(પી.જી. વિજય સેરીચંદ અને શૈલેશ આર. શુક્લે ૧૯૯૪-૯૫માં હાથ ધરેલ કેઈસ સ્ટડીઝમાંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત છે. – સં.)

જો રંધાતાં રોટલી-રોટલાને ફેરવવામાં ન આવે તો એ બળી જાય છે. એવી જ રીતે શિક્ષકોએ પોતાની જાતને અભ્યાસોન્નત બનાવવા હંમેશાં શીખવાની તકો શોધવી જોઈએ. જો એ ન થાય તો તેઓ એક સ્થગિત અવસ્થાના શિક્ષક બની જાય. સૌરાષ્ટ્રના સુખ્યાત કેળવણીકાર સમર્થ વહીવટકાર અને સંસ્કૃતના વિદ્વાન શ્રી ડોલરભાઈ માંકડનો હું વિદ્યાર્થી હતો. એમનો મારા પર ઘણો મોટો પ્રભાવ પડ્યો છે. ધોરાજીની ગોપાલદાસ મહાવિદ્યાલય અને અલિયાબાડા અધ્યાપન મંદિરમાં મેં અભ્યાસ કર્યો હતો. આ બંને સંસ્થાએ મને શિક્ષક બનવા માટે, સારા શિક્ષક બનવા માટે ઘણી પ્રેરણા આપી છે. મહારાજા ભગવદ્‌સિંહજીના વખતમાં સૌરાષ્ટ્રના ગોંડલ રાજ્યમાં ફરજિયાત શિક્ષણપ્રથા હતી. તેઓ દીર્ઘ દૃષ્ટિવાળા શાસક હતા. એમના કુશાગ્ર બુદ્ધિના શૈક્ષણિક વહીવટનો હું પ્રશંસક રહ્યો છું. અમારા ગામડામાં સાક્ષરતા અભિયાન ચાલતું હતું ત્યારે શિક્ષણનું પ્રમાણ ઘણું સારું અને ઊંચું હતું. સાક્ષરતા અભિયાન માટે મારા કેળવણીના આદર્શ કંઈ આવા હતા :

* શાળાના ભૌતિક વાતાવરણમાં સુધારણા લાવવી.

* બાળકો પોતાની મેળે વ્યવસ્થાપન કરતાં શીખે એ માટે વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત બાલહાટ ચલાવવી.

* બાળકોની લેખન પ્રવૃત્તિ અને અભિવ્યક્તિની કળા વિકસે એટલા માટે બાળકોએ રચેલી કૃતિઓનું પ્રકાશન કરવું.

* બાળકોમાં સર્જનાત્મક કાર્ય પ્રવૃત્તિઓનો વિકાસ કરવો.

* રામાયણ અને ગીતાના મહાન ઉપદેશોની વાતો કરવી.

* શાળામાં શિક્ષક સહકારી મંડળી ચલાવવી.

જ્યારે મેં મારી એ શાળામાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેની પરિસ્થિતિ આરોગ્યને હાનિકારક હતી. લોકો શાળાના મેદાનમાં કચરો ફેંકી દેતા અને ખુલ્લામાં કુદરતી હાજતે પણ જતા. મેં એમને એમ ન કરવા સમજાવ્યા, પણ મારા શબ્દો એમના બહેરા કાને અથડાયા. મેં મનોમન નક્કી કર્યું કે ભલે લોકો આ વિદ્યાલયના મેદાનને ગંદુ કરે પણ દરરોજ હું મારી જાતે એને સાફ કરીશ. શાળાના આંગણાને ચોખ્ખું રાખવા માટેની મારી આ નિયમિત વાળવાની પ્રવૃત્તિમાં ધીમે ધીમે મારા વિદ્યાર્થીઓ અને સહસાથીઓ પણ નિયમિત રીતે જોડાવા માંડ્યા. આના પરિણામે લોકોના હૃદય પર એની અસર થઈ અને શાળાના મેદાનનો આવો ઉપયોગ ન કરવાનું એમણે નક્કી કર્યું અને શાળાની ગંદકી ગઈ. શાળાના મેદાનને દરરોજ સાફ કરવાની અને એને સાફસુથરું રાખવાની આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓની દૈનિક પ્રવૃત્તિ બની ગઈ. હું સ્પષ્ટપણે માનું છું કે શાળાના ખંડ, શાળાનું મેદાન, એની ઓસરીઓ વગેરે આરોગ્યકારક અને સ્વચ્છ સુઘડ રહેવાં જોઈએ. તો જ બાળકો ત્યાં સારી રીતે ભણી શકે અને રમતો રમી શકે. શિક્ષકો જ આવું વાતાવરણ સર્જી શકે.

