શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા જપયજ્ઞ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૨૪-૫-૦૯ થી તા. ૩૦-૫-૦૯ દરમ્યાન વિશેષ જપયજ્ઞનું આયોજન ૫૫ સાધકોની હાજરીમાં થઈ ગયું. પ્રથમ અનુભવ, કેવું હશે? શું થશે? કંટાળો આવશે કે કેમ? આખો દિવસ મન જપથી એકચક્રતા તો નહીં અનુભવે ને? જાત જાતના અને ભાત ભાતના પ્રશ્નોથી ઘેરાયેલા મન સાથે ૪૨, ૪૩ ડિગ્રી તાપમાને ૨૪મી મે, રવિવારે બપોરે ૪-૦૦ વાગ્યે શ્રીમંદિરના નીચેના હોલમાં ધીમે ધીમે સાધકો એકઠા થઈ ગયા. પ્રખર તાપ, ઉકળાટ વચ્ચે જાણે સ્વયં ભગવાન શ્રીશ્રી રામકૃષ્ણદેવની નિશ્રામાં આવવાથી એક અજબ શાતા અનુભવાઈ. શ્રીરામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજની ઝીણવટભરી સૂચનાને આધારે પ્રત્યેક સાધકોનાં મન સ્ફૂર્તિમાં આવી ગયાં.

પોતાનાં સ્વતંત્ર આસન, જપમાળા, શ્રીકથામૃત અને દિવસ દરમ્યાન કેટલા જપ થયા તેની સૂચિ માટેનું પત્રક સાથે સૌ સાધકો મુખ્ય મંદિરમાં ગોઠવાઈ ગયા અને શ્રીશ્રીઠાકુરને પુષ્પાંજલિ સમર્પિત કરી અને પ્રાર્થના કરી :

‘પોતાની આધ્યાત્મિક ઉન્નતિ માટે અને બધાંનાં ક્ષેમકલ્યાણ માટે હું આ જપયજ્ઞનો પ્રારંભ કરું છું. હું યથાસાધ્ય જપ કરીશ અને જપથી સર્વદેવદેવી સ્વરૂપ શ્રીરામકૃષ્ણ પ્રસન્ન થાઓ.’

આ પુષ્પાંજલિ સહ અમારી પ્રાર્થના અને જપ સાથે પ્રથમ દિન પૂરો થયો.

દ્વિતીય દિનથી અંતિમ દિન સુધીમાં રોજ પ્રાત: ૫ વાગ્યે મંગલા આરતી, પછી ૭ વાગ્યા સુધી જપ, ચા-નાસ્તા પછી ૮-૧૫ વાગ્યે પુષ્પાંજલિ, ૮-૩૦ થી ૯-૦૦ સુધી સંન્યાસી કે બ્રહ્મચારી અને ભક્તોનાં ભાવવાહી ભજનોમાં સાધકો પૂરા એકાકાર બની ગયા. ભજનો પૂરાં થયાં બાદ શ્રીમંદિરમાં જ ફરી જપ શરૂ થયા. ૧૦-૩૦ વાગ્યે અલ્પાહાર પછી ૧૧-૦૦ થી ૧૧.૩૦ સુધી રાયપુર આશ્રમના સચિવ શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ, સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજ, સુખાનંદજી મહારાજ, સ્વામી સર્વસ્થાનંદજી મહારાજ, માયાતીતાનંદજી મહારાજ, વિર્નિમુક્તાનંદજી મહારાજ, મંત્રેશાનંદજી મહારાજ, નિખિલેશ્વરાનંદજી મહારાજની પ્રેરક વાણીથી પ્રત્યેક સાધકના મનમાં ઉઠતા પ્રશ્નોનું નિરાકરણ થયું હોય તેવું સૌએ અનુભવ્યું. આ જ ક્રમે સાંજે ૪-૦૦ થી ૪-૩૦ સુધી વિવિધ સ્વામીજીઓનાં પ્રેરક ઉદ્‌બોધન રહ્યાં હતાં. જેમાં ‘જપનું મહત્ત્વ, રોજબરોજના જીવનમાં સાધક કેવો હોવો જોઈએ?’ જેવાં મર્મજ્ઞ પ્રવચનોનો લાભ સાધકોને સાંપડ્યો તેને જ ઠાકુરની અહેતુક કૃપા, એમનો જ પ્રસાદ સમજવોને! બપોરે ૧૨.૩૦ વાગ્યે ભોજનપ્રસાદ પછી ૨.૩૦ સુધી વિશ્રામ. ત્યારબાદ ૪ વાગ્યા સુધી શ્રીમંદિરમાં જપ શરૂ થતા. ૪.૩૦ વાગ્યે ચા-નાસ્તો રહેતો. ફરી ૫ થી સંધ્યા આરતી સુધી જપ અને સંધ્યા આરતી પછી ૯ વાગ્યા સુધી જપ ચાલુ રહેતા. રાત્રે પ્રસાદ પછી પોતાના ઓરડામાં ૧૦ વાગ્યે આશરે ૧૫ મિનિટ કથામૃત વાંચન અને ફરી અડધો કલાક જપ કરીને પછી બધા સાધકો વિરામ કરતા.

