ડોક્ટર દોલતભાઈ પી. દેસાઈના અધ્યક્ષપણા હેઠળ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેવાસમિતિ ટ્રસ્ટ, ધરમપુર, જિલ્લો વલસાડ તા. ૫-૨-૧૯૯૭ના રોજ રજિસ્ટર થયું છે. 

આ ટ્રસ્ટની સ્થાપના રામકૃષ્ણ મઠ અને મિશનના તેરમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજની પ્રેરણાથી થઈ છે. આ સમિતિ શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી, સ્વામી વિવેકાનંદ તેમજ રામકૃષ્ણ મિશનના ભાવ અને આદર્શ – વિચારસરણીને કેન્દ્રમાં રાખી એના પ્રચાર અને પ્રસાર માટે અધ્યાત્મ, શિક્ષણ, આરોગ્યસેવાના ક્ષેત્રે ધરમપુર અને આજુબાજુનાં વિસ્તારો, શહેરો તેમજ દૂરસુદૂરનાં ગામડાંમાં વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. 

ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશો

* શ્રીરામકૃષ્ણદેવ દ્વારા પ્રસ્થાપિત તેમજ જીવનમાં પ્રત્યક્ષ કરી શકાય તેવા સર્વસ્વીકૃત વેદાંતનું અધ્યયન તેમજ તેનો પ્રચાર-પ્રસાર. * ભારતીય સંસ્કૃતિનું જતન તથા તેના અમૂલ્ય સંસ્કાર-વારસાને જાળવવા તેમજ સમૃદ્ધ કરવા; પ્રચાર કરવો – એ માટે જરૂરી સાહિત્ય પ્રસિદ્ધ કરવું તથા રામકૃષ્ણ-વિવેકાનંદના સાહિત્યનું રાહતદરે વિતરણ અને રાહતદરે વેચાણ કરવું. * વિદ્યાલયો, મહાવિદ્યાલયો, અનાથાલય, અસક્ત, અપંગ, અંધજન અને પીડિતને સહાય કરવી. * દિવ્ય શક્તિને અભિવ્યક્ત કરવા કળા, વિજ્ઞાન અને રમતગમતની પ્રવૃત્તિઓ યોજવી. * શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ તેમજ અન્ય મહાનુભાવો દ્વારા આધ્યાત્મિક, શૈક્ષણિક, બૌદ્ધિક પરિસંવાદ અને પ્રવચનો યોજવાં. * કોઈ પણ નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના ઉપર્યુક્ત પ્રવૃત્તિઓ થાય છે.

ટ્રસ્ટની આજ સુધીની પ્રવૃત્તિઓ અને એની ફળશ્રુતિ :

(૧) સંસ્થાની સ્થાપના પછી થોડા જ સમયમાં ધરમપુરમાં સમડીચોકમાં સ્વામી વિવેકાનંદની ભવ્ય કાંસ્ય પ્રતિમા સ્થાપી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમવાર સ્વામીજીની આવી પ્રતિમાની સ્થાપના થઈ છે. મૂર્તિના અનાવરણ વિધિ વખતે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના તત્કાલીન અધ્યક્ષ રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ તેમજ રામકૃષ્ણ સંઘના અન્ય સંન્યાસીઓની નિશ્રામાં ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું.

કાર્યક્રમમાં આધ્યાત્મિક પ્રવચનો, વિદ્યાર્થીઓના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ડોક્ટરો તેમજ શિક્ષકો માટે શિબિરનું આયોજન થયું હતું. વિદ્યાર્થી શિબિરમાં ૩૫૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આવા કાર્યક્રમોને લીધે સમિતિના ઉદ્દેશોને પાર પાડવાનો પાયો નખાયો. પવિત્ર ત્રિપુટીના ભાવઆદર્શની લોકોને જાણ થઈ, રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓથી લોકો વાકેફ થયા અને વધુ જાણવાની ઉત્કંઠા જાગ્રત થઈ. વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસરુચિ જાગ્યાં, રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય વાંચવા પ્રેરાયા. જંગલ વિસ્તારના કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષિત થયા. ૧૨મી જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદ જન્મજયંતી દિન, રાષ્ટ્રિય યુવદિન નિમિત્તે ધરમપુરમાં ભવ્ય રેલી કાઢવામાં આવે છે, જેમાં ૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાય છે.