બાલહાટ

શાળામાં બાલહાટની યોજના ત્રીસેક વર્ષ પહેલાં દાખલ કરવામાં આવી હતી. આ બાલહાટના ત્રણ મુખ્ય હેતુઓ છે :

* નાની નાની ચીજવસ્તુઓના વેંચાણ વેપાર પર આધારિત શિક્ષણ દ્વારા બાળકોને શીખવાનો અનુભવ પૂરો પાડવો.

* બાળકોને સારી સુવિધાઓ પૂરી પાડવી, એનું સંચાલન વિદ્યાર્થીઓ પોતે જ કરતાં શીખે અને આવાં કાર્ય કર્યાનો ગર્વ પણ બાળકો અનુભવે.

* વિદ્યાર્થીઓના સાર્વત્રિક કલ્યાણની પ્રવૃત્તિઓ માટે બાલહાટ પ્રવૃત્તિ દ્વારા નાનું એવું એક ભંડોળ ઊભું કરવું.

બાલહાટનું સંચાલન બાળકો પોતે જ કરે છે, અલબત્ત શિક્ષકો એમને આવશ્યક માર્ગદર્શન આપતાં રહે છે. બાળક માટે ઉપયોગી ચીજવસ્તુઓની કીમત બને તેટલી ઓછી રાખવાનો પ્રયાસ હોય છે. ચીજવસ્તુઓ ખરીદવામાં અને બાલહાટ સુધી પહોંચાડવા માટે અમારી શાળાના એક અંધ શિક્ષકે એક સૂચન કર્યું કે તે પોતે મોટા શહેરની દુકાનમાંથી આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો ખરીદીને લાવશે અને એમાં કોઈ વધારાનો ચાર્જ આપવો નહિ પડે. એનું કારણ એ છે કે તેઓ અંધ હતા અને એમને બસ ભાડું આપવાનું ન હતું. આવી કરકસરથી સારી એવી રકમનો બચાવ વિદ્યાર્થીકલ્યાણની પ્રવૃત્તિ માટે થઈ શકે. આ બાલહાટની પ્રવૃત્તિ ઘણી સફળ રહી હતી. બાળકોને બાલહાટ ચલાવવામાં આનંદ આવતો હતો અને શાળાને દર વર્ષે વિદ્યાર્થી કલ્યાણની વિવિધ પ્રવૃત્તિ માટે આવશ્યક ભંડોળ મળી રહેતું. આ એક વ્યાવહારિક શિક્ષણનું મહત્ત્વનું પાસું છે. વિદ્યાર્થીઓ એના દ્વારા ચીજવસ્તુઓ ખરીદતાં શીખે, એનું વેંચાણ કરતાં શીખે અને કરકસર કરીને સૌના કલ્યાણ માટે ભંડોળ એકઠું કરતાં શીખે. ‘સહનાવવતુ સહનૌભુનક્તુ’નું આ ઉત્તમ શિક્ષણ છે.

