપર્યુક્ત બે સ્થળે ભૂખ્યાને ભોજન આપવાનું શરૂ કર્યું. એમ કરતાં નવેમ્બર વીતી ગયો. ડિસેમ્બરની ૨૨મીની સવારનો સૂર્યોદય થયો. આ દિવસ શ્રી શ્રીમા સારદાદેવીનો જન્મતિથિ દિવસ. જાણે કે માનો સંકેત થયો કે રેલવે સ્ટેશન કે બસ સ્ટોપ કરતાં હોસ્પિટલમાં ઘણા લોકો આવા ભોજનની રાહ જોઈ રહ્યા છે. ‘સાધનાકુટિર’ હોસ્પિટલ, કીમમાં અમે ખીચડી ખવડાવવાની શરૂઆત કરી. 

સમય સતત વહેતો રહ્યો. માનવ સેવાનું કાર્ય ચાલતું રહ્યું. અમારા કાર્યમાં ગીતાબહેન, ગિરિશભાઈ પટેલ અને ભાવનાબહેન પાંડવ અને અન્ય મિત્રોનો સહકાર સાંપડ્યો. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૦ના દિવસે શ્રીઠાકુર, શ્રીમા સારદાદેવી, સ્વામીજીની અનન્ય કૃપા અને મિત્ર શુભેચ્છકોની શુભેચ્છાઓ સાથે ‘શ્રી શ્રીમા પ્રસાદ ક્ષેત્ર (અન્નક્ષેત્ર)નો પ્રારંભ થયો.

શિવજ્ઞાને જીવસેવાની પ્રવૃત્તિનાં વાવેલાં બીજ અંકુર રૂપે ફૂટ્યાં. ‘આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ’ અને ‘શિવજ્ઞાને જીવસેવા’ તેમજ સર્વધર્મ સમન્વય જેવા સ્વામીજીના ધ્યેયમંત્રોને સ્વીકારીને એક નાની એવી સેવાસંસ્થા ‘શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેવાકેન્દ્ર, કીમ’નો ઉદ્‌ભવ થયો.

આ સેવાસંસ્થાની પ્રવૃત્તિઓનું કેન્દ્ર માનવસાં રહેલ ‘ઈશ્વર’ છે. આર્થિક અવદશાને લીધે, સાધનસામગ્રીને અભાવે માનવ મૂંઝાય નહિ, અકળાય નહિ અને સગવડોથી વંચિત ન રહે તે માટે સેવાકેન્દ્રના ઉપક્રમ અન્નસેવા, તબીબીસેવા, શૈક્ષણિક સેવા, નૈતિક મૂલ્યશિક્ષણ, આધ્યાત્મિક સત્સંગ અને સામાન્ય માનવ ગૌરવપૂર્વક જીવી શકે એવી પ્રવૃત્તિઓ આ સંસ્થા કરે છે.

૩૧ માર્ચ, ૨૦૦૭ સુધીની પ્રવૃત્તિઓ

શ્રીમા પ્રસાદ ક્ષેત્ર (અન્નક્ષેત્ર) : સાધના કુટિર હોસ્પિટલ, કીમના સૌજન્યથી હોસ્પિટલના એક ઓરડામાં શ્રીશ્રીમા પ્રસાદક્ષેત્ર ચાલે છે. કીમની બીજી બધી હોસ્પિટલોમાં દાખલ થયેલ દર્દીઓ અને એમના એક સાથીને દરરોજ બે વખત નિ:શૂલ્ક ભોજન અને દૂધ સંસ્થા આપે છે. અત્યાર સુધીમાં ૧,૭૬,૪૦૧ વ્યક્તિઓને આ ભોજન પ્રસાદનો લાભ મળ્યો છે.

નચિકેતા સાર્વજનિક પુસ્તકાલય : સાધનાકુટિર હોસ્પિટલના પ્રાંગણમાં અન્નક્ષેત્રવાળા રૂમમાં જ એક નાનું પુસ્તકાલય છે. તેમાં ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી, તેલુગુ, કન્નડ, ઉડીયા, બંગાળી ભાષાનાં થોડાં પુસ્તકો છે. દર્દીઓને મળવા જતી વખતે થોડાં પુસ્તકો સાથે લઈ જઈએ છીએ અને દર્દીઓ કે એમના સંગાથીઓની રુચિ પ્રમાણે આ પુસ્તકો નિ:શૂલ્ક વાંચવા આપીએ છીએ. વાચકોની સંખ્યા ૪૭૭૬ થઈ છે.

વૈકલ્પિક આરોગ્ય સેવાઓ : અસાધ્ય અને હઠિલા દર્દો માટે આયુર્વેદિક અને હોમિયોપથી ક્લિનિક કીમ અને કોસંબામાં અનુક્રમે શનિ અને રવિવારે સેવાઓ આપે છે. લાભ લેનાર આયુર્વેદિક દર્દીઓની સંખ્યા ૭૦૬૨ અને હોમિયોપથી ક્લિનિકના દર્દીઓની સંખ્યા ૮૧૧૨ છે.