ધો. ૫ થી ૭ અને ૮ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્વામી વિવેકાનંદ જીવનચરિત્રની પુસ્તક પરીક્ષાનું સંચાલન :

છેલ્લાં દસ વર્ષથી આ સંસ્થા આવી પરીક્ષા લે છે. પ્રારંભમાં ત્રણ-ચાર શાળા-મહાશાળાના ૩૦૦-૪૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતાં. આજે ૫૦ શાળા-મહાશાળાના ૩૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસે છે. ધરમપુર, આજુબાજુના ગ્રામ્યવિસ્તારો, વલસાડ જિલ્લા બહારના તાલુકા અને જિલ્લાની શાળા-મહાશાળામાં પણ આ પરીક્ષા લેવાય છે. સફળ થનાર વિદ્યાર્થીને સ્વામી વિવેકાનંદનો આકર્ષક ફોટો અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.

આને પરિણામે સ્વામી વિવેકાનંદ ભાવપ્રચાર વ્યાપક બન્યો છે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે, એમનામાં શિક્ષણની ભૂખ જાગી છે, પરીક્ષાના પ્રમાણપત્રથી કેટલાકને સદ્‌ભાગ્યે નોકરી પણ મળી છે. ધરમપુરની ઊંડાણની આદિવાસી અભણ ગ્રામ્યપ્રજામાં ગામે ગામ યુવકમંડળો રચાય છે.

ગ્રામ્ય વિસ્તારનાં છાત્રાલયોને આર્થિક સહાયતા :

છેલ્લાં ૬ વર્ષથી ધરમપુરથી ૪૦ કિ.મી. દૂર આવેલા મામાભાચા ગામમાં ચાલતાં ‘એકલવ્ય’ છાત્રાલયના ૬૦ આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓને આખા વર્ષનું અનાજ, પુસ્તકો, નોટબુક, કપડાં વગેરે આપવામાં આવે છે. છાત્રાલયમાં સવાર-સાંજ શ્રીઠાકુર, શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદની પ્રાર્થના થાય છે. પરિણામે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ શિક્ષણ તરફ વળે છે, રાષ્ટ્રિયતા સાથે ચારિત્ર્ય ઘડતર કરનાર સંસ્કારોનું ઘડતર થાય છે. નાનપણથી અધ્યાત્મ વિચારોની પ્રેરણા મળે છે.

યુવક મંડળોની સ્થાપના

ધરમપુરથી ૩૨ કિ.મી. દૂરના ગારબરડા, ૪૦ કિ.મી. દૂર સોમદર, ૪૫ કિ.મી. દૂર અવલખંડી ગામમાં યુવકમંડળોની રચના થઈ છે. આ મંડળો સ્વામી વિવેકાનંદના વિચારોનો પ્રસાર-પ્રચાર કરે છે. 

અહીં આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. ગારબરડા ખાતે ધ્યાનખંડનું મકાન પણ બન્યું છે. લોકોએ જાત-મહેનત કરીને બનાવેલા આ ધ્યાનખંડનું ઉદ્‌ઘાટન ૧૬ જૂન, ૨૦૦૭ના રોજ શારદામઠના જનરલ સેક્રેટરી અમલપ્રાણા માતાજીના વરદ્‌ હસ્તે થયું હતું.

આ ધ્યાનખંડમાં ધ્યાન, સવારસાંજ ધૂપદીપ થાય છે, અવારનવાર ભજનમંડળીનાં ભજનો યોજાય છે, ગુરુપૂર્ણિમા જેવા ઉત્સવો ઉજવાય છે. આ ગામના ૩૧ જેટલા યુવાનોએ વડોદરામાં રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા પણ લીધી છે.

આરોગ્ય સેવા

ધરમપુરથી લગભગ ૩૬ કીમી. દૂરના ઊંડાણના આદિવાસી વિસ્તારમાં દિનબારી ગામે આરોગ્ય સેવા દર મહિનાના ત્રીજા અઠવાડિયે ડોક્ટરો જઈને વિનામૂલ્યે દર્દીઓને તપાસી નિદાન કરી અને જરૂરી દવાઓ રાહતદરે આપે છે. અવડખંડી ગામમાં દર પંદર દિવસે રાહતદરે આરોગ્ય સેવા અપાય છે. અઠવાડિયામાં બે દિવસ પ્રાથમિક શાળાના ૫૫ વિદ્યાર્થીઓને દૂધ આપવામાં આવે છે. અવડખંડી, અરણાઈ, ગારબરડા ગામોને ચોમાસામાં જરૂર પ્રમાણે દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. આને લીધે ગરીબ દર્દીઓની નિ:શુલ્ક આરોગ્ય સેવા થાય છે. લોકોમાં આરોગ્યની જાગૃતિ આવે છે, વધુ બિમાર દર્દીઓને સંલગ્ન સારી હોસ્પિટલમાં લોકો લઈ જાય એ માટે ટ્રસ્ટ વ્યવસ્થા ગોઠવી આપે છે.