લેખન અને વિવિધ પ્રવાસ મુલાકાત દ્વારા શિક્ષણ

અમે જૂનાં વર્તમાનપત્રો એકઠા કરતા અને વિદ્યાર્થીઓને એમાંથી વાંચીને વિવિધ વિષયના નાના મોટા લેખો લખાવતા. આ બધા લેખોમાં સાહિત્ય, રસપ્રદ અને પ્રેરક ઘટનાઓ, નાની ચિત્રવાર્તાઓ, નાની કથાવાર્તાઓ અને વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસકાળમાં જીવનમાં શીખવા જેવી બાબતો લખાવતા અને શીખવતા. આ દ્વારા વિદ્યાર્થીઓ સમાચાર પત્રો બરાબર સમજણથી વાંચે, એમાંથી ઉપયોગી અને પ્રેરક બાબતો તારવતાં શીખે, જે તે વિષય પર તેઓ પોતાની રીતે લેખન કાર્ય કરીને અભિવ્યક્તિની આગવી કળા પણ કેળવે છે. અલબત્ત, વિવિધ સ્રોતમાંથી આવી વિષય વસ્તુ એકઠી કરવામાં આવે છે પણ ક્યારેક વિદ્યાર્થીઓની સ્વાભાવિક સ્વયંભૂ અભિવ્યક્તિવાળી મેટર પણ આવી જાય છે. આ બધું જે તે વિદ્યાર્થીઓના નામજોગ કરવાનું હોય છે.

દેશ-વિદેશની જીવંત વિભૂતિઓનાં મહાકાર્યો એમની તસવીર સાથે એક નોંધ રૂપે લખાય છે. કોઈ મહાન સદ્‌ગત વ્યક્તિનું રેખાચિત્ર શબ્દમાં અને ચિત્રોમાં રજૂ કરે છે. આ માટે વિદ્યાર્થીઓ જુદા જુદા સ્રોતમાંથી અલભ્ય ચિત્રો લાવે છે એને યોગ્ય ક્રમમાં ગોઠવીને એના અંગેનું લેખનકાર્ય કરે છે. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં રહેલી સર્જનાત્મક વૃત્તિને કેળવી શકાય છે અને ચાલુ અભ્યાસક્રમની સાથે એક શક્ય તેટલી સમાંતર શિક્ષણની પ્રવિધિ પૂરી પાડી શકાય છે.

ભીંતપત્ર, સંચયનપત્ર, માહિતીપત્ર જેવી લેખન પ્રવૃત્તિઓનું સમયાંતરે વિદ્યાર્થીઓ દ્વારા હસ્તલિખિત અંક રૂપે પ્રસિદ્ધ થાય તો એક ઉત્તમ સર્જનકૃતિ રચ્યાનો આનંદ જે તે વિદ્યાર્થીઓ મેળવી શકે.

અમે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને જુદી જુદી સારી શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાતે પણ લઈ જતા. કેટલીક સારી તંદુરસ્ત સહકારી અને પંચાયતની મુલાકાતો પણ લેતા. એના દ્વારા આવી સંસ્થાઓના તંદુરસ્ત અને સર્વ કલ્યાણકારી સંચાલનનું એક આદર્શ ઉદાહરણ એમની સમક્ષ રાખવાનો પ્રયત્ન કરતા. એક બીજો પ્રયોગ પણ મેં બીજા સહસાથીઓની મદદથી કર્યો. આપણાં મહાકાવ્ય રામાયણ અને મહાભારત તેમજ મહાન આધ્યાત્મિક અને પ્રેરણાદાયી ગ્રંથ ભગવદ્‌ ગીતામાંથી બાળકોને જલદી ગળે ઊતરે તેવાં સુવાક્યો, કથનો પસંદ કરીને તેનું આલેખન વિદ્યાર્થીઓ દ્વારા કરાવતા. આના દ્વારા વિદ્યાર્થીઓ આપણા પ્રાચીન મહાન અને પ્રેરણાદાયી ગ્રંથો વિશે જાણે, એમાંથી ઉપયોગી આદર્શો વાંચે, સમજે અને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે તો બધા ભાવિ નાગરિકો આદર્શ નાગરિકો બની શકે.