સસ્તી અને આડઅસર વિનાની ચિકિત્સા પદ્ધતિ માટે લોકોમાં જાગૃતિ લાવવા ગ્રામ્ય વિસ્તારોમાં નિ:શૂલ્ક આરોગ્ય નિદાન શિબિર યોજાય છે.

ભગિની નિવેદિતા નિ:શૂલ્ક શિક્ષણ સહાયવર્ગ : અહીંની માધ્યમિક શાળાઓના આર્થિક અને શૈક્ષણિક રીતે નબળા વિદ્યાર્થીઓને ગણિત અને અંગ્રેજી વિષયના શિક્ષણ સહાયક વર્ગો દરરોજ ચાલે છે. અત્યાર સુધીમાં ૬૩૮ વિદ્યાર્થીઓએ લાભ લીધો છે.

સત્સંગ કેન્દ્ર : જીવન વિકાસ માટે સ્વામી વિવેકાનંદના ‘સર્વધર્મ સમન્વય’ના આદર્શને અનુરૂપ દર બુધવારે રાતે ૮.૩૦ થી ૯.૩૦ સુધી એક સત્સંગ કેન્દ્ર ચાલે છે.

જ્ઞાનજ્યોત પુસ્તક ભંડાર : આ પુસ્તકભંડારમાંથી શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય અને અન્ય વેદાંત સાહિત્ય મળે છે. તદુપરાંત જીવન વિકાસના સાહિત્ય, કેસેટ, સીડી પણ મળે છે. સેવારુરલ ઝઘડિયા દ્વારા પ્રેરિત શારદા મહિલા વિકાસ સોસાયટીના પાપડનું વેંચાણ પણ થાય છે.

નિ:શુલ્ક યોગ વિજ્ઞાન વર્ગો : વિવેકાનંદ યોગકેન્દ્ર વડોદરાના પ્રશિક્ષક શ્રી વિકાસભાઈ તથા કુસુમબહેન ગોહિલ અને પતંજલિ યોગપીઠ, હરિદ્વારમાં પ્રશિક્ષિત શ્રીમતી નયનાબહેન દીક્ષિત (સુરત) દ્વારા બે અઠવાડિયાના યોગવર્ગો લેવાયા ત્યાર પછી છેલ્લા પંદર માસથી સવારે ૬ થી ૭.૧૫ સુધી કીમ ગ્રામ પંચાયતના સૌજન્યથી તેના કોમ્યુનિટિ હૉલમાં દરરોજ આ વર્ગો ચાલે છે.

વાચક વિભાગ : મહાદેવ મંદિર ટ્રસ્ટ, કીમના સૌજન્યથી રાધાકૃષ્ણ મંદિરમાં, રેલવે સ્ટેશન, કીમના અધિકારીઓ અને રેલવે ટી-સ્ટોલના શ્રી હિતેષભાઈ વસાવાના સહકારથી છેલ્લા છ માસથી આ વાચન વિભાગ વિના મૂલ્યે ચાલે છે. એમાં ધાર્મિક સાહિત્ય, વર્તમાનપત્રોની પૂર્તિઓ સામયિકો અને નાની પુસ્તિકાઓ મૂકીએ છીએ.

બીજી સેવાઓ : ગરીબ વિદ્યાર્થીઓને નોટબૂક, પાઠ્યપુસ્તકો; ગરીબ દર્દીઓને દવા માટે આર્થિક સહાય; વિધવા બહેનોને વસ્તુ કે આર્થિક સહાય અપાય છે. અનુકૂળતા પ્રમાણે મહાપુરુષોના જન્મદિન, રાષ્ટ્રિય તહેવારોની ઉજવણી થાય છે. કીમની બધી શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થાય છે.

સેવાકેન્દ્રની આવતીકાલ

* કીમમાં સર્વધર્મપ્રાર્થના મંદિર, વાનપ્રસ્થ મંદિર અને વિદ્યાર્થીઓની હોસ્ટેલ શરૂ કરવાનો વિચાર છે.

* ઉચ્ચ જીવનમાં ઉપયોગી થાય તેવા સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે સાર્વજનિક પુસ્તકાલય અને પુસ્તક ભંડાર શરૂ કરવાનો વિચાર છે.

* મોબાઈલ આરોગ્ય સેવાઓ અને મૂલ્યનિષ્ઠ કેળવણી ગ્રામ્યવિસ્તારમાં મળી રહે તેવું કામ કરવાનો સંકલ્પ છે.

* વૈકલ્પિક સારવાર વ્યવસ્થામાં એક્યુપ્રેશર, એક્યુપંક્ચર, મેગ્નેટથેરપી અને નૈસર્ગિક ઉપચાર સેવાઓ શરૂ કરવાની યોજના છે.

* આદિવાસી વિસ્તારના પસંદગીના ગામોના લોકોના સર્વાંગીણ વિકાસ માટે કાર્ય કરવાનો નિર્ણય કર્યો છે. સમાજના છેવાડાનો માણસ ગૌરવથી ધંધો કરી શકે તે માટે નિર્વ્યાજ, લોનનિધિ કે ધીરાણબચત યોજના શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે.

Total Views: 79

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.