ભલે યંત્રવત્‌ પણ નામ તો શ્રીપ્રભુનું લેવાય છે ને! શ્રીશ્રીઠાકુર કથામૃત વચનોમાં કહેતા તેમ ગંગા કાંઠે ડૂબકી મારીને સ્નાન કરતો માણસ કે કોઈના ધક્કાથી ગંગામાં પડેલો માણસ ગંગાના પવિત્ર જળનું પુણ્ય એકસરખું જ પામે છે ને? શ્રીશ્રીમાના વચનામૃતમાં ‘જપાત્‌ સિદ્ધિ જપાત્‌ સિદ્ધ’નું શું અને કેટલું મહત્ત્વ છે, તેનો પ્રત્યેક સાધકે આ અઠવાડિયા દરમ્યાન થોડે ઘણે અંશે અનુભવ કર્યો જ. તે જ તો શ્રીશ્રીઠાકુરની કૃપા કહેવાય ને!

સવાર-સાંજ ચા, કોફી, દૂધ, નાસ્તો અને બપોરે ગીતાનો એક અધ્યાય તો સાંજના વાળુ વખતે બીજા અધ્યાયનું પઠન પણ અવિસ્મરણીય બની રહ્યા.

અખબારથી દૂર, ટી.વી. ચેનલોથી દૂર જાણે કોઈ એકાંત પ્રદેશમાં આવી ગયા હોઈએ તેવું – જેમ જેમ જપયજ્ઞના દિવસો પૂરા થતા આવ્યા ત્યારે – પ્રત્યેક સાધકે અનુભવ્યું.

જપયજ્ઞના અંતિમ દિવસે જપયજ્ઞમાં બેસનાર પ્રત્યેક સાધકે શ્રીઠાકુર, શ્રીશ્રીમાનાં ચરણોમાં પ્રાર્થના કરી :

મેં યથાશક્તિ કરેલ આ જપયજ્ઞનું સંપૂર્ણ ફળ સર્વદેવદેવી સ્વરૂપ ભગવાન શ્રીરામકૃષ્ણને સમર્પિત કરું છું.

જપયજ્ઞ પૂરો થયો પણ શ્રીશ્રીઠાકુર જેમ કથામૃતમાં સ્વમુખેથી વચનો કહે છે તેમ : ‘જેની જેવી પૂંજી તે પ્રમાણે તે ચીજની કિંમત કહી શકે.’

તો શ્રીશ્રીકથામૃતનાં બીજાં વચનો યાદ આવ્યાં : ‘અરે, મન વેડફી નાખવું નહિ! સાધુ સંગ, ઈશ્વર સંબંધી વાતો સાંભળવી. કામકાંચનના નશામાં ચકચૂર સંસારીઓએ જરા જરા ચોખાનું ધોવાણ પીવું જેથી નશો ઓછો થાય.’

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.