આજના વિદ્યાર્થીઓ ટેલિવિઝનથી જરાય અજાણ નથી, એટલું જ નહિ પણ બધાં ડિજિટલ પ્રસાધનોનો ઉપયોગ કરતાં પણ તેમને આવડે છે. મોબાઈલ ફોન, કંપ્યુટર, ઈન્ટરનેટનું સંચાલન કરી શકે છે અને એના દ્વારા ઘણું ઘણું શીખી શકે છે. આમાં શરત એક માત્ર છે કે જે તે વિદ્યાર્થીઓ આ બધાં પ્રસાધનોના અવળા રવાડે ચડી ન જાય.

એ જમાનામાં ટેલિવિઝન નવું નવું આવ્યું હતું. મોટાં શહેરોમાં આ બધું જોવા મળતું. ઘણાં બાળકો નિયમિત રીતે ટીવીના કાર્યક્રમો જુએ છે. એમનાં વર્તન પરિવર્તન અને એમની કેટલીક ખાસિયતોને કારણે હું ઘણીવાર વિદ્યાર્થીઓને પૂછતો, ‘સામાન્ય રીતે તમે ટીવીમાં સૌથી વધારે શું જુઓ છો?’ એમનો સીધો સાદો જવાબ રહેતો: ‘ફિલ્મનાં ગીતો – ચિત્રહાર.’ મેં એ જોયું કે વિદ્યાર્થીઓ આવા કાર્યક્રમો દ્વારા એક કાલ્પનિક દુનિયામાં રાચતા રહેતા. આ ટીવી પણ શિક્ષણની દૃષ્ટિએ એક શક્તિશાળી માધ્યમ બની શકે, એમ મેં વિચાર્યું. તેનો અતિ ઉપયોગ કે દૂરુપયોગ બાળકો ન કરે તે માટે માતપિતા અને શિક્ષકોએ વધુ સાવધ રહેવાની જરૂર છે. એમણે પણ ક્યારેક આવા કાર્યક્રમો જોવામાં સંયમ કેળવવો પડે. હું વિદ્યાર્થીઓને સમજાવતો કે ટીવીના પડદે રજૂ થતાં દૃશ્યોમાં કલ્પનાનો મનોવિહાર વધારે હોય છે અને દૈનંદિન જીવનમાં જે બને છે એ કંઈક એનાથી જૂદું હોય છે. કેટલાક વિદ્યાર્થીઓને ગળે આ વાત ઊતરતી અને તેઓ દૂરદર્શનના સારા અને પ્રેરક કાર્યક્રમો નિહાળવાનું પસંદ કરતા.

શાળાના સુસંચાલન માટે નાણાકીય સ્રોત ઊભો કરવો

ઘણે સ્થળે જોવા મળે છે તેમ વિદ્યાર્થી દાખલ થાય અને શાળા છોડી જાય ત્યારે સાધન-સંપન્ન વાલી પાસેથી, ભૂતપૂર્વ સાધન-સંપન્ન વિદ્યાર્થીઓ પાસેથી શાળાની ભૌતિક સુવિધાઓ વધારવા, બાલહાટનું સાચું સંચાલન કરવા, વિદ્યાર્થી કલ્યાણની અને અભ્યાસપૂરક પ્રવૃત્તિઓનું સંચાલન કરવા, તેમજ વિદ્યાર્થીઓની સારી સિદ્ધિ માટે પ્રોત્સાહક પારિતોષિકો આપવા માટે ઘણું સારું ફંડ એકઠું કરી શકાય.