સ્વામી વિવેકાનંદના જીવનદર્શનનાં પ્રદર્શનો

ધરમપુર તેમજ આજુબાજુનાં ગામડાંની શાળા-મહાશાળાઓમાં જાહેર ઉત્સવ અને મેળાવડાઓમાં સ્વામી વિવેકાનંદ જીવનદર્શનનું પ્રદર્શન ગોઠવવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને લોકો સ્વામીજી વિશે જાણકારી મેળવે છે, એમનું સાહિત્ય વાંચે છે. ગામે ગામ સામે ચાલીને પ્રદર્શનો ગોઠવવા વિનંતી કરે છે.

આધ્યાત્મિક પ્રવૃત્તિઓ :

દર મંગળવારે રાતે રામકૃષ્ણ કથામૃતનું વાંચન થાય છે, દીક્ષિત શિષ્યો અને નગરજનો ભાગ લે છે. ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શ પ્રમાણે શ્રીમા સારદાદેવી જન્મજયંતી પ્રસંગે દર વર્ષે દૂરસુદૂરનાં ગામડાંમાં જઈ ગરીબ, પછાત લોકોમાં ભોજન તેમજ ધાબળાં કપડાંનું વિતરણ થાય છે. શ્રીઠાકુર, શ્રીમા સારદાદેવી અને સ્વામીજીની જન્મજયંતી અને ગુરુપૂર્ણિમા ઉજવાય છે.

સારદામઠ, વલસાડની પ્રવૃત્તિઓમાં પણ સંસ્થા સક્રિય રસ લે છે. સંસ્થાના દશાબ્દી મહોત્સવ પ્રસંગે આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને બૌદ્ધિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. રામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજ પાસેથી ૧૪૦થી વધુ ભક્તોએ મંત્રદીક્ષા લીધી છે. 

અન્ય પ્રવૃત્તિઓ :

ટ્રસ્ટ દર વર્ષે સ્વામી વિવેકાનંદના આકર્ષક ફોટાવાળા ૩ થી ૪ હજાર જેટલાં કેલેન્ડર છપાવીને રાહતદરે વેચે છે. વિદ્યાર્થીઓને અપાતી આર્થિક સહાયથી કેટલાક વિદ્યાર્થીઓ ડોક્ટર, વકીલ, એમ. ફીલ થયા છે. દર વર્ષે ૨૦ હજાર જેટલા કાર્ડ સાઈઝના સ્વામીજીના ફોટાનું નિ:શુલ્ક વિતરણ થાય છે. સ્વામી વિવેકાનંદ પુસ્તકાલયની સ્થાપનાથી રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યવાચનનો વ્યાપ વધ્યો છે. જાહેર ઉત્સવમેળામાં રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યના બુકસ્ટોલ દ્વારા મોટા પ્રમાણમાં સાહિત્યનું વેચાણ થાય છે. ટ્રસ્ટના સભ્યો અને યુવાનો બેલૂર મઠ, રાજકોટ, પોરબંદર, મદ્રાસ, હૈદરાબાદ, પુના, મુંબઈ-ખાર, જેવાં રામકૃષ્ણ સંઘનાં મહત્ત્વનાં કેન્દ્રોની મુલાકાતે પણ ગયા છે.

ભવિષ્યમાં ટ્રસ્ટે ખરીદેલી બે એકર જમીનમાં ધ્યાનખંડ, આરોગ્ય કેન્દ્ર, શ્રીમા સારદા અન્નક્ષેત્ર, મૂલ્યનિષ્ઠ શિક્ષણ કેન્દ્ર, સાધુનિવાસ અને આદિવાસી વિદ્યાર્થીઓ માટેના વિદ્યાર્થીમંદિર નિર્માણના પ્રકલ્પોનું આયોજન થયું છે.

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.