પ્રારંભમાં મને બહુ સારો આવકાર આ કાર્ય માટે મળ્યો નહિ. એટલે મેં વ્યક્તિગત રીતે કેટલાક સદ્‌ ગૃહસ્થોને શાળાના સત્કલ્યાણ નિધિ માટે કંઈક પુષ્પ પાંદડી આપે એ માટે કામ કરવાનું નક્કી કર્યું. મારે શાળા માટે કેટલીક પાટલીઓની આવશ્યકતા હતી. મેં એક ગામડાના સુથારનો સંપર્ક કર્યો. મેં એમને ફુરસદના સમયે મજૂરી વિના આવી પાટલીઓ શાળા માટે બનાવી દેવા વિનંતી કરી. તેનું સુથારી કામ સારું ચાલતું હતું અને એમાંથી ઠીક ઠીક કમાઈ શક્યા હતા. વિદ્યાર્થી કલ્યાણની આ વાત એણે હસતે મુખે સ્વીકારી અને ઓછામાં ઓછી કીમતે તેમણે શાળા માટે પાટલીઓ બનાવી દીધી. એ સુથારમિત્રને શાળા માટે કંઈક કરી છૂટ્યાનો કંઈક આત્મસંતોષ મળ્યો અને હું શાળાને આડકતરી આર્થિક સહાય કરી શક્યો. હું માનું છું કે આર્થિક રીતે પછાત વિસ્તારોમાં આવી રીતે શાળા માટે વિવિધ સ્રોતો ઊભા કરીને શાળા અને વિદ્યાર્થીઓનું મહત્તમ કલ્યાણ શિક્ષક કરી શકે. સામાન્ય રીતે આવા વિસ્તારમાં મોટા ભાગનાં મા-બાપ કારીગર કે મજૂર જ હોય છે. તેઓ પણ ૨૦ થી ૫૦ રૂપિયા સુધીનું દાન આપીને શાળાનું ભંડોળ વધારી શકે. શ્રમદાન આપીને પણ શાળાને સહાયરૂપ બની શકે. શાળાને વધુ સાધન-સંપન્ન બનાવવા મેં સમાજના બીજા લોકોનો સંપર્ક સાધવાનો શરૂ કર્યો અને આ રીતે શાળામાં અમે રેડિયો -ટેપ, શારીરિક શિક્ષણ અને વ્યાયામનાં સાધનો, સંગીતનાં સાધનો જેવી સાધનસુવિધા ઊભી કરી શક્યા. આર્થિક પછાત વિસ્તારના શિક્ષણની ગુણવત્તા સુધારણામાં આવાં સાધનો ઘણો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની સહાયથી શાળામાં ઈન્ટરકોમ સિસ્ટમ પણ લાવી શક્યા. એવી જ રીતે સ્વચ્છ પાણી માટેની ટાંકી અને દરેક વર્ગમાં વીજળીબત્તીની સુવિધા પણ ઊભી કરી શક્યા હતા.

ગ્રામ્ય સમાજ અને માધ્યમિક શાળા વચ્ચે સંપર્ક સેતુ

ગ્રામ્ય સમાજ સાથેના મારા સંબંધો મને ક્યારેક પરસ્પર વિરોધી હોય એવું લાગે છે.વ્યક્તિગત રીતે હું માનું છું કે પ્રાથમિક શિક્ષણમાં પંચાયતી વહીવટના ગેરફાયદાઓ વધારે છે અને ફાયદાઓ નહિવત્‌ છે. સાથે ને સાથે અમારે પંચાયતના સભ્યોની બનેલી એક શૈક્ષણિક કાર્યસમિતિ પણ હતી. આ સમિતિના સભ્યો શાળાની પ્રવૃત્તિના વિકાસમાં સક્રિય ભાગ અને રસ લેતા. અમે પે-સેન્ટર શાળાની એક મિટિંગમાં મધ્યાહ્‌ન ભોજન સમિતિમાં પંચાયતના સભ્યોને ભાગ લેતા કરવા અને એમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો. શાળાના વીજળીના બિલ પંચાયત દ્વારા ચૂકવાય છે. જો શિક્ષકોને એવું લાગે કે દૂરદર્શનના કોઈ ચોક્કસ કાર્યક્રમો શૈક્ષણિક રીતે મહત્ત્વના છે તો શાળાના મેદાનમાં દરેકેદરેકને બેસવાની વ્યવસ્થા કરીને એ કાર્યક્રમ સૌ સાથે બેસીને નિહાળતા. શાળાની આંતરિક બાબતોની ચર્ચા ગામમાં કે પંચાયતમાં ન કરવી અને ગામના કે પંચાયતના રાજકારણને સ્કૂલમાં ન લાવવું આ એક મારો સિદ્ધાંત અને આને લીધે પંચાયત સાથેના અમારા સંબંધો વધુ સારા બનાવવામાં મદદ મળી. ગામની માધ્યમિક શાળાના શિક્ષકો સાથે પણ અમે સારા સંબંધો જાળવ્યા હતા. આને લીધે ગણિત વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં અમને અભ્યાસ અંગે ઘણું માર્ગદર્શન અને પ્રત્યક્ષ શિક્ષણ મળતું. સાથે ને સાથે માધ્યમિક શાળાની પ્રયોગશાળાનાં સાધનોની સહાયથી અમે પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓને કેટલાક વિજ્ઞાન પ્રયોગોનું નિદર્શન પણ કરાવતા. આને લીધે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તા વધતી અને આગળ અભ્યાસ માટે જતાં પહેલાં માધ્યમિક શાળાના શિક્ષણનો એક સારો મહાવરો મળી રહેતો. બીજા અર્થમાં કહીએ તો શિક્ષણમાં આગેકદમ કરવા માટે કેળવણીનું ભાથું મળી રહેતું. શિક્ષકે આ કાર્ય કરવાનું છે, અને એ કરતા રહે તો બધું સમુસૂતર ચાલે.

સહસાથીઓને સથવારે કેળવણીની કાવડ ફેરવવી

૧૯૮૪માં મને ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળ્યો. અલબત્ત, આ યશના સહભાગી મારા બધા સહશિક્ષકો પણ ખરા. મેં હંમેશાં રચનાત્મક અભિગમ સાથે સંબંધો કેળવવાનો આગ્રહ રાખ્યો છે. મોર કેટલું સુંદર પક્ષી! પણ એને પીંછાં ન હોય તો! સુંદર મોર બનવા માટે અદ્‌ભુત રંગના મિશ્રણવાળાં પીંછાં પણ લગાડવા પડે. અમારા પે-સેન્ટર સાથે સંલગ્ન પ્રાથમિક શાળાઓના શિક્ષકોને હું શાળાની સાર્વત્રિક ઉન્નતિ અને વિદ્યાર્થીઓના સાર્વત્રિક વિકાસ માટે કામ કરવા અને પોતાની જાતને એમાં પરોવી દેવા પ્રેરતો. અમારા શિક્ષકોમાંથી એકે એક શિક્ષકે શાળાની મરામતની જવાબદારી લીધી. એ સ્વાભાવિક છે કે બધા શિક્ષકો આવી પ્રવૃત્તિઓમાં એકી સાથે સામેલ ન પણ થઈ શકે. એટલે પ્રવૃત્તિઓ પ્રમાણે અને શિક્ષકની રસરુચિ અને કાર્યનિષ્ઠાને ધ્યાનમાં રાખીને અમે વારાફરતી પ્રવૃત્તિની જવાબદારીની વહેંચણી કરતા રહેતા. ૧૯૯૫માં અમે બે પ્રાથમિક શાળાની માળખાકીય સુવિધાઓમાં સુધારણાનો પ્રકલ્પ હાથમાં લીધો છે. એક સારી કમાણી કરતા ડોક્ટરને એ બે શાળામાંથી એકનો આર્થિક ખર્ચ ભોગવવા વિનંતી કરી. અને એણે સહર્ષ સ્વીકારી પણ લીધી. અમે અમારી પ્રાથમિક શાળાના સહસાથીઓને અવારનવાર મળતા, એમની વિવિધ સમસ્યાઓ સાંભળતા, એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરતા. આમ સામુહિક રીતે શિક્ષણ જગતની અને શાળાની ભૌતિક સમસ્યાઓનો ઉકેલ લાવવાનો અમારો પ્રયત્ન રહેતો. આવી પ્રવૃત્તિઓને લીધે હું નવા નવા શિક્ષકોને સારી રીતે કેળવવાની કળા શીખ્યો. મારી એવી અપેક્ષા છે કે એ બધા શિક્ષક મિત્રો આ ‘સહનાવવતુ સહનૌભુનક્તુ સહવીર્યં કરવાવહે’ની પ્રવૃત્તિ ચલાવતા રહેશે. રોટલા કે રોટલીને સારી રીતે પકવવા માટે તાવડીમાં થોડી થોડીવારે ફેરવવાં પડે છે, નહિ તો એ બળી જાય. એવી જ રીતે શિક્ષકે પણ નવું નવું અને સારું શીખવાની કળા જીવનમાં અપનાવવી જોઈએ. આ હશે તો નવું શીખવાની ઘણી તકો સાંપડશે અને પરિણામે શિક્ષક નવનીત જેવો રહેશે, વાસી રોટલાના ટુકડા જેવો નહિ. એ સ્થગિત નહિ બની જાય પણ સદૈવ ચાલતો રહેશે. ચાલતો માણસ જ હંમેશાં મીઠાં ફળ પામે છે – ચરન્‌ વૈ મધુ વિન્દતિ.

શિક્ષક સંઘના સક્રિય સભ્ય રૂપે પણ મેં હંમેશાં અભ્યાસ વર્તુળની પ્રવૃત્તિમાં સક્રિય રસ લીધો હતો અને એ દ્વારા શિક્ષકોની અભ્યાસકીય ઉન્નતિ કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાથમિક શાળામાં સંશોધન કેન્દ્રની સ્થાપના માટે પણ પ્રયાસ અને કાર્ય કર્યાં છે. આ બધાં એકાદ-બે વર્ષમાં તૈયાર થઈ ગયાં હતાં. આજે તો સી.આર.સી. (ક્લસ્ટર રિસોર્સ સેન્ટર) અને બી.આર.સી. (બ્લોક રિસોર્સ સેન્ટર) જેવાં શિક્ષણ સંસાધન કેન્દ્રો રાજ્ય સરકાર ચલાવે છે. આવાં કેન્દ્રોને સરકાર પૂરતી નીભાવ ગ્રાન્ટ પણ ફાળવે છે. આવાં કેન્દ્રો બહુ હતાં નહિ એ વખતે અમે આવી પ્રવૃત્તિઓમાં રસ લેતા. એના દ્વારા શિક્ષકો શિક્ષણની સમસ્યાઓ વિશે જાણી શકે, એના પર સમસ્યાઓના ઉકેલ માટે વિચાર-વિનિમય કરી શકે અને પરસ્પરના સુસંવાદી વિચારને આધારે તેઓ એમનો ઉકેલ પણ શોધી શકે છે. શિક્ષણ સુધારણાનું આ એક અત્યંત મહત્ત્વનું સોપાન છે, એમ હું માનું છું. માહિતીનું આદાનપ્રદાન, દૃશ્યશ્રાવ્ય શૈક્ષણિક સાધનોનું આદાન પ્રદાન કરીને પણ આપણે શિક્ષણમાં સારી સુધારણા લાવી શકીએ. નિવૃત્તિ પછી પણ હું મારા શિક્ષણના આદર્શોને અનુસરીને આદર્શ પ્રાથમિક શાળા શરૂ કરવાનું વિચારું છું. એના દ્વારા સારા શિક્ષકો આ અજ્ઞાનના અંધારાને દૂર કરી શકે.

આ છે શિક્ષકનું ઇતિ કર્તવ્ય.

Total Views: 68